Bus tu kahish ae karish - 2 books and stories free download online pdf in Gujarati

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૨)

'બસ તું કહીશ એ કરીશ"


(ભાગ-૨)

પહેલા ભાગમાં જોયું કે પતિ પ્રભાવ અને પત્ની પ્રભાવિકાના રોજિંદા જીવનમાં બનતી વાતો થતી હોય છે.પ્રભાવિકા પુત્ર લાલુ માટે કન્યા શોધવા માટે પ્રભાવને કહે છે.
એટલામાં લેન્ડલાઇન પર ફોન આવે છે.
પ્રભાવ ફોન પર વાતો કરવા જાય છે ત્યાં ફોન કટ થાય છે...
હવે આગળ...

રસોડામાંથી પ્રભાવિકાનો અવાજ આવ્યો.
" કોનો ફોન હતો?"

પ્રભાવ:-"બરાબર ખબર પડી નથી.પણ કોઈ રેખા નામ બોલી.ભાવિક નામના છોકરાનું કામ હતું.મને લાગે છે કે રોન્ગ નંબર છે.વધુ પુંછું એ પહેલાં કપાઈ ગયો. તું કોઈ રેખાને ઓળખે છે? એ ઈ...શિતા..ઈ..શિતા..બોલતી હતી."

પ્રભાવિકા રસોડામાંથી બેઠકરૂમમાં પ્રભાવ પાસે આવી.

પ્રભાવિકા:-"અરર.. તમે પણ ખરા છો.ફોન મને આપવો હતો ને! લેડિઝ સાથે લેડિઝ વાતો કરે.તમને બહુ ચટપટી થતી હોય છે ફોન પર વાતો કરવાની. અજાણ્યો જોયો નથી ને વાતો કરવા મંડ્યા."

પ્રભાવ:-" અરે પ્રભા, તું મારી વાત તો સાંભળ.હજુ હું કંઈ પુંછું એ પહેલાં તો ફોનમાં ઘરર.. ઘરર..અવાજ આવતો હતો.કદાચ એટલે ફોન કટ થયો હશે.પણ હેં એમણે ઘરઘંટી ચાલુ કરી હશે કે એમનો પંખો બગડ્યો હશે? કંઈ ખબર પડી નહીં. પણ અવાજ મીઠો હતો.ચીપી ચીપીને બોલતી હતી રેખા."

પ્રભાવિકા:-" તમે શું રેખા રેખા કરો છો.સ્રીઓનો આવાજ તો આમેય મીઠો જ હોય.પણ તમને રેખાનો અવાજ મીઠો લાગે છે.એક મીનીટમાં જ!..આ વર્ષોથી તમારી સાથે છું પણ કદી તમે મારા વખાણ કર્યા નથી. મારા ગીતો પણ સાંભળતા નથી. જેવી હું ગાવાની શરૂઆત કરું તેવા જ તમે બગાસાં ખાવા બેસો છો. આતો હું છું કે તમને ચલાવી લઉં છું.મારી જગ્યાએ બીજી કોઈ હોત તો ક્યારની યે.. હવે મારે નથી કહેવું.પતિના કેટલા દુર્ગુણો યાદ કરવાના."

પ્રભાવ મનમાં...
કાશ.. એ દિવસ આવે તો...

પ્રભાવિકા:-" શું કહ્યું તમે?મનમાં મારી બુરાઈ કરો છો.મને બધી ખબર પડે છે.કાશ મારા માબાપ હોત તો એમની પાસે રડી લેતી.પણ તમને પણ સાથે હાજર કરી દેતી. પણ ના... મારી માતાએ એવું શીખવાડ્યું નથી.પતિ સેવા એ જ શ્રેષ્ઠ સેવા. ને હા.. યાદ આવ્યું આ સવારે તમે પેન્ટ ધોવા નાંખ્યો હતો એમાં રૂપિયા બસોની નોટ મળી.કપડા ધોવાઈ ગયા હોત તો નોટ પણ ધોવાઈ જતી. આતો સારું છે કે હું બધી કાળજી લઉં છું."

પ્રભાવ:-" બસોની નોટ! ક્યારની શોધતો હતો.શોધી શોધીને થાકી ગયો હતો. લાવ મને પાછી આપ."

પ્રભાવિકા:-" કાલના શાકભાજી માટે પુરતાં છે.તમે ક્યારેય બજારમાં શાકભાજી લેવા ગયા છો? લીંબુના ભાવ ખબર છે? તમારે રોજ એક લીંબુ જોઈએ છે.ભાવ આસમાને છે.તમારે તો શાકભાજી વધારે ખાવા જોઈએ છે. મારો લાલુ ટિફિનમાં થોડુંક જ શાક લે છે.વધારે મુકું તો કહે કે વધારે ખવાતું નથી. પાછું આવે એના કરતાં ઓછું મુકજે મમ્મી."

પ્રભાવ:-" હા.. મને ખબર છે એ કેમ ઓછું લેતો જાય છે.એની ઓફિસમાં એ કોઈ સાથે જમવા બેસે છે એને એ ટિફિન વધુ ભાવે છે."

પ્રભાવિકા:-"એટલે હું રસોઈ ખરાબ બનાવું છું? આવવા દો એને.એ કોની સાથે જમવા બેસે છે એનો નંબર લઈને રેસિપી પુછી લેવી છે. હા.. જુઓને યાદ આવ્યું આપણો લાલુ તમારા જેવી જ ટેવવાળો છે."

પ્રભાવ:-"એતો હોય જ ને. બાપ એવા બેટા."

પ્રભાવિકા:-"તમે પેન્ટમાં બસોની નોટ ભૂલી ગયા હતા ને એ કોઈનો ફોટો."

પ્રભાવ:-"ક્યાં છે... ક્યાં છે? એ ફોટો બતાવ‌. જુવાન છે એટલે હોય."

પ્રભાવિકા:-"તમને ક્યાંથી બતાવું!એ ફોટો ધોવાઈ ગયો.કોણ છે એ ઓળખાતું નથી.પણ કોઈ છોકરી હોય એવું લાગે છે."

પ્રભાવ:-"ઓહ્.. અનાડી કહેવાય. પેન્ટમાં રખાય! કોઈ જોઈ જાય તો! ના..ના... આ બાબતમાં તો એ તારા પર ગયો છે. મારે ક્યારેય આવું બન્યું નથી. હું તો પાકીટમાં જ રાખતો હતો."

પ્રભાવિકા:-"એટલે.. શું રાખતા હતા?"

પ્રભાવ:-" કંઈ નહીં હો!....આતો હું ગપ્પા મારું છું. લાલુ માટે છોકરી શોધવી જ પડશે. જો એ શોધીને લાવે તો સારું.એની મનપસંદ તો લાવે. મારી અને તારી મહેનત બચી જાય."

પ્રભાવિકા:-" શું ગાંડાની જેમ બોલો છો? આપણે સમાજમાં રહેવાનું છે.સમાજની છોકરી લાવવી છે.પછી લાલુની ઈચ્છા હશે એ."

પ્રભાવ:-"અરે..પ્રભુ..અમારી વખતે આવું હોત તો કેટલું સારું હોત! હેં પ્રભા તને ખબર છે? લાલુની પસંદગી ઈચ્છાની છે? લાલુ એ કોઈ દિવસ તને ક્હ્યું તો હશે ને! લાલુ આવે એટલે તમે બંને ગુસપુસ કરતા હોવ છો. હશે... હશે..મા અને દિકરાની વાતોમાં ક્યારેય હું પડ્યો છું! પણ એવું કંઈ હોય તો મને ખાનગીમાં કહી દેવાનું. બાપ કરતા દિકરો સવાયો જ હોવો જોઈએ."

પ્રભાવિકા:-"હવે વધુ બોલવાનું રહેવા દો. મેં તમને જીવનનું રહસ્ય શોધવા કહ્યું હતું.અરર..મારા પૌંઆ પણ ઠંડા થઈ ગયા હશે.આ તમારા ફોનની લ્હાયમાં."

પ્રભાવ:-"એટલે પૌંઆ બની ગયા હતા? તું દોડતી આવી મારો ફોન સાંભળવા માટે? બહું શંકાશીલ છે તું.હવે તો પૌંઆ ઠંડા પણ થઈ ગયા હશે. હવે શું કરીશ? ખોરાકનો બગાડ હું ચલાવી લેવાનો નથી. હવે તારે જ ઠંડા પૌંઆ ખાવાં પડશે. હું ખાખરા ખાઈ લઈશ.મારે ચાલશે."

પ્રભાવિકા હસી પડી.
બોલી:-" મને ખબર જ હતી, તમે આવું બોલવાના છો.તમારી રગેરગ જાણું છું. મારી પાસે ટેકનીક છે. હમણાં જ પૌંઆ ગરમ કરીને લાવું છું. ત્યાં સુધી જીવનનું રહસ્ય શોધી કાઢો. ડબ્બાના રહસ્ય માટે મોડા BSNL માં ફોન કરજો. પછી આપણે સાથે બેસીને નાસ્તો કરતા કરતા વાતો કરીશું. ખાસ તો તમે ફોન પર જે સાંભળ્યું એ મને કહેજો એટલે હું પણ યાદ કરીને કહું કે કઈ રેખા હશે! હવે મનમાં પ્રભુની પ્રાર્થના કરજો કે હવે આપણા સારા દિવસો આવે."

પ્રભાવ:-" શું કહ્યું? ઈશ્વર પ્રાર્થના...સારા દિવસો માટે!"

પ્રભાવિકા:-" હવે ધીરે બોલો. ગાંડા જેવી વાતો ના કરો. આપણી આર્થિક સ્થિતિ સુધરે એ માટે કહ્યું છે. પાછું આપણા લાલુ માટે સારી કન્યા મળે એ માટે પ્રાર્થના કરો. લાલુને પ્રમોશન મળે એ માટે પણ."

પ્રભાવ:-" ઓકે ત્યારે. પણ આટલી બધી પ્રાર્થના કરવાની? પ્રભુ પુરી કરશે! સારું સારું...જે થશે એ સારા માટે જ. બસ તું કહીશ એ કરીશ."

પ્રભા પૌંઆ લેવા રસોડામાં ગઈ.

પ્રભાવ મનમાં બબડ્યો.
હે પ્રભુ...કેટલી બધી ઉપાધીઓ છે. જોબ કરતો હતો ત્યારે કોઈ ચિંતા જ નહોતી. બધું કામ પ્રભા કરી લેતી હતી. ઘરની બાબતમાં મને ખબર પણ નહોતી પડવા દેતી. આવી સુંદર, સુશીલ પ્રભા... હવે કેમ બદલાતી જાય છે? કદાચ જીવનમાં અસલામતી અનુભવતી હશે! લાલુને ઠેકાણે પાડવો જ પડશે.
પ્રભાવ મનમાં બબડવા લાગ્યો.

ઓ ઉપરવાલે તું મેરી સુન લે
થોડી સી સુન લે,
રૂપિયા મુજે દે દો
થોડા સા દે દો,
એક દિન કે લીયે અદાની, અંબાણી બના દો,
તું દેતા હૈ છપ્પન ફાડ કે,
હાં... હાં.. હાં..
મૈં દુઃખ કી બાત નહીં કરતા,
થોડા સા વૈભવ દે દો,
છોટી સી કાર દે દો,
ઇલેક્ટ્રીક વાલી દેના,
યહાં તો બાર બાર પેટ્રોલ કા ભાવ બદલ જાતા હૈ
હે.. ભગવાન..
બહુ પ્રાર્થના કરી..પણ...
પેલું કહે છે ને કે અક્કરમીના પડિયા કાણાં..
મારું મન પ્રાર્થનામાં ચોંટતું નથી..
બૈચેન હૈ મન..
ક્યાં સોચ રહા હૂં...

હાં... હાં..યાદ આવ્યું..
રેખા..રેખા..
રેખા ઓ રેખા..
ઓહ્.. આતો મારા જમાનાનું ગીત હતું..
રેખા યાદ કરવા દો..
હાઈસ્કૂલમાં હતી એ... હશે..ચહેરો યાદ નથી આવતો..
ના..ના..એ નહીં હોય..એનો અવાજ તો છોકરા જેવો હતો..
હાં...હા.. કોલેજમાં હતી એક રેખા. પરિક્ષામાં મારી પાછળ જ નંબર હતો. મારામાંથી ચોરી કરીને પાસ થઈ હતી..એ જ હશે..
કોલેજના છેલ્લા વર્ષ વખતે કહ્યું હતું કે ફીર મિલેગે..

"કોણે કહ્યું હતું ફીર મિલેગે?" પ્રભાવિકા પૌંઆની બે પ્લેટ સાથે બેઠકરૂમમાં આવીને સોફા પર બેઠી.
" હા તમે શું કહેતા હતા? કોને મળવું છે? પેલી ફોન વાળી રેખાને! એણે બીજું શું કહ્યું હતું એ કહો એટલે ખબર પડે કે હું કઈ રેખાને ઓળખું છું."

પ્રભાવ:-"અરર.. અહીં પણ લોચો જ છે. ખબર નથી પડતી કે આટલી બધી રેખાઓ ક્યાંથી આવી? રેખા સિવાય બીજું નામ જ પાડી શક્યા નહીં હોય! એ રેખા કહેતી હતી કે ભાવિક છે? ને ઈ..શિતા...નામ પણ બોલતી હતી.પણ ખરે વખતે જ આ ડબલાએ દગો કર્યો.આ ભાવિક કોણ છે? ને ઈ..શિતા?"

પ્રભાવિકા હસી પડી.
બોલી:-" સાવ ઘેલા છો.ભૂલકણા પણ ઘણા. આપણા લાલુને ભૂલી જાવ છો? લાલુનું નામ જ ભાવિક છે.પોતાના છોકરાનું નામ યાદ રહેતું નથી? પછી મને તો ભૂલી જ જવાના."

પ્રભાવ:-" ઓહ્..ભાવિક જ લાલુ અને લાલુ એટલે ભાવિક.
ગંગાધર જ શક્તિમાન અને શક્તિમાન જ ગંગાધર.. આ તેં લાડમાં લાલુ નામ પાડ્યું છે એટલે આપણે લાલુ જ બોલીએ છીએ.પછી ભાવિક તો મોઢે આવતા વાર લાગે છે.મારા મોબાઈલમાં પણ લાલુ તરીકે જ સેવ છે.પણ આ રેખા કોણ હશે? લાલુ...સોરી..આપણો ભાવિક રેખા અને ઈશિતાને ઓળખતો જ હશે. સાંજે આવે એટલી વાર છે. તું કંઈ એને બોલતી જ નહીં. હું ખાનગીમાં પુછીશ."

પ્રભાવિકા:-" શું પુછશો? તમે બાફશો.છોકરો હાથથી જશે.પણ રેખા. ....નામ જાણીતું લાગે છે. યાદ આવતું નથી.ચાલો હવે પૌંઆ જમીને આનંદ માણીએ."

થોડીવારમાં બંનેએ પૌંઆના નાસ્તાને ન્યાય આપીને બેઠા.
પ્રભાવિકા:-" પછી તમે જીવનનું રહસ્ય શોધ્યું?"

પ્રભાવ:-" પહેલા મને કહે તું કોઈ રેખા કે ઈશિતાને ઓળખે છે?"

પ્રભાવિકા હસી પડી.
" ભાવિકના પેન્ટમાંથી ફોટો નીકળ્યો હતો એ કદાચ ઈશિતા હોઈ શકે.જો એ ફોટો ધોવાઈ ના ગયો હોત તો મને ઈશિતાનો ચહેરો જોવા મળતો.છોકરાની પસંદગી ખબર પડતી."
( ભાગ-૩ માં પ્રભાવિકા ઈશિતાને પહેલા મળી હશે? કે રેખાને ઓળખતી હશે? સાંજે ભાવિક ઘરે આવશે ત્યારે શું થશે? વાંચતા રહો.'બસ તું કહીશ એ કરીશ.' હસતાં રહો,ખુશ રહો.)
- કૌશિક દવે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED