રાણીની હવેલી - 2 jigeesh prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાણીની હવેલી - 2

આજથી લગભગ દોઢસો થી બસ્સો વર્ષ પહેલાની વાત છે. રાણીની હવેલી ત્યારે ધનરાજ નામના માલેતુજારે ખરીદી હતી. ધનરાજ પાસે ખૂબ પૈસા હતા. ધનરાજને ભૌતિક જગત અને એશોઆરામ પ્રત્યે બહુ લગાવ હતો. તેણે કોઇ રાજવી પાસેથી ખંડેર હાલતમાં આ હવેલી ખરીદી હતી. સામાન્ય રીતે ધનરાજને આવી પુરાણી મિલકત ખરીદવામાં કોઇ રસ ન લેતો પણ આ હવેલીની જગ્યા એટલી સુંદર હતી કે હવેલી તેના મનમાં વસી ગઈ હતી. હવેલી ખરીદ્યા બાદ પાણીની જેમ પૈસા વહાવી હવેલીને નવુ રૂપ આપ્યુ હતુ. ઈન્‍ટેરિયર ડિઝાઈન માટે દૂર દૂર થી આર્કિટેક્ટ બોલાવી મોંઘાદાટ ફેરફાર કરાવ્યા હતા. આ ખંડેર હવેલી ખરીદવાનું બીજુ કારણ ધનરાજની છોકરી હતી - અવંતિકા. અવંતિકાએ હવેલી ખરીદવા માટે જીદ પકડી હતી અને ધનરાજ માટે તેની જીદ પૂરી કરવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. અવંતિકા દેખાવમાં ખૂબ રૂપાળી અને એટલી જ હોંશિયાર હતી. ધનરાજ ધંધાર્થે ઠેર ઠેર ફરતો રહેતો પણ અવંતિકા હવેલીમાં જ રહેવાનું પસંદ કરતી. નાનપણથી જ અવંતિકાને ચિત્રકળા અને ન્રુત્યનો શોખ હતો એટલે મોટા ભાગનો સમય તેની પાછળ જ ખર્ચતી.

એકવારની વાત છે જ્યારે એક રાજકુમાર તે વિસ્તારમાં આવી ચડે છે. તે ધનરાજના દુરના મિત્રનો પુત્ર હતો. રાજકુમારની અચાનક અવંતિકા સાથે મુલાકાત થાય છે. અવંતિકા તેને ખાસ ઓળખતી ન હતી પરંતુ રાજકુમાર જ્યારે અવંતિકા ને પહેલી વાર જુએ છે ત્યારે તેનું રૂપ જોઈને તેના પર મોહિત થઈ જાય છે. પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે સારી મિત્રતા કેળવાય છે. રાજકુમાર અવારનવાર બહાના કાઢીને અવંતિકાને મળવાની પેરવણ કરી લેતો. અવંતિકા મોટાભાગે જરૂર પૂરતું જ બોલતી આથી તે મૂંઝાતો અને અવંતિકા તેની મૂંઝવણ જોઈને મનમાં ને મનમાં મંદ મંદ હસતી.

અવંતિકા ને લાગતું કે રાજકુમાર એકદમ શરીફ અને શાંત છે પણ ખરેખર તે રાજકુમારને ઓળખતી ન હતી. રાજકુમાર દેખાવમાં જેટલો મનમોહક હતો તેટલો જ મનથી ના પાક હતો. તેની પાસે પૈસા ખૂબ હતા એટલે માદક પીણા પીવામાં અને જુદી જુદી સ્ત્રીઓની સંગત માણવામાં જ તે પૈસા અને સમય વેડફતો. એકવાર શરાબ પીને તે અવંતિકા ને મળવા જાય છે અને તેને બહાર લઈ જવાનો પ્રયાસ કરે છે પણ અવંતિકા તેની સાથે જવાની ના પાડી દે છે. આના કારણે રાજકુમારનો અહમ ઘવાયો હતો. તે ઘટના પછી અવંતિકાનું વલણ પણ રાજકુમાર પ્રત્યે સહેજ બદલાયું હતું.

