૩૯. સર્વોદય
આ દેહ કેવળ પરમાર્થને કારણે આપણને મળ્યો છે. અને તેથી યજ્ઞ કર્યા વિના જે જમે છે તે ચોરીનું જમે છે એવું સખત વાક્ય ગીતાકારે કહી દીધું. શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારનું બધું કાર્ય યજ્ઞરૂપે હોય. આપણે યજ્ઞ સાથે અવતર્યા એટલે આપણે સદાયના ઋણી- દેવાદાર રહ્યા. તેથી આપણે જગતના હમેશના ગુલામ સેવક. અને ગુલામને સ્વામી જેમ સેવા લેવાને કારણ અન્નવસ્ત્રાદિ આપે છે તેમ આપણને જગતનો સ્વામી આપણી પાસેથી ગુલામી લેવા ખાતર અન્નવસ્ત્રાદિ આપે તે આભારપૂર્વક લઇએ. તેટલાનો પણ આપણને હક છે એવું ન માનીએ, એટલે કે ન મળે તો સ્વામીને ન વગોવીએ. આ શરીર તેનું છે; તેની ઇચ્છા પ્રમાણે તેને રાખે કે નાખે. આ સ્થિતિ દુઃખદ નથી, દયામણી યજ્ઞનો અર્થ ગાંધીજીએ આગળના એક પૅરામાં સમજાવ્યો છે. તેમણે કહ્યું છે :
યજ્ઞ એટલે આ લોકમાં કે પરલોકમાં કંઇ પણ બદલો લીધા કે ઇચ્છ્યા સિવાય પરાર્થે કરેલું કાંઇ પણ કર્મ. કર્મ કાયિક, માનસિક કે વાચિક હો. કર્મનો વિશાળમાં વિશાળ અર્થે લેવો. પર એટલે માત્ર મનુષ્યવર્ગ નહીં પણ જીવમાત્ર, એટલે અને અહિંસાની દૃષ્ટિએ પણ, મનુષ્યજાતિની સેવાને અર્થે પણ બીજા જીવોને હોમવા કે તેમનો નાશ કરવો એ યજ્ઞમાં નહીં ખપે.
પણ નથી; જો આપણું સ્થાન સમજી લઇએ તો સ્વાભાવિક છે, અને તેથી સુખદ છે અને ઇચ્છવા યોગ્ય છે. આવું પરમ સુખ અનુભવવાને સારુ અચલિત શ્રદ્ધાની આવશ્યકતા છે જ. પોતાને વિશે ચિંતા ન જ ભોગવવી. બધી પરમેશ્વરને સોંપી દેવી. આવો આદેશ મેં તો બધા ધર્મોમાં જોયો છે.
પણ આ વચનથી કોઇને ડરી જવાનું જ નથી. મન સ્વચ્છ રાખી જે સેવાનો આરંભ કરે છે તેને તેની આવશ્યકતા દિનપ્રતિદિન સ્પષ્ટ થતી જાય છે ને તેમ તેમ તેની શ્રદ્ધા વધતી જાય છે. જે સ્વાર્થ છોડવાને તૈયાર જ નથી, પોતાની જન્મની સ્થિતિને ઓળખવા જ તૈયાર નથી, તેને સારુ તો સેવામાર્ગમાત્ર મુશ્કેલ છે. તેની સેવામાં સ્વાર્થની ગંધ આવ્યા જ કરશે. પણ આવા સ્વાર્થી જગતમાં જવલ્લે જ જોવામાં આવશે. કંઇક ને કંઇક નિઃસ્વાર્થ સેવા આપણે બધા જાણ્યે-અજાણ્યે આપીએ જ છીએ. આ વસ્તુને આપણે વિચારપૂર્વક કરતા થઇ જઇએ તો આપણી પારમાર્થિક સેવા કરવાની વૃત્તિ ઉત્તરોત્તર વધ્યા જ કરશે, ને તેમાં આપણું ખરું સુખ છે ને જગતનું કલ્યાણ છે.
ગીતાબોધ, યજ્ઞ - ૧
અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદના સિદ્ધાંતને ફૂલ ન જ ચડાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય કરવાના પ્રયત્નમાં મરશે. આમ બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હમેશાં ખુશી હશે. જાતે મરીને તે બાકીના સૌની સેવા કરશે અને તેમાં જ તેની પોતાની જાતની સેવા પણ આવી ગઇ હશે. સમસ્તની આવી સર્વોચ્ચ સેવામાં ‘વધારે સંખ્યાનું વધારે ભલું’ તો આવી જ ગયું અને તેથી ઘણી વેળા આવા શ્રેયવાદી અને ઉપયોગિતાવાદી બંને પોતાના માર્ગમાં એકબીજાનાં પગલામાં પગલું મૂકીને માર્ગ આક્રમતા નજરે પડશે. પણ આમ છતાં એક એવો વખત આવે જ છે જ્યારે તેમણે નોખા પડવું પડશે. બલ્કે એકબીજાની સામે કામ કરવાનો પણ તેમને વખત આવે. ઉપયોગિતાવાદી જો તેના સિદ્ધાંતને ચુસ્તપણે અનુસરે તો પોતાની જાતની ભોગ કદી નહીં આપે. ન આપી શકે.
નવજીવન, ૧૨-૧૨-’૨૬
એક માણસ આધ્યાત્મિક ઉન્નતિ કરે અને તેની આસપાસના નીચે પડે એવું હું માનતો નથી. હું અદ્રૈતમાં માનું છું. ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ એ ન્યાયે માણસમાત્રમાં બલ્કે જીવનમાત્રમાં એક જ આત્મા વ્યાપી રહ્યો છે એમ હું માનું છું અને તેથી હું માનું છું કે જેટલે અંશે એક માણસ ચડે છે અગર પડે છે તેટલે અંશે આખું જગત ચડે છે અગર પડે છે.
નવજીવન, ૭-૧૨-’૨૪
ખરું જોતાં એમ માલૂમ પડશે કે નીતિનો એવો એકે વિષય નથી, જેનું પરિણામ કેવળ નીતિ સાચવનારને જ મળે. કેટલીક વેળા એમ કહેવામાં આવે છે કે સત્યતા વગેરે ગુણોનો સામેના માણસની સાથે સંબંધ નથી. પણ આપણે જૂઠું બોલી લઇને છેતરીએ તો સામેના માણસને નુકસાન થશે એવું આપણે કબૂલ કરવું પડે છે, તો સાચું બોલવાથી સામેના માણસને નુકસાન થતું અટકયું એટલું આપણે કબૂલ કરવું જ જોઇએ.
વ્યાપક ધર્મભાવના, પા. ૧૫૭
સત્યનું પાલન કરવા ઇચ્છનાર અહંકારી કેમ થઇ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા કયાં રોકવા જાય ? આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય. એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ, પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઇશ્વર પોતે ચોવીસ કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે, આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઇ જઇએ, તેનામાં ભળી જઇએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઇએ.
મંગલપ્રભાત, પા. ૩૫-૬
સમુદ્રથી છૂટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઇશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઇએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઇ. એ જ ખરો આરામ; એ જ મહા અશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાર્પણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસે નથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ.
મંગલપ્રભાત, પા. ૩૬