લવ યુ યાર - ભાગ 1 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 1

"લવ યુ યાર"ભાગ-1
સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો.
મમ્મી: બેટા શું કરે છે ?
સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી.
મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ?
સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?
મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે.
સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ.
મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે તો આજે છીએ અને કાલે ન હોઇએ ત્યારે તારું શું થાય ?
સાંવરી: બંસરી છે ને ? બંસરી મારું ધ્યાન રાખશે મમ્મી.
( બંસરી તેની નાની બહેન હતી. તે બી.કોમ.ના છેલ્લા વર્ષમાં ભણતી હતી. )
મમ્મી: બંસરી તો છે બેટા, પણ એ પણ તેના સાસરે જતી રહેશે પછી તું એકલી પડી જઇશ અને તારું ઘર લઇને બેઠી હોય તો મને અને તારા પપ્પાના જીવને શાંતિ.
સાંવરી: સારું, સારું બસ આવી જઇશ પણ મને ખબર છે કે આ વખતે પણ છોકરો 'ના' જ પાડવાનો છે.
મમ્મી: આટલું બધું નેગેટીવ નહિ વિચારવાનું બેટા, અને ક્યાંક તો તારા માટે ભગવાને છોકરો બનાવ્યો હશે ને ?
સાંવરી: સારું, હું શનિવારે સાંજે ઘરે આવી જઇશ મારા માટે મારા ફેવરીટ ઢોકળા બનાવીને રાખજે.
મમ્મી: સારું બેટા.

સાંવરી ભણવામાં ખૂબજ હોંશિયાર હતી. કામ કાજમાં પણ તેવી જ હોંશિયાર. રસોઈ બનાવે તો તમે આંગળા પણ ચાટી જાવ તેવી બનાવે. પણ તે દેખાવે શ્યામ હતી. તેથી તેને કોઈ છોકરો પસંદ કરતો નહિ. અત્યારના છોકરાઓ પોતે ગમે તેવા દેખાતા હોય પણ પત્ની તરીકે રૂપાળી છોકરીને જ પસંદ કરે છે. તેવું સાંવરીના મનમાં પાક્કુ થઇ ગયું હતું. કારણ કે સાંવરી અત્યાર સુધીમાં વીસ છોકરાઓને જોઈ ચૂકી હતી.
જે છોકરાઓ આવે તે તેના જેટલું ભણેલા ન હોય તો પણ તેને 'ના' જ પાડી દે. તેથી સાંવરી અને તેના મમ્મી-પપ્પા ખૂબ દુઃખી રહેતા હતા.
****************
નમસ્કાર વાચક મિત્રો 🙏
આજે હું આપ સૌની સમક્ષ એક નવી વાર્તા રજુ કરવા જઈ રહી છું.
મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.

અનરાધાર વરસાદની હેલીમાં બે યુવાન હૈયાનું મિલન અને પ્રેમની આ એક દિલચસ્પ કહાની છે તથા સાથે સાથે બિઝનેસ ટર્મ્સમાં પોતાની આગવી આવડતને કારણે કામિયાબીના ઉચ્ચ શીખરે કઈરીતે પહોંચવું તે દર્શાવતી પણ આ એક દિલચસ્પ કહાની છે તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમાંસથી ભરપૂર વાર્તાની સફર માણીએ.
મારી અગાઉની રચનાઓની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો. 🙏
~ જસ્મીના શાહ

નાની બહેન બંસરી ભણવામાં એટલી બધી હોંશિયાર ન હતી. તેને ભણવા કરતાં હરવા-ફરવાનો, તૈયાર થવાનો એ બધો શોખ વધારે હતો. સાંવરી એકદમ સાદી સીધી છોકરી હતી તેનું ધ્યાન બસ ભણવામાં જ હોય. સાંવરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી એમ.બી.એ. સુધી ભણી પણ છેકથી છેક સુધી તે ફર્સ્ટક્લાસ જ લાવતી. ઘરેથી હોસ્ટેલ અને હોસ્ટેલથી કોલેજ બીજે કયાંય જવું, ક્યાંય રખડવું તેને ગમે નહિ. બોલવા પણ બહુ ઓછું જોઈએ એટલે ફ્રેન્ડસ પણ ખાસ કોઈ નહિ.

અમદાવાદમાં સાંવરી એમ.બી.એ. કરતી હતી. તે એમ.બી.એ.ના ફાઇનલ ઈયરમાં હતી. તે જ્યાં રહેતી હતી ત્યાં કોલેજમાં એમ.બી.એ.થતું ન હતું. એટલે તે હોસ્ટેલમાં રહીને ભણતી હતી.

સાંવરી ઘરે આવી એટલે પોતાના હાથમાં મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા પોતાના ફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ?
પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. છતાં મમ્મી તેને વારંવાર પૂછ્યા કરતી અને કહ્યાં કરતી, હવે તારે મેરેજ કરવાના છે એટલે સારા સારા ફોટા પડાવી ફેસબુક અને વોટ્સઅપ ઉપર મૂકવા પડે, અત્યારના છોકરાઓને આ બધું વધારે ગમે છે. તો તારે પણ થોડું એવું શીખવું પડેને બેટા. બંસરી મૂકે છે ને એમ તું પણ ફોટા મૂકવાના ચાલુ કરી દે બેટા. પણ સાંવરી કહેતી કે, " મારા ફોટા બિલકુલ સારા નથી આવતા મમ્મી અને મને એવો કોઈ શોખ પણ નથી."

બંસરી ખૂબજ રૂપાળી દેખાતી હતી. વિધિના લેખ તો જૂઓ બંને સગી બહેનો પણ એક દીકરી એકદમ બ્લેક અને બીજી એકદમ રૂપાળી.

સાંવરીને જે છોકરો જોવા આવે એ બંસરીને પસંદ કરીને જાય. દરવખતે એવું થતું પછી તો બંસરીની મમ્મી સોનલબેને સાંવરીને જ્યારે છોકરો જોવા આવવાનો હોય ત્યારે બંસરીને તેની ફ્રેન્ડના ઘરે મોકલી દે અથવા તો તેને ઉપરના માળે રૂમમાં મોકલી દે.

સાંવરી હવે છોકરાઓ જોઇ જોઇને કંટાળી ગઇ હતી. અને તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે મારે લગ્ન કરવા જ નથી. આ સેમ.પૂરું થાય એટલે તરત જ જોબ જોઇન્ટ કરી લઇશ. અને આખી જિંદગી મમ્મી-પપ્પાની સેવા કરીશ.

સોનલબેનને બે દીકરીઓ જ હતી. એક શ્યામ હતી એટલે તેનું નામ સાંવરી પાડ્યું અને બીજીનું નામ બંસરી પાડ્યું. સાંવરી જેટલી શાંત હતી, બંસરી એટલી જ નટખટ તોફાની હતી.

આ વખતે પણ એવું જ બન્યું સાંવરીને જોવા માટે આવ્યા હતા તેમને બહારથી કોઈએ વાત કરી હતી કે નાની દીકરી ખૂબ રૂપાળી છે બાકી મોટી દીકરી તો એકદમ બ્લેક છે.

મહેમાન આવીને બેઠાં એટલે સાંવરી પાણીના ગ્લાસ લઈને આવી. છોકરો પણ એમ.બી.એ. થએલો હતો અને એકનોએક હતો. પૈસેટકે ખૂબ સુખી હતો અને દેખાવમાં પણ સારો હતો. એટલે સાંવરીને તો "ના" પાડવાનો કોઈ સવાલ જ ન હતો. પરંતુ
છોકરો હવે 'હા' પાડે છે કે 'ના' તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/2/23