રેટ્રો ની મેટ્રો - 7 Shwetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેટ્રો ની મેટ્રો - 7

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર લ્યો ફરી પાછી હાજર છે રેટ્રો ની મેટ્રો, બોલીવુડની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે,તો તૈયાર છો ને મજેદાર સફર માટે?
હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે એક એવા શહેરની કે જેને "પૂર્વના વેનિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને સરોવર નું શહેર એટલે કે લેક સીટી પણ કહેવામાં આવે છે.... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો બિલકુલ સાચો જવાબ ઉદયપુર.... તો ફ્રેન્ડઝ,આજે સફર ઉદયપુર અને તેની આસપાસના જોવાલાયક સ્થળોની. વિશ્વભરના પ્રવાસીઓની સાથે સાથે રાજસ્થાનનું આ અદભુત શહેર બોલીવુડને પણ તેના સુંદર શૂટિંગ લોકેશન માટે આકર્ષે છે. આજે આપણે જે જે સ્થળોની મુલાકાત લઈશું તે તમામ કોઈકને કોઈક ફિલ્મમાં આપણને જોવા મળ્યા છે.
ઉદયપુર ની સ્થાપના મહારાજા ઉદયસિંહ દ્વિતીય એ કરી હતી તો ઉદયપુર નો પ્રવાસ એમના જન્મસ્થળ થી જ શરૂ કરીએ ને? ઉદયપુર પહોંચતા પહેલા આપણે જઈએ ચિત્તોડગઢ. ભારત અને એશિયાનો સૌથી મોટો કિલ્લો એટલે ચિત્તોડગઢ. આ કિલ્લામાં વિજયસ્તંભ, કીર્તિસ્તંભ ,રાણી પદ્મિની નો મહેલ અને રાણા કુંભા નો મહેલ મુખ્ય આકર્ષણો છે. વિશિષ્ટ વાસ્તુ શૈલી ધરાવતા વિજયસ્તંભ ની ટોચ પર નવમા માળે વળાંકદાર સીડી દ્વારા પહોંચી શકાય છે. વિજયસ્તંભ ની નજીક જ રાણા કુંભા મહેલ આવેલો છે. ઉદયપુરની સ્થાપના કરનાર રાજા ઉદયસિંહ નો જન્મ આ જ મહેલમાં થયો હતો. આ મહેલ મીરાબાઈ સહિત ઘણા પ્રસિદ્ધ કવિઓ નું પણ નિવાસ સ્થાન બન્યો હતો. ચિત્તોડગઢ જોતા તમને એક સુપ્રસિદ્ધ હિન્દી ફિલ્મ ગીત યાદ આવ્યું જ હશે... જી હા ગાઈડ ફિલ્મનુ લોકપ્રિય ગીત જાજરમાન અભિનેત્રી અને નૃત્યાંગના વહીદા રહેમાન પર ફિલ્માવેલું "આજ ફિર જીને કી તમન્ના હૈ....."જેમાં ચિત્તોડગઢ ની સુંદરતા ખુબ સરસ રીતે અંકિત થઈ છે.
ઉદયપુર નું મુખ્ય સરોવર એટલે પિછોલા લેક. આ માનવસર્જિત સરોવરનું નિર્માણ પિચ્છુ નામના એક વણઝારાએ કરાવ્યું હતું તેથી તેનું નામ પિછોલા લેક પડ્યું હોવાનું મનાય છે. પિછોલા સરોવરની સુંદરતાથી મુગ્ધ થઈને મહારાણા ઉદયસિંહે તેની આસપાસ ઉદયપુર નગર વસાવ્યું. ઊંચા પહાડો, સુંદર ઇમારતો અને સ્નાન ઘાટો થી ઘેરાયેલું આ સરોવર તેની મધ્યમાં આવેલા ચાર ટાપુઓ પર બનેલા મહેલો ને કારણે વધુ આકર્ષક બને છે. નૌકા વિહાર કરતા કરતા પિછોલા સરોવરની સુંદરતા માણી રહેલા રેટ્રો ભક્તો તમને ફિલ્મ મેરા સાયા નું ગીત "નૈનો મેં બદરા છાયે...."યાદ છે ને? આ ગીત માં લેક પિછોલા માં આવેલ જગ નિવાસ ટાપુ પરના લેક પેલેસ અને જગમંદિર પેલેસ ની સુંદરતા જોઈ શકાય છે.
પિછોલા સરોવર સાથે એક નહેર થી જોડાયેલું છે ફતેહ સાગર સરોવર.આ સરોવર પણ તેની બેજોડ સુંદરતાને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. તેમાં આવેલા ત્રણ ટાપુ માંથી સૌથી મોટા ટાપુ પર આવેલો છે નેહરુ પાર્ક,તેમાં આવેલું પ્રાણી સંગ્રહાલય આ પાર્કને વિશિષ્ટ બનાવે છે.તો ફતેહ સાગર લેક માં "અંડર ધ સન" નામનું એક્વેરિયમ પણ આવેલું છે,જેમાં જુદાજુદા 16 દેશોમાંથી લવાયેલ ૨૦૦ પ્રકારની માછલીઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. સરોવરનું ભૂરું પાણી અને આસપાસ આવેલા લીલાછમ પર્વતો ને કારણે ફતેહસાગર ને ઉદયપુર નું કાશ્મીર પણ કહેવાય છે.
ફિલ્મ "ફુલ બને અંગારે" અત્યારે મને યાદ આવે છે કારણ કે ઉદયપુરના વિવિધ સ્થળો -હાથીપોળ, લોકલ માર્કેટ,જલ મહેલ, દિલ્હી ગેટ,ગાંધી ગ્રાઉન્ડ, સ્વરૂપ સાગર અને જગદીશ મંદિરમાં તેનું શૂટિંગ થયું હતું.
સુંદર પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવાના શોખીન પ્રવાસીઓ માટે સજ્જન ગઢ એક સુખદ અનુભૂતિ કરાવનાર સ્થળ છે. સમુદ્ર ની સપાટી થી લગભગ 1000 ફૂટની ઉંચાઇએ આવેલ સજ્જન ગઢ નું નિર્માણ 1884માં મહારાણા સજ્જનસિંહે કરાવ્યું હતું. હવામાનની જાણકારી ,તેમાંય ખાસ કરીને ચોમાસાના આગમન વિશે જાણી શકાય તે માટે આ મહેલનું નિર્માણ કરાયું હતું. આજ કારણે સજ્જનગઢ ને મોન્સુન પેલેસ પણ કહેવાય છે. મોન્સુન પેલેસ માંથી સૂર્યાસ્ત નો અદભુત નજારો જોવા મળે છે.ઉદયપુર ની ગલીઓમાંથી પસાર થતા ક્યારેક રાવણહથ્થા પર છેડાતી રાજસ્થાની લોકગીત ની ધૂન સાંભળવા મળે... અને યાદ આવે "નોકર" ફિલ્મનું રાજસ્થાની લોકગીત પર આધારિત ગીત "પલ્લો લટકે રે મારો પલ્લો લટકે...."
ઉદયપુર ની નજીક આવેલા એક ગામમાં ગોઠવાયું હતું ફિલ્મ "મેરા ગાંવ મેરા દેશ" નું શૂટિંગ.તે સમય અત્યારે મને યાદ આવે છે. ફિલ્મના હીરો ધર્મેન્દ્ર, અને વિલન બન્યા હતા વિનોદ ખન્ના.જે સીન શૂટ કરવાનો હતો તે મુજબ વિનોદ ખન્નાએ દોડતા દોડતા એક મકાનની છત પરથી બીજા મકાનની છત પર કૂદીને જવાનું હતું. લાઈટ, કૅમેરા,એક્શન નો આદેશ થયો અને વિનોદ ખન્ના દોડીને એક મકાનની છત પરથી બીજા મકાનની છત પર ગયા તે સાથે જ મકાનની નબળી છત તૂટી પડી અને વિનોદ ખન્ના છત સાથે જ નીચે પડ્યા તેમના પગનું હાડકું તૂટી ગયું અને આખા શરીરે નાનીમોટી ઈજા થઈ. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડાયા અને તેમના પગનું ઓપરેશન કરાયું. ઘણા અઠવાડિયા સુધી તેમણે બ્રેક લેવો પડ્યો.
ફિલ્મના શૂટિંગની યાદ તાજી કરતા કરતા આપણે આવી પહોંચ્યા "સહેલીયોંકી બાડી" મા. મહારાણા સંગ્રામસિંહે પોતાની રાણી માટે આ મહેલનું નિર્માણ કરાવ્યુ જ્યાં રાણી તેની સહેલીઓ અને દાસીઓ સાથે આનંદથી સમય પસાર કરી શકે તે માટેની તમામ સુવિધાઓ હતી. સુંદર ફુવારાઓ અને કમળ નું તળાવ સહેલીઓ કી બાડી નું મુખ્ય આકર્ષણ છે. અહીં એક સુંદર મ્યુઝિયમ પણ છે જેમાં ભારતીય ઇતિહાસની ઘણી બધી માહિતી દર્શાવવામાં આવી છે. રાજસ્થાની સંસ્કૃતિ ને નજીકથી જાણવા માટે ઉત્સુક પ્રવાસીઓને ભારતીય લોકકલા સંગ્રહાલય ચોક્કસ ગમશે., રાજસી કપડા,ઝવેરાત,પાઘડી,વાજિંત્રો, ચિત્રો, રમકડાઓ અને કઠપુતળીઓ આ મ્યુઝિયમમાં જોઈને રાજા રજવાડાની જીવનશૈલીને જાણી શકાય છે. કઠપૂતળી જોતા જ કેટલીય હિન્દી ફિલ્મો કે તેના ગીતો આપણને યાદ આવી જાય કે જેમાં રાજસ્થાની લોક કલા "કઠપૂતળી" ને દર્શાવવામાં આવી હોય.
હવે આપણે વિશાળ ત્રિપોલા ગેટ પસાર કરીને મહેલોના સંકુલ એવા "સિટી પેલેસ"માં આવી ગયા છીએ.દુશ્મનો દ્વારા છૂપો હુમલો ન થાય તે માટે સંકુલમાં આવેલા જુદા જુદા મહેલો વિશાળ ચોક અને વાંકીચૂકી ઓસરીઓ દ્વારા જોડાયેલા છે.સુરજ ગોખડા, મોર ચોક, દિલખુશ મહેલ, સૂર્ય ચોપાલ, શીશ મહલ, મોતી મહલ, ક્રિષ્ના વિલાસ, શંભુ નિવાસ, ભીમ વિલાસ, અમર વિલાસ, બડી મહલ જેવા 11 મહેલો અને અન્ય સ્થાપત્યો સિટી પેલેસ નાં મુખ્ય આકર્ષણો છે. તો રાજપુત કલા અને સંસ્કૃતિનો વારસો અહીંના સંગ્રહાલયમાં જોવા મળે છે. સિટી પેલેસમાં માત્ર બોલીવુડ ની જ નહીં પણ હોલિવૂડની ફિલ્મો 1983 માં રજુ થયેલી ઓક્ટોપસી અને હિટ એન્ડ ડસ્ટ તેમજ "ધ ફોલ" (2006) નું પણ શૂટિંગ થયું છે.
વિશ્વની બીજી સૌથી મોટી દિવાલ જેની રક્ષા કરે છે તે મહારાણા પ્રતાપ નું જન્મ સ્થળ એટલે કે કુંભલ ગઢ જ્યાં 2015માં પ્રદર્શિત થયેલી ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો" નું શૂટિંગ થયું હતું.હા,તમારી વાત બિલકુલ સાચી છે કે ઉદયપુરના આટલા સુંદર લોકેશન્સ હોય તો ઘણી બધી બોલીવુડ ફિલ્મ્સ નું શૂટિંગ અહીં થયું જ હોય. અને એટલે જ આપણા જેવા ફિલ્મ ચાહકોને ખુદા ગવાહ, લેકિન,ખૂન ભરી માંગ, યાદેં, એકલવ્ય, ધમાલ,યે જવાની હૈ દીવાની,ગોલીયો કી રાસલીલા રામલીલા સુધીની ઘણી બધી ફિલ્મો યાદ આવે.
તો લેક સીટી ઉદયપુર ની સફર કરીને રેટ્રોની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતીના પ્લેટફોર્મ પર. હજુ તો આપણે રંગીલા રાજસ્થાન નાં એક જ શહેર ની મુલાકાત લઇ શક્યા છીએ તો રાજસ્થાન ની આપણી સફર જારી રહેશે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.