Strict parenting style books and stories free download online pdf in Gujarati

કડક વાલીપણા શૈલી


"પપ્પા, શું ખરેખર તમે સિરીયસ છો? પ્લીઝ મને જવા દો, મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યાં છે."
પંદર વર્ષના પલાશની આજીજીમાં કોઈ વિનંતિનું ચિન્હ નહોતું, ઊલટું તે ગુસ્સો અને ચીડથી ભરેલો હતો. આશ્ચર્યજનક રીતે, પ્રભાસ નાયડુએ ધીરજ જાળવી રાખી અને તેના પુત્રને શાંતિથી જવાબ આપ્યો, "સ્વતંત્રતા જવાબદારી સાથે સંભાળવી જોઈએ. તને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ઘરે નવીનતમ રહેવાની સૂચના આપવામાં આવી છે. જો તેના માટે તું તારી જાતને શિસ્તબદ્ધ કરવામાં અસમર્થ છો, તો તારે બિલકુલ બહાર ન જવું જોઈએ. તેથી, હવે તું આગામી બે દિવસ તારા મિત્રોને મળવા નહીં જઈશ."

પલાશે મદદ માટે તેની મમ્મી તરફ જોયું. "મમ્મી, પ્લીઝ મને હેલ્પ કરો. પપ્પાને સમજાવો કે મને જવા દે."
તેની પત્ની દરમિયાનગીરી કરે તે પહેલા પ્રભાસે તેને રોકવા માટે હથેળી ઉંચી કરી, "પલ્લવી, આ બાબતમાં વચ્ચે ન પડ, મને મારી રીતે સંભાળવા દે."

લાચારી અનુભવતા, પલાશની નવી દલીલ હવે અગાઉ કરતાં વધુ ઉશ્કેરાયેલી હતી, "પપ્પા હું અમુક વાર જ મોડો આવ્યો છું. એના માટે મને આ રીતે સજા આપવી યોગ્ય નથી."
"આ કોઈ સજા નથી, જો કે આજનો કર્ફ્યુ તને આગલી વખતે, નક્કી કરેલા સમય પર ઘરે આવવાની યાદ અપાવશે."

ગુસ્સામાં એક કર્કશ બડબડાટ કરતા, પલાશ તેના રૂમમાં જતો રહ્યો. જોરથી પટકાયલો દરવાજો તેની પાછળ ખખડ્યો. ક્રોધ કરતાં પણ વધુ, શ્રી નાયડુ તેમના પુત્રના અનાદરભર્યા વર્તનને જોઈને નિરાશ થઈ ગયા. પલ્લવીએ તેની પીઠ પર હાથ ફેરવતા, પતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. "પ્રભાસ, તમને નથી લાગતું, આપણે તેની સાથે થોડા વધુ કઠોર બની રહ્યા છીએ?"

એક લાંબો નિસાસો બહાર કાઢી પ્રભાસે માથું હલાવ્યું. "પલ્લવી, આપણે માથાભારે માતા-પિતા નથી. જો કે, હું દૃઢપણે માનું છું, કે નાની ઉંમરે બાળકોમાં જે વર્તણૂક અને વલણ રોપવામાં આવે, તે જ નિઃશંકપણે ભવિષ્યમાં રોજબરોજના જીવનમાં છવાયેલા રહે." પ્રભાસ તેની પત્ની તરફ વળ્યો અને કહ્યું, "હવે મને આશ્ચર્ય થાય છે, કે શું આપણા માતાપિતા અતિશય સખત હતા કે પછી આપણે આજની પેઢીના યુવાનો કરતાં વધુ સારા બાળકો હતા?"
"પ્રભાસ, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સંમત છું, કે આપણા પુત્રના જીવનમાં કોઈ પ્રકારનું નિયમન હોવું જોઈએ, પરંતુ આપણે આપણી રણનીતિ બદલવી પડશે. પલાશ મોટો થઈ ગયો છે, મને ખાતરી છે કે જો તમે તેને બેસાડીને વાત કરશો તો તે સમજી જશે."
"પલ્લવી, તેને સમજવું પડશે કે માતા-પિતા તરીકે, લગામ આપણા હાથમાં છે અને ઘરમાં અમુક પ્રકારનું શિષ્ટાચાર હોવું અત્યંત જરૂરી છે."

બીજા દિવસે રવિવાર હતો. અપેક્ષા મુજબ, ત્રણેય વચ્ચે નાસ્તાના ટેબલ પર સંપૂર્ણ મૌન રહ્યું. પ્રભાસને લાંબા સમય સુધી આ અણગમતી શાંતિ નહોતી ખેંચવી. કોફીની છેલ્લી ચુસ્કી પૂરી કર્યા પછી, તેણે હળવાશથી શરૂ કર્યું, "દિકરા, બેસ. અમને તારી સાથે વાત કરવી છે."
ચૂપ રહેતા, પલાશ બેઠો રહ્યો, પરંતુ તેણે ધારી લીધું કે એક બીજો ઠપકો ભરેલો લેક્ચર સાંભળવો પડશે. આશ્ચર્યજનક રીતે, પ્રભાસે સ્મિત કર્યું અને કંઈક વિચિત્ર કહ્યું.
"કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય,
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.”

પલાશના ચહેરા પર મુઝવણ જોઈને પલ્લવી હસી પડી, “આ કહેવતનો અર્થ છે:
લીમડાનું વૃક્ષ ભલે કડવું હોય, પણ તેનો છાંયો ઠંડો હોય છે. મિત્રો ભલે થોડા હોય, પણ તેઓ તમારા ડાબા હાથ જેવા હોય છે."

કહેવતનો અનુવાદ સાંભળ્યા પછી પણ પલાશની મૂંઝવણ પહેલા જેટલી જ રહી. જૂની વાતો યાદ કરતા, પ્રભાસે વાર્તાલાપ શરૂ કરી, “તને ખબર છે પલાશ, મારા બાપા ખૂબ જ કડક હતા. તે સૈન્ય અધિકારી નહોતા, પરંતુ અમારા ઘરનું શાસન સૈન્ય જેટલું કઠોર હતું. બધી વસ્તુ ઉપર રાશન લાગેલું હતું: હું કેટલા કલાક બહાર રહી શકું, કોને મિત્રો બનાવી શકું, મને કેટલું પરચૂરણ ખિસ્સાખર્ચ મળશે, એમની માપબંધીનું લિસ્ટ અનંત હતું.

પ્રભાસ તેના દિકરાનું ધ્યાન પકડી રાખવામાં સફળ રહ્યો અને તેણે આગળ વાત ચાલુ રાખી, "મને વર્ષમાં ફક્ત બે વાર નવા કપડાં મળતા: દિવાળી અને મારા જન્મદિવસ પર. જો મારા ટકા બાપાની અપેક્ષાથી ઓછા આવતા, તો જ્યાં સુધી મારા માર્કસ ન સુધરે, તે દરમિયાનમાં મારી અમુક સુખ સુવિધા કાપી નાખવામાં આવતી." પ્રભાસ તેના બાપા પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા યાદ કરતાં હસી પડ્યો. “તારી જેમ જ પલાશ, મને લાગતું હતું કે મારા પિતા ક્રૂર છે. કોઈ પોતાના સગા દિકરા સાથે આટલી નિર્દયતાથી કેવી રીતે વર્તી શકે? પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને હું મોટો થતો ગયો, તેમ મને સમજાયું કે તેમની કડક વાલીપણા શૈલીએ મને હકારાત્મક રીતે પ્રભાવિત કર્યો. હું મારા સાથીદારો કરતાં વધુ સારી રીતે વર્તતો હતો, મારામાં કંઈક હાંસલ કરવાની અને મારા બાપાને સાબિતી આપવાની પ્રેરણા હતી. પરંતુ સૌથી મહત્વનું, હું એક જવાબદાર વ્યક્તિ બની ગયો."

પછીની થોડી મિનિટોમાં પ્રભાસે ચૂપ રહેવાનું પસંદ કર્યું અને તેના જ્ઞાનના શબ્દો પુત્રમાં સમાઈ જવાનો સમય આપ્યો. તેણે પત્ની સાથે અર્થપૂર્ણ દેખાવની આપલે કરી. પલ્લવીએ પલાશ તરફ નજર કરી અને જોયું કે તેનો પુત્ર પહેલેથી જ આખી વાત પર વિચાર કરી રહ્યો હતો. તેણે હળવેથી પલાશનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી શરૂઆત કરી, “બેટા, લીમડાના ઝાડની જેમ અમારી વાતો પણ કદાચ તને કડવી લાગશે, પરંતુ તેમાં અમારો પ્રેમ અને તારા માટે ફિકર છુપાયેલી હોય છે. અમારું હિત ફક્ત તારી સુખાકારી અને તારી ખુશીમાં છે. તદુપરાંત, પલાશ હવે તું યુવાન છો, શું તને નથી લાગતું કે તારે તારા કાર્યો પ્રત્યે વધુ જવાબદાર બનવાની જરૂર છે?"

પલાશના હાવભાવ આક્રોશમાંથી હળવાશમાં બદલાઈ ગયા. તેણે સ્મિત કર્યું અને તેના પિતાની એક ઝલક લીધી, જે તેની તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. અસ્વસ્થતા અનુભવતા, તેણે તેના પિતાનો હાથ પકડ્યો અને નરમાશથી કહ્યું, “ગઈ કાલના મારા અસંસ્કારી વર્તન માટે હું દિલગીર છું. પરંતુ હવે હું સમજી શકું છું કે જો મેં નિયમોનું પાલન કર્યું હોત તો તમે આ કઠોર પગલાં ન ભર્યા હોત.”
પ્રભાસે તેના વ્હાલાને બાથમાં લઈ લીધો અને કહ્યું, “દિકરા, તારા જેટલું વહાલું અમને કોઈ નથી. તેમ છતાં, અમારો પ્રેમ આંધળો નથી અને અમે તને ખોટા માર્ગે જતા જોઈ નથી શકતા."
તેના માતા-પિતાને સંમતિ દાખવતા, પલાશ ટિપ્પણી કરતાં પહેલાં હસી પડ્યો, “હું ખરેખર ખૂબ નસીબદાર છું. તમે અને મમ્મીએ મને ઘણી સ્વતંત્રતા આપી છે. જો દાદાજી મારા પિતા હોત તો શું થતે તેની હું કલ્પના પણ નથી કરી શકતો. હું તમને વચન આપું છું, કે ન તો હું મારી સુવિધાઓનો દુરુપયોગ કરીશ અને ન તો હું તેમને સામાન્ય માનીશ.”

તેના મગજમાં હજી એક ગૂંચવણ હતી અને પલાશ તેની મમ્મી તરફ વળ્યો. “મમ્મી, હું કહેવતનું પહેલું વાક્ય સમજી ગયો, પરંતુ બીજા ભાગનો અર્થ શું છે?"
પલ્લવી સ્પષ્ટતા કરવા લાગી, "બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય. એટલે કે મિત્રો ભલે ઓછા હોય, પરંતુ તેઓ આપણા ડાબા હાથ જેવા હોય છે. આપણો ડાબો હાથ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે તેનો ઉપયોગ કેટલાય વિવિધ કાર્યો માટે કરીએ છીએ. એ જ રીતે સારા મિત્રો આપણા ડાબા હાથ જેવા હોય છે. તેઓ ઓછા હોઈ શકે છે પરંતુ મૂલ્યવાન હોય છે, કારણ કે તેઓ આપણા મુશ્કેલીના સમયમાં આપણી સાથે ઊભા રહે છે.”
પલાશ મસ્તીમાં હસ્યો અને કટાક્ષ કરી, "જોયું? એટલે જ હું રોજ મારા દોસ્તોને મળવા જાઉં છું, પણ તમે લોકો મને પરવાનગી નથી આપતા."

પ્રભાસે પુત્રની પીઠ થપથપાવી અને બધા હસી પડ્યા.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
__________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=
_______________________________________

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED