Pane of Naravishwa Kalma - Issue 18 - Editing - Darshana Vyas books and stories free download online pdf in Gujarati

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 18 - સંપાદન - દર્શના વ્યાસ

વાર્તાવિશ્વ -કલમનું ફલક
ઇ - સામાયિક અંક – ૨૩
જાન્યુઆરી– ૨૦૨૩
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'











સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જનછે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધ રૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓ ના
'વાર્તાવિશ્વ-કલમનુંફલક' ઇ - સામાયિકઅંક - ૨૩
સંપાદક:
દર્શનાવ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com





એડિટર ટીમ:
રસિક દવે, સ્વાતિ શાહ, વૃંદા પંડ્યા, ચિરાગ બક્ષી
ગ્રાફિક્સ: ઝરણા રાજા, બ્રિજ પાઠક
ચેતવણી:આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.
પ્રસ્તાવના
કેવો યોગાનુયોગ છે! ૨૦૨૩નાં પ્રથમ માસમાં જ આપણા વાર્તાવિશ્વ મેગેજીનનો ત્રેવીસમો અંક આવી રહ્યો છે. એક વાર્તામાં શું હોવું જોઈએ? વાર્તાતત્વ તો ખરું જ, સાથે ઘટના, પાત્ર, પરિવેશ, સંવાદ અને શૈલી આ પણ વાર્તાનાં મુખ્ય ઘટકો છે. આ વખતે આપણા કલમવીરોએ આ મુખ્ય ઘટકો આધારિત વાર્તા લખવા એમની કલમ કસી છે. કેટલીક વાર્તાઓ અદ્ભુત અને રોમાંચક ઘટનાસભર છે, તો કેટલીક વાર્તાનાં પાત્રો દિલ જીતી જાય છે. અમુક વાર્તાનાં સંવાદ હ્રદયને સ્પર્શનારા છે. રસાળ શૈલીની ઘણી વાર્તાઓ વાંચવાની બધાંને મજા આવશે. તો વળી, કોઈક નવાં જ પરિવેશમાં વાર્તા લઈને આવ્યું છે.

શિયાળો જવું જવું કરે છે ત્યાં માવઠાનાં વરસાદથી હવામાન પલટાયું છે. બહાર ગમે તેવું વાતાવરણ હોય આ અંકની વાર્તાઓ એક હૂંફ ચોક્કસ આપશે જ. આવો, આ વાર્તાકારોની વાર્તાઓને માણીએ અને વધાવીએ. ભાવકમિત્રો, તમારાં અમૂલ્ય પ્રતિભાવથી એક પણ વાર્તા ભીંજાયા વગર ના રહે તેનું ધ્યાન રાખજો.






હિમાંશુ ભારતીય
















સંપાદકની કલમે

નમસ્કાર મિત્રો,
વાર્તાવિશ્વ-કલમનું ફલક તેના ત્રણ વર્ષમાં અને આ સમાયિકનાં બે વર્ષ પૂરા કરવાની નજીક જઈ રહ્યુ છે ત્યારે તેના સર્જકો પણ એકમેક સાથે લાગણીથી જોડાયેલા રહ્યાં છે.આ સ્નેહતંતુ એક બીજાને સરાહે, શીખવે, સુધારે. એકની સિદ્ધિ આખા પરિવારની બની જાય અને ખુશી એ સામુહિક બની રહે. સંયુક્ત કુટુંબ જેમ જ જોડે છે વાર્તાવિશ્વ પરિવારનાં સર્જકોનું સંયુકત સર્જન. એક જ વિષય ઉપર અલગ કલમની છાપ જે નોખી નોખી વાર્તાઓની ભાત લઈ આપ સૌ વાચકો પાસે પોતાની વાર્તાની એક જાદુઈ અસર મૂકી જાય છે. આ અંકમાં કયું પાત્ર તમારે હૃદયે વસ્યું તે જાણવું ગમશે, તો વાચકો તમારા પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.

અસ્તુ...

દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
7984738035
Email: darshanavyas04@ gmail.com












અનુક્રમણિકા

૧) આડત્રીસમું વર્ષ દીના વછરાજાની
૨) ભૂખ લાયગી જાગૃતિ, 'ઝંખના મીરાં’
૩) મૂઈ દર્શના વ્યાસ 'દર્શ'
૪) વૃદ્ધાશ્રમમાં મેહકી વસંત વર્ષા પટેલ b@rish
૫) નણંદ લીલા ચૌહાણ
૬) ઘંટડી નિમિષા મજમુંદાર
૭) પાનખરમાં લીલાશ ઋતંભરા છાયા
૮) ઋતુપરિવર્તન લીના વછરાજાની
૯) મને મારામાં હું જડી પદ્મજા વસાવડા
૧૦) અપરાધ સ્વાતિ મુકેશ શાહ
૧૧) પશ્ચાતાપ શૈલેશ પંડ્યા
૧૨) મા મનિષા એમ.પટેલ "પ્રેરણા"




લેખક: દીના વછરાજાની
વાર્તાવિશ્વ કલમનું ફલક
વિષય: ઘટના આધારિત
શીર્ષક : આડત્રીસમું વર્ષ.
dinavachharajani@gmail.com

બાથરૂમમાંથી નાહીને નીકળી પોતાના રુમમાં જતાં નિશાબેનને કાને મુગ્ધાનો કંઇક ગણગણતો અવાજ કાને પડ્યો. એના રુમમાં અછડતી નજર નાંખતા એ અરીસામાં જોઇ તૈયાર થતી નજરે પડી. મુગ્ધાની પ્રસન્નતાનો ચેપ એમને લાગ્યો હોય તેમ એમનાં મુખ પર પણ એક આછેરું સ્મિત રમી રહ્યું.
' આજનો દિવસ તો મુગ્ધા માટે , અરે ...મારા માટે પણ ખાસ છે. આ શુભ દિવસની મુગ્ધાથી પણ વધુ મને જ તો રાહ હતી.'
આમ વિચારતાં વિચારતા એમણે ભગવાનની છબી પાસે દિવો કરવા મંદિર ખોલ્યું તો સામે જ મુગ્ધાનાં જન્માક્ષર પડેલા દેખાયા. એમને આજે બનનારી શુભ ઘટનાની જાણે કે ખાત્રી જ થઇ ગઇ હોય એમ એમણે ભાવપૂર્વક માથું નમાવ્યું, દેવની સાથે સાથે પોતાના અને મુગ્ધાનાં મનમાં આ પ્રસન્નતાના બીજ વાવનાર પોતાના ગુરુને પણ વંદન કરી લીધાં.

હજી બે મહિના પહેલાં જ મુગ્ધાનાં જન્મદિવસે પોતે એને પરાણે ગુરુજી પાસે લઇ ગયેલાં. જન્માક્ષર બતાવવા જ તો ! ગુરુજીએ ભવિષ્ય ભાખેલું કે આ આડત્રીસમું વર્ષ એને માટે શુભ ઘટનાઓ લઇને આવવાનું છે. આડત્રીસમે વર્ષે એક કુંવારી છોકરી માટે એક યોગ્ય મૂરતિયો મળવાથી વધુ શુભ તો શું હોય? મુગ્ધા સુંદર, ભણેલી, સ્માર્ટ, કમાતી-ધમાતી છોકરી હતી. હજી ભણતી હતી ત્યાં જ પિતાનું દેહાંત થતાં મા-દીકરી એકલા પડી ગયાં હતાં. કંઇક મમ્મીની ચિંતા અને કંઇક પોતાની અપેક્ષાને આંબતા સાથીની શોધમાં એ આડ્ત્રીસમાં જન્મદિવસને આરે પહોંચી ગઇ હતી. પંદરમે દિવસે જ ગુરુ વચનને સાર્થક કરતી વાત બની. એક લગ્ન વિષયક સાઇટ ઉપર એને કોઇ મિતુલ શાહનો મેસેજ મળ્યો. એને મુગ્ધાનો પ્રોફાઇલ ખૂબ જ ગમ્યો હતો. મુગ્ધાને પણ મિતુલની બધી વિગતો ખૂબ અનુકૂળ લાગી. એ એન્જીનીયર હતો, કેનેડામાં સેટલ હતો. માતા-પિતાનું મૃત્યુ થયું હોવાથી એકલો હતો અને ખાસ તો ચાલીસ વર્ષે કુંવારો હોવાથી હવે તીવ્ર પણે કોઇ સાથીને ઝંખતો હતો. બન્ને ચેટથી આગળ વધી એકબીજાને વોટ્સએપ પર કોલ કરી લાંબી વાત કરતા પણ થઇ ગયાં હતાં. મિતુલ કોરોનાકાળમાં ભારતમાં જ લાંબો સમય ફસાઇ રહ્યો હતો એટલે એનો ઇન્ટરનેશનલ રોમીંગ ફોન નંબર પણ અહીંનો જ હતો. આ પરિસ્થિતિમાં એ પાછો જલ્દી ભારત તો ન આવી શકે એ સમજી શકાય અને એટલે જ એક મુલાકાત વગર કંઇ પણ નક્કી કરવાને મુગ્ધા અચકાતી હતી. નિશાબેનને પણ આ પાત્ર ખૂબ અનુકૂળ લાગતું હતું, બસ મિતુલનાં આવવાની રાહ હતી.એ શુભ ઘડીની વધામણી ધાર્યા કરતાં જલ્દી જ મળી. આજે મિતુલ ભારત આવી રહ્યો હતો.

મોડી બપોરની ફ્લાઇટ હતી એટલે મુગ્ધા લંચ પછી રજા લઇ એરપોર્ટ જવાની હતી. ઓફિસમાં એનું બેચેન મન ઠરવા દે એમ ન હતું. મુગ્ધાની અધીરાઇ જોઇ એની બે ખાસ સખીઓ સવારથી જ ટીખળે ચડી હતી. લંચ પતાવી મુગ્ધા ચેઇનજીંગ રુમમાં તૈયાર થતી હતી ત્યાં જ એનો ફોન રણક્યો...મુગ્ધાએ ફોન ઉપાડ્યો. મિતુલની ફ્લાઇટ લેન્ડ થઇ ચૂકી હતી. હવે એ ખૂબ પાસે હતો. ઓફિસથી પાંચ કિલોમીટરે આવેલા એરપોર્ટ પર જ..ધડકતાં દિલે એ માંડ "હેલ્લો "બોલી ત્યાં ખુશીથી છલકતો મિતુલનો અવાજ કાનમાં ઠલવાયો.
" હેલ્લો ડાર્લિંગ, હું માની જ નથી શકતો કે હું મારી સ્વપ્નસુંદરીથી આટલો નજીક છું! બસ,થોડી ઘડીઓ અને આપણે સાથે હશું!પણ ડીયર,એક મોટો પ્રોબ્લેમ થયો છે.મેં લાવેલી વસ્તુઓ કસ્ટમમાં ક્લીયર કરવા મારે પંદર હજાર રુપિયા ચૂકવવા પડશે. કોઇ કારણે મારું ડેબીટ કાર્ડ નથી ચાલી રહ્યું તો તું આ એરપોર્ટ ઓથોરિટીનાં નંબર પર પૈસા મોકલશે ? એનું નામ ખૂશ્બુ છે. જે મારા એક ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ હોવાને નાતે મને મદદ કરી રહી છે."
સૂચના મુજબ પૈસા મોકલી એ નીકળતી હતી ત્યાં પાછો ફોન આવ્યો " સોરી ડાર્લિંગ,આ લોકોની ગણતરીમાં ભૂલ હતી. હજી બીજા વીસ હજાર જોઇશે. તને તકલીફતો નહીં પડે ને ? બહાર આવી હું તરત જ મારી બેંકનો કોન્ટેક્ટ કરું છું. અને હા...હજી ફોરમાલીટીમાં થોડો સમય લાગશે એવું લાગે છે." આ વખતે થોડાક કચવાટ સાથે એપથી પેલા નંબર પર પૈસા મોકલી એ એની સખીઓનાં ટેબલ તરફ પહોંચી જ હતી ત્યાં પાછો મિતુલનો ફોન આવ્યો.
આ વખતે મિતુલનાં, "હેલ્લો,અહીં વાત કરની "સૂચના પછી કોઇ સ્ત્રીનો અવાજ કહી રહ્યો હતો કે મિતુલતો સોનાનો કિંમતી એવો સેટ પણ લાવ્યો છે જેની ડ્યૂટી લેખે લાખ રુપિયા જોશે. કંઇક મૂંઝાએલી મુગ્ધાએ પૈસાની વ્યવસ્થામાં થોડીવાર લાગશે કહી ફોન મૂક્યો. આખી વાત સાંભળી એની સખીઓને કંઇ શંકા પડી. મુગ્ધાને પણ કંઇ અજુગતું તો લાગ્યું. એક કલીગની સલાહથી એમણે તરત જ એના ડીટેક્ટીવ એજન્સીમાં કામ કરતાં દોસ્તનો સંપર્ક કર્યો જેની પાસે ફોન નંબરથી તેના લોકેશનની માહિતી આપતી એપ હતી.પંદરમી મિનેટે ડીટેઇલ મળી કે આ ફોનનું કરન્ટ લોકેશન મુંબઈ નહીં પણ છેલ્લાં થોડા દિવસોથી દિલ્હી જ બતાવે છે. મતલબ કે કોઇ મુગ્ધા સાથે મોટી છેતરપીંડી કરી ગયું છે. સૌ સ્તબ્ધ અને મુગ્ધા તદ્દન હતપ્રભ હતી.દોસ્તોનાં આગ્રહથી પોલીસ રીપોર્ટ કરી ઘર તરફ જતી મુગ્ધાનું અસ્તિત્વ જાણે હીબકાં ભરતું હતું. મમ્મીને જોતાં સાચે જ હીબકાં અને ડૂસકાં વચ્ચે એ માંડ વાત કરી શકી.લાગણીઓની ભીંસ વચ્ચે મમ્મીનું આશ્વાસન પણ એને સ્પર્શી નહોતું રહ્યું. રુદનનું સ્થાન હવે આક્રોશે લીધું
" મમ્મી, આજે જે ઘટ્યું એ શું શુભ હતું? હવે મને કોઇ ભવિષ્ય જાણવામાં રસ નથી. આડત્રીસ શું અડસઠ વર્ષની થાઉં તોય હવે મારે પરણવું નથી. હમણાં જ હું લગ્નવિષયક વેબસાઈટ પરથી મારો એકાઉન્ટ ડીલીટ જ કરી નાંખુ છું.
"ગુસ્સા અને હતાશા ભરી એની પીઠને નિશાબેન એક નિસાસા સાથે તાકી રહ્યાં. કંઇક સૂઝતાં એ મંદિર પાસે આવ્યાં.દીવો- ધૂપસળી પ્રગટાવી એ મુગ્ધાની પાછળ એના રુમમાં આવતાં બોલ્યાં
" તારું પત્યું? હવે મને સાંભળ...મારા નાથે જ આપણી લાજ રાખી છે.વાત ખોટી વ્યક્તિ સાથે આગળ વધે એ પહેલાં જ એણે પૂરી કરી દીધી.આ શું શુભ નથી ?
કોઇ મુસીબત સામે હોય ત્યારે તારા પપ્પા કહેતાં, એ છે ને ! આ શ્રધ્ધા, આશા,પોઝીટીવીટી જ તો આપણને જીવવાનું બળ આપે છે..." આ બોલાતાં શબ્દો સાથે મુગ્ધા ક્યાંક પાછળ સરતી ગઇ...શાળાના ખંડમાં એક છોકરી,બે ચોટલાં આગળ ઝૂલાવતી,હાથ જોડી, બંધ આંખે પૂરી તન્મયતાથી પ્રાર્થના ગાઇ રહી છે
,"હમ કો મનકી શક્તિ દેના..."આપોઆપ જોડાયેલા હાથ સાથે 'સ્વ' સાથેનું અનુસંધાન પણ જોડાતું એણે અનુભવ્યું. થોડીવારે આંખ ખૂલતાં એણે લેપટોપ ખોલી મેટરીમોન્યલ સાઇટ પર લોગઇન કર્યું. પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવા નહીં પણ કોઇ નવો સારો પ્રોફાઇલ આવ્યો છે કે નહીં એ જોવા !

લેખન-જાગૃતિ, 'ઝંખના મીરાં'*
*ઘટના આધારિત*
*kishanmuliya2@gmail.com*
*શીર્ષક- ભૂખ લાયગી*
ડિસેમ્બર આખો તેનો મુળ મિજાજ બતાવવા તત્પર હતો. તેમાં પણ આજે તો 31મી ડિસેમ્બર લોકો ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેનાં વધતાં-ઓછાં અંશે ભોગવેલાં સોશિયલ ડિસ્ટન્સથી છૂટેલાં આઝાદ પરિંદા જેવાં બની ચૂક્યાં હતાં. બાઇક્સને પૈડાંનાં સ્થાન પર પાંખો આવી હોય તેમ દોડવાને બદલે પાછળ બેઠેલ સાથીદારનાં પેટમાં ગલગલિયાં કરાવતી કોઈ ને કોઈ પબ, કાફે કે ડિસ્કોથેક તરફ ઊડી રહી હતી. કારનાં પૈડાંની ગતિ નીચે જાણે રસ્તો કપાવાને બદલે કચડાઈ રહ્યો હતો! આ દેશનું એ ધનિક યુવાધન હતું, જેની આંખો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની પટ્ટી બંધાઈ ચૂકી છે. જે ઇન્ટરનેટની આંટીઘૂંટીઓમાં ખુદને ખોઈ બેઠાં છે અને જેમની અંદર શરાબની તરસ અને વાસનાની ભૂખ ભારોભાર ભરેલી છે!
અચાનક જ એક જતાં વર્ષ ૨૦૨૨ની ઉજવણીમાં પેટમાં ક્ષમતાથી વધારે આલ્કોહોલ રેડીને નશામાં ધૂત બનેલ નવલોહિયાએ મોંઘીદાટ કારનાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો! કાર પોતાના માટે દોરાયેલ મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગી ગઈ અને ફૂટપાથ પર ફેંકેલ કચરામાં જિંદગી શોધનારની ચીસ પર ચડી બેઠી.
કડકડતી ઠંડીએ લીધેલાં કબજાની કે પેલી રૂંધાયેલી ચીસની ડિસ્કોથેકમાં હિટરથી ગરમ બનાવેલ વાતાવરણનાં ગરમાવા સાથે નાચતી અર્ધનગ્ન કાયાઓને કોઈ અસર ક્યાં હતી? તેમને તો બસ બેફામ ઢીંચવું હતું અને આડેધડ નાચવું હતું. કારણ આજે જતું ૨૦૨૨ બન્યું હતું. શોરબકોર અને શેમ્પિયન છોળો આતુર હતી ૨૦૨૩ને આવકારવા!
આ તરફ ઝૂંપડપટ્ટીની વસાહતમાં ચારે તરફ નર્યા સૂનકારનું સામ્રાજ્ય હતું. એકલદોકલ કૂતરું ઠંડીનો સામનો કરવા અસમર્થ થાય ત્યારે કાવકા નાખી રડી લેતું હતું. ચીંથરેહાલ ગોદડું એક જણની જ ઠંડી રોકે તેમ હતું. ઝૂંપડીમાં બે શરીર થથરતાં હતાં. મંગુએ છ વર્ષની જીવલીની માથે ગોદડું નાખી દીધું. પોતે સંકોચાઈને પડી રહી.
ઠંડી તો મંગુને અને બહિર્ગોળ થયેલાં પેટમાં પાંગરતાં જીવ બેયને લાગતી હતી પણ સાથે મંગુને બીક એ લાગતી હતી કે જીવલી જો ઉઠશે તો બોલશે,
"ભૂખ લાયગી..!" પણ ઘરમાં કશું જ હતું નહીં.
માંડ ફોસલાવીને સુવડાવી હતી કે
'હમણાં બાપુ આયશે ને આજે તો ઈ તારી સારુ કેક લાવશે. જીવલી આશાથી ઠરેલ પેટ અને તેને લીધે ચહેરા પર સંતોષ આંજીને સૂઈ ગઈ હતી.

મંગુને તો ભૂખ અને ઠંડી બેય બાળતા હતાં. કરસન, જીવલીનો બાપ એટલે કે મંગુનો પતિ કચરો વીણીને કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો. મંગુની કાળા કુંડાળાથી ઘેરાયેલ ઊંડી આંખો ઝૂંપડીનાં દરવાજાની સંધમાં તાકતી પડી હતી.
"આજે તો મોજ છે મંગુ, જોજે રાતે!" કરસન બોલેલો.
"કેમ મોજ શેની? તમને કોઈ લોટરી લાગવાની સે? તી આમ હરખપદૂડા થ્યાં સો!" મંગુએ પૂછ્યું.
"લે, બોલ! તી તને નય ખબર? આજ તો વરસનો સેલ્લો દિવસ સે, ને કાલથી નવું વરસ ચાલુ થાસે. તે આજ તો કચરો વીણવામાં આરો નય એટલી બોટલું ભેરી થાસે ને હું એમાંથી વધેલી જિરી-જિરી ભેગી કરીશ એક બોટલમાં ને એમાં જિરીક નાખી દય દેસી..ને પછી વિદેશી સે એમ કઇસને, એટલે ઓલો ચનિયો લઈ જાસે સારા એવાં ભાવે. એટલે મોજ..!તને ખવડાવીસ ગાંઠિયા" એમ બોલી પછી મંગુનાં ઉપસેલાં પેટ પર હાથ ફેરવ્યો. પછી ખૂણે રમતી જીવલી સામે જોઈ બોલ્યો.
પ" આ જીવલી સારું કેક લય આવવાનો હો! સમજી?" કરસને પત્નીને જાણે રહસ્ય સમજાવ્યું.
આખું વર્ષ ઢસરડા કરતાં કરસનને આ છેલ્લો દિવસ ફક્ત આ કારણથી ગમતો કે તે દિવસે ઓછી મહેનતે વધુ પૈસા મળતાં!
આ બધાં વિચારોમાં ઝોકે ચડી ગયેલ મંગુને સહેજ પગરવ થતાં તે સફાળી બેઠી થઈ. તેને એમ થયું કે હાશ..કરસન આવ્યો. ગાંઠિયા ખાવા મળશે ને પછી જીવલીને ય ઊઠાડીને કેક ખવડાવશે.
પોતે કરસનને છેલ્લાં એક મહિનાથી મદદ પણ નથી કરી શકતી. બે જીવ સો'તી હતી ને!
"નાનો કરસન આવે તો એનું નામ કિશન પાડવું હો ને મંગુ!" કરસન હરખાતો અને મંગુ શરમાઈને પોરસાતી.
"હવે ઝટ સૂટી થાવ તો હું ય મરી કામે જાવ. તો કઈ બે ટંક સરખું ખાઈ-ખવડાવી સકીયે. તમે એકલાં તૂટી જાવ તોય મોંઘારતમાં મેળ ન આવે."
ના હો, હવે કિશન આવે પસી હું બમણી મજૂરી કરીસ પણ તારે તો રાજ જ કરવાનું! ઈનાં જનમનું સારું સકન (શુકન) થાશે ને મને એક કારખાનામાં રોજમદારની વાત હાંલે ઈ પાકી થઈ જાસે. આવતાં વર્ષે તો સંધુય સારું થાસે! બસ હવે આ વરસ વીતી જાય તો સારું." કરસનનું બોલેલું મંગુને પેટમાં કિશનની લાત વાગી તો યાદ આવી ગયું. ત્યાં તો ઝૂંપડી બહાર દેકારો વધ્યો.
મંગુ તૂટું-તૂટું થઈ રહેલાં, માંડ અટકાવેલ જેવાં દરવાજે ગઈ. પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે શેરીનાં લોકો ટોળે વળ્યાં હતાં. બધાં આઘાપાછાં થયાં તો વચ્ચે કરસન! મંગુની આંખોનાં કાળાં ડોળાં ફાટી પડ્યાં. છૂંદાઈ ગયેલાં મોઢા પર ફાટીને બહાર આવી ગયેલ ડોળાંવાળાં કરસનને જોઈને જ તો!
ટોળામાંથી કોઈ બોલ્યું, "બહુ ભૂંડુ થાશે ઈનું જેણે બિચારો ફૂટપાથ પર બોટલું સરખી કરતો'તો ન્યાં લગણ દારુ ઢીંચીને આના પર ગાડી ફેરવી દીધી."
કરસનનાં છૂંદાયેલ ચહેરા નીચે મંગુની તો જાણે જિંદગી પણ કચડાઈ ગઈ. તેણે કાળી મરણપોક મૂકી, "રે...મારા કિશનનાં બાપુ..!"
ઝૂંપડીનાં દરવાજે જ મંગુ ફસડાઈ ગઈ. તેને અર્ધ બેભાન હાલતમાં વેણ ઊપડી ગઈ. નીચે થયેલ લોહીનો ઢગલો જોઈ પાડોશની સ્ત્રીઓએ મંગુને ઘેરી વળી ચાદરની આડમાં લીધી. પાંચ મિનિટ થઈ ત્યાં કિશનનો જનમ થયો. તેણે "ઉંવા... ઉંવા..."કર્યું.
અંદર ઝૂંપડીમાં જીવલીએ ગાંગરો ઘાલ્યો,
"ભૂખ લાયગી..!"
આકાશ આતશબાજીથી ઝગમગ્યું, 2023..!

વાર્તાવિશ્વ કલમનું ફલક
લેખન: દર્શના વ્યાસ 'દર્શ'
વિષય:પાત્ર આધારિત
શીર્ષક: મૂઈ


"મૂઈ રસ્તાં વચ્ચે જ મરી! હવે પોલીસ તેનાં કાગળ-પત્તર પૂરા નહિ કરે ત્યાં લગણ આ રસ્તો બંધ.
મૂઈ ક્યાંય આઘે જઈને ન મરી." મુખી ચલમનો કશ લેતાં બેફિકરાઈથી બોલ્યો, તેમના મન રોડ એક્સિડન્ટ રોજ બનતી સામાન્ય ઘટના હતી.
જોકે તે મરી કે જીવી તેનાથી તેનાં સહિત કોઈને ફરક નોહતો પડ્યો.
જન્મી ત્યારથી જ મૂઈ નામ એટલીવાર સાંભળ્યું કે મૂઈ જીવતી છે એ અહેસાસ જ મરી પરવાર્યો. મોંઘી પોતાનું જ નામ છે એ પોતે પણ ભૂલી ગઈ હતી.
જન્મતાં જ મા મરી એટલે 'મૂઈ મા ને જન્મતાં વેંત જ ખાઈ ગઈ.' એ મહેણાં સાથે મોટી થતી મોંઘીનું જીવતર સાવકી મા એ તો આવતાં જ મૂઈ જેવું કરી દીધેલું.
'મૂઈ, મા ભેગી મરી નહિ અને મારાં માથે પડી." જરા મોટી થઈ ત્યાં તો કાદવમાં કમળ ખીલે તેમ જુવાની ખીલી ત્યારે પણ
"મૂઈને જવાની તો જો ચઢી છે." કહેતાં દાનતખોરો જ નહીં પણ ભલભલાની નજર તેનાં પરથી ન હટતી. વળી, વર મળ્યો તોય એવો કે, 'મુઈનાં નસીબમાં સુખ જ નહીં. મૂઈ વાંઝણી રહી.'
કલાક થયો, મૂઈ રસ્તા વચ્ચે રિબાઈને પડી હતી ત્યારે માંડ સરકારી દવાખાનાની એંબ્યુલન્સ આવી. દવાખાનામાં દાખલ કરતાં બીજું તો કોણ હતું પીધરા ધણી સિવાય ! જે પી ને પડ્યો હશે કોઈ ખૂણામાં. પોલીસ સાથે દવાખાનામાં દાખલ કરવા મુખી આવ્યો ત્યારે મુઈનું નામ યાદ કરવા કે જાણવાની મુખીને ક્યાં દરકાર હતી તેને મન તો, 'મૂઈનું તે વળી શું નામ કે કામ?' તે દવાખાને મૂઈ જ રજીસ્ટર થઈ.
થોડી સારવાર પછી આજે તેને થોડું સારું હતું. બાજુનાં ખાટલે પૂરાં મહિને વેણ ઉપડેલી બાઈ રિબાતી હતી તેની બૂમે મોંઘીની સવાર પડી. મોંઘી તેના ઉપસેલા પેટને જોઈ રહી, તે સાથે જ વર યાદ આવ્યો. 'હું અહીં દવાખાને કેમ પહોંચી? ક્યારે પહોંચી? મુંને જ નઈ ખબર તે તીને ક્યાંથી ખબર, ઈ તો પડ્યો હશે પી ને..! ઈ ને જો મારી ભાળ હોત તો...' મોંઘીનો હાથ પોતાનાં ખાલી પેટ ઉપર અને નજર બાજુનાં ખાટલે પડી. તેની આંખ દડવા લાગી. નર્સ તે જોતાં દોડી આવી. "તમને કંઈ થાય છે? દુઃખે છે? કેમ રડો છો? ડો. સાહેબ આવતાં જ હશે."
મોંઘી આંખ લૂછતાં, "લે, વળી મૂઈ કોઈ દાડો રડે...મુઈને તે દુઃખને, સુખ કેવાં! આ તો તમે પૂછ્યું બાકી આજ લગણ કોને ફિકર તે મને પૂછે કંઈ થાય છે."
નર્સ આશ્ચર્યથી તેને જોઈ રહી અને વાતાવરણ હળવું કરતાં બોલી, " તમારું નામ મૂઈ આવું તે કોઈ નામ પાડે?" "નામ તો મોંઘી પણ જન્મારે મૂઈ કરી નાખી, આમ પણ આ જીવતર...
" મોંઘીની વાત વચ્ચેથી જ કાપતાં નર્સ બોલી, "હું તો તમને મોંઘી જ કહીશ. હવે તમે આરામ કરો." પણ મોંઘીનું ધ્યાન લેબર રૂમમાં લઈ જવાતી પેલી બાઈ તરફ હતું.
'બાઈ એ દીકરો જણ્યો હશે કે દીકરી? બહુવાર થઈ... હે માડી, બાઈનો ખોળો ખમ્મા રાખજે.'
મોંઘીની ધીરજ હવે ખૂટી રહી હતી. તેણે વોર્ડમાં પટાવાળો આવતાં જ પૂછ્યું, "આ ખાટલે ઓલી બાઈ હતી એણે દીકરો કે દીકરી શું જણ્યું? બહુ વાર લાગી બાઈ કેમ ન આવી?"
"ત્રીજી દીકરી જણી બાઈ સુવાવડમાં મરી ગઈ. છોકરીને ઘર વાળા ઘેર લઈ જવા તૈયાર નથી, કે છે બે તો માથે મારી ને ગઈ અને આ ત્રીજી જન્મતાં જ મૂઈ મા ને ખાઈ ગઈ. કોઈ અનાથ આશ્રમમાં મૂકવાનું બોલતાં હતાં."
"ભાઈ, જરી મારી ચાકરી કરે ઈ બુન ને બોલાવ ને, મારે અબધડી તીનું કામ સે."
"તમે મને બોલાવી મોંઘી બેન? શું થયું?"
"તમે મને મોંઘી કીધી, તો હવે મારે મૂઈ થઈ ને નથ મરવું અને ઓલી તાજી જન્મેલી સોડીને મૂઈ નથ થાવા દેવી. પટાવાળો કે'તોતો કે સોડીને તીના ઘરવાળા અનાથ આસરમાં મેલસે...તો ઈ કરતાં ઈ સોડી મૂને અપાવો. મુઈનું વાંઝીયું મેણું ભાંગસે ને સોડીને મા મળશે. મારે મૂઈ થઈ નહિ મરવું..મને આ ભવે જ નવો જન્મારો આલો.." મોંઘી બે હાથ જોડી વિનવી રહી.

મોંઘીની વાત સાંભળી કોશિશ કરવા ગયેલી નર્સ છેક સાંજે ફરતાં સુધીમાં તો મોંઘીનો જીવ તાળવે ચોંટેલો રહ્યો. નર્સેને આવતાં જ મોંઘી પુછી રહી, '
"નવો જન્મારો કે મૂઈની મૂઈ જ.."
નર્સ તેનાં સામું જોઈ હસી ઉઠી.

*લેખન :વર્ષા પટેલ b@rish*
*પરિવેશ આધારિત*
*શીર્ષક : વૃદ્ધાશ્રમમાં મેહકી વસંત*

મૌલિકભાઈ કોલેજમાં પ્રોફેસર. રોજ કોલેજ જતા રસ્તામાં આવતા વૃદ્ધાશ્રમને જોતા. એમના મનમાં સવાલો થતા કે ખરેખર અહીં પરિવારથી તરછોડાયેલા વૃદ્ધ કેવી રીતે રહેતા હશે? એમની મન: સ્થિતિ કેવી હશે? જે બાળકોને બાળપણમાં માતાપિતાએ પ્રેમ આપ્યો એમના માટે હવે ઘડપણ સમયે એમના ઘરમાં જગ્યા પણ નથી? બસ આ વિચારમાં તેઓ કૉલેજ પહોંચ્યા.
પટાવાળા મગન કાકા સામે જ મળ્યા અને બોલ્યા...સર,તમારા કાગળ મંગાવ્યા છે. મૌલિકભાઈને સ્મરણ થયુ કે મારા રિટાયર્ડ થવામાં હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. તેઓ કાકાને કાગળ આપી ફરી વિચારોમાં સરી પડ્યા...તેમની પત્ની મીરાનું થોડા મહિના પહેલા જ કોરોનમાં મૃત્યુ થયુ. યુવાનીમાં તડકો છાંયડો સાથે જોયેલો. બંનેને એકબીજાની આદત થઈ ગઈ હતી પણ હવે પત્ની વગર જીવવું... એમને અઘરું લાગતું હતું. 0દીકરો અને વહુ... ડોક્ટર બન્યા અને અમેરિકામાં સેટલ છે. તેઓ વિચારી રહ્યા કે....હું હવે નિવૃત્તિના આરે જ છું. નિવૃત્ત થયા પછી બાકી સમયમાં હું શું કરીશ? એવા વિચારોમાં ને વિચારોમાં સાંજ પડી ગઈ. મૌલિકભાઈ ઘરે જવા નીકળ્યા ફરી રસ્તામાં વૃદ્ધાશ્રમ જોતા એમના પગ થંભી ગયા.
બીજા દિવસે મૌલિકભાઈએ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા વિચાર્યું. વૃદ્ધાશ્રમમાં એન્ટર થતા જ એમણે એમની ઉંમરના ઘણા બધા સભ્યો જોયા. કોઈકના ચહેરા ઉપર પોતાના વહાલસોયા પુત્રે તરછોડી દીધાનું દુઃખ હતુ, તો કોઈના ચહેરા ઉપર પાનખરમાં હવે ખરી પડવાની તૈયારી જેવી ઉદાસીનતા હતી, તો એક યુગલ એવુ પણ હતું કે આવી પરિસ્થિતિમાં પણ તેઓ સાથે છે એની મજા માણતા હતા. તેઓ બધા જ સભ્યોને મળ્યા. તેમની કથની સાંભળી. ત્યાં એમને એક પોતીકાપણું લાગ્યું. નિવૃત થવામાં હજી બે મહિના બાકી હતા પણ આ બે મહિના તેઓ રોજ વૃદ્ધાશ્રમ જતા ત્યાં એમના ઘણા મિત્રો બની ગયા. દરેકના મોઢે સ્નેહાબેનના વખાણ સાંભળ્યા. સ્નેહા બેન વૃદ્ધાશ્રમનું સંચાલન કરતા હતા. સ્નેહા નામ સાંભળતા જ મૌલિકભાઈએ કંઈક અનોખી લાગણી અનુભવી. સ્નેહા નામ સાંભળતા તેમના શરીરમાં ઠંડી હવાનુ લખલખું પસાર થઈ ગયું. જાણે રણમાં કેટલાય ગુલાબ ખીલ્યા હોય એવો અનુભવ થયો. જાણે જૂની ધૂળ ચઢેલી ડાયરીમાંથી સુકુ ગુલાબ મળ્યું હોય એવું એમને લાગ્યું. સ્નેહા નામની મહેક શ્વાસોમાં ભરી મૌલિકભાઈ ઘરે પહોંચ્યા.
ઘરે પહોંચી જમી પરવારી બારી પાસે બેઠા અને પોતાના વસંતના વૈભવમાં સરી પડ્યા. પોતાના કોલેજના દિવસો યાદ આવી ગયા. સ્નેહા યાદ આવી ગઈ. વેલેન્ટાઈ ડે ના દિવસે એને પ્રપોઝ કરવાની તૈયારી કરી લીધી હતી. કદાચ સ્નેહા પણ જાણતી હતી કે હું એને ચાહું છું પણ મારુ દુર્ભાગ્ય કે વેલેન્ટાઈ ડે ના દિવસે જ પપ્પાની તબિયત લથડી. હું કોલેજ ના જઈ શક્યો. મારા અરમાનો પર ઠંડુ પાણી ફરી વળ્યું. મીરા જે પપ્પાના બિઝનેસ પાર્ટનરની પુત્રી હતી. તેઓ એમને વચન આપી ચૂક્યા હતા કે મીરા આ ઘરની પુત્ર વધૂ બનશે. છેલ્લા શ્વાસે મીરા વિશે કહીને મીરા સાથે લગ્ન કરવાનું વચન લઈ પપ્પા સ્વર્ગે સીધાવ્યા. આ ઘટના પછી હું એવો તો તૂટ્યો કે ત્યાર બાદ હું સ્નેહાને મળ્યો જ નહીં. એણે પણ કદાચ એ દિવસે મારી રાહ જોઈ હશે...! અને..
પછી મને કેટલાય દોષ દીધા હશે. બેવફા સમજયો હશે. એનું પણ દિલ તૂટ્યું હશે. એ પણ પછી મને મળી જ નહીં. આજે એ શહેર છોડ્યાને પણ પચ્ચીસ વર્ષ થઈ ગયા.

સવાર થતા મૌલિકભાઈ કોલજ જતા વૃદ્ધાશ્રમમાં જઈ મિત્રોને કહે છે. હું ફેબ્રુઆરી માસના અંતે નિવૃત્ત થવાનો છું.એકલો ઘરે શું કરીશ મારે અહીં તમારી સાથે રહી તમારી મદદ અને સેવા કરવી છે. મિત્રો એ કહ્યું સ્નેહા બેહેનને મળો એ જ તમને માર્ગદર્શન આપશે. વૃદ્ધાશ્રમનું સંચાલન એ જ કરે છે તેથી. તમારે એમને મળવું પડશે.

મૌલિકભાઈ સ્નેહાને મળવા ગયા. સ્નેહાને જોતા મૌલિકભાઈ અવાક જ બની ગયા. સ્નેહા તું અહીં વૃદ્ધાશ્રમમાં? હા...! આ વૃદ્ધાશ્રમ હું ચલાવું છું. હું અને મારા પતિ સેવાના કાર્યો કરતા પણ એમના દેહાંત બાદ હું એકલી આ કાયૅ કરું છું. લગ્નના એક વર્ષ પછી એક કાર અકસ્માત એમને ભરખી ગયો. બસ ત્યારથી હું વૃદ્ધાશ્રમની સેવામા જ જીંદગી વિતાવું છું. સ્નેહા હું પણ અહીં સેવામાં તારી સાથે જોડાવા માંગુ છું. જો તારી ઈચ્છા હોય તો? સ્નેહાએ કંઈ જવાબ આપ્યો નહીં. બંને વચ્ચે જાણે મૌન સંવાદ ચાલી રહ્યો હતો. બંનેના મનમાં કંઈ કેટલાય પ્રશ્નો હતા. આખરે મૌલિકભાઈથી રહેવાયું નહીં અને એમણે પૂછી લીધું."સ્નેહા....વેલેન્ટાઈ ડે ના દિવસે મારી રાહ જોઈ હતી?" હા, જોઈ હતી. સ્નેહા બોલી મૌલિક હું બધું જ જાણું છું કંઈ પણ કહેવાની જરૂર નથી.

વળી પાછા અમે બંને જણા વાતોએ વળગ્યાં. સાસુ-સસરા સ્વર્ગસ્થ થઈ ગયાં હતાં. મિષાને સાસરીમાં એક જેઠ અને બે નણંદો હતી. પતિ પ્રેમથી રાખતો, દીકરા-વહુ હળીમળીને રહેતાં હતાં.

"કોવિડના કપરા કાળે તો ભલભલાને હચમચાવી મુક્યાં. કેવા કેદી થઈ ગયાં હતાં બધા અને તે પણ પોતાનાજ ઘરમાં ! જેવી ટ્રેન ચાલું થઈ કે તરત જ મેં તો આવવા વિચારેલું ભાભી પણ એ પહેલાં તો મારી બે નણંદો ગ્રીષ્મા અને વિશ્વા હળવી થવા આવી પહોંચી." "એતો એમ જ હોય. દરેકને પિયર
વહાલું હોય અને બધાને પિયરમાંજ મોકળાશ અને હળવાશ મળતાં હોય." એની વાતમાં સુર પુરાવતાં મેં કહ્યું. " વાત તો તમારી સાચી પણ હળવાશ અને રાહત પામવી હોય તો થોડા હળીમળીને, પોતાપણાની લાગણી સાથે રહેવું જોઈએને!" ગ્રીષ્મા અને વિશ્વા બંને સગી બહેનો પણ ભાવ-સ્વભાવ અને વ્યવહારમાં આભ જમીનનો ફેર. ગ્રીષ્માને મિષા વચ્ચે હૂંફ અનેપ્રેમની લાગણીનું આદાનપ્રદાન સંતુલિત રહેતું પણ વિશ્વા જરા વધારે પડતી વાચાળ, આખાબોલી અને મતલબી હોવાથી મિષા હંમેશા એનાથી દુભાયેલી રહેતી. મનોમન એ બંને બહેનો વચ્ચે સરખામણી કરવામાં પડી ગઈ.

ગીષ્મા કંઈ બહુ પૈસાદાર ઘરમાં પરણીન હતી. પણ ખૂબ સંતોષથી રહેતી. જ્યારે આવે ત્યારે ઘરનાં નાના-મોટા માટે કંઈક ને કંઈક લઈને જ આવતી. જેટલાં દિવસ રહે એટલાં દિવસ કામકાજમાં પણ મદદ કરે. અને વિશ્વા..!

તે દિવસે પ્રસંગોપાત ઘરમાં જમણવાર હતો. ઓછામાં ઓછી પચાસ વ્યક્તિઓ તો હશે જ. કેટરીંગવાળાને ઓર્ડર કરી જમવાનું મંગાવ્યું હતું. બીજે દિવસે ફક્ત ઘરનાજ સભ્યો હતાં એટલે તુવેરમાં ઢોકળી બનાવી
હતી. બધાએ હોંશે હોંશે ઢોકળી ખાધી અને વખાણી પણ ખરી. "ઢોકળી બહુ હારી બની છે ને, કોણે બનાવી!" વિશ્વા જાણતી હતી કે ઢોકળી મેં બનાવી છે એટલે ફટ કરતાં બોલી પડી, "અજી બે સીટી વધારે વગાડવાની ઉતી." મને તો એવો ગુસ્સો આવ્યો કે શું
કરી નાખું! પણ ચૂપચાપ જમીને, વાસણ લઈને બહારની ચોકડીમાં જતી રહી. લગભગ બધા જમી પરવાર્યા હતા પણ એ બેન એવાં પાક્કા કે જ્યારે એનેશલાગે કે હવે બધા લગભગ જમીને ઉઠવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે જ એ જમવા બેસે ત્યાં સુધી
ઠાગા થૈયા કરી સમય પસાર કરે. છેલ્લી તપેલી માંજવાની તૈયારી હોય એટલે પોતાની એંઠી થાળી લઈને આવે અને આગ્રહ કરે, "ઉઠીજા, ઉઠીજા, હું માંજી લાખીશ. બા, તું તો કહેવી પડે, જીરી કામ કરવાની દે હેં ! અટતારે ફલાણી ફલાણી ઓતે તો કે વારની હાથ ધોઈને ઉભી થઇ ગઇ ઓતે. તું તો આવીતી દાળની આથમાંથી કામ લઇ લે." બહેરા હોવાનો ડોળ કરી હું તો સાંભળતી રહી.

બે વરસથી તો કોવિડના લીધે રક્ષાબંધન બરાબર ઉજવાઈ નહીં. આ વખતે બંને બેનો આવી ભાઈને રાખડી બાંધવા. આવે, તહેવાર ને તે પણ રક્ષાબંધન, કઇ બેનને હોંશના હોય! વળી આ વખતે ઘર પણ મોટું લીધું હતું ને સારા લત્તામાં હતું. વહુની નવી નવી
નોકરી લાગી હતી એટલે મેં વાસણ માંજવા માટે બાઈની સગવડ કરી લીધી. જરા મને કામમાં રાહત રહે એવો પણ આશય ખરો. અમે બંને સાસુ-વહુએ મળીને રસોઈ બનાવી તૈયાર રાખી હતી. વિશ્વાબેન અસલ એમની આદત પ્રમાણે તાક-ઝાંક કરવાઆવી પહોંચ્યા.

"આજે બાઈ આવહે કે?" મેં કહ્યું, "ના એ પણ એક સ્ત્રી છે, એને પણ હોંશ હોયને પિયર જવાની! મેં એને કહ્યું, તું તારે બિનદાસ્ત જજે અને તહેવાર ઉજવજે, આજે અમે વાસણ જાતે માજી લઈશું."
સાંભળી વિશ્વાનું શૈતાની દિમાગ સક્રિય થઈ ગયું. પોતાનો વિટ્ટો પાવર જણાવતાં બોલ્યા," ગ્રીષ્મા ખાઈલો કે તરત તૈયાર થઈ જજો હેં! સ્ટેશને જઇ ટિકિટ હો લેવાની છે. વાહણ ગહવાની બેહી જતી. એતો બધુ કઇરા કરહે."

આ તો મારે માથે કાયમનુ જ લખાયેલું છે. અને જો હું એમ કહું કે આ વખતે બાઈ કહેતી હતી કે, " બેન આજે હું રાખડી બાંધવા નથી જવાની, કારણકે મારી બેન પણ મારા ભાઈને રાખડી બાંધવા આજે નહીં પણ આવતી કાલે આવવાની છે એટલે આજે હું વાસણ માંજવા આવીશ." તો વિશ્વાબેન તરત જ બનાવટી વ્હાલ બતાવતાં કહેવા માંડે, " બા, તું તો ખરી કહેવી પડે. આટલાં બધાં વાહણ તું કેમ કેમ માંજહે? ચાલને હુ વાર લાગવાની, આથોઆથ મંજાઇ જાય. આપણે ઘહી લાખીએ." હવે મારે આને શું કહેવું! મિષાએ ગુસ્સો ઠાલવ્યો.

ક્યાં ગ્રીષ્મા અને ક્યાં વિશ્વા ! રાત દહાડાનો ફેર એ બંનેમાં. છેલ્લાં છેલ્લાં મારા સાસુની તબિયત જરા વધારે પડતી લથડી ગઈ હતી. ગ્રીષમાએ જાણ્યું કે ભાભી બિચારી કેમ કેમ પહોંચી વળશે એટલે મહિનો આખો રોકાઈ ગઈ અને માની સેવા કરી અને મને મદદ મળી. 'ચંદી પડવો' તો ગ્રીષ્માના હોય તો અધૂરોજ ઉજવાય. દર વરસે શરદ પૂનમે આવી પહોંચે અને ઘારી તો એવી બનાવે કે મોંમા મૂકતાંજ ઓગળી જાય. હાથની મીઠાશ અને હૈયાની મીઠાશનો જાણે શુભગ
સમન્વય.

થોડાં દિવસ રોકાઈ મિષા સુરત પરત ફરી. મો પર હળવાશ અને તાજગી વર્તાઈ રહી હતી. ફરી પાછી એજ રફતાર ચાલુ થઈ ગઈ. સામાજિક, વહેવારિક, કૌટુંબિક કેટકેટલાં કામ કરવાના હોય ગૃહિણીને! એક બપોરે જમીને હજી આડે પડખે થઈ હશે ને ફોનની રિંગ વાગી. જોયું તો સામે છેડે વિશ્વા હતી.
"બોલ શું કહે છે." "ભાભી આવતા રવિવારે મેં મારે ઘેર ગંગાપુજન નું આયોજન કર્યું છે. તમારે સહકુટુંબ આવવાનું છે. વેળાસર આવી લાગજો જેથી મારે તમારા સલાહ સૂચન જોઈતાં હોય તો મળી રહે અને મારી મદદ પણ થાય. તમારા સિવાય બીજા કોની
આશા રાખું? ચાલો હું ફોન મુકું છું. બીજા બધાં હગાઓને હઉ બોલાવવા પડહેને? ફોન કરી આમંત્રણ આપી દઉં. ફરી પાછા આપણે વિગતે વાત કરહું." વિશ્વાએ ફોન બંધ કર્યો. મેં મનોમન વહેવારમાં આપવાની ચીજોની ગણતરી કરવાં માંડી.

આખરે એ રવિવાર આવી પહોંચ્યો. મિષા સહકુટુંબ વિશ્વાને ત્યાં પ્રસંગમાં પહોંચી ગઈ. મસમોટો મંડપ આંગણામાં શોભી રહ્યો હતો. પ્લાસ્ટિકના ફૂલો અને વેલોની સજાવટ સાચા ફૂલોને બાજુ બેસાડી દે એવાં સોહી રહ્યાં હતાં. માંડવાની વચ્ચોવચ યજ્ઞકુંડ બનાવી યજ્ઞની સામગ્રી તથા પૂજાપા સાથે મહારાજ સમયની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અગરબત્તી અને પૂજાના તાજાં ફૂલોની મહેંક સર્વત્ર ફેલાઈ રહી હતી. ચોખ્ખા ઘીના પ્રસાદની ખુશ્બૂ વાતાવરણને મહેકાવી રહી હતી. બસ હવે પ્રતીક્ષા હતી તો માત્ર એ કપલની જે પૂજામાં બેસવાના હતા. વિશ્વા તથા તેના પતિ તૈયાર થવામાં વ્યસ્ત હતા. મેં બાજુની ખુરશી પર બેઠેલાં વિશ્વાની પડોશમાં રહેતા બેન સાથે સમય પસાર કરવા વાત કરવાં માંડી. " સારી બુદ્ધિ સૂઝી વિશ્વાને! આંગણે
ધાર્મિક ઉત્સવ ઉજવાય એનાથી રૂડું શું હોય? "
શાંતિથી સાંભળી રહેલા વિશ્વાના બહેનપણી જેવાં પાડોશી બોલી ઉઠ્યાં, "વાત જાણે એમ હતી કે ઘણા વખતથી પતિપત્ની વચ્ચે ખિટપિટ ચાલ્યાં કરતી હતી. એની રોજની મારી આગળ થતી ફરિયાદથી કંટાળીને મેં એક દિવસ એને સલાહ આપતા કહ્યું." ચાલ બેન શાંતિ જોઈતી હોય તો મારી સાથે હરિદ્વાર. અમે તો વરસમાં એકવાર જઈએ જ છે." એ મારી વાત માની ગઈને તૈયાર થઈ ગઈ. અમે ત્યાં હરિદ્વાર 'શાંતિ કુંજ' આશ્રમમાં દસ દિવસ રોકાયા. સવાર-સાંજના યોગ, યમ-નિયમ, આસન, પ્રાણાયામ, મંત્રોચ્ચાર વગેરેથી અને ગંગાસ્નાન તેમજ યોગીઓની સંગતથી તમારી નણંદ તો જાણે ધીરે ધીરે પરિવર્તિત થવા લાગી અને અંદરનો ભાર ખાલી કરી હળવી થઈ ગઈ. અને આજે હરિદ્વારથી મારા સૂચન પ્રમાણે લાવેલા ગંગાજળના કળશનું પૂજન કરાવી ધન્ય થઈ રહી છે."

થોડી વારમાં પૂજા વિધિ ચાલુ થઈ. સમય પ્રમાણે નારિયેળ હોમવાની વિધિ પણ સંપન થઈ. સૌ મહેમાનો વિદાય થયાં. સકારાત્મક બદલાવ અને તે પણ વિશ્વામાં જોઇ હું મનોમન ખુશ થઈ. કેટલાં પ્રતિશત બદલાવ હશે એતો વિશ્વા જાણે અને વિશ્વનાથ જાણે.

વાર્તાવિશ્વ- કલમનું ફલક
ફેબ્રુઆરી ટાસ્ક - ઘટના આધારિત
નામ- નિમિષા મજમુંદાર
nimishamajmundar@gmail.com
શીર્ષક-ઘંટડી
ટનનન...ટનનન...વહેલી સવારે પાંચ વાગે...ઘંટડી? અમી સફાળી ઊઠીને મોટીબેનના રૂમ તરફ દોડી. પાછળ તપન પણ પહોચી ગયો. જઈને જોયું તો મોટીબેન છેક પલંગની કિનાર ઉપર પડવા જેવી હાલતમાં હતા. બન્નેએ મળીને એમને સરખા કર્યાં ને અમીએ પૂછ્યું," મોટીબેન,પાણી પીવું છે ને? મને કેમ ના બોલાવી? પડી ગયાં હોત તો? મને ઊઠાડવીના પડે એટલે જાતે લેવાનો પ્રયત્ન કરતાં હશો, ખરુંને? " જવાબમાં મોટીબેનનું એ જ પેલું વંકાયેલા હોઠ વાળું સ્માઈલ. તપનથી રહેવાયું નહિ. તે બોલી ઊઠ્યો," ખરી છે મોટી, તું પણ! હમણા પડી હોત તો? "
છેલ્લા ત્રણ વર્ષથી આ જ હાલત હતી. ફેર ફુંદડીની જેમ દોડાદોડી કરનારાં, અરે! ગમે તેટલું કામ ઝપાટામાં પૂરું કરી દેનારા મીનાબેન સાવ લાચાર થઈને ખાટલાવશ થઈ ગયાં હતાં. મીનાબેનને જ્યારે પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહોતું. તપન ઓફીસ ગયો હતો, અમી બજારમાં ગઈ હતી અને એમનો સત્તર વર્ષનો માલવ સ્કુલમાં હતો. એટલે જ્યારે અમી ઘેર પહોંચી અને એણે મીનાબેનને જમીન પર પડેલાં જોયાં; ત્યારે આઘાતથી એનું મગજ સુન્ન થઈ ગયું. તરત જ તપનને ફોન કર્યો, એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પીટલ તો પહોંચી ગયાં પણ સમય થોડો વધારે પસાર થઈ ગયો એટલે ડોક્ટરના કહેવા મુજબ રીકવરી આવતાં વાર પણ લાગી અને લકવાની ઘણી અસર રહી ગઈ. મીનાબેનનું જમણું આખું અંગ લકવાની અસરથી ઝલાઈ ગયું.
અમી તો રડી રડીને અડધી થઈ ગઈ. એના પ્રિય મોટીબેનની આવી હાલત એનાથી જોવાતી નહોતી. ડોક્ટરની ટ્રીટમેન્ટ ઉપરાંત ફિઝિયોથેરાપી, કેટલીયે દેશી દવાઓ, લોકોએ જે સૂચનો કર્યાં તે બધા ઉપાયો અરે બાધા-આખડી કાંઈ બાકી નહોતું રાખ્યું પણ કાંઈ ફેર ના પડ્યો તે ના જ પડ્યો અને મોટીબેને ખાટલો પકડ્યો. એમનું જમણું આખું અંગ પકડાઈ ગયું હતું એટલે ઉઠવા કે ચાલવાનું તો બાજુ પર, એ પલંગમાં જાતે બેઠા પણ થઈ શકતા નહોતા. થોડું ઘણું કામ આપતા ડાબા હાથની મદદથી ઈશારા કરીને કામ ચલાવતાં. બોલવાનો તો સવાલ જ નહોતો. શરૂ શરૂમાં તો બધાને અઘરું પડતું હતું પણ સૌથી પહેલા મોટીબેન જ આમાં સ્વસ્થ થઈ ગયાં. બોલાતું નહોતું તો ઈશારાથી અમીને સમજાવવાનો પ્રયત્ન કરવા માંડ્યાં. એમની રોજીંદી ક્રિયાઓમાં મદદ કરવા તપને એક બહેનને પણ નોકરીએ રાખી લીધા. એ સવારે બે કલાક આવીને અમીની મદદથી બધું કરી જતા.
જ્યાં સુધી માલવ ઘરમાં હતો ત્યાં સુધી તો વાંધો નહોતો પણ એને બહારગામ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળ્યું તે પછી ખરી કસોટી શરૂ થઈ. અમી નોકરી તો કરતી નહોતી પણ ક્યારેક તો બજારમાં કે કોઈ કામે બહાર જવું પડે વળી ઘરમાં પણ એ રસોડામાં કે બીજા કોઈ કામમાં હોય એ વખતે મોટીબેનને એકલા મૂકવાના અને પાછું એમને કાંઈ કામ પડે તો શું,એ મોટો સવાલ થઈ પડ્યો. ત્રણે જણા બેસીને આ મુશ્કેલીનો શું ઉપાય કરવો તેની ગડમથલમાં હતાં ને અચાનક માલવને આઈડીયા સૂઝ્યો. એ બૂમ પાડી ઉઠ્યો, " મમ્મી, ઉપાય જડી ગયો." એ દોડીને દેવસેવાની ઘંટડી લઈ આવ્યો અને મોટીબેનના સાજા ડાબા હાથમાં પકડાવી. બસ પછી તો મોટીબેનને મજા પડી ગઈ. એમની ઘંટડી જ્યારે ટનનનન ટનનનન કરતી રણકી ઉઠે ત્યારે અમી, તપન અને હાજર હોય તો માલવ દોડીને એમની પાસે પહોંચી જાય. અમી તો આટલા વર્ષોથી એમની સાથે હતી એટલે ઘણું તો એ વગર કીધે સમજી જતી, બાકીનુંં કામ ઘંટડીએ ઉપાડી લીધું.
અમી પરણીને આવી ત્યારથી આ સાસુ-વહુની જોડીની લોકો ઈર્ષા કરતા. બન્ને કાયમ સાથે ને સાથે. અમી ક્યાંય પણ જાય, એના સ્કુટરની પાછળની સીટ પર મીનાબેન હોય જ. મીનાબેનને તપન એક જ દીકરો અને એમના પતિ રસિકભાઈ નાની ઉંમરમાં ગુજરી ગયા એટલે આ એકના એક દીકરાના મોઢા સામું જોઈને એમણે અઘરા દિવસો પસાર કરેલા. અમી પરણીને આવી તે સાથે મીનાબેનની દુનિયા જ ફરી ગઈ. એમણે અમીને દીકરીથી પણ વધારે વ્હાલથી રાખી તો સામે અમી પણ એથી સવાઈ લાગણીની વર્ષા કરતી. આમ બન્નેની જોડી જામી ગઈ. પણ માણસની જીંદગીમાં ઉતાર ચઢાવ તો આવે જ ને! મીનાબેનની બિમારી સાથે આખાય પરિવારની જીંદગી બદલાઈ ગઈ, છતાં પણ સમજુ મીનાબેને આખીયે પરિસ્થિતિ ખૂબ સહજતાથી સ્વીકારી લીધી.
મીનાબેનને ઘંટડી બહુ ફાવી ગઈ. કાંઈ પણ કામ હોય એટલે ટનનનન ટનનનન ચાલુ થઈ જાય. એમાં પણ અમીએ જુદી જુદી સ્ટાઈલ સેટ કરી આપી હતી. ટન ટન ટન એવી ટૂંકી ઘંટડી એટલે એવું કામ કે અમીને તાત્કાલિક દોડવાની જરૂર નહિ અને ટનનનન ટનનનન એવી લાંબી વાગે તો ઈમરજન્સી. વળી પાછા સ્વભાવના તોફાની એવાં મીનાબેન પડ્યાં પડ્યાં કંટાળો આવે તો પણ ઘંટડી વગાડીને અમીને દોડાવે. અમી દોડતી જાય એટલે એ જ હોઠ વંકાવીને હસવાનું, જાણે કહેતાં ના હોય કે, "કેવી તને દોડાવી?" અમી બજારમાં જાય તો મીનાબેનને એક ફોન આપ્યો હતો તેમાં સ્પીડ ડાયલ કરીને ઘંટડી વગાડે એટલે અમી તરત જ ઘેર પહોંચી જાય. અરે, કેટલી બધી વાર તો મીનાબેન કાંઈ કામ ના હોય તો પણ અમીને જલ્દી ઘેર પાછી બોલાવવા પણ ફોન કરીને ઘંટડી વગાડી દે અને અમી જાણતી હોય તો પણ કામ બાકી મૂકીને પાછી આવી જાય. ઘરમાં બધાં ધીમે ધીમે આ નવી વ્યવસ્થાથી ટેવાઈ ગયાં.
છેલ્લા થોડા સમયથી મીનાબેન ખાટલામાં સૂતાં-સૂતાં કંટાળ્યાં હતાં. એમને હવે જીવન બોજ જેવું લાગવા માડ્યું હતું. એ હાથેથી ઈશારો કરીને 'મારે હવે ઉપર જવું છે. હું તને બહુ હેરાન કરું છું.' એવી ઈચ્છા પણ અમી પાસે ઘણી વાર વ્યક્ત કરતાં અને દરેક વખતે અમી ચોધાર આંસુએ રડી પડતી. મોટીબેનની ગેરહાજરીનો વિચારમાત્ર એને ધ્રુજાવી દેતો. મીનાબેનને એ વાત બરાબર ખબર હતી.
રોજની જીંદગી બરાબર સેટ થઈ ગઈ હતી. એવામાં અમીના આનંદમાં વધારો કરે એવા સમાચાર આવ્યા. એનો એકનો એક નાનો ભાઈ ચાર વર્ષે ઈન્ડિયા આવવાનો હતો. એમાં પણ રક્ષાબંધનના દિવસે એ અહીં હતો. અમીને ચાર વર્ષથી ભાઈને રાખડી બાંધવાનો લ્હાવો મળ્યો નહોતો. એક બાજુ એની ખૂબ ઈચ્છા કે આટલા વર્ષે ભાઈ રક્ષાબંધનમાં હાજર છે તો જાતે રાખડી બાંધવી પણ બીજી બાજુ મોટીબેનને આ હાલતમાં મૂકીને જવાની એની જરા પણ તૈયારી નહિં. છેવટે તપનના ખૂબ આગ્રહથી એ જવા તૈયાર થઈ. તપને કહ્યું, "તું બિલકુલ ચિંતા કર્યા વગર જા. રવિવાર છે એટલે હું ઘેર છું અને વળી મોટીબેનના કેર ટેકર બેન પણ ચાર કલાક તો રોકાવા માટે તૈયાર છે. અને અમદાવાદથી મહેસાણા તો ફક્ત દોઢ કલાકનું અંતર છે. સાંજ સુધી તો હું ચોક્કસ સંભાળી લઈશ." વળી મોટીબેને પણ એને ઈશારાથી કહ્યું કે "હા, તું જા" એટલે એ જવા તૈયાર થઈ.
અમી તૈયાર થઈને મીનાબેનને મળવા ગઈ અને કહ્યું કે, " મોટીબેન, હું જાઉંને? તમને ફાવશે ને? સાંજે તો પાછી આવી જઈશ." એમણે ઈશારાથી હા પાડી એટલે અમીએ પાછું હસતાં હસતાં ઉમેર્યું પણ ખરું કે, " જો જો હોં! મને જલ્દી પાછી બોલાવવા કોઈ તોફાન ના કરશો. અને મોટીબેન.... પ્લીઝ....આજે ફોન કરીને ઘંટડી તો નહિ જ હોં કે! હું બને એટલી જલ્દી પાછી નીકળી જઈશ. મારો પણ જીવ અહીંનો અહીં જ હશે." અને મીનાબેનની મૂક સંમતિ લઈને એ નીકળી. અડધો દિવસ તો ખૂબ આનંદથી પસાર થયો પણ બપોરે અમીને અચાનક બેચેની થવા લાગી. વારે ઘડીએ એ ફોન ચેક કરવા માંડી. મમ્મીએ પૂછ્યું પણ ખરું કે, " કેમ? શું થયું? " અમી બોલી, " મને લાગ્યું કે મારા ફોનની રીંગ વાગી." બધા હસી પડ્યા. ભાઈએ મશ્કરી પણ કરી કે, " તને તો મોટીબેનની ઘંટડી પણ સંભળાતી હશે નહિ? " અમી સિરિયસ થઈ ગઈ, "હા, વારે વારે ઘંટડી પણ સંભળાય છે." મમ્મી બોલી, "તને ભણકારા થાય છે. કાંઈ પણ તકલીફ હોય તો તપનભાઈ તરત જ તને ફોન કરી દેશે. તું થોડા જ ટાઈમ માટે આવી છે તો બધી ચિંતા છોડીને મજા કર."
બહારથી નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી અમીની બેચેની કલાકમાં તો એટલી વધી ગઈ કે એણે પાછા નીકળી જવાનું નક્કી કરી દીધું. ત્રણ વાગતામાં તો ઘેર પહોંચી પણ ગઈ. પણ પહોંચીને જે જોયું… તેનાથી પગ તળેની ધરતી ખસી ગઈ. તપન મીનાબેનના રૂમમાં એક ખૂણામાં ઊભો હતો અને મીનાબેનના પલંગ પાસે ફેમિલી ડોક્ટર શાહસાહેબ ઈંજેક્શન તૈયાર કરતા હતા અને એક નર્સ બાટલો ચઢાવતી હતી. અને મોટીબેન? એ તો બિલકુલ ભાન વગર પડ્યાં હતાં.
અમીની રાડ ફાટી ગઈ,"તપન,આ શું થયું? મને ફોન કેમ ના કર્યો?" તપન એની પાસે આવ્યો," અરે,એવું કાંઈ હતું જ નહિ કે તને ફોન કરીને દોડાવું. તું ગઈ પછી મોટીને અચાનક ડાયેરીયા થઈ ગયા. શાહસાહેબને પૂછીને દવા તો આપી પણ વધતું જ ગયું. ને પછી તો વોમીટીંગ પણ ચાલુ થઈ ગયું. મેં પણ એને કીધું કે અમીને ફોન કરું તો એણે મને પરાણે રોકી રાખ્યો. કદાચ એ એવું માનતી હશે કે એની અંતિમ પળો તું જોઈ નહિ શકે, કારણ કે તને મોટીબેન એટલી વહાલી છે કે તારાથી એ સહન નહિ થાય. પછી તો અચાનક ભાન જ જતું રહ્યું."
અમી, "તપન, એ ભલે મને દૂર રાખવા માંગતાં હોય પણ મને ઈશ્વરી સંકેત થયો કે કંઈક બરાબર નથી અને હું આવી ગઈ."
તપન, " શાહસાહેબ તાત્કાલિક આવી ગયા હતા. ટ્રીટમેન્ટ તો ક્યારની ચાલે છે પણ કોઈ સુધારો નથી. મને લાગે છે કે તારી ગેરહાજરીમાં એનો જીવ, શરીરથી મુક્ત થવા પણ તૈયાર નથી. હવે તો ઈશ્વરને પ્રાર્થના જ કરવી રહી."
આંખોમાંથી અનરાધાર વહેતાં આંસુ લૂછવાની પણ પરવા કર્યા વગર અમી એકીટસે મોટીબેનને જોઈ રહી ને પછી પલંગ પાસે જઈને બેસી ગઈ. મોટીબેનનો હાથ પકડીને આજુ બાજુની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ હોય એમ બોલવા લાગી, " સાવ આવું કરવાનું? આમ તો રોજ મને ખસવા પણ દેતાં નથી, બજાર જાઉં તો પણ દોડતી પાછી બોલાવો છો અને આજે આટલું બધું થઈ ગયું ને મને ના બોલાવી? અરે ઘંટડી પણ ના વગાડી? જુઓ, હવે તો હું આવી ગઈ છું. હવે તો તમારી રીસ ઉતારો! આંખો ખોલો મોટીબેન! " પણ મોટીબેન તો કદાચ બીજી દુનિયામાં પ્રયાણની તૈયારી કરતાં હતાં એટલે એમના સુધી કોઈ અવાજ પહોંચતો જ નહોતો.
અમીને અચાનક શું સૂઝ્યું તે બાજુમાં પડેલી ઘંટડી ઉપાડીને જોર જોરથી વગાડવા માંડી. સાથે લવારી પણ ચાલુ જ હતી, "આંખો ખોલો મોટીબેન, આંખો ખોલો. હું આવી ગઈ છું."
મોટીબેનના અચેતન મન સુધી એની ઘંટડીનો અવાજ જાણે કે પહોંચ્યો હોય એમ એક ક્ષણ માટે એમની આંખ ખુલી અને પછી અમીનો ચહેરો જોઈને પરમ સંતોષ સાથે કાયમ માટે મીંચાઈ ગઈ.

વાર્તાવિશ્વ કલમનું ફલક.
ઘટના આધારિત વાર્તા.
શીર્ષક: "પાનખરમાં લીલાશ”
લેખન:ઋતંભરા છાયા
ઇમેઇલ rkchhaya2001@gmail.com
અંધેેરી સ્ટેશનથી ચાલતી મોનિકા ફિલ્મીસ્તાન સ્ટુડિયોના ગેઇટ પાસે પોંહ્ચી. ગેઇટ પાસે ઉભેલા પઠાણે આગળ લાકડી ધરી. " મેડમ,અંદર જાનેકો મના હૈ.” એમ બોલીને ઉભો રહ્યો. " પણ મારે શેઠને મળવું છે.” મોનિકા બોલી. સામાન્ય રીતે પઠાણ કરડાકીથી ઘણાંને કાઢી મુકતો પણ મોનિકાનું ઠસ્સાદાર વ્યક્તિત્વ, સફેદ સાડીમાં ઓપતું સૌંદર્ય અને ધીર ગંભીર ચહેરો જોઇને કરડાકી કરીના શક્યો પણ એટલું બોલ્યો, " મેડમ, શેઠજીકો મિલનેકે લિયે ટાઈમ લેના પડતા હૈ આપને લિયા હૈ? ” મોનિકા કાંઇ જવાબ આપે તે પહેલાં શેઠ અંદરથી બોલ્યા, " આને દો મેડમકો." મોનિકા ધીમા પઞલે ફિલ્મીસ્તાનના કમ્પાઉન્ડમાં દાખલ થઈ.

જીવણલાલ શેઠની આંખોએ દુરથી જ મોનિકાને ઓળખી લીધી હતી. આ તો એ જ એજ..મધૂર અવાજ ધરાવતી સૂરોની મહારાણી. અમારી ફિલ્મોની પ્લેબેક સિંગર, પણ અત્યારે સફેદ વસ્ત્રોમાં કેમ? શેઠની આંખો સામે યાદોની પરફ્યુંમનાં ફુવારા શરુ થઇ ગયા. પાંત્રીસ વર્ષ પહેલાં પોતે પરદેશથી ફિલ્મ નિર્માણનું શીખી આવ્યા અને મુંબઈમાં ફિલ્મોનું કામકાજ શરુ કર્યુ. ર્ફિલ્મોનું કામકાજ ધમધોકાર ચાલતું. તેમની ફિલ્મોની
બોલબાલા હતી. શેઠજી પોતાના સ્ટાફ સાથે ખુબ મૈત્રીભાવથી રહેતા. દરેક નાનાં માણસની વ્યથા સાંભળતા અને બને એટલી મદદ કરતા. એમાં એક દિવસ તબલચી સુદેશ સાવન શેઠજી પાસે એક છોકરીને લઈને આવે છે. " શેઠ,આ મોનિકા ખેર છે. એના અવાજમાં ગજબની હલક અને મિઠાશ છે. પૂનાથી શાસ્ત્રીય સંગીત શીખીને આવી છે. આપણે એને એક ચાન્સ આપીએ તો કેવું? ” શેઠજીએ એના વોઇસ ટેસ્ટિંગ માટે મોહસીનખાન પાસે મોકલી દીધી.‌ વોઇસની ટેસ્ટમાં પાસ થઈ જતાં મોનિકાને શેઠે પોતાની કંપનીમાં પ્લેબેક સિંગર તરીકે રાખી લીધી. મોનિકાના અવાજે ફિલ્મ ઇન્ડસટ્રીમાં જાદુ પાથરી દીધો.તે મશહુર થઈ ગઇ. તેણે ગાયેલાં ગીતો, ભજનો, ગરબા, ગઝલો બધું ખુબ પ્રખ્યાત થયું. તેની રેકોર્ડ તૈયાર થઈ અને ઠેર ઠેર વાગતી હતી. પ્રતિષ્ઠા, પૈસો આવવાં છતાંય તેનાં સ્વભાવમાં કોઇ ફરક ન પડ્યો. સીધી, સાદી અને સરળ જ રહી. તેને અહીં સુધી પોહચાડનાર મિત્ર સુદેશ સાવન સાથે સાદાઇથી લગ્ન કરીને સંસાર માંડી દીધો. તે પછી આટલા વર્ષે પણ શેઠજી મોનિકાને ઓળખી ગયા. એ જ ધીરગંભીર ચહેરો અને જાજરમાન દેહલાલિત્ય. સમયની થપાટો તેને પણ લાગી હોય તેવું લાગતું હતુ. શેઠજીને પગે લાગી. તેમણે પૂછ્યું, " અરે મોનિકા, કેમ છે? ઘણાં વર્ષે મળ્યાં. તારો સંસાર કેવો ચાલે છે? અને તે આ સફેદ વસ્ત્રો કેમ ધારણ કર્યાં? " મોનિકાએ પોતાની કથની કહી. " શેઠજી, લગ્ન કરીને અમે બન્ને ખુશ હતાં પણ થોડાં વર્ષો પછી ફિલ્મોમાં જાણે યુગ બદલાઈ ગયો. નવી ટેકનોલોજી અને નવા કલાકારો અને નવું સંગીત. બસ,અમારા જેવા જુના કલાકારોનું તો જાણે પત્તું જ કપાઈ ગયું. અમારાં કામ ધીમે ધીમે ઓછા થઈ ગયાં. શેઠ, મેં તો બદલાવ સ્વીકારી લીધો પણ સુદેશ પચાવી ના શક્યો. દારૂના રવાડે ચડી ગ્યો અને રોડ અકસ્માતમાંથી તે જીવી ન શક્યો અને હું અને મારો દિકરો નોંધારાં થઈ ગયાં." " ઓહો મોનિકા,તારા માથે તો ઘણું વિત્યું. તું બધું સહન પણ કરી ગઈ. સલામ છે તને, પણ મને કહે અહીં આવવાનું કેમ થયું?” " શેઠ, પાંત્રીસ વર્ષ પહેલાં તમે મારા તારણહાર બન્યા હતા. હવે મેં દસેક વર્ષ પહેલાં એક અનાથ દીકરીને દત્તક લીધી હતી. મધુર અવાજ છે. સૂરીલી સરગમની રાણી છે. મારે એને મહારાણી બનાવવી છે. સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપવું છે. પણ એક સાથે હું ફી ભરી શકું તેમ નથી. મારે દિકરો છે. નોકરી કરે છે પણ એની કમાણી એ જ વાપરે. મદદની અપેક્ષા જ ખોટી છે. જો તમારા તરફથી મદદ મળશે તો હું જરુર ધીમે ધીમે ચુકવી દઇશ. " "અરે, આટલી જ વાતને? મુંઝાઈશ નહિ મારી પાસે હજી ઘણું છે. તારી દિકરીની ફી ભરી દઈશ.” શેઠે આશ્વાસન આપ્યું. થોડો સમય બન્ને વચ્ચે ચુપકીદી રહી. મોનિકા ઉજ્જડ સ્ટુડિયો અને બાગને જોતી રહી. એક વખત અહીં સતત પબ્લિકની ગિરદી મોટી ગાડીઓમાં હિરો હિરોઇનોનું આવવું વગેરેથી સ્ટુડિયો જીવંત લાગતો હતો. “શું વિચારે છે મોનિકા? મારું જીવન પણ આ સ્ટુડિયો જેવું જ વેરાન થઈ ગયું છે.” " કેમ બહેનજી અને નરેન્દ્રભાઈ તો છેને? " મોનિકાએ પુછ્યું. " અરે, બહેનજીને કેન્સર થયું હતું. ઘણી પીડા ભોગવી બે વર્ષ પહેલાં જ મને એકલો મુકીને ચાલી ગઈ. નરેન્દ્ર ભણવા માટે પરદેશ ગયો અને ત્યાંની જ ધોળીને પરણી ગયો. હું એકવાર એને ત્યાં ગયો પણ મને ત્યાં ફાવ્યું નહિ. અત્યારે આ સુમસામ સ્ટુડિયોની બાજુમાં જ ફ્લેટ છે તેમાં રહું છું. સવાર સાંજ જુની યાદો વાગોળતો અહીં બેસું છું. રડ્યુંખડ્યું કોઇ જોવા, સલાહ લેવા કે મદદ લેવા આવે ત્યારે સારું લાગે છે. તું આવી તો મને જાણે વેરાનમાં વીરડી જેવું લાગ્યું. હું એકલો થઈ ગયો છું.” વાત સાંભળી મોનિકા ચૂપ થઈ ગઈ. શેઠે ચેક આપ્યો એટલે આભારવશ થઈ હાથમાં લઇ બોલી " હવે હું મારી દીકરીને સૂરોની મહારાણી બનાવીશ. તમારું ઋણ કયારેય નહિ ભુલું." ઉભી થતી મોનિકાની નજીક જઈને શેઠજી બોલ્યા, “ મારી એક વાત માનીશ? હું એકલો નિરાધાર થઈ ગયો છું તો મારી સાથે લગ્ન કરીશ? ”
મોનિકાના ચરણ થંભી ગયાં. શરીરમાંથી એક લકલખું પસાર થઈ ગયું. તેની સામે તેનો અને સુદેશનો લગ્ન કરેલો ફોટો જાણે આવી ગયો. તે હાથ જોડીને બોલી, " શેઠ, તમારા અઢળક ઉપકાર મારા માથે છે જે હું કયારેય ભુલી નહિ શકું, પણ હવે મેં સફેદ રંગ ધારણ કરી લીધો છે એટલે તેની ઉપર બીજો કોઇ રંગ મારે ચડાવવો નથી. હું તમારી ઋણી છું. જ્યારે પણ તકલીફમાં હો ત્યારે તમારા એક સાદે હું સેવામાં હાજર થઈશ પણ લગ્ન..” “ અરે! મોનિકા તું તારી રીતે સાચી જ છે. આ તો નજીકના આગળ હૈયું ઠલવાઈ ગયું. બાકી તું સુખી રહે એજ મારી શુભેચ્છા.” શેઠજી થોડા હળવા થઈ બોલ્યા. મોનિકા પગે લાગી પાછી ફરી ત્યાં ગેઇટ આગળનાં એક ઠુઠાં છોડમાં લીલી કુંપળ ફૂટતી જોઇ અને શેઠને અંતરીક્ષમાં નિહાળતા જોયા, બોલતા સાંભળ્યા, " અજવાળું જોનારની આંખમાં અને રજવાડું જીવનારનાં સ્વભાવમાં" ..

વાર્તાવિશ્વ કલમનું ફલક
થીમ: પાત્ર આધારિત
શીર્ષક: ઋતુપરિવર્તન
લેખન: લીના વછરાજાની
મેલ આઈ. ડી.
leens0901@yahoo.com

“ઋતુ પરિવર્તન”

ઋતુએ ઘર ખોલ્યું. અંદરની બંધિયાર હવાએ બહાર નીકળવા ધક્કામુક્કી કરી મુકી.

“આનેય મારી જેમ ઘરમાં રહેવું ગમતું નથી.”

સવારે ઓફિસ જતાં પહેલાં ઘર ચોખ્ખું થઈ જતું એટલે આવીને કાંઈ કામ રહેતું નહીં. હાથ પગ ધોઈને ગેસ પર ચાનું પાણી મુક્યું. જે એકાદ મિનિટમાં તો ઉકળવા માંડ્યું.
“એને પણ મારા જેવો જ ઉકળાટ થાય છે.”

ચાનો મગ લઈને બાલ્કનીના હિંચકે બેઠેલી ઋતુએ નીચે નજર કરી. આજ જરા શાંતિ હતી. રોજ કલબલ કરતાં બાળકો આજે ઓછાં હતાં. “મારી જેમ થાક્યાં કે કંટાળ્યાં હશે.” અંદર આવીને સોફા પર લંબાવ્યું. વાતાવરણમાં સહજ સન્નાટો હતો. “આ મોસમને આજકાલ મારી જેમ જ આળસ આવે છે.”

ઋતુને જાણે અજાણે દરેક વાત કે વસ્તુને પોતાની સાથે સરખાવવાની આદત પડી ગઈ હતી. ક્યારેક એને ગુસ્સો પણ આવી જતો કે, “ આ શું? રસ્તે જતો માણસ હોય કે આકાશમાં ઉડતાં કબુતર હોય, મને મારી સાથે શું કામ સરખામણી થઈ આવે છે!”

પછી મનોમન વિશ્વેષણ શરુ થતું. “હા, તે હું એકલી છું. દરેક વસ્તુને નિરખવાની ટેવ પડી ગઈ છે. કારણ મારી પાસે સમય જ સમય છે. મને કોઈએ સમ નહોતા આપ્યા કે, હું જીવનમાં કોઈ સાથી પસંદ ન કરું. હું એકાકી જીવન જ જીવું. મારો અહમ્ કદાચ મને નડે છે. હું રસ્તે ખુલ્લા મને ચાલતી નથી. હું બિલ્ડિંગના આંગણામાં બધાં ચાલે છે એમ ચાલતી નથી. મને સામાન્ય માણસની જેમ જીવવું ક્યારેય પસંદ નથી પડ્યું. હું કોઈનું ઘરમાં આવવું પસંદ કરતી નથી. હું મારા રુમની ચાદરમાં સળ પડે એ સહન નથી કરી શકતી એટલે પલંગના એક ખૂણે સીધી સૂઈ રહું અને સવારે શરીર જકડાઈ ગયું હોય. હું કોઈ મિત્ર નથી બનાવી શકતી. એટલે હવે મને કોઈ મિત્ર ગણતું નથી.”

હજી વિચારધારા ન અટકત પણ બારીના બંધ કાચ પર કબૂતર અકસ્માતે અથડાતાં એનો અવાજ થયો અને એ ચમકી.
“ઓહો! અંધારું થઈ ગયું.
ચાલો રસોડામાં..” ઋતુ રસોડામાં વિચારે ચડી. “શું બનાવું? એક માટે શું બનાવવાનું? એ જ સેવમમરા ચાલશે.” વળી મન રિવાઈન્ડ થયું. બે દિવસ પહેલાં મેન્ટેનન્સનો ચેક આપવા સેક્રેટરીને ત્યાં ગઈ હતી ત્યારે એના ઘરમાં કેવી ચહલપહલ હતી! બે પાંચ મિનિટમાં કાને થોડા સંવાદ પડ્યા. “ મમ્મી શું બનાવ્યું છે?” “ તારા અને પપ્પા માટે આલુપરોઠા અને દહીં. દાદા દાદી માટે ખીચડી શાક અને ભાખરી.” “તો તું શું ખાઈશ?” મમ્મીને હસવું આવી ગયું. “અરે!હું તમારા બધામાં સમાઈ જઈશ.” ઋતુને બહુ નવાઈ લાગી. “ આવું હોય! પોતાની પસંદગી ન હોય!”

પહેલી વાર એને સેવમમરાના બાઉલને બદલે ખીચડી શાક ભાખરી માટે આકર્ષણ થયું. “ એકલાં માટે આટલું બધું બનાવવાનું? બે જણ હોય તોય કાંક ઈચ્છા થાય!” તરત એના મને એને ટપારી,“ હા તે એકલી છો તો એક માટે જ બનાવવાનું ને!”

પછી સંવાદ ચાલ્યો, “ તો દેસાઈકાકા જેવું હર્યુંભર્યું ઘર હોય તો બે ચાર વાનગી તો રોજ બની જ જાય. કેટલી મજા!”

વિચારમાં સ્થિર થઈ ગયેલી ઋતુના હાથમાંથી ચમચી પડી એના ખણખણાટથી એ ચોંકી ગઈ. રાતે ઊંઘ પણ સારી ન આવી. સવારે ચાનો મગ લઈને બાલ્કનીમાં આવેલી ઋતુને આકાશમાં સુંદર મેઘધનુષ્ય દેખાયું. પહેલી વાર મનમાં કાંઈ ગમ્યું. “આહા! સાત રંગ અને આવડું મોટું આકાશ! કેવાં એકમેક સાથે ભળી ગયાં!”

ઓફિસ પહોંચીને કેવલની કેબિન સામે જોયું. કેવલ ફોન પર હતો. કેટલાય વખતથી મિત્રતાનો હાથ લંબાવવા તત્પર કેવલને એવોઈડ કરતી આવેલી ઋતુને જીવનની ઋતુમાં મોટે પાયે પરિવર્તનનાં એંધાણ લાગ્યાં. એણે મેસેજ કર્યો. “આજે લન્ચ મારી સાથે ગમશે?”

મેસેજ પહોંચ્યો.. કેવલના હાથમાંથી મોબાઈલ પડું પડું થઈ ગયો. એણે કેબિનના ગ્લાસમાંથી મલકી રહેલી ઋતુ સામે જોયું.

ઋતુને ફરી સરખામણી થઈ.“ તે મારી જેમ દરેકને આવી જ પહેલા પ્રેમની લાગણી થતી હશે?” અરે! વળી સરખામણી! પછી પોતાના કપાળે ટપલી મારીને હસી પડી.

વાર્તા વિશ્વ કલમનું ફલક:
વિષય: પાત્ર આધારિત વાર્તા
શીર્ષક: મને મારામાં હું જડી
લેખન: પદ્મજા વસાવડા
" મમ્મી, તને એક વાર કીધું ને કે એમાં તને કંઈ ન સમજાય. એ મારી ઑફિસની વાત છે.".

" પણ બેટા, તું આટલો મૂંઝાય છે તો મને થયું કે મને કહે તો હું તને કંઈક સૂચન આપી શકું. જીવનના અનુભવોથી કોઈ ઉકેલ આવી શકે તો!"
" એ તો જેણે નોકરી કરી હોય તેને ખબર પડે.".

"હશે, ઠીક મને કંઈ સમજ ન પડે." મયુરની વાતથી આભાબેન ને દુઃખ તો થયું પણ ગમ ખાઈ ગયાં.

"મમ્મી, આજે મારે કીટી પાર્ટીમાં જવાનું છે.મયુરને પણ સાંજે તેની ઓફિસની પાર્ટી છે. મિતાલી તેની ફ્રેન્ડ ને ત્યાં જવાની છે. મીતને પણ તેના ફ્રેન્ડસ્ સાથે ન્યૂ યરની પાર્ટીમાં જવાનું છે તેથી તમારે જે જમવું હોય તે જમી લેજો." મોનિકાએ પણ તેનો કાર્યક્રમ જણાવ્યો.

" હું કંઈક બનાવી લઈશ." આભાબેને કહ્યું તો ખરું પણ મન થોડું ખિન્ન થઈ વિચારે ચઢી ગયું. આભાનું અસ્તિત્વ ક્યાં?
આજે ઘણા સમય બાદ તેમને બાળપણની સખી,ખળખળ વહેતા ઝરણાંની જેમ ઉછળતી, કૂદતી આભા દેખાઈ. કેવા પતંગિયાની જેમ ઉડતા દિવસો હતા ! કોઈ રોકટોક નહીં. કોઈ કામની ચિંતા નહીં. બસ, બધી સખીઓ ભેગી થઈ કયારેક ઘર ઘર રમવાનું.પાંચીકા રમવાના, દોરડાં કૂદવાનાં, પકડદાવ રમવાનો.ખાઈ-પી અને મસ્ત રહેવાનું. આ બાળપણમાંથી મુગ્ધાવસ્થા આવી ગઈ તે તો ત્યારે જ ખબર પડી જ્યારે ફળિયાના પંચાતિયા પુષ્પાબેન,શંકાશીલ સંતોકબા, ચાલાક ચંપાબેન, રમાબેન,નીતાબેન વિગેરે મમ્મીને કહેવા લાગ્યા, "હવે તમારી આભા મોટી થઈ ગઈ છે તેને થોડું ઘરનું કામ શીખવો અને છોકરાઓ સાથે તોફાન મસ્તી કરવાનું હવે બંધ કરે તેમ કહો. દીકરીની જાતને આવા અલ્લડવેડા ન શોભે."
પપ્પાનો પણ વટહુકમ બહાર પડ્યો," દીવે વાટ ચડે એટલે ઘરમાં આવી જવાનું." મમ્મીએ પણ વહાલથી બેસાડીને કહ્યું, "બેટા, હવે ઉઠવા બેસવામાં ધ્યાન રાખવાનું.આપણે દીકરીની જાત તેથી પારકે ઘેર જવાનું એટલે રસોઈ અને ઘરનું કામકાજ શીખવાનું." આ રીતે ખીલતી કળીએ મુગ્ધામાંથી યૌવનમાં ડગ માંડ્યાં. નાનપણથી જ વિચક્ષણ. તેજ બુદ્ધિશક્તિ, ચપળતા તેને વરેલાં તેથી કૉલેજમાં પણ નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા, વાદ - વિવાદ ચર્ચા સ્પર્ધા હોય, તેમાં આભાનું સ્થાન મોખરે જ હોય અને તેમાંથી જ તો આકાશ સાથે વિચારોનું તાદાત્મ્ય સધાયું અને બન્નેએ જીવનસાથી બનવાનું નકકી કર્યું. જ્યારે પ્રેમ એક આદર્શ હોય ત્યારે તેના પંથમાં માત્ર ગુલાબો જ પથરાયેલાં દેખાય. લગ્ન બાદ જ જીવનની વાસ્તવિકતા સમજાય. લગ્ન પછી સંયુક્ત કુટુંબની મોટી વહુ, કાકી,મામી,ભાભી, જેઠાણી જેવા સંબંધોમાં ફરજ બજાવતાં, આભાનું અસ્તિત્વ તો ક્યાં અટવાઈ ગયું તે ખબર જ ન પડી. તેનાથી નાની વાચા દેરાણી બની ઘરમાં આવી. તેણે કહ્યું," હું તો મારી નોકરી મૂકી ન શકું. એવું હોય તો ઘરકામ માટે કોઈ માણસ રાખી લઈએ. ભાભી, તમારી આટલી મોટી ડિગ્રી છે તો તમે કેમ તમારી કરિયર વિષે વિચાર્યું નહીં?" પછી તો વાચા એટલે " દૂઝતી ગાય". એટલે ઘરમાં તેનો પડયો બોલ જીલાય. પરિવારમાં કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે પણ તેનો અભિપ્રાય મહત્વનો રહે. આભાને નાનાં - મોટાં સહુ તરફથી એક જ વાત સાંભળવા મળે. " તમે ઘરની બહાર નીકળ્યા ન હો તેથી તમને આ ન સમજાય. તમે ઘર, રસોડું, વ્યવહાર અને દરેકના સમય સાચવો એટલે ઘણું."
આમ અવાર-નવાર આભાના હૃદયને ઠેસ પહોંચતી. આકાશ હમેશાં તેના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા તેથી ઘરની તથા બાળકોની ભણાવવાની દરેક પ્રકારની જવાબદારી તેને માથે જ હતી. વળી સાસુ - સસરાની માંદગીમાં તેમની સારવાર તથા હૉસ્પિટલની અવરજવર પણ આભાએ જ કરવાની રહેતી. બંને નણંદના તથા અન્ય કૌટુંબિક વ્યવહારો પણ ખરા. આમ જીવનની ઘટમાળ વચ્ચે આભાને કયારેક પોતાનો યુવાનીનો સુવર્ણ સમય યાદ આવી જાય ત્યારે ગમગીન થઈ જતી.

" વો સુબહ કભી તો આયેગી.." ની જેમ થોડા સમયમાં જ મયુરના લગ્ન થઈ જશે અને વહુ આવી જશે એટલે તે ઘરની જવાબદારીથી નિવૃત્ત થઈ જશે અને આકાશ પણ નિવૃત્ત થઈ જશે પછી બંને આનંદથી જેમ ફરવું - હરવું હશે તેમ કરી શકશે એ વિચારે ફરી સ્વસ્થ થઈ જતી.
થોડા સમયમાં મયુર અને મીના, બંને ભાઈ - બહેનનાં લગ્ન ધામધૂમથી ઉકેલી નિરાંતનો શ્વાસ લીધો પણ ઈશ્વરને જાણે મંજૂર ન હોય તેમ એક દિવસ આકાશને અચાનક હાર્ટ ઍટેક આવ્યો અને હૉસ્પિટલ પહોંચે તે પહેલાં તો તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આભા ઉપર આભ તૂટી પડ્યું! નિવૃત્તિ પછીનાં સેવેલાં સ્વપ્નો રોળાઈ ગયાં.આભાબેન આ આકસ્મિક આવી પડેલ વજ્રાઘાતને કારણે ટ્રોમા અને ડિપ્રેશનમાં સરી પડ્યા. મયુર, મોનિકા, મીના દરેકે તેમને વિષાદમાંથી બહાર લાવવા ઘણા પ્રયત્નો કર્યા.
" મને મમ્મીની બહુ ચિંતા થાય છે.મમ્મી સાવ ગુમસૂમ રહે છે. આ બધામાં હું મારી જાતને પણ દોષિત માનું છું." મયુરે મોનિકા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી.
" કેમ એમ કહો છો?". " અમે બધાંએ મમ્મીને હમેશાં અંડર એસ્ટીમેટ કરી છે. તેનામાં ઘણી નિપૂણતા હોવા છતાં છતાં તેને કદી પ્રોત્સાહિત ન કરી, તેથી વિપરીત અમારી કોઈપણ નિષ્ફળતા કે ટેન્શનમાં તેની ઉપર જ બધાંએ ગુસ્સો ઠાલવ્યો. જ્યાં સારો સમય આવ્યો ત્યાં પપ્પાએ વિદાય લીધી અને મમ્મી એકલી પડી ગઈ. મોનિકા, મારો પેલો ફ્રેન્ડ ધ્વનિત છે તેના પપ્પા સાઈકીઆટ્રિસ્ટ છે. હું આજે તેમને મળવા ગયો હતો. તેમણે મારી બધી વાતો સાંભળી. તેમણે મને કહ્યું કે, "તારા મમ્મી એકદમ સ્ટ્રોંગ લેડી છે. તમે તેમને ઓવર પ્રોટેક્ટ ન કરો. સહુ રૂટિનમાં ગોઠવાઈ જાઓ. તેમને આ પરિસ્થિતિ સામે જાતે જ લડવા દો. તેમની જાતે જ તેઓ થોડા સમયમાં સ્વસ્થ થઈ જશે.".
" પણ સર,એમ અમે મમ્મીને એકલી કેવી રીતે રાખી શકીએ?".

" આ પણ સારવારનો એક પ્રકાર જ છે. તેને માટે તમારે પણ મન મક્કમ કરવું પડશે.".

" તેથી મોનિકા, હવે આપણે હ્રદય ઉપર પત્થર મૂકીને મમ્મીના જ સારા માટે આમ કરવું પડશે."
મયુર અને મોનિકા તેમનાં વ્યવસાય અને વિવિઘ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય, મિતાલી અને મીત પણ હવે મોટાં થઈ ગયાં તેથી તેમનાં ભણવામાં તથા મિત્રવર્તુળમાં વ્યસ્ત રહે તેથી આભાને અવારનવાર એકલતા બહુ સાલતી. આજે અચાનક કોણ જાણે મનમાં વિષાદ ફરી વળ્યો અને એકલાં એકલાં ખૂબ રડી લીધું. ફરી જાતે જ સ્વસ્થ થઈ બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ ત્યાં સામેથી અરીસામાંથી અવાજ આવ્યો, " ખબરદાર જો હવે આ આંખમાંથી આંસુ આવ્યાં છે તો! ક્યાં ગઈ એ આભા જેના વક્તવ્યની છટા ઉપર કેટલાય મંત્રમુગ્ધ થઈ જતાં! તું એ જ આભા છે અને એક વ્યક્તિ તરીકે જીવન જીવવાનું છે. તું જ તો ભાષણ આપતી હતી કે, " રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, " વૈરાગ્ય સાધને જે મુક્તિ,તે મારી નહીં." દુનિયા શું કહેશે તેમ વિચારીને શું જીવવાનું છોડી દઈશ? ચાલ હવે સરસ તૈયાર થઈ જા અને બહાર નીકળ." અને આભાને જાણે કોઈ દિવ્યશક્તિએ ફરી સજીવન કરી.
" રુદ્રી, આજે સાંજે શું કરે છે?" આભાએ તેની નિકટતમ સખીને ફોન કર્યો.
" ખાસ કંઈ નહીં. આપણે તો એકલરામ. પિંકીનાં લગ્ન પછી એ સાસરે ગઈ . આપણે આપણાં સંતાનોને માટે જીવનનાં આટલાં વર્ષો આપ્યાં. તેમને સરસ રીતે જીવનમાં સ્થાયી કર્યાં.આજે પણ આપણાથી શક્ય હોય તેટલા તેમને મદદરૂપ થઈએ. બાકી હવે હું કરું, હું કરું એવી જવાબદારી મૂકી દેવાની.આપણે સંપૂર્ણ સ્વસ્થ હોઈએ તો એ પણ આપણાં સંતાનો માટે મોટી મૂડી જ છે.વળી આજની પેઢી તેમની જીવન ઘટમાળમાં એવી અટવાયેલી છે કે આપણી સાથે સમય ગાળે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવી નિરર્થક છે. હવે મારી મહિલા મંડળની પ્રવૃત્તિઓ ચાલ્યા કરે. હું તો કહું છું તું પણ જોડાઈ જા. હવે સમય સાથે આપણે પણ બદલાવાનું. એવું નથી કે માત્ર ધર્મ- ધ્યાનમાં જ મન રાખવાનું. જો માનસિક અને શારીરિકપણે સ્વસ્થ રહેવું હોય તો જીવનમાં ભજન અને ભોજન, ગઝલ અને ગીતાજ્ઞાન દરેકનો તાલમેલ સાધીને રહેવું પડે."આપણાં ઘડવૈયા આપણે" વિષય ઉપર તો તને કૉલેજમાં ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું હતું."

" રુદ્રી મેં તને આજે એટલે જ ફોન કર્યો છે. આજે મારામાં ફરી એ આભાનાં અસ્તિત્વનો આવિર્ભાવ થયો છે. આ નવા વર્ષથી ફરી એક નવજીવનની શરુઆત કરવી છે.તેના માનમાં આજે આપણે પીઝા પાર્ટી કરીએ?".
" અરે વાહ! આ તું કહે છે? મને ખૂબ ગમ્યું. ' નેકી ઔર પૂછ પૂછ?' તું કહે ત્યારે હાજર."
"તો હો જાયે પીઝા પાર્ટી! સાંજે સાત વાગે મળીએ પેલી 'લાપીનોઝ પીઝામાં'.

" ડન! ભલે ઉંમરને અનુરુપ પણ કૉલેજના દિવસોને યાદ કરીને ડ્રેસ પહેરજે હો!" કહી રુદ્રીબેન પણ જાણે સાઈઠમાંથી વીસ વરસની યૌવના બની ગયાં!
સાંજે મિતાલી તૈયાર થઈને બહાર જતી હતી ત્યાં જ આભાબેને કહ્યું, " મિતાલી, આજે હું પણ મારી ફ્રેન્ડ સાથે" "લાપીનોઝ પીઝા" માં પીઝા પાર્ટી કરવા જવાની છું. રાત્રે નવ વાગ્યા સુધીમાં આવીશ."
" ઓહો મમ્મી, શું વાત કરો છો? વાઉ ફેન્ટાસ્ટીક! "કહી આભાબેનને ભેટીને ગોળ ગોળ ફેરવવા લાગી.
" મમ્મી, આજે મયુર પણ બહુ ખુશ થઈ જશે.તમને સેડ જોઈને અમને પણ દુઃખ તો થાય જ ને! તમારે શું અમારે માટે હસતાં નથી રહેવાનું?"
"આજે ઘણા સમય બાદ આભાબેનના ચહેરા ઉપર આનંદ હતો. રુદ્રીબેન પણ સમયસર પહોંચી ગયાં હતાં.પહેલાં તો બંને સખીઓ ભેટીને રડી પડી. ફરી સ્વસ્થ થઈ પીઝાનો આનંદ લેતાં ઘણી બધી ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી.

"જો આભા, આવતા ગુરુવારે અમારાં સખી ગ્રુપની મિટિંગ છે. તેમાં તારે 'મને મારામાં હું જડી' એ વિષય ઉપર વક્તવ્ય આપવાનું છે."

" અરે, પણ મારાથી હવે એ નહીં બને. "
" એ હું કંઈ ન જાણું.મેં તારું નામ આપ્યું છે.ચાલ આજથી તૈયાર કરવા લાગ."
રાત્રે આભાબેન આવ્યાં ત્યારે મયુર રાહ જોઈને જ બેઠો હતો.

"આજે ડૉ. શાહની વાત સાચી પડી. તેમણે કહ્યું હતું કે, "તમારાં મમ્મી બહુ સ્ટ્રોંગ લેડી છે. થોડો સમય લાગશે પરંતુ એ જાતે જ તેમનાં દુઃખમાંથી બહાર આવશે અને ફરી હતાં તેવાં ઉત્સાહથી ભરેલ, ચેતનવંતા બની રહેશે.આજે મારી મમ્મી મને પાછી મળી ગઈ." કહી ભેટી પડ્યો.

વાર્તા વિશ્વ કલમનું ફલક:-
લેખન:- સ્વાતિ મુકેશ શાહ
ઘટના આધારિત.
swatimshah@gmail.com
શીર્ષક:- અપરાધ?

યુધ્ધવિરામનાં સમાચાર સાંભળવા નિર્મલાનાં ધ્રૂજતાં હાથ અને બહેરાશ આવેલાં કાન ખેંચાઈ રહ્યાં હતાં. મોં પરની કરચલીઓ અને ઉંડી ઊતરેલી આંખો નિર્મલાની વધેલી ઉંમરની ચાડી ખાતા હતા અને પાકટ નજર ચારેકોર ફરતી હતી.

આજકાલ થતાં આ પરદેશી જેલમાં કેટલાં વર્ષ પસાર થયાં તેની કોઈ ગણતરી નહોતી. બસ યાદ હતું તો એ જ કે દૂતાવાસમાં સેવેલી રાજદૂતની પથારી. નિયમિત પ્રધાનમંત્રીને સંદેશ પહોંચાડી દેશ પ્રત્યેની વફાદારીની યાદ નિર્મલાને ભૂતકાળમાં ક્યારે ખેંચી ગઈ તેનો એને પોતાને ખ્યાલ ના રહ્યો.

નાનપણથી દેશપ્રેમ નિર્મલાને સૈન્યમાં જોડાવા હંમેશા પ્રેરીત કરતો. માતાપિતાની મંજૂરીથી નિર્મલા સૈન્યમાં ભરતી થવા ગઈ અને એનાં રૂપને જોઇ નિર્મલાની ટ્રેનીંગ પછી એને જે કામની ઑફર મળી તે સાંભળી એક સમય તો તે ડગી, પરંતુ દેશપ્રેમ એને વૉર પ્રોસ્ટીટ્યુટ બનવા ખેંચી ગયો.

ખૂબજ નિષ્ઠાપૂર્વક એ પોતાનું કાર્ય કરતી અને એનું નિર્મલાને ઘણું ગૌરવ હતું. નાજાણે ક્યારે યુદ્ધ શરુ થયું અને નિર્મલાની કેવી રીતે ધરપકડ થઈ એ આખું ચલચિત્રની જેમ તેની આંખ સામેથી પસાર થયું. ત્યારથી લઈને આ સમયનું બીજીવારનું યુદ્ધ થયું અને હજી પોતે કેટલો સમય આ કોટડીમાં રહેશે તેનો એને અંદાજ નહોતો. પૂછપરછ તો ઘણાં સમય પહેલાં પતી ગઈ હોવા છતાં એને સજા માફ કરી છોડવામાં નહોતી આવી.

ઘણીવાર નિર્મલાનું મગજ સુન્ન થઈ જવાં લાગતું. એકાએક બહાર બહુ અવાજ સંભળાતાં નિર્મલા એકદમ સ્વપ્નમાંથી બહાર આવી. એક સિપાહીને પૂછતાં જાણવા મળ્યું કે બંને દેશો એ યુદ્ધવિરામ નક્કી કર્યો અને સાથે સાથે રાષ્ટ્રીય કેદીઓની અદલાબદલી કરવામાં આવશે. નિર્મલાને મન આ એક ઘટના જ લાગી. પરંતુ જ્યારે તેને છોડવામાં આવી ત્યારે તેને છોડી અને સ્વજનો પાસે જવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે નિર્મલા વિચારવા લાગી કે સ્વજન?

મનમાં એક કૂતુહલ અને ડર સાથે નિર્મલા પોતાના ઘરે ગઇ અને ભાઇને મળી તો તિરસ્કાર જ મળ્યો. વિચારવા લાગી કે એવી કઈ ઘટના બની કે એનાં પરિવારનાં સભ્યોએ નિર્મલાનું મોં જોવાનો ઈનકાર કર્યો? માતાપિતા તો હયાત નહોતાં પણ માજણ્યા ભાઇએ પણ મોં ફેરવી લીધું. શું એના પરિવારને પોતાનાં કાર્ય વિશે માહિતી મળી ગઈ હતી? શું દેશ માટે દુશ્મનનું પડખું સેવી બાતમી કઢાવવી એ કોઈ અપરાધ હતો? એક લાંબા નિસાસા પછી મક્કમ મનથી શાંત પગલે રાજધાનીમાં રોકાઇ ગયેલાં જુનાં આશિક રાજદૂતની શોધ કરવાનું નક્કી કર્યું. રિટાયર્ડ આર્મી ઓફિસર કે જેણે નિર્મલાને આવી ડ્યૂટિ સોંપી હતી તેમને શોધી કાઢ્યાં.

આર્મી ઓફિસરને નિર્મલા જેલમાંથી છૂટી છે એવી ખબર હતી, પરંતુ એમનાં ઘરની ઘંટડી વગાડી સામે મળશે તેવો અંદાજ નહોતો. ચકોર નિર્મલાએ વાતવાતમાં એ નિવૃત્ત રાજદૂતનું સરનામું જાણી લીધું પછી તો બંને જણાએ દિલ ખોલીને વાત કરી.

પ્લાન તો મગજમાં તૈયાર હતો હવે સંજોગો સાથ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવા લાગી. બેત્રણ દિવસમાં નિર્મલાએ એ ભૂતપૂર્વ રાજદૂતની રહનસહન જાણી લીધી. ઘડપણ નજીક હતું પરંતુ રૂપાળી સ્ત્રીઓની ઘેલછામાં ફેર નહોતો થયો. આ દેશમાં સ્થાયી થવાનું એ મુખ્ય કારણ હતું. જે એનાં દેશમાં શક્ય નહોતું.

સરકારી સલાહકાર બની પોતાના દેશને વફાદાર રહેશે એવું વચન આપી આ દેશમાં વસવાટ કરવાની વ્યવસ્થા મી.એક્સ કરી ચૂક્યા છે. એવું જાણતાં જ નિર્મલાએ એક ઉંડો શ્વાસ લીધો.

છેવટે એનું ઝનૂની મન કાબુમાં ના રહ્યું. સંધ્યાના સૂર્ય જેવું સિંદૂર આંખે આંજી એક ચમકતાં ચહેરે નિર્મલાએ નિવૃત્ત મી. એક્સ બની રહેતા રાજદૂતનાં ઘરે રસોઈ કરવાની નોકરી કરવાનું વિચારી, ચાલુ નોકરાણી રજા ઉપર હતી ત્યારે જ પોતાનો પાસો ઊતાર્યો.

પાકટ ઉંમર છતાં ચમકતો ચહેરો મી.એક્સને આકર્ષી ગયો. નિર્મલાએ રસોઈ કરવી શરૂ તો કરી પણ ક્યારેક ખાવામાં નશો કરાવતી જડીબુટ્ટી નાખવાનું શરૂ કરી દીધું.

કાળી અંધારી રાતે મી.એક્સે નિર્મલાને પોતાની રૂમમાં બોલાવી. નિર્મલા વિફરેલી વાઘણ સ્વરુપે રૂમમાં જઈ મી.એક્સની સામે જ પોતે કોણ હતી તે વિગતે કહેવાનું શરું કર્યું. સાથે એક ઝાટકે મી.એકસ કશું બોલે તે પહેલાં જ અટ્ટહાસ્ય કરતાં રામપુરી ચપ્પુ મી. એક્સના પેટમાં ઘુસાડી રીટાયર્ડ આર્મી ચીફને ફોન જોડી બોલી, " સર, કામ થઈ ગયું છે."

વાર્તા વિશ્વ કલમનું ફલક :
વિષય : ઘટના આધારિત વાર્તા.
શીર્ષક : પશ્ચાતાપ
લેખન:- શૈલેશ પંડ્યા.
એક પછી એક નગ્ન યુવતીઓની ક્લિપિંગ એની નજર સામેથી પસાર થઈ. જો કે આ તો એનું રોજનું કામ હતું. પણ આજ કઈક મન ઉદાસ હતું. આજ મોહક સુંદરીઓનાં દેહમાં એનુ મન લાગતું નહોતું. ખબર નહીં કેમ, પણ આજ કોઈ એને રોકતું હતું, પણ કામના પૈસા મળતા હોવાથી ફરી હાથ માઉસ પર રમવા લાગ્યો 'ને એનો સ્મશાન વૈરાગ્ય તૂટી ગયો. છોકરીઓનાં નગ્ન શૂટિંગમાં મોર્ફિંગ કરી મનગમતી હિરોઈનનો ફેસ બેસાડી દેવાનો 'ને પછી ફેન-ક્લબનાં માલિક મઘુ શેઠને ફોરવર્ડ કરવાનો, રોજનું એનું આ કામ. એક પછી એક નગ્ન યુવતીના નહાવાના સીન એની આંખો સામેથી પસાર થતાં હતા. "ક્લિક .. ક્લિક" માઉસ પર ફરતા એના ટેરવા અચાનક અટકી ગયા. બેક કરી જોયું. ફરી એનો ચહેરો... ફરી બેક કર્યું... "એ જ... એ... જ.... અને એના હાથમાંથી માઉસ પડી ગયું. હૃદય એક ધબકારો ચુકી ગયું.
‘ઓહ,માય ગોડ...રેવતી !' ઓહ, ફરી ચહેરો જોયો. હા..અરે યાર રેવતી જ છે, એની ભૂલ ના થાય. એની સાથે તો બાળપણના બાર બાર વરસ જેની સાથે હળીમળીને , રમ્યો, પડ્યો, રડયો અને હસ્યો પણ મન મૂકીને અને આજે એ રેવતીની ક્લિપ... "ઓહ.. માય ગોડ."
એ ઉભો થવા ગયો, પણ પગ જાણે પાણીનાં રેલા હોય એમ દડવા લાગ્યાં. લથડિયું ખાઈને એ માંડ માંડ ઉભો થયો. પોતાના ગુરુ, અરે ભગવાન જેવા ભગવાનની દીકરી. 'રેવતી'. હિંદુ-મુસ્લિમ બધા ભેદભાવો કોરાણે મૂકી જેમણે એને આશરો, છત આપી એવા રામશંકર માસ્તરની એકની એક દીકરી. એની આંખોમાં અંધારા આવી ગયાં. ધીમે ધીમે આંખો સામેથી કાળા કાળા ભૂતકાળનાં પડદા જાણે હટવાં લાગ્યાં. ભીંજાયેલી આંખો સામે એક ધૂંધળું દ્રશ્ય ખડું થયું. આઠ દસ વરસનું બાળક, મા રેતીના ઢગલા પર બેસાડીને નવી બનતી ઈમારતનાં ચોકીદારની કેબીનમાં જાય, દરવાજો બંધ થાય, થોડીવારે મા કાં તો રડતાં રડતાં બહાર આવે, કાં તો રડતાં રડતાં ઉલટી પણ કરે. દર ત્રણ-ચાર દિવસે આ દ્રશ્ય કોમન. બાળક રમે,પડે, રડે અને માની રાહ જુએ. આખરે એક દિવસ મા કેબીનની બાર જ ના નીકળી અને નીકળી તો પણ નીકળી કેવળ એક માની લાશ. એ ખૂબ રડ્યો એને હવે સમજાવા લાગ્યું’તું કે આ બધું શું છે.?
અને કરે તો કરે પણ શું ? બાપ તો કે'દુનો દારુ પી પીને મરી ગયો હતો, અને આજ માની પણ વિદાઈ ..’
માની અંતિમવિધિ પછી જો કોઈએ એનો હાથ ઝાલ્યો હોઈ તો તે માસ્તર રામશંકર હતા.
સગા દીકરાની જેમ એણે એને ઉછેર્યો હતો. અને રેવતીએ તો એને સગા ભાઈ કરતા વિશેષ!
અને આજ એ રેવતીની ક્લિપ... "ઓહ..માઈ ગોડ, મારાંથી આ શું થઇ ગયું?" "યા અલ્લાહ.. યા અલ્લાહ" શરીર ધ્રૂજવા લાગ્યું. અલ્લાહ મને ક્યારેય માફ નહી કરે. ધૃણા અને નફરતનો સૈલાબ એની આંખોમાં તેજાબ જેમ ઉભરાવા લાગ્યો. ધૃણા ઉપજી પોતાની જાત પર, અને એ હોટેલના માલિક પર જે બાથરૂમના શાવરમાં કેમેરા મૂકી આવું અધમ કૃત્ય કરાવતો હતો." આવી તો કેટલીયે યુવતીઓને..." એ બેસી પડ્યો. આજ એના કુકર્મોનું ફળ એને મળી ગયું હતું. એને જોર જોરથી રડવું હતું પણ એ રડી શકતો નહતો. ગળે ડૂમો બાઝ્યો. આજ એને મા બહુ યાદ આવી. માની મજબુરીનો લાભ ઉઠાવતો બિલ્ડર, એના મિત્રો, બધું આંખ સામે તાદ્રશ્ય થયું. એની મુઠ્ઠી ભીંસાણી અને એનો પ્રકોપ કોમ્પુટર પર મુકકો થઈ તૂટી પડયો. વેર-વિખેર સ્ક્રીનનાં કાચના ટુકડાઓમાં તરડાયેલો માનો ચહેરો દેખાયો.. એણે આંખો બંધ કરી દીઘી.
‘અમ્મા, મને માફ કરી દે, હું ભટકી ગયો’તો..’ ને ક્યાંય સુધી એ માની તસ્વીર સામે મન મૂકીને રડ્યો.
સવારે હોટેલ ‘અફસાના’ આગની લપેટમાં ફસાઈ ત્યારે એના ચહેરા પર અપ્રતિમ આનંદ હતો. પોલીસ આવીને બધી સી.ડી અને પેન ડ્રાઇવ જપ્ત કરે છે અને હોટેલના માલિક બિલ્ડર રધુદાદાની ધરપકડ કરે છે, અને આખા રેકેટનો પર્દાફાશ થાય છે. હવે ગામડે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આવેશ અને લોકોની વાતોમાં આવી એને રામશંકર માસ્તરનું ઘર છોડ્યું એનો એને આજ પારાવાર અફસોસ થયો. મિત્રોનાં મેણાં-ટોણાં, એનાં જ મિત્રો... સાદિક અને મુસો...કેવું કે’તા'તા- ‘કાફર..કાફર..સા...લા, હિન્દુના રોટલા ખાઈ ખાઈને સાવ કાફર થઇ ગયો છે.' અને તે દિવસે એણે રામશંકર માસ્તરનું ઘર છોડ્યું અને ભાગી ગયો. કોણ જાણે ક્યાંથી આવી ચડ્યો તો આ નર્કાગારમાં.! કેટલીયે છોકરીઓની ઇઝ્ઝત વેચી પેટનો ખાડો પુરતો’તો.
પણ આજ એ ખુશ હતો. આજે એણે ઈમાનનું કામ કર્યું હતું. રેવતીની ઇઝ્ઝત બચાવી એણે પાક કાર્ય કર્યાની સંતોષની રેખા એના ચહેરા પર ચમકતી હતી તો બીજી બાજુ પેલા બિલ્ડર રધુદાદાનાં સામ્રાજ્યને આગ લગાડી, એ હનુમાન કૂદકો મારીને ગામડે જવા રવાના થયો. 'જેવા સાથે તેવા' કહેવત વાગોળતા વાગોળતા એણે સાંજની ટ્રેન પકડી.
રામશંકર માસ્તરના ઘરે જઈ સીધો જ એનાં પગમાં પડી ગયો. ચોધાર આંસુએ આખું ફળિયું ભીજાયું.
‘બાપુ, મને માફ કરી દ્યો...મેં બહુ મોટું પાપ કર્યું છે.’
રેવતી પણ દોડીને આવી ગઈ.
‘ભાઈ...તું ?’
એની આંખો પણ ભીંજાણી. એ નીચી નઝારે એની સામે ઉભો. પોતાના કરતૂતની શરમ આજ એને ઉચું માથું કરીને ક્યાં ઉભવા દે એમ હતી.!
રામશંકર માસ્તરે એને છાતીએ વળગાડ્યો.
“અગર સુબહકા ભૂલા શામ કો વાપિસ ઘર આયે તો ઉસે ભૂલા નહિ કહતે.”
અને એણે શાન્તાને કહ્યું, "ગોરાણી, લાપશીના આંધણ મુકો, આજ મારે ઘરે મારો દીકરો સલીમ પાછો આવ્યો છે."
સલીમ, એના સાહેબ...માસ્તર....કે બાપ કયો તો બાપની નિખાલસતા જોઈ એના પગે પડી ગયો પશ્ચાતાપનું ઝરણું ક્યાંય સુધી રામશંકર માસ્તરનાં ચરણો પખાળતું રહ્યું.

વાર્તા વિશ્વ કલમનું ફલક
લેખન: મનિષા એમ.પટેલ "પ્રેરણા"
વિષય: પાત્ર આધારિત
શીર્ષક: મા
"હા હા સાયેબ, એ ખૂન મેં જ કર્યું છે."
અદાલતમાં સન્નાટો છવાઈ ગયો, બચાવ પક્ષના વકીલને મનમાં હાશ થઈ ગઈ. ગુનો સાબિત કરવા કેટલાય પુરાવા અને સાક્ષી રજૂ કરવા પડે ત્યારે આ આરોપી તો સામેથી જ ગુનો કબૂલ કરે છે. ન્યાયાધીશ વિનોદ મહેતાની અનુભવી નજર આરોપી પર ફરી રહી. કંઈ કેટલાય ગુનેગારો, મવાલીઓ, ગુંડાઓ અને હાઈપ્રોફાઈલ આરોપીઓ અદાલતમાં એમણે જોયેલા પણ આ અવાજમાં સચ્ચાઈનો રણકાર છુપેલો હતો જે એમના અંતર સુધી પહોંચતો હતો.

"ગેની બેન, તમારો વકીલ કોણ છે, અને જો વકીલ ન હોય તો કોર્ટ વ્યવસ્થા કરી આપશે."

પોતાના નામ સાથે ક્યારેય બેન શબ્દ સાંભળ્યો ન હતો.ચાલીસ વર્ષની ઉંમર, ભીને વાન, સાગના સોટા જેવી આકર્ષક દેહયષ્ટિ ધરાવતી ગેનીએ ન્યાયાધીશ સામે પૂર્ણ ખુમારી સાથે જોયું. "ના સાયેબ, મારે વકીલ બકીલ ના જોશે, મું તો જેવું છે એવું જ કેવા વાળી."

" ગેની બેન, તમારે તમારી સફાઈમાં જે કંઇ કહેવું હોય તે તમે કહી શકો છો, અદાલત તમારી વાત સાંભળી અને નિષ્પક્ષ ન્યાય કરશે."
"અરે સાયેબ, મું શું સફાઈ દઉં. એમાં મુને ખબર નો પડે. મું પેલે થી છેલે હુધી જે બન્યું કઉં સું,આ રઘલો નકરો ચંડાળ માણહ હતો. મું ને મારી સોનકી એની ખોલીમાં ભાડે રહીએ, મારો વર તો ભૂંડો પી પી ને ઉકલી ગ્યો અને અમને બેય ને વાંહે સોડી ગ્યો. મું ઘરઘર ના કામ કરું ને આ મારી હોનલી ને ભણાવું. ક્યારેક ભાડું મોડુંવેલું પણ થાય અને આ ખોલીનો ઘણી રાઘવજી જ્યારે આવે ત્યારે મુવો મારા પર ખરાબ નજર નાખે, મુને કે ગેનલી મારી વાત માન પણ મું એને કોઠું ન દઉં. એ દિ બપોરે મુને આવતાં સેજ મોડું થયું, ઘરે પોચી તો ઇ રઘલો મારી પારેવા જેવી હોનલી સાથે જોર જબરજસ્તી અડપલું કરતો હતો. મેં રઘલા ને રોક્યો તો ઇ ભૂંડો મુંને મારવા લાગ્યો, પીધેલો પણ હતો ઇ સાયેબ, કોઈ વાતે માને નહીં. ડાંગ ભાળી મું એ એના માથે જ સોટાડી દીધી."
"ગેની બેન તમે પોલીસની મદદ કેમ..."
"અરે સાયેબ, પોલીસને હાદ કરું ન્યા લગી મારી હોનલી ને ઇ રઘલો પીંખી નાખત, મું મા સું સાયેબ. મુને ઈને મારવો નોતો પણ ડાંગનો ઘા જ એવો લાગલો બેઠો કે મુવો ઉભો જ નો થ્યો. મારી હોનલી બચી ગઈ સાયેબ, હવે તમને જે નિયાય કરવો હોય તે સૂટ સે."
કોઈપણ ધર્મગ્રંથ પર હાથ મુક્યા વગર ગેનીએ ઉચ્ચારેલું સત્ય જાણે સમાજની એક વરવી વાસ્તવિકતાને ઉઘાડું પાડતું હતું. અદાલતમાં હાજર તમામ લોકોની લાગણી ગેનીની સાથે હતી અને પુરાવા તમામ વિરુદ્ધ હતા.
ન્યાયાધીશ વિનોદ મહેતાએ કોર્ટમાં ફેંસલો સંભળાવ્યો.
"તમામ પુરાવા તપાસ્યા બાદ અને સાક્ષીઓને સાંભળ્યા બાદ એ સાબિત થાય છે કે શેઠ રાઘવજી મેઘજીની હત્યા આરોપી ગેની બેને કરી છે પણ આ હત્યા યોજનાબદ્ધ ન હતી તેમજ ગેની બેને પોતાની દીકરી અને સ્વબચાવમાં આ હત્યા કરી છે માટે અદાલત ગેની બેન ને ઇન્ડિયન પીનલ કોડની ધારા 96 અંતર્ગત નિર્દોષ જાહેર કરે છે અને મુક્ત કરે છે."
અદાલત તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. ન્યાયપાલિકાએ સમાજના નીચલા થરમાંથી આવતી એક સ્ત્રીના ગૌરવનું સન્માન કર્યું. હોનલી માને વળગી પડી,
વાત્સલ્ય, આત્મગૌરવ અને સંતોષના વિધવિધ ભાવો જાણે ગેનીના મોઢે તરી રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED