પ્રેમ ની મીઠાશ Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની મીઠાશ

પ્રેમ ની મીઠાશ



“ બેટા, આપણે બહાદુર બનવાનું ને ? એમાં શું રડવાનું ? મમ્મી પણ તને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું મમ્મી ને કરે છે. મમ્મી ને પણ દુખ થાય છે તને ઈન્જી આપતા. મમ્મી ને તું હિમ્મત આપીશ ને ? ને તારે મોટા થઈ ને ડોક્ટર થવાનું ને? ” 5 વર્ષ ની પ્રેક્ષા રડમશ ચહેરે અને આંખમાં બાઝેલાં મોતીઓ સાથે નર્સ ભાનુ સિસ્ટર સામે એકીટશે તાકી રહી.

*********************

“સર, નાનાં ભૂલકાં હસતાં રમતાં જ સારા લાગે, તેમના મોં પર દુખ ની રેખાઓ સહેજ પણ શોભતી નથી, તે બીમાર હોય એટલે જાણે આખું ઘર બીમાર હોય. તેના મમ્મી પપ્પા પણ સાથે એટલા જ દુખી થાય છે, મારે આજીવન બસ આ નાનાં ભૂલકાં ની સાથે રહી તેમનું આ દુખ દૂર કરવું છે.” આ જવાબ હતો પ્રેક્ષા નો જ્યારે તેને પૂછવામાં આવતું કે તેને પીડિયાટ્રિક્સ બ્રાન્ચ કેમ પસંદ કરી ?

પીડિયાટ્રિક્સ –બાળકો ના ડોક્ટર બનવાનું પ્રેક્ષાનું નાનપણ થી સેવેલું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું હતું. આજે તેને એ જ વોર્ડ માં પોસ્ટિંગ મળ્યું હતું જે વોર્ડ માં એ નાનપણ માં બાળ દર્દી તરીકે આવતી હતી. તેને પોતાનું નવા અભ્યાસ નું સ્થળ બિલકુલ અજાણ્યું ના લાગ્યું, એ જ વોર્ડ, એ જ દીવાલો અને એવા જ બાળ દર્દીઓ. બધા જ સ્ટાફ નર્સ, આયા બહેનો અને સાથી ડોક્ટર્સ સાથે પ્રેક્ષા એ આવતાં જ સુમેળ સાધી લીધો. બહુ ખંત પૂર્વક અને હોંશે હોંશે પ્રેક્ષા એ પોતાની જવાબદારી ઉપાડી લીધી હતી.

આજે વોર્ડ માં એક 5 વર્ષ ની દાખલ થયેલી દીકરીમાં પોતાની જાત ને જોઈ રહી હતી, આજ થી 20 વર્ષ પહેલા ની ઘટના જાણે તાજી થઈ ગઈ. પોતે પણ આજ રીતે વોર્ડ માં દાખલ થતી અને એની મમ્મી પણ આજ રીતે રડતી હતી. મમ્મી ને જે રીતે તે હિમ્મત આપતી એ ઘટના આજે તાદ્રશ્ય થઈ ગઈ.

*******************************

5 વર્ષ ની પ્રેક્ષા એના ઘરે બહુ ચંચળ અને ભારે તોફાની, ઘડીક માં ઘર ની પાછળ ના ગાર્ડન માં પતંગિયા ની આસપાસ ફરે, થોડીવાર માં ઘર માં આવી એના રમકડાં લઈ ને બેસી જાય પાછી થોડી વાર માં ઊભી થઈ એક નાનાં ખોખાં માં પૂરેલું જીવડું સલામત છે કે નહીં તે જોવે, ઘડીક માં એ આકાશ માં વાદળ ની ભાત જોઈ ખુશ થાય, વળી પાછી દોડતી ગાર્ડન માં જઈ આજે ખીલેલા ફૂલ જોઈ ખુશ થાય.

પોતાની દીકરી ની આ ચંચળતા જોઈ પ્રેક્ષા ની મમ્મી દ્વારા રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં અને ખુશ થતાં થતાં “ બેટા સાચવજે, બેટા પડી ના જતી, બેટા બહુ દોડીશ નહીં” જેવા મીઠડાં વાક્યો થકી વ્હાલની વર્ષા થતી. જ્યારે જમવાનું તૈયાર થાય ત્યારે એ ક્ષણ આવી જતી જ્યારે પ્રેક્ષા ની મમ્મી પોતાના હ્રદય પર પથ્થર મૂકી ને પોતાનું મન તૈયાર કરતી. જ્યારે પણ પ્રેક્ષા જમવા આવતી એટલે એની મમ્મી ભારે હ્રદયે ઇન્સ્યુલિન નું ઈન્જેક્સન તૈયાર કરતી. હા, પ્રેક્ષા ને નાનપણ થી જ જુવેનાઇલ ડાયાબિટિશ ( ટાઇપ -1 ડાયાબિટિશ) ની બીમારી હતી, જેમાં ભગવાને આ ફૂલ જેવી કોમળ દીકરીના શરીર માં સ્વાદુપિંડ ની ગ્રંથિમાં ઇન્સ્યુલીનનો સ્રાવ કરતાં કોષો જ નહોતા આપ્યા. અને જીવન જરૂરી ઇન્સ્યુલિન પ્રેક્ષા ને રોજ બપોરે અને રાતે જમતાં પહેલા ઈન્જેક્સન ના સ્વરૂપે લેવું પડતું. રોજ પોતાના પેટ ના ભાગે ઈન્જેક્સન લેવાના દુખ ને સહન કરવાનું પ્રેક્ષા શીખી ગઈ હતી પણ પોતાની મમ્મી હજુ ય ઈન્જેક્સન આપતાં આપતાં રડી પડતી, ભાનુ સિસ્ટર ની સલાહ પ્રેક્ષા ને ત્યારે અક્ષર: યાદ આવી જતી. મમ્મી ને હિમ્મત આપતાં આપતાં 5 વર્ષ ની પ્રેક્ષા પોતાના કાલાં ઘેલાં શબ્દો માં મમ્મી ને કહેતી

“ મમ્મી તું રડીશ નહી, મમ્મી મને આ ઈન્જીનું બિલકુલ દુખ થતું નથી પરતું તું આ રડે છે અને તારી આંખોથી આ આસું નીકળે છે ને મને એનું દુખ થાય છે.” ને ત્યાં જ પ્રેક્ષા ની મમ્મી રડતાં રડતાં પ્રેક્ષા ને ગળે લગાવી લેતી.

***************

આજે બસ એ જ રીતે એક નાની દીકરી ને એની મમ્મી રડતાં રડતાં ઇન્સ્યુલિન નું ઈન્જેક્સન આપવાનું નર્સ બહેન જોડે શીખી રહી હતી. એ જોઈ પ્રેક્ષા ને મમ્મી ની યાદ આવી ગઈ અને તુરંત મમ્મી ને મોબાઇલ માં કૉલ જોડી દીધો.
“ હેલ્લો મમ્મી, તારી યાદ આવી એટ્લે કૉલ કર્યો.” પ્રેક્ષા નો સ્વર ગળગળો હતો.

“ બેટા, મનેય તારી યાદ આવતી હતી, બેટા તને ફાવી ગયું ને ? તબિયત સારી છે ને ? બેટા ઇન્સ્યુલિન નિયમિત લઈ લેજે ને બેટા ગળ્યું બહુ ના લેતી, મીઠાઇ પણ બહુ ના ખાતી. બેટા તબિયત સાચવજે.”


“ હા, મમ્મી હું તબિયત સાચવું છું ને હા તારા આપેલા નાસ્તા માં તારા પ્રેમ ની મીઠાશ છે, મને કોઈ મીઠાઇ ની જરૂર નથી મમ્મી” વાત હજુ પૂરી થઈ ને જેવો પ્રેક્ષા એ મોબાઇલ મૂક્યો કે પ્રેક્ષાના ખભા પર કોઈ એ હાથ મૂક્યો.
પ્રેક્ષા એ પાછા વળી ને જોયું તો ભાનુ સિસ્ટર હતાં. એ જ સ્નેહ ભરી આંખો જે 20 વર્ષ પહેલા જોઈ હતી પણ ચહેરા પર કરચલીઓ પ્રમાણ માં હવે વધારે હતી.
“ દીકરી, આવા દ્રશ્યો તો રોજ આકાર લેશે, હિમ્મત રાખવાની અને હિમ્મત આપવાની બેટા!” ભાનુ સિસ્ટર પ્રેક્ષા ને સમજાવી રહ્યાં હતાં.
“ હા, ભાનુ સિસ્ટર, આજ થી 20 વર્ષ પહેલા તમે એક નાની દીકરી ને કેવી રીતે હિમ્મત આપવી એ શીખવ્યું હતું ને તમે જ એને ડોક્ટર બનવા પ્રેરણા આપી હતી, એ નાની દીકરી હવે ડોક્ટર બની ને તમારી સામે ઊભી છે, તમારી આપેલી હિમ્મત ના શબ્દો મને અક્ષર: સહ યાદ છે. હવે મારો વારો છે, હું સમજાવું જે તમે મને સમજવ્યું હતું”

ભાનુ સિસ્ટર સ્નેહ સભર સ્મિત સાથે પ્રેક્ષા ને જોઈ રહ્યાં હતાં.

ને પ્રેક્ષા એ રડતી દીકરી અને એ દીકરીની મમ્મીને સમજાવી રહી હતી.



“ બેટા, આપણે બહાદુર બનવાનું ને ? એમાં શું રડવાનું ? મમ્મી પણ તને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું મમ્મી ને કરે છે. મમ્મી ને પણ દુખ થાય છે તને ઈન્જી આપતા. મમ્મી ને તું હિમ્મત આપીશ ને ? ને તારે મોટા થઈ ને ડોક્ટર થવાનું ને? ”



“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર



(હાલ ભારત માં દર 10,000 બાળકો એ એક બાળક ને જુવેનાઈલ ડાયાબિટીસ ( ટાઇપ-1 ડાયાબિટીસ) થાય છે, જેના સામાન્ય લક્ષણો અતિશય તરસ લાગવી, વારંવાર અને તીવ્ર ભૂખ લાગવી(ખાસ કરીને જમ્યા પછી), મોઢું સુકાઇ જવું, પેટ ખરાબ રહેવું અને ઉલ્ટીઓ થવી,વારંવાર પેશાબ લાગવો,ઘણું ખાવા છતા વજન ઝડપથી ઘટવું, થાક લાગવો,ઝાંખુ દેખાવું શ્વાસ ભારે લાગવો ત્વચા, પેશાબની નળીઓ અથવા યોનિમાર્ગમાં વારંવાર ચેપ વગેરે છે, જેમાં લોહીમાં ના ગ્લુકોઝ ને નિયંત્રણ માં રાખવા ઇન્સ્યુલીન લેવું ખૂબ જરૂરી બને છે. જો લોહીમાંનું ગ્લુકોઝ નિયંત્રણમાં ના હોય તો હ્રદય, આંખો અને કિડની ને નુકસાન થઈ શકે છે અને કીટોએસીડોસિસ જેવી પરિસ્થિતી જીવલેણ સાબિત થઈ શકે છે. જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માં ઇન્સ્યુલીન વિનામુલ્યે આપવામાં આવે છે. રાજકોટ સ્થિત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન પણ આવા બાળકો માટે મદદરૂપ થઈ રહ્યું છે. )

Dr. Nilesh Thakor