first visit books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત

સુંદર સવારના ખુશનુમા માહોલમાં સવારની શાળા હોવાથી રોજની જેમ જ મારા સમયે પહોંચી ગયો હતો. પ્રથમ તાસ ફ્રી હોવાથી હું પ્રાર્થનાસભાના આયોજક તરીકેની ફરજ બજાવતો હતો. પ્રાર્થના પૂર્ણ કરી દરેક વર્ગમાં રોજની જેમ જ રાઉન્ડ પર નીકળ્યો કે કોઈ એવો તો વર્ગ નથી ને કે જ્યાં આજે કોઈ શિક્ષક ગેરહાજર હોય....!!!! જો એવું હોય તો મારું સ્ટાફરૂમમાં બેસવું એક આદર્શ શિક્ષક તરીકે યોગ્ય ન ગણાય... આ મારા સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત હતો, એટલે હું મારી રીતે રાઉન્ડ પર ગયો અને જઈને શાળાના ત્રણેય માળ જોઈ લીધા પણ બધા જ શિક્ષકો પોતપોતાના વર્ગમાં હાજર હતા, આથી મારા પગ મને સ્ટાફરૂમ તરફ ખેંચીને લઈ જઈ રહ્યા હતા...

આ શું...!!?? અચાનક મારા ચહેરાને એક અજનબી ચહેરાની રોશની તેની તરફ આકર્ષિત કરતી હોય તેવું લાગ્યું, ને મારી આંખોને એક તરફી ઘર્ષણ થવા લાગ્યું , ને હું ચુંબકની જેમ ખેંચાઈને બસ તે તેજસ્વી અને સાદગીપૂર્ણ ચહેરાને જોઈને ત્યાં જ થંભી ગયો.... બાજુમાં પડેલી ખુરશીમાં બેસીને જમણી બાજુ આવેલ રાગીનીબેનને પૂછ્યું કે....

"આ...."

રાગીનીબેન મારા હાવભાવ જોઈ અને ક્ષણભરની વિલંબ કર્યા વગર મારી મનોસ્થિતિ સમજીને જવાબ આપ્યો....

"આપણાં સ્ટાફમાં રાકેશભાઈ છે ને તેમની ભત્રીજી.."

"અહીંયા સ્ટાફરૂમમાં કેમ ?"

"તેનું નામ રશ્મિકા છે અને આજે તેમનો શિક્ષક તરીકેનો પ્રથમ દિવસ છે."

વાસ્તવિકતા એ છે કે હું સ્વભાવે ખૂબ જ શાંત તો બીજી તરફ મસ્તીખોર સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવું છું, હું હંમેશા મારામાં જ ખોવાયેલો હોવ છું, પણ આજે કેમ અચાનક આ ચહેરા એ મને તેનામાં ખોવા માટે મજબૂર કર્યો કાંઈ સમજાયું જ નહીં.... આમ છતાં બીજો તાસ મારો હતો એટલે હું મારા મનને ફરી મારી દુનિયામાં વાળી એક આદર્શ શિક્ષક તરીકેની ફરજ પર નીકળી ગયો...

સમય વ્યતીત થઈ રહ્યો હતો... ને અચાનક એક દિવસ સ્ટાફના ગ્રુપમાં કોઈ અજાણ્યા નંબર પરથી કવિતા લખેલી આવી, મને પુસ્તક સિવાય જીવનમાં ખૂબ જ ઓછા મિત્રો બનાવવાની આદત હોવાથી મારા ફોનમાં શાળાના માત્ર 7 જ લોકોના નંબર મેં નામથી સાચવી રાખ્યા હતાં, અજાણ્યા નંબર પરથી આવેલ મેસેજ પણ હું ખૂબ ઓછા વાંચું છું જે મારા સ્વભાવમાં છે જ... પણ આ તો કોઈ કવિતા લખેલી છે અને એક સાહિત્ય પ્રિય લેખક અને વાંચક તરીકે મને તે કવિતાના શબ્દોએ વાંચવા માટે મજબૂર કર્યો...

કવિતાના શબ્દો વાંચતા વાંચતા અંતે હું એ લેખકના નામ સુધી પહોંચ્યો.... અને મનમાં એક ધમાલ અને ખળભળાટ થવા લાગી.. ચહેરા પર સ્મિત અને આનંદની લાગણી હતી... લેખકના નામમાં લખ્યું હતું.... @Rashu "Ruh"...

ગમતી વ્યક્તિ જ્યારે ગમતા ક્ષેત્રનું હોય ત્યારની મજા કંઈક અલગ જ હોય છે... બસ આ જ સ્થિતિ મારી હતી....પણ વખાણ કરવા યોગ્ય કવિતાના વખાણ કર્યા વગર રહેવાયું નહીં એટલે શાળા પૂર્ણ કરી ઘર તરફ પ્રસ્થાન કરતી વખતે રશુ પગથિયાં પર ઊભી હતી ને મેં તેને કહ્યું...

"મેડમ , તમે લેખક છો?"

"હમ્મ"

"આતો ગ્રુપમાં અજાણ્યા નંબર પરથી કોઈ કવિતા લખેલી આવી અને નીચે તમારું નામ જોયું એટલે...."

"હા જી, thank you sir"

બસ આટલું બોલી એ નીકળી ગઈ...મનોમન વિચાર્યું કે કેટલા આદર્શ સાથે જવાબ આપી ને ચાલી ગઈ, અને હું પણ મારી રીતે નીકળી ગયો પાર્કિંગ તરફ... પણ હજુ તે પાર્કિંગની બહાર કોઈની રાહ જોતી હોય તેવું લાગ્યું એટલે વિચાર આવ્યો કે કદાચ રાકેશભાઈની સાથે જ જવાનું હશે એટલે રાહ જોતી હશે..... અને હું ફરી મારી જ દુનિયામાં ગીતો ગાતા ગાતા નીકળી પડ્યો....

સામે પક્ષે રશું એ જ્યારે મને જોયો ત્યારે તેની પણ આજ પરિસ્થિતિ હતી, અલબત્ત તેની હાલત મારા કરતાં પણ વધુ વ્યાકુળ હતી.... જ્યારે કવિતા વિશે તેને પૂછ્યું ત્યારે તેના મનમાં થતું હતું કે હજુ થોડીવાર વાતો કરીએ પણ સમાજ , શાળા અને રાકેશભાઈના કારણે તે બહાર નીકળી ગઈ, તે મારા ચહેરા, મારી ચાલવાની ઢબ અને અવાજ પાછળ પાગલ થઈ ચૂકી હતી, જ્યારે હું તેની ચશ્માં પાછળની એ અણિયાળી આંખો, લખાણ અને અવાજ પાછળ ગાંડો બની ગયો.....

વાસ્તવમાં તે બહાર રાકેશભાઈની રાહ નહોતી જોતી કેમ કે , રાકેશભાઈ સવારે જલ્દી નીકળી જાય .... એટલે આજે રશુનો પહેલો દિવસ હોવાથી રાકેશભાઈ એ તેમની ગેરહાજરીમાં રશુને ઘરે પહોંચાડવાનું બીડું સ્ટાફના રમૂજી અને તેમના જુના મિત્ર ધીરેનભાઈને સોંપ્યું હતું... ધીરેનભાઈ એ રશું ને સમયસર ઘરે પહોંચાડી.....

બંને તરફ શરૂ થયેલ આકર્ષણની પહેલ કોણ કરે...!!?? રાત જાણે વર્ષ જેવી લાગવા લાગી... બીજા દિવસે સવારે શાળામાં પહોંચું તે પહેલાં જ સ્ટાફરૂમમાં કોઈ હતું, કેમ કે પ્રાર્થના કરાવતા પહેલા હું રોજ બેગ મુકવા જાવ ત્યારે લાઈટ હું જ ચાલું કરું ને આજે...

"આજે વહેલા?"

"કેમ, ના આવી શકાય?"

"આવી જ શકાયને...!!! હું ના પાડનાર કોણ?"

"હમ્મ..."

તે અંદરો અંદર નાજુક હોંઠ અને કોમળ ગાલને તકલીફ આપી પ્રેમ ભર્યું સ્મિત આપી રહી હતી ને હું પણ તેની આંખોની અદાથી ઘાયલ થઈ ચૂક્યો હતો..... અને આજે પણ શાળા સમયે બધાં જ વિચારોને વિરામ આપી મારુ કામ કરવા લાગ્યો... શાળા સમય પૂર્ણ થતાં બધાં પાર્કિગ તરફ રવાના થયા...., બધાં મસ્તીના મૂડમાં હતાં કારણ ઘરે જઈને જમવાની તાલાવેલી... પણ આજે રશું એક્ટિવા લઈને આવી હતી... જાણે વાત કરવાનું બહાનું મળી ગયું...

"આજે ગાડી...!!"

"હા"

"આવડે છે તમને?"

"ના, આ તો ગાડીએ મને કીધુ કે બેસી જાવ, હું શાળા તરફ જાવ છું, તો તને ઉતારી દઈશ.. એટલે હું બેસીને અહીંયા સુધી પહોંચી ગઈ.."

"હાયલા, જબરદસ્ત બોલો છો મેડમ...!!"

"હા હો..."

અને આ રીતે મસ્તી કરતાં કરતાં ને હસતા હસતા હું નીકળી ગયો પણ તેની આંખો મને જોતી જ રહી ગઈ... અને મારા વિચારોમાં ને વિચારોમાં પાગલ રશું એ ચોપડીની સાથે ગાડીની ચાવી પણ ભૂલમાં ડીકીમાં મૂકી... ને સીટ પર બેસી ગઈ અને ચાવીની શોધ ખોળ કરવા લાગી અને અંતે તેના પપ્પા એટલે કે મારા સસરાને ફોન કર્યો અને તે ઘરેથી બીજી ચાવી લઈને આવ્યા.....

પ્રેમ ખરેખર પાગલ કરી દે છે.... મારી રશુ પણ મને પાગલની જેમ પ્રેમ કરવા લાગી... જે તે બોલી નહોતી શકતી પણ હું જ્યારે જ્યારે તેને મહેસૂસ કરું છું ને ત્યારે ત્યારે મને અહેસાસ થાય છે.... શું દિવસો હતાં આપણાં... આપણી એ પહેલી મુલાકાતના.... ને આજે પણ એ પ્રેમ વધુ પ્રબળ છે.....

આ રીતે મસ્ત મસાલેદાર અને નટખટ રશુના કિસ્સાઓ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો... સહકાર બદલ આપનો આભાર.....

@The_Hemaksh_Pandya

બીજા રસપ્રદ વિકલ્પો