Rani ni Haveli - 3 books and stories free download online pdf in Gujarati

રાણીની હવેલી - 3

ભાગ – 3

“આ નેહા પણ કમાલ છે. ક્યારનો ફોન કરુ છુ પણ ફોન જ નથી ઉપાડતી.” મયંક રોસ ઠાલવતા મનમાં બબડ્યો. તેના ચહેરા પર કંટાળાના ભાવો હતાં.

“હું એકલો જ અંદર જાઉ છું” મયંક મનોમન બબળે છે અને હવેલીની અંદર તરફ પ્રયાણ કરે છે. તે જેવો હવેલીની અંદર પ્રવેશ કરે છે તેવો જાણે કે તેના મનને કાંઈક વિચિત્ર અનુભવ થયો હોય તેવુ લાગે છે. તરત જ તેને પ્રથમ વિચાર હવેલી વિશે સાંભળેલી પ્રેતકથાઓ વિષેનો આવે છે અને થોડો ડરનો અનુભવ થાય છે. તે આજુબાજુ નજર કરે છે. હવેલી સાચે જ બિહામણી લાગતી હતી. તરત જ આ વિચાર મનમાંથી ખંખેરીને બે ડગલા આગળ વધે છે પણ જાણે કે કંઈક તેને રોકી રહ્યુ હોય તેવી લાગણી અનુભવાય છે. મયંકને લાગે છે કે જાણે તેના પગ ભારે થઈ ગયા છે અને તે આગળ વધી શકે તેમ નથી. આજુ-બાજુ માત્ર ભયાનક શાંતિ સિવાય કંઈ નથી. કાળજુ કોતરી નાખે એવી ભયાનક શાંતિમાં મહેલની દિવાલો પર લટકાવેલા રાજાઓના ચિત્રો અને રસાયણમાં ભરી રાખેલ શિકાર કરેલા પ્રાણીઓના મુખોટા જાણે પોતાને જ ધ્યાનથી જોતા હોય એવુ તેને લાગે છે. મયંકને પળવાર માટે વિચાર આવે છે કે જાણે હમણાં જ પેલુ પ્રાણી જીવતુ થઈને તેને જીવતે જીવતો ફાડી નાખશે. વિચારમાત્રથી એક ક્ષણ માટે તો તેના શરીરમાંથી ધ્રુજારીની રેખા પસાર થઈ જાય છે.

“ ભા.......ઉ”

અચાનક જ પાછળથી અવાજ આવે છે અને મયંકના મોઢામાંથી ચીસ નીકળી જાય છે.

“ આર યુ મેડ ?”

મયંક ઝડપથી પાછળ ફરીને જુએ છે તો તેના સામે નેહા ઉભી હતી.

“ મે તો સાંભળ્યુ હતુ કે તને કોઇ દિવસ કોઈનાથી ડર નથી લાગતો. હા..હા...હા “ એમ કહીને નેહા જોરથી હસે છે. ડરના કારણે મયંકનુ મો રુ ની પૂડી જેવુ ધોળુ થઈ ગયુ હતું.

“ આવી રીતે અચાનક ડરાવે તો કોઇપણ ડરી જાય યુ સ્ટુપિડ” મયંક માંડ માંડ પોતાની જાતને સંયમમા લાવે છે.

“યુ નો આઈ જસ્ટ લવ ધીસ પ્લેસ” નેહા મયંકને ઈગ્નોર કરીને જાણે કોઇ હીલ સ્ટેશન પર ફરવા આવી હોય તેમ અને તેનુ વર્ણન કરતી હોય તે રીતે મજાકમાં જવાબ આપે છે. આ બાજુ મયંકને નેહાના રેકલેસ મજાકમાંથી માંડ શાંતિ થઈ હતી અને નેહાને આ બિહામણી હવેલીનું આ રીતે વર્ણન કરતાં જોઇ ચીડ ચડે છે. મયંક હજી કંઈ બોલે તે પહેલાં તો નેહા દોડીને એક કમરામાં ચાલી જાય છે. જતાં જતાં તે મયંકની આંખોમાં જોતી જાય છે અને ફરી મયંકને પેલી વિચિત્ર લાગણી થાય છે જેવી તે જ્યારે હવેલીમાં પ્રવેશ્યો હતો ત્યારે થઈ હતી. તે પાછળની બાજુ નજર કરે છે અને જાણે કોઇ અદ્રશ્ય શક્તિએ તેને સંમોહિત કરી લીધો હોય તેમ સ્તબ્ધ બનીને જોઈ રહે છે. એટલામાં જ અંદરથી નેહાની તીક્ષ્ણ ચીસ સંભળાય છે અને મયંક હેબતાઈ જાય છે. તેને લાગ્યુ કે નેહા ફરીથી કોઇ મજાક કરી રહે છે પણ નેહાની પાળેલી ચીસમાં ખરેખર વેદનાની ધ્રુજારી હતી આથી તે ફટાફટ ચીસની દિશામાં નેહા જે કમરામાં ગઈ હતી તે તરફ જાય છે. જઈને તે જે દ્રશ્ય જુએ છે તે જોઇને તેનુ હદય એક ધબકારો ચૂકી જાય છે. અંદર એક સ્ત્રી ઉભી હોય છે. તે સ્ત્રીની પીઠ મયંક તરફ હોય છે આથી મયંક તેનું મો જોઇ શકતો ન હતો. પરંતુ તે નેહા જેવી લાગતી ન હતી.

“નેહા તો કંઈક અલગ જ કપડા પહેર્યા હતાં” મયંક નેહાએ શું પહેર્યુ હતુ તે યાદ કરવાનો પ્રયત્ન કરે છે પણ અત્યારે તેનુ મગજ જરા પણ સાથ આપવાની હાલતમાં ન હતું. મયંકનું મન માનવા તૈયાર ન હતું કે અહીં તેમના બે સિવાય બીજું પણ કોઇ હોઈ શકે. આથી મયંક આ અજાણી સ્ત્રીને નેહા સમજી બોલાવવાનો પ્રયત્ન કરે છે.

“ને..હા..” મયંકના ગળામાંથી જાણે માંડ માંડ અવાજ નીકળ્યો. “ શું થયુ? તે ચીસ પાડી હમણા”

મયંકના પ્રશ્નની જાણે કોઈ અસર થઈ ન હોય તેમ પેલી સ્ત્રી કોઇ પ્રતિસાદ આપ્યા વગર જ જમીન સાથે જડાઈને ઉભી રહી. મયંકને સાચે હવે નેહા પર બહુ જ ચીડ ચડતી હતી.

“ શુ થયુ અચાનક? હમણા તો બહુ એક્સાઈટેડ હતી અને હવે અચાનક એકદમ શાંત થઈ ગઈ?” મયંકના અવાજ પહેલા કરતા થોડો સ્થિર હતો. પેલી સ્ત્રી હજુ પણ જડવત ઉભી હતી. મયંક હિમ્મત કરીને તેની નજીક જાય છે અને તેનો ચહેરો જોવા ખભાને અડકે છે. તરત જ નેહા મયંક તરફ મોં ફેરવે છે અને મયંક સામે જુએ છે. તે સ્ત્રીનો ચહેરો જોઇને મયંકના પગ નીચેથી જમીન ખસકી જાય છે.

તે નેહા જ હતી પણ જાણે કે તેણે ચુડેલનું રૂપ ધારણ કરી લીધુ હતુ. ઉંડી ઉતરી ગયેલી આંખો. ચહેરા પર વિચિત્ર રીતે લબડતી ચામડી, સફેદ ગુચવાયેલા વાળ, ગંદા તીક્ષ્ણ દાંત. મયંકે સપનામાં પણ આવો બદસૂરત ડરાવણા ચહેરાની કલ્પના કરી ન હતી. મયંક ડરનો માર્‍યો બે કદમ પાછો ફરે છે. ચુડેલ તેની તરફ જ તાકી રહી હતી.

“ ન..ન....ને...હા..... આ બધુ શું છે? “મયંક માંડ માંડ શબ્દો ભેગા કરતો હતો.

“ હું નેહા નથી” ડરાવણા ચહેરા જેવો જ નક્કર ડરાવણો અવાજ સાથે પેલી ચુડેલ બોલે છે અને પછી કાળજુ કપાઈ જાય એવું અટ્ટહાસ્ય કરે છે. હવેલીની બેફિકર શાંતિમાં આ વિકરાળ અટ્ટહાસ્ય ફેલાઈ રહે છે. ચુડેલનો અવાજ સાંભળી મયંકને લાગે છે કે જાણે તેના કાન બહેર મારી ગયા હતા. મયંકે તેના જીવનમાં સપનામાં પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે આવી વેરાન હવેલીમાં તેનો સામનો ક્યારેક કોઇ ચુડેલ સાથે થશે.

“લાગે છે તને તારો જીવ વહાલો નથી.” ચુડેલ તેની બદસૂરત હાથની આંગળીઓ પર ઉગેલા લાંબા નખ મયંકની ગરદન પર ફેરવતા પૂછે છે. “ ઘણા સમય પછી કોઇએ આવી રીતે એકલા હવેલીમાં આવવાની હિમ્મત કરી છે.”

પછી તે ચુડેલ પોતાના ગંદા હાથ વડે મયંકનો ચહેરો પકડી તેની આંખોમાં આંખ પરોવે છે. મયંકને ક્ષણભર માટે સંમોહિત થઈ ગયાનો અહેસાસ થાય છે. તેને ચુડેલને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં પોતાનું મોત દેખાય છે.

“નેહા નથી તો કોણ છે તું?” મયંકથી જાણે આપમેળે જ પ્રશ્ન પુછાઈ જાય છે.મયંકના આ પ્રશ્ન પર ચુડેલ એકવાર મોટેથી અટ્ટહાસ્ય કરે છે.

“સાચે જાણવું છે તારે કોણ છુ હું?” ચુડેલ તેની આંખોમાં જોતા જોતા કહે છે અને મયંક તેને સંમોહિત થઈને જોઇ રહે છે. “હું બતાવુ તને કે હું કોણ છું” કહીને ચુડેલ ફરીથી એક બિહામણું અટ્ટહાસ્ય કરે છે અને અચાનક જ પોતાનું મો વિચિત્ર રીતે પહોળુ કરીને પોતાના ગંદા તીક્ષ્ણ દાંત મયંકના ગળામાં ભરાવે છે. અને મયંકના મોઢામાંથી એક જીવલેણ ચીસ નીકળે છે. “ આ.........” અને નેહા પથારીમાંથી સફાળી બેઠી થઈ જાય છે. તે ઘડિયાળ પર નજર નાખે છે. રાતના 3 વાગ્યા છે. કેવું ભયાનક સ્વપ્ન!! આ પ્રથમ વાર ન હતું કે નેહાને આવુ કોઇ સ્વપ્ન આવ્યુ હોય અને તે અડધી રાતે પથારીમાંથી સફાળી બેઠી થઈ હોય. પરંતુ આ વખતે કંઈક અલગ જરુર હતું. અલગ અને ડરાવણું. તેને એક પળ માટે વિચાર કર્યો કે તે આના વિષે મયંકને વાત કરશે. પણ તે મયંકને બરાબર ઓળખતી હતી. મયંક તેની આવી કોઇ વાત પર વિશ્વાસ નહી કરે. નેહાના મનમાં અત્યારે એકમાત્ર વિચાર રમતો હતો કે તેમને કાલે રાણીની હવેલી જવાનું છે અને જો આ સ્વપ્ન જો સાચુ પડશે તો?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED