કુદરતના લેખા - જોખા - 45 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 45

કુદરતના લેખા જોખા - ૪૫
આગળ જોયું કે ભોળાભાઈ મયૂરને વિદેશ જવા માટે એરપોર્ટ સુધી મૂકી આવે છે. મીનાક્ષી મયુરની રૂમમાં મુકેલી ચિઠ્ઠી વાંચીને ફસડાઈ જાય છે અને એજ સમયે સાગર આવીને એ ચિઠ્ઠી વાંચે છે.
હવે આગળ....

* * * * * * * * * * * * * * * * * *

સાગર ખરા સમયે મયુરની રૂમમાં પહોંચી ગયો હતો. મીનાક્ષી ના હાલ એટલી હદે ખરાબ હતા કે એને જોઈને સાગરને એટલો અંદાજ આવી જ ગયો હતો કે કોઈ ગંભીર બાબત બની છે. સાગર મીનાક્ષીને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર મીનાક્ષી ના હાથમાં રહેલી ચિઠ્ઠી પર પડે છે. સાગરે પહેલા મીનાક્ષીને ભોંયતળિયે થી ઉંચકીને પલંગ પર સુવડાવી દે છે પછી સાગર મીનાક્ષી ના હાથમાં રહેલ ચિઠ્ઠી ને પોતાના હાથમાં લે છે. સાગરને ચિઠ્ઠી માં લખેલા અક્ષરો પર થી જ અંદાજ આવી ગયો હતો કે આ ચિઠ્ઠી મયુરે લખેલી છે. સાગરને ભણતરમાં આગળ વધારનાર જ મયુર હતો એટલે એના શબ્દોને સાગર કેવી રીતે ભૂલી શકે!

સાગરે ચિઠ્ઠી હાથમાં લીધી પણ કોણ જાણે કેમ એના હાથમાં કંપારી છૂટવા લાગી. દિલની ધડકન અચાનક જ મંદ પાડવા લાગી. ચિઠ્ઠી વાંચતા પહેલા જ કોઈ છુપો ડર મહેસૂસ થવા લાગ્યો. છતાં એણે હિંમત એકઠી કરી ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી....

મીનાક્ષી તથા સાગર..... (સાગરને નવાય લાગી , મારા નામે ચિઠ્ઠી લખવાની મયૂરને શું જરૂર પડી?) (વિચાર કરતા કરતા જ આગળ વાંચવાનું શરૂ રાખે છે)

તમે બંને વ્યક્તિ મારા દિલની ખૂબ જ નજીક છો. તમારા બંને પાસેથી મને જ ખૂબ જ પ્રેમ મળ્યો છે. મારી દરેક વિકટ પરિસ્થિતિ વખતે તમે બંને એ મને સહારો આપ્યો છે કદાચ એટલે જ આજે મે જે હાંસિલ કર્યું છે એ તમારા બંનેના સપોર્ટના કારણે જ થઈ શક્યું છે. એ માટે હું તમારા બંનેનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે એમ છે. (આટલું જ વાંચતા સાગરની આંખોમાંથી આંસુ સરી આવે છે. છતાં એ ભીની આંખો એજ વાંચવાનું શરૂ રાખે છે)

તમે બંનેએ આટ આટલો પ્રેમ આપવા છતાં મે તમારા બંને વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમારી સાથે મે એક વાત છુપાવી રાખી હતી એ વાત મારે ઘણા સમયથી કહેવી હતી પરંતુ હું એ વાત તમારી નજરો સમક્ષ કહેવા અસક્ષમ હતો એટલે જ આજે મારે આ ચિઠ્ઠી નો સહારો લેવો પડ્યો. તમારી બંને સાથે દુરી બનાવવાનું બીજું કોઈ કારણ હતું જ નહિ એનું કારણ હતી એક છોકરી. હું એ છોકરીના પ્રેમમાં પાગલ બન્યો છું. હું એની સાથે વાત કરવા માટે જ તમને બંનેને મારી સામેથી દૂર રાખવા આટલા નાટકો કર્યાં હતાં. મને એ છોકરીનો એટલો નશો ચડ્યો છે કે મને બીજું કંઈ જ દેખાતું નથી. મને બસ દિવસ રાત એનાં જ સપના આવવા લાગ્યા અને મારી નજીક હતા એ બધાથી મને નફરત થવા લાગી. એની સાથે વાત કરવાની અટકે નહિ એટલે જ મે મારા રૂમ આગળ ભોળાભાઈ ને બેસાડ્યા હતા. ભોળાભાઈ એટલે જ મને પૂછ્યા વગર મારી રૂમમાં કોઈને પ્રવેશ આપતા નહીં. આ બધું કર્યા પછી પણ મને તમારા બધાની ચિંતા થવા લાગી. આ રીતે હું તમારી વચ્ચે કેટલો સમય રહી શકું. જો આમનમ જ રહીશ તો બધાને ખોટી ચિંતા રહેશે એટલે આજે મે નક્કી કરી જ લીધું કે હું એ છોકરી સાથે લગ્ન કરી લવ. એટલે જ આજે હું તમારા બધાથી ખૂબ જ દૂર ચાલ્યો જાવ છું. એટલે તમને મારી કોઈ ચિંતા જ ના રેય.
(સાગર આટલું વાંચતા જ ભયભીત થઈ ગયો, મયુર આવું પગલું ભરશે એવી ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સાગરને ખબર હતી કે મયુર મીનાક્ષીને ખૂબ જ પ્રેમ કરતો હતો તો પછી મયુર આવું પગલું શા માટે ભરી શકે? અત્યાર સુધીના સમયમાં મયુરે કોઈને દગો આપ્યો નહોતો તો આજે પોતાના જ અંગત વ્યક્તિને આટલો મોટો દગો કઈ રીતે આપી શકે? સાગરના મગજમાં પ્રશ્નોના ગૂંચળા વિટાવવા લાગ્યા. હવે તેને મીનાક્ષી ની પણ ચિંતા થવા લાગી કારણ કે હજુ તે હોશમાં નહોતી આવી. તેણે હવે જલ્દી ચિઠ્ઠી આગળ વાંચી નાખવાનું નક્કી કરી ચિઠ્ઠી ની આગળની લાઈન વાંચવાની શરૂ કરી.

મીનાક્ષી અને સાગર તમારા બંને પાસેથી મારે એક વચન જોઈએ છે અને એ વચન તમે ના પાળો તો મારી કસમ છે. મારા ગયા પછી ના એક મહિના પછી તમારા બંને ના એકાબીજા સાથે લગ્ન કરવાના છે. સાગર તારા માટે આ થોડું અઘરું પડશે કારણ કે મીનાક્ષી પેહલે થી જ પરિણીત છે જ્યારે તું કુંવારો છો પણ મને ખબર છે ત્યાં સુધી મીનાક્ષી ની જીંદગી ભર સાર સંભાળ લઈ શકે એવો તું એક જ વ્યક્તિ છો. સાગર મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તું મારી કસમ પાળીશ જ. જો મીનાક્ષી કોઈ આનાકાની કરે તો મહેરબાની કરીને એને તુ સમજાવજે. (આટલું વાંચતા જ સાગર પગ નીચે થી જમીન સરકવા લાગી. એના હાથ કાંપવા લાગ્યા. મયુરે સગાઈ તોડાવ્યાનો એક તાજો ઘા હજુ રુંઝાનો નહોતો ત્યાં મીનાક્ષી સાથે લગ્ન કરવાનો બીજો ઘા માર્યો હતો. જો કે સાગરે ક્યારેય મીનાક્ષી સામે એવી કોઈ નજર થી જોયું પણ નહોતું. એ હંમેશા મીનાક્ષી નો આદર કરતો. આજે એની સાથે જ મયુર લગ્ન કરવાની કસમ આપે છે. આ બધા વિચાર થી સાગર નું મગજ સુન્ન થઈ ગયું. એનું માથું પણ ચકરાવે ચડવા લાગ્યું. માંડ પોતાની જાત પર ધીરજ મેળવી આગળ વાંચવાનું શરૂ કરે છે.)

હું જતા જતાં તમારી બધાની સગવડતા કરતો ગયો છું. મારી કંપની અને ૮૦૦ વિઘાનું ખેતર તમારા બંને ના નામે કરતો ગયો છું. એના દસ્તાવેજ રમેશભાઈ વકીલને આપતો ગયો છું જો તમે તમારા લગ્નનું પ્રમાણપત્ર એને આપશો તો એ તમને આ મિલકતોના દસ્તાવેજ તમને સોંપી દેશે. આજ થી જ બેંક સિવાયના કંપનીના કોઈ પણ ડોક્યુમેન્ટ માં તમારી બંને ની સહી માન્ય રહેશે. તમે જ્યારે લગ્ન કરી લેશો અને રમેશભાઈ વકીલ પાસે મિલકતોના દસ્તાવેજ લેવા જશો ત્યારે એ બેન્કનો એક લેટર આપશે એ લેટર બેંકમાં જમા કરશો એના પછી બેંકમાં પણ તમારા બંનેની સહી માન્ય રહેશે. પણ આ બધા માટે પહેલા તમારા બંનેના લગ્ન થવા જરૂરી છે. કંપનીનું એક મહિના સુધીનું કામ બંધ ના રહે એ માટે અમુક પૈસા તિજોરીમાં મૂકતો ગયો છું. એ પૈસાથી કંપનીનું એક મહિના સુધીનું કામ થઈ શકશે. અમદાવાદ વાળું મકાન અનાથાશ્રમ ના નામે કરી દીધું છે એના દસ્તાવેજ મારી રૂમના કબાટમાં રાખ્યા છે એ દસ્તાવેજ કેશુભાઈ સુધી પહેંચાડી દેજો અને દર મહિને અનાથાશ્રમમાં દાન પહોંચાડતા રેજો. અને હા આપડા મિત્રો માટે પણ મે એક વ્યવસ્થા કરી છે. મારું હંમેશા એક સ્વપ્ન રહ્યું હતુકે આપણે બધા મિત્રો સાથે જ રહીએ પણ મારા જવાથી એ સ્વપ્ન અધૂરું રહી જશે પણ હા મારાથી બને તેટલી મદદ જરૂર કરતો જઈશ આમ પણ તમે બધા મારા પરિવારના સભ્યો જ છો કારણ કે મારા માતા પિતાના અકસ્માત વખતે તમે બધાએ અડીખમ સાથે રહી પરિવાર જેવી હૂંફ સાંપડી હતી. એ હૂંફની કોઈ કિંમત ના લગાવી શકાય પરંતુ ફૂલ નહિ તો ફુલની પાંદડી રૂપે કંઇક આપવા માંગુ છું. જો સાગર, હેનીશને પગાર ઉપરાંત નફામાં ૧૦% ભાગીદારીમાં રાખજો અને વિપુલને ૨૦ લાખ રોકડા આપી દેજો. એનું સ્વપ્ન હતું કે એક પોતાની શાળા બનાવે અને છતાં એને બીજી કોઈ જરૂર પડે તો મદદ કરતા રહેશો.
બસ હવે આ છેલ્લાં રામ રામ. બની શકે તો તમે બંને મને માફ કરજો. અને હા છેલ્લે ફરી વાર મારી કસમ આપુ છું કે તમે બંને બની શકે એટલા વહેલા લગ્ન કરી લેજો જેથી કંપનીનું કામ રાબેતા મુજબ શરૂ રહી શકે. અને હા સાગાર, મીનાક્ષીને ક્યારેય કોઈ દુઃખ પહોંચાડવા ના દેતો.

લી. મયુર

સાગર ચૌધાર આંસુએ રડી પડ્યો. એને કશું સમજાતું નહોતું કે એક ચિઠ્ઠીમાં મયુર કેટ કેટલું કહી ગયો હતો. બધી જ જવાબદારી સાગરના માથે આવી ગઈ હતી. સાગરને મયુરની ચિંતા થવા લાગી. જો મયૂરને કોઈ છોકરી સાથે ભાગી જ જવાનું હતું તો પછી પોતાની બધી જ મિલકતો અમારા નામે શા માટે કરતો ગયો હતો. પોતાના માટે તો એણે કશું રાખ્યું જ નહોતું. સાગર હજુ વિચારમાં અટવાયો હતો ત્યાં જ એના કાને મીનાક્ષી ના શબ્દો અથડાયા......


ક્રમશઃ
પ્રમોદ સોલંકી

મયુર ખરેખર કોઈ છોકરી સાથે ભાગી ગયો હશે કે?

શું સાગર અને મીનાક્ષી લગ્ન કરી લેશે?

શું મયુરની ગેરહાજરીમાં કંપનીનું કામ સારી રીતે ચાલી શકશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