Why does Jayakrish get many friends? books and stories free download online pdf in Gujarati

જયક્રિષને શા માટે ઘણાં મિત્રો બને છે ?

જયક્રિષને શા માટે ઘણાં મિત્રો બને છે ?

નમસ્તે વ્હાલાં બાળકો ! કેમ છો ? મજામાં ને ? આટલું છેલ્લું અઠવાડિયું તમારુ વેકેશન, બરાબર ને ? આ વેકેશનમાં તમે ઘણું બધું શીખ્યા, રમ્યાં, પ્રવાસ કર્યો, ચિત્રો દોર્યા અને ઘણી બધી મનપસંદ પ્રવૃત્તિઓ પણ કરી ખરું ને ? આમાંથી મોટાભાગની પ્રવૃત્તિઓ તમે તમારાં મિત્રો સાથે કરી હશે. શું તમારો મિત્ર જયક્રિશ જેવો જ છે ? તમને ખબર છે , શા માટે જયક્રિશ સૌનો પ્રિય મિત્ર છે ? એવા તો કેવાં ગુણો છે કે જયક્રિશને બધાં સાથે ફાવે છે? શું તમારે પણ જયક્રિશ જેવાં થવું છે ? વ્હાલાં બાળકો આપણે એવાં ગુણો કેળવીએ જેથી આપણાં ઘણાં સારા મિત્રો બને. તો ચાલો જાણીએ, મિત્રો બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? ઉત્તમ મિત્રનાં લક્ષણો કયા કયા? તે જોઈએ.


મમ્મીને પહેલાં મદદ, પછી જ રમવાનું :

એક્વાર એવું બન્યું કે, જયક્રિશ તેનાં મમ્મી પપ્પા સાથે બહારગામ ગયો હતો. ઘરે આવીને તેનાં પપ્પા ઓફિસ ગયાં. જયક્રિશે જોયું કે મમ્મી થાકેલી છે. રસોઈનો સમય થઈ ગયો છે. બીજાં ઘણાં કામ છે. લાવ મમ્મીને મદદ કરું. જયક્રિશે ફટાફટ ભીંડા પાણીથી ધોઈ કોરા કરી અને શાક ખૂબ જ કાળજીથી ચપ્પાથી સમારવા બેઠો અને તેનો મિત્ર આવ્યો. અને કહેવા લાગ્યો, " ચાલ જયક્રિશ, રમવા !!! " જયક્રિશે કહ્યું, હમણાં પપ્પાને ટિફિન મોકલવાનો સમય થઈ જશે. અત્યારે જ અમે આવ્યા છીએ તો મમ્મીને મદદ કરું છું. કામ થઈ જશે પછી રમીશું. જયક્રિશનો મિત્ર પણ તેને ભીંડા કોરા કરવામાં મદદ કરી. જયક્રિશનો મિત્ર પણ હવે ઘરમાં મમ્મીને મદદ કરતાં શીખી ગયો.


મિત્રતા કરવી હોય તો મિત્ર બનો.” :

હા, બાળકો. આ એક ઉત્તમ ગુણ કેળવવાનો જરૂરી છે. સૌના મિત્ર બનો. જયક્રિશ બધાંનો મિત્ર હતો, આ તેનો ઉત્તમ ગુણ હતો. તમારે સૌની સાથે મિત્રતા કેળવવી પડે. મિત્ર બનવું પડે. મિત્ર બનીને તો મિત્રો બને. દરેકની સાથે એકસરખું વલણ રાખવું. કોઈ વધારે અને કોઈ ઓછું એવું નહીં. મિત્રો છે તો બધાં જ સરખાં. સાથે સાથે નાના મોટા, વડીલ - સમોવડિયાં, વનસ્પતિ અને પ્રકૃતિ સૌને મિત્ર બનાવો. મિત્રતા કેળવવામાં નાનમ રખાય નહીં.

સાચી સલાહ આપનાર :

હા, બાળકો સાચો મિત્ર આપણો સાચો સલાહકાર હોવો જોઈએ. આપણી ભૂલો બતાવનાર હોવો જોઈએ. તમે ખોટા માર્ગે જતાં હોય તો તરત જ તમને રોકે. વ્યસની મિત્રો સાથેની સંગત માંથી છોડાવે. રખડેલ અને અવિવેકી મિત્રોની સોબત હોય તો ધીરેથી સમજાવી અને છોડાવે. આવો મિત્ર તમને સત્ય કહે તો પણ દુઃખ ન લગાડાય. પરંતું આગળ મીઠું મીઠું બોલીને પાછળ તમારી જ ખોદણી કરે તેવાં મિત્રોને ઓળખી આવાં મિત્રોથી ધીરેથી ખસી જવું.


નિસ્વાર્થ ભાવે એકબીજાને મદદ :

આ દુનિયામાં સ્વાર્થી મિત્રો ઘણાં મળશે. આવાં સ્વાર્થી મિત્રો તરત પરખાઈ પણ જશે. નાની નાની વાતોમાં પણ પોતાનો સ્વાર્થ જુવે. સ્વાર્થ હોય તો જ આપણી પાસે આવે. પોતાનું કામ પૂર્ણ થયા બાદ તે આપણાથી દૂર થઈ જાય. આ બધાં સ્વાર્થી મિત્રો કહેવાય. સારા મિત્ર કાયમ બની રહેવા માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરવું. તમને સંકટ સમયે મદદ કરનાર મિત્રને કદી ન ભૂલાય. જો તમે કોઈ મિત્રએ તમને મુશ્કેલીના સમયે સાથ આપ્યો હોય તેવાં મિત્રોને ભૂલી જાઓ તો કદી કોઈ તમારી મિત્રતા રાખશે નહીં. સંકટ સમયે કોઈ મદદ કરશે નહીં. માટે એક ઉત્તમ મિત્ર નિઃસ્વાર્થ હોય છે.


દુઃખમાં આગળ - સુખમાં પાછળ :

એક પંક્તિ છે - મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય. દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ પડી જાય! બાળમિત્રો, મિત્ર શોધવાની આ એક સુંદર મજાની પંક્તિ છે જેના પરથી આપણને ખ્યાલ આવે કે કેવો મિત્ર શોધવો જોઈએ ? મિત્ર ઢાલ જેવો એટલે કે, યુદ્ધમાં તલવારના વાર સામે ઢાલ રક્ષણ કરે છે. એ જ રીતે મિત્ર પણ આપણાં તમામ સંકટમાં ઢાલ બનીને રહે.


વિદ્યાવાન અને જ્ઞાનવાન :

વિદ્યાભ્યાસમાં રસ અને રુચિ ધરાવનાર અને અભ્યાસમાં આગળ હોય. સાથે સાથે સૌને શીખવતો હોય. પોતે ભણે અને બીજાને ભણવામાં મદદ પણ કરે. બધાં જ વિષયોનું સારુ જ્ઞાન ધરાવતો હોય. બધાં પાસેથી શીખવા અને બધાંને શીખવવા માટે તત્પર હોય. ભણવા સિવાયના અન્ય સામાન્યજ્ઞાનના વિષયોમાં પણ સારુ એવું જ્ઞાન ધરાવતો હોય. આયોજન મુજબ વાંચન,લેખન અને રમતગમત કરતો હોય. એને જોતાં જ ખ્યાલ આવે કે આ મિત્ર બનાવવાને લાયક છે.

સદગુણોનો ભંડાર :

હા, બાળકો. આવાં બાળકો સદગુણોનો ભંડાર હોય છે. નાનપણથી જ આવાં બાળકોમાં વિનય, વિવેક, નમ્રતા, ઉદારતા, કૃતજ્ઞતા, સંપ, સહકાર, ઉત્સાહ, ઉમંગ, તરવરાટ, પરોપકાર, સેવા જેવાં અનેક સારાં ગુણોથી આવાં બાળકોનું બાળપણ ખીલીને મહેંકી ઊઠે છે. સાથોસાથ તેમની આસપાસનું વાતાવરણ પણ ખુશનુમા બની રહે છે. આવાં બાળકો કદી નિરુત્સાહી કે અવિવેકી જણાતાં નથી. વડીલોને હંમેશાં માન આપે છે. ગુરુજનના સદાય આશિર્વાદ મેળવે છે. આવાં બાળકો સૌને ગમે. આવાં મિત્રો બનાવવા પણ સૌને ગમે.

તો જોયુને બાળકો, જયક્રિશને શા માટે ઘણાં બધાં મિત્રો છે ? મિત્રો બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે સૌએ જાણ્યું. હવે તમે પણ એવાં જ મિત્રો બનાવજો કે જેનાં સંગથી તમારુ જીવન મહેંકી ઊઠે. તમારે પણ એક ઉત્તમ મિત્ર બની રહેવા માટે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તો આશા રાખું છું કે તમે સૌના મિત્ર હશો, તમારે ઉત્તમ મિત્રો હશે.










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED