બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૦) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૦)

"બસ તું કહીશ એ કરીશ"

(ભાગ-૧૦)

પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.
પ્રભાના પુત્ર ભાવિકને જોવા માટે સખી રેખા અને એની ભાણી ઈશિતા ઘરમાં આવે છે..
હવે આગળ..

રેખા બોલી:-" કોઈ સર્વન્ટ રાખ્યો છે! ઘરમાં તારા હસબંડ નથી?"

પ્રભાવ આ જોઈને જલ્દી પોતાના રૂમમાં શર્ટ પહેરવા ગયો.
પ્રભા બોલી:-" આ મારા હસબંડ છે. કપડાં ચેન્જ કરવા ગયા ત્યારે શર્ટ લેતા જવાનું ભૂલી ગયા લાગે છે. તમે બંને સોફા પર બેસો. હમણાં મારા હસબંડ આવશે.ક્યારના તમારા બંનેની રાહ જોતા હતા.પણ રેખા તારો હસબંડ આવ્યો નથી? પુરુષ પુરુષ વાતો કરે તો સારું લાગે."

આ સાંભળીને રેખા હસીને ઈશિતા સામે જોયું.
પ્રભા:-"તમે આરામથી સોફા પર બેસો. હમણાં મારા હસબંડ પણ આવશે.હા ભાવિકને ફોન કરી દીધો છે એ આવતો જ હશે. બાકી તમે મજામાં છો? ને હા રેખા તારા હસબંડ વિશે કહ્યું નહીં..પાછળ આવે છે ને!"

હસતા હસતા રેખાએ ઘરમાં પોતાની દ્રષ્ટિ ફેરવી દીધી.
બોલી:-" પ્રભા, તેં ઘરનું સજાવટ સરસ કર્યું છે. તેં જાતે કર્યું કે પછી કોઈ...."

પ્રભા:-" જાતે કર્યું છે.આપણને ખોટા ખર્ચા અને ખોટા દેખાડો કરવાનો શોખ નથી. મારા હસબંડ મદદ કરે છે.રજાના દિવસે ભાવિક પણ."

તરત જ ઈશિતા બોલી:-" ઓહ્.. એટલે તમે ભાવિક પાસે પણ રજાના દિવસે કામ કરાવો છો? તમે સર્વન્ટ રાખતા નથી? અમારા ઓસ્ટ્રેલિયામાં તો આવા કામ માટે સર્વિસ આપતા હોય છે એમની પાસે દર મહિને કામ કરાવી લેતા હોઈએ છીએ."

પ્રભા:-"તમારે ત્યાં હશે. બધા જોબ પર જતા હશે. અહીં તો જાત મહેનત જિંદાબાદ.પણ રેખા તારા હસબંડ?"

રેખા:-" અમારે mutual understanding છે. એમને કહીને જ આવી છું.એ કોઈ કારણસર બહાર ગયા છે. હું એમને અહીંનું એડ્રેસ મોકલી આપું છું.અમે બંને એકલા એટલે વારાફરતી ઘર સાચવીએ છીએ. હું બહાર જાવ તો એ ઘરમાં રહે. ને કોઈ કારણસર બહાર જાય તો પણ હું મારે કામ હોય તો બહાર જાવ છું.. કોઈ દિવસ પુછે જ નહીં કે ક્યાં જાય છે? ને હું પણ એમને પુછતી નથી."

પ્રભા હસી પડી ને બોલી:-" એટલે બિંદાસ પરિવાર. હું તમારા માટે ઠંડુ લાવું છું.બસ એક મિનિટમાં આવી. મારા હસબંડ તમને કંપની આપશે."

આટલું બોલીને પ્રભા કિચનમાં ગઈ.
મનમાં બબડી..આ કેવો પરિવાર છે? આ ઈશિતા ઓસ્ટ્રેલિયા રહે છે એ રેખા એ કહ્યું જ નહીં. આ રેખાનો બહુ ભરોસો રાખવો નહીં.આમેય ફેકૂ જ છે.

આ બાજુ રેખા અને ઈશિતા એ ઘરનું નિરિક્ષણ કર્યું.
રેખા ધીરેથી બોલી:-" ઈશિતા, હવે તારું કામ છે.તને મેં આંગળી ચીંધી છે. ભોળું ફેમિલી લાગે છે.બને એટલો... હું શું કહું છું એ તું સમજી ગઈ ને! પણ હા.. તારી પેલી વાત તું ભૂલથી પણ બોલતી નહીં."

ઈશિતા:-"માસી, તમે ગ્રેટ છો. તમને બકરાને ફસાવતા જબરા આવડે છે. મારે શું કરવાનું છે એ મને સારી રીતે આવડે છે. આ પહેલીવારનું થોડું છે!"

એટલામાં પ્રભાવ નવા કપડા પહેરીને બેઠકરૂમમાં પ્રવેશ્યો.
પ્રભાવ:-" હેલ્લો,હાય.. નમસ્કાર કૈસે હો? હા પણ તમે કોઈ બકરાની વાત કરતા હતા એ શું છે?"

રેખા અને ઈશિતા છોભીલા પડી ગયા.
રેખા મનમાં ..આ અમારી વાત સાંભળી ગયો લાગે છે..પણ વાત વાળતા આવડે છે. આવા ને લલ્લુ બનાવતા આવડે છે.

રેખા બોલી:-" હાય..પ્રભાવજી તમે ફની લાગો છો. મને આવા માણસો સાથે વાત કરવી ગમે છે. આતો મારા ઘર પાસે કાયમ બકરી અને બકરો આવીને બે બે કરે છે એટલે એમને .. તમે સમજી ગયા કે નહીં! તમે બહુ ફની છો."

પ્રભાવ:-" મને લાગે છે કે તમારા જેટલો તો નહીં જ. હા તો તમને કેવું લાગ્યું?"

રેખા:-" શું? તમે વાત કરવામાં રસિક છો. ઘર સુંદર છે.પણ..પણ હજુ સુધી ભાવિક દેખાયો નથી. હું ફક્ત ભાવિક કહું તો ચાલશે?"

એટલામાં પ્રભા લીંબુ શરબતના બે ગ્લાસ લાવી.
બોલી:-" મને વાંધો નથી. પણ ભાવિકને હોય તો મને ખબર નથી. બસ એ આવતો જ હશે. મારા મોબાઇલ પર મેસેજ આવ્યો છે કે એ ઓફિસથી નીકળી ગયો છે. કદાચ રસ્તામાં જ હશે. આ લીંબુ શરબત લો."

ઈશિતા:-" ઓહ્ લેમન જ્યુસ! પેપ્સી કે થંપ્સ અપ નથી? મને એની આદત છે. અહીં તો ડ્રાઈ છે એટલે બોલાય જ નહીં."

પ્રભા:-"અમને બહારના કોલ્ડ્રિગ્સની આદત નથી. એ કોલ્ડ્રિગ્સ એટલે ટોયલેટ ક્લિનર.. યુ નો વેરી વેલ."

ઈશિતા:-" ઓહ્ આંટી તમને ઈંગ્લીશ પણ આવડે છે! આપણી જોડી જામશે. પ્રેમથી આપો છો તો લેમન જ્યુસ પીશ."

રેખા અને ઈશિતા એ લેમન જ્યુસ પીધું.
પ્રભા બોલી:-" હા..તો ઈશિતા તારા શોખ વિશે કહે? તને રાંધતા આવડે છે?

રેખા:-"અરે પ્રભા, તું ક્યા જમાનાના સવાલો કરે છે. Cooking તો એની હોબી છે.શોખની વાત કરે છે તો એ તને કહેશે.પણ પછી એ અને હું ભાવિક વિશે પુછવાના છીએ.છોકરો જોવા આવ્યા છીએ તો ફાધર મધરનો ઈન્ટરવ્યુ તો લેવો પડે."

પ્રભા:-"અરે એમાં ખોટું લગાડવાનું ના હોય.ભાવિકની વહુ બનવા માંગતી હોય તો રસોઈ બનાવતા આવડે છે કે નહીં એ પુછવું જરૂરી છે."

રેખા:-"સારું.. સારું.. ઈશિતા તું શું કહેતી હતી?"

ઈશિતા:-" માસી આંટી સાચું જ પુછે છે.એનો જવાબ આપું. જુઓ આંટી cooking મારી હોબી છે. દરરોજ હું cooking વિશે યુટ્યુબ પર સર્ચ કરું છું.એ ઉપરથી શીખવા પ્રયત્ન કરું છું.પણ you know કે આપણે બજાર જેવું ટેસ્ટી બનાવી ના શકીએ.ચીજવસ્તુઓનો બગાડ થાય એ મને પસંદ નથી. બરોબર કહું છું ને આંટી."

પ્રભા:-"હા.. ચીજવસ્તુઓનો બગાડ ના કરવો જોઈએ. યુટ્યુબ પરથી પણ શીખી જવાય. ના આવડે તો હું શીખવાડીશ પણ રસોઈ તો ઘરમાં જ બનાવવી પડે."

ઈશિતા હસી બોલી:-"એ તો મારે અને ભાવિકે નક્કી કરવાનું રહેશે. યુટ્યુબ પર જે આઈટમો સારી લાગે એ ઓનલાઈન પર મંગાવી લેવાની. બનાવવાની ઝંઝટ નહીં. વાસણો પણ બચે તેમજ તમે નહીં માનો પણ મને તો ઘર કરતા બહારનું જ વધારે ફાવે છે."

પ્રભાવ:-"જો મને બહારનું ફૂડ માફક આવતું નથી."

ઈશિતા:-" અંકલ તમારા ઘરમાં કેટલો કચરો છે? આઈ મીન કેટલા ડસ્ટબીન છે? મને તો હમણાં બે દેખાય છે."

પ્રભાનું મગજ બગડ્યું. છતાં પણ શાંત રહીને બોલી:-"જો ઈશિતા મારા ઘરમાં ત્રણ વખત કચરા વાળવામાં આવે છે.ડસ્ટબીનની વાત કરે છે તો જરૂર જેટલા જ રાખવાના.પણ તું કેમ પુછે છે?"

ઈશિતા:-"આંટી, હું થોડી આઝાદ ખયાલની છું. મારે દર બીજા દિવસે બહાર ફરવા જોઈએ. વિક એન્ડ તો બહારગામ.દર વર્ષે ઓસ્ટ્રેલિયા જવું પડે. ને હા તમે કહેશો તો જોબ કરીશ. મને ઘરમાં ગમે નહીં.ભાવિકની સેલેરીમાં ઘર ચાલે નહીં. પાછું તમને પણ પોષવાના. તમને મંજૂર હોય તો વાત આગળ વધારીએ.મને તો ભાવિક પસંદ છે. મારા તરફથી હા છે.. હવે તમારા જવાબનો અને ભાવિકના જવાબની રાહ જોઈશું... પણ લગ્ન પછી તમને ના ફાવે તો અમે જુદા રહેવા જતા રહીશું. અમને સાથે રાખવા કે જુદા એ તમારા પર છોડી દીધું છે. પછી મને બદનામ ના કરતા કે ભાવિકની વાઇફે અમને દિકરાથી જુદા કરી દીધા."

પ્રભાનું મગજ બગડ્યું પણ પછી વિચાર્યું કે આ વાંદરી એમ ખસે એમ લાગતું નથી.. કંઈક કરવું પડશે.
પ્રભા:-" જો રેખા આપણે સખીઓ છીએ એ વાત બરાબર પણ જ્યારે સંબંધની વાત આવે ત્યારે જુદા દ્રષ્ટિકોણથી જોવું પડે છે. ઈશિતાના વિચારો બહુ આધુનિક જમાનાના સાથેના છે. હોય..એ વિદેશમાં રહી હોય એટલે એની વિચારસરણી એવી હોઈ શકે.પણ મારા ભાવિક સાથે એનો મેળ પડે એમ લાગતું નથી. છતાં જો ભાવિક આવે એટલે ખબર પડશે કે એ શું કહે છે. ભાવિકે પોતાની જિંદગી જીવવાની છે.અમે તો ખર્યુ પાન.ભાવિક આવતો જ હશે.થોડી રાહ જૂઓ અથવા તો તમે પછી સમય લઈને આવજો."

રેખાએ ઈશિતા સામે જોયું.
પછી બોલી:-" જો પ્રભા, ઈશિતાનું બોલવું તડ ને ફડ છે એટલે તમને ખોટું લાગ્યું હશે. હું એને સમજાવીશ. વિદેશી માહોલમાં મોટી થઈ છે એટલે આવું બોલે એ સ્વાભાવિક છે. અમે હજુ વધુ અડધો કલાક રાહ જોઈએ છીએ. મારા હસબંડને આવતા વાર લાગશે. કદાચ કોઈ કારણસર બહાર હોય તો ના પણ આવે."

આટલું બોલે છે ત્યાં પ્રભાના દરવાજે બેલ વાગ્યો.
પ્રભા:-"લાગે છે કે મારો ભાવિક આવી ગયો.એ સાંભળો છો?"

પ્રભાવ:-"હા..હા.. દરવાજો ખોલું છું."

પ્રભાવે ઘરનો દરવાજો ખોલ્યો.
જોયું તો એક સુંદર મહિલા સાથે સુંદર યુવતી હતી.

મહિલા:-"પ્રભાનું ઘર છે?"

પ્રભાવ:-" હા,આપ કોણ?"

મહિલા:-" હું પ્રભાની સહેલી રાખી."

રાખીનો અવાજ સાભળતા પ્રભા ઉભી થઈ ને દરવાજે ગઈ.
પ્રભા હસીને બોલી:-" આવ આવ રાખી વેલકમ. કેટલા વર્ષો પછી જોઉં છું.હજુ પણ હેમા જેવી જ દેખાય છે ઠસ્સાદાર.ઓહ અસિતા પણ સાથે છે. વેલકમ."

(ભાગ -૧૧ માં પ્રભાના ઘરમાં રાખી અને રેખા ભેગા થાય છે.બંને પોતાની પુત્રી માટે ભાવિકને જોવા આવ્યા છે.ઈશિતા અને અસિતા શું કરશે? અસિતા ઈશિતાને ઓળખતી હોય છે.ઈશિતાની પોલ કોણ ખોલશે? ભાવિક કોને પસંદ કરશે? કે પછી.. પછી.. ભાવિક કહેશે કે..મારી...મરજી..મારી..મરજી.. જાણવા માટે વાંચો 'બસ તું કહીશ એ કરીશ ' હસતા રહેજો ખુશ રહેજો.)