સત્ય એ જ ઈશ્વર છે - 28 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 28

૨૮. શાસ્ત્રો

મિ. બેસીલ મેથ્યુસ : ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ?

ગાંધીજી : (છાતી તરફ આંગળી કરીને) અહીં છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે, મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્રવચનને મારી બુદ્ધિની જગા લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઇશ્વરપ્રેરિતછે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઇને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા. એક તો એ કોઇ માનવી, ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઇને પસાર થાય છે. એમાંથી કશું ઇશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મેથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે હું ધર્મગ્રંથોને ઇશ્વરપ્રણીત માનું છું છતાં મારી બુદ્ધિ ચલાવ્યા વિના રહેતો નથી. પણ મારી સ્થિતિ વિશે તમારા મનમાં ગેરસમજ ન થાય. હું શ્રદ્ધાને પણ માનું છું. હું માનું છું કે કેટલીક વસ્તુઓ બુદ્ધિથી પર છે, ત્યાં બુદ્ધિ ચાલી શકતી નથી જેમ કે ઇશ્વરનું અસ્તિત્વ. ગમે તેટલી દલીલ મારી એ શ્રદ્ધાને ચળાવી ન શકે; અતિ પ્રખર બુદ્ધિવાળો માણસ મને દલીલમાં માત કરે તોયે હું તો કહ્યા જ કરું કે ‘તોયે ઇશ્વર તો છે જ.’

હરિજનબંધુ, ૬-૧૨-’૩૬

ઇશ્વરી જ્ઞાન કાંઇ ગ્રંથો પઢવાણી નથી આવતું. એ તો પોતાના આત્માના ઊંડાણમાં ભીતર અનુભવાય છે. પુસ્તકો તો બહુ તો કવચિત્‌ મદદરૂપ થઇ શકે; બાકી ઘણી વાર તો ઊલટાં વિઘ્નરૂપ થઇ પડે છે.

નવજીવન, ૨૦-૭-’૨૪

અસત્યની હજારો આવૃત્તિ થયાથી તે સત્ય થતું નથી, તેમ જ સત્ય કોઇની આંખે ન દેખાય તેથી અસત્ય બનતું નથી.

નવજીવન, ૧-૩-’૨૫

સમતોલ બુદ્ધિ સાથે અથવા હ્યદયના આદેશ સાથે વિરોધમાં આવતાં બધાં શાસ્ત્રપ્રમાણોને હું સ્વીકારું નહીં. બુદ્ધિથી સમર્થન પામતું શાસ્ત્રપ્રમાણ નબળા લોકોન આધાર આપે છે અને ઊંચે ચડાવે છે. પણ અંતઃકરણના શાંત સૂક્ષ્મ અવાજથી સમર્થિત બુદ્ધિના અવેજમાં શાસ્ત્રપ્રમાણને માથે મારવામાં આવે તો તે માણસની અવનતિ કરવાવાળું નીવડે છે.

યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૦

હું અક્ષરને વળગીને ચાલવાવાળો નથી. તેથી દુનિયાનાં જુદાં જુદાં ધર્મશાસ્ત્રોની ભાવનાને સમજવાનો હું પ્રયાસ કરું છું. અર્થ કરવાને માટે ખુદ એ શાસ્ત્રોએ બતાવેલી અહિંસા અને સત્યની કસોટીનો હું ઉપયોગ કરું છું. તે કસોટીની સાથે જેનો મેળ બેસતો નથી તેનો હું ત્યાગ કરું છું ને જેનો બેસે છે તે બધાનો અધિકાર કરું છું. એક શુદ્રે વેદોનું જ્ઞાન મેળવવાનું સાહસ કર્યું નથી શ્રી રામચંદ્રે તેની સજા કરી એ કથાને પ્રક્ષેપ ગણી હું સ્વીકારતો નથી. એ ગમે તે હો, નવી ઐતિહાસિક સંશોધનની પ્રગતિને પરિણામે જેના જીવનની હકીકતમાં ફરક પડવાનો સંભવ છે તેવી ઐતિહાસિક વ્યકિતને નહીં પણ મારા ખ્યાલ મુજબના પૂર્ણ પુરુષ રામને હું ભજું છું. તુલસીદાસને ઇતિહાસના રામ સાથે કશી લેવાદેવા નહોતી. ઇતિહાસની કસોટીએ ચડાવતાં તેમનું રામચરિતમાનસ ઉકરડે નાખવાને લાયક ગણાય એવો સંભવ છે. એક આધ્યાત્મિક અનુભવ તરીકે તેમનો ગ્રંથ કંઇ નહીં તો મારા પૂરતો તો લગભગ અજોડ છે. અને છતાં તુલસીદાસના રામચરિતમાનસની પ્રગટ થયેલી બધીયે આવૃત્તિઓમાં જે બધું જોવાનું મળે છે તેના હરેક શબ્દથી હું બંધાઇ જતો નથી. એ આખાયે ગ્રંથમાં જે ભાવ વ્યાપી રહેલો છે તે મને મુગ્ધ કરીને પકડી રાકે છે.

યંગ ઇન્ડિયા, ૨૭-૮-’૨૫

મહાભારતના શ્રી કૃષ્ણ જેવા પુરુષની કદીયે હસ્તી હતી કે કેમ તે વાતનું મને જ્ઞાન નથી. મારા શ્રીકૃષ્ણને કોઇ પણ ઐતિહાસિક વ્યકિત સાથે કશી લેવડદેવા નથી. પોતાનું અભિમાન ધવાયું તેટલા ખાતર માણસને મારવાને તૈયાર થનાર અથવા બિનહિંદુઓ જેને વ્યભિચારી જુવાન તરીકે ચીતરે છે તેવા કૃષ્ણને નમવાનો હું ઇન્કાર કરું. મારી કલ્પના મુજબના શ્રીકૃષ્ણ જે નિષ્કલંક શબ્દના પૂરા અર્થમાં નિષ્કલંક હતા, જે ગીતાના પ્રેરક છે અને જે કરોડો માણસોના જીવનને પ્રેરણા આપનાર છે તેમને હું માનું છું. પણ મને એવું સાબિત કરી બતાવવામાં આવે કે આજના ઐતિહાસિક ગ્રંથો જે અર્થમાં ઐતિહાસિક કહેવાય છે તેવો જ મહાભારત એક ઇતિહાસ છે, તે ગ્રંથનો એકેએક શબ્દ સાચો છે અને મહાભારતના શ્રીકૃષ્ણને નામે ચાલે છે તેમાંનાં કેટલાંક કામો તેણે કર્યાં હતાં તો હિંદુ સમાજમાંથી બહિષ્કૃત થવાનું જોખમ વહોરીને પણ તે કૃષ્ણને ઇશ્વરનો અવતાર માનવાની વાત છોડી મર્મવાળો ધાર્મિક ગ્રંથ છે. તે મોટે ભાગે કથાઓ દ્ધારા ધર્મનું ભાન કરાવનારો છે અનેપ્રત્યક્ષ બનેલી હકીકતોના ઇતિહાસ તરીકે લેવાને રચાયો નથી. તે આપણા સૌના અંતરમાં સતત ચાલી રહેતા શાશ્વ દ્ધંદ્ધનું વર્ણન છે, અને તે એવું આબેહૂબ કરવામાં આવેલું છે કે તેમાં વર્ણવવામાં આવેલાં પરાક્રમો તે માણસોએ સાચેસાચ કર્યાં હતાં એવું ઘડીભર આપણે માનવાને પ્રેરાઇએ છીએ. વળી આજે આપણી પાસે જે મહાભારત છે તેને મૂળની શુદ્ધ નકલ હું ગણતો નથી. ઊલટું હું માનું છું કે મૂળમાં ઘણા સુધારાવધારા થયેલા છે.

યંગ ઇન્ડિયા, ૧-૧૦-’૨૫

શાસ્ત્રના અર્થ કરવામાં સંસ્કારની અને અનુભવની આવશ્યકતા છે. શૂદ્રને વેદનો અભ્યાસ ન હોય એ વાક્ય સર્વથા ખોટું નથી. શુદ્ધ એટલે અસંસ્કારી, મૂર્ખ, અજ્ઞાની વેદાદિનો અભ્યાસકરી તેનો અનર્થ કરે. બધાં મોટી વયનાં પણ બીજગણિતના કઠિન કોયડા પરબારા સમજવાના અધિકારી નથી. તે સમજતા પહેલાં તેઓએ અમુક પ્રાથમિક અભ્યાસ કરવો જોઇએ. વ્યભિચારીને મુખે અહં બ્રહ્માસ્મિ કેવું દીપે ? તેનો એ કેવો અર્થ (કે અનર્થ !) કરે ?

એટલે શાસ્ત્રનો અર્થ કરનાર યમાદિનું પાલન કરનાર હોવો જોઇએ. યમાદિનું શુષ્ક પાલન જેવું કઠિન છે તેવું જ નિરર્થક છે. શાસ્ત્રે ગુરુની આવશ્યકતા માની છે; પણ ગુરુનો આ કાળે લગભગ લોપ છે તેથી જ્ઞાનીઓએ ભક્તિપ્રધાન પ્રાકૃત ગ્રંથોનું પઠનપાઠન કરવાનું સૂચવ્યું છે. પણ જેને ભક્તિ નથી, જેને શ્રદ્ધા પણ નથી, તે શાસ્ત્રનો અર્થ કરવાના અધિકારી નથી. તેમાંથી વિદ્રત્તાભર્યા અર્થ વિદ્રાનો ભલે કાઢે, પણ તે શાસ્ત્રાર્થ નથી. શાસ્ત્રાર્થ અનુભવી જ કરે.

પણ પ્રાકૃત મનુષ્યને સારુ પણ કેટલાક સિદ્ધાંતો તો છે જ. જે સત્યના વિરોધી હોય તે શાસ્ત્રાર્થ ખરા ન હોય. જેને સત્યની સત્યતા વિશે શંકા છે તેને સારુ શાસ્ત્ર નથી જ અથવા તેને સારુ સર્વ શાસ્ત્ર અશાસ્ત્ર છે. તેને કોઇ ન પહોંચે.

નવજીવન, ૧૧-૧૦-’૨૫