Site Visit - 17 books and stories free download online pdf in Gujarati

સાઈટ વિઝિટ - 17

17.

ગરિમા શાંતિથી ઊંઘતી હતી. તેના ગાલની લાલિમા જેવો પ્રભાતનો ટશિયો આકાશમાં ફૂટ્યો ત્યાં હજી પોણાપાંચ થયા હતા.

અમારે કારનાં પાછલાં વ્હીલના બોલ્ટ સરખા ફીટ થયા ન હતા અને અંધારું થતાં એ કામ પડતું મૂકવું પડેલું. પછી રાત અહીં જ ગાળવી પડેલી. અહીંથી એક પર્વતના ખડક પાછળ કોઈ કોઈ વાહન આવવાની ઘરેરાટી સંભળાવા લાગી. દૂર સમુદ્રની પટ્ટી સફેદ બની ચૂકી હતી. તેનાં મોજાં હળવે હળવે કિનારાને ગલીપચી કરતા હતા.

મેં ગરિમાને ગાલે હળવી ગલીપચી કરી. તે જાગી અને એક સ્મિત કરતાં આળસ મરોડ્યું.

"હવે સવાર થઈ ચૂકી છે. પેલા પર્વત પાછળ વાહનોના અવાજો સંભળાય છે. હું ત્યાં જાઉં છું કોઈકની મદદ માટે. તું અહીં સાચવજે. બને તો કારમાં જ બેસી રહેજે." મેં કહ્યું. એને આવી વેરાન જગ્યાએ સાવ એકલી મૂકી, એ પણ એક ખરાબ અનુભવ પછી, એ યોગ્ય તો લાગતું ન હતું પણ બીજો છૂટકો ન હતો.

હું મારાં તે ડાળી પર સુકવેલાં કપડાં પહેરી એ પર્વત તરફ જવા લાગ્યો.

ગરિમાને મેં કહ્યું કે પેલી ટ્રાવેલ કંપનીનું સ્ટીકર ઉખડે તેટલું ઉખાડી નાખે.

હું થોડે આગળ ગયો ત્યાં સામેથી એક પાછળથી ખુલ્લી મીની ટ્રક આવી. એ દરિયા તરફ જતી હતી. માણસો જોઈ એણે ઢાળ ચડાવી ટ્રક થોભાવી.

મેં ગરિમાને બૂમ પાડી કોઈ આવે છે એમ કહ્યું. તેણે દોડીને એનાં વસ્ત્રો પહેરી લીધાં.

ત્યાં તો તે ટ્રકોમાંથી એક સફેદ ઝબ્બા વાળો માણસ ઉતર્યો.

"અલ આઇન અલ હબ?"

તેણે પૂછ્યું. પછી અમને નોન અરેબિક જોઈ ફરી પૂછ્યું,

"Where to go?"

હું ખુશ થયો. આવી એકાંત જગ્યાએ એકદમ વહેલી સવારે કોઈ અંગ્રેજી સમજનારો મળ્યો!

મેં સમજાવવું શરૂ કર્યું કે મારી કાર ફસાઈ છે. થોડું બોલ્યો ત્યાં તે કહે "હિન્દી ચલેગા. હમ સમજતા."

મેં સમજાવ્યું કે અમારી કારમાં ટાયર ફાટેલું અને સ્પેર વ્હીલના બોલ્ટ અમારાથી ફીટ થતા નથી.

"માશાલ્લા. મેં હેલ્પ કરતા. ટૂલ?" કહેતો તે ઉતર્યો.

મેં બોલ્ટ ટાઇટ કરવાનું પાનું આપ્યું. તેણે એક બોલ્ટ ફીટ કર્યો પછી પોતાની ટ્રકમાંથી પાનું લઈ આવ્યો અને ફીટ કરી કહે "રેડી. કિધર?"

મેં કહ્યું પેટ્રોલ પણ ઓછું છે. પેટ્રોલ પંપ.

તેણે કહ્યું કે મારી પાછળ ડ્રાઇવ કરતા ઢાળ ઉતરો. બ્રેક સાચવજો. લો ગિયરમાં રહેજો. 40 ની સ્પીડ રાખજો. હું તમને ત્યાં લઈ જઈશ. તે પહેલાં "Be my guest. It is morning. That house. Come, follow".

ઓચિંતી ગાઢ મિત્રતા! આ પણ કોઈ દગો નહીં કરે ને?

છતાં તેના આગ્રહને માન આપી અમે હવે સ્પેરવ્હીલ સાથે તેની પાછળ ગયાં.

ટેકરી ઉતરી તેણે જમણે સાઈન આપી. મેં પણ.

એક નાની વસાહત આવી. બે ચાર શેરી મૂકી એનું મકાન આવ્યું. તેણે બહાર ટ્રક ઊભી રાખી.

તે પહેલાં અંદર ગયો અને નાની ડેલી ખોલી. અમે ઝૂકીને અંદર ગયાં. અંદર એક આંગણું હતું તેમાં થોડા ફૂલછોડ વાવ્યા હતા. બે છોકરાં રમી રહ્યાં હતાં. સામે છેડે એક શેડમાં ઊંટ બાંધેલું અને સહેજ દૂર બે ચાર કુકડાઓ અત્યારે તડકો નીકળ્યા પછી છેક સાડા છ વાગે બાંગ પોકારતા હતા.

તે મેઈન ડોરમાંથી અંદર ગયો.

"ઝાયિર". તેણે કહ્યું. મને એટલો તો ખ્યાલ હતો કે ઝાયિર એટલે મહેમાન. મસ્કતમાં સાત વર્ષ થયાં.

તેની બીબી અને માત્ર બારેક વર્ષની પણ પૂરું શરીર ઢાંકતો અબાયા, (કાળો ગાઉન) પહેરી તેની દીકરી આવી. દીકરીના વાળ ખુબ લાંબા હતા. ગરિમા તેની સામે હસી અને તેને વહાલ કર્યું. તે બાળાએ સામું મીઠું સ્મિત આપ્યું.

અમને બેયને એક રૂમમાં બેસાડ્યાં. તેઓ બીજું કાઈં સમજે તે પહેલાં મેં ગરિમાની ઓળખાણ આપી "માય કલિગ. ઓફિસ મેં કામ કરતી."

અહીં મોટાં શિક્ષિત કુટુંબોમાં પણ ક્યારેક પતિ પત્નીની ઉંમરમાં બાર પંદર વર્ષનો ફરક હોય એ સામાન્ય છે. આ લોકો કાઈં ખોટું સમજે તે પહેલાં સ્પષ્ટતા કરી લીધી.

તે અમને ઓસરીના છેડે બ્રશ કરવા લઈ ગયો. અમને ફરી ત્યાં એક સુંદર ગાલીચા પર બેસાડ્યાં. એની દીકરી એક મોટી પ્લેટમાં ચવાણું, કોઈ ઓમાની મીઠાઈ અને એક કિટલીમાં કાહવા લાવી. સાથે ખજૂર.

મેં ગુજરાતની જેમ વિવેક કર્યો કે આટલું બધું કરવાની શું જરૂર હતી? પણ મનમાં ભાવે ને મુંડી હલાવે એવી મારી મનોસ્થિતિ હતી. લો, વળી હું એક કહેવત બોલ્યો!

તે અમારી સાથે જ ખાવા બેઠો. અહીંની સંસ્કૃતિ મુજબ એક થાળીમાંથી ખાવાથી સ્નેહ વધે એટલે એક કુટુંબના કે મિત્રો એક થાળીમાં સાથે બેસીને ખાય. મેં તેનું નામ પૂછ્યું. બિન ખાલિદ. તે અહીં નજીકમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હતો અને સવારે નજીકનાં ગામો એટલે પચાસ સો ઘરોની વસાહતમાં દૂધ અને જરૂરી વસ્તુઓની ડિલિવરી કરતો. એમાં કોઈક જ વાંચતું હોય તો પણ છાપાં પણ ખરાં. આગલા દિવસનાં.

મેં અમારી સાથે જે બનેલું એ ટુંકમાં કહ્યું. એ ક્યાં ગામની સીમમાં તેમ તેણે પૂછ્યું. મેં કહ્યું કે ગામનું નામ યાદ નથી પણ ત્યાં પેટ્રોલ પંપ હતો અને આદમ જખીમ જેવાં નામનાં બંદરથી મસ્કત જવાના રસ્તે હતું. મેં ગામના ચોરા અને શેરીનું વર્ણન કર્યું.

તેણે કહ્યું કે આપણે ખાસ દૂર નથી. આ આગળ જતા દરિયાની પટ્ટીએ કૉસ્ટલ હાઇવે આવે છે તેની પરથી એ જ પંપ પર જઈએ. મેં કહ્યું કાંટો માંડ પાંચ લીટર પેટ્રોલ છે એમ બતાવે છે. તેણે ઘરના કેરબા માંથી એકાદ લીટર પેટ્રોલ નાખ્યું અને કહ્યું કે તમે નાસ્તો કરી લો એટલે જઈએ.

અમે તેની પાછળ પાછળ એ ગામ પાસે ફરીથી ગયાં. પંપ પર મેં એને એ જગ્યા આશરે કહી જ્યાં મારું પાકીટ કદાચ પડી ગયેલું. તેમાં મારું રેસિડન્ટ કાર્ડ, એટીએમ કાર્ડ અને પૈસા હતા.

તેણે પાકિટનું વર્ણન પૂછ્યું. અમને અહીં પંપ પાસે જ રાખી તે એ બાજુ ગયો. પાછો આવ્યો. કહે કે કદાચ નજીક ઝાડ ઝાંખરામાં પડી ગયું હોય તો મળે.

અમને ખુદા હાફિઝ કહી તેણે વિદાય આપી અને ગરિમાનો મોબાઈલ કાર ચાર્જરમાં ભરાવી મેં ગૂગલ મેપમાં મસ્કતનો રસ્તો સર્ચ કર્યો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED