રેટ્રો ની મેટ્રો - 26 Shwetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેટ્રો ની મેટ્રો - 26

ફ્રેન્ડ્સ,રેટ્રોની મેટ્રો સફર શરૂ કરીએ એક સરસ મજાની યાદ સાથે.... ટીવી પરની સર્વપ્રથમ ભારતીય સોપ ઑપેરા,દૂરદર્શનની ધારાવાહિક હમલોગ....અને હમલોગ ના સૂત્રધાર સાથે દર્શકો પણ દોહરાવતા, તે શબ્દો યાદ છે ને?
"છન પકૈયા છન પકૈયા છન કે ઉપર બરફી, દેખેંગે હમ લોગ,અબ ક્યા કરેગી બડકી...."
"હમલોગ" ના સૂત્રધાર હતા અભિનેતા અશોક કુમાર.
કોલકાતાથી એલ.એલ.બી.નો અભ્યાસ પડતો મૂકીને મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં લેબ ટેકનિશિયન તરીકે નસીબ અજમાવવા આવેલા... અને "કિસ્મત"ના જોરે અભિનેતા બની,લોકપ્રિયતાના શિખરે સડસડાટ પહોંચી ગયેલા અભિનેતા એટલે અશોકકુમાર.૧૯૩૬ થી શરૂ થયેલી અભિનેતા તરીકેની તેમની કારકિર્દી લગભગ છ દાયકા સુધી વિસ્તરી હતી.ખંડવા ના અગ્રણી વકીલ કુંજલાલ ગાંગુલીનો સૌથી મોટો પુત્ર કુમુદલાલ ગાંગુલી,બી.એસ.સી થયો પછી કલકત્તાની લો કોલેજમાં અભ્યાસ માટે ગયો પણ અભ્યાસને બદલે આ કોલેજીયન તો સમય મળે એટલે ફિલ્મો જોયા કરે.કેટલીક ફિલ્મો જોયા બાદ લોયર ને બદલે ડિરેક્ટર બનવાનો વિચાર મનમાં ઘોળાવા માંડ્યો. એટલે એક દિવસ પ્રિન્સિપાલને મળ્યા,એ પારખુ દીર્ઘદ્રષ્ટા પ્રિન્સિપાલે સંમતિ તો આપી જ ઉપરથી પોતાના પરિચિત એવા હિમાંશુ રાય પર ચિઠ્ઠી પણ લખી આપી.કુમુદલાલે લો ની ફી ભરી નહિ અને એમાંથી ટિકિટ લઈને સીધા પહોંચ્યા મુંબઈ. ત્યારે બોમ્બે ટોકિઝ માં જુદા જુદા પદ માટેની ભરતી ચાલુ હતી હિમાંશુ રાય તથા તેમના પત્ની દેવિકારાણીએ નક્કી કરેલું કે ગ્રેજ્યુએટ યુવાનોને જ નોકરીએ રાખવા.મિસ્ટર કુમુદલાલ ગાંગુલી (બી.એસ.સી) એકદમ અનુકૂળ જણાયા અને બોલિવૂડમાં એક લેબ ટેકનિશિયન તરીકે અશોકકુમાર ની એન્ટ્રી થઇ. નાઇટ શિફ્ટમાં દિવસ દરમિયાન થયેલા શૂટિંગની ફિલ્મ ડેવલપ કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું. તો પછી કુમુદલાલ ગાંગુલી સફળ અભિનેતા અશોકકુમાર બન્યા કઈ રીતે? વાત જાણે એમ બની કે,
બોમ્બે ટોકીઝમાં કુમુદલાલના બનેવી શશધર મુખર્જી સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કામ કરતા. તેઓ હિમાંશુ રાય ના ભરોસાપાત્ર વ્યક્તિ હતા.થયું એવું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી એક ઘટના પછી ફિલ્મના હીરોને પડતો મૂકવામાં આવ્યો અને ફિલ્મ માટે તાત્કાલિક બીજો અભિનેતા શોધવાની જવાબદારી આવી પડી શશધર મુખરજી પર. તે સમયે એક્ટર્સ ફિલ્મ કંપનીઓમાં પે-રોલ પર કામ કરે,તેથી તાબડતોબ કોઈ કામ કરવા તૈયાર પણ ન થાય. ગભરાટમાં જીજાજી શશધર મુખરજીએ કુમુદલાલનું નામ આપી દીધું. તરત જ તેમને બોસની કેબિનમાં બોલાવાયા. લઘરવઘર કપડે હાજર થયેલા લેબ ટેકનીશીયન ને ધ્યાનથી જોઈને તરત જ હીરો બનાવવાની મંજૂરી આપી દેવાઈ.સ્વપ્નમાં પણ એક્ટિંગ નો વિચાર ન કરનાર કુમુદલાલ મૂંઝાયા,પણ કંપનીને તકલીફમાંથી ઉગારવા માટે આ એક ફિલ્મ કરી લેવા બધાએ તેમને મનાવી લીધા.આમ ફિલ્મ "જીવનનૈયા"થી રૂપેરી પડદે જન્મ થયો અભિનેતા અશોકકુમાર નો.હવે યાદ કરીએ એ સમયને,જ્યારે અશોકકુમારે પહેલી વખત ફિલ્મ માટે કેમેરાનો સામનો કર્યો. જર્મન ડાયરેક્ટર ફ્રેન્ઝ ઓસ્ટીને પહેલા દિવસે ખૂબ જ સરળ શોટ ગોઠવ્યો. કુમુદલાલ એટલે કે આપણા હીરો અશોક કુમારે ઉપરથી ભૂસકો મારીને નીચે ઊભેલા વિલન અને હિરોઈન ની વચ્ચે પડવાનું હતું. સાવચેતી માટે ગાદલા પાથરી દેવાયા. ફાઈટ સીન્સની પ્રણાલી મુજબ કાઉન્ટડાઉન રાખવામાં આવ્યું હતું. એટલે કેમેરા ઓન થતા જ કુદવાનું નહોતું 10 થી 1 સુધી ઊંધી ગણતરી થઈ જાય પછી કૂદવાનું હતું એ દરમિયાનમાં વિલન અને હિરોઈન ખસીને હીરોને પડવાની જગ્યા કરી આપે પણ હજી તો પહેલો આંકડો જ બોલાયો અને નર્વસ થઈ ગયેલા અશોકકુમારે જમ્પ માર્યો ને સીધા પડ્યા વિલન પર. વિલન બનેલા કલાકાર ને ફ્રેક્ચર થઈ ગયું. જોકે પહેલી જ ફિલ્મ"જીવનનૈયા"હિટ સાબિત થઈ અને અશોક કુમારની ફિલ્મી કરિયર સડસડાટ આગળ વધવા માંડી.૧૯૪૩ માં આવેલી કિસ્મત ફિલ્મે ઈતિહાસ સર્જ્યો, કલકત્તામાં પોણા ચાર વર્ષ સુધી સતત આ ફિલ્મ ચાલી. કિસ્મત ફિલ્મ થી અશોક કુમારનું કિસ્મત એવું ચમક્યું કે તેમને સીધા લોકપ્રિયતાના એવરેસ્ટ પર પહોંચાડી દીધા.
"સુજાતા" ફિલ્મનું શૂટિંગ અભિનેત્રી નૂતન કરતા હતા ત્યારે સેટ પર બિમલ રોયે તેમને "બંદીની" ફિલ્મ ની કથા સંભળાવી. નૂતન ને વાર્તા એટલી બધી ગમી કે તેઓ ફિલ્મ કરવા ઉત્સુક બની ગયા. ત્યારે બિમલદા એ કહ્યું, આ ફિલ્મ ની કથા તેમણે અશોકકુમાર ને ધ્યાનમાં રાખીને લખી છે, સૌ જાણતા હતા કે "પરિણીતા"ના શૂટિંગ દરમિયાન બિમલ રોય અને અશોકકુમાર વચ્ચે ગેરસમજ થતા અશોકકુમારે બિમલ રોય સાથે ક્યારેય ફિલ્મ ન કરવી તેવું નક્કી કર્યું હતું. નૂતન ને ફિલ્મ કરવાની ખૂબ ઈચ્છા હતી તેથી તેમણે બિમલ દા ને કહ્યું "હું અશોકકુમારને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને ફિલ્મ કરવા તેમને રાજી કરીશ."પછી નૂતને અશોકકુમાર સાથે વાત કરી,પણ અશોકકુમાર ફિલ્મ કરવા તૈયાર થતા નહોતા. નૂતને હાર ન માની ,તેમણે વારંવાર અશોક કુમારને સમજાવવાના પ્રયત્ન કરવા માંડ્યા, તેમાં તેમના માતા શોભના સમર્થ અને સંગીતકાર એસ ડી બર્મન પણ જોડાયા.અંતે અશોકકુમારે ફિલ્મ કરવાની હા કહી અને એક સરસ ફિલ્મ આપણા માટે બની શકી."બંદિની"ના શૂટિંગ દરમિયાન બિમલ રોય અને અશોકકુમાર વચ્ચેની ગેરસમજ પણ દૂર થઈ ગઈ.
અશોક કુમારના અભિનય ની આપણે વાત કરતા હોઈએ ત્યારે એમની "મહેરબાન" અને "રાખી" ફિલ્મ ,ચાહકોને અચૂક યાદ આવે. અભિનય ક્ષેત્રે અણધારી એન્ટ્રી કરનાર આ અભિનેતાએ આપબળે, અભિનયની બારીકીઓ શીખીને અભિનયના કેવા સર્વોચ્ચ શિખરો સર કર્યા છે તે આ ફિલ્મ્સ આપણ ને સમજાવે છે. તો ૧૯૬૮ માં આવેલી "આશિર્વાદ" ના અદભુત અભિનય માટે અશોક કુમાર નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ જીત્યા. ફિલ્મમાં જોગી ઠાકુરના પાત્રમાં દાદામોની ખૂબ ખીલ્યા.તો ગાયક અભિનેતા તરીકેના તેમના જૂના સમયની યાદ તાજી કરાવતા, અશોક કુમાર રેલગાડી ગીત ગાવા માટે માઇક્રોફોન સામે આવ્યા. સ્ટેશનોના નામો ના જોડકા ગાતા આ ગીતમાં જબરો રંગ જમાવી ગયા. માત્ર અભિનય કે સંગીત જ નહીં, ચિત્રકલા, હોમિયોપેથી, જ્યોતિષ વિદ્યા, બોક્સિંગ,ઉપરાંત ફ્રેન્ચ અને જર્મન ભાષા, પર અશોક કુમારે પ્રભુત્વ મેળવ્યું હતું.દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી વિભૂષિત દમદાર કલાકાર અશોક કુમારની ફિલ્મ મેરે સુરત તેરી આંખે એક વિશિષ્ટ કથાનક ધરાવતી ફિલ્મ હતી.આર.કે રાખન દ્વારા નિર્દેશિત ફિલ્મ "મેરી સુરત તેરી આંખે" નિહાર રંજન ગુપ્તા ની બંગાળી નવલકથા "ઉલ્કા"પર આધારિત હતી.આ ફિલ્મ માં, તાજા જન્મેલા સંતાનને તેની કુરૂપતાને કારણે માતા-પિતા ત્યજી દે છે ત્યાંથી એક મહાન ગાયક બનવા સુધીની તેની યાત્રા અને તેના ત્યાગની કહાની દર્શાવવામાં આવી છે અશોક કુમારે આ ફિલ્મમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી.અશોક કુમાર એવા અભિનેતા હતા કે તેમણે પોતાને ફાળે આવેલી તમામ ભૂમિકાઓ માં પ્રાણ રેડી દીધા અને અભિનયના જોરે ફિલ્મને સફળતાના શિખરે પહોંચાડી.રેટ્રો ચાહકો મારી આ વાત સાથે તો સો ટકા સંમત થશે જ.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.