૨૭. બુદ્ધિ અને શ્રદ્ધા
અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંદવાડ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડપણ બને છે.
નવજીવન, ૧૭-૧૦-’૨૬
બુદ્ધિવાદીઓ ખાસા વખાણવાલાયક છે, પણ બુદ્ધવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપો છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ મૂર્તિપૂજા છે. બુદ્ધિને દબાવવાની હું દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઇએ એમ મારું કહેવું છે.
નવજીવન, ૧૭-૧૦-’૨૬
કેટલાક વિષયો એવા છે, જેમાં બુદ્ધિ આપણને બહુ દૂર લઇ જતી નથી, એટલે આપણે અમુક વસ્તુઓ શ્રદ્ધાથી સ્વીકારવી પડે છે. એ વખતે શ્રદ્ધા એ બુદ્ધિની વિરોધી નથી હોતી પણ બુદ્ધિથી પર હોય છે. શ્રદ્ધાએક જાતની છઠ્ઠી ઇન્દ્રિય છે. જે વસ્તુઓ બુદ્ધિને અગમ્ય હોય, જેમાં બુદ્ધિ ચાલી જ નથી શકતી તેમાં શ્રદ્ધા કામ આવે છે.
હરિજનબંધુ, ૭-૩-’૩૭
વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હ્ય્દયમાં સર્વશક્તિમાન ઇશ્વર વસે છે તે શું ન કરી શકે ? તે ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય. જેના હ્ય્દયમાં રામ વસે છે તેના બદા રોગનો નાશ થઇ જાય છે.
નવજીવન, ૨૦-૯-’૨૫
શ્રદ્ધા વિના તો આ દુનિયા ક્ષણવારમાં શૂન્યમાં વળી જાય. જે માણસોએ પાર્થના અને તપસ્યાથી પવિત્ર થયેલું જીવન ગાળ્યું છે એમ આપણે માનીએ તેમના બુદ્ધિશુદ્ધ અનુભવનો આપણે ઉપયોગ કરવો. એનું નામ તે સાચી શ્રદ્ધા. તેથી અતિ પ્રાચીન યુગમાં થઇ ગયેલા ઋષિઓ, પેગંબરો અને અવતારો પર શ્રદ્ધા રાખવી એ નર્યો વહેમ નથી, પણ અંતરમાં ઊંડે ઊંડે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે.
નવજીવન, ૧૭-૪-’૨૭
માણસ ન જાણે પણ દરેકના અંતરમાં ઇશ્વરશ્રદ્ધા પડેલી જ હોય છે, કારણ દરેકમાં આત્મશ્રદ્ધા રહેલી છે અને તેનો જ અંગત ગુણાકાર તે ઇશ્વરશ્રદ્ધા. જે કંઇ જીવે છે તે તમામનો સરવાળો તે ઇશ્વર છે. આપણે ઇશ્વર ન હોઇએ પણ ઇશ્વરના છીએ, જેમ પાણીનું બિંદુ સમુદ્રનું છે. સમુદ્રથી વછૂટીને કરોડ માઇલ પર ફેંકો તો એ કંઇજ નથી સમુદ્રની મહત્તા અને શક્તિ તે પોતામાં અનુભવી શકતું નથી. પણ કોઇ તેને ભાન કરાવે કે તે સમુદ્રનું છે તો તેની શ્રદ્ધા ફરી જાગ્રત થાય, સ્વશક્તિનું તેને ભાન થાય અને સમુદ્રની શક્તિ અને મહત્તા પોતાનામાં પ્રતિબિંબિત કરીને તે નાચે.
હરિજનબંધુ, ૨-૭-’૩૯
કોઇ પણ પ્રકારના દેખીતા પુરાવા વગર બાળકને માના સ્નેહનો અનુભવ તેમ જ પ્રતીતિ થાય છે તેવી જ રીતે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એટલે તેઆપણા હ્યદયમાં બિરાજે છે એવો અનુભવ કરવો. બાળક શું માના પ્રેમની હસ્તી તર્કની દલીલો વડે સાબિત કરવા બેસે છે કે ? તે અંંતરના વિજય ને આનંદની ભાવનાથી પોકારે છે કે તે છે તેવું જ ઇશ્વરની હસ્તી વિશે હોવું જોઇએ. તે બુદ્ધિથી પર છે. તેનો કેવળ અનુભવ થાય છે. આપણા દુન્યવી શિક્ષકોના અનુભવને આપણે અવગણતા નથી તેવી જ રીતે તુલસીદાસ, ચૈતન્ય, રામદાસ અને એવા જ બીજા અનેક આધ્યાત્મિક શિક્ષકોનો અનુભવ આપણે તરછોડીએ નહીં.
યંગ ઇન્ડિયા, ૯-૭-’૨૫