એક દિવસ અવંતિકાનો જન્મદિવસ હતો આથી તેણે પોતાનું તૈલચિત્ર બનાવવા માટે દૂરથી એક ચિત્રકારને દૂરથી બોલાવ્યો હતો. અવંતિકાની ઇચ્છા હતી કે પોતાના શયનખંડમાં પોતાનું જ એક મોટું તૈલચિત્ર લગાવે. તે પોતાના શયનખંડમા આકર્શક અવસ્થામાં પૉઝ આપી રહી હતી અને ચિત્રકાર પોતાનું કામ કરી રહ્યો હતો. એવામા રાજકુમાર ત્યાં પ્રકટ થાય છે. તે પીધેલી અવસ્થામાં હતો અને થોડોક ગુસ્સામાં પણ. તે જ્યારે શયનખંડમાં પ્રવેશ કરે છે અને અવંતિકાની આવી અવસ્થામા જુએ છે ત્યારે વધારી ઉગ્ર થઈ જાય છે.

“બેશરમ, તમારી હિમ્મત કઈ રીતે થઈ આવી રીતે પૂછ્યા વગર અંદર આવવાની?” પોતાના કપડા સરખા કરતાં અવંતિકા ગુસ્સામાં કહે છે.

“અર્ધનગ્ન અવસ્થામાં તુ ચિત્રો દોરાવે છે અને મને બેશરમ કહે છે. બંધ કર આ બધા નાટક.” રાજકુમાર સામે ગુસ્સામાં બરાડે છે.

“ આ મારો મહેલ છે અને હુ જે ઇચ્છુ તે કરીશ. તુ કોણ હોય મને કહેવાવાડો? નીકળ અહીંથી બહાર” અવંતિકા પણ તેને સામો જવાબ વાળે છે.

“તારી હિમ્મત કઈ રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની?” એમ કહી જે ચિત્રકાર ચિત્ર બનાવતો હતો તેને પગથી લાત મારી દૂર હડસેલે છે અને પોતાની પાસે રહેલ નાની કટાર કાઢી ચિત્રકારના પેટમાં ખોસી દે છે. અવંતિકાની પોતાની આંખ પર ભરોસો નથી થતો કે પોતે આ શું જોઈ રહી છે.

“ તને તારી સુંદરતા પર બહુ અભિમાન છે ને. આજી હુ તારી એવી હાલત કરીશ કે તુ હવે પોતાની સુંદરતા પર અભિમાન કરવા લાયક નહી રહે.” એમ કહી રાજકુમાર અવંતિકા તરફ ખસે છે અને તેના ચહેરા પર પણ કટારના ઘા મારી ચહેરો લોહીલુહાણ કરી નાખે છે. અવંતિકા જોર જોરથી રાડો પાડી મદદ માટે પોકારતી રહે છે પણ નિર્દય રાજકુમાર તેનો ચહેરો સમ્પૂર્ણ બગાડી ચાલ્યો જાય છે. અધૂરામાં જતા જતા તે અવંતિકાના સુંદર શયનખંડને આગ ચાંપતો જાય છે.

એમ કહેવાય છે કે ત્યારબાદ અવંતિકાનું શું થયુ તે કોઇને ખબર નથી. લોકોનુ કહેવુ છે કે થોડા સમય બાદ અવંતિકાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યુ હતુ. અને અવંતિકાના મર્યા બાદ થોડા દિવસો પછી રાજકુમારની લાશ જંગલ વચ્ચે અત્યંત ખરાબ હાલતમાં મળી આવી હતી. વર્ષો બાદ ધનરાજ આ હવેલી કોઇકને વેચી ચાલ્યો જાય છે. અત્યારે આ હવેલી કોઇ એન.આર.આઈ એ ખરીદેલ છે અને મોટા ભાગે ખાલી જ રહે છે. અવારનવાર આ હવેલી વિશે વાતો ચર્ચા થતી રહે છે જેમાં બે ફોટોગ્રાફર્સનાં રહસ્યમય મૃત્યું કેન્દ્રસ્થાને હોય છે.