What do you do to protect yourself from the summer heat? books and stories free download online pdf in Gujarati

ઉનાળાની ગરમીમાં રક્ષણ મેળવવા શું કરશો ?

ઉનાળાની ગરમીમાં રક્ષણ મેળવવા શું કરશો?


નમસ્તે વ્હાલાં બાળકો! કેમ છો ? મજામાં ને? વેકેશન મૂડમાં હશો. ખૂબ આનંદ કરો, રાહત અનૂભવો અને નવું નવું શીખ્યાં કરો. વેકેશન વેડફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો બાળકો, આજે હું એક અગત્યની વાત લઈને આવી છું. જો આ ગરમીના દિવસોમાં તમે ખ્યાલ નહીં રાખો તો તમારું બધું આયોજન નકામું જશે. તમે જે સમયે જે કંઈ કામ કરવાનું નક્કી કર્યું હશે તેમાં ખલેલ પહોંચશે. હા, વાત છે ગરમીમાં રક્ષણ મેળવવા શું કરવું જોઈએ? આ એક અગત્યનો મુદ્દો છે. જે તમને તમારાં આયોજન મુજબ કામ કરવામાં ખાસ અગત્યનું છે. તો ચાલો જાણીએ!!! ગરમીમાં રાહત કેવી રીતે મેળવી શકાય?


બપોરના સમયે બહાર જવાનું ટાળો :


હા, બાળકો આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બપોરનો 12:00 થી 4: 00 નો સમય ઘરમાં જ રહો. આ સમયે બહાર મહત્તમ પ્રમાણમાં ગરમી હોય છે. આવી ઊંચા તાપમાનની ગરમીમાં બહાર નીકળવાથી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. જેમકે - લૂ લાગવી, ચક્કર આવવા, ઝાડા ઊલટી થવાં, ચામડીના રોગો તથા અન્ય સમસ્યાઓ. આ સમયે ઘરમાં જ રહીને શું કરી શકાય! તેનું આયોજન તમારાં સમયપત્રકમાં સામેલ કરો. આ સમયે બહાર જવાથી અને બિમાર પડવાથી એક નહીં અનેક દિવસો બગડે છે.


પુષ્કળ પાણી પીઓ :


ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. બહાર નીકળતી વખતે અચૂક ભૂલ્યા વગર પાણીની બોટલ સાથે રાખો. આમ તો સામાન્ય રીતે આખા દિવસમાં નાના બાળકોને દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ પરંતુ ઉનાળાના દિવસોમાં આશરે પંદર થી વીસ ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી કરીને શરીરમાંથી પાણી ઘટે નહીં અને શરીરમાં પાણી ઘટવાથી કોઈ સમસ્યા ઊભી થાય નહીં.


પ્રાકૃતિક પીણાં જ પીઓ :


હા, બાળકો. બજારમાં મળતાં ઠંડા પીણાં ખૂબ જ નુકશાનકારક હોય છે. આવાં પીણાં તમને ઠંડક પ્રદાન નથી કરતાં પરંતુ તમારાં શરીરને ખૂબ નુકશાન કરે છે. આવાં પીણાંને બદલે તમે લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ, કાચી કેરીનો શરબત અને શેરડીનો રસ જેવાં પ્રાકૃતિક પીણાં પીવાનો આગ્રહ રાખો. પ્રાકૃતિક પીણાં તમને નુકશાન નહીં કરે ઉપરાંત ઘણો ફાયદો કરશે. પ્રાકૃતિક પીણાં તમને સસ્તાં પણ પડશે. જ્યારે બજારમાં મળતાં ઠંડા પીણાં ખૂબ મોંઘા અને શરીરને લાંબાગાળે ખૂબ કરશે. પ્રાકૃતિક પીણાં જરૂરી એવાં ઘણાં શક્તિશાળી તત્વોથી ભરપૂર હોય છે જે તમને સંપૂર્ણ ફાયદા કારક હોય છે.


પાણીવાળા ફળો અને શાકભાજી:


ઉનાળાના દિવસોમાં પાણી વાળા ફળો ખાવા જોઈએ. જે તમને ઠંડક આપે છે. ટેટી, તરબૂચ, દ્રાક્ષ, નારંગી, સ્ટ્રોબેરી, દાડમ, ચેરી અને પાઈનેપલ જેવાં ફળો ખાઓ. આવાં ફળોમાં વિટામિન સી નું વધારે પ્રમાણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કાકડી, ટામેટાં અને ડુંગળીનો સલાડ ખૂબ ખાઓ. ક્યારેક અનુકૂળતા હોય ત્યારે તડબૂચ, દાડમ, દ્રાક્ષ, ટેટી વગેરે જેવાં ફળોનો જ્યુસ ઘરે બનાવીને પીઓ. દૂધી, પરવળ, ગલકા, તુરીયા અને ઉનાળાના દિવસોમાં મળતાં બધાં જ શાકભાજી અને ફળો ખાઓ. કાચી કેરીનો બાફલો ખાઓ.


સુતરાઉ અને પાતળા વસ્ત્રો :


પુષ્કળ ગરમીમાં વસ્ત્રો પણ શરીરને ઠંડક આપે તેવાં પસંદ કરો. ઉનાળામાં ગરમીને કારણે પરસેવો ખૂબ વળે છે માટે પરસેવો શોષાય તેવાં કપડાં પહેરવાં. સુતરાઉ કપડાં પહેરવાથી ચામડીના રોગોથી દૂર રહી શકાય છે. અને હા, જો ક્યારેક તાપમાં બહાર જવાનું થાય તો ખાસ લાંબીબાયનાં કપડાં પહેરવાં જોઈએ સાથે સાથે માથે ટોપી કે ઓઢણી અને અતિશય તાપથી આંખોને નુકશાન ન થાય તે માટે સનગ્લાસ પહેરવા જોઈએ. હાથ, પગ કે મોં જો ખુલ્લુ રહે તેમ હોય ત્યારે તાપમાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન લગાડવું જેથી કરીને સીધો સૂર્યપ્રકાશ ચામડીને નુકશાન પહોંચાડી શકે નહીં.



હવામાન સમાચાર :


ખાસ, હવામાન વિભાગનાં સમાચાર ટી.વી.માં કે મોબાઈલમાં જોતાં રહો. જેથી કરીને તમને ખ્યાલ આવે કે વાતાવરણમાં ગરમીનો પારો કેટલો ઊંચો છે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ તકેદારી રાખવી. હીટવેવ સમયે બહાર ન નીકળો અને હીટવેવથી બચો. સાથે સાથે હવામાન સમાચાર સાંભળવાથી આપણે ગરમીનું વધારે ઓછું પ્રમાણ પણ જાણી શકીએ છીએ. તાપમાન માપવાના એકમો વિશે જાણકારી મેળવી શકાય છે. જે ખૂબ જરૂરી છે.


જોયુને બાળકો! ગરમીથી રક્ષણ મેળવવું કેટલું સરળ છે? ઘણીવખત આપણે આ બધી બાબતોનો ખ્યાલ રાખતાં નથી અને આખો દિવસ મોટેભાગે મિત્રો સાથે તાપમાં ફર્યા જ કરીએ છીએ અને સાંજે ઘરે આવો ત્યારે કેટલાક બાળકોને ચક્કર આવે, તાવ આવે, લૂ લાગી ગઈ હોય કે આંખો લાલઘૂમ થઈ ગઈ હોય! તો આ બધી બાબતોથી બચો અને બપોરના ચાર કલાક ઘરમાં જ રહો.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED