જ્યોતિબા ફૂલે Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યોતિબા ફૂલે

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

તો મિત્રો કેવા લાગ્યા આગળના બે પ્રકરણ? માહિતી પસંદ પડી જ હશે સામ માણેકશા અને સરદારસિંહ રાણા વિશે એવી આશા રાખું છું.

ચાલો આજે ચર્ચા કરીએ એક સમાજ સુધારક, લેખક, સંપાદક અને વિચારક શ્રી જ્યોતિબા ફૂલે વિશે.

જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 11 એપ્રિલ 1827નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. તેમને 'મહાત્મા' ઉપનામ મળેલ છે. બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંધીજી પહેલા તેઓ મહાત્મા કહેવાયા હતા. તેમણે કન્યા કેળવણી, અંધ વિશ્વાસ, બાળ વિવાહ, વિધવા વિવાહ, છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના હક માટેના કાર્યો કર્યા હતા.

પિતા ગોવિંદરાય અને માતા ચીમનાબાઈનાં બે સંતાનો પૈકી તેઓ નાના હતા. પેશ્વાએ તેમને પુણેમાં બાગકામ કરવા જમીન ભેટમાં આપી હતી. તેઓ ફૂલોના ગજરા બનાવીને વેચતા હતાં. વર્ષોથી તેમનો પરિવાર આ જ કામ કરતો હતો. આથી તેમનાં ફૂલોના વ્યવસાયને કારણે એમની અટક ફૂલે પડી, નહીં તો એમની સાચી અટક ખીરસાગર હતી. માત્ર એક વર્ષની ઉંમરમાં તેમણે માતાની છત્રછાયા ગુમાવી હતી.

જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન, વાંચન અને અંકગણિતનો પાયાનો ખ્યાલ મેળવી અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. તેમનાં પિતાના ઓળખીતા કોઈ એક વ્યક્તિએ એમનાં પિતાને સમજાવ્યા કે તમારુ આ બાળક બહુ બુદ્ધિશાળી છે, માટે એને ભણાવો. આથી તેમનાં પિતાએ તેમને સ્થાનિક સ્કોટીશ મિશનમાં દાખલ કરાવ્યા. 1947માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ થયો.

તે સમયનાં સામાજિક રિવાજ પ્રમાણે માત્ર 13 વર્ષની ઉંમરે તેમનાં વિવાહ સાવિત્રીબાઈ સાથે થયાં, જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતાં.

1848માં થોમસ પેઈનનું પુસ્તક 'The rights of Man' વાંચીને એમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ. એક વખત એક મિત્રના લગ્નમાં એમને સામાજિક ભેદભાવનો ખૂબ જ કડવો અનુભવ થયો અને એમણે આ દિશામાં કામ શરુ કર્યું. ખૂબ વિચારને અંતે એમને તારણ મળ્યું કે આ બધાં પાછળ જવાબદાર છે - નિરક્ષરતા. લોકોને કુરિવાજોનાં શિકાર થતા અટકાવવા માટે તેમણે એમને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. તેમણે સંકલ્પ કર્યો કે જાતિ પ્રથાને જડ મૂળથી નાબૂદ કરશે, અને આની શરૂઆત એમણે મહિલા સશક્તિકરણથી કરી.

તેમનાં આ કાર્યોથી ગભરાયેલા બ્રાહ્મણસમાજે તેમનાં પિતાના મનમાં વહેમ નાખવા માંડ્યા. આથી ફૂલેજી પોતાની પત્નીને લઈને પિતાનું ઘર છોડી ચાલી નીકળ્યા. પરંતુ પોતાનુ આ સેવાકાર્ય બંધ ન કર્યું. તેમણે જોયું કે નીચલી જ્ઞાતિઓમાં સ્ત્રીઓની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. આથી એમણે તેમને ભણાવવાનું નક્કી કર્યું. આ માટે સૌ પ્રથમ પોતાની પત્ની સાવિત્રીબાઈને એમણે ભણાવ્યા. પછી બંને પતિ પત્નીએ ભેગા મળીને પુણેમાં એક કન્યાશાળા શરુ કરી.

ઈ. સ. 1863માં તેમણે સગર્ભા વિધવાઓ બાળકોને સુરક્ષિત રીતે જન્મ આપી શકે એ માટે એક ઘરની વ્યવસ્થા કરી. 24 સપ્ટેમ્બર 1873નાં રોજ સ્ત્રીઓ, શુદ્રો અને દલિતો જેવા સમૂહો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી.

ઈ. સ. 1854માં તત્કાલીન જ્યુડિશિયલ કમિશનર વોર્ડનસાહેબે તેમનું તેમનાં આ કાર્યો બદલ જાહેરમાં શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ભારતનો સમાજ આ દંપતિનો વિરોધ કરતો હતો જ્યારે બ્રિટિશ સમાજ એમની ખુલીને પ્રશંશા કરતો હતો. આની પાછળનું કારણ એક ન હતુ કે બ્રિટિશરો આવા કુરિવાજોમાં માનતા ન હતાં, જે એમનું સકારાત્મક પાસું હતું.

ઈ. સ. 1873માં આ દંપતીએ એક વિધવાનાં પુત્ર યશવંતને દત્તક લીધો હતો. ઈ. સ. 1876 - 1877માં નાલાસોપારા વિસ્તારમાં ભયાનક પ્લેગ ફાટી નીકળ્યો હતો, જેમાં ફૂલે દંપતીએ રાત દિવસ જોયા વગર પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. આ દરમિયાન એક અસરગ્રસ્ત બાળકની સારવાર દરમિયાન સાવિત્રીબાઈને ચેપ લાગતા તેઓ એમાંથી બહાર નીકળી ન શક્યા અને અવસાન પામ્યા.

11 મે 1888નાં રોજ મુંબઈના એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવી આપી.

તેમણે 1877માં એક સાપ્તાહિક સમાચારપત્ર 'દિનબંધુ' નું પ્રકાશન તથા સંપાદન કર્યું. આ ઉપરાંત અંબાલહરી, દીનમિત્ર તેમજ કિસાનો કા હિમાયતી નામના સમાચારપત્રો પણ પ્રસિધ્ધ કર્યા હતા.

તેમણે તૃતીય રત્ન, છત્રપતિ શિવાજી, રાજા ભોસલા કા પખડા, બ્રાહ્મણોકા ચાતુર્ય, કિસાનકા કોડા તેમજ અછૂતોકી કેફિયત નામનાં પુસ્તકો લખ્યા છે.

1882માં અંગ્રેજોએ ભારતની શિક્ષણ વ્યવસ્થા જાણવા સર વિલિયમ હંટરની આગેવાની હેઠળ હંટર કમિશનની રચના કરી હતી. જ્યોતિબા ફૂલેએ આ કમિશનને લેખિત સ્વરૂપે ગ્રામીણ કક્ષાએ સ્વતંત્ર શિક્ષા વ્યવસ્થા, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વ્યાકરણનું પ્રારંભિક જ્ઞાન, કૃષિ સંબંધિત જ્ઞાન, નીતિ અને આરોગ્ય વિશેનું જ્ઞાન જેવા અહમ મુદ્દાઓ પર રજુઆત કરી હતી.

તેઓ બાળ વિવાહની વિરૂદ્ધ અને વિધવા પુનઃ વિવાહની તરફેણમાં હતા. તેમણે વિધવા પુનઃ વિવાહની શરૂઆત કરી હતી તેમજ 1854માં વિધવા આશ્રમ સ્થાપ્યો હતો.

હિંદુ કર્મકાંડ અને માન્યતાઓ પર પ્રહાર કરતું પુસ્તક 'સત્સાર' નામનું એક લઘુ પુસ્તક ઈ. સ. 1883માં લખ્યું. કિસાનકા કોડા પુસ્તકમાં તેમણે ખેડૂતોમાં વ્યાપેલા અંધ વિશ્વાસ અને જડ માન્યતાઓ તેમજ શાહુકારો દ્વારા થતા શોષણ પર ચર્ચા કરી હતી. તેમનું પુસ્તક 'ગુલામગીરી' સૌથી વધુ વખણાયું હતું.

28 નવેમ્બર 1890નાં રોજ આ મહાન ક્રાંતિકારીનું પક્ષઘાતની બીમારી અવસ્થામાં જ મૃત્યુ થયું હતું. ભારત સરકારે તેમનાં માનમાં ઈ. સ. 1979માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

આભાર.🙏

- સ્નેહલ જાની