એક સુંદર મજાનું ચિત્ર દોરવું કેટલું સહેલું!!!!!
નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? હવે ખૂબ તાપ પડવો શરુ થઈ ગયો છે.તાપમાં બપોરનો સમયમાં તમે કંઈક ને કંઈક નવાં નવાં સર્જન કરો છો. કરતાં હશો. ઉદાહરણ તરીકે - ચિત્ર. તમને ચિત્ર દોરવું ગમે છે. રંગો પૂરવા તો ગમે છે પરંતું તમારુ ચિત્ર તમને પસંદ નથી. આવું ચિત્ર તમે ફાડીને ફેંકી દો છો. વ્હાલાં બાળકો. તમને જો ચિત્ર દોરવાનું ગમતું હોય તો નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખો. સતત પ્રયત્ન કરવાથી જ આપણું કામ ઉત્તમ થશે, અધવચ્ચે છોડી દેવાથી નહીં! તો ચાલો આજે આપણે ચિત્ર દોરતી વાખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે જોઈએ.
પ્રથમ છે ચિત્રકામમાં રસ :
હા, બાળકો. ચિત્રકામમાં રસ હોવો ખૂબ જરૂરી છે. રસનું કામ હોય અને સાથે લગન હોય તો તમે આબેહૂબ ચિત્ર દોરી શકો છો. તમારાં મિત્રો ચિત્ર દોરે છે માટે હું પણ દોરું એમ ન કરવું. મિત્રને ચિત્ર દોરવું ગમે છે અને તે સુંદર ચિત્ર દોરી શકે છે માટે તે દોરે છે. જો તમે રસ વિના દોરશો તો સારું ચિત્ર નહીં દોરાય. માટે જ સારુ કામ કરવા માટે પ્રથમ રસ હોવો ખૂબ જરૂરી છે.
જરૂરી સાધન સામગ્રી :
સારુ ચિત્ર દોરવા માટે સારામાના પેન્સિલ રબ્બર અને કાગળ વાપરો. ચિત્ર દોરવા માટેની એક અલગ પ્રકારની પેન્સિલ કે આછી પેન્સિલ આવે છે તે વાપરો. બહુ ઘાટી પેન્સિલ ન વાપરવી નહીતર રબ્બરથી ભૂંસવા જતાં ડાઘ પડશે. કાગળ સહેજ જાડો ચિત્ર માટે આવે છે તે વાપરો. જો ન હોય તો તમારી નોટબુકનો કોરો લીટી વિનાનો કાગળ વાપરો. ચિત્ર સૌ પ્રથમ આછું દોરો જેથી રબ્બરથી ભૂંસવા જતાં કાગળ ફાટે નહીં. બોર્ડર દોરવા માટે માપપટ્ટી પણ રાખો જેથી એક સરખી બોર્ડર તૈયાર થાય. બોર્ડર દોરવાથી ચિત્ર સારૂ લાગે.
યોગ્ય બેઠક વ્યવસ્થા :
સરખી રીતે બેઠા વિના ચિત્ર સરખું દોરતાં ન ફાવે. કેટલાંક બાળકો એમ જ પોતાનાં દફતર ઉપર કે નોટબુકનો ટેકો લઈને ચિત્ર દોરવાનું શરુ કરી દે છે. તમારે એક સરસ મજાનું પેડ કે મોટું પાટિયું લેવું. કમર ટટ્ટાર રહે અને તમને સરખી રીતે બેસતાં કે ઊભા રહીને ફાવે તેમ દોરવું. પાટિયું પણ લીસુ હોવું જોઈએ. ખરબચડું પાટિયું ચિત્ર બગાડે, કાગળ બગાડે, મહેનત બગાડે અને સમય પણ બગાડે. તમારી પાસે તમારુ ટેબલ હોય તો તેનો ઉપયોગ કરો. પરંતું એક વાત ખાસ યાદ રાખવી કે સરખી બેઠક વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે.
ચિત્રની પસંદગી :
તમે જો શીખો છો તો અવનવાં આકારોથી શરૂઆત કરો. જો આવડે છે તો સરળ ચિત્રો જેમકે : ફળો, શાકભાજી અને વિવિઘ આકારો ( ગોળ, ચોરસ, લંબચોરસ , ત્રિકોણ જેવા આકારો ભેગાં કરીને) ચિત્ર તૈયાર કરો. ધીરે ધીરે તમે થોડાં મોટાં ચિત્રો જેમકે : ઘર, ઝાડ, ફૂલછોડ અને કુદરતી દ્રશ્યો દોરો. આ રીતે તમે ધીરે ધીરે આગળ વધો. એકદમ જ જો તમે રેલ્વેસ્ટેશનનું દ્રશ્ય કે બાગમાં રમતાં બાળકો દોરવા જશો તો તમને અઘરું લાગશે.
રંગોનો પસંદગી :
રંગોની પસંદગી પણ એક ઉત્તમ ચિત્ર માટે જરૂરી છે. રંગો માટે પણ ચિત્રની જેમ જ ધીરે ધીરે આગળ વધો. પહેલાં પેન્સિલ કલરનો ઉપયોગ કરો. એકદમ જ સ્કેચપેન વાપરવી નહીં. તમે સરસ ચિત્ર તો તૈયાર કર્યુ પરંતું જો તમે સીધાં જ સ્કેચપેનથી ભાર દઈને રંગો પુરશો તો સુંદર ચિત્ર બગડી જશે. એ પછી જ તમે વોટર કલરનો ઉપયોગ કરો. વોટર કલર કરતી વખતે ખૂબ કાળજી રાખવી. પાણી, કપડું, પીંછી અને જરૂરી રંગો સાથે રાખવા. અને હા, ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે કયો રંગ ક્યાં પૂરાય. ભીંડાનું સરસ મજાનું ચિત્ર દોર્યું હોય અને એમાં જો પીળો રંગ પૂરો તો? ફળો, શાકભાજી અને ફૂલોના રંગો જે તે કુદરતી રીતે રંગો આપ્યા છે તેવાં જ રંગો પૂરવા.
એકાગ્રતા સાથે ધીરજ :
બઘું જ સરસ હોય પરંતું ફટાફટ ચિત્ર દોરીને રમવા જવાની કે સૌને તમારુ ચિત્ર બતાવી દેવાની ઉતાવળ કરવી નહી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે ચિત્ર દોરવા બેસો ત્યારે વિચારી લેવું કે આ ચિત્ર માટે મારે આશરે કેટલો સમય જોઈશે. એ પછી શાંતિથી બેસી જવું. જરૂરી સાધન સામગ્રી સાથે લઈને બેસો. જરુર જણાય તો જાતે ઊભા થઈને લઈ લેવું. મમ્મી પપ્પા કે ભાઈ બહેન ને ખલેલ કરાય નહીં. જાતે ઊભા થવાથી એક પ્રકારની કસરત જ ગણાય. ખૂબ જ એકાગ્રતા સાથે લીન થઈને ચિત્ર દોરો. દરેક કામમાં એકાગ્રતા ખૂબ જરૂરી છે. આપણી આસપાસનો અવાજ પણ આપણને ખલેલ ન પહોંચાડે એટલી એકાગ્રતા આપણાં કામમાં હશે તો સુંદર મજાનું તમને અને સૌને ગમે તેવું ચિત્ર તૈયાર થશે.
જોયું ને બાળકો. એક સુંદર મજાનું ચિત્ર દોરવું કેટલું સહેલું છે! તમે પણ તૈયાર થઈ જાઓ. ઉપાડો તમારી પેન્સિલ અને પીંછી. તૈયાર કરો તમારુ સુંદર ચિત્ર. અને હા,,, તમારું સુંદર મજાનું ચિત્ર મને મોકલવું ન ભૂલતાં હોં કે? બી. કે. ન્યુઝમાં પણ તમે તમારુ ચિત્ર મોકલી શકો છો. બાલસૃષ્ટીમાં પણ મોકલી શકો છો. તો છો ને તૈયાર!!!!