રહસ્ય અકબંધ ( ડૉ. નિલેષ ઠાકોર)
“પ્રેમ ની ભવાઇ, પ્રત્યાર્પણ, પશ્ચિમ ના રાધા રાણી ને પૂરવ નો કાનુડો અને સંજુભાઇ મોસ્ટ વૉન્ટેડ આ બધી જ ફિલ્મો માં આકૃતિ નું પરફોરમન્સ એકદમ આઉટસ્ટેન્ડિંગ છે ને આ વર્ષ નો બેસ્ટ એક્ટ્રેસ નો એવાર્ડ પણ એ જ જીતી જવાની, કોણ છે આ આકૃતિ ? અત્યારસુધી ક્યાં હતી ? એ નો ભૂતકાળ શું ? કોઈ ને જ કશી જ ખબર નથી, લોકો ની ઉત્સુકતા અને જિજ્ઞાસા વધી છે ને આ તક મારા હાથ માં થી સરી ના જવી જોઈએ, કોઈ પણ ભોગે બસ તું આનું ઇન્ટરવ્યૂ લઈ આવ, એના વિષે ની સઘળી માહિતી આપણાં સામાયિક સિનેમિરર માં મારે જોઈએ, ને પછી તારું પ્રમોશન પાકું બસ.....” સિનેમિરર ની ચીફ એડિટર રાજવી ની આંખો માં ચમક ને મહત્વાકાંક્ષા ટપકી રહી હતી ને સામે બેઠેલા વિવાન ને પ્રમોશન ના દાણા વેરી ને પોતાના સામયિક ને સિનેજગત માં ડંકો વગાડવા રાજવી તત્પર બની હતી.
વિવાન પણ હાથ માં આવેલી તક જવા દેવા નહોતો માંગતો પણ પોતાના આ કામ માં વિવાન ને બમણી મુશ્કેલીઓ નો સામનો કરવાનો હતો, પહેલી મુશ્કેલી એ કે મુંબઈ માં રહેતો પોતાનો જિગરી દોસ્ત એને એના મેરેજ માટે એક સપ્તાહ થી બોલાવતો હતો જેમાં વિવાન ને કોઈ પણ ભોગે મુંબઈ જવાનું હતું અને બીજી મુશ્કેલી એ કે મિસ આકૃતિ કોઈ ને પણ ઇન્ટરવ્યૂ આપતી નહોતી, એના વિષે બધા એટલું જ જાણતાં કે દુનિયા માં એ એકલી જ છે, એથી વિશેષ એ એક પહેલી હતી, જેને વિવાન ઉકેલવા માંગતો હતો.
પોતાની વ્યાવસાયિક અને સામાજિક જીવન વચ્ચે સંતુલન સાધતો વિવાન પોતાના જિગરી દોસ્ત ના લગ્નપ્રસંગ માં મુંબઈ પહોંચી ગયો અને મુંબઈ માં એક રાજવી હોટેલમાં રાત્રિ રોકાણ અર્થે રોકાઈ ગયો. ફ્રેશ થઈ ને હોટેલ ના ટેબલ નું એક નીચે સૌથી નીચે રહેલું ડ્રૉઅર ખોલ્યું, ડ્રૉઅર માંથી 1970 ના જમાના નું મુંબઈ થી પ્રસારિત થતું એક સામાયિક મળ્યું, જેમાં પાનાં ફેરવતાં ફેરવતાં એક પ્રથમ જ પેજ પર નોંધ “રહસ્ય અકબંધ” પર નજર ઠરી, જેમાં એક રીપોર્ટર ની રહસ્યમય સંજોગો માં ગુમ થયા અંગે ના સમાચાર હતા. બસ પાનાં ફેરવતા ફેરવતા એ સામાયિક ના મુખપૃષ્ઠ પર લાગેલી ધૂળ સાફ કરવા લાગ્યો, જેમ જેમ ધૂળ સાફ થતી હતી એમ એમ એક મુખપૃષ્ઠ પર એક ચહેરો ઉપસી આવ્યો. ચહેરો જોતાં જ વિવાન ના વિસ્મય નો પાર ના રહ્યો, ફટાફટ એણે પોતાના મોબાઇલ ની ગૅલૅરી ખોલી. એજ ચહેરો , એજ અદા, એ જ પોશાક, એ જ હેર સ્ટાઇલ, ને ગળા માં પણ સફેદ મોતીઓ ની માળા પણ એજ. વિવાન નું અચરજ અને ઉત્સુકતા વધી રહી હતી. પોતાના ના મોબાઇલ માં રહેલી આકૃતિ નો ફોટો અને સામાયિક ના મુખપૃષ્ઠ પર નો ફોટો એક જ જણાતો હતો, ફર્ક બસ એટલો જ હતો કે સામાયિક નો ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ હતો જ્યારે પોતાના મોબાઇલ માં હમણાં તાજેતર નો ફોટો હતો.
આવું બની જ કઈ રીતે શકે ? 70 ના દાયકા ની ગુમ થયેલી એક એક્ટ્રેસ અચાનક 2018 ના વર્ષ માં ચમકી રહી હતી. એક્ટ્રેસ આકૃતિ નું એવું તો શું રહસ્ય હતું ? કોઈ ને પણ ઇન્ટરવ્યૂ ના આપવાનું કારણ શું આજ હતું ? હવે તો વિવાન ને બસ એક પહેલી ઉકેલવાની ઉતાવળ હતી. મુંબઈ થી પાછા ફરતાં જ એણે આ પહેલી ને બુઝાવવાનું કામ આરંભી દીધું.
એક મોડી રાત્રે તે મિસ આકૃતિ ના બંગલા પર પહોંચી ગયો, જેવો એ અંદર જવા જતો હતો કે બંગલા ના દરવાજા પર રહેલા સિક્યોરિટી ગાર્ડે તેને રોકી લીધો.
“ મેડમ, નો ખાસ આદેશ છે કે કોઈ એ પણ રાત્રે બંગલા માં પ્રવેશ કરવો નહીં, ને છતાં કોઈ અંદર આવવાનો આગ્રહ કરે તો પોલિસ માં જાણ કરવી, સોરી પણ માફ કરજો તમે અંદર નહીં જઈ શકો.”
સિક્યોરિટી ગાર્ડે ના ચહેરા પર નો ગુસ્સો જોઈ વિવાન પાછો ફર્યો. બીજા દિવસે વિવાન સ્ટુડિયો પર પહોંચી ને મિસ આકૃતિ નો કૉન્ટૅક્ટ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ મિસ આકૃતિ ના પર્સનલ બોડીગાર્ડ ના લીધે ઇન્ટરવ્યૂ તો શુ ! વિવાન નું એની નજીક જવું પણ શક્ય નહોતું ! આજે તો પહેલી ઉકેલી ને જ રહેવી છે એવો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલો વિવાન બહાર જ પ્રતિક્ષા કરવા લાગ્યો. મોડી સાંજે જેવી મિસ આકૃતિ નીકળી કે હજુ એની નજીક જવાનો પ્રયત્ન કરે કે એટલા માં તો એ કાર માં ગોઠવાઈ ને સડસડાટ નીકળી ગઈ.
વિવાન પણ પોતાની કાર લઈ ને મિસ આકૃતિ ની કાર નો પીછો કરવા લાગ્યો, મિસ આકૃતિ ની કાર એક દવા ની દુકાન આગળ ઊભી રહી, કાર માંથી ડ્રાઇવર નીકળ્યો અને મિસ આકૃતિ ના હાથ માં થી પૈસા લઈ ને દવાની દુકાન આગળ ગયો, કેટલીક દવાઓ મિસ આકૃતિ ના હાથ માં આપી ફરી એ કાર માં ગોઠવાઈ ગયો. થોડીવાર રહી ને વિવાને એ જ દવાની દુકાન આગળ પોતાની કાર ઊભી કરી દીધી, પોતાના વાકચાતુર્ય થી એણે દુકાનદાર પાસેથી એ માહિતી લઈ લીધી કે મિસ આકૃતિ ને આપેલી દવાઓ બીપી અને ડાયાબિટિશ ની હતી.
વિવાન માં મન માં રહસ્યો ના જાળાં ગૂંથાતાં જતાં હતાં, મિસ આકૃતિ ના ઘર માં મિસ આકૃતિ એકલી જ રહેતી હતી તો પછી આ દવાઓ કોના માટે ? હજુ મિસ આકૃતિ ની વય 25 ની આસપાસ જણાઈ રહી હતી તો આ વય માં આ દવાઓ ? કે પછી મિસ આકૃતિ ના ઘર માં બીજું કોઈ પણ રહેતું હતું જે હજુ સુધી બહાર જ નથી આવ્યું ? કદાચ સામાયિક ના ચહેરા વાળી સ્ત્રી તો નહીં ?
રહસ્ય નું જાળું ઉકેલવા એ ત્વરિત મિસ આકૃતિ નો પીછો કરવા લાગ્યો, સિક્યોરિટી ગાર્ડ થી બચવા ઘર ની ઘણી દૂર એણે પોતાની કાર પાર્ક કરી દીધી. આકાશ માં કાળા ડિબાંગ વાદળો અવરજવર કરી રહ્યાં હતાં, અંધારું ઘોર બની રહ્યું હતું, દૂર થી કુતરાં ભસવાના આવજો આવી રહ્યાં હતાં, રસ્તા માં તમરાઓ નું ગાન વાતાવરણ ને બિહામણું સ્વરૂપ આપી રહ્યાં હતાં. કોઈ પણ ડર ની પરવા કર્યા વગર વિવાન મક્કમ મને મિસ આકૃતિ ના બંગલા ના પાછળ ના ભાગે પહોંચી ગયો, સિક્યોરિટી ગાર્ડ ની નજર ચૂકવી ને એ બંગલા ની વરંડાની દીવાલ ઠેકી ને અંદર આવી ગયો. વિવાન સમક્ષ મિસ આકૃતિ નો વિશાળ બંગલો હતો. નવાઈ ની વાત તો એ કે આટલા મોટા વિશાળ બંગલા માં ફક્ત એક જ રૂમ ની લાઇટ ચાલુ હતી.
અચાનક બારી નો ખુલવાનો આવાજ આવ્યો અને એમથી સફેદ પડદો બહાર પવન ના લીધે લહેરાવા લાગ્યો, વિવાન એકદમ ચમકી ગયો. જોયું કે પવન ના લીધે મિસ આકૃતિ ની એક બારી અચાનક ખૂલી ગઈ હતી, વિવાન ખુશ થતો એ જ બારી માંથી બંગલા માં ઘુસણખોરી કરી લીધી. દબાતાં પગલે વિવાન જે રૂમ ની લાઇટ ચાલુ હતી, તે રૂમ ની નજીક પહોંચી રહ્યો હતો કે અચાનક જ દીવાલ પર સિક્યોરિટી ગાર્ડ ની ટોર્ચ લાઇટ નો પ્રકાશ દેખાયો અને એના પગરવ સંભળાયા. એક મોટા પડદા પાછળ વિવાન મુર્તિ બની ને ઊભો રહી ગયો, જેવો સિક્યોરિટી ગાર્ડ પોતાની કેબિન માં ગોઠવાયો કે તુરંત જ વિવાન ફરી પાછો એ લાઇટ વાળા રૂમ તરફ આગળ વધી રહ્યો હતો.
અચાનક જ મિસ આકૃતિ અંધારા માંથી એ રૂમ માં જતી દેખાઈ, વળી પાછો વિવાન અંધારા માં ગરકાવ થઈ ને સંતાઈ ગયો, રૂમ ની બારી આગળ થી જ વિવાને ધીરે રહી ને રૂમ માં ડોકિયું કર્યું. મિસ આકૃતિ દર્પણ માં જોઈ ને પોતાના ગળા માંથી સફેદ મોતીઓ ની માળા ઉતારી રહી હતી, જેવી મિસ આકૃતિ એ સફેદ મોતીઓ ની માળા ઉતારી કે મિસ આકૃતિ ના ચહેરા માં ફેરફાર થઈ રહ્યો હતો, ધીમે ધીમે એ યુવાન સ્ત્રી મટી ને વૃધ્ધા થઈ ગઈ, માથા પર ના વાળ નો રંગ રૂ જેવો સફેદ થઈ ગયો અને આખા શરીર પર કરચલીઓ ઉપસી આવી, સફેદ વાળ સાથે નો કરચલી ઓ વાળો ચહેરો બિહામણો બની ગયો. વિવાન નું હ્રદય ધબકરો ચૂકી ગયું, પોતાની આંખો એ શું દ્રશ્ય જોયું એના પર વિશ્વાશ નહોતો થઈ રહ્યો, ફટાફટ પોતાના મોબાઇલના કેમેરા માં આખીય ઘટના ને કંડારી લીધી. કદાચ પોતાની ધીરજ નું ફળ હવે તેને મળી રહ્યું હતું. રહસ્ય ના જાળાં ઉકેલાઈ રહ્યાં હતાં, 1970 ના દસકા ની એ એક્ટ્રેસ મિસ આકૃતિ જ હતી, જે એક રહસ્યમય સફેદ મોતીઓ ની માળા વડે હજુ ય યુવાન બની જતી હતી અને રહસ્ય છતું થાય એ પહેલા ગાયબ થઈ જતી હતી, આ ઘટના હવે પોતાના સામાયિક ના આવતાં અંક માં કવરસ્ટોરી માં છપાવાના હતાં અને સાથે જ વિવાન નું પ્રમોશન પાકું હતું, કે એટલા માં જ વિવાન ના મોબાઇલ ની રિંગ રણકી. વિવાન એ રિંગ બંધ કરવા ની મથામણ કરવા લાગ્યો.
જેવી રિંગ રણકી કે સફેદ રૂ જેવા વાળ સાથે નો ચહેરો પણ એ તરફ ગુસ્સા પૂર્વક જોવા લાગ્યો, વિવાન જલ્દી થી જે બારી એથી અંદર આવ્યો હતો એ જ બારી તરફ ભાગવા લાગ્યો. અંધારા માં દોડતી વખતે સંતુલન ના રહેવા ના લીધે પડી ગયો, પાછળ જ લાકડી ના ટેકા વડે એ બિહામણો ચહેરો પીછો કરી રહ્યો હતો, જેમ જેમ એ ચહેરો નજીક આવતો હતો તેમ તેમ લાકડી ના “ઠક ઠક” અવાજ ની તીવ્રતા વધતી જતી હતી, વિવાન ના ધબકારા વધી રહ્યાં હતા, જેમતેમ એ ઊભો થતો એ રૂમ માં પહોંચી ગયો જ્યાંથી એ અંદર આવ્યો હતો, બારી નજીક જઈ ને બારી ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ બારી હવે મુશ્કેટાટ બંધ હતી, કદાચ સિક્યોરિટી ગાર્ડ એ એને બહાર થી બંધ કરી દીધી હતી. હાંફળો ફાંફળો થતો વિવાન જેવો રૂમ ના દરવાજા થી બહાર જવા પ્રયત્ન કરવા લાગ્યો કે હવે દરવાજા પર દરવાજો બંધ કરી ને એ વૃદ્ધા પોતાના સફેદ વાળ સાથેના બિહામણા ચહેરા સાથે ઊભી હતી, બારી માંથી આવતા રાત્રિ ના ચાંદ ના આછા પ્રકાશ માં વિવાન એ જોયું કે એ વૃદ્ધા ના હાથ ના એક હાથ માં લાકડી હતી અને એક હાથ માં મોટો છરો હતો, વિવાન ના પરસેવા છૂટી ગયા. એટલામાં વૃદ્ધા નું અટ્ટહાસ્ય સંભળાયું.
“ તું ક્યારેય આકૃતિ નું રહસ્ય છતું નહીં કરી શકે, તારા જેમ પહેલા પણ ઘણા લોકો પ્રયત્ન કરી ચૂક્યાં છે “ અટ્ટ હાસ્ય પછી ના ઘોઘરા અવાજ સાથે એ વૃદ્ધા એ વધુ એક બિહામણું અટ્ટહાસ્ય કર્યું, અટ્ટહાસ્ય હજુ પૂરું થાય ના થાય એ પહેલાં જ વૃદ્ધા એ પોતાના હાથ માં રહેલો છરો જોર થી વિવાન ના પેટ માં હુલાવી દીધો. વિવાન હજુ ચીસ પાડે એ પહેલા છરો ઉપરા ઉપરી ઘા કર્યે જતો હતો ને વિવાન એ સાથે જ લોહી વડે ખરડાઇ ને નિશ્ચેતન બની ને ત્યાં જ ફસડાઈ પડ્યો.
********************
થોડા દિવસો પછી સિને મિરર સામાયિક નો નવો અંક પ્રકાશિત થયો, જેમાં મુખપૃષ્ઠ પર જ મિસ આકૃતિ ને આ વર્ષ નો બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યા ના સમાચાર સાથેનો સુંદર ચહેરો હતો અને પછી ના અંદર પ્રથમ જ પણે વિવાન ના ગુમ થયા ની નોંધ હતી અને એ નોંધ નું મથાળું હતું
“ રહસ્ય અકબંધ”
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર