૨. ઇશ્વર છે
દરેકે દરેક પદાર્થમાં વ્યાપી રહેલી કોઇક ગૂઢ સત્તા છે, જેનું શબ્દોથી વર્ણન કે વ્યાખ્યા થઇ શકતી નથી. હું તેને જોઇ શકતો નથી છતાં તેનો અનુભવ મને થયા કરે છે. આ અદૃશ્ય સત્તાનો અનુભવ થાય છે ખરો પણ તેની સાબિતી આપી શકાતી નથી કેમ કે મારી ઇન્દ્રિયો વડે જે જે પદાર્થોનું જ્ઞાન મને થાય છે તે સર્વેથી તે સત્તા તદ્દન જુદી જાતની છે. તે ઇન્દ્રિયોથી પર છે.
છતાં અમુક હદ સુધી ઇસ્વરની હસ્તી તર્કથી સમજી અથવા સમજાવી શકાય એવું છે. દુનિયાના સામાન્ય વહેવારમાં પણ આપણે જોઇએ છીએ કે પોતાના પર કોણ શાસન ચલાવે છે, શા સારુ શાસન ચલાવે છે અથવા કેવી રીતે શાસન ચાલાવેછે તે લોકો જાણતા નથી. અને છતાં એક સત્તાની હયાતી છે ને તે અચૂક શાસન ચલાવે છે એટલું તેઓ જાણે છે. મૈસૂરના મારા ગઇ સાલના પ્રવાસમાં મારે ગામડાના ઘણા ગરીબ લોકોને મળવાનું થયેલું અને તેમને પૂછતાં મૈસૂરમાં કોનું રાજ ચાલે છે તે પોતે જાણતા નથી એમ તેમણે મને કહેલું. કોઇક દેવનું રાજ ચાલે છે એટલી વાત માત્ર તેમણે કહેલી. હવે, પોતાના પર શાસન ચલાવનાર રાજા વિશે આ ગરીબ લોકોનું જ્ઞાન આવું ઓછું છે, અને તે લોકો પોતાના શાસકના કરતાં જેટલા અલ્પ છે તેને હિસાબે હું ઇશ્વરના કરતાં ક્યાંયે વધારે અલ્પ છું તો પછી રાજાઓનો પણ જે રાજા એવા ઇશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો રાજાઓનો પણ જે રાજા એવા ઇશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો હોય તેની શી નવાઇ ? આમ છતાંય ગરીબ ગામલોકોને મૈસૂરની બાબતમાં લાગતું હતું તેમ વિશ્વની બાબતમાં મને લાગે છે કે તેમાં વ્યવસ્થા છે, તેમાં હયાત એવા દરેક પદાર્થને અને જીવનારા જીવને ચલાવનારો કોઇક અફર કાનૂન છે. અને એ કોઇ આંધળો કાનૂનનથી. કેમ કે તેવો કાનૂન જીવતાં પ્રાણીઓના આચારને તાબે ન રાખી શકે. વળી, હવે સર જગદીશચંદ્ર બોઝની અદ્ભુત શોધોને આધારે સાબિત થાય છે કે જડ પદાર્થો પણ ચેતન છે. તેથી,જેને તાબે જીવનમાત્ર નભે છે ને ચાલે છે તે કાનૂન ઇશ્વર છે. અહીં કાનૂન અને તે કાનૂનનો ઘડનારો બંને એક છે. એ કાનૂન અને તેના ઘડનાર વિશે મને નહીં જેવું જ્ઞાન હોય તેટલા જ કારણે મારાથી તે કાનૂનનો કે તેના ઘડનારનો ઇનકાર ન થાય. કોઇક દુન્યવી સત્તાની હયાતીનો હું ઇન્કાર કરું અથવા તેનું મને જ્ઞાન ન હોય તેથી જેમ મારો કશો અર્થ સરતો નથી, તેવી જ રીતે ઇશ્વરના અને તેના કાનૂનના ઇનકારથી તેના શાસનમાંથી હું મુક્ત થઇ શકતો નથી. એથી ઉલ્ટું, દુન્યવી સત્તાના સ્વીકારથી તેના અમલ નીચે જીવનવ્યવહાર સરળ બને છે તેમ ઇશ્વરી સત્તાનો મૂંગા રહીને ખામોશથી નમ્રપણે સ્વીકાર કરવાથી જિંદગીની સફર સરળ બને છે.
મારી આસપાસની સકળ સૃષ્ટિ હમેશ પલટાયા કરે છે, હમેશ નાશ પામે છે છતાં એ બધાયેે વિકાર ને પલટાઓની પાછળ એક અવિકારી, સ્થિર, સર્વને ધારણ કરવાવાળી, સર્વનું સર્જન કરવાવાળી, સર્વનો વિલય કરવાવાળી અને સર્વનું ફરી સર્જન કરવાવાળી એક ચેતન સત્તા રહેલી છે એવી મને આછી આછી ઝાંખી થયા કરે છે. સર્વને વ્યાપીને રહેલી એ સત્તાન અથવા આત્મા તે જ ઇશ્વર છે. અને કેવળ ઇન્દ્રિયો દ્ધારા જેનું મને જ્ઞાન થાય છે તે બધુંયે ટકવાવાળું નથી અથવા ટકવાનું સામર્થ્ય ધરાવતું નથી તેથી તે જ એક છે. એકમાત્ર તેની જ હયાતી છે.
અને આ સત્તા પ્રેમાળ છે કે ડંખીલી છે, શુભ છે કે અશુભ છે ? હું અનુભવું છું કે તે કેવળ પ્રેમમય છે, કેવળ શુભ છે. કારણ, હું હરપળે જોઉં છું કે મૃત્યુની વચ્ચે જીવન કાયમ ટકી રહેલું છે, અસત્યની વચ્ચે સત્ય ટકી રહેલું છે અને અંધકારની વચ્ચે પ્રકાશ ટકી રહેલો છે. એથી હું સમજું છું કે ઇશ્વર જીવન છે, સત્ય છે, પ્રકાશ છે. તે જ પ્રેમ છે. તે જ પરમ કલ્યાણ છેે.
પણ જેનાથી ખરેખર થતું હોય તોયે કેવલ બુદ્ઘિનું સમાધાન થાય તે ઇશ્વર નથી. ઇશ્વરનું ઇશ્વરત્વ તેની હ્ય્દય પર ચાલતી હકુમતમાં અને હ્યદયનું પરિવર્તન કરવાના તેના સામર્થ્યમાં રહેલું છે. પોતાના ભક્તના નાનામાં નાના કાર્યમાં તે વ્યકત થવો જોઇએ, થાય છે.પાંચે ઇન્દ્રિયો મળીને જે જ્ઞાન કરાવે તેના કરતાંયે વધારે સાચા, સાક્ષાત્ અને સ્પસ્ટ અનુભવથી જ એ બની શકે. ઇન્દ્રિયોથી થતાં જ્ઞાન આપણને ગમે તેટલાં સાચાં ભાસતાં હોય તોયે જૂઠાં તેમ જ ભ્રામક હોવાનો સંભવ છે અને ઘણી વાર હોય છેયે ખરાં. ઇન્દ્રીયોથી પર જે સાક્ષાત્કાર થાય તે જ અચૂક સાચો અને આધાર રાખવા જેવો હોય છે. કોઇ બહારના પુરાવાથી નહીં પણ જેમણે અંતરમાં ઇશ્વરના અસ્તિત્વનો અનુભવ કર્યો હોય તેમના પરિવર્તન પામેલા આચાર અને ચારિત્ર્યથી તેની સાચી સાબિતી મળે છે.
બધાયે દેશો ને પ્રદેશોમાં થઇગયેલા પેગંબરોની અને સંતોની અતૂટ પરંપરાના અનુભવોમાંથી એવી સાબિતી મળી રહે છે.
દૃઢ શ્રદ્ધા આવા અનુભવની પુરોગામી હોય છે. જેને પોતાની જાતમાં ઇશ્વરની હયાતીની હકીકતનું પારખું લેવું હોય તે જીવંત શ્રદ્ધાને જોરે તેમ કરે. અને ખુદ શ્રદ્ધાની સાબિતી બહારથી મળે શકતી નથી એટલે સલામતમ રસ્તો દુનિયાના નૈતિક શાસનમાં અને તેથી નીતિના કાનૂનમાં એટલે કે સત્ય અને પ્રેમના કાનૂનમાં શ્રદ્ધા રાખવાનો છે. સત્યથી અને પ્રેમથી વિરોધી જે કંઇ હોય તેનો તાબડતોબ ત્યાગ કરવાનો ચોખ્ખો નિરધાર હોય ત્યાં શ્રદ્ધાનો અમલ સહેલો ને સલામતમાં સલામત હોય છે.
તર્ક અથવા બુદ્ધિના કોઇ રીતથી અશુભની હસ્તી હું સમજાવી શકું એમ નથી. એમ કરવાના પ્રયાસમાં ઇશ્વરની સમાન થવાપણું છે. તેથી અશુભને અશુભ તરીકે ઓળખવા જેટલો હું નમ્ર છું. અને ઇશ્વર પોતે દુનિયામાં અશુંભ અથવા પાપને નભાવી લે છે તેથી જ હું તેને અપાર ક્ષમાવાન અને ખામોશવાળો માનું છું. તેનામાં કશું અશુભ નથી તે હું જાણું છું. તેનો સર્જક તે પોતે હોવા છતાં તેનાથી બિલકુલ અસ્પૃષ્ટ છે, તેનાથી જરાયે લેપાતો નથી.
અને હું એવું પણ સમજું છું કે અશુભની સાથે અને તેની સામે ખુદ જીવનને જોખમે પણ ઝઘડતો ન રહું તો હું ઇશ્વરને કદી પામવાનો નથી. મારા નમ્ર અને મર્યાદિત અનુભવને આધારે મારી આ માન્યતામાં હું દૃઢ રહું છું. જેટલા પ્રમાણમાં હું શુદ્ધ થવાની અને અશુભથી અળગો રહેવાની કોશિશ કરું છું તેટલા પ્રમાણમાં હું ઇશ્વરની વધારે નજીક પહોંચું છું એવું મને લાગે છે. તો મારી શ્રદ્ધા જે આજે કેવળ નામ પૂરતી છે તે હિમાલય જેવી સ્થિર અને તેનાં શિખરો પર ઝળહળતા હિં જેવી શુભ ને તેજસ્વી હોય તો હું ઇશ્વરની કેટલો બધો વધારે નજીક પહોંચી જાઉં ? દરમિયાન મારા પર પત્ર લખનારા ભાઇને જેમણે પોતાના અનુભવમાંથી ગાયું છે તે કાર્ડિનલ ન્યુમૅન સાથે પ્રાર્થના કરવાને ભલામણ કરું છું કે,
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ.
દૂર પડ્યો નિજ ધામથી હું ને
ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ.
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય,
દુર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય.
યંગ ઇન્ડિયા, ૧૧-૧૦-’૨૮