ભૂતનો ભય - 7 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 7

ભૂતનો ભય ૭

- રાકેશ ઠક્કર

માની મમતા

અલ્વર પર રાત્રે પિતાનો ફોન આવ્યા પછી ઘરે પાછા ફરવું જરૂરી હતું. માતાની તબિયત એકદમ વધારે લથડી હતી. પિતાની વાત પરથી લાગતું હતું કે એ કેટલો સમય કાઢી શકશે એનો ભરોસો નથી. અલ્વર પોતાના ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મિત્રને ત્યાં આવ્યો હતો.

મિત્ર બંજલનું ઘર જંગલ વિસ્તારમાં હતું. એણે વહેલી સવારે નીકળવાનો આગ્રહ કર્યો:‘અલ્વર, આટલી રાત્રે કાર લઈને નીકળવું જોખમભર્યું છે. ઊંઘનું ઝોકું આવી જાય તો અકસ્માત થઈ શકે. રાત્રે ચોર- લૂંટારા પણ ફરતા હોય છે. વળી અમારા ઘરથી દસ કિલોમીટર સુધીનો જંગલ વિસ્તાર છે....એમાંય વચ્ચે ગાઢ જંગલ છે.

બંજલના મોંમાં ભૂત-પ્રેતનો ખતરો હોવાની વાત હતી પણ એ ગભરાઈ જશે એમ માની બોલવાનું ટાળ્યું. કેમકે એને ખાતરી હતી કે લાંબા સમયથી માતા બીમાર હતી. એમની પાસે જવું જરૂરી હતું. એ એમની સેવામાં જ જોતરાયેલો હતો. પિતાએ જ એને મિત્રને ત્યાં ફરવા મોકલ્યો હતો. અલ્વર બે દિવસથી બંજલ સાથે કુદરતી સ્થળોએ ફરી રહ્યો હતો. આવતીકાલે સવારે ટ્રેકિંગ પર જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. પણ પિતાનો રાત્રે બાર વાગે ફોન આવતાં અલ્વરે નીકળી જવાની તૈયારી કરીને બંજલને ઊઠાડ્યો હતો.

હું આજે બપોરે ઘણું સૂતો હતો. આરામથી જાગી શકીશ. રાતની યાત્રા વધુ સારી રહેશે. કોઈ ટ્રાફિક નહીં હોય અને ઠંડા માહોલમાં ડ્રાઇવિંગ કરવાની મજા આવશે. માને મળવા આટલું તો હું કરી જ શકું છું. અલ્વરે નીકળતા કહ્યું.

આવજે... વચ્ચે વચ્ચે મને મેસેજ કરતો રહેજે... ભલે ઊંઘમાં હું ના જોઈ શકું... બંજલે ભીતરમાં એક ડર સાથે ખાસ કહ્યું.

હા, આવજે... કહી અલ્વરે કાર મારી મૂકી. થોડી જ વારમાં એની કારની લાઇટ વૃક્ષો વચ્ચે ઓગળી ગઈ ત્યારે બંજલ ઘરમાં જઈ સૂઈ ગયો. એને થોડીવાર સુધી ઊંઘ ના આવી. પોતે અલ્વરને ભૂત- પ્રેતથી ચેતવી દેવાની જરૂર હતી. આ વિસ્તારમાં રાત્રે ભૂત ફરતા હોવાની વાયકા જ નહીં હકીકત પણ પોતે સાંભળી છે. વચ્ચે એટલો જંગલ વિસ્તાર છે કે જંગલી પ્રાણીનો પણ ડર ઊભો રહે છે. આજ સુધી કોઈ પ્રાણીએ માનવજાત પર હુમલો કર્યો હોવાનો કિસ્સો નથી. પણ ભૂતનો ભય હોવાના કિસ્સા ઘણા આવે છે. આમ કહેવાથી એ વધારે ડરી જાય અને રોકાય તો માતાની પાસે પહોંચી ના શકે...એનું મા પાસે પહોંચવું જરૂરી હતું.

બંજલને ઊંઘતા મોડું થઈ ગયું હતું. એ સૂવા જતો હતો ત્યારે જ અલ્વરનો મેસેજ આવ્યો:જંગલની મધ્યમાં પહોંચી ગયો છું. આગળ ધુમ્મસ છે એટલે બે મિનિટ રોકાયો છું. ધીમે ધીમે નીકળી જઈશ.

બંજલ એ સુખરૂપ પહોંચી જાય એવો મેસેજ કરીને ઊંઘી ગયો.

સવારે એ જાગ્યો ત્યારે સાત વાગી ગયા હતા. એણે મોબાઈલ હાથમાં લીધો. બંજલનો પછી નવો કોઈ મેસેજ ન હતો. તેનું દિલ ધડકવા લાગ્યું. સાત કલાક થઈ ગયા છે. એ હજુ પહોંચ્યો નહીં હોય? રસ્તામાં પણ એણે કોઈ મેસેજ મૂક્યો નથી. એ જંગલમાંથી હેમખેમ બહાર નીકળી ગયો હશે ને?

બંજલે તરત જ અલ્વરને ફોન લગાવ્યો. ક્યાંય સુધી રિંગ જતી રહી. બંજલે ઘણી વખત રિંગ કરી. અલ્વરે ફોન ઉપાડયો નહીં. એને ગભરાટ થવા લાગ્યો. અલ્વર ઘરે પહોંચ્યો નહીં હોય? એની માતાની તબિયત સારી હશે ને? જઈને સૂઈ ગયો હશે? વધારે ચિંતામાં શેકાવાને બદલે એણે અલ્વરના પિતાને ફોન લગાવ્યો. એમણે પણ ઉપાડયો નહીં.

બંજલ આખો દિવસ પ્રયત્ન કરતો રહ્યો પણ કોઈએ ફોન ઉપાડયો નહીં. બંજલને સમજાતું ન હતું કે હવે શું કરવું? ત્યાં

રાત્રે અલ્વરના પિતાનો ફોન આવ્યો. તેણે પૂછ્યું:અલ્વર, હેમખેમ આવી ગયો છે ને?’

એમણે કહ્યું:એ તો હેમખેમ આવી ગયો હતો પણ એના માતા હવે આ દુનિયામાં રહ્યા નથી. એની માતા એનું મો જોઈ શકી એ સારું થયું. એ આવ્યો અને એની માતાએ જીવ છોડયો. અમે બધા વિધિમાં હતા. તારા ઘણા મિસકોલ જોયા એટલે ફોન કર્યો. પણ અલ્વરે તને ફોન ના કર્યો?’

ના, કદાચ એ દુ:ખથી ભાંગી પડ્યો હશે. કહી બંજલે વાત વાળી લીધી અને માતાના મરણ માટે શોક વ્યક્ત કરી સમય મળે એને ફોન કરવાનું કહી વાત પૂરી કરી દીધી. અલ્વર સુખરૂપ પહોંચી ગયો અને માતાને મળી શક્યો એ બાબતે બંજલે રાહત અનુભવી.

પિતાએ બંજલને એ વાત કહેવાનું ટાળ્યું કે માતાના અવસાનના શોકમાં અલ્વર અગ્નિદાહ પછી ક્યાંક એકાંતમાં ચાલ્યો ગયો હતો. ત્યારે પિતાને ખબર ન હતી કે અલ્વર તો એની માતા પહેલાં જ આ દુનિયા છોડી ગયો હતો. એની એમને ક્યારેય ખબર પડવાની ન હતી.

અલ્વર જ્યારે જંગલના મધ્ય ભાગમાં ધુમ્મસને કારણે કારને ઊભી રાખીને પગ છૂટો કરવા બહાર નીકળ્યો ત્યારે ટાંપીને બેઠેલા એક ભૂતે એને પકડી લીધો હતો અને એનું લોહી પીવા જતું હતું ત્યારે અલ્વર મા... મા... મારે તને મળવું છે. મા... કહેતો રહ્યો.

ભૂતે એનું લોહી પીવાનું શરૂ કરી દીધું હતું. લોહી પીધા પછી એને અલ્વરની માને મળવાની વાત યાદ આવી અને એની મા માટેની મમતા માટે એના જ રૂપમાં કાર સાથે પાસે પહોંચી ગયું હતું. માએ અલ્વરને જોઈ છેલ્લા શ્વાસ લીધા હતા. ભૂત અલ્વરની માતાની બધી વિધિ પતાવી એકાંતમાં જવાનું કહી જંગલમાં પાછું આવી બીજા શિકારની શોધમાં લાગી ગયું હતું.

***