સત્ય એ જ ઈશ્વર છે - 20 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 20

(20)

ઇસ્લામનો ‘અલ્લા’, ખ્રિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ‘ઇશ્વર એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઇશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ ઇસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદાં જુદાં વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઇશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઇશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઇશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો.

હરિજનબંધુ, ૧૫-૫-’૩૮

સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’ નો અનુવાદ છે.એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે ‘સર્વધર્મઆદર’ શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં એની ઊણપ માની લેવામાં આવે ચે. આદરમા૪ં મહેરબાનીનો ભાવ ભાવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસાદૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે છે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો ?તો તો આપણે પરમેશ્વર જ થયા, કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી રાખીએ છીએ. તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સંપૂર્ણ ધર્મ આપણે જોયો નથી, જેમ ઇશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અર્પૂણ છે, ને તેમાં નિત્ય ફેરફાર થયા કરે છે, થયા કરવાનો. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ ને સત્ય પ્રતિઇશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઇએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મો અર્પૂણ માનીએ તો પછી કોઇને ઊંચનીય માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે. તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઇ શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય. ત્યારે પ્રશ્ન એ થાય કે ઘણા ધર્મો શાને સારુ જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક જ છે પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી ટળે નહીં છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક જ છે, જેમ વૃક્ષનું પણ તેને ખાતરાં અસંખ્ય છે. બધા ધર્મો ઇશ્વરદત્ત છે. પણ મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્યે તેનો પ્રચાર કરેલો હોવાથી તે અપૂર્ણ છે. ઇશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો ? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટી વર્તે ત્યાં લગી સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી. આમાં પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે; તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્માધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં એ અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતા આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના. અહીં ધર્મ અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એેક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઇ ગયાં છે ને આજે પણ મોજુદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવ ને ધર્મીઓ મનુષ્યો પ્રત્યેના સમભાવમાં કંઇક ભેદ છે. મનુષ્યપાત્ર, દુષ્ટ ને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.

નવજીવન, ૫-૧૦-’૩૦

આપણે બધા કરી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જોવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઇએ. દરેકને માટે અંતઃકરણ એક જ વસ્તુ નથી. એટલે અંતઃકરણનો અવાજ વ્યક્તિગત આચારને માટે સારો માર્ગદર્શક હોય પણ સૌ કોઇને માથે તેવો આચાર ફરજિયાત લાદવાથી બાકી હરેકની પોતાની અંતઃકરણના અવાજને અનુસરવાની સ્વતંત્રતામાં અસહ્ય જુલમી દખલ થયા વગર રહેતી નથી.

યંગઇન્ડિયા, ૨૩-૫-’૨૬