ભૂતનો ભય - 3 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 3

ભૂતનો ભય

-રાકેશ ઠક્કર

પ્રેમનો અંત

કોલેજના અભ્યાસમાં ઓછો રસ લેતો અને છોકરીઓની સુંદરતાનો વધારે અભ્યાસ કરતો શિનેલ હવે મ્યાના પર લટ્ટુ થઈ ગયો. એની સાથે દોસ્તી કરવા તિકડમ લગાવવા લાગ્યો. આ કામમાં એ માહિર હતો. કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું હતું. બે વર્ષમાં તે અનેક છોકરીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હતો. છોકરીઓ એની વાતમાં ફસાઈ જતી હતી. એ પ્રેમના નામે એમના શરીર સાથે થોડી છૂટછાટ પણ લઈ લેતો હતો. એનો એક જ ફંડા હતો. પહેલા પ્રેમમાં એને ફસાવવાની અને મસ્તી કરીને કોઈને કોઈ બહાનું આપી બ્રેકઅપ કરી નાખવાનું. જે છોકરી એની સાથે બ્રેકઅપ કરવા ના માગે એને શામ-દામ- દંડ અને ભેદથી દૂર કરી દેવાની.

કપડાંની જેમ એક પછી એક છોકરી બદલતા શિનેલને છેલ્લા વર્ષમાં મ્યાના પર દિલ આવી ગયું હતું. તેને થયું કે આ પતંગિયું એને અત્યાર સુધી દેખાયું કેમ નહીં હોય. મ્યાના સુંદર હતી અને ભોળી હતી. એ શિનેલની વાતમાં આવી ગઈ. એણે એવો પ્રભાવ પાડ્યો કે મ્યાના ખરા દિલથી ચાહવા લાગી હતી. શિનેલ બહુ જલદી એને પ્રેમમાં ફસાવામાં સફળ થઈ ગયો. મ્યાનાને બીજી છોકરીઓએ ચેતવી હતી કે શિનેલ જોડે બહુ અંગત મિત્રતા કરતી નહીં. એ બીજી છોકરીઓ સાથે જોવામાં આવ્યો છે. પણ મ્યાનાને એમ લાગ્યું કે શિનેલ એની સાથે સારી દોસ્તી રાખે છે એનાથી એ બધી બળે છે. એ વધારે બિંદાસ બનીને શિનેલ સાથે ફરવા લાગી.

એક જ મહિનામાં મ્યાનાએ નક્કી કરી લીધું કે કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી તે શિનેલ સાથે જ લગ્ન કરશે. એણે શિનેલને એના માતા-પિતા સાથે મુલાકાત કરવા કહ્યું. શિનેલે શરૂઆતમાં એની વાતને ટાળી પણ એ હવે લગ્ન કરવાના વિચારથી પાછળ હઠવા માગતી ન હતી. એ બહુ ભાવુક થઈ ગઈ હતી. શિનેલને થયું કે એની સાથે બ્રેકઅપનો ખેલ ખેલી શકાય એમ નથી. બીજો કોઈ ખેલ કરવો પડશે.

એક દિવસ કોલેજ પૂરી થયા પછી એ મ્યાનાને ફિલ્મ જોવા લઈ ગયો. રાત પડી ગઈ હતી. મ્યાના બહેનપણી સાથે સાંજે ફિલ્મ જોવા જવાનું કહીને આવી હતી એટલે પરિવારની ચિંતા ન હતી. શિનેલે ફિલ્મ જોયા પછી એને હાઇવે પર સેર કરાવી અને નદી પરના એક બ્રીજ પાસે રેલિંગ પર પહેલાં એની સાથે સેલ્ફી લીધી અને પછી એનો એક ફોટો લેવા લાગ્યો. રેલિંગ પર ઊભેલી મ્યાનાને એક જ ઝાટકે શિનેલે ધક્કો મારી દીધો. મ્યાના નદીમાં પડી ગઈ. કશું બન્યું ના હોય એમ એ નીકળી ગયો.

એક આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાના નાનકડા સમાચાર અખબારમાં આવ્યા અને પંદર દિવસમાં એની શાહી પણ સુકાઈ ગઈ.

શિનેલ થોડા દિવસ શાંત રહ્યો અને પાછો નવા શિકારની શોધમાં લાગી ગયો. મ્યાનાની આત્મહત્યાના છોકરીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મ્યાના છેલ્લે શિનેલ સાથે ફરતી જોવા મળી હોવાથી એમણે એવી કલ્પના કરી કે શિનેલથી નારાજ થઈને મ્યાનાએ આત્મહત્યા કરી હશે. એના બીજા લફરાઓની એણે જાણ થઈ ગઈ હશે. એ બહુ સંવેદનશીલ હતી.

મ્યાના પછી શિનેલ છોકરીઓ પર દાણા ફેંકતો હતો પણ કોઈ ફસાતી ન હોવાથી ઊખડેલો ફરતો હતો. તેને થયું કે આટલી મોટી કોલેજમાં એક છોકરી કેમ એનાથી હવે પટતી નથી. ત્યાં એક દિવસ એક સુંદર છોકરી કોલેજ છૂટી ત્યારે ઘરે જવા બધાને ઉતાવળ હતી એ સમય પર બીજા માળે એને અથડાઇ ગઈ. છોકરીએ માફી માગી પણ શિનેલે જાળ ફેંકતા કહ્યું કે દોસ્ત હોય એમણે માફી માગવાની ના હોય. અને નવી દોસ્તી થઈ હોવાનું જાહેર કરી કેન્ટીનમાં કોફી પીવા લઈ ગયો.

શિનેલની નજરમાં આવી ગયું હતું કે એ છોકરી વિજા ગરીબ ઘરની છે. એને ભેટ સોગાદથી પોતાના પ્રેમમાં ફસાવી શકાશે. અને થયું પણ એવું જ. વિજા એની પાછળ ફરવા લાગી. બીજી છોકરીઓએ એને ચેતવી કે મ્યાના જેવા તારા હાલ થશે. ત્યારે એણે કહ્યું કે શિનેલ બહુ દિલદાર માણસ છે એને તમે બધી ખોટો સમજી રહ્યા છો. શિનેલ એની સાથે દોસ્તી વધારવા લાગ્યો. વિજાએ હવે લગ્ન માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું. શિનેલને થયું કે મ્યાના જેવો જ અંત લાવવો પડશે કે શું? એ બીજી કોઈ રીતે વિજાથી છૂટકારો મેળવવા માગતો હતો. એણે બ્રેકઅપ માટે કહ્યું. વિજા એક શરતે માની ગઈ.

વિજાએ એને બ્રેકઅપની પાર્ટી આપવા કહ્યું. એણે પોતાના પરિવારને બહેનપણીની પાર્ટી હોવાથી મોડા આવવાનું ઘરે કહી દીધું. એક ધાબામાં પાર્ટી પછી રાત્રે શિનેલ એને બાઇક પર ઘરે મૂકવા જતો હતો ત્યારે એજ બ્રીજ પરથી પસાર થવાનું બન્યું જ્યાં મ્યાનાને ધક્કો મારીને મારી નાખી હતી.

એ ડર સાથે બ્રીજ જલદીથી પસાર કરવાનો હતો પણ વિજાએ પોતાને બ્રીજ પર એક સેલ્ફી લેવી હોવાથી એને અટકાવ્યો. શિનેલ ના છૂટકે ઊભો રહ્યો. વિજાએ બ્રીજની રેલિંગ પર ચઢીને પોતાની સેલ્ફી લીધા પછી એની સાથે પણ એક સેલ્ફી લીધી. પાછળ ચંદ્ર દેખાતો હોવાથી વિજાએ એનો એક ફોટો લેવા રેલિંગ પર એને ઊભો રાખ્યો.

બીજા દિવસે કોલેજમાં સમાચાર આવ્યા કે શિનેલે નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી છે. ઘટના સ્થળેથી એની બાઇક પણ મળી આવી હતી. એવી વાત પણ ફેલાઈ કે મ્યાનાના પ્રેમમાં પાગલ હોવાથી એની પાછળ પોતાનો જીવ આપી દીધો. બીજી છોકરીઓએ વિજાને કહ્યું કે તું બચી ગઈ. વિજાને એમની કોઈ વાત સમજાઈ નહીં. એ શિનેલને ઓળખતી ન હોવાનું કહી રહી. બીજી છોકરીઓને ખ્યાલ આવી ગયો કે એ શિનેલને ભૂલી ચૂકી છે. અથવા શિનેલની કોઈ ઝંઝટમાં પડવા માગતી નથી.

હકીકત એવી હતી કે ખુદ વિજાને જ ખબર ન હતી કે તે કેટલાક દિવસથી શિનેલ સાથે પ્રેમ કરતી હતી. અસલમાં શિનેલથી બદલો લેવા વિજામાં મ્યાનાના આત્માએ પ્રવેશ કર્યો હતો. કોલેજમાં એ સામે ચાલીને શિનેલને ભટકાઈ હતી અને શિનેલનો અંત લાવીને એનો આત્મા જતો રહ્યો હતો.

***