તે બાદ બીજા બે અઠવાડિયા થઈ ગયા હતા, હજી આરોહી નો મેસેજ નહોતો આવ્યો.ના આરોહી એ મળવા માટે કહ્યું હતું.આજે રવિવાર હતો.સામાન્ય રીતે આરોહી જયારે મળવાની હોય તેના આગલા દિવસે મેસેજ કરતી હતી.પણ આજે બીજા અઠવાડિયે પણ તેનો મેસેજ નહોતો આવ્યો.કવન જમીને તેના રૂમમાં સુવા જતો હતો.ત્યારે અચાનક ફોન રણક્યો.નિસંકોચ આરોહી હતી.
"હેલો કવન જલ્દી જ તું હાઇવે પર આવી જા"
કવન આરોહીને આટલી જલ્દી બોલતી જોઈને બેબાકળો થઈ ગયો.
"પણ શું થયું આરોહી?"
"કંઈ ખાસ નહિ બસ તું જલ્દી આવીજા"
"હા હું હમણાં જ આવું છું."
કવન જલ્દી જ તૈયાર થઈને હાઇવે પાસે ગયો ત્યાં તેને આરોહી ક્યાંય ના દેખાઈ.
તેણે આરોહીને ફોન કર્યો.
"હેલો આરોહી તું ક્યાં છે?"
"હું બસસ્ટોપ પર બેઠી છું.તું અહિયાજ આવી જા બહાર બહુ ગરમી છે."
કવન જલ્દી બસસ્ટોપ પર ગયો.જે ત્યાંથી અત્યંત નજીક હતું અને તે તેનું બાઇક લઈને આવ્યો હતો.
બસ સ્ટોપ પર આરોહી એકલી બેઠી હતી.તે હંમેશાની જેમ વ્હીકલ લઈને નહોતી આવી.કવન તે જાણી નહોતો શક્તો કે તેની પાસે બે એક્ટિવા છે તો પછી તે કોઈ દિવસ તેના સાધનનો ઉપયોગ કેમ નથી કરતી.તે લાયબ્રેરી આવતી ત્યારે પણ તે બસમાં આવતી હતી અને જ્યારે કવન તેને મૂકી જવાનું કહેતો હતો તો પણ તે ના પાડી દેતી.જો કે આરોહી ની ઘણી બધી વસ્તુ સમજવી અઘરી છે અને આ વસ્તુ પણ તેમાંની એક છે તેમ કવન વિચારી રહ્યો હતો.
"માફ કરજે હું મોડો તો નથી પડયોને?"
"ના,બિલકુલ નહીં ચાલ આપણે ક્યાંક જવાનું છે."
"ક્યાં?,આરોહી."
"હું તને રસ્તો બતાવું છું તું ચલ બાઇક ચલાવ."
આરોહી કવનની પાછળ બેસી ગઈ અને રસ્તો બતાવવા લાગી.આરોહી જેમ જેમ રસ્તો બતાવતી હતી તેમ તેમ કવન બાઇક ચલાવતો ગયો. વચ્ચે ઘણીવાર આરોહી એ તેના હાથ કવનના ખંભા પર મૂકી દીધા.જેમ ફિલ્મોમાં થાય છે.તથા કવન તે જોઈને મનમાં મલકતો હતો.
કવન વિચારતો હતો કે જીવનમાં પણ આરોહી આવી રીતે એક જીવનસાથી તરીકે મને રસ્તો બતાવે તો હું તેના કહેલા માર્ગ પર હંમેશા ચાલવા તૈયાર છું.
કેવું સારું લાગે જ્યારે જીવનમાં પણ સાચેજ કોઈ કીધા વગર આરોહી ની જેમ રસ્તો બતાવે આ જે થોડા ઘણા પળ નું જીવન છે તે પણ હસતા હસતા વીતી જાય.
તો ૨૦ મિનિટ પછી આખરે તે બંને ત્યાં પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું.ત્યાં બહુ બધા ઊંચા ફ્લેટસ હતા.કવન અને આરોહી તે ફ્લેટમાં એક બ્લોકની લિફ્ટ માંથી ઉપર જઈ રહ્યા હતા.
કવન વિચારી રહ્યો હતો કે આખરે તે જઈ ક્યાં રહ્યા છે. આરોહીએ લિફ્ટ ખોલી અને કવને જોયું ત્યાં લિફ્ટની બંને બાજુ બે ઘર હતા.ડાબી અને જમણી,આરોહી ડાબી તરફ વળી જેની બહાર ઈંગ્લીશ માં લખ્યું હતું "Arohis Library"
જેની ઉપર કવનનું ધ્યાન ગયું.
"તો તે બનાવી નાખ્યું?" કવને આશ્ચર્ય સાથે અને હસતાંહસતાં પૂછ્યું.
"હા,બસ એટલે તો હું બે અઠવાડિયાથી વ્યસ્ત હતી."
આરોહીએ દરવાજો ખોલ્યો અને બંને અંદર ગયા.ખૂબ વિશાળ ઓરડો હતો.જેમાં ત્રણ તરફ બુક સેલ્ફ હતો અને ખૂણામાં એક ટેબલ પર બે લેમ્પ અને બંને તરફ એક સોફા જેવી આરામ દાયક ખુરશી મૂકી હતી.
"તો કેવો લાગ્યો તને આપણો રૂમ.."
કવન કંઈ સમજ્યો નહિ.તેણે કહ્યું "આપણો?"
"હા, આ ખુરશી તારા માટે જ રખાવી છે કારણકે અહીંયા બીજું કોઈ નહિ આવે."
આરોહી તેને ઉત્સાહ થી જણાવી રહી હતી.આરોહી એ રૂમને સારી રીતે સજાવ્યો હતો.તે ઘરની અંદર એક બીજો રૂમ પણ હતો જે તેનાથી થોડોક નાનો હતો અને એક રસોડું હતું.
આરોહી ધીમે ધીમે કવનને આખું ઘર બતાવી રહી હતી.
તે રસોડામાં ઉભા હતા.ત્યારે કવને કહ્યું.
"તને ખાવાનું બનાવતા આવડે છે?"
"હા, બિલકુલ હું ખૂબ સારી કૂક છું."
તેવું કહીને આરોહી અને કવન બંને હસવા લાગ્યા.
સાથે હસવા થી કે સાથે રોવા થી આત્મીય તા વધે છે અને સાથે હસવા કરતાં સાથે રોવાથી આત્મીયતા વધુ દ્રઢ થાય છે કારણકે માણસ જેટલું ખોટી રીતે ખૂલીને હસી શકે છે તેટલું તે ખૂલીને રોવી નથી શકતો.દુનિયાના આ ભેદ થી આપણે જેટલા અજાણ છીએ એટલા જ આપણે એક ગાઢ અંધકાર માં છીએ.
કવન અને આરોહી બંને ફરીને પાછા મુખ્ય રૂમમાં આવ્યા.મુખ્ય રૂમની એક બાજુ એક કાચનો દરવાજો હતો. જે પડદાથી ઢાંકેલો હતો.આરોહી એ તે પડદો ખોલ્યો ત્યારે કવને જોયું કે બહાર એક સુંદર જગ્યા હતી.ત્યાં ઘણા બધા ફૂલ છોડ વાવેલા હતા અને બે સુંદર ખુરશી ટેબલ ત્યાં મુક્યા હતા. ઘર એક પેન્ટહાઉસ જેવું હતું.નહીતો આટલી મોટી બાલ્કની ની જગ્યા અસંભવ વાત છે.કવન અને આરોહી તે કાચના દરવાજા ને ખસેડી ને બાલ્કનીમાં ગયા.તે ઘર લગભગ સાતમે માળ હતું.ત્યાંથી દૂર દૂર સુધી ઘણા બધા મકાન નીચે દેખાતા હતા અને પવન ખૂબ સુંદર આવતો હતો, ત્યાંથી હાઇવે પણ સાફ દેખાતો હતો.
"તો કવન કેવું લાગ્યું તને ઘર?" આરોહી એ ખુશ થઈને કવનને પૂછ્યું.
"ખૂબ સુંદર.."
"અને કેવી લાગી સજાવટ?" આરોહી એ હસી ને પૂછ્યું.
કવને આજુબાજુ જોઈને કહ્યું."તે તો તેનાથી પણ સુંદર છે."
આરોહી ખુશ થઈને રસોડામાં જતા જતા બોલી.
"જ્યારે તારા લગ્ન થઈ જાય ત્યારે તારી પત્ની ને કહેજે કે તારું ઘર હું સજાવીશ."
કવને તે વાત બહુ ગહનતાથી સાંભળી તે વિચારવા લાગ્યો કે કદાચ તું જ મારી પત્ની હોઈશને, તો ઘર તારે જ સજાવવું પડશે.
આરોહી એ રસોડામાંથી કહ્યું.
"ચા પીસ ને કવન..?"
કવને હા પાડી તેણે કહ્યું, "પણ હું બનાવીશ."
કવન અને આરોહી ફરી પેલું નિર્દોષ હાસ્ય નવા ઘરમાં વિખેરવા લાગ્યા.જેનો આનંદ આ બધા બુકસેલ્ફ માં રહેલા પુસ્તકો, બાલ્કની માં રહેલા ફૂલછોડો અને ઘરમાં રહેલી તમામ નાની મોટી વસ્તુ લઈ રહી હતી.
બંને બાલ્કનીમાં બેસીને ચા નો આનંદ લઈ રહયા હતા.
ક્રમશ
આપને અત્યાર સુધી ની વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો તથા વાર્તા ને માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં પોસ્ટ કે સ્ટોરી સ્વરૂપે મૂકી લોકો ને જણાવશો.
આપનો આભાર...