Sarkati jagi zindagi books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - સરકતી જતી જિંદગી

 

શીર્ષક : સરકતી જતી જિંદગી   

©લેખક : કમલેશ જોષી

 

તમારી આસપાસ રહેતા પાંચ વડીલો-વૃધ્ધોને નજર સમક્ષ લાવો. માથાના તમામ વાળ ધોળા થઈ ગયેલા અને કરચલી વાળા ચહેરા કે લાકડીના ટેકે ઢચુ-પચુ ચાલતા કે પથારીમાં આખો દિવસ ઉધરસ ખાતા કે કાને બહેરા થઈ ગયેલા કે આંખે ઝાંખું દેખતા કે ખાતી વખતે મોંમાં ચોકઠું ગોઠવતા એ વડીલો અને મારી તમારી વચ્ચે ત્રણસો ચારસો વર્ષનું નહિ માત્ર ત્રીસ કે ચાલીસ વર્ષનું જ અંતર છે હોં. બહુ ટૂંકા સમયમાં આપણે એમની લગોલગ પહોંચી જવાના છીએ. ના ના.. લગોલગ તો નહીં પહોંચાય, કેમકે આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ કોણ જાણે ક્યાં પહોંચી ગયા હશે!

 

ત્રીસ ચાલીસ વર્ષ વીતતા કંઈ વાર નહિ લાગે. તમે જ જુઓ ને! હજુ હમણાં તો ઘોડિયું છોડી મમ્મી-પપ્પાની આંગળી પકડી ચાલતા શીખ્યા હતા, હજુ હમણાં જ તો તમે કોલેજ પૂરી કરી, હજુ હમણાં જ તો નોકરીમાં સેટ થયા, હજુ થોડા સમય પહેલા જ લગ્ન થયા અને.. અને.. અને... ઘણું બધું એવું હશે જે હજુ હમણાં જ બન્યું હોય એવું લાગે છે ને? પણ એ હમણાં, હમણાં નહિ દિવસો, મહિનાઓ, વર્ષો પહેલા બની ગયું છે. એમ તો અત્યારે પલંગ પર સૂતેલા પેલા વડીલ પણ હજુ હમણા જ તો નોકરીમાંથી રિટાયર્ડ થયા છે કે હજુ થોડા સમય પહેલા જ તો છ-આઠ રોટલી રોજ જમી શકતા હતા કે થોડા મહિનાઓ પહેલા તો તળાવ ફરતે મોર્નિંગ કે ઇવનિંગ વૉક કરતા કે ફટાફટ દસ-પંદર રોટલા ઘડી કાઢતા કે દાદરા ચઢી ઉતરી શકતા કે પહેલા વરસાદમાં ગરમાગરમ ભજીયાનો સ્વાદ માણતા હતા કે હજુ હમણાં જ તો એમણે માથામાં બે પાંચ પંદર સફેદ વાળ જોયા હતા.

 

જેમ દરિયા કિનારે રહેલી ઝીણી, લસરકી રેતીને તમે મુઠ્ઠીમાં ભરી રાખી, સહેજ મુઠ્ઠી ઢીલી મૂકો અને થોડી જ ક્ષણોમાં મુઠ્ઠીમાં રહેલી બધી જ રેતી સરકી જાય એમ જ સમય અને જિંદગી સરકી રહ્યા છે. વડીલોની મુઠ્ઠી ખાલી થઈ ગઈ છે અને મારી-તમારી મુઠ્ઠી ધીરે ધીરે ખાલી થઈ રહી છે. મોટા ભાગના વડીલો જિંદગીનો એક જ સાર કહે છે : બધું માયા છે. મતલબ કે ઇલ્યુઝન. યુધિષ્ઠિરના મહેલની જેમ જ્યાં જળ છે ત્યાં સ્થળ છે અને જ્યાં સ્થળ સમજો છો ત્યાં જળ છે. મતલબ કે જ્યાં સુખ સમજો છો ત્યાં દુઃખ અને જ્યાં દુઃખ સમજો છો ત્યાં સુખ છે. મતલબ કે...... 

 

રહેવા દો. આપણને નહિ સમજાય, કેમ કે આપણે માયાના મહાસાગરની વચ્ચે છીએ. આપણા માથાના હજુ પાંચ પંદર વાળ જ સફેદ થયા છે. આપણું માથું તો કાળું ભમ્મર છે. હજુ તો દસેક રોટલી અને ત્રણ વાડકા કેરીનો રસ આપણે ઓહિયા કરી જઈએ છીએ, હજુ તો બેક માળ સુધીના પગથિયાં આપણે હાંફતા હાંફતા ચઢી ઉતરી શકીએ છીએ, હજુ તો, હજુ તો, હજુ તો.. હજુ હમણાં સુધી તો આપણે દસ-પંદર મિનિટ દોડી પણ શકતા હતા, હજુ હમણાં સુધી તો ગાદલા લઈને અગાશી ઉપર પાથરવા માટે આપણે બે-ત્રણ વાર જઈ શકતા હતા, હજુ હમણાં સુધી તો ડબલ સવારી સાયકલમાં આખા ગામનું ચક્કર મારી શકતા હતા, હજુ હમણાં સુધી તો બે દાબેલી, એક વડાપાઉં અને ઉપરથી એકાદ પીત્ઝા પણ આપણે દાબી જતા હતા, હજુ હમણાં સુધી તો બાર-પંદર કલાક નોકરી ધંધો કરી શકતા હતા.

 

એક મિત્રે કહ્યું, અત્યારે પૈસા કમાવા માટે બાર-પંદર કલાક મહેનત કરીએ છીએ એની બદલે જો દસમું-બારમું ભણતા ત્યારે દસ -બાર કલાક મહેનત કરી હોત તો અત્યારે આરામથી રૂપિયા કમાઈ શકત. પંદર-સોળ વર્ષની ઉંમરે સૂતા રહ્યા એટલે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમરે સેટ નથી થતા. કોઈને નોકરી નથી મળી તો કોઈને નોકરી છે પણ લગ્ન નથી થયા, કોઈકને ઘરના ઘર નથી તો કોઈકના છોકરા લાઈનસર નથી. બેતાલીસની ઉંમરના એ મિત્રે કહ્યું: લાઈફ જ આખી વેસ્ટ ગઈ. કોઈએ શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન આપ્યું હોત તો આજે આપણે પણ છ આંકડાનો પગાર, ગાડી, બંગલા અને એકદમ સેટ લાઈફ જીવતા હોત. કરોડો રૂપિયા, ગાડી, બંગલા છોડી ગયેલા એક સ્વર્ગસ્થ વડીલ માટે એક મિત્રે આશ્ચર્યજનક વાક્ય કહ્યું: બિચારા રૂપિયો પણ માણી ન શક્યા. મૃત્યુ સમયે કોઈ સગું નજીક નહોતું. બધા વિદેશમાં હતા. મને પેલું મંત્ર જેવું વાક્યું યાદ આવ્યું: બધું માયા છે.

 

એક સંતે કહ્યું: ઈટ, ડ્રીંક અને બી મેરી, એ રાક્ષસી કે તામસી માનસિકતા છે. ‘રાતકો ખાઓ પીઓ, દિનકો આરામ કરો’ એ સ્વામી વિવેકાનંદ કે નરસિંહ મહેતા કે મીરાબાઈની માનસિકતાની સાવ સામેના છેડેનું વાક્ય છે. આપણે જે ‘દુનિયા જાય તેલ લેવા જલસા કર’નો જીવનમંત્ર ચરિતાર્થ કરવા મથીએ છીએ એ વાસ્તવમાં ‘દુનિયાને નહિ આપણને ખુદને તેલ લેવા મોકલવા’ કે ‘વેસ્ટ ઓફ લાઈફ’ કરવા મથી રહ્યા છીએ. વાળમાં ગમે એટલા કાળા-ધોળા કરીએ પણ શરીરમાં, મનમાં વિકસી રહેલા બુઢાપા કે વૃદ્ધત્વને અટકાવી કે છુપાવી નહિ શકીએ. અને એક દિવસ, પેલા વડીલ જેમ પથારીમાં ઉધરસ ખાઈ રહ્યા છે એમ જ સૂતા સૂતા, ખાંસતા ખાંસતા જિંદગીનો નિષ્કર્ષ કાઢીશું: માયા, બધું જ મોહ માયા છે. પણ ત્યારે રેતીના બે-પાંચ કણ જ મુઠ્ઠીમાં બચ્યા હશે.

 

પણ...

અત્યારે તો આપણા માથા પર કાળા ભમ્મર વાળ છે અને રેતીથી અર્ધી-પોણી ભરેલી મુઠ્ઠી છે ત્યારે એક ઊંડો શ્વાસ ભરી, પરમેશ્વરના પ્રશ્નપત્રના પહેલા પ્રશ્ન ‘કોઈનું સુખ-દુ:ખ, પૂછ્યું’તું? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું'તું?’ નો જવાબ તૈયાર કરીએ તો કેવું?             

હેપી મોનસુન...! ઓલ ધી બેસ્ટ.

 

- kamlesh_joshi_sir@yahoo.co.in

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED