ડાયરી - સીઝન ૨ - હેપ્પી હોલી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - હેપ્પી હોલી

શીર્ષક : હેપ્પી હોલી
લેખક : કમલેશ જોષી

એક સમજુ કોલેજીયન મિત્રે જાણે કવિતા કહેતો હોય એમ રજૂઆત કરી, "આ માણસ સિવાયના પ્રાણી-પક્ષીઓને કેવું સારું નહીં? આ ચકલીને કંઈ ચિંતા છે ચૂંટણીની? કે આ પોપટને કંઈ ચિંતા છે પરીક્ષાની કે પગારની? આ વાંદરાને વીજળીના બિલની કે આ ગાયને ગેસના બાટલાની કોઈ ચિંતા છે ખરી? આ કૂતરાને કંકોતરીની કે મોરલાને મોંઘવારીની, આ સસલાને સમાચાર કે સીરિયલના સસ્પેન્સની કે પારેવડાને પી.યુ.સી.ની કે વાઘને વીમાની કાંઈ ચિંતા છે? આ ઈગલને ઈ.એમ.આઈ.ની કે સાપને સિલેબસની કે ટાયગરને ટાર્ગેટની કે ફૂલડાંઓને ફી ભરવાની કોઈ ચિંતા છે ખરી? આ માણસ સિવાયના પ્રાણી પક્ષીઓને કેવું સારું નહીં?" એ અટક્યો. અમે સૌ એક ધ્યાને એની વાત સાંભળી રહ્યા હતા. સામે બગીચામાં વૃક્ષની લહેરાતી ડાળીઓ પર કેટલાક પક્ષીઓ મોજથી, મસ્તીથી, બેફિકરાઈથી ઉડાઉડ કરતા હતા. બરોબર નીચે જ બાંકડા પર કેટલાક વિચારમગ્ન વડીલો બેઠા હતા, કેટલાક યુવાનો મસ્તી-ચર્ચા અને ચિંતા કરતા વૉક કરી રહ્યા હતા. અમને અમારા મિત્રની વાત સાચી લાગી. પક્ષીઓ ‘ઈશ્વરના મીઠા ગાન ગાતા’ હોય અને વૃક્ષો ‘વાયરા સાથે તાલબધ્ધ ઝૂમી’ એમાં સૂર પૂરાવતા હોય ત્યારે આસપાસ બેઠેલો માનવ સમુદાય કોઈ ઊંડી મુંઝવણમાં ડૂબી ગયો હોય એવું અમને લાગ્યું.

બે ક્ષણ વધુ વીતી એટલે અમારા પેલા ટીખળી અને જીજ્ઞાસુ મિત્રે પેલા સમજુની સામે જોઈ કહ્યું, "પણ એ બિચારાને હોળીમાં રંગે રમવાની, પિચકારી કે ફુગ્ગામાં પાણી ભરી ઉડાડવાની કે આંધળો પાટો રમવાની કે ફાગ (ફાગણીયા) ગાવાની કે પ્રહલાદ હિરણ્યકશિપુ ને હોલિકાની કથા સાંભળવાની જે મોજ છે એવી મોજ પણ ન મળે હો.." અમે એની સામે તાકી રહ્યા. વાત તો વિચારવા જેવી હતી. પ્રાણીઓ-પક્ષીઓ કે વૃક્ષોની પેઢીઓમાં ‘ઉત્સવ કે તહેવાર’ના સેલિબ્રેશનનો કન્સેપ્ટ ક્યાં કોઈને સુઝ્યો છે? એ તો માનવ સમાજના વડીલો, પ્રાચીન ઋષિઓએ શોધી કાઢેલી એક અનોખી પરંપરા છે. ત્યાં સમજુ મિત્ર એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, "શું પ્રાણી-પક્ષીઓને સત્ય કે ઈમાનદારીના પાઠ ભણાવવાની કે ઈશ્વરને યાદ કરવા પ્રહલાદની કથા કહેવાની કે ઈશ્વરનો અનાદર કરનાર હિરણ્યકશિપુ જેવોઓના કરુણ અંતનો બોધપાઠ ભણાવવાની જરૂર છે ખરી? એ લોકો ક્યાં સિકંદરની જેમ પૃથ્વી જીતવા જેવા કે હિટલરની જેમ લાખોને ગૂંગળાવવા જેવા વિકૃત આતંકનો ભોગ બન્યા છે?" અમે સૌ વિચારમાં પડી ગયા. એણે સહેજ ઊંડો શ્વાસ લીધો અને પછી ધારદાર વાક્ય કહ્યું, "આજ સુધીમાં આપણે કેટલી બધી હોળી ઉજવી તેમ છતાં દરેક શેરી, ઓફિસ કે સોસાયટીમાં રહેતો પ્રહલાદ જેવા ભક્તિભાવ વાળો માણસ આજેય પરેશાન છે, બળી રહ્યો છે અને હિરણ્યકશિપુ જેવો રાતે કે દિવસે ન હણી શકાય એવો સત્તા - સંપતિ - કરપ્શન કે કાવા દાવાથી શક્તિશાળી બનેલો માણસ શેરી, ઓફિસ કે સોસાયટીમાં બેફામ ગરજતો, વરસતો રહે છે." બોલતી વખતે સમજુ મિત્રના ચહેરા પર રોષ દેખાતો હતો. એક મિત્રે કહ્યું, "ચિલ્લ યાર, ટેક ઈટ ઇઝી." પણ એણે રોષનો આખરી ઉભરો ઠાલવી જ નાખ્યો, "હજુ આમ જ, ભીતરેથી જરાક અમથા પણ પલળ્યા વગર કે એક ટકો પણ સુધર્યા વગર હોળી (કે બીજા કોઈ પણ ફેસ્ટીવલ) બસો-પાંચસો શું પાંચ હજાર વર્ષ સુધી ઉજવ્યા કરીશું, તો પણ કાંઈ નહિ વળે, પ્રાચીન ઋષિની ફેસ્ટીવલ રૂપી બેસ્ટ ક્વોલિટીની વેક્સિન પણ આપણી ભીતરે વ્યાપેલા હિરણ્યકશિપુરોગમાંથી આપણને મુક્ત નહિ કરી શકે." અમે સૌ ગમગીન થઈ ગયા.

એક મિનીટ ખામોશ વીતી ગઈ. ત્યાં પેલા ટીખળી મિત્રે ‘વાહ’ બોલી બે હાથથી ધીમે ધીમે તાળીઓ પાડી. પેલા સમજુની આંખમાં હજુ રોષ હતો. ટીખળી બોલ્યો, "ખરેખર, મસ્તી કે ટીખળ નથી કરતો, હું તને સીરિયસલી બિરદાવું છું." એની આંખોમાં ખરેખર સન્માનનો ભાવ હતો. અમે એની સામે નવાઈથી તાકી રહ્યા. એ આગળ બોલ્યો, "ઋષિઓની ફેસ્ટીવલ વેક્સિન બિલકુલ ફેલ નથી ગઈ.. આજે સેંકડો હજારો વર્ષ પછી પણ તારા જેવા યંગસ્ટર્સને ખબર છે કે હિરણ્યકશિપુ ટાઈપની લાઈફ સ્ટાઈલ કે થીંકીંગ પ્રોસેસ એક ‘રોગ’ છે, ‘રાક્ષસત્વ’ છે, એ જ તો ઋષિઓની સૌથી મોટી સફળતા છે. યુગો વીતી ગયા છતાં પ્રહલાદ અને હિરણ્યકશિપુ વચ્ચે ડિફરન્સ છે એટલી વાત આપણા સમાજને આજેય યાદ છે, બાળકનું નામ પ્રહલાદ રખાય, હિરણ્યકશિપુ ન રખાય એ જ પ્રહલાદનું મોટામાં મોટું સન્માન છે." અમને ટીખળીની વાત જોરદાર લાગી. અમે પેલા સમજુ સામે જોયું. એની આંખોમાંથી રોષ ગાયબ થઈ ગયો હતો. એ નવાઈથી અમારી સામે તાકતો હતો. અમે સૌ તાળીઓ પાડવા લાગ્યા. આસપાસના લોકો અમને નવાઈથી તાકતા ઉભા રહી ગયા. એમની સામે જોઈ ટીખળી એ બુમ પાડી ‘હેપ્પી..હોલી...’ એ લોકો તો માથું ખંજવાળતા જતા રહ્યા પણ દૂર વૃક્ષ પરથી પક્ષીઓએ કલશોર કરી જાણે અમારી વાતને ‘ઈશ્વરનું મીઠું ગાન’ સમજી વધાવી લીધી.
મિત્રો, આવનારું આખું અઠવાડિયું, ભીતરેથી ઉછળવા મથતા હિરણ્યકશિપુવેડાને ભીતરી સિંહત્વના ન્હોર ભરાવી કાયમ માટે સુવાડી, પ્રહલાદત્વને જગાડવા, વેલકમ કરવા, સન્માનિત કરવા પ્રયત્ન કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)