બાળ વિજ્ઞાન વાર્તા હવા જગ્યા રોકે છે. Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળ વિજ્ઞાન વાર્તા હવા જગ્યા રોકે છે.

ઉનાળુ વેકેશન છે. કિંજલ, પિનલ, પાર્થ અને કિશન મામાના ઘરે ગામડે ગયાં હતાં. ગામડે બાળકોને ખૂબ મઝા આવે. આખું વેકેશન બસ ખેતરોમાં, પહાડો પર, નદી કિનારે અને કોતરોમાં રખડવાનું. બીજું કંઈ જ ન કરવાનું. ક્યારે આખો મહિનો પૂરો થાય તે ખબર જ ન પડે.

નાની નાના અને મામા મામી પણ બાળકોને વેકેશનની મોજ કરાવે. સાથે ખેતરે લઈ જાય, ગીતો અને વાર્તાઓ કહે અને કંઇક ને કંઇક નવું નવું શીખવા જ મળે. ત્યાં કોઈ જ રોકટોક નહીં. બસ મઝા માણવાની અને આનંદ કરવાનો. સાથે સાથે ચોખ્ખી હવા, ચોખ્ખો ખોરાક અને તાજા તાજા શાકભાજી અને ફળો તો ખરાં જ !

એક દિવસ કિશન અને પાર્થ બંને બપોર સુધી ખેતરેથી આવ્યા નહોતાં. મામીએ જમવાના સમયે કિંજલ અને પિનલને ખેતરે તપાસ કરવા માટે મોકલ્યા. જોયુ તો, બંને જણાં ખેતરમાં કૂવાની આગળ કૂંડીમાં ખૂબ જ નાહ્યા અને બંનેના કપડાં પણ ભીનાં હતાં. કિશન અને પાર્થ પાણીની બોટલ, પાણીનો ગ્લાસ, લોટો, વાટકી અને અન્ય પાણી ભરવાનાં જે જે સાધનો મળ્યાં હતાં તે બધાં ભેગાં કરીને કંઇક રમત જેવું કરીને જાણે પ્રયોગો કરતાં જણાયા. પિનલ અને કિંજલે બંનેને મામી જમવા બોલાવે છે તેમ જણાવ્યું. પણ બંને જણાં પોતાની મસ્તીમાં મસ્ત હતાં. કિશને બંનેની સામે જોયા વિના જ જવાબ આપી દિધો, 'જા આવીએ છીએ.'

બંને છોકરીઓ ઘરે ગઈ અને મામીને વાત જણાવી હાથ - પગ અને મોં ધોઈને જમવા બેસી ગયા. એ વાતને પણ આશરે કલાક થવા આવ્યો હશે ત્યાં તેમનાં મામા આવ્યાં. મામીએ કિશન અને પાર્થ ખેતરેથી હજુ સુધી જમવા આવ્યા નથી તે વાત કરી. મામા સીધાં જ ખેતરનાં કુવે પહોંચ્યા. કિશન અને પાર્થ બંને પાણીમાં કંઇક કરતાં હતાં. મામાએ જઈને પૂછયું તો કિશને જણાવ્યું, 'મામા પાર્થ એવું કહે છે કે હવા ઊંચે આકાશમાં જ હોય. બધે ન હોય. અમારાં ટીચરે અમને "હવા જગ્યા રોકે છે" તે પ્રયોગ બતાવ્યો હતો. તે પ્રયોગ હું પાર્થને બતાવું છું. છતાં પણ પાર્થ માનવા તૈયાર નથી તો અલગ અલગ પાત્રોની મદદથી તેને સમજાવું છું.'

મામાએ પાર્થને સમજાવતાં કહ્યું , 'જો બેટા તુ છઠ્ઠા ધોરણમાં આવીશ તે સમયે તને આવાં ઘણાં બધાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાશે. હવાની તો ઘણી બધી વાતો છે અને ઘણાંબધાં પ્રયોગો છે તે બધાં જ હું તમને બંનેને આ વેકેશનમાં એક પછી એક કરી બતાવીશ. આજે હું પાર્થને હવા જગ્યા રોકે છે તે સમજાવું. જો આ બોટલ ખાલી છે. પાર્થ બેટા, ખાલી બોટલની અંદર હવા હોય છે. એ જ રીતે આ ખાલી પ્યાલામાં પણ હવા છે. આ હવા છે તે કેવી રીતે ખબર પડે ? તે જોઈએ. જુઓ આ પાણીનો પ્યાલો સીધો જ અંદર ડૂબાડી દઈએ. શું થયું ?' પાર્થે જવાબ આપ્યો, ' મામા કંઈ જ ફેરફાર નથી થયો.' મામાએ કહયું , 'બરાબર છે. હવે હું આ પ્યાલાને સહેજ ત્રાંસો કરીને પાણીમાં ડૂબાડીશ. જૂવો શું થયું ?' કિશને જવાબ આપ્યો, ' મામા પ્યાલામાં પાણી ભરાયુ અને પાણીનાં પરપોટા દેખાયા. ' મામાએ કહયું, ' જો પાર્થ, આ પ્યાલામાં પહેલાં હવા હતી. પ્યાલાને સહેજ ત્રાંસો ડૂબાડવાથી પાણી અંદર ભરાય છે અને પ્યાલામાં રહેલી હવા ધીરે ધીરે બહાર નીકળી જાય છે. આ પાણીના જે પરપોટા દેખાયા તે હવાના કારણે જણાય છે.' પાર્થેને હજુ બરાબર ન સમજાયું. તો મામાએ બીજો એક પ્રયોગ કર્યો. હવે પ્યાલામાં કાગળનો ડૂચો વાળીને મૂક્યો અને પ્યાલો સીધો જ પાણીમાં નાખ્યો. પ્યાલો બહાર કાઢીને જોયું તો કાગળનો ડૂચો કોરો રહ્યો હતો. હવે પ્યાલાને સહેજ ત્રાંસો કરીને પાણીમાં નાખ્યો તો કાગળનો ડૂચો ભીનો થઈ ગયો હતો. મામાએ પાર્થને સમજાવતાં કહ્યું, ' જો બેટા, પહેલાં હવાના કારણે કાગળ પલડ્યો નહીં અને ત્રાંસો પ્યાલો કરતાં પાણી અંદર ભરાયુ અને હવા બહાર નીકળી ગઈ અને કાગળ પલળી ગયો.' પાર્થને આનન્દ આનન્દ થઈ ગયો. મામાએ કહયું, ' હજુ આવાં બીજાં ઘણાં પ્રયોગો છે. આપણે કરીશું. અત્યારે ઘરે ચાલો. મામી તમારી રાહ જોઈને હજુ ભૂખ્યા બેઠાં છે.'

કિશન અને પાર્થ ખૂબ જ ખુશ હતાં. ચાલતાં ચાલતાં મામાએ બીજી ઘણી વાતો કરી. ઘરે આવીને સૌએ જમી લીધું. ખાધું પીધું અને મોજ કરી.