RETRO NI METRO - 19 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 19

એક ફૂલ ભી અક્સર બાગ સજા દેતા હૈ ,
એક સિતારા ભી સંસાર ચમકા દેતા હૈ,
જહાં દુનિયા ભર કે રિશ્તે કામ નહીં આતે,
વહાં એક દોસ્ત જિંદગી બના દેતા હૈ.
મારી એક વાત સાથે તમે પણ સંમત થશો કે દોસ્તી આપણા સૌના જીવનનો મહત્વનો હિસ્સો છે. જો કે આપણા સૌનો એક દોસ્ત એવો છે જે આપણે જેવા છીએ તેવા જ દર્શાવે છે.એ દોસ્ત કોણ? ન સમજ્યા? અરે આપણા સૌનો એ દોસ્ત છે અરીસો,દર્પણ.સાચે સાચું કહેજો, દિવસમાં કેટલી વાર તમે તમારાં આ દોસ્તને મળવા પહોંચી જાવ છો? ઉંમર ચાહે કોઈ પણ હોય પણ આ દોસ્ત વિના તો ચાલે જ નહીં ને !!! આમ તો સિનેમા સમાજનું દર્પણ છે, પણ ફેશનની બાબતમાં સમાજ સિનેમાને અનુસરે છે.ફિલ્મના પાત્રને અનુસાર હીરો કે હિરોઈન જાતભાતની હેર સ્ટાઈલ અપનાવે છે અને પછી લાખો કરોડો લોકો તેને અપનાવી લે છે. આવી કેટલીક હેર સ્ટાઈલ સેટ કરીને રેટ્રો ની મેટ્રો તમને ફેશન જગત ની સફર કરાવશે.રેટ્રો ભક્તો તમે તો જાણો જ છો કે, ફિલ્મના પાત્ર અનુસાર દરેક હીરો હિરોઈનને હેર સ્ટાઇલિસ્ટ જુદી જુદી હેર સ્ટાઈલથી સજાવે છે,પણ એ બધામાં એવરગ્રીન હીરો દેવ આનંદ એ રીતે જુદા પડતાં કે તેમના સમયમાં યુવાનોને આકર્ષતી એમની હેરસ્ટાઈલ ખુદ દેવ આનંદે શોધી હતી. કપાળ પાસેના વાળનો ફુગ્ગો એટલે કે પફ ધરાવતી હેર સ્ટાઈલ, યાદ આવી ગઈ ને ? આપણા આ સદાબહાર હીરો દેવ સાહેબને વારંવાર અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાની ટેવ.રોજ રાત્રે માથામાં તેલ માલિશ કરી સવારે શેમ્પૂથી વાળને ચમકાવવાનો એમને શોખ.એક દિવસ સવારે પથારીમાંથી ઉઠીને આદત મુજબ તેઓ ડ્રેસિંગ ટેબલના મોટા મિરર સામે ઊભા રહ્યા, જોયું તો એમના કપાળ પાસેના વાળનો ગુચ્છો ચોક્કસ રીતે વળેલો હતો.બસ સરસ મજાની હેર સ્ટાઈલ શોધતા સદાબહાર હીરોને એમની હેર સ્ટાઇલ જડી ગઈ.કાલાપાની,ગાઈડ જેવી તેમની ફિલ્મો ની રજૂઆત સાથે જ આ હેર સ્ટાઈલ માટે યુવાનોમાં ક્રેઝ જોવા મળ્યો. રેટ્રો ભક્તો,દેવ આનંદની આ હેર સ્ટાઈલ તમે પણ ક્યારેક અપનાવેલી ને?
ધારાવી ની ઝુપડપટ્ટીમાં રહેતી એક કિશોરી ફિલ્મોની ગજબની શોખીન.આર્થિક સ્થિતિ નબળી તેમ છતાં તે અઠવાડિયે બે ત્રણ ફિલ્મો જોઈ જ નાંખતી.તેના પિતાની માનીતી અભિનેત્રી હતી સાધના બોઝ અને એટલે જ પિતાજીએ તેનું નામ પાડ્યું હતું સાધના. સાધના કટ નામની જાણીતી હેર સ્ટાઈલ આ સાધનાએ જ લોકપ્રિય કરેલી,એ તો તમને યાદ હશે જ પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ હેર સ્ટાઈલને કેવી રીતે સાધના એ અપનાવી. રેટ્રો ભક્તો તમે તો જાણો જ છો કે ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂઆતમાં સાધના એ કામ કર્યું.શ્રી 420 નું ગીત... "શામ ગઈ ,રાત આઈ કે બલમ આજા... તારો કી બારાત આઈ, કે બલમ આજા... "તમને યાદ છે ને? આ ગીતમાં સાધના જુનિયર ડાન્સર હતી.પછી આર કે નૈયર ની ફિલ્મ "લવ ઇન સીમલા"માં હિરોઈન તરીકે ચમકવાનો સાધનાને ચાન્સ મળ્યો.ફિલ્મમાં સાધનાનું પાત્ર એક નટખટ માસુમ યુવતીનું હતું પણ તેના મોટા કપાળને કારણે તે મેચ્યોર લાગતી હતી.તેથી નિર્માતા શશધર મુખર્જી અને આર કે નૈયરે તેને નવી હેરસ્ટાઈલ આપવાનું વિચાર્યું.જુદી જુદી હેરસ્ટાઇલ ના પ્રયોગો કરતા કરતા આખરે આર કે નૈયર ને આઈડિયા આવ્યો કે જો થોડી લટોને ટૂંકી કરી કપાળ પર રમતી મૂકી દઈએ તો?અને આમ સાધનાને કપાળ ઢંકાય તેવી હેરસ્ટાઈલનો જે ટચ મળ્યો તે એવો લોકપ્રિય થઈ ગયો કે વર્ષો પછી પણ જ્યારે હેર સ્ટાઇલ ની વાત નીકળે ત્યારે લોકોને સાધના કટ તો જરૂર યાદ આવે જ.
હવે જરા યાદ કરો 2007 માં રજુ થયેલી ફિલ્મ"ઓમ શાંતિ ઓમ"ની હિરોઈન દીપિકા પદુકોણની હેર સ્ટાઈલ.આ ફિલ્મમાં દીપિકાએ 70- 80 ના દાયકા ની ફેમસ હેરસ્ટાઈલ કરેલી યાદ આવ્યું? સેવનટીઝની એ ફેમસ હેરસ્ટાઈલ એટલે બુફે લુક.આમ તો કોઈ એક હિરોઈન સાથે તેને જોડી ન શકાય કારણ કે ઘણી બધી હિરોઈનો એ તેને અપનાવી હતી,પણ આ સ્ટાઈલ ફેમસ કરવાનો યશ તો શર્મિલા ટાગોરને જ આપવો પડે.શર્મિલાની કરિયરની ગાડી પૂરપાટ દોડવા માંડી ફિલ્મ "કાશ્મીર કી કલી"થી.શર્મિલા સુંદર અને પ્રતિભાશાળી તો હતી જ પણ તેની હાઈટ થોડી ઓછી હોવા બાબતે તે ખૂબ જ કોન્શિયસ હતી.હાઈટ થોડી વધુ લાગે તે માટે તેણે ઊંચી હેરસ્ટાઈલ કરવી જોઈએ તેમ વિચારી તેણે બુફે લુક સ્ટાઈલ અપનાવી.બુફે લુક એટલે વાળને બેક કોમ્બિંગ કરી પછી પેડિંગ લગાવવામાં આવે છે."કાશ્મીર કી કલી"માં તેના સૌંદર્ય,પ્રતિભા ઉપરાંત હેરસ્ટાઈલ પણ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ,પછી તો શર્મિલાના ખૂબસૂરત ખંજનની જેમ આ હેરસ્ટાઇલ પણ શર્મિલા નો ટ્રેડમાર્ક બની ગઈ.ત્યાર પછી તો માલા સિંહા,વૈજયન્તીમાલા,આશા પારેખ,સાયરા બાનુ થી માંડીને અનેક અભિનેત્રીઓએ આ સ્ટાઈલ અપનાવી અને એટલે જ"ઓમ શાંતિ ઓમ"ના 70 નાં દાયકાની હિરોઈન ના પાત્રને જીવંત કરવા દીપિકા પદુકોણે પણ આ જ હેર સ્ટાઈલ અપનાવી.
કહેવાય છે કે "એક નૂર આદમી હજાર નૂર કપડા" પણ મેક ઓવર માટે તો લાખેણી હેર સ્ટાઈલ કરાવવી જ પડે, તો જ લુક માં મેજર ચેન્જ આવે. શું કહો છો? તો આવી જ બીજી કેટલીક લોકપ્રિય હેર સ્ટાઇલ ની વાત સાથે રેટ્રોની મેટ્રો તમારા માટે જરૂર આવશે. કોઈ શક?
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED