શીર્ષક : ઓરિજનલ અભિનય
લેખક : કમલેશ જોષી
તમે કદી કોઈ ડ્રામામાં પાર્ટ લીધો છે? અભિનય કર્યો છે? પાંચ સાત કે દસ દિવસની પ્રેક્ટીસ કર્યા બાદ સ્ટેજ પર પરદો ખુલે અને ઓડિયન્સથી ખચોખચ ભરેલા હોલમાં, સૌ કોઈ તમારી સામે તાકી રહ્યું હોય, તમારો મેકઅપ, હાવભાવ, ડાયલોગ, ચાલ-ઢાલ બધું જ ઓબ્ઝર્વ થતું હોય એવો અનુભવ તમે લીધો છે? શું તમે ડાયલોગ ભૂલ્યા હતા? કે પછી તમારો અભિનય સચોટ રહ્યો હતો? તમને પરસેવો વળી ગયેલો કે પછી ઓડિયન્સે તાળીઓનો ગડગડાટ કરેલો એ તમે માણ્યું હતું? શું તમારો અભિનય સહજ હતો કે પછી બીજીવાર ડ્રામામાં ભાગ ન લેવાના તમે સોગંદ ખાઈ લીધેલા?
કોલેજમાં ભણતા ત્યારે એક ડ્રામામાં અમારા એક લાસ્ટ બેન્ચર મિત્રે નામ લખાવ્યું હતું. રિસેસમાં કેન્ટીનમાં મળ્યા ત્યારે એણે વિચિત્ર રજૂઆત કરી, "યાર, હું ભારે કન્ફયુઝ થઈ ગયો છું. મને ડ્રામામાં તોફાની કોલેજીયન છોકરાનું પાત્ર ભજવવાનું કહ્યું છે. એક એવો છોકરો જેને ભણવામાં રસ નથી, કેન્ટીનમાં કે કેમ્પસની બેંચ પર બેઠા બેઠા મોજ-મસ્તી કર્યા કરવી છે, રીઝલ્ટમાં એ.ટી.કે.ટી.ના ઢગલા આવે છે, તમામ અપલક્ષણ વાળો, પેલા ગબ્બર સિંગના સાંભા જેવો કે શક્તિકપૂર ટાઈપ ટપોરીની એક્ટિંગ મારે કરવાની છે." એ અટક્યો. અમે સૌ એની સામે તાકી રહ્યા.
એક મિત્રે પૂછ્યું, "એમાં કન્ફયુઝન શી છે? ડાયલોગ યાદ નથી રહેતા? કે પછી એક્ટિંગ નથી ફાવતી?"
એ બોલ્યો, "મેં બે'ક ડાયલોગ બોલી બતાવ્યા અને એક્ટિંગ કરી બતાવી તો સાહેબે અને બીજા કલાકારોએ તાળીઓ પાડી મારા વખાણ કર્યા." એ ફરી અટક્યો.
"તો પછી?" બીજા મિત્રે પૂછ્યું.
એ સહેજ ઊંડો શ્વાસ લઈ બોલ્યો, "મારે તો અભિનય કરવો હતો, એક્ટિંગ યુ નો! જયારે અહીં તો મારે કશું કરવાપણું જ નથી રહેતું, હું જેવો છું એવા જ મારે દેખાવાનું છે, એમાં અભિનયનો કોઈ ચાન્સ જ નથી રહેતો."
અમને તો એની વાત પર હસવું જ આવ્યું. પણ બીજા દિવસે એણે ડ્રામામાંથી નામ કઢાવી નાખ્યું. એક વડીલે પેલા મિત્રની કન્ફયુઝનનું કારણ સમજાવ્યું, "માણસના સ્વભાવની વિચિત્રતા એ છે કે એને ઓડિયન્સની સામે ઓરિજનલ દેખાવું ગમતું નથી. વધુ સ્પષ્ટ કહો તો એને ઓરિજનલથી સાવ અપોઝિટ દેખાવું ગમે છે. બીકણ માણસ નિર્ભય હોવાનો, ગરીબ માણસ અમીર હોવાનો, લુચ્ચો માણસ ભોળો હોવાનો, ઠોઠ માણસ હોંશિયાર હોવાનો અને ગુંડો-મવાલી સજ્જન હોવાનો દેખાવ કરવા આતુર હોય છે." કહી સહેજ અટકી એમણે કહ્યું, "સમજો ને કે ભીતરે જે કાંઈ છે એનાથી સાવ ઉલટું દેખાવા માટે સતત પ્રયત્ન કરવો એનું જ નામ જિંદગી." અમે એ વડીલ સામે તાકી રહ્યા. પેલા મિત્રની કન્ફયુઝનનું કારણ સમજાયું કે એ ખરેખર તોફાની અને ઠોઠ હતો અને ડ્રામામાં એને પાત્ર પણ એના ઓરિજનલ સ્વભાવ મુજબનું મળ્યું હતું. એ વડીલે કહ્યું, "જિંદગીમાં અભિનયની, ડુપ્લીકેટની એટલી બધી ડિમાંડ છે કે ઓરિજનલ ડુપ્લીકેટ આગળ ફિક્કા, બેકાર, નક્કામા, ક્વોલીટી વગરના, કડવા ઝેર જેવા લાગવા માંડ્યા છે, પછી એ વાણી એટલે કે ડાયલોગ હોય, વર્તન એટલે કે એક્શન હોય કે વિચારો હોય."
તમે જ કહો શું તમારા બે માથાળા બોસના બેવકૂફી ભર્યા વર્તનને તમે એની સામે તાળી પાડી વધાવ્યું નથી? શું તમને જવાબ ન આવડતો હોય એવો પ્રશ્ન પૂછી બેસનાર વિદ્યાર્થીને તમે ચુપ કરી બેસાડી દીધો નથી? શું તમારી જાડી થતી જતી વાઈફને ‘ઘર માટે ઘસાઈ ગઈ’ એવું કહી ‘રાજી’ રાખવા પ્રયત્ન કર્યો નથી? શું માથે ટાલ પડી ગયલા પતિદેવને ‘પરિવારની ચિંતા’ હેઠળ તમે છુપાવી દેતા નથી? શું પરસ્ત્રી પર ફરતી નજરને ‘ગોગલ્સ’ના કાળા કાચ પાછળ છુપાવી નથી? શું ‘મોડેલીંગ’ ફોટોગ્રાફી કરાવી ચહેરા પર વધુ ઉજળું, રૂપાળું, સ્માર્ટ હોવાનું મહોરું ચઢાવ્યું નથી? શું ‘મને આવડતું નથી’ કે ‘મેં કદી પહેલા કર્યું નથી’ કહી કામમાંથી છટકબારી શોધી લીધી નથી? શું જ્ઞાનના છાંટા વિનાનો માણસ ‘શિક્ષક’ બનીને, પરાક્રમ અને ફરજપરસ્તીના અભાવ વાળો માણસ ‘પોલીસ’ બનીને, પક્ષપાત અને પૂર્વગ્રહથી છલોછલ ભરેલો માણસ ‘જજ’ બનીને, સેવા કરવાના નામે મેવા ખાતો માણસ ‘નેતા’ બનીને, શિયાળ જેવો લુચ્ચો ‘હરણ’ બનીને કે ગીધ જેવો ભુખાળવો ‘કબુતર’ બનીને જે એક પછી એક સુપર ડુપર હિટ ફિલ્મો ભજવી રહ્યા છે એ શું આખા સમાજના સંપૂર્ણપણે બદલાઈ ગયેલા ‘ટેસ્ટ’નો પુરાવો નથી?
અભિનય દ્વારા આપણે કોને બેવકૂફ બનાવી કે છેતરી રહ્યા છીએ? આપણી ‘છાપ’ ન બગડે એ માટે આખી જિંદગી આપણે જે વાણી નથી બોલવી, જે વર્તન નથી કરવું એ જ કરતા રહીએ તો બાહ્ય જગત ભલે તાળીઓનો ગડગડાટ કરે, પગાર વધારી દે, સેલ્યુટ મારે, ઝંડા ફરકાવે, પ્રમોશન, ગાડી, બંગલો આપી દે પણ ભીતરે કોઈ ‘પોક’ મુકીને રડતું હોય, ‘આક્રંદ’ કરતું હોય એ સંભળાતું બંધ થઈ જાય ખરું? શું બાહ્ય જગતની ઝાકઝમાળમાં જીવવા માટે ભીતરે ‘દીવડા’ ઓલવી નાખવા ફરજીયાત છે? શું બાહ્ય જગતમાં મોટું નેટવર્ક ઉભું કરવા માટે ભીતર સાથેના તમામ સંબંધો કાપી નાખવા કમ્પલસરી છે? શું આખા જગતમાં ફેલાઈ જવા માટે મૂળમાંથી ઉખડી જવું જરૂરી છે? શું ઈશ્વર અંગેની આપણી, પબ્લિકની ડિમાંડ એટલી બધી હદે ‘ખતરનાક’ થઈ ગઈ છે કે કાનુડો પાંચ હજાર વર્ષ વીતી ગયા છતાં ફરી પૃથ્વી પર ‘મનુષ્યનું પાત્ર’ ભજવવા આવવાની હિમ્મત નથી કરી રહ્યો? શું ‘સીતા’ કે ‘દ્રૌપદી’ આપણી શેરી ગલીમાં આવે તો સુરક્ષિત રહી શકે ખરા? શું પ્રાણ ના ભોગે વચનનું પાલન કરવાના આગ્રહી ‘રામ’ ફરીવાર આપણી વચ્ચે આવે તો એમને વનમાંથી આપણે પાછા આવવા દઈએ ખરા?
મિત્રો, આજનો રવિવાર ડોક્ટર, વકીલ, શિક્ષક, પોલીસ, નેતા, અભિનેતા, પિતા, પુત્ર, શેઠ, નોકર, મિત્ર, દુશ્મન જેવા તમામ પ્રકારના પાત્રો, અભિનય, મહોરા અને મેકઅપ ફગાવી ફળિયામાં ઉગેલા ઝાડ કે ઝાડ પર બેઠેલી ચકલી કે ગલીમાં રમતા ગલુડિયાની જેમ કેવળ અને કેવળ ‘સજીવ’ તરીકે ‘જીવવાનો’ પ્રયત્ન કરીએ તો કેવું? એટલીસ્ટ એવો ‘અભિનય’ કરીશું તો પણ કદાચ ‘ભીતરેથી’ વિદાય લઈ રહેલા આપણા ઓરિજનલ ‘પાત્ર’ ને સાચી શ્રદ્ધાંજલિ આપ્યાનો સુખદ અનુભવ ચોક્કસ થશે.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...)