ધારાવાહિક :- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજય શ્રી કૃષ્ણ મિત્રો.
આપ સૌનાં સહકાર અને પ્રેરણાથી હું મારી વધુ એક ધારાવાહિક આપ સૌની સમક્ષ રજુ કરું છું. આજની પેઢીનાં બાળકો બેટમેન, સ્પાઈડરમેેેન, કે અન્ય આવા બધા કાલ્પનિક પાત્રો પસંદ કરે છે, એટલું નહીં એમનાં વિશે ઘણુ બધુ જાણે પણ છે. દુઃખની વાત એ છે કે આપણા દેશનાં જ મહાનુભાવોને એઓ ઓળખતા નથી. હુુ
આવા કેટલાંક મહાનુભાવો વિશે જાણકારી આપીશ.
આની શરૂઆત કરીએ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાથી.
મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો.
તેમનુ સાચું નામ સામ હૉરમુસજી ફરામજી જમશેદજી માણેકશા છે. પારસી પરિવારમાં ડૉક્ટર પિતાનાં ઘરે 3 એપ્રિલ 1914નાં રોજ અમૃતસર, પંજાબમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાતનાં વલસાડથી અમૃતસર જઈને સ્થાયી થયો હતો.
તેમનાં પિતા ડૉક્ટર હોવાથી એમનો એવો આગ્રહ હતો કે એમનો દિકરો પણ ડૉક્ટર જ બને. અમૃતસર ખાતે શાળાકીય શિક્ષણ મેળવી નૈનિતાલ શહેરની શેરવુડ કૉલેજમાં તેઓ ભણ્યા. દહેરાદૂન ખાતેની ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી તેઓ સેનામાં ભરતી માટે પસંદગી પામ્યા હતા. ત્યાંથી તેઓ ભારતીય સેનામાં જોડાઈ ગયા.
1937માં એક સાર્વજનિક સમારોહમાં લાહોર ખાતે ભાગ લેવા ગયેલા સેમની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ. જે બે વર્ષ બાદ 22 એપ્રિલ 1939માં એમની જીવનસંગીની બની ગઈ.
તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન હતા. 17મી ઈંફ્રેંટ્રી ડિવિઝનમાં આવેલ સેમ પ્રથમ વખત યુદ્ધનો સ્વાદ ચાખે છે બીજા વિશ્વયુદ્ધ વખતે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ જાપાન વિરૂદ્ધ પોતાના સૈન્યની આગેવાની કરી રહ્યા હતા. એ સમયે બર્મામાં એક સૈનિકે તેમને સાત ગોળીઓ મારી હતી. આ ગોળીઓ તેમનાં આંતરડા, યકૃત અને લીવરમાં વાગી હોવાથી એમની બચવાની કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ એમનાં મજબૂત મનોબળને લીધે એઓ જીવી ગયા. આ વખતનો એમનો ડૉક્ટર સાથેનો સંવાદ તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ડૉક્ટરે એમને પુછ્યું, "બહાદુર છોકરા તને શું થયું છે?" અને સેમનો જવાબ હતો, "મને ખચ્ચરે લાત મારી છે."
સ્વસ્થ થયા બાદ માણેકશા જનરલ સ્લિમ્સની 14મી સેનાના 12માં ફ્રન્ટીયર રાઇફ્લ ફોર્સમાં લેફટનન્ટ બની બર્માનાં જંગલોમાં ફરીથી એક વાર જાપાનીઓ સાથે યુદ્ધ લડવા ગયા. ફરીથી એક વાર તેઓ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા, અને ફરીથી સાજા થઈ ગયા. ત્યારબાદ તેમને સટૉફ ઓફિસર બનાવી ઈંડો ચાઈના મોકલવામાં આવ્યા, જયાં તેમણે 10000 જાપાની યુદ્ધબંદીઓના પુનઃ વસવાટ માટે અમુલ્ય યોગદાન આપ્યું.
1946માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફિસર બની military operations directorate માં સેવારત રહ્યા. 1947 1948માં કાશ્મીરની આઝાદીની લડાઈમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ભારતની આઝાદી પછી ગોરખાની કમાન સંભાળવાવાળા તેઓ પ્રથમ હતા. ત્યાં જ તેમને 'સેમ બહાદુર'ની ઉપાધિ ગોરખાઓ દ્વારા મળી.
નાગાલેન્ડ સમસ્યાનો હલ મેળવવા બદલ 1968માં તેમને પદ્મભૂષણ આપવામા આવ્યો. 7 જૂન 1969નાં રોજ તેઓ ભારતનાં 8મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફના પદે બિરાજમાન થયા. 1971માં માણેકશાનાં માર્ગદર્શન હેઠળ પાકિસ્તાનની હાર થઈ. આ યુદ્ધ પછી બાંગ્લાદેશનું નિર્માણ થયું.
તેમના દેશપ્રેમ અને દેશ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા બદલ 1972માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 1 જાન્યુઆરી 1973નાં રોજ તેમને 'ફિલ્ડ માર્શલ' બનાવવામાં આવ્યા, અને 15 જાન્યુઆરી 1973નાં રોજ તેઓ આ પદેથી પોતાની મરજીથી નિવૃત્ત થયા. તેઓ ભારતીય સેનાના પ્રથમ જનરલ હતા કે જે ફિલ્ડ માર્શલની ઉપાધિ મેળવી શક્યા હતા.
ફિલ્ડ માર્શલ માણેકશાએ ઈ. સ. 1934થી 2008 સુધી દેશને પોતાની સેવા આપી હતી. આ દરમિયાન તેમણે બીજુ વિશ્વયુદ્ધ, 1962નું ભારત - ચીન યુદ્ધ, 1965 અને 1971નાં ભારત - પાકિસ્તાન યુદ્ધો લડ્યા હતા. ભારત ચીનના યુદ્ધથી દરેક યુદ્ધનું નેતૃત્વ તેમણે કર્યું હતુ. 1971નાં ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી પાકિસ્તાનના 90000 સૈનિકોનું આત્મ સમર્પણ કરાવ્યું હતું જે એક ઐતિહાસિક ઘટના છે.
તેમનુ મૃત્યુ 27 જૂન 2008માં તમિલનાડુ ખાતે થયું હતું.
દહેરાદૂનમાં આઠમી ગોરખા રેજીમેન્ટની છાવણીમાં એક રુમ
રખાયો છે, જેને સેમ બહાદુર રુમ કહેવાય છે.
લશ્કરની વિવિધ પદવીઓ અને રીટાયર થવાની અવધિ:-
ફિલ્ડ માર્શલ ક્યારેય રીટાયર થતો નથી.
જનરલ 58 વર્ષે રીટાયર થાય છે.
લેફ્ટનન્ટ જનરલ 56 વર્ષે રીટાયર થાય છે.
બ્રીગેડિયર 52 વર્ષે રીટાયર થાય છે.
કરનલ 50 વર્ષે રીટાયર થાય છે.
ભૂલચૂક ક્ષમા🙏