ૐ સરસ્વતી નમો નમઃ
લગ્ન . com વાર્તા ૧૦
મુંબઈ ઘાટકોપરમાં આવેલા નાના-નાની પાર્ક મા નવીનભાઈ એક બેન્ચ ઉપર કોઈની રાહ જોઈ બેઠા હતા . ઘડિયાળ તરફ જોયું પાંચ વાગીને દસ મિનિટ થઈ હતી ચહેરો થોડો ચિંતા માં હતો.
" કેમ છો નવીનભાઈ ? સોરી આવવામાં થોડું મોડું થઈ ગયું. " લગ્ન ડોટ કોમ વાળા જીગ્નેશભાઈએ આવીને હાથ મળાવ્યો .
" સોરી કહેવાની કોઈ જરૂર નથી આમ પણ સાવ નવરા જ બેઠા છીએ " નવીનભાઈ ઉભા થઈ હાથ મળાવ્યો .
" અરે તમે બેસો શાંતિ થી તમારી ઓળખાણ કરાઉ આ છે ગીતાબેન જેમના વિશે મેં તમને વાત કરી હતી ગીતાબેન આ નવીનભાઈ છે . તમે પણ બેસો ગીતાબેન . " જીગ્નેશભાઈ એ ઓળખાણ કરાવી .નવીનભાઈ અને ગીતાબેન એકબીજાને નમસ્તે કરી બેન્ચ ઉપર બેઠા .
" તમે બંને હવે શાંતિથી વાતો કરો હું તમને રાત્રે ફોન કરીશ " જીગ્નેશભાઈ રજા માંગતા બોલ્યા .
આ સાંભળી નવીનભાઈ ઊભા થઈ ગયા " અરે ઓ મહારાજ તમે ક્યાં જાઓ છો? હું શું વાતો કરીશ તમે બેસો મને ખૂબ અજીબ લાગે છે "
ગીતાબેન બન્નેને જોઈ રહ્યા એમને પણ અજીબ લાગતુ હતુ એમની પણ ઇચ્છા હતી કે જીગ્નેશભાઈ રોકાઈ જાય .
" અરે નવીનભાઈ મારે જાવું જરૂરી છે . એક પ્રોબલ્મ થયો છે સગાઈ થઈ ગઈ પછી હવે છોકરી લગ્ન કરવાની ના પાડે છે . કારણ સાંભળશો તો ચક્રાઈ જશો . સગાઈ પછી એક દિવસ બંને હોટલમાં જમવા ગયા હતા ત્યાં છોકરા એ ઢોસો મંગાવ્યો અને પછી ઢોસો હાથથી તોડીને ખાધો એટલે છોકરી એ ના પાડી દીધી કહે છે જે છોકરાને કાંટા છરીથી ઢોસો ખાતા ન આવડે એની જોડે લગ્ન કેવી રીતે થાય " જીગ્નેશભાઈ ની વાત સાંભળી ત્રણેય હસી પડ્યા.
" થોડીવાર તો રોકાઈ જાવો 10 15 મિનિટ મોળા જશો તો કોઈ ફરક નહીં પડે " નવીનભાઈએ વિનંતી કરી .
" તમારી વાત સાચી છે ફરક નહી પડે પણ તમારી વચ્ચે મારું અહીં કંઈ કામ નથી જે વાતો કરવાની છે તમારે જ કરવાની છે એટલે દુનિયાની ચિંતા કર્યા વગર મુક્ત મને વાતો કરો ટેન્શન કરવાની કોઈ જરૂર જ નથી હવે મને રજા આપો " જીગ્નેશભાઈ હાથ જોડી નીકળી ગયા .
ઉન્ડો શ્વાસ લઈ નવીનભાઈ બેન્ચ પર બેસી ગયા બંને એકબીજાને શરમાઈ જોતા રહ્યા અને હલકુ સ્મીત કરતા રહ્યા .
" આ જીગ્નેશભાઈ ધર્મશંકટમાં મૂકી ભાગી ગયા .એમની વાત પણ સાચી છે વાતો તો આપણે જ કરવાની છે અને આપણી પણ નાની એવી ઈચ્છા તો છે એટલે આપણે અહીં બેઠા છીએ . મારી વાત કરું તમને મારું નામ નવીન ચીમનલાલ મહેતા ઉંમર 70 વર્ષ પાંચ વર્ષ પહેલા હૃદય રોગથી મારી પત્ની નું અવસાન થયું બે છોકરાઓ છે એક જામનગરમાં એના સસરાની ફેક્ટરી સંભાળે છે અને બીજો અમેરિકા સેટ થયો છે બંનેના પરિવાર છે શાંતિથી રહે છે .મને એમની સાથે રહેવા બોલાવે છે પણ અમેરિકા મને ફાવતું નથી અને જામનગરમાં મારું માન સચવાય એમ નથી એટલે અહીં ઘાટકોપરમાં એક બે બેડરૂમનો ફ્લેટ છે એમાં એકલો રહું છું સવાર સાંજ ટિફિન આવે છે અને ચા જાતે બનાવી લઉં છું .સ્ટેશન પર એક દુકાન છે ભાડે ચલાવવા આપી છે લાખ રૂપિયા ભાડુ આવે છે ઘરની બાજુમાં એક ગાર્ડન છે સવાર સાંજ ત્યાં જ હોઉ છું થોડા મિત્રો બનાવ્યા છે એ લોકો સાથે ટાઇમપાસ કરું છું . ઘરે જવાનું મન થતું નથી એકલાપણાથી કંટાળો આવે છે . ટીવી જોવાનો મને શોખ નથી જીગ્નેશભાઈ એ તમારી વાત કરી તો લાગ્યું એકવાર મળી લઈએ સાચું કહું તો આ ઉમરે બીજા લગ્ન થોડું અજીબ લાગે છે . તમે શું વિચારો છો ? "
" મને પણ અજીબ લાગે છે . મારી ઉંમર 65 વર્ષ છે બે દીકરીઓ છે 50 વર્ષની ઉંમરે વિધવા થઈ હતી અહીં અસલફામાં એક નાનું ઘર હતું વધારે બચત હતી નહીં એટલે ઘર વેચીને છોકરીઓને ભણાવી અને પરણાવી. મોટી દીકરી અમદાવાદમાં રહે છે અને નાની દીકરી અહીં રહે છે . એમના ઘર પણ નાના છે થોડા મહિના અહીંયા તો થોડા મહિના અમદાવાદ એમની સાથે રહેવું મને ગમતું નથી પણ બીજો કોઈ રસ્તો પણ નથી . જીગ્નેશભાઈ એ મારી નાની દીકરી સાથે વાત કરી અને એને પણ ઠીક લાગ્યું એટલે મળવા આવી ક્યારેય વિચાર્યું નહોતું આવો દિવસ પણ આવશે . મને તો ગભરામણ થાય છે લોકો શું કહેશે ? " ગીતાબેન મુંઝવણમાં હતા .
" સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ . મને લોકોની બહુ ચિંતા નથી પણ મારા છોકરાઓ શું વિચારશે ? જોકે એમણે પોતાનો ફાયદો જ જોયો છે . મારો વિચાર કર્યો નથી તો મારે શું કામ કરવો જોઈએ ? લોકો નથી મને રસોઈ બનાવીને આપવાના કે નથી તમને ઘર લઈને આપવાના એમના વિશે વિચારવાનો અર્થ નથી . મનની વાતો કરવા કોઈનો સાથ મળે તો એમાં મને કાંઈ ખોટુ નથી લાગતુ . એકબીજાની જરુરતો પુરી કરવા લોકો લગ્ન કરતા હોય છે . હું આ લગ્ન માટે તૈયાર છું ." નવીનભાઈ એ મનની વાત કરી .
" મને પણ આમાં ખોટું કાંઈ નથી લાગતુ જેવી હરિની ઇચ્છા . પણ મને ટીવી જોવાનો ખૂબ શોખ છે " ગીતાબેન શર્માતા બોલ્યા .
બન્ને હસી પડ્યા . રાત્રે જીગ્નેશ ભાઈ ને ફોન કરી બંને એ હા પાડી . ગીતાબેન ની નાની દીકરી અને જીગ્નેશભાઈ ની હાજરીમાં બંને એ કોર્ટ મેરેજ કરી લીધા અને ગાર્ડનમાં મિત્રો ને પાર્ટી આપી બસ લઈ દર્શન માટે શ્રીનાથજી ગયા .
લોકઃ સમસ્તાઃ સુખીનો ભવન્તું .
આજની તારીખમાં છોકરા છોકરી અને એમના પરિવારની એકબીજાથી અપેક્ષાઓ એટલી વધી ગઈ છે કે લગ્ન જલ્દી નક્કી થતા નથી . વસ્તુ કરતા માણસ ને વધારે મહત્વ આપવુ જોઈએ . સુખ સગવળ જરૂરી છે પણ સંસ્કાર વધારે મહત્વના છે .
અહીં આ વાર્તાઓ પુરી થાય છે . માત્રુભારતી નો ખુબ આભાર . વાચક મિત્રોનો આભાર . પ્રતિસાદ આપવા વાળા મિત્રો નો વિષેશ આભાર .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .