Kudaratna lekha - jokha - 44 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 44

કુદરતના લેખા જોખા - ૪૪
આગળ જોયું કે સાગર સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે છે. સગાઈ તોડવાની વાત જાણતા જ મયુર કોઈ વ્યક્તિને બોલાવે છે અને તેને કોઈ કાગળિયા પર સહી કરી આપે છે. મયુર કોઈ વ્યક્તિને પોતાની ખુશી ફોન દ્વારા વ્યક્ત કરે છે.
હવે આગળ

* * * * * * * * * * * * * * *

મયૂર આજે બહુ ખુશ હતો. તેની નિસ્તેજ આંખોમાં નવી રોશનીનો સંચાર થયો. તે ગહન વિચારોમાં વિચરી રહ્યો હતો. તેના માનસ પટલ પર મીનાક્ષી સાથે વિતાવેલો એક એક સમય ચલચત્રની માફક ફરકી રહ્યો હતો. અચાનક તે વિચારોમાંથી બહાર આવ્યો. તેને હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણે કરેલા વિચારોને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. તેણે ઝડપથી પલંગ પરથી ઉભા થઇ એક બેગમાં થોડા કપડાં ભર્યા અને સાથે રાખવા પૂરતી થોડા પૈસા લીધા. તે પોતે પણ નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. તે બેગ લઈને બહાર જવા માટે નીકળી જ રહ્યો હતો ત્યાં જ કંઇક યાદ આવતા તે અટક્યો. તે પાછો ખુરશી પર આવીને બેસી ગયો. તેણે એક બુકનું પેપર કાઢી એમાં કશુંક લખવા મંડ્યો. એ પેપર લખાઈ ગયા બાદ રૂમના કાઉન્ટર ઉપર મૂકી પોતાની બેગ લઈને ઊભો થયો અને પછી આખા રૂમમાં નજર ફેરવી બહાર નીકળ્યો.

બહાર નીકળતા જ તેણે ભોળાભાઈને કહ્યું કે "ચલો ભોળાભાઈ, અમદાવાદ સુધી મને મૂકી જાવ." ભોળાભાઈ આશ્ચર્ય સાથે મયુરના ચહેરાને તાકતા રહ્યા કારણ કે જ્યારે પણ મયુર, ભોળાભાઈ સાથે અમદાવાદ જતો તો પાછો પણ તેની સાથે જ આવતો, તો આ વખતે મયુરે અમદાવાદ મૂકી જવાનું કેમ કીધું હશે?

મયુર ભોળાભાઈ ના વિચારોને પારખી ગયો એટલે મયુરે ભોળાભાઈ નું આશ્ચર્ય નિવારવા કહ્યું કે "અરે ભોળાભાઈ મારે વિદેશની ટુર પર જવાનું છે એટલે જ અમદાવાદ સુધી મૂકી જવાનું કહું છું નહીતો હું દર વખતની જેમ તમારી સાથે જ પાછો આવી જાત."

મયુરની વાતથી ભોળાભાઇને બીજો એક આંચકો લાગ્યો. તેના મુખ પરથી આશ્ચર્યભર્યા શબ્દો સરી પડ્યા "કેમ આમ અચાનક વિદેશની ટુર? તમે આમ પણ ઘણા સમયથી ઘરે જ બેઠા છો કોઈ કામ પણ સંભાળતા નથી તો તમારે વિદેશ જવાનું ખાસ કોઈ કારણ?"

ભોળાભાઈ ની વાતથી મયૂરને હસવું આવી ગયું તેણે ભોળાભાઈની વાતને ખાળવા હસતા હસતા જ પ્રત્યુતર વાળ્યો "હું હમણાં કોઈ કામ નથી સંભાળતો એનો મતલબ એવો નથી કે હું વિદેશ ના જઈ શકું. મારા એક મિત્રના લગ્ન છે માટે મારે ત્યાં જવું અનિવાર્ય છે અને હવે મહેરબાની કરીને આમ આશ્ચર્યથી મારી સામું ના જુઓ. હવે થોડી ઝડપ રાખો નહીતો મારી ફ્લાઇટ નીકળી જશે."

ભોળાભાઈ મયુરની વાતનો જવાબ આપ્યા વગર જ ઇનોવા ગાડીની સીટ સંભાળી લીધી. તેના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા હતા. જેના કોઈ પણ જવાબ મયુરે સંતોષકારક નહોતા આપ્યા. અત્યારે પણ તે મયૂરને પ્રશ્ન ભરી નજરોથી જોઈ રહ્યા હતા. ભોળાભાઈ ને તો એ પણ શંકા ઉદ્દભવતી હતી કે મયુર સાચે વિદેશ જવાનો હતો કે નહિ.

મયુર ગાડીમાં બેસતા પહેલા ગાડી પાસે ઊભા રહીને જ પોતે કરેલી અથાગ મહેનતના ફળ સ્વરૂપે વિશાળ એકરમાં ફેલાયેલા ફૂલોના છોડવાને ધ્યાનથી નીરખતો રહ્યો. ફૂલોના પાંદડાઓ પર બાઝેલા ઔંસ ના બિંદુઓ મયુરે કરેલી મહેનતના પરસેવા જેવા ભાસી રહ્યા હતા. મયુરે પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વિતાવેલો એક એક મુશ્કેલ સમય મયુરની નજર સામેથી પસાર થઈ રહ્યો હતો. મયુરની નજર ફૂલોના છોડવા પર ફરતી ફરતી તેણે બનાવેલા વિશાળ બંગલા પર પડી. તે ધારી ધારીને બંગલાના એક એક ખૂણાને જોય રહ્યો હતો. ત્યાજ તેની નજર એક બારી પર સ્થિર થઈ. આ એ જ રૂમની બારી હતી જેમાં મીનાક્ષી સાથે રંગીન દિવસો વિતાવ્યા હતા. મીનાક્ષી નો એક એક સ્પર્શ મયુર ભૂલી શક્યો નહોતો. છતાં મયુરે મીનાક્ષી સાથે કરેલી ગેર વર્તુણક બાબતે મયૂરને પસ્તાવો નહોતો. તે એક વાર મીનાક્ષીને જોવા માંગતો હતો પણ તે વધુ વાર બારી તરફ જોઈ રહે એ પહેલાં જ મયુરના કાને ગાડીનો હોર્ન સંભળાયો. તેણે તરત જ પોતાના મુખ પર ઉપસતા ભાવોને સંકેલીને ગાડીમાં બેઠો.

મયુરના બેસતા જ ભોળાભાઇ એ ગાડીને દોડાવી મૂકી. જ્યાં સુધી મયૂરને પોતાનું મકાન દેખાતું બંધ ના થયું ત્યાં સુધી એકી નજરે જોયા રાખ્યું. મયુરે પોતાની જાતને સ્થિર કરી. પોતે જે કામ કરવા જઈ રહ્યો હતો એ માટે વધુ મક્કમ થવા માટે પોતાની જાતને જ પ્રોત્સાહન આપી રહ્યો હતો. થોડા સમયમાં જ મયુર પોતાની જાતને સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો હતો. ત્યાજ તેને કંઇક યાદ આવતા કોઈ ને ફોન જોડ્યો અને પોતે અમદાવાદ જવા માટે નીકળી ગયો છે એટલું જણાવીને ફોન મૂકી દીધો.

થોડા કલાકોમાં જ અમદાવાદ પહોંચી ગયા. મયુરે સીધા જ એર પોર્ટ પર ગાડીને ઊભી રખાવી. તેણે ઉતરીને ભોળાભાઈને જામખંભાળિયા પાછા જતા રેહવાનું સૂચવ્યું. જેના જવાબમાં ભોળાભાઇ એ કહ્યું કે "હું તમને ફ્લાઈટમાં બેસાડીને પાછો જઈશ."
"ના, તમારે અહી રોકાવવાની જરૂર નથી. મારે આમ પણ એક કલાક પછીની ફલાઇટ છે જો તમે અહી રોકાશો તો તમારે જામખંભાળિયા પહોંચવામાં મોડું થશે. માટે તમે અત્યારે જ પાછા વળી જાવ." મયુરે થોડા આદેશાત્મક સૂરમાં કહ્યું.

મયુરના શબ્દોથી ભોળાભાઈ માની ગયા અને જામખંભાળિયા જવા માટે નીકળી ગયા. તે નીકળી ગયા હોવા છતાં તેનો જીવ મયુર પાસે જ હતો. એ એરપોર્ટ થી થોડા આગળ નીકળી ગયા પછી એક કેન્ટીનમાં ચા પીવા માટે ગાડીને થોભાવી. ચા પીતા પીતા જ તેને મયુરનો પીછો કરવાનું વિચાર્યું. પણ કોણ જાણે કેમ મયુર પ્રત્યે અવિશ્વાસ રાખવાનું ભોળાભાઈ ના કરી શક્યા અને ચા પીધા બાદ સીધી ગાડી જામખંભાળિયા દોડાવી મૂકી. એ વાતથી અજાણ ભોળાભાઈ આ વાત નો જિંદગીભર અફસોસ કરવાના હતા કે ત્યારે મયુરનો પીછો કર્યો હોત તો ઘણું સારું હતું પણ કુદરતના લખેલા લેખ કોઈ ક્યાં બદલી શકવાના હતા.

* * * * * * * * * * * * * *

મયુરના તીવ્ર પોકારના કારણે મીનાક્ષી અચાનક જ પલંગમાં બેઠી થઇ ગઇ. પળભરમાં જ તેની ઊંઘ ઉડી ગઈ. જેવી એ જાગ્રત અવસ્થામાં આવી એટલે તરત જ તેના કાનમાં આવતા મયુરના તીવ્ર અવાજો બંધ થઈ ગયા. તેને એવો એહસાસ થયો કે તેને કોઈ સ્વપ્ન આવી રહ્યું હતું.

જ્યારથી મયુરનું વર્તન બદલાઈ ગયું ત્યારથી મીનાક્ષી પણ અસ્થિર અવસ્થામાંથી પસાર થઈ રહી હતી. તેણે કેટલાય દિવસોથી સરખી ઊંઘ પણ લીધી નહોતી. તેણે હવે કામ સિવાય ઓફિસે જવાનું છોડી દીધું હતું. તેણે હવે પોતાની જાતને ચાર દીવાલોમાં કેદ કરી નાખી હતી. એમાં અચાનક આજે આવેલા સ્વપ્નથી મીનાક્ષીને મયુરનો પ્રેમ યાદ આવી ગયો. તેનો એવો એહસાસ થવા લાગ્યો કે મયુર કોઈક મુશ્કેલીમાં છે અને મને પોકારી રહ્યો છે. આ વિચાર આવતા જ મીનાક્ષીએ રીતસરની મયુરના રૂમ તરફ દોટ મૂકી. મયુરના રૂમ પાસે ભોળાભાઇની અનુપસ્થિતિ જોતા જ મીનાક્ષી વધુ વ્યગ્ર બની. તે વધુ ચિંતાગ્રસ્ત બની મયુરના રૂમમાં પ્રવેશી. મયુરના રૂમમાં મયુરની ગેરહાજરી મીનાક્ષીને ડંખવા લાગી. મયૂરને ગોતવા મીનાક્ષી ની નજર રૂમની ચારો તરફ ફરવા લાગી. તેણે રૂમના બાથરૂમમાં પણ તપાસ કરી જોય પરંતુ નિષ્ફળતા સિવાય કાંઈ હાંસિલ ના થયું. તેને ખ્યાલ આવી ગયો કે મયુર આ રૂમમાં નથી એટલે તેને શોધવા તે બહાર જઈ જ રહી હતી ત્યાં તેની નજર ટેબલ પર રાખેલ ચિઠ્ઠી પર પડી.
તેણે ઝડપથી ચિઠ્ઠી ખોલી ને વાંચવા લાગી. તે વાંચતા વાંચતા જ મીનાક્ષી ની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. જેવી ચિઠ્ઠી વંચાઈ ગઈ એ સાથે જ મીનાક્ષી ફસડાઇ નીચે ઢળી ગઈ. બરોબર એ જ સમયે સાગર મયુરના રૂમ આગળથી પસાર થઈ રહ્યો હતો તેણે મયુરના રૂમમાંથી આવેલ આવાજ સાંભળી મયુરના રૂમમાં પ્રવેશ કર્યો. ત્યાં મીનાક્ષીને બેશુધ્ધ અવસ્થામાં જોતા જ સાગર ગભરાઈ ગયો. તેણે મીનાક્ષીને ખોળામાં ઉંચકી મયુરના પલંગ પર સુવડાવે છે. ત્યાં જ તેની નજર મીનાક્ષી ના હાથમાં રહેલ ચિઠ્ઠી પર પડે છે.

ક્રમશઃ

પ્રમોદ સોલંકી

શું મયુર ખરેખર વિદેશ જવાનો હતો?

એવું તો મયુરે ચિઠ્ઠીમાં શું લખ્યું હશે કે મીનાક્ષી ફસડાઈ ગઈ?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED