"બસ તું કહીશ એ કરીશ"
(ભાગ-૯)
પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.
સાંજે સખી રાખી એની પુત્રી અસિતા સાથે પ્રભાના ઘરે આવવાની હોય છે અને એક સરપ્રાઈઝ આપવાની હોય છે.
ભાવિક પણ ઓફિસથી ઘરે આવશે ત્યારે સરપ્રાઈઝ આપવાનો હોય છે.. હવે આગળ...
જીંદગી છે એક સાગર
કરીએ આપણે મનોમંથન
દરિયો પણ હિલોળે ચડે
ખુશીનો માહોલ બને
મનોમંથન કરતા કેટકેટલા રત્નો મળે
ઝેર મળે અમૃત મળે
છેતરનારા માણસ મળે
સારા બનીએ આપણે તો
આખરે તો સુખી સંસાર બને ...
પ્રભાવ:-"ઓહો, એટલે રાખીનો ફોન હતો! શું કહેતી હતી? ક્યારે આવવાની છે? સાથે અસિતાને લાવશે? હે ભગવાન..અસિતાને મારો ભાવિક ગમી જાય તો સારું.એની લાઈફ બની જશે."
પ્રભા:-"તમે તો બહુ ઉતાવળા થાવ છો ભાઈસાબ."
પ્રભાવ:-"આ બોલવાની ટેવ ક્યાંથી પડી? હું ભાઈસાબ છું! ચોક્કસ ઓલી મંછી માસી છીંકણી સુંધી ને થોડી થોડી વારે ભાઈસાબ બોલે છે એની નકલ કરે છે કે ટેવ પડી છે?જો બધાને ભાઈસાબ કહેવું એ કહે પણ મને નહીં. હું તો તારો ને તારો એક માત્ર...."
પ્રભા:-" બસ બસ હવે બહુ બોલ બોલ કરો છો. હા મારામાં આવી ટેવ ક્યાંથી આવી? સોરી સોરી.. ભાઈસાબ નહીં બોલું..કહેવાનો મતલબ એ છે કે હવે વધુ બોલવાનું બંધ કરીને મારી વાત સાંભળો. બહુ વાર્તા કરો છો એના કરતા મંદિરમાં બેસતા હોય તો થોડી અક્કલ અને આવક પણ થાય.આ મોંઘવારી એ મારી નાખ્યાં છે.ગેસના બોટલના ભાવ કેટલા બધા વધી ગયા છે. હવે જમવાનું વારંવાર ગરમ કરવાની નથી.તમારે તો ઠીક છે.અમારે ગરમીમાં રસોડામાં પુરાઈ રહેવાનું?"
પ્રભાવ:-" બસ હવે બસ, સોરી કહું છું. જે કહેવું હોય એ સીધેસીધું કહે તો મને હાશ થાય.કાલથી લગ્ન માટેની તૈયારી કરતો થાવ. મારા માટે ઓનલાઈન થોડા કપડાં જોયા છે એ તું ફાઈનલ કરે એટલે એવા કપડાં બજારથી ખરીદી કરવા આપણે જાશું.આપણને મોંઘા પોસાય નહીં. બે ચાર દિવસનો ખેલ છે.હે ભગવાન સાંજનો ખેલ સહીસલામત પાર ઉતારજે.કાલે સવારે મંદિરમાં એક શ્રીફળની માનતા રાખું છું."
પ્રભા હસી પડી.
બોલી:-" રાખીનો ફોન હતો.એ એની ડોટર અસિતા અને એના હસબંડ સાથે મને મળવા આવવાની છે.લગભગ સાંજે સાત વાગ્યા પછી આવીશ એવું કહ્યું હતું."
પ્રભાવ:-"ઉભી રહી રહે. હું પુંછું એનો જવાબ આપ.એણે ખરેખર શું કહ્યું હતું? તને મળવા માટે કે ભાવિકને જોવા માટે? બીજું શું કહ્યું હતું? એના હસબંડને તો તું ઓળખતી પણ હશે!આજે સાંજે તો હું થાકી જવાનો છું.એક સાથે આટલા બધા મહેમાનો આવશે તો ઘરમાં કેવીરીતે સમાઈ શકીશું?હે ભગવાન બધા વારાફરતી આવે તો સારું. બે ઘડી વાતચીત તો થાય."
પ્રભા:-" હવે રહેવા દો તમે.આપણા ઘરે મહિને એક કે બે મહેમાન આવતા હોય છે.આપણા ભાવિકનું નક્કી કરવાનું છે એટલે હવે મહેમાનો આવશે.તમને મારા ઓળખીતાઓ આવે એ ગમતું નથી! રાખી આપણને સરપ્રાઈઝ આપવાની છે."
પ્રભાવ:-" ના...ના.. એવું નથી. પણ વારાફરતી આવે તો સારું. બાજુના ઘરમાંથી ખુરશીઓ લાવવી પડશે. રાખી રસપ્રાઈસ આપશે? કોઈ બાબત તો હશે ને! પણ રાખીનો વર શું કરે છે?"
પ્રભા:-" જુઓ બાજુના ઘરમાંથી બે ખુરશીઓ જ લાવી રાખજો. ઘરમાં જગ્યા પણ ઓછી છે.પણ સાંકડે માંકડે આવી જાશું.રાખી અને રેખા ભેગા થાય તો પણ શું! રાખી કિચનમાં મને મદદ કરે એવી છે. હું રાખીના વરને ઓળખતી નથી. શું કરે છે એ ખબર નથી.તમને વહેમ આવે છે?"
પ્રભા હસતા હસતા બોલી.
પ્રભાવ:-" લે એમાં ખોટું લાગી ગયું. મેં કદી તારા પર વહેમ કર્યો છે? હા તું થોડી અંધશ્રધ્ધાળુ છે ખરી. લોકોની વાતોમાં આવી જતી હોય છે."
પ્રભા:-" હું ક્યારે અંધશ્રદ્ધાળુ બની એ મને કહો. મને ખોટું લાગતું નથી."
પ્રભાવ:-" સમય આવે એ કહીશ પણ હવે મારી આંખો ઘેરાય છે. હું થોડો આરામ કરું."
પ્રભા અને પ્રભાવ સાંજ સુધી આરામ કર્યો.
સાંજે પ્રભા મહેમાનનો માટેના સ્વાગતની તૈયારી કરવા લાગી.
સાંજે સાડા છ વાગ્યે પ્રભાના ઘરની ડોરબેલ વાગી.
પ્રભાવ:-" તું દોડ નહીં. પડી જઈશ.આપણો ભાવિક જ આવ્યો હશે.એણે કહ્યું હતું કે એ વહેલો આવશે."
પ્રભાવે દરવાજો ખોલ્યો.
જોયું તો સિક્યુરિટી ગાર્ડ હતા.
સિક્યુરિટી ગાર્ડ:-" સાહેબ, સાંજે પાણી મોડું આવશે. પાણીનાવાલ્વમાં થોડો પ્રોબ્લેમ છે. રિપેરિંગ થશે એટલે તરત પાણી ચાલું થશે. હમણાં પંદરેક મિનિટ પાણી આપી શકાશે."
આટલું બોલીને સિક્યુરિટી ગાર્ડ જતો રહ્યો.
પ્રભાવ બબડતો બબડતો બોલ્યો:-" લો, ખરે ટાંકણે જ ઉપાધી. રિપેરિંગના કારણે પાણી મોડું આવશે. શું કરીશું?"
પ્રભા:-" આપણે શું કરીએ એમાં? જુઓ હું ફટાફટ તૈયારી કરું છું.ને પછી નવા કપડાં પહેરીને તૈયાર થઈશ. તમે ત્યાં સુધી વોશરૂમમાં પાણી ભરી લો. બે ચાર ટબ ઘરમાં છે એ પણ ભરી દેજો. ને પછી ફટાફટ તૈયાર થજો.ક્યારે એ લોકો આવી જશે એ ખબર પણ નહીં પડે. આપણી પાસે સમય ઓછો છે.તો હું બધી તૈયારી કરું છું."
પ્રભાવ:-" બસ તું કહીશ એ કરીશ. ઝપાટાબંધ કામ પતાવીને તૈયાર થઈ જાવું."
પ્રભાવ જતો હતો ત્યારે એને જોરદાર છીંક આવી.
હા...ક... છીંક...
પ્રભા ચમકી પડી.
બોલી:-" આ તમે ખરા સમયે છીંક ખાધી છે એટલે અપશુકન જ થવાના. હમણાં મહેમાનો આવી જશે."
પ્રભાવ:-" લે.. હું કહેતો હતો ને કે તું અંધશ્રદ્ધાળુ છે. છીંક ખાવાથી અપશુકન થતાં હશે! છીંક પણ તારી પીઠ પાછળ ખાધી છે એટલે શુકન કહેવાય."
પ્રભા:-" સારું સારું હવે.ઉતાવળ રાખજો. ઝપાટાબંધ કામ પતાવીને તૈયાર થઈશ."
પ્રભા ઝપાટાબંધ કામ પતાવવા ગઈ.
પ્રભાવ બાથરૂમમાં પાણી સ્ટોર કરવા ગયો.
થોડીવારમાં પ્રભા કામ પતાવીને તૈયાર થવા જતી હતી ત્યારે એણે પ્રભાવને જોયો નહીં.
બોલી:-" સાંભળો છો? તમે ક્યાં છો? તૈયાર થયા!"
પ્રભાવનો અવાજ આવ્યો.
" તું તૈયાર થા. હું ભાવિકના બાથરૂમમાં છું. કેટલું ગંદું કર્યું છે.
દાઢી કરીને ગયો હતો પણ વોશબેઝિન ગંદું રાખ્યું છે.એ સાફ કરવા જતા બાથરૂમ ચીકાશયુક્ત હતું એટલે લપસી ગયો.કપડા પણ ભીના થયા છે."
પ્રભા:-" ઓહ્.. ભાવિક બેદરકાર છે.એણે કહેવું જોઈએ ને તો હું સાફ કરી દેતી. તમારા નવા કપડા ભાવિકના રૂમમાં મુકું છું.તમે ભાવિકના બાથરૂમમાં સ્નાન કરીને નવા કપડાં પહેરીને આવજો. ત્યાં સુધી હું તૈયાર થવા જાઉં છું. હવે આવવાની તૈયારી જ હશે. ઉતાવળ રાખજો.રેખા પાછી ચાંપલી છે.એટલે તમે તો બહુ બોલ બોલ ના કરતા."
પ્રભાવનો અવાજ આવ્યો.
" ઓકે.. તું કહીશ એ કરીશ બસ."
પ્રભાએ પ્રભાવના કપડાં ભાવિકના રૂમમાં મુકીને તૈયાર થવા ગઈ.
થોડીવારમાં પ્રભા તૈયાર થઈ.
જોયું તો પ્રભાવ તૈયાર થયેલો દેખાયો નહીં.
બોલી:-" કેટલી વાર કરો છો? હમણાં રેખા આવી જશે."
પ્રભાવ:-"વાર તો લાગે.પણ તેં આપ્યો એ શર્ટ પહેરવો નથી.સારો દેખાતો નથી. હું આવું છું."
આટલું બોલે છે ત્યાં ડોર બેલ વાગ્યો.
પ્રભાએ દરવાજો ખોલ્યો તો સામે હસતી હસતી રેખા ઉભી હતી. સાથે ખૂબસૂરત યુવતી હતી.
પ્રભા:-" વેલ કમ રેખા. આ ઈશિતા જ છે ને!"
ઘરમાં પ્રવેશ કરતા રેખા બોલી:-" યશ...આ ઈશિતા છે."
ઈશિતા:-" આંટી બહુ સરસ ઘર સજાવ્યું છે.મને ગમ્યું."
એટલામાં પ્રભાવ ભાવિકના રૂમમાંથી પેન્ટ અને ગંજી પહેરીને બહાર આવ્યો.
આ જોઈ ને રેખા બોલી:-" કોઈ સર્વન્ટ રાખ્યો છે! ઘરમાં તારા હસબંડ નથી?"
પ્રભાવ આ જોઈને જલ્દી પોતાના રૂમમાં શર્ટ પહેરવા ગયો.
પ્રભા બોલી:-" આ મારા હસબંડ છે. કપડાં ચેન્જ કરવા ગયા ત્યારે શર્ટ લેતા જવાનું ભૂલી ગયા લાગે છે. તમે બંને સોફા પર બેસો. હમણાં મારા હસબંડ આવશે.ક્યારના તમારા બંનેની રાહ જોતા હતા.પણ રેખા તારો હસબંડ આવ્યો નથી? પુરુષ પુરુષ વાતો કરે તો સારું લાગે."
આ સાંભળીને રેખાએ હસીને ઈશિતા સામે જોયું.
જમાનો તો કેવો બદલાય!
માબાપના પણ ઈન્ટરવ્યુ લેવાય
પુછાય છે હવે કેવું કેવું?
નવા જમાનાની નવી વાત
સંબંધો ખપ પૂરતાની વાત
મંથન કરતા શું મળશે?
સામાજિક સમસ્યાઓ બહુ મળશે
મતભેદો વધી ગયા
મનભેદ છે એ પછી ખબર પડે!
( ભાગ-૧૦ માં રેખા અને ઈશિતા પ્રભાનો ઈન્ટરવ્યુ લે છે.એ વખતે રાખી અને અસિતા પ્રભાના ઘરમાં આવશે. ભાવિક ઘરે કેમ સમયસર કેમ ના આવ્યો? આખરે ભાવિક કોને પસંદ કરશે?વાંચતા રહેજો હસતા રહેજો ખુશ રહેજો..'બસ તું કહીશ એ કરીશ ')
- કૌશિક દવે