૧૯. ધર્મોની સમાનતા
બધા ધર્મો એક જ બિંદુ તરફ દોરી જનારા જુદા જુદા રસ્તા જેવા છે. આપણે આખરે એક જ લક્ષ્ય પર પહોંચતાં હોઇએ તો જુદા જુદા રસ્તા લઇએ તેથી શું ? સાચું જોતાં જેટલા માણસો છે તેટલા ધર્મો છે.
હિંદ સ્વરાજ (૧૯૪૬)
હું માનું છું દુનિયા બધા મોટા ધર્મો વત્તાઓછા પ્રમાણમાં સાચા છે. ‘વત્તાઓછા પ્રમાણમાં’ એવું મેં કહ્યું તેનું કારણ એ કે માણસો સંપૂર્ણ નથી. એ જ હકીકતને લીધે માણસોના હાથ જેને જેને અડે છે તે બધું અપૂર્ણ રહે છે એવું મારું માનવું છે. પૂર્ણતા ઇશ્વરનું આગવું લક્ષણ છે અને તેનું વર્ણન કે વ્યાખ્યા થઇ શકતાં નથી. ઇશ્વર જેવો પૂર્ણ છે તેવા પૂર્ણ થવાનું હરેક માણસને માટે શક્ય છે એવું હું અવશ્ય માનું છું. પૂર્ણતાએ પહોંચવાની આપણે હરેક મહત્ત્વાકાંક્ષા રાખવી જરૂરી છે, પણ તે પરમ સુખની અવસ્થાએ પહોંચ્યા પછી તેનું વર્ણન કે વ્યાખ્યા થઇ શકતાં નથી. અને તેથી પૂરી નમ્રતાથી હું કબૂલ કરું છું કે શું વેદો, કે શું કુરાન કે શું બાઇબલ એ બધાંમાં ઇશ્વર પૂર્ણપણે વ્યક્ત થયો નથી અને સારી માઠી વૃત્તિઓના આવેગોથી આમ તેમ પછડાતાં આપણે અધૂરાં માનવી ઇશ્વરનો એ શબ્દપણ પૂરેપૂરો સમજવાને તદ્દન અસમર્થ છીએ.
યંગ ઇન્ડિયા, ૨૨-૯-’૨૭
એક જ ઇશ્વરને માનવાની વાત બધાયે ધર્મનો પાયો છે. પણ આખીયે દુનિયામાં એક જ ધર્મ પળાતો હોય એવો જમાનો હું કલ્પી શકતો નથી. સિદ્ધાંત તરીકે ઇશ્વર અકે જ છે તેથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. પણ વહેવારમાં ઇશ્વરને એક જ પ્રકારે ઓળખનારા બે માણસો પણ મારા જોવામાં આવ્યા નથી, સંભવ છે કે જુદી જુદી વૃત્તિ ને જુદી જુદી પ્રકૃતિ તેમ જ ભિન્ન ભિન્ન આબોહવામાં સમાધાન આપી શકે એવા જુદા જુદા ધર્મોની હસ્તી હંમેશ રહેવાની.
હરિજન, ૨-૨-’૩૪
ધર્મ એક જ હોય એ વાતની આજે જરૂર નથી; આજે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મ પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય. આપણને મરણની જડ એકતા નથી જોઇતી, વિવિધતામાં એકતાની સ્થિતિને આપણે પહોંચવા માગીએ છીએ. જૂની પરંપરાઓને, વંશપરંપરાને, આબોહવાને અને બીજા આજુબાજુના સંજોગોને કારણે કેળવાયેલા ગુણોને જડમૂળથી ઉખેડી કાઢવાનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વગર રહેશે નહીં એટલું જ નહીં, જાણીબૂજીને પવિત્ર વસ્તુ પર ઘા કરવા જેવું થશે. ધર્મમાત્રનો આત્મા એક જ છે પરંતુ તેણે અનેક રૂપ ધરેલાં છે. એ બધાંયે રૂપો કાળના અંત સુધી રહેવાનાં છે. ડાહ્યા માણસો આ બહારના આવરણને અવગણીને અનેકવિધ આવરણોમાં વસતા એક જ આત્માને ઓળખ્યા વગર રહેશે નહીં.
યંગ ઇન્ડિયા, ૨૫-૯-’૨૫
હિંદુ ધર્મમાં જેમ મહમદ, જરથુષ્ટ્ર અને મૂસાને સ્થાન છે તેમ ઇશુને પણ પૂરતું સ્થાન છે, એ રાજકુમારીની માન્યતાને ટેકો હું દૃઢતાપૂર્વક આપી શકું છું. મારે મન ભિન્ન ભિન્ન ધર્મો એ એક જ ઉપવનનાં સુંદર પુષ્પો છે, અથવા તો એક જ વિશાળ વૃક્ષરાજની શાખાઓ છે. એટલે એ બધા સરખા સાચા છે, જોકે એની પ્રેરણા ઝીલનાર ને એનો અર્થ કરનાર મનુષ્યો હોવાથી એ ધર્મો એટલા જ અપૂર્ણ પણ છે. આજે હિંદુસ્તાનમાં જે બીજે જે પ્રકારે ધર્માંતર ચાલી રહેલું છે એવા ધર્માંતરનો વિચાર સ્વીકારવાને મારા મનને મનાવવું અશક્ય છે. એ એક એવી વિચાર સ્વીકારવાને મારા મનને મનાવવું અશક્ય છે. એ એક એવી ભૂલ છે જે જગતની શાંતિ પ્રત્યેની મોટામાં મોટા વિઘ્નરૂપ છે. ‘આખડતાં સંપ્રદાયો’ એ નિદાવ્યંજક શબ્દ છે; અને અત્યારે ભારતવર્ષમાં જે દયા પ્રવર્તે છે તેનું એ સાચું વર્ણન આપે છે. ભારત એ મહાધર્મની કે ધર્મોની જનની છે એમ હું માનું છું. એ જો ખરેખર જનની હોય તો એના જનનીપણાની કસોટી ચાલી રહેલી છે. ખ્રિસ્તીએ હિંદુને ખ્રિસ્તી ધર્મમાં ને હિંદુ એ ખ્રિસ્તીને હિંદુ ધર્મમાં ખેંચી લાવવાની ઇચ્છા રહે એથી સેવવી જોઇએ ? હિંદુ એ સદાચારી કે પ્રભુપરાયણ માણસ રહે એથી ખ્રિસ્તીને સંતોષ શા સારુ ન થવો જોઇએ ? માણસની નીતિ અનીતિ કશા લેખામાં ન હોય, તો તે દેવળમાં, મસ્જિદમાં કે મંદિરમાં અમુક રીતે ઉપાસના કરતો હોય એ ખાલી પોપટિયા ઉચ્ચારણ છે; એ વ્યક્તિના કે સમાજના વિકાસમાં અંતરાયરૂપ પણ હોય. અને અમુક ઢબે જ ઉપાસના કરવી કે અમુક જ મંત્ર કે કલમો પઢવો એવો આગ્રહ રાખવાથી ખૂનખાર લડાઇઓ થવાનો, લોહીની નદીઓ વહેવાનો, ને ધર્મ પરથી એટલે કે ઇશ્વર પરથી માણસોની શ્રદ્ધા છેક જ ઊઠી જવાનો પણ સંભવ રહે છે.
હરિજનબંધુ, ૭-૨-’૩૭
પરધર્મનાં પુસ્તકોના દોષો બતાવવાનું કે તેની ટીકા કરવાનું મારું કામ નથી. તેના ગુણો ગણાવવાનું અને બને તો તેનું અનુકરણ કરવાનું કામ સારું છે. કુરાન શરીફમાં જે મને ન રુચતું હોય તે બતાવવાનો મને અધિકાર નથી. તેમ જ પેગંબરના જીવન વિશે એમના જીવનમાંથી જે વાત હું સમજી શકું છું તેની તારીફ કરું છું. જે હું ન સમજું તે મુસલમાન મિત્રો પાસેથી અને મુસલમાન લેખકોના લેખો મારફતે સમજવાનો પ્રયત્ન કરું છું. આવી વૃત્તિ સેવતાં જ હું બધા ધર્મો પ્રત્યેે સમાનતા જાળવી શકું છું. હિંદુ ધર્મનો એબો બતાવવાનો મને અધિકાર છે ને મારો ધર્મ પણ છે. પણ અહિંદુ લેખકો જ્યારે હિંદુ ધર્મની ટીકા કરે છે અથવા તેના દોષો ગણાવવા બેસે છે ત્યારે ઘણી વાર તેમાં અજ્ઞાન હોય છે. તેઓ હિંદુની આંખે એ જ વસ્તુ જોઇ શકતા નથી, તેથી સીધી વસ્તુ જોઇ શકતા નથી , તેથી સીધી વસ્તુને આડી જુએ છેે. આવા અનુભવથી પણ હું સમજું છું કે જેમ અહિંદુ લેખકોની ટીકા મને દુષિત લાગે છે તેમ જો હું કુરાન શરીફની ને પેગંબરની ટીકા કરું તો તે મુસલમાનને દૂષિત કેમ ન લાગે ?