સત્ય એ જ ઈશ્વર છે - 11 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 11

૧૧. અહિંસાનો માર્ગ

સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે; ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દારી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્રેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ, તેનો કબજો રાખવો એ પણ હિંસ છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ ? તોયે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપે તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી. તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.

આટલું સહુ જાણી લેઃ અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજું. તેમાં ઉલટી કઇ ને સૂલટી કઇ ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય દૃષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ - સત્ય છે.

મંગલપ્રભાત, પ્રકરણ ૨

અંહિસા એક સૌથી શ્રેષ્ઠ પંકિતની સક્રિય શક્તિ છે. એ આત્મબળ અથવા તો માણસમાંહેલા અંતર્યામીની શક્તિ છે. અપૂર્ણ મનુષ્ય આખી ઇશ્વરશક્તિને ધારણ કરી શકતો નથી, તેનો આખો તાપ તે સહી શકતો નથી. પણ તેનો એક અતિસૂક્ષ્મ અંશ પણ જ્યારે આપવામાં ક્રિયાવન બને છેત્યારે તે ચમત્કારિક પરિણામો નિપજાવે છે. આકાશમાંનો સૂર્ય આખા વિશ્વને જીવનદાયી ઉષ્માં આપે છે. પણ જો કોઇ તેની બહુ નજીક જાય તો તે ભસ્મીભૂત થઇ જશે. તેવું જ આ અંતર્યામી આત્મશક્તિનું છે. અહિંસાની જેટલે અંશે આપણને ઝાંખી થાય તેટલે અંશે આપણે દૈવી બનીએ છીએ. પણ આપણે સંપૂર્ણપણે ઇશ્વર કદી બની શકીએ નહીં. અહિંસા ક્રિયાવાન રેડિયમ ધાતુના જેવી છે. તેનો અતિસૂક્ષ્મ કણ ઉકરડા વચ્ચે દબાવ્યો હોય તોપણ તે પરોક્ષપણે, અવિશ્રાંતપણે સતત કામ કર્યે જ જાય છે, અને આખી ગંદકીને અને રોગવસ્તુને આરોગ્યદાયી વસ્તુમાં ફેરવી નાખે છે. તેવી જ રીતે જરા જેટલી પણ સાચી અહિંસા મૂંગા, સૂક્ષ્મ, પરોક્ષ રસ્તે કામ કરે છે અને ખમીરની પેઠે આખા સમાજમાં વ્યાપી વળે છે.

હરિજનબંધુ, ૧૩-૧૧-’૩૮

નમ્રતા વિનાનું સત્ય એ તો સત્ય નહીં પણ સત્યનો ઉદ્ધાત વિદૂષકિયા સ્વાંગ થયો. જેને સત્ય આચારવાની તાલાવેલી લાગે છે તે જ જાણે છે કે એ કેવું કપરું કામ છે. દુનિયા એના કહેવાતા વિજ્યો ભલે ગમે તેવડા ઊજવે. તેના પરાજ્યોની વાત દુનિયા શું જાણે ? એ ભોંઠપની તો અને પોતાને જ ખરી ખબર હોય. આમ સત્યપરાયણ મનુષ્ય એ નીતરીને શુદ્ધ થયેલો માણસ છે. તેણે નમ્રતાની જરૂર જોઇ છે. જેને આખા જગત ઉપર પ્રેમ કરવો છે અને જેને પોતાને દુશ્મન લેખનારાને પણ તેમાંથી બાતલ રાખવો નથી તે જાણે છે કે પોતાના એકલાના બળ ઉપર તેમ કરવા માગવું એ કેવું અશક્ય છે. તેણે તો અહિંસાના મૂળાક્ષર સમજવાને પોતાને લાયક સમજતાં પહેલાં પોતાને ધૂળથી પણ ધૂળ ગણતાં શીખવું રહ્યું. દિનપ્રતિદિન તેના પ્રેમની સાથે સાથે જ જો તેની નમ્રતા પણ વધતી ન જાય તો તેના પુરુષાર્થની કશી જ કિંમત નથી.... જેનામાં અહં ભાવનાનો લેશ પણ બાકી રહ્યો છે તેને ઇશ્વરનું દર્શન કેવું ? ઇશ્વરદર્શન ઇચ્છનારે સંપૂર્ણ આત્મવિસર્જન કરવું રહ્યું છે. આ ક્ષુબ્ધ સંસારસાગરમાં કોણ છાતી ઠોકીને કહેશે, ‘મારી જીત થઇ છે’ ? જીત તો સદાય બધાના ‘હદેશે અધિષ્ઠિત’ એવા ઇશ્વરની જ થાય છે, આપણી નહીં.... જો એક દુન્યવી લડાઇ જીતવાને યુરોપે છેલ્લા મહાયુદ્ધ જેવા ક્ષણભંગુર બનાવ પાછળ લાખો જાનનો ભોગ આપ્યો તો આધ્યાત્મિક ક્ષેત્રમાં જગતને એક સંપૂર્ણ નમૂનો મળે એટલા ખાતર લાખો કરોડો અધવચ જ નાશ પામે તેમાં શી નવાઇ ?

