લેખ : - ઉમાશંકર જોશી
લેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ગુજરાતી ભાષાના તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ તથા સંસ્કાર પુરુષ તરીકે જેમની ગણના થાય છે એવા શ્રી ઉમાશંકર જોશી, જેઓ 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામોથી જાણીતા છે, એમનાં વિશે આજે આપણે જોઈશું.
જન્મ અને પરિવાર :-
ઈડરના બામણા ગામમાં ઈ. સ. ૧૯૧૧ના જુલાઈ માસની એકવીસમી તારીખે, અષાઢ વદ દસમનાં રોજ ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ નવલબેન હતું. તેમનાં માતા પિતાનાં નવ સંતાનોમાં તેઓનું ત્રીજું સ્થાન હતું. ઈ. સ. ૧૯૩૭માં તેમનાં લગ્ન જ્યોત્સના નામની છોકરી સાથે થયાં હતાં. તેઓ બંનેને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે.
શિક્ષણ:-
પ્રાથમિક શિક્ષણ ત્યાંની શાળામાં જ લીધું. ઈ. સ.૧૯૨૦માં આગળ અભ્યાસ માટે ઈડર આવ્યા. અહીંના છાત્રાલયમાં વસીને ઉમાશંકરને, તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘દસબાર જિંદગી સુધી વાગોળ્યા કરીએ તોયે ન ખૂટે એટલો ઊંડો આનંદ અને દુનિયાનો મોંઘો અનુભવ’ સાંપડ્યો. મૅટ્રિકની પરીક્ષા અમદાવાદમાંથી આપી અને અમદાવાદમાં પહેલા અને યુનિવર્સિટીમાં ત્રીજે નંબરે પાસ થયા. કૉલેજકાળ દરમિયાન તેમની રચનાઓ કૉલેજ-મૅગેઝિનમાં છપાતી. બે વર્ષ અભ્યાસ કર્યો ત્યાં સત્યાગ્રહની લડતનો સાદ સંભળાયો. અભ્યાસ છોડ્યો, સત્યાગ્રહમાં ભાગ લીધો અનો ચૌદ અઠવાડિયાનો જેલવાસ પણ ભોગવ્યો. ફરીથી કૉલેજમાં જોડાઈ એમ.એ.ની પરીક્ષા સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ કરી. વિલેપારલેની ગોકળીબાઈ હાઈસ્કૂલ તથા પછીથી સિડનામ કૉલેજમાં જોડાયા. એ ગાળામાં સાપના ભારા’ નામનો એકાંકી સંગ્રહ અને ‘શ્રાવણી મેળો’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયા.
ઈ. સ. ૧૯૪૬ સુધી ગુજરાત વર્નાક્યુલ૨ સોસાયટીમાં અધ્યાપન-કાર્ય કર્યું. પછીનાં આઠ વર્ષ પ્રવાસી બની ગુજરાતમાં અનૌપચારિક અધ્યાપન-કાર્ય કર્યું. તેમની વિવિધ કૃતિઓ પ્રગટ થયે જતી હતી. ઈ. સ. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિકનો આરંભ કર્યો. ઉમાશંકર સાહિત્યપુરુષ હતા. પણ સાહિત્યને તો આખી માનવજાત સાથે લેવાદેવા છે. ‘સંસ્કૃતિ’ માસિકનું નામકરણ પણ એ વાતની સાક્ષી પૂરે છે કે ઉમાશંકરનો સમગ્ર માનવજાતના વ્યાપક જીવન સાથે સંબંધ હતો.
સ્વભાવે તેઓ વિશ્વનાગરિક હતા. સમગ્ર વિશ્વને તેઓ સંસ્કૃતિના સંદર્ભમાં જ જોતા. ઉમાશંકરનું જીવન અને કવન એટલે વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવા માટેનો અભિગમ. એશિયાઈ દેશોના સંસ્કાર-પ્રવાસે પણ તેઓ નીકળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-ભવનના અધ્યક્ષ તરીકે ઘણાં વર્ષ સુધી અમૂલ્ય સેવા આપી.
સાહિત્ય અકાદમી અને તેની કારોબારીના પણ ઉમાશંકર સદસ્ય હતા. અમેરિકા તથા લંડનનો પ્રવાસ કરતી વખતે ફ્રાન્સ, જર્મની, ઈટલી તથા ગ્રીસની મુલાકાત પણ લીધી હતી. ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે રશિયા પણ ગયા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા હતા.
ઈ. સ. ૧૯૩૬માં ‘ગંગોત્રી' માટે રણજિતરામ સુવર્ણચન્દ્રક, ઈ. સ. ૧૯૪૪માં ‘પ્રાચીના’ માટે મહિડા પારિતોષિક તથા નર્મદ સુવર્ણચન્દ્રક, ‘મહા-પ્રસ્થાન' માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ઈ. સ. ૧૯૬૭માં ‘અભિજ્ઞા' માટે કવિ નાનાલાલ પારિતોષિક અને ‘નિશીથ’ માટે ભારતીય જ્ઞાનપીઠનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમને પ્રાપ્ત થયાં હતાં.
ઉમાશંકર ઘણા ઊંચા સ્થાને પહોંચેલી વ્યક્તિ હતા. વર્ગને સ્વર્ગ માનનારને એની અનુભૂતિ કરાવનાર તે ખરા અને પૂરા વિદ્યાર્થીપ્રેમી શિક્ષક હતા. દેશ-વિદેશમાં એમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ગાંધીમૂલ્યોના માણસ હતા - સાદાઈથી જીવનારા અને ત્યાગ પણ કરી જાણનારા. સાહિત્યના વાડામાં તેઓ પુરાઈ રહેનારા નહોતા. પ્રજાજીવન-રાષ્ટ્રજીવન સાથેની ઊંડી નિસબત એમણે પ્રગટ કરી હતી અને આ વસ્તુએ જ એમને સાહિત્યક્ષેત્રની બહારની વ્યક્તિઓનો પણ અસાધારણ પ્રેમાદર મેળવી આપ્યો હતો.
ઉમાશંકરે કવિતાના કૅમેરાને કેટલા વિવિધ એંગલે ગોઠવ્યો હતો ! ‘વિશ્વશાંતિના ઉમાશંકર, ‘છિન્નભિન્ન છું’ના ઉમાશંકર નહોતા. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી કહેનારા ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ પણ લખ્યું છે અને ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ' એવો એકરાર પણ કર્યો છે. ‘ભોમિયા વિના ડુંગરાઓમાં ભમનારે’, ‘હું તો મારે ગામ ગ્યો'તો ને જોઉં છું તો એના એ ડુંગરા' ની હકીકત પણ રજૂ કરી હતી. ઈડરના પથ્થરની કવિતા પણ લખી અને ‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?’ની વ્યથા પણ રજૂ કરી.
રાજ્યસભામાં થયેલી તેમની નિયુક્તિ તેમની બહુમુખી પ્રતિભાનો ખ્યાલ આપે છે. ‘વાસુકિ’ ઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું છે. પ્રજ્ઞા અને ચારિત્ર્ય, જ્ઞાન અને ક્રિયા, ઉચ્ચ આદર્શપરાયણતા અને સુદક્ષિણ વ્યવહારનિપુણતાનો ઉમાશંકરમાં સુભગ સમન્વય થયો હતો. તેઓ ગુજરાતના માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ ન હતા, એક જીવંત સંસ્થા સમાન પણ હતા.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યની ૯૦૦મી જન્મજયંતીના ઉત્સવના અનુસંધાનમાં તેઓ તીથલમાં હતા, પરંતુ એકાએક તબિયત બગડતાં તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા. અહીં ઈ. સ. ૧૯૮૮માં ઓગણીસમી ડિસેમ્બરે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું.
શ્રી ઉમાશંકર જોશીની કૃતિઓ:-
મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન,
અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
બાળગીત - સો વરસનો થા
સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ.
સભ્યપદ/હોદ્દાઓ :-
સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - ૧૯૭૮-૧૯૮૨
કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી - ૧૯૭૦
રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩
સૌજન્ય :- જીવનચરિત્ર પર આધારિત પુસ્તક તેમજ ઈન્ટરનેટના વિવિધ વેબપેજ.
આભાર🙏
શ્રીમતી સ્નેહલ રાજન જાની