Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 80

પરીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને તે બોલી કે, "ઓલ ધ બેસ્ટ, આ વખતે આખી ગેંગને પકડીને જ પાછો આવજે."
"સ્યોર..સ્યોર.. ઓકે ચલ મૂકું..અને થેન્ક યુ માય ડિયર..." અને ફરીથી સમીરે બોલવાની ભૂલ કરી જે કદાચ બંનેને મંજૂર હતી.
અને ફેસ ઉપર સ્માઈલ સાથે બંનેએ ફોન મૂક્યો.
ભૂમી પરીને કહી રહી હતી કે, "કોની સાથે વાતો કરવામાં આટલી બધી મશગુલ થઈ જાય છે? પેલો તારો પોલીસવાળો ફ્રેન્ડ હતો ને? બસ ચાલુ જ પડી જાય છે.."
"હા યાર, એ તો એક બીગ મિશન ઉપર જઈ રહ્યો છે એટલે તેને જરા ઓલ ધ બેસ્ટ કહી રહી હતી.."
"અને અહીંયા તારું ઓલ ધ વેસ્ટ થઈ જશે.. તેનું શું..?"
"ઓકે આવી ગયા ને આપણે ક્લાસમાં? સર હજુ નથી આવ્યા.." પરી બોલી.
અને એટલામાં રાકેશ સરે ક્લાસમાં એન્ટ્રી લીધી એટલે બધા જ જાણે એટેન્શનમાં આવી ગયા.
અને ભૂમી બબડી.."લે આવી ગયા બસ અને આપણે બચી પણ ગયા ઓકે?"
"બસ હવે ચૂપ કર.." પરીએ કહ્યું. અને બંને પોત પોતાની જગ્યાએ બેસી ગયા.
આ બાજુ સમીર પોતાની ટીમ સાથે અમદાવાદ પહોંચી ગયો અને તેનાં ફ્રેન્ડ બીપીન ચાવડાએ તેને જણાવ્યું હતું તેમ સુભાષ રાઠોડને મળવા માટે ઉપડી ગયો.
સુભાષ રાઠોડે અને સમીરે બંનેએ મળીને એક ચક્રવ્યૂહ રચી દીધો જેમાં હવે આકાશને ફસાયા વગર છૂટકો જ નહોતો.
એ દિવસે આખો દિવસ આકાશના બંગલાની આસપાસ અને તેની ઓફિસની આસપાસ છૂપી રીતે દેખરેખ ગોઠવવામાં આવી. આખો દિવસ પસાર થઈ ગયો પરંતુ આકાશ બંનેમાંથી એક પણ જગ્યાએ દેખાયો નહીં. અને હવે તો રાતના લગભગ બાર વાગી ગયા હતા પરંતુ આકાશ ન દેખાયો તે ન જ દેખાયો. એટલે સમીરને વિચાર આવ્યો કે તે આઉટ ઓફ સ્ટેશન તો નહીં ગયો હોય ને..?? એટલામાં સમીરના હાથ નીચેના પોલીસ કોન્સ્ટેબલનો સમીર ઉપર ફોન આવ્યો કે, "શું કરવું છે સર? આકાશ તો દેખાયો નથી તો આ દેખરેખ અત્યારે રાત્રી પૂરતી બંધ રાખીને પાછી બીજે દિવસે સવારે ગોઠવવી છે..?" સમીર પણ વિચારમાં પડી ગયો કે આ આકાશનું હવે શું કરવું? એટલામાં તેને થયું કે, દિવસે તો નથી દેખાયો ક્દાચ રાત્રે નજરે પડી જાય કારણ કે આવા બધા ધંધા કરવાવાળા માણસો રાતના રાજા હોય છે અને તે સમજતા હોય છે કે, "રાત છે આપણાં બાપની.." અને તે રાત્રે જ મેદાનમાં આવે છે અને સમીરે પોતાની વોચ જેમ ગોઠવેલી હતી તેમની તેમ જ રાખી. ઠંડીની રાત હતી રાતના લગભગ ચાર વાગ્યે આકાશની ઓફિસ પાસે એક કાર આવીને ઉભી રહી અને તેમાંથી બે માણસો બહાર નીકળ્યા જે આકાશની ઓફિસમાં ગયા અને થોડીવાર પછી બાઈક ઉપર એક માણસ આવ્યો જેણે બાઈક આકાશની ઓફિસ પાસે જ પાર્ક કર્યું અને તે પણ આકાશની ઓફિસમાં જ પ્રવેશ્યો. સમીર અને બીજા એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાં સાદા ડ્રેસમાં હાજર હતા તે આકાશની ઓફિસની બહાર છૂપી રીતે ઉભા રહીને અંદર શું વાતચીત ચાલી રહી છે તે સાંભળવાની કોશિશ કરવા લાગ્યા તેમનાં કાને જે શબ્દો પડ્યા તે સાંભળીને તે દંગ રહી ગયા.
આકાશે પેલા બાઈક ઉપર આવનાર માણસને એક મોટું પેકેટ આપ્યું અને તે બોલ્યો કે, "આમાં દશ પેકેટ છે આ દશે દશ પેકેટની ડીલીવરી તારે કરવાની છે અને પછી આજે તારે ટ્રેઈન પકડીને બોમ્બે જતા રહેવાનું છે અને અલ્તાફને અહીં મોકલી દેવાનો છે આમાંથી એક પેકેટ નૂતન સ્કૂલની સામે ગલ્લાવાળો છે તે હમણાં પાંચ વાગ્યે ગલ્લો ખોલશે એટલે તેને આપી દેવાનું છે અને બીજા પેકેટ ઉપર કઈ કઈ જગ્યાએ અને કયા કોડવર્ડથી તારે પેકેટ આપવાનું છે તે તને ખબર છે ને..?"
પેલા માણસે જવાબ આપ્યો, "હા ખબર છે. મારે બોલવાનું છે, રેડ રોઝ એટલે એ બોલશે,‌ ગ્રીન રોઝ.. ગ્રીન રોઝ બોલે પછી જ મારે આ પેકેટ તેમના હાથમાં સોંપવાનું છે."
"પછીથી તારે પાછું તારી ઓરડીમાં જવાનું નથી તું કપડા સાથે લઈને નીકળ્યો છે ને..?"
આકાશે તેને પૂછ્યું.
"હા, લઈને જ નીકળ્યો છું."
"તો સાંભળ" આકાશ બોલ્યો. "બાઈક રેલ્વે સ્ટેશનની બહાર આપણી જગ્યાએ તારે મૂકી દેવાનું છે અને તેની ચાવી ત્યાં ગલ્લાવાળાને આપી દેવાની છે અને છ વાગ્યાની લોકશક્તિમાં બેસીને તારે બોમ્બે પહોંચી જવાનું છે અને આ બીજાં વીસ પેકેટ પકડ તારી બેગમાં મૂકી દે આ તારે ક્યાં અને કયા કોડવર્ડથી આપવાના છે તેની વાત આપણે ફોનમાં કરીશું. ઓકે? અને હા સાવધાન રહેજે,‌ બોમ્બેમાં પોલીસને બાતમી મળતાં વાર નથી લાગતી એટલે જ અલ્તાફને અહીં બોલાવું છું અને તને ત્યાં મોકલું છું અને પકડાઈ જવા જેવું લાગે તો આ બધોજ માલ દરિયામાં ફેંકી દેજે અને ત્યાંથી જ્યાં પણ પહોંચી જવાય ત્યાં પહોંચી જજે અને મને ફોન કરજે એટલે હું જ્યાં હોઈશ ત્યાં તને બોલાવી લઈશ અને લે આ તારી ટિકિટ ઓકે તો નીકળ અને ટેક કેર..."
અને આકાશનું આ વાક્ય જેવું પૂરું થયું કે તરતજ સમીર અને તેની સાથે રહેલો કોન્સ્ટેબલ ભરેલી બંદૂક સાથે આકાશની ઓફિસમાં પ્રવેશી ગયા અને આકાશ તેમજ તેના બંને સાથીદારોને પકડી પાડયા.
આકાશ પાસે પણ લોડેડ ઘન હતી જે તેના ખિસ્સામાંથી તેણે બહાર કાઢી અને સમીરને ડરાવવાની કોશિશ કરી પરંતુ તે પહેલાં તો સમીરે તેને બે ચાર ચોડી દીધી હતી અને તેના હાથમાંથી ઘન પણ પડાવી લીધી હતી. બીજો જેના હાથમાં ડ્રગ્સના પેકેટ હતા તેણે પેલા કોન્સ્ટેબલના પેટમાં જોરથી મુક્કો માર્યો અને તે ભાગી ગયો... સમીરે એક હાથે આકાશના શર્ટના કોલરને બોચીમાંથી પકડી રાખ્યો હતો અને બીજા હાથે આકાશનો જોડીદાર જે તેની સાથે કારમાંથી ઉતર્યો હતો તેને પણ બોચીમાંથી પકડી રાખ્યો હતો અને બંનેને તેણે પોતાના ખિસ્સામાં રહેલી હાથકડી કાઢી અને પહેરાવી દીધી.
પેલો જે ભાગી રહ્યો હતો તેને પકડવા માટે સમીર સાથે જે કોન્સ્ટેબલ હતો તે તેની પાછળ હરણફાળ દોડમાં તીવ્ર ગતિએ દોડી રહ્યો હતો.
હવે આગળ શું થશે? પેલો માણસ જે ભાગી ગયો છે તે શું પકડાઈ જશે? આકાશ પોતાનું મોં ખોલશે? શું તેની આખી ગેંગ પકડાઈ જશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/6/23