નવજીવન, ૫-૭-’૨૫

અહિંસા એ મનુષ્યજાતિની પાસે પડેલી પ્રબળમાં પ્રબળ શક્તિ છે. માણસની બુદ્ધિએ યોજેલાં સંહારનાં પ્રચંડમાં પ્રચંડ શસ્ત્રાસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે. સંહાર એ મનુષ્ય ધર્મ નથી. મનુષ્ય પોતાના ભાઇને મારીને નહીં પણ પ્રસંગ આવ્યે તેને હાથે મરી જવાને તત્પર રહીને જ સ્વતંત્ર દશામાં જીવે છે. ગમે તે કારણે બીજા માણસનું ખૂન કે અન્ય પ્રકારની હિંસા મનુષ્યજાતિ સામે અપરાધરૂપ છે.

હરિજનબંધુ, ૨૧-૭-’૩૫

દયાની પરીક્ષા નિર્દયતાની સામે જ થઇ શકે; આ વચનો સામે, પ્રેમની દ્રેષની સામે, સત્યની જૂઠની સામે જ થઇ શકે. આ વચનો સત્ય હોય તો એમ કહેવું કે, ખૂનીની સાથે અહિંસા નિરર્થક છે, એ સત્યથી વેગળું છે. એમ કહી શકાય ખરું કે, ખૂનીની સાથે અહિંસાનો પ્રયોગ કરવો એટલે પોતે ખવાઇ જવું, પણ એ જ અહિંસાની પરીક્ષા છે. આમાં વિશેષતા એ છે કે, જે ખવાતાં પણ ખૂની પર ક્રોધ નથી કરતો, ને મનમાં તેને વિશે કહે છે. જેઓએ તેને શૂળી પર ચડાવ્યો છે તેને વિશે તેણે મરતાં મરતાં માગ્યું, ‘હે ઇશ્વર, જેમણે મને શૂળી પર ચડાવ્યો છે તેમને માફી બક્ષજે.’ આવા બીજા દાખલા બધા ધર્મોમાંથી નીકળી આવે તેમ છે. પણ ખ્રિસ્તનું ઉક્ત વચન જગવિખ્યાત છે.

ઉપરની હદ લગી આપણી અહિંસા ન ગઇ હોય એ જુદી વાત છે. આપણી નબળાઇને લીધે કે આપણને અનુભવ નથી તેથી અહિંસાની ભવ્યતાને આપણે નીચે ન ઇતારીએ, એ બરાબર નહીં ગણાય. સમજ જ ઊલટી હોય તો આપણે છેલ્લી ટોચ લગી ન પહોંચી શકીએ. તેથી અહિંસાની શક્તિને બુદ્ધિ વડે જાણી લેવી આવશ્યક છે.

હરિજનબંધુ, ૨૮-૪-’૪૬

અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી, મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાં-ઉઠતાં, બધી ક્રિયાઓમાં, ઇચ્છાઅનિચ્છાએ કંઇક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઇ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઇ શકે.

આત્મકથા, પા. ૩૫૦-૧

વળી અહિંસાના પડમાં જ અદ્રેતભાવના રહેલી છે. અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યકિતનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે, જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભલે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.

આત્મકથા ,પા. ૩૫૧