રાણીની હવેલી - 1 jigeesh prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

રાણીની હવેલી - 1

                 શિયાળાની કડકડતી ઠંડીની ઋતુ હતી. શેરીઓ એકદમ ખાલીખમ હતી. પહાડી વિસ્તારનાં ઉચ્ચપ્રદેશમાં વસતા આ નાનકડા નગરમાં શિયાળાની રાત્રીઓ કંઈક વધારે જ પડતી ઠંડી અને એટલી જ આહલાદક રહેતી. આવા સમયમા બહાર જવાને બદલે લોકો ઘરમાં પુરાઈ પરિવાર સાથે સમય વિતાવવાનુ અથવા બીજી મનપસંદ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવાનુ પસંદ કરતાં. ક્યાંક ક્યાંક ગરમાગરમ નાસ્તાની લારીઓ પાસે શિયાળુ પ્રેમીઓ ભોજનનો આનંદ લૂંટી રહ્યા હતા. રાત્રિના લગભગ 12:00 વાગ્યા હશે અને મયંક પોતાના ઓરડામાં ભરાઈને નવલકથા વાંચી રહ્યો હતો. તેને હોરર નવલકથાઓ વાંચવાની ખૂબ મજા આવતી. તેનો ઓરડો ઓફિસ રૂમ જેવો લાગતો હતો. ઓરડાની દિવાલો આછા વાદળી રંગથી રંગાયેલી હતી. દિવાલ પર સુંદર વોલપેપર્‍સ  લગાવેલા હતા જેની ફોટોગ્રાફી તેણે પોતે જ કરેલી હતી. દિવાલ પર સૌથી ડાબી બાજુ એક સુંદર આકર્ષક મુખાકૃતિ ધરાવતી સ્ત્રીનો પોરટ્રેટ હતો. તેની આંખો એટલી સુંદર હતી કે જાણે આપણને બીજી દુનિયામા લઈ જતી.શુ સાચે જ આવી સુંદર સ્ત્રીઓ દુનિયામા હશે! તેની બાજુમા અફાટ ફેલાયેલા કચ્છના સફેદ રણનો ફોટો હતો. ઓરડામાં એક ખૂણે ઓફીસની ડેસ્ક હતી જેના પર કોમ્પ્યુટર અને અમુક પુસ્તકો પડ્યા હતા. ટેબલ પર પગ લંબાવીને મયંક નવલકથા વાંચવામાં મગ્ન હતો. એવામાં ટેબલ ડેસ્ક પર રાખેલા લેન્ડલાઈન ફોનની ઘંટડી રણકે છે અને રાત્રીની શાંતિમાં ખલેલ પહોંચે છે.

“હેલો!” મયંક મિશ્રિત ભાવો સાથે ફોન ઉપાડે છે.
“યસ મયંક સ્પીકિંગ, તમે કોણ ?”
“યસ યસ બોલો.”
“ઠીક છે સર હું તમને કાલે ઓફિસ આવીને મળું છું”  મયંક ફોન પાછો ટેબલ પર મૂકે છે. તેના ચહેરા પર મિશ્રિત ભાવોની જગ્યા હવે જીજ્ઞાશાએ લઈ લીધી હતી. તે ચોપડીને સાઈડમાં રાખે છે અને ઘડિયાળ તરફ નજર કરે છે.“ટુ લેટ. લેટ્સ ગો ટુ સ્લીપ”  અને તે પહેલી સુંદર મુખાકૃતિવાળા પોરટ્રેટ પર નજર નાખી સુવા ચાલી જાય છે.

                સવારે ફટાફટ તૈયાર થઈ મયંક ઘરેથી નીકળે છે. રાત્રે મિસ્ટર સેનનો ફોન હતો જે એક ફેશન મેગેઝીન ચલાવે છે. મિસ્ટર સેન આ ફિલ્ડના જાણીતા બિઝનેસમેન હતા. તે મયંકને ઘણા સમયથી ઓળખતા હતા. તે જો કોઈ પ્રોજેક્ટ કરવાનો હાથમાં લે તો તે પ્રોજેક્ટ અગત્યનો જ હોય. આથી મયંક વધારે ઉત્સાહિત હતો. તે મિસ્ટર સેન ની ઓફિસ પહોંચે છે.

મિસ્ટર સેન ફોન પર વાત કરવામા વ્યસ્ત હતા. મયંક ત્યાં સુધી સેનની સુંદર ઓફિસ જોવામાં પરોવાય છે. ચારેય બાજુ મેગેઝિનના અચિવમેન્ટ્સ દર્શાવતા સુંદર ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. અમુક ફોટોગ્રાફ્સમાં મિસ્ટર સેન મોટી મોટી સેલિબ્રિટીસ સાથે નજરે પડતા હતા. મિસ્ટર સેનની ફોન પર વાત પૂરી થાય છે અને તે મયંક તરફ ધ્યાન આપે છે. મિસ્ટર સેનની પર્સનાલિટી એટલી આકર્ષક હતી કે તેમના વ્યક્તિત્વના તરંગો સામેવાળાને સ્પર્શ્યા વગર ન રહે!

“ગુડ મોર્નિંગ મયંક. થેંક્સ ફોર કમિંગ” મિસ્ટર સેને મયંકને આવકારતા કહ્યુ.

“ગુડ મોર્નિંગ સર. મારુ સદભાગ્ય કહેવાય કે તમે મને યાદ કર્યો”

“એક ફોટોગ્રાફીનો પ્રોજેક્ટ છે. કામ કરીશ તેમાં?” મિસ્ટર સેનની ખાસિયત હતી કે તેઓ આડી અવડી ફોર્માલિટીસમાં પડ્યા વગર સીધી કામની વાત કરવામાં માનતા હતા.

“શેનો પ્રોજેક્ટ છે સર?” મયંકે પૂછ્યું.

“ઇન્ટરનેશનલ હોરર ફોટોગ્રાફીની એક કોમ્પીટીશન છે. તેમાં કેટલાક ફોટોસ મોકલવાના છે.મને થયું કે આ કામ માટે તારા સિવાય પરફેક્ટ બીજુ કોણ હોઈ શકે!” મિસ્ટર સેને ગોઠવીને શબ્દો કહ્યા.

મયંક ઘણા દિવસથી આવા કોઈ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શોધમાં હતો અને જાણે સામે ચાલીને કિસ્મતે દરવાજો ખટખટાવ્યો હતો. અને એમાંય હોરર તેનો ફેવરેટ વિષય હતો. જોકે એ વાત અલગ હતી કે મયંક ભૂતપ્રેત જેવી કોઇ વસ્તુમાં જરા સરખો પણ વિશ્વાસ રાખતો ન હતો.

“યસ સર આઈ વિલ ડુ ઈટ” મયંકે ઉત્સાહિત થઈને જવાબ આપ્યો.

“ગ્રેટ! મને વિશ્વાસ જ હતો કે તું આ પ્રોજેક્ટ માટે તૈયાર થઈ જ જઈશ. આપણે લોકેશન માટે રાણીની હવેલી પસંદ કરશું. તેને લગતી જે પૂર્વ તૈયારીઓ કરવાની હોય તે શરૂ કરી દે. ટૂંક સમયમાં આપણે ફોટોશૂટ માટે મોડલ પણ સિલેક્ટ કરી કામ શરૂ કરી દઈશુ.” મિસ્ટર સેને મયંકને ટૂંકમાં જ આખી રૂપરેખા સમજાવી દીધી.

રાણીની હવેલી પહાડીઓમાં વસેલા આ નગરની દક્ષિણમાં છેવાડે લીલાછમ જંગલો પાસે આવેલ એક ખૂબસૂરત મહેલ હતો. આ હવેલી જેટલી ખૂબસૂરત હતી તેટલી જ ડરાવણી પણ હતી. તેની રહ્સ્યમય બિહામણી કથાઓ ચારેય બાજુ ફેલાયેલી હતી. છેલ્લા થોડા વર્ષોથી સામાન્ય જનતા માટે હવેલીમાં પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. રાણીની હવેલીના કિસ્સા અવારનવાર ચર્ચા નો વિષય બની રહેતા.

મયંકે જ્યારે પોતાને મળેલા પ્રોજેક્ટની વાત પોતાની ફિયાન્‍સી નૈતિકાને કરી હતી ત્યારે નૈતિકા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી પરંતુ તેને જ્યારે ખબર પડી કે શૂટિંગ રાણીની હવેલીમાં થવાનું છે ત્યારે તુરંત જ તે અપસેટ થઈ ગઈ હતી અને તેણીએ પ્રોજેક્ટ ન લેવાની ધમકી આપી હતી. મયંકે તેણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેને ખબર ન હતી કે નૈતિકા આટલી જીદ કરી વાતને વળગી રહેશે. કેમ નહીં! નૈતિકા મયંકને સાચો પ્રેમ કરતી હતી. એક બાજુ જ્યાં રાણીની હવેલી વિશે ગાત્રો ઢીલા કરી દે તેવી ડરાવણી કથાઓ ચારેય બાજુ ફેલાયેલી હતી તેવામાં નૈતિકા કઈ રીતે મયંકને જવા દેવાની હા પાડે? પરંતુ મયંકને આવી કોઈ પરવા ન હતી. તેને તો અત્યારે માત્ર ઇંટરનેશનલ ફોટોગ્રાફીની કોમ્પીટીશન જ દેખાતી હતી.  

રાત્રે નૈતિકા સાથે પ્રોજેક્ટ બાબતે ફરી બોલ ચાલ થઈ હતી એટલે મયંકનો મૂડ ખરાબ હતો. તે સવારે ઘરેથી મિસ્ટર સેનની ઓફિસ જવા રવાનો થયો. આજે ત્યાં પ્રોજેક્ટને લગતા  પેપર્‍સની ફોર્માલિટી પૂરી કરવાની હતી. બાઈક બહાર ઉભું રાખી એક સિગારેટ સળગાવી કંઈક વિચારતો હોય તેમ તે કસ મારતો હવામાં જોઈ રહ્યો અને મોઢામાંથી ધુમાડા કાઢતો હતો.

“શું વિચારી રહ્યો છે?” એક સુંદર મીઠો અવાજ મયંકના કાનમાં પડ્યો અને તે જાણે ભાનમાં આવ્યો.  તેણે સામે જોયુ. સિગારેટના ધુમાડામાંથી જાણે કોઈ અપ્સરા તેની સામે પ્રકટ થઈ હોય એમ એક સુંદર છોકરી તેની સામે ઊભી હતી.

“અરે નેહા તું અહી ક્યાંથી!  વ્હોટ્‍ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!” મયંક્થી જાણે આ વાક્ય પોતાની મેડે જ બોલાઈ ગયું.

“સેમ હિયર. તું જે પ્રોજેક્ટમાં કામ કરવાનો છે તેની મોડલ હું છું” કોઈ અદાકારની જેમ નેહાએ નાટકીય ઢબે જવાબ આપ્યો અને જવાબ સાંભળી મયંક અચાનક જાણે સ્તબ્ધ થઈ ગયો. નેહા અને મયંક ભૂતકાળમાં રિલેશનશિપમાં રહી ચૂક્યા હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ પછી કોઈ કારણસર આ સુખદ સંબંધનો અંત આવ્યો હતો. હવે જ્યારે મયંક નૈતિકા સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એવામાં નેહા સાથે ફરી કામ કરવાનો અનુભવ કેટલો વિચિત્ર હશે તેવો વિચાર પળવાર માટે મયંકના મગજમાં ઝબકારો મારી ચાલી ગયો હતો. થોડી આડીઅવળી વાતો કર્યા બાદ મયંક અને નેહા મિસ્ટર સેનની ઓફિસમાં ગયા. ત્યાં થોડી પ્રોફેશનલ વાતો અને ફોર્માલીટીસ પતાવ્યા પછી બન્ને ફરી પાછા બહાર આવે છે.

“ હું વિચારી રહ્યો હતો કે ફોટોશૂટ શરૂ થાય એ પહેલા એકવાર હું રાણીની હવેલી ની એક વિઝિટ કરવા માંગુ છું.યુ વોન્‍ટ ટુ કમ?” મયંકે નેહાને પોતાની આગળની યોજના જણાવતા કહ્યું.

“ યસ જસ્‍ટ કોલ મી”  નેહાના અવાજમાં અવાજમાં હજી પણ એજ પરિચિત મીઠાશ હતી.

“ઓકે બાય. સી યુ લેટર ધેન ” કહીને મયંક નેહાની રજા લઈ ચાલ્યો જાય છે.

નેહા ના ચહેરા પર કંઈ વિચિત્ર તરંગો ફર્યા. તેણે પર્સમાંથી એક ટેબલેટ કાઢી મોઢામાં મૂકી અને પછી જાણે નિરાંતે તે મયંકની મોટર સાયકલ દૂર જતા જોઈ રહી. તેના હોઠના ખૂણે હાસ્ય રમી રહ્યુ હતુ.