સત્ય એ જ ઈશ્વર છે - 9 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 9

૯. ઇશ્વરનો અવાજ

ઇશ્વરનો અવાજ સાંભળવાનો મારો દાવો નવો નથી. પરિણામો સિવાય બીજી રીતે એ દાવો સાચો સાબિત કરવાનો કમનસીબે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી, પોતાનાં પેદા કરેલાં પ્રાણીઓએ સાબિત કરવાનો પદાર્થ હોય તે ઇશ્વર ઇશ્વર ન રહે. પરંતું સ્વેચ્છાથી જે તેનો દાસ બને છે તેને આકરામાં આકરી અગ્નિપરીક્ષામાંથી નીકળવાનું સામર્થ્ય આપ્યા વગર તે રહેતો નથી. અર્ધા સૈકાથીયે વધારે સમયથી આ કસીને કામ લેનારા માલિકનો હું રાજીખુશીથી ગુલામ બન્યો છું. વરસો વીતતાં ગયાં છે તેમ તેમ તેનો અવાજ મને વધારે ને વધારે સંભળાતો ગયો છે. અંધારીમાં અંધારી એવી ઘડીએ પણ તેણે મને તરછોડ્યો નથ. તેણે ઘણીયે વાર મને મારી જાત સામેયે ઉગારી લીધો છે અને મારી ગણાય એવી નામનીયે સ્વતંત્રતા મારે સારુ રહેવા દીધી નથી. જેટલો હું તેને શરણે વધારે ગયો છું તેટલો મારો આનંદ વધતો ગયો છે.

હરિજન, ૬-૫-’૩૩

અંતરનાદ કેટલાકને સંભળાય છે એ વાતની શક્યતા વિશે કોઇએ શંકા ઉઠાવી મેં જાણી નથી. અને અંતરનાદને નામે બોલવાનો એક પણ માણસનો દાવો સાચો ઠરે તો જગતને એથી લાભ જ છે. એ દાવો ઘણા કરશે, પણ બધા એ સાચો નહીં પાડી શકે. પણ ખોટો દાવો કરનારને રોકવા માટે એ દાવાને દબાવી ન શકાય, ન દબાવવો જોઇએ. ઘણા માણસો ખરેખર અંતરનાદને અનુસરી શકે તો એમાં લવલેશ આપત્તિ નથી. પણ દુર્ભાગ્ય દંભની સામે કશો ઇલાજ છે જ નહીં. સદ્‌ગુણોનો ડોળ ઘણા કરે એટલા માટે સદ્‌ગુણને દબાવી દઇએ એ ન ચાલે. અંતરનાદને નામે બોલવાનો દાવો કરનારા માણસો આખા જગતમાં હંમેશાં નીકળ્યા છે. પણ એમની ક્ષણિક પ્રવૃત્તિઓથી જગત પર કશી આફત આવી પડી નથી. માણસ એ અંતરનાદ સાંભળી શકે તે પહેલાંતેને લાંબી અને ઉગ્ર સાધના કરવી પડે છે. અને જ્યારે અંતરનાદ બોલે છે ત્યારે એ વાણી ઓલખાયા વિના રહેતી નથી. કોઇની મગદૂર નથી કે આખા જગતને સદાકાળ છેતરી શકે. એટલે, મારા જેવો અલ્પ મનુષ્ય દબાઇ ન જાય અને જ્યારે પોતાને અંતરનાદ સંભળાયો છે એમ માને ત્યારે તેને નામે બોલવાની હિંમત કરે એથી જગતમાં અંધાધૂંધી થવાનો જરાયે ભય નથી.

હરિજનબંધુ, ૨૬-૩-’૩૩

મારે સારૂ ઇશ્વરપ્રેરણા, ગેબી અવાજ, અંતઃપ્રેરણા, સત્યનો સંદેશ વગેરે એક જ અર્થના અચૂક શબ્દો છે. મને કોઇ આકૃતિમાં દર્શન નથી થયાં. ઇશ્વરનો સાક્ષાત્કાર નથી થયો. આ જન્મે થવાનો હશે તોપણ કોઇ આકૃતિનાં દર્શન થશે એવું હું માનતો નથી. ઇશ્વર નિરાકાર છે. તેથી ઇશ્વરનું દર્શન આકૃતિરૂપે હોય નહીં. ઇશ્વરનો સાક્ષાત્કાર જેને થાય તે સર્વથા નિષ્કલંક બને છે. એ પૂર્ણકામ થઇ રહે છે. એના વિચારમાંયે દોષ, અપૂર્ણતા કે મેલ હોતાં નથી. એનું કાર્યમાત્ર સંપૂર્ણ હોય છે, કારણે કે તે પોતે કંઇ જ કરતો નથી, તેનામાં રહેલો અંતર્યામી જ બધું કરે છે. તે તો એનામાં જ શમી ગયો છે. આવો સાક્ષાત્કાર કરોડોમાં કોઇને જ થતો હશે. થઇ જ શકે એ વિશે મને મુદ્દલ શંકા નથી. મને એવો સાક્ષાત્કાર કરવાની અભિલાષા છે, પણ મને નથી થયો, અને હું હજુ બહુ દૂર છું એટલું જાણું છું. મને જે પ્રેરણા થઇ એ નોખી જ વસ્તુ હતી. અને એવી પ્રેરણા વખતો વખત અથવા કોઇ વખત ઘણાને થાય છે. એવી પ્રેરણા થવાને સારુ અમુક સાધનાની આવશ્યકતા રહે જ છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ કરવાની શક્તિ મેળવવાને સારુયે જો કંઇક પ્રયત્ન, કંઇક સાધનાની આવશ્યકતા રહે છે, તો ઇશ્વરની પ્રેરણા મેળવવાની યોગ્યતાને સારુ પ્રયત્ન અને સાધનાની આવશ્યકતા હોય એમાં શી નવાઇ ? મને જે પ્રેરણા થઇ તે આ હતી. જે રાત્રીએ એ પ્રેરણા થઇ તે રાત્રીએ ભારે હ્ય્દયમંથન ચાલી રહેલુ. ચિત્ત વ્યાકુળ હતું. માર્ગ સૂઝતો ન હતો. જવાબદારીનો બોજો મને કચરી નાખતો હતો. તેવામાં એકાએક મેં અવાજ સાંભળ્યો. એ બહુ દૂરથી આવતો જણાયો છતાં સાવ નજીકનો હતો એમ મેં જોયું. એ અનુભવ અસાધારણ હતો. જેમ કોઇ મનુષ્ય આપણને કહેતું હોય એમ આ અવાજ પણ હતો. જેમ કોઇ મનુષ્ય આપણને કહેતું હોય એમ આ અવાજ પણ હતો. મનેકમને પણ એ સાંભળ્યા વિના ન જ ચાલે એમ હું વિવશ થઇ ગયો હતો. એ વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગ્રત હતો. ખરું જોતાં રાત્રીની પહેલી નિદ્રા લઇને ઊઠ્યો હતો. હું કેમ ઊઠી ગયો એ પણન સમજી શક્યો. અવાજ સાંભળ્યા પછી હ્ય્દયની વેદના શાંત થઇ. મેં નિશ્ચય કરી લીધો, અનશનનો દિવસ અને તેનો કલાક નક્કી કર્યો, મારો ભાર એકદમ હળવો થઇ ગયો, અને હ્ય્દય ઉલ્લાસમય થઇ ગયું. આ સમય ૧૧થી ૧૨ની વચ્ચેનો હતો. થાકવાને બદલે હવે હું તાજો થઇ ગયો. એટલે, આકાશની નીચે પથારીમાં પડયો હતો ત્યાંથી ઊઠી, કોટડીમાં જઇ, બત્તી સળગાવી મારે જે લખવાનું હતું તે લખવા બેઠો. એ લખાણ વાંચનારે જોયેલું હોવું જોઇએ.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

આ ઇશ્વરી પ્રેરણા હતી અને મારા પોતાના તપેલા મગજમાંથી નીકળેલા તરંગો ન હતો, એમ હું કોઇ રીતે સિદ્ધ કરી શકું ખરો ? ઉપર કરેલા વર્ણનને જે ન માની શકે એને સારુ મારી પાસે બીજો પુરાવો નથી. એ અવશ્ય કહી શકે કે મારું વર્ણન એ કેવળ આત્મવંચના છે. એવું બીજાઓને વિશે પણ થયું છે. મારે વિશે આત્મવંચના છે. અસંભવિત છે એમ તો હું ન જ કહી શકું. એમ કહું તો તે સિદ્ધ ન કરી શકું. પણ આટલું અવશ્ય કહું છું. આખું જગત મારા કહેવાને ન માને અને વિરુદ્ધ અભિપ્રાય આપે આપે તોયે મેં ગેબી અવાજ સાંભળ્યો અથવા મને ઇશ્વરપ્રેરણા થઇ એ મારી માન્યતાને હું વળગી રહું.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

પણ કેટલાક તો ઇશ્વરની હસ્તીનો જ ઇનકાર કરનારા છે. તેઓ તો એમ જ કહે છે કે ઇશ્વર જેવી કોઇ હસ્તી નથી, એ કેવળ મનુષ્યની કલ્પનામાં જ વસે છે. જ્યાં આ વિચાર સામ્રાજ્ય ભોગવે ત્યાં કશાની હસ્તી નથી એમ કહી શકાય. કેમ કે એવાઓને મન તો બધું કલ્પનાના ઘોડારૂપે જ લાગવું જોઇએ. એવાઓ ભલે મારા કથનને કલ્પનાનો એક નવો ઘોડો માને. એમ છતાં તેઓએ પણ સમજવું જોઇએ કે જ્યાં લગી એ કલ્પના મારી ઉપર સત્તા ભોગવે છે ત્યાં લગી હું તો તેને વશ રહીને જ વર્તી શકું. સાચામાં સાચી વસ્તુઓ પણ આપેક્ષ અથવા બીજીઓના પ્રમાણમાં જ સાચી હોય છે. સંપૂર્ણ અને શુદ્ધ સત્ય તો કેવળ ઇશ્વરને જ વિશે હોઇ શકે. મારે સારુ જે અવાજ મેં સાંભળ્યો તે મારી પોતાની હસ્તીના કરતાં પણ મને વધારે સાચો લાગ્યો છે. આવા અવાજો મેં પૂર્વ પણ સાંભળ્યા છે. એને વશ વર્તતાં મેં કંઇ ખોયું નથી, ઘણું મેળવ્યું છે. અને બીજા જેણે એવા અવાજો સાંભળવાનો દાવો કર્યો છે તેઓનો પણ એ જ અનુભવ છે.

હરિજનબંધુ, ૯-૭-’૩૩

અને જે કોઇ પૂરો સંકલ્પ કરે તે (ઇશ્વરનો) અવાજ સાંભળી શકે. તે હરેકના હ્ય્દયમાં છે. પણ બીજી બધી વાતોની જેમ તેને બહાર કાઢવાને માટે આગળની ચોક્કસ તૈયારી અથવા સાધના જરૂરી છે.

હરિજન, ૮-૭-’૩૩

આમાં ભ્રમણા થવાનો કોઇ સવાલ નથી. મેં કેવળ સાદું વિજ્ઞાનનું સત્ય કહ્યું છે. જેની પાસે પૂરા સંકલ્પની શક્તિ હોય ને જરૂરી ગુણો કેળવવાની ધીરજ હોય તે આમ તેનું પારખું લઇ શકે. વળી જ્યાં નિશ્ચય છે ત્યાં એ ગુણો માની ન શકાય એટલા સમજવાના સરળ છે ને સિદ્ધ કરવાના સહેલા છે. હું માત્ર આટલું કહું : “તમારે બીજા કોઇ પર નહીં પણ તમારી જાત પર જ શ્રદ્ધા રાખવાની છે. તમારે અંતરનો અવાજ સાંભળવાની પૂરી કોશિશ કરવી પણ ‘અંતરનો અવાજ’ એ શબ્દો તમારે ન જોઇતા હોય તો ભલે ‘બુદ્ધિના આદેશ’ શબ્દો વાપરો; એ આદેશોને તમારે માનવા જોઇએ અને તમે ઇશ્વરનું નામ લેવાનું પસંદ ન કરો તોયે તમે બીજી કોઇક એવી વસ્તુનું નામ લેશો કે જે છેવટે ઇશ્વર જ હશે. કેમ કે સારે નસીબે વિશ્વમાં ઇશ્વર વગર બીજું કોઇ અગર કંઇ છે નહીં.” વળી, હું એવું પણ સૂચવું છું કે અંતરના અવાજની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર હરેક જણને તેની જ પ્રેરણા હોય છે એવું નથી. અને સરવાળે જુઓ તો બીજી બધી મનની શક્તિની માફક અંતરમાં રહેલા આ સૂક્ષ્મ શાંત અવાજને ધ્યાન દઇને સાંભળવાની શક્તિ કેળવવાને સંભવ છે કે બીજી કોઇ પણ શક્તિ કેળવવાને જરૂરી હોય તે કરતાં આગળથી ઘણો વધારે પ્રયાસ કરવાની અને તાલીમ લેવાની જરૂર હોય છે. વળી, આવો દાવો કરનારા હજારોમાંથી પોતાનો દાવો સાચો પાડનારા બહુ જૂજ સંખ્યાના સફળ થતા હોય તોયે ખોટી રીતે દાવો કરનારાઓને નભાવી લેવાનું જોખમ ખેડવામાં ફાયદો છે. દૈવી પ્રેરણાથી અથવા ન થતી હોય તોયે અંતરની પ્રેરણાથી કાર્ય કરવાનો ખોટો દાવો કરનાર માણસના હાલ દુન્યવી રાજાની સત્તાને આધારે કાર્ય કરવાનો દાવો રાખનારા માણસના કરતાં વધારે બૂરા થશે. દુન્યવી રાજાની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર માણસ ખુલ્લો પડી જતાં કેવળ પોતાના દેહને માટે ઇજા વહોરી લેશે પણ બીજી રીતે બચી જશે, પરંતુ ઇશ્વરી અવાજની પ્રેરણાથી ચાલવાનો દાવો કરનાર શરીર અને આત્મા બંનેનો નાશ વહોરી લેશે. ઉદારભાવથી મારાં કાર્યની ટીકા કરનારાઓ મારા પર જૂઠાણું ચલાવવાનો આરોપ કરતા નથી પણ સૂચવે છે કે કોઇક ભ્રમણાનો માર્યો હું કાર્યો કરતા હોઉ એવો ઘણો સંભવ છે. હું ખોટો દાવો કરતો હોઉં ને જે પરિણામ આવે તેના કરતાં એ રીતે પણ ખાસ જુદું આવવાનો સંભવ નથી. હું સત્યનો એક નમ્ર શોધક હોવાનો દાવો કરું છું અને તે દાવો કરનાર તરીકે મારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે, મનનું સમતોલપણું જાળવવાની જરૂર છે, અને ઇશ્વર મને સાચે રસ્તે દોરે તે માટે શૂન્ય બની જવાની પણ જરૂર છે. આ મુદ્દાના હવે હું વધારે પીંજણ ન કરં.

વિ બૉમ્બે કૉનિકલ, ૧૮-૧૧-’૩૩