Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - અરેન્જ્ડ લવ મેરેજ

શીર્ષક : અરેન્જ્ડ લવ મેરેજ
©લેખક : કમલેશ જોષી
આમ તો મારે આ ટોપિક ઉપર નહોતું લખવું પણ લગ્નના પાંચ દાયકા વટાવી ચૂકેલા એક દાદીમાને જયારે એની ટીનેજર પૌત્રીએ કહ્યું કે "બા તમને વેલેન્ટાઇન ડે માં ખબર ન પડે." ત્યારે મારાથી રહેવાયું નહિ. પ્રેમનો, લવનો ચટાકેદાર, મસાલેદાર, સ્પાઈસી, ડિલીશીયસ સ્વાદ માણવા જઈ રહેલી દીકરીને બા, દીકરો અને વહુ નાકનું ટીચકું ચઢાવી જોઈ રહ્યા. મને અમારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. મારું હૃદય સહેજ વધુ જોશથી ધબકવા લાગ્યું.

સાવ સાચું કહેજો તમારું હૃદય છેલ્લે ક્યારે ઉત્સાહભેર ‘ધક ધક... ધક ધક’ ધડકયુ હતું? સાતમું ભણતા ત્યારે પેલી પહેલી બેંચ પર બેસતી હોંશિયાર છોકરીએ તમારી પાસે ગણિતની પાકી નોટ માંગી હતી ત્યારે? કે નવમું ભણતા ત્યારે પાછલી શેરીમાં રહેતી પેલી બ્યુટીફૂલ છોકરીને પહેલી વખત જીન્સ-ટી-શર્ટમાં જોયેલી ત્યારે? કે પછી કોલેજના ફર્સ્ટ યરમાં તમને એકધારું તાકતા જોઈ પેલી બોયકટવાળી છોકરીએ સહેજ સ્મિત કરેલું ત્યારે? કે પછી જ્ઞાતિના નવરાત્રી ફન્કશનમાં તમે પ્રિન્સ બન્યા અને પેલું મસ્ત રમતી લાંબા વાળવાળી છોકરી પ્રિન્સેસ બની તમારી બાજુમાં જ ઉભી રહી ત્યારે? સાવ સાચું કહેજો તમારા હાર્ટબીટ છેલ્લે ક્યારે પર મિનિટની મેક્સીમમ સોની લિમિટ વટાવી એકસો પાંચ-એકસો દસ સુધી પહોંચી ગયા હતા? સાવ સાચું કહેજો હોં તમને એ ચહેરાના, એ સ્મિતના, એ કાતરના, ભલે એકતરફી તો એકતરફી પણ તમારા એ પહેલા પ્રેમના સમ.

"મને તો જીંદગીમાં કદી કોઈની સાથે પ્રેમ થયો જ નથી." જો તમે એવું કહેતા હો તો તમે ‘ખોટાળા છો’ એવું હું નહિ મારા કોલેજ કાળના એ જમાનાના મારા એક હેન્ડસમ મિત્રનું કહેવું છે. આમ તો ખાલી ખીસ્સા હોવાને લીધે આવા દિવસો સામે નાકનું ટીચકું ચઢાવી બેસી રહેતું અમારું ચાર-પાંચ મિત્રોનું ગ્રુપ તે દિવસે, બારમી ફેબ્રુઆરીએ કોલેજ કેન્ટીનમાં ભારે ઉત્તેજના અનુભવતું બેઠું હતું. અમારામાં સૌથી હેન્ડસમ ગણાતા અમારા એક મિત્રને લગભગ ચોથી વખત ‘ફર્સ્ટ લવ’ થયો હતો. (હી...હી...!) એણે અમારી સલાહ લીધી. અમે નિર્દોષતાથી સાવ સાચે સાચું કહ્યું, "અમને તો કદી પ્રેમ બ્રેમ થયો નથી." કે તરત જ "સાવ ખોટાળા છો તમે બધા." એવું એ હેન્ડસમ હીરો બોલ્યો હતો. સમોસા એના તરફથી હતા એટલે અમે ચુપચાપ એને સાંભળી રહ્યા હતા. એણે પૂછ્યું, "મતલબ તમે એવું કહેવા માંગો છો કે તમને કોઈ કરતાં કોઈ છોકરી આજ સુધી ગમી જ નથી?"
એક ભોળા મિત્રે કહ્યું, "અમે અહીં ભણવા આવીએ છીએ, છોકરીયું જોવા નહિ." અમે ચારેય એની સામે તાકી રહેલા.
"સાવ ખોટાડો.." પેલો હેન્ડસમ બોલેલો.
"જો દોસ્ત, પ્રેમ-બ્રેમ એ બધા વહેમ છે.. એવું કાઈ હોતું નથી." એક સમજુ મિત્રે હેન્ડસમને કહ્યું. તરત જ પેલા હેન્ડ્સમે એની બેગમાંથી ત્રણ મોટા કાગળિયાં કાઢ્યા. એ છાપાના કટિંગ હતા. એમાં પ્રેમ વિશે, વેલેન્ટાઇન ડે વિશે મસ્ત રોમાંચક ટાઈટલ લખ્યા હતા. એ બોલ્યો, "આ લેખકો લખે છે એ વહેમ છે?" અમે ચૂપ થઈ ગયા. એનો ઉત્સાહ વધ્યો. એ બોલ્યો, "શું ફિલ્મોમાં રેશમી ઝૂલ્ફે, શરબતી આંખે કે સોલા બરસ કી બાલી ઉંમર કો, પ્યાર તેરી પહેલી નજર કો સલામ કે પ્યાર કિયા તો ડરના ક્યા કે કોઈ ન કોઈ ચાહિયે પ્યાર કરને વાલા એ બધું ખોટું છે, વહેમ છે?" અમે થોડા થોડા કન્વીન્સ થવા લાગ્યા. એણે ફરી એના થેલામાંથી કંઈક કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. એ ખીલી હતી. અમે નવાઈથી એની અને ખીલીની સામે જોયું. એણે બીજો હાથ ટેબલ નીચે રાખ્યો. થોડી વારે ખીલી એની જગ્યાએથી આપમેળે ડાબે જમણે ખસવા લાગી.
એ બોલ્યો, "હવે કહો, આ શું છે?"
એક મિત્રે કહ્યું, "ચુંબક બીજું શું?"
હેન્ડસમ બોલ્યો, "પણ ખીલી નાચે કાં?"
સમજુ બોલ્યો, "ચુંબકનું આકર્ષણબળ બીજું શું?"
હેન્ડસમ બોલ્યો, "હું પણ એ જ કહું છું. આ બધું નેચરલ છે, યુ નો.." કહી આંખ મીચકારી એ બોલ્યો "દોસ્તો, હું ખીલી છું અને પેલી એસ.વાય. વાળી બ્યુટી છે ને એ મારું ચુંબક છે, બંદા આવતી કાલે એને પ્રપોઝ કરવાના છે." અમે સૌ ગભરાટભરી નજરે એની સામે તાકી રહ્યા હતા. બીકના માર્યા અમે બીજા દિવસે કોલેજે જવાનું માંડી વાળ્યું.
ત્રીજા દિવસે રિસેસમાં પેલો હેન્ડસમ મિત્ર કેન્ટીનમાં નિરાશ બેઠો હતો. અમે એનાથી થોડે દૂર બેઠા. એ ઉઠીને અમારી પાસે આવીને બેઠો. એણે રડમસ ચહેરે અમારી સામે જોયું. અમે સમજી ગયા. પણ એ ચોંકાવનારું વાક્ય બોલ્યો, "આ પ્રેમ-બ્રેમ બધું ભવાડા છે.. કાર્ડ લઈને ફરતા લુખ્ખાઓને તો લાકડીએ લાકડીએ ઢીબવા જોઈએ.." અમે ફાટી આંખે એની સામે તાકી રહ્યા. અમે કંઈ પૂછીએ એ પહેલા આંસુભરી આંખે એણે કહ્યું, "એક કુત્તો ગઈ કાલે સવાર સવારમાં મારી અગિયારમું ભણતી નાની બહેનને 'આઈ લવ યુ'નું કાર્ડ આપી ભાગી ગયો." ઓહ! અમે તો બે ધબકાર ચૂકી ગયા. એ પછી એણે પ્રેમ, આકર્ષણ, વાસના, લુખ્ખાગીરી વગેરે વિશે ઘણો આક્રોશ વ્યક્ત કર્યો. કાલ કરતા આજના એના અવાજનું ઊંડાણ અને રણકો વધુ સાચો અને પરિપક્વ હતો.

મિત્રો, દરેક સોસાયટીમાં ધ્યાનથી જોશો તો બે ત્રણ ઘર એવા મળી આવશે જેની દીકરી કે દીકરાએ છાનામાના કે ફેમિલીની ઈચ્છા વિરુદ્ધ કે ભાગીને પ્રેમ લગ્ન – લવ મેરેજ કર્યા હશે. આવા પરિવારોના મોભીનો ચહેરો તમે ધ્યાનથી જોયો છે? શું જોવા મળે છે? ખુમાર કે રંજ? ઉત્સાહ કે હતાશા? ગૌરવ કે નામોશી? જીવનના બે દાયકાઓ સુધી મમ્મી-પપ્પા-ફેમિલીના ‘સાચા-પવિત્ર-શુદ્ધ પ્રેમ’ ના ઘૂંટડા પી-પીને જુવાન થયેલા દીકરો કે દીકરી બે અઠવાડિયા કે બે મહિનાના ‘અધૂરિયા-અપરિપક્વ અને ક્યારેક બનાવટી’ પ્રેમના બે ટીપાનો સ્વાદ ચાખી ભાન ભૂલી જાય એ કેવી ‘નાદાની? કે પછી નીચતા? પ્રેમ વગરના લગ્નજીવન એ જૂની લગ્ન વ્યવસ્થાની ખામી સમાજના ધ્યાનમાં આવી એટલે જ તો બે પાંચ ટકા અતિ રૂઢિચુસ્ત ફેમિલીને બાદ કરો તો પંચાણું અઠ્ઠાણું ટકા પરિવારો પોતાના સંતાન માટે એને ગમે એ મુજબના, બંને પરિવારમાં શોભે એવા, બંને ફેમિલીની સારસંભાળ રાખે એવા, જવાબદાર, સમજદાર જીવનસાથીની જ પસંદગી અને એ પણ સંતાનને પૂછીને એની મરજીથી જ કરતા થઈ ગયા છે ત્યારે પ્રેમના નામે ચાલતું આ ‘પાગલપન’ શું આજના સુધરેલા સમાજના ગાલ પર ‘તમાચો’ નથી?

જેમ અરેન્જડ મેરેજમાં આખો સમાજ આવીને કપલના પરિવારને ‘અભિનંદન’ આપે છે એમ શું પ્રેમી પંખીડાઓના માતા પિતાને કોઈએ ‘બિરદાવ્યા’ ખરા? શું એ પરિવારની બીજી દીકરીને એક દીકરીના ‘પ્રેમ લગ્ન’ થવા બદલ સારા મુરતિયાઓના ફેમિલીએ હાયર પ્રેફરન્સ આપ્યું ખરું? શું પ્રેમી પંખીડાના માતા પિતાનું એની સોસાયટી, જ્ઞાતિ કે સમાજ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ખરું? જી ના. એનો અર્થ એ થયો કે લવ મેરેજનો આ કન્સેપ્ટ સોશ્યલી સર્ટીફાઇડ નથી. તમારા લગ્નમાં તમારું ફેમિલી ગેરહાજર રાખશો તો તમારા બાળકો પણ એમના લગ્નમાં તમને ગેરહાજર રાખશે એની ખાતરી અને તૈયારી રાખજો. એ સમયે પણ સમાજ તમારી સામે જે પ્રશ્નાર્થ નજરે જોશે એ નજરને પણ માતા-પિતાના અરમાનોને સાચી શ્રદ્ધાંજલિ સમજી આદર પૂર્વક સ્વીકારવાની તૈયારી રાખજો.

જોકે એવા ઘણા કપલ્સ છે જેમણે પોતાના ‘લવેબલ’ની યોગ્યતા અંગે બંને પરિવારોને ખુબ ધીરજપૂર્વક, પ્રેમથી, કોઈ પણ જાતની ઘાક-ધમકી વગર કન્વીન્સ કર્યા હોય અને બંને ફેમિલીએ રાજીખુશીથી એ લવ-મેરેજને ‘અરેન્જ’ કરવાનું, સમાજ સર્ટીફાઇડ બનાવવાનું કાર્ય કરી ખૂબ હરખનો અનુભવ કર્યો હોય અને સમાજે પણ એ આખા પરિવારને એની ‘સમજદારી’ બદલ બિરદાવ્યો હોય. શું લાગે છે? વહેતી હવા જેવો પવિત્ર અને ફ્લેક્સીબલ, ઉડતી પતંગ જેવા હાઈ થીંકીંગવાળો, ખીલતા ગુલાબ કે ઉજલી કિરણ જેવો ઈશ્વરીય સ્પર્શ ધરાવતો, જેના પગલાં ચમનમાં થવાના હોવાથી ડાળીઓ ગરદન ઝુકાવી દે અને ફૂલડાંઓ નજર નીચી કરી લે, એવો અલબેલો, મસ્તાનો આજનો યુવા વર્ગ એના માતા-પિતા અને ફેમિલીની ફીલિંગને, આબરુને, પ્રેમને સન્માનિત કરવાનું સાહસ કરી શકશે?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED