5 short children's stories books and stories free download online pdf in Gujarati

5 નાની બાળવાર્તાઓ

1.જ્યાં સંપ ત્યાં જંપ
2.બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
3.પૈસાને વેડફાય નહિ
4.ચોરની લાકડી એક વેંત ટૂંકી
5.નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે



1.જ્યાં સંપ ત્યાં જંપ

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.

પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.

પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું:

‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો.’

2.બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે

એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.

તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્ત, તું પોચી માટીનો બનેલો છે, નાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.’

‘મિત્ર, તેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર’ માટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂત, જ્યારે હું રહ્યો માટીનો –પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએ, તો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.’

આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી ઘણે દૂર દૂર ચાલ્યો ગયો.


3.પૈસાને વેડફાય નહિ

એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.

વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.

એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: ‘બેટા, મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.’

પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.’

બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એણે એક ગોદામમાંથી અનાજની ગૂણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો.

થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’

પિતાએ એને કહ્યું: ‘હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.’

પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે કાન પકડ્યાં અને પિતાને કહ્યું: ‘તમારી વાત સાવ સાચી છે. હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહિ.’


4.ચોરની લાકડી એક વેંત ટૂંકી

એક વખત અકબરના રાજમાં એક વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.

અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.’

વેપારીએ જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’

બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.’

આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: ‘કાલે સવારે આવીને તમારે ચારે જણાએ પોતાની લાકડી મને બતાવવાની છે. જેણે ચોરી કરી હશે તેની લાકડી જાદુથી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે પણ જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.

હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.

તે લાકડી કંઈ જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે આકરી સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.


5.નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો ‘રંગબેરંગી ટોપી લઈ લો - લઈ લો.’ એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતા હતા


એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.


એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.


થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.


થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.


બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.


નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ!

____________________________________________

5 નાની બાળવાર્તાઓ ની વાર્તા સારી લાગી તો કોમેન્ટ કરો.


જય શ્રી કૃષ્ણ


જય શ્રી રામ


જય શ્રી ગણેશ


લિ. કહાની નંબર વન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED