ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૫
આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની મસ્તી કરી હોય એવુ અનુમાન બહાર આવ્યુ હતું. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી છે. હવે આગળ...
સધકીએ એનાં ઘરે આયોજિત શનિવારીય બેઠક દરમ્યાન સૌને એના અમિતભાઈ માટે યોગ્ય ઠેકાણુ શોધવા વિનંતી કરી. એમાં પણ કેતલા કીમિયાગારને બિઝનેસ દેખાયો. એ આ ચેલેન્જ એક મહિનામાં પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ ગયો. એણે જાહેરાત કરી દીધી કે આવતી શનિવારીય બેઠક પહેલાં આ અમિતભાઈના માથા પર તથા હાથમાં મહેંદી સાથે ગાલ પર પીઠી ચોળાઈ ગઈ હશે અને ભાવલાએ ભાલ કૂટ્યુ.
કેતલો કીમિયાગાર ખરેખર એક ચાલાક અને ચાલબાજ વ્યક્તિ હતો. એની શાતિર ખોપરી અને ચક્કર બુદ્ધિ સતત કાર્યરત રહેતા. નીતનવા કીમિયા કરવા એ એની હોબી બની ચૂકી હતી. એટલે એને કેતલો કીમિયાગાર તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી.
આ મિત્ર વર્તુળની ફોઈ એટલે ધૂલો હરખપદૂડો. આખા ગ્રુપના દરેક સભ્યનું એના સ્વભાવ અનુસાર નામકરણ કરવાની જવાબદારી એણે સંભાળી લીધી હતી. સામે મજાની વાત એ હતી કે આ નામ સર્વ સ્વીકાર્ય જ રહેતાં. એણે પોતાની પત્ની ઈશાનું નામ ઈશા હરણી જાહેર કર્યુ ત્યારે સોનકી તરફથી વિરોધ વ્યક્ત થયો હતો. ધૂલાએ સોનલને સોનકી, હિરલને હિરકી, પ્રિતીને પિતલી, બિજલને બૈજુ તો સંધ્યાને સધકી જાહેર કરી હતી પણ ઈશાને ઈશા જ રાખી હતી.
જોકે સોનકી સિવાય અન્ય સૌએ આ વાતને, ગ્રુપની જાતે બની બેઠેલી ફોઈના અબાધિત અધિકાર હેઠળ રજીસ્ટ્રર થયેલી હોવાથી, બિનવિરોધ સ્વીકૃતિ આપી હતી. એટલે આ લડત સોનકી સણસણાટ અને ધૂલાભાઈ વચ્ચે ચાલી. ધૂલાએ બચાવ પક્ષની દલીલ તરીકે જણાવ્યુ કે ઈશાનું ઈશકી કરીએ તો ઈશ્કી બની જાય. સામે સોનકીએ પણ સણસણાટ કર્યો કે ઈશલી કે ઈશી પણ રાખી શકાય. પણ એને બાકી સભ્યો તરફથી કોઈ પણ તરફેણ મળી નહીં. આમ ઈશા એ ફોઈના વિટો પાવરથી ઈશા એ ઈશા હરણી જ રહી. સોનકી સણસણાટની સર્જીકલ સ્ટ્રાઇકનું સુરસુરિયું થઈ ગયું. વાત તો સાવ નાની હતી પણ ઈશા પોતાના પતિના પોતાના પ્રતિ પ્રેમથી પતિત પાવન પાણી-પાણી થઈ ગઈ હતી.
આ જ ફોઈએ કેતનનું કેતલો કીમિયાગાર એવુ નામકરણ કર્યુ હતુ. જાતજાતના કિમીયા કરવા એ એનો નાનપણથી શોખ રહ્યો હતો જે સમયાંતરે પ્રોફેશનમાં પલટાઈ ગયો. જોકે એ અર્થોપાર્જન માટે કોઈને છેતરે કે ફસાવે એવો એનો સ્વભાવ નહોતો. પણ એ અર્થોપાર્જન માટે સતત પ્રયત્નશીલ રહેતો. બસ આ જ એકમાત્ર કારણસર એણે અમિતના પાણિગ્રહણના પાણીદાર પડકારનો સ્વીકાર કર્યો હતો.
આમ જોવા જઈએ તો કેતલાને મેરેજ બ્યુરો ચલાવવાનો કોઈ ખાસ અનુભવ નહોતો. પણ 'યા હોમ કરીને પડો...' એ ધોરણે એ સામા પ્રવાહે તરવા આ સરિતામાં સરી પડ્યો હતો. સામે ડુબતાને તરણું ભલું એ સનાતન સત્ય સ્વીકારી સધકીએ એને અમિતભાઈની કુંડળી, એના પાંચેક વર્ષ અગાઉના ફોટાઓ અને બાયો ડેટા વોટ્સએપ પર ટ્રાન્સફર કરી દીધાં.
એણે આ જોયા બાદ એને પરિસ્થિતિની જટિલતા જણાઈ. જોકે તિર કમાનમાંથી છૂટી ગયુ હતુ એટલે ઢોળાયેલા દૂધ માટે દુ:ખી થવાનો કોઈ અર્થ નહોતો. વળી એને પોતાની કીમિયાગારી કળા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એણે બધા સામે જ સધકી સંધિવાતને રજૂઆત કરી કે આ શોધ અભિયાન અંતર્ગત 'ન નફો ન ખોટ' ધોરણે એને જે વાસ્તવિક ખર્ચ થાય એ મળવો જોઈએ. જેના માટે સધકીએ ઝડપભેર, ભાવલા ભૂસકા સામે જોયા વગર, સ્વીકૃતિ આપી દીધી. ભાવલો પ્રશ્નાર્થ નજરે ધૂલા તરફ જોઈને બોલ્યો, "યાર ધૂલા, આજે કેતલાએ ભૂસ્કો લગાવ્યો છે. ઇસ પોઇન્ટ કો નોટ કીયા જાય." સામે જવાબ ધૂલા નહીં પણ કેતલા તરફથી આવ્યો, "મિ'લોર્ડ, ઈસ સવાલ કા જવાબ તો વખ્ત હી બતાયેગા." અને સૌએ એના આ પ્રતિભાવને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.
હવે કેતલો કીમિયાગાર કામગીરી પર લાગી ગયો. એણે પોતાના સંપર્કોમાં જાણકારી ફેલાવવા તૈયારી આરંભી દીધી. એણે કોના કોના પરિવારમાં આવું કન્યા રત્ન હોઈ શકે એ વિચારમાં પડી ગયો. એને ઉગ્ર આશા હતી કે ક્યાંક તો આના માટે પણ ભગવાને જોડી રચી હશે જ, એને તો ફક્ત શોધ અભિયાન ચલાવવાનું છે.
એણે કયા કયા ઘરમાં રહી ગયેલી ડિફેક્ટિવ પૂંજી જમા છે એ તપાસ કરવાનું નકકી કર્યુ. વાંઢામાંથી અંકલ બની ચૂકેલા અમિત માટે કોઈ દીદીની તલાશ કારગર સાબિત થઈ શકે. આમાં વૈજ્ઞાનિક કારણ એ છે કે જે કન્યાને પીઠી ચોળાય એમાં રસ જ નથી એને દીદી તરીકે ઓળખ પ્રાપ્ત થાય પણ જેને કોઈએ લાઈક આપી ના હોય એવી વિવાહ ઇચ્છુક તરૂણી કન્યામાંથી સીધેસીધી આંટી બની જતી હોય છે.
આવા સુપાત્રો આપણી આસપાસ જ હોય છે. નરી આંખે જોઈએ તો પણ સહેજે જડી જાય. વળી બંને તરફથી ફી વસૂલી શકાય. એ રાત્રીએ એ મિત્રો વચ્ચે તનથી હાજર હતો પણ મનથી એણે એક મેરેજ બ્યુરોનું ઉદ્ધાટન કરી લીધુ હતું.
એને પિતલીના તારામાસી નજર સમક્ષ દેખાતાં હતાં. આ તારામાસી સારુ પાત્ર મળી જાય એ આશાએ હજી એક પાત્રી નાટકમાં મુખ્ય પાત્ર તરીકે અભિનય કરી રહ્યાં હતાં. સમસ્યા એ હતી કે એમની આ એકાંકીમાં નવુ પ્રકરણ ઉમેરણ થઈ શકે એવો નસીબદાર હજી અભાગીયો જ હતો. ટૂંકમાં હજી એમના સપનાનો માણીગર પાણીભર થયો નહોતો એટલે એમનું પાણિગ્રહણ હજી પુલકિત થવાનું બાકી હતું. ફક્ત એક જ વાત નડતર સ્વરૂપ હતી કે એમણે વન પ્રવેશ કરી લીધો હતો. એટલે એમ કહી શકાય કે એમણે અમિત કરતાં વધારે દિવાળી જોઈ હતી. વળી એમને ઘૂંટણની તકલીફ હોઈને શ્રમજનક વ્યાયામ કરવાનો મહાવરો ન હોવાથી એમનું શરીર પીપાકાર પ્રકારે પાતળુ થઈ ગયું હતું. આમ જોવા જઈએ તો ચાર ફૂટ ચાર ઇંચ જેવી પ્રતિષ્ઠિત ઊંચાઈ માટે સત્તાણુ કિલો વજન વધારે ના જ કહેવાય. આવી બધી વિચારધારાઓની ગડમથલ એના કીમીયાગાર મગજમાં કથાઓ વણતી હતી.
પિતલી પલટવાર કળી ગઈ કે એનો કંથ ક્યાં કીમીયો કરવો એની પળોજણમાં પડ્યો છે. એણે એને નેણથી ઇશારો કર્યો કે વર્તમાનમાં આવી જા. ત્યાં મૂકલા મુસળધારે મમરો મૂક્યો, "તારે વળી કયા વાસ્તવિક ખર્ચ થાય આમાં?" કેતલાએ વળતો જવાબ આપ્યો, "એવી કન્યાના વડીલોને સમજાવવા માટે એમના નજીકના સગા સંબંધીઓને ચા, પાણી, નાસ્તો કરાવવા પડે. પંડિતજીને સાથે લઈ જવા પડે અને આવન જાવનના ખર્ચ લાગે. પણ સધકી, જો તને એ ભારે પડે તો ના પાડી દે, મને કોઈ તકલીફ નથી."
સધકી સંધિવાત મૂકલા મુસળધાર પર વરસી, "મૂકેશભાઈ, તમે મમરો મૂકવાનું બંધ કરોને ભાઈ સાબ. કેતનભાઈ શું કામ ગાંઠના પૈસા ખર્ચે!" એણે બેડરૂમમાંથી પોતાની પર્સ લાવીને પાંચસોનો દસ નોટો કાઢીને કેતલાના હાથમાં થમાવી દીધી. એને કેતલામાં દેવ દર્શન થઈ રહ્યાં હતાં. એ બોલી, "કેતનભાઈ, તમે ખર્ચની ચિંતા કરશો નહીં બસ તમે આવતી શનિવારીય બેઠક પહેલાં મારા અમિતભાઈના હાથ પીળા કરી આપો."
હવે કેતલાને ભાન થયું કે આ તો સાપે છછુંદર ગળ્યુ હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે.
ભાવલાએ ભૂસ્કો માર્યો, "જોઈએ પહેલાં શું પીળુ થાય છે!"
વિનીયાએ વિસ્તારપૂર્વક અહેવાલ માંગ્યો, "કાંઈ સમજાય એવું બોલ."
ભાવલાએ કટાક્ષમાં બોલ્યો, "જોઈએ પહેલાં શું પીળુ થાય છે! અમિતના હાથ કે કેતલાનું પેન્ટ." અને સૌ મિત્રોમાં હસાહસ છવાઈ ગઈ. ફક્ત કેતલા કીમીયાગાર અને સધકી સંધિવાત આ હાસ્યમાં જોડાયા નહીં. સધકીએ ભાવલા સામે ડોળા કાઢીને જોયું તો કેતલો હસતી પિતલી તરફ નિ:સહાય નજરે જોઈ રહ્યો.
શું કેતલો આ અસંભવ એવી અભિલાષાને સંભવ કરી બતાવશે? શું કેતલો આ સંધિમાંથી કમાણી કરી શકશે? શું મિત્રવર્ગ તરફથી પેનિક ખોજની આશા રાખીને બેઠેલાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી આખી રાત અસમંજસમાં ગાળશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૬ તથા આગળના પ્રકરણો માણી આપનો પ્રતિભાવ ચોક્કસ આપશો એવી અપેક્ષાસહ આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).