Kasak - 15 books and stories free download online pdf in Gujarati

કસક - 15

બુધવારે સાંજે આરોહી અને કવન બંને ત્રણ અઠવાડિયા બાદ મળી રહ્યા હતા.કવન બે વાતથી ખુશ હતો એકતો તે આરોહીને આજે આટલા દિવસો બાદ મળી રહ્યો હતો અને બીજી કે વિશ્વાસ આજે કાવ્યા ની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો હતો.

વિશ્વાસે તેનો જન્મ દિવસ સાદી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું.તેથી તેણે તેના એક દોસ્તના કેફમાં નાનું એવું આયોજન કર્યું હતું અને જેમાં તેણે ઘણા નજીકના મિત્રો ને આમંત્રણ આપ્યું હતું.જેમકે તેના કોલેજ ના મિત્રો અને કવન અને આરોહી શિવાય બીજા ત્રણ એક સ્કૂલના મિત્રો. જે કવન અને આરોહીની પણ સાથે ભણતા હોવાથી ઓળખતા હતા.વિશ્વાસ ના માતા પિતા એ જાણી જોઈને પાર્ટીમાં આવવાનું ટાળ્યું હતું.

પાર્ટીમાં જેમ વિશ્વાસે આયોજન કર્યું તેમ જ થયું.તેણે કેક કાપી અને સૌ પ્રથમ કાવ્યા ને ખવડાવી અને બાદમાં કવન, આરોહી અને મિહિરને. કેફે નાનું હતું પણ ડેકોરેશન સુંદર રીતે કર્યું હતું.તેણે એક દિવાલ પર ગુલાબ ના ફૂલોથી "I LOVE YOU KAVYA" લખી રાખ્યું હતું.જે તેણે છુપાવીને રાખ્યું હતું.કેક કાપ્યા બાદ એક દમ અંધારું થઇ ગયું અને જેમ વિશ્વાસ નો પ્લાન હતો તે જ રીતે હિન્દી રોમાન્ટિક ફિલ્મોમાં જેમ હીરો એક પગ પર બેસીને હિરોઇન ને પ્રપોઝ કરે છે બસ તેવીજ રીતે તેણે કાવ્યા ને સીધા લગ્ન માટે પ્રપોઝ કર્યુ.તેણે દિવાલ પર લખેલ ઇઝહાર ના શબ્દો પરથી પણ પરદો હટાવી દીધો અને તેવું જ બન્યું જે બનવાનું હતું. કાવ્યાએ તેના પ્રેમનો ખૂબ ખુશીથી સ્વીકાર કર્યો.

આ બધી ઘટના વચ્ચે કવન વારંવાર આરોહીની સામે જોઈને તેની પ્રતિક્રિયા જાણવા માટે કોશિષ કરતો હતો.જો કે તે ખુશ હતી.

એક બાજુ વિશ્વાસ અને કાવ્યા બંને ચુસ્ત રીતે ભેટી પડ્યા હતા.

ત્યાં મિહિર પણ હાજર હતો પણ જો કે તેને પહેલેથી બંનેની જાણ હતી અને વિશ્વાસે એમ પણ કાવ્યા ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.તેથી તેને કોઈ વાંધો નહોતો.તે પણ ખુશ હતો.

કવનની નજર ચુકાવી ને આરોહી તેની પાછળ આવીને ઉભી રહી ગઈ અને તેણે કવનને પૂછ્યું.

"શું તને આ વાત ની ખબર હતી કે તે બંને એકબીજાને…."

તેટલું બોલીને તે અટકી ગઈ.

કવને હકાર માં માથું હલાવ્યું અને બંને થોડા શોરબકોર થી દુર જતા રહ્યા અને તે અંગે વાતો કરવા લાગ્યા.

"હા, મને વિશ્વાસની ખબર હતી.પણ કાવ્યા ની નહોતી ખબર.શું તને કાવ્યાની ખબર હતી?"

"ના,પણ મને એક વખત તેવું લાગ્યું હતું પણ હું તેની સાથે ખાસ આ બાબતે વાત નહોતી કરતી.તો આમ તો મને નહોતી ખબર."

આરોહી એ કવનની આંખોમાં જોઈને કહ્યું

"શું તને લાગે છે કે વિશ્વાસ અને કાવ્યા પ્રેમ કરવા માટે સુંદર પાત્ર સાબિત થશે?"

કવને થોડું વિચારી ને કહ્યું.

"જો તે તેવું સાબિત કરવા મથસે કે પોતે દુનિયાનું સૌથી સુંદર યુગલ છે.તો તે સુંદર યુગલ કયારેય નહિ હોય.પણ જો તે આ વાત ખુદ જાણી લેશે કે તે જ દુનિયાનું સુંદર યુગલ છે કોઈ શું કહે છે તેનાથી તે બંને ને કોઈ ફરક નથી પડતો તો બંને ખરેખર સુખી થશે."

આરોહી જેમ તેના વખાણ કરી રહી હોય એમ તેની સામે મોં કર્યું અને હસવા લાગી અને તેણે કહ્યું.

"વાહ… ડોકટર સાહેબ."

તે બંને વાતો કરી રહ્યા હતા.ત્યાંજ કવન અને આરોહી ના કલાસમાં ભણતો હતો તે આશિષ આવ્યો. તે ત્યાં આવીને એક ખુરશીમાં બેસી ગયો અને કવનને તેના ખબર અંતર પૂછવા લાગ્યો.

આરોહી એ ટેબલ છોડીને બીજે જવાનું વિચાર્યું. કારણકે આશિષ વારંવાર આરોહીની સામે જોઈ રહ્યો હતો.

જેવી આરોહી ટેબલ છોડી ને ગઈ તરતજ આશિષે કવનને એક સવાલ પૂછ્યો.

"શું તું અને આરોહી પણ?"

કવને તેની સામે જોઈને તેને સ્પષ્ટ ના પાડી દીધી.

તે માનવા તૈયાર ના થયો અને તેણે ફરીથી સવાલ પૂછ્યો.

"તો તને તે ગમે છે?"

કવને તેને સ્પષ્ટ શબ્દોમાં ના કહી અને તે ટેબલ પરથી ઉભો થઈને જતો રહ્યો.

આશિષ ને પણ થોડું વિચિત્ર લાગ્યું કારણકે તેને જે જવાબ જોતો હતો તે મળ્યો નહોતો.

આવોજ સવાલ આરોહીને સૃષ્ટિ એ પૂછ્યો હતો.જે તેના કલાસ માં પહેલા ભણતી હતી અને તેણે પણ કવનની જેવા જવાબ જ આપ્યા.

કદાચ દરેક જગ્યાએ આશિષ અને સૃષ્ટિ હશે.જેને દરેકની લાઈફની પોતાની લાઈફ કરતા વધારે પડી હશે.

પાર્ટી પુરી થયા બાદ બધા જઈ ચુક્યા હતા.કાવ્યા અને વિશ્વાસ પણ ક્યાંક એકલતા માણવા ગયા હતા.આજે તેમનો દિવસ હતો.કવન પણ મનમાં વિચારતો હતો કે જે દિવસે હું આરોહીની સામે પોતાના પ્રેમ નો ઈઝહાર કરીશ ત્યાર પછી હું પણ તેને ક્યાંક ફરવા લઈ જઈશ અને પ્રેમ ભરી વાતો કરીશ.

કવન વિચારો માંથી બહાર આવ્યો અને તેણે જોયું કે આરોહી હજી તેની સાથે જ બેઠી છે અને તે ઘણા દિવસે મળી હોવાથી તેની જોડે વાતો નો ભંડાર છે.

કવને આરોહીને પૂછ્યું "તો કેવી ગઈ તારી બધી પરીક્ષા?"

"ખૂબ સારી ગઈ હું સારા અંકે પાસ થઈશ."

તે દિવસે બંને એ બેસીને ખુબ વાતો કરી.

બંને જ્યારે છુટા પડ્યા ત્યારે કવન વિચારતો હતો.કાવ્યા અને વિશ્વાસ ને જોઈને શું તેને પણ મારા પ્રત્યે પ્રેમની લાગણી થઈ હશે?

જો થઈ હોય તો તે ક્યારેય તે વિશે મને કેમ જણાવતી નથી અને જો ના થઈ હોય તો તે કદાચ હજી પ્રેમને પુરી રીતે સમજવા સક્ષમ નથી.

કવન જયારે વિશ્વાસ ને મળ્યો તો તેણે પણ એક વખત પોતાની હૃદય ની વાત રજૂ કરવાની સલાહ આપી.જોકે કવનને તે બિલકુલ અયોગ્ય લાગ્યું.કારણકે જયારે તમે અમુક ઉંમરના થાવ છો ત્યારે તમે સમજી જાવ છો કે સામે વાળા માણસ ને તમારી પ્રત્યે કેવી લાગણી છે.કવન જાણતો હતો કે આરોહી ને તેના પ્રત્યે તેવી કોઈ લાગણી નહોતી જેવી કાવ્યા ને વિશ્વાસ પ્રત્યે હતી.જો તે એક વાર આરોહીને પોતાના દિલની વાત કહી પણ દે તો ત્યારબાદ શું થાય તેની તેને ખબર નહોતી.કદાચ બંને ની મિત્રતા સંકટ માં આવી જાય.

કવન વિચારતો હતો કે આરોહી એક સુંદર છોકરી છે.તેવું બધુ જ તેનામાં છે જે દરેક છોકરાને તે ગમી જાય.તો તેવું નહીં હોય કે આજ સુધી કોઈ છોકરા એ તેને પ્રપોઝ નહીં કર્યું હોય અને કર્યું હોય તો કંઈ બધા જેવા તેવા છોકરા નહિ હોય કેટલાક સારા પણ હશે.પણ જેમ આરોહીના મનમાં પ્રેમની પરિભાષા હતી.તેમ તેને કોઈ રાજાનો દીકરો આવી ને પ્રેમનો પ્રસ્તાવ મૂકે તો પણ તે માને એમ નહોતી.તો પછી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ રાખી પોતાની મિત્રતા સંકટ માં નાખવી એ મૂર્ખામી કહેવાય.કવન માનતો હતો કે એક સાચો પ્રેમી તેની પ્રેમિકા ને ખુશ જોવે છે તો પછી તે મિત્રતા માં ખુશ છે તો મિત્રતા માંજ ભલે.

ક્રમશ

આપને વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવો.આપ વાર્તા વિષે આપને ગમતા સવાલ પૂછી શકો છો. આપને વાર્તા ગમી હોય તો વધુ માં વધુ લોકો સુધી પહોંચાળો આપના ફેસબુક,ઇન્સ્ટાગ્રામ તથા માતૃભારતી ની સ્ટોરી માં વાર્તા નું પોસ્ટર સાથે આપનો સુંદર રીવ્યુમૂકી શકો છો.આપનો આભાર..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED