વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 8 - સંપાદન - દર્શના વ્યાસ વાર્તાવિશ્વ કલમનું ફલક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 8 - સંપાદન - દર્શના વ્યાસ


પ્રકાશક પેજ -ઇ મેગેઝીન

આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના

'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક - ૮
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com

એડિટર ટીમ:
સેજલ શાહ 'સાંજ'
નિષ્ઠા વછરાજાની
ઝરણા રાજા 'ઝારા'
ગ્રાફિક્સ : ઝરણા રાજા 'ઝારા'

ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.

સંપાદકની કલમે✍️

નમસ્કાર મિત્રો,

*વાર્તાવિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયયિકના આઠમા અંક સાથે સૌ વાચકોનું સ્વાગત છે. આ અંકમા સર્જકોને મુક્ત રીતે ઉડવા માટે પોતાનું આકાશ આપવાનો એક નાનકડો પ્રયાસ કર્યો અને સર્જકોએ તે સરસ રીતે નિભાવ્યો તેનો મને રાજીપો. આશા છે વાચકોને આ પ્રયોગ પણ જરૂર ગમશે.

આપ સૌના મુલ્યવાન પ્રતિભાવો કલમને બળ આપે છે. મેગેઝીન વિવિધ વિષયો સાથે આપ સામે પ્રગટ કરવાનું કારણ આપે છે.એ માટે સૌ વાચકોનો આભાર..


સૌ સર્જકોને અભિનંદન.

અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7984738035
Email: darshanavyas04@ gmail.com








પ્રસ્તાવના

ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી
ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

- કવિશ્રી ધ્રુવ ભટ્ટ


મનમાં ઉઠતાં આવાં ભાવો, તરંગો, લાગણીઓ અને વિચારોને શબ્દ સ્વરૂપે વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ એટલે વાર્તા. એક લેખક કોઈ કથાબીજની આસપાસ ખૂબ નાજુકાઈથી અને બારીકાઈથી, યોગ્ય શબ્દોની ગૂંથણી દ્રારા એક માયાજાળ રચે છે. તે વાંચકો સમક્ષ પોતે શબ્દદેહે રજૂ થ‌ઈને પોતાના ભાવવિશ્વ અને મનોજગત સાથે વાંચકોને જોડી દે છે અને કોઈ સક્ષમ વાર્તા વાંચકોના દિલોદિમાગ પર પોતાની અમીટ છાપ અંકિત કરવામાં સફળ થાય છે. કોઈપણ વાર્તાના સર્જકનું બસ આ જ તો સ્વપ્નું હોય છે! આ જ તો તેની સફળતા ને આત્મસંતોષ હોય છે.

એક સારો વાર્તાકાર હરહંમેશ વાંચકોને કોઈ સારો ને ઉપયોગી સંદેશ સચોટ રીતે આપવાની કોશિશ કરે છે. આપણી આસપાસ બનતી ઘટનાઓને સમાજનું પ્રતિબિંબ વાર્તાઓમાં ઝીલાય છે. વાર્તા લખવા માટે લેખક પોતાના મન અને મગજની તમામ શક્તિઓ નીચોવી દે છે ત્યારે એક ઉત્કૃષ્ટ કૃતિનું નિર્માણ થાય છે. બસ! આવી જ ઉત્કૃષ્ટ કૃતિઓ લ‌ઈને અમે વાર્તા વિશ્વ કલમનું ફલક ઇ - સામાયિકનો આઠમો અંક લ‌ઈ આપની સમક્ષ આવ્યા છીએ. આશા છે આપ સહુને એ પસંદ આવશે...

- નિષ્ઠા વછરાજાની






અનુક્રમણિકા

1 રિમઝીમ - દર્શના વ્યાસ ' દર્શ '
2 અતિતનો વર્તમાન - રસિક દવે.
3 સ્પર્શ- એક અણગમતો એહસાસ - વૃંદા પંડ્યા
4 રુણાનુબંધ - અંજલિ દેસાઈ વોરા
5 એક અનન્યા.. - ઋતુંભરા છાયા
6 પ્રેમ - એક ઋણાનુબંધ - રીટા મેકવાન ' પલ '
7 પ્રેમની પૂર્ણાહુતિ - અર્ચિતા દીપક પંડ્યા
8 પ્રસુતિની પીડા - કૌશિકા દેસાઇ
9 જનરેશન ગેપ - નિમિષા મજમુંદાર
10 આશ્ચર્ય (લઘુકથા) - ચિરાગ કે બક્ષી
11 પંખ - સ્વીટી અમિત શાહ ' અંશ '
12અભિજીતા - અનિરુદ્ધ ઠક્કર ' આગંતુક '
13 આઝાદીની હવા - નંદિની શાહ મહેતા










1
શીર્ષક: રિમઝીમ
લેખન : દર્શના વ્યાસ ' દર્શ '

"તું જઈને ભૂલી તો નહીં જાય ને?"
"કોલ અને વીડિયો કોલ તને કરતો રહીશ. આપણે સાથે જ છીએ હંમેશા."
"મને નથી ગમતું તારાથી દૂર રહેવું."
"ઓકે, બાબા..હું આવી જઉ પછી કંઈ કરું આમ દૂર રહેવું મને પણ ક્યાં ગમે..અત્યારે જઉ? ફ્લાઈટનો સમય થયો. ઉદાસ ન રહીશ તારી સ્માઈલ ઝાંખી થાય તે પહેલાં આવી જઈશ."
"બસ.. ભૂલી ન જઇશ" કહેતા રિમઝીમ સાગરને વળગી ભીની આંખે વિદાય આપી રહી.
એક જ શહેરમાં રહેતાં રિમઝીમ અને સાગરની સોશિયલ મીડિયાથી થયેલી વાતચીત પછી ક્યારે બંને મિત્ર બન્યાં તેનો બે માંથી એકને પણ ખ્યાલ ન રહ્યો. શહેરના ટાઉનહોલમાં રિમઝીમનું વક્તવ્ય હતું. શહેરનાં નામાંકિત લોકોની ઉપસ્થિતી રહેવાની હતી ત્યારે રિમઝીમ ચાહી રહી 'સાગર પણ આવે અને ફ્રન્ટ સીટ પર બેસીને તેને સાંભળે.' સાગરે બિઝનેસ અને સમાજમાં નાની ઉંમરે જ પદ,પ્રતિષ્ઠા મેળવેલાં. તે પણ રિમીઝીમને મળવા ઉત્સુક હતો. પુરા વક્તવ્યમાં જેટલાં શબ્દો નહિ બોલાયેલા હોય તેથી વધુ ચાર આંખોએ એકબીજામાં વાંચી લીધાં.
સાગરની વ્યસ્તતા એટલી કે તે ઈચ્છે તો પણ રિમઝીમને પુરતો સમય ના આપી શકે. જ્યારે આ તરફ રિમઝીમ એટલે પૂરેપૂરી લાગણીથી તરબોળ. કોલેજમાં પ્રોફેસર હોવા છતાં અનેક જગ્યાએ વ્યાખ્યાન માળા આપતી હોય કે અન્ય વ્યસ્તતા વચ્ચે તેને સાગર માટે સમયનો અભાવ ક્યારેય ન રહેતો. તે માનતી, "પ્રેમ હોય ત્યાં બધું જ કરી છુટાય ..સમય મળે નહીં તો મેળવી લેવાનો..'પ્રેમ વ્યક્ત કરવાની એક પણ ક્ષણ તે ન ચુકે તે બેબાક પ્રેમ કરતી. જ્યારે સાગર ઓફિસની અનેક જવાબદારીઓ વચ્ચે જાતને ભૂલી જતો. રિમઝીમને એ ક્યારેય કહી ન શકતો કે તે કેટલું ચાહે છે.અભિવ્યક્તિ કદાચ તેનો સ્વભાવ જ નહતો. રિમઝીમ એ સમજે ..મળે ત્યારે તેની આંખોમાં ..વાતોમાં અને સ્પર્શમાં તે અનુભવે છતાં ઈચ્છે કે સાગર તેને કહે, "હા! રિમઝીમ હું ચાહું છું..તું યાદ આવે છે." રિમઝીમની જીદથી ક્યારેક સાગર બોલે તો પણ પરાણે બોલતો હોય તેમ ધીમેથી અને અડધું પડધુ બોલે કે સાંભળવામાં પણ અડવું લાગે, રિમઝીમ હસવું રોકી ન શકે.. અને "જુઠમ.." કહી ચીડવે. "અચ્છા અમે કહીએ તો જુઠમ..લાગણી ક્યારેય એક પક્ષે ન જ ટકે "તે કહેતો.
"હા.. તો..!! હોય તો વ્યક્ત કરે તો કેટલું ગમે..અને હા..હું જુઠમ તો કહીશ..તું મારો જુઠમ જ છો... પ્રેમ કરે તો પણ કહેતા ન આવડે!"

"સારું તું કહે તેમ..રિમીઝીમ હસવા જાય તે પહેલાં તો સાગર ચાર હોઠ એક કરી દેતો."
દિવસનાં સમય અભાવે તે રિમઝીમને મળી ન શકે અને સાંજ પછી રિમઝીમ ઘરની બહાર રહે તે તેના પરિવારમાં ન ગમતું. ઉપાય સ્વરૂપ બંને લંચ સમયે મળતાં. એ કલાકમાં જમતાં, જમાડતા, ક્યારેક રિમઝીમ પોતાના હાથે સાગરને ગમતી પુરણપોળી બનાવી લાવે તો ક્યારેક સાગર પોતાના હાથે ફ્રુટ સલાડ પીવડાવે પણ એ કરતાં મીઠાશ તો બંનેના પ્રેમમાં રહેતી. રિમઝીમને તેને જમતો જોવો ખૂબ ગમે જમે ત્યારે એક બાળક જેવી નિર્દોષતાં સાગરના મોઢા ઉપર છવાતી રિમઝીમને ત્યારે તેના ઉપર એટલું વહાલ આવે કે બધી જ ફરિયાદો ભૂલી જાય, પણ ફરિયાદો એમ ક્યાં ઓછી થાય પ્રેમાળ ક્ષણો વચ્ચે પણ સાગરની નજર ઘડિયાળનાં કાંટા તરફ જ રહેતી. રિમઝીમ પોતાના હાથથી તેની ઘડિયાળ ઢાંકી દેતી,"નહિ જવા દઉં." પણ સાગર જતો. તેને હસીને બાય કહેતી વખતે રિમઝીમનું હૃદય તો કપાઈ જ જતું.
જેમ આજે તેના વિદેશ પ્રવાસ વખતે કપાયું.
સાગરના વિદેશ ગયાને પંદર દિવસ થઈ ગયાં. રિમઝીમ સતત યાદ કરતી, એ યાદ હદબાર વધે ત્યારે સાગરનું પહેરેલું ટીશર્ટ જેમાં તેનો સ્પર્શ, મહેક સચવાયેલી તે પહેરી લેતી અથવા તેને છાતી સરસું ચાંપીને સુઈ જતી. જાણે સાગર તેનાં અસ્તિત્વને વીંટળાઈ ના વળ્યો હોય..!! અને પછી મોંઘી જણસ જેમ સાચવીને વોર્ડરોબમાં મૂકી દેતી પણ યાદો એમ કેમ સમેટાય..!! સાગરના ગીતો..મળે ત્યારે પ્રેમ કરતી વખતે પણ ઓફિસની ઉપાધિઓ ભરેલો સાગરનો ચહેરો...તેની મેચ્યોર વાતો જે રિમઝીમને જીવનની સમજ આપતો તે બધી જ વાતો..અને ઓફિસમાં હોય ત્યારે વીડિયો કોલ પર વાત કરે ત્યારે લેન્ડ લાઇન પર બીજા બે-ત્રણ કોલ આવી જાય જે તે અકળામણ અને મુકવાની અધીરાઈ સાથે એટેન્ડ કરે ત્યારે તે ભાવોને તે જોતી તો મનથી ખુશ થતી.એ સમયે તેના ચહેરાની એક એક રેખા તે બારીકાઈથી જોતી. ઓફિસમાં કાયમ ડીસીપ્લીનમાં રહેતાં સાગરનાં યુનિફોર્મલી ઓળેલા વાળ ત્યારે રિમઝીમને વિખી નાંખવાનું મન થતું કદાચ એ બહાને તે જાણે ઓફિસના માહોલમાંથી સાગરને બહાર લાવી જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્સવ જેમ જીવી લેવા ઇચ્છતી.. બધું જ આજે સાગર પાસે નથી ત્યારે યાદોનો સાગર બની સામે તાદ્રશ્ય થઈ રહ્યું.
સાગરે મેસેજમાં પહેલીવાર લખી મોકલ્યું આપણો સબંધ એક મિસાલ બની રહેશે. રિમઝીમની આંખો તે વાંચતા ખુશીથી ઝૂમી ઉઠી હતી.
આ વખતની સાગરની બિઝનેસ ટૂર લંબાતી જતી હતી. રિમઝીમ તેની લાગણીમાં સ્પષ્ટ હતી કે દૂર હોય કે નજીક તે ક્યારેય તેની સાગર પ્રત્યેની લાગણીથી દુર નહિ જઈ શકે. વિરહના એ છ માસ તે વારંવાર રિમઝીમ તેને આવી જવા સમજાવતી...ત્યારે સાગર જીવનની વાસ્તવિકતા સમજાવતો. ધીરજ ધરવા કહેતો. રિમઝીમ રડતી, મનાવતી, ગુસ્સો કરતી પરંતુ સાગરની ધીર ગંભીર અને પ્રેક્ટિકલ પ્રકૃતિ રિમઝીમની લાગણીને આવેશ સમજી પોતાનાં બિઝનેસમાં રત રહેવા લાગ્યો. ધીમે ધીમે વાતચીત ઓછી કરતો રહ્યો. રિમઝીમ પ્રત્યે તેનું દુર્લક્ષ વધતું જતું રહ્યું. રિમઝીમ દુઃખી રહેવા છતાં તેને માંગીને મળેલો પ્રેમ કે સમય મંજૂર નહોતો..ક્યારેક ઉપકાર જતાવતો હોય તેમ સાગર કોલ પર વાત કરે તો તે કહેતી, "હું માંગુને તું આપ એ વાત મને મંજુર નથી. એ ગઝલના કોઈ શેરની ખુમારી મારામાં પણ છે. હું તારો હવે સામેથી સંપર્ક ક્યારેય નહીં કરું પણ હું તને ક્યારેય ભુલીશ નહીં."

સમય સાથે પરિવારની ઈચ્છા સામે રિમઝીમ ઝૂકી પોતાના સંસાર તરફ ડગ માંડી રહી હતી.
રિમઝીમ દુઃખી હૃદયે પોતાના સંસારમાં વ્યસ્ત થતી ગઈ. બધી જ
જવાબદારીઓ નિષ્ઠા સાથે નિભાવવા છતાં એ હૃદયથી સાગરનો અભાવ અનુભવતી રહી. રિમઝીમની લાગણીને વ્યસ્તતાં અને સપનાઓની ઉંડાનમાં હાંસિયા ઉપર મુક્યા પછી રિમઝીમનો પ્રેમ સાગરને સમજાયો પણ ત્યારે રિમઝીમનો સામનો કરવાની સાગરની હિંમત ન થઈ. તેનો આત્મા તેને ડંખી રહ્યો.

કેલેન્ડરના પાનાં દિવસો, માસ અને વર્ષો વટાવતા રહ્યાં. પાંચ વર્ષ પછી પણ રિમઝીમનો ખોળો ખાલી હતો. એ માટે જવાબદાર પતિ વરુણની શારીરિક અસમર્થતા તેણે મનથી સ્વીકારી લીધી હતી પરંતુ વરુણ ખૂબ સમજદાર હતો. તે હાર માને તેમ ન હતો. તે ડૉક્ટર અને ઉપાયો શોધતો રહેતો. જીવનનું તમામ સુખ રિમઝીમને આપવા માંગતો વરુણ મહામુલા માતૃત્વથી રિમીઝીમને દૂર કઈ રીતે રાખે? તે આજે ડૉ. આહુજા પાસે રિમઝીમને જીદ કરી લઈ ગયો.

ડૉ.આહુજાની કેબિનમાં પ્રવેશતાં જ તે ચોંકી ઉઠી આ તો સાગરનો પરમ મિત્ર હતો. સાગર સાથે ક્યારેક પરિવારથી બહાનું કરી મુવી કે પાર્ટીમાં ગઈ હતી ત્યારે આ ડૉકટર બે-ત્રણ વાર સાથે હતાં.વરુણની હાજરીમાં એ વાત ખોલવા માંગતી હોય તેમ અજાણ બની રહી. ડૉ.આહુજા પણ પરિસ્થિતિ સમજી ચૂપ રહી એક ડૉક્ટર તરીકે જ વર્તયા. સ્પર્મ ડોનેશન મેળવી માતા બનવાની પ્રક્રિયા સરળ છે તે સમજાવ્યું.

વરુણની જીદથી રિમઝીમ એ માટે તૈયાર થઈ પરંતુ ડૉનરને જોયા મળ્યાં પછી યોગ્ય વ્યક્તિ હશે તો જ આગળ વધવાની શરત મૂકી. ડૉ. આહુજાએ ધરપત આપતાં કહ્યું "હું એકદમ યોગ્ય વ્યક્તિને જ ડૉનર બનાવીશ. એ પહેલાં હું તેની મુલાકાત કરાવીશ." યોગ્ય વ્યક્તિનો સંપર્ક થયે જાણ કરશે તેવી ખાતરી આપી.

પાછા ફરતાં વરુણ ખુશ હતો કે હવે માતા-પિતા બનવાનું સપનું સાકાર થવાની દિશા દેખાઈ રહી હતી. જ્યારે ડૉ.આહુજાને મળ્યા પછી રાખમાંથી આગ ઉઠે તેમ સાગરની યાદો રિમઝીમના હૃદયમાંથી બેઠી થઈ. ઘરે પહોંચી તે વોર્ડરોબ ખોલી સાગરના એ સાચવી રાખેલાં ટીશર્ટને સાડી વચ્ચેથી બહાર કાઢવા જાય ત્યાં જ વરુણે આવી પાછળથી તેની કમર પર હાથ ભેરવી વહાલ કરવા લાગ્યો.રિમઝીમે વોર્ડરોબ બંધ કર્યો જાણે પરાણે સાગરની યાદોને ડામી દેતી ના હોય..!!
***
વરુણ સવારે ઓફિસની મીટીંગ માટે પૂના જવા નીકળ્યો. રિમઝીમેં આજે સંગીત સાંભળી, પુસ્તકો વાંચીને, એકલું દૂર સુધી ડ્રાઇવ પર જઈ જાત સાથે જીવવાનું વિચારી તૈયાર જ થઈ રહી હતી ત્યાં ડૉ.આહુજાની હોસ્પિટલમાંથી કોલ આવ્યો. તેને ડૉનરને મળવા જવાનું નક્કી થયું. વરુણને કોલ પર વાત કરી તે હોસ્પિટલની જ કેન્ટીનમાં ડૉનરને મળવા ગઈ. 'કોણ હશે? મારા સંતાન માટે યોગ્ય તો હશે ને?' કેટલાય સવાલો સાથે તે કેન્ટીનમાં નક્કી થયેલાં ટેબલ પર પહોંચી.
ત્યાં પહોંચતાં જ તે અવાક થઈ ગઈ. ડૉનર બીજું કોઈ નહિ સાગર જ હતો. સાગરનો પસ્તાવો અને રિમઝીમ પ્રત્યેનો પ્રેમ ડૉ.આહુજા જાણતાં હતાં. તેણે રિમઝીમના નિઃસંતાનપણાની વાત સાગરને જણાવી ત્યારે સાગરે ડૉ.આહુજા સમક્ષ રિમઝીમના જીવનમાં ખુશીનું કારણ બનવા, સ્પર્મ ડૉનર બનવાનો પ્રસ્તાવ મુક્યો. ડૉ.આહુજાને પણ મિત્રની ભાવના સ્પર્શી ગઈ અને તેણે આજે બંનેને મળવા બોલાવ્યાં.
સાગરને જોતા જ અવાક બનેલી રિમઝીમની માફી માંગતા સાગરે કહ્યું,
"હું માફી સાથે તે ગુમાવેલી ખુશી સંતાન સ્વરૂપે આપવા માંગુ છું. એમ કદાચ મારુ પ્રાયશ્ચિત પણ થઈ જશે."
" ઓહહ!! તો આ અપરાધ ભાવથી છૂટવા માટે છે!! મને તારું ડૉનર હોવું સ્વીકાર્ય નથી કોઈની લાગણી સાથે રમત રમનાર પિતાનાં સંતાનની માતા બનવા કરતાં પિતા ન બની શકનાર પણ મારી લાગણીને સમજી શકનાર વરુણની નિઃસંતાન પત્ની બની રહેવું મને ગમશે." તે પર્સ હાથમાં લેતાં ઘર તરફ ગાડી હંકારી ગઈ.


ધરે જઈ તેણે વોર્ડરોબ ખોલી સાગરનું ટીશર્ટ કાઢી સોસાયટીના વૉચમેનને આપી આવી ત્યાં જ મોબાઈલમાં વરુણનો કૉલ ઝળકયો. કૉલ ઉઠાવતાં એક પૂર્ણ સંતોષનું સ્મિત રિમીઝીમનાં મોઢા ઉપર રેલાયું.






2
શીર્ષક : અતિતનો વર્તમાન.
લેખન : રસિક દવે.
ઈમેઇલ : rasikdave53@gmail.com


ધુમ્મસિયા વાતાવરણ-શા ધૂંધળા વિચારોની આરપાર સમય ઘુમરાય છે ચક્રવાત માફક! આશાના વાદળો વરસ્યા વીના કોરા ધાકોડ ઉડે છે ભાગભાગ કરતાં હરણ-શા! શિકારીના તીર-શો સમય ભોંકાય છે એકાંત થઈ. કોઈના હોવાની વાત શૂન્યાવકાશ થઈ ઝૂરે છે ઝૂલે બેસી. હિંચકાય છે એકલી કેવળને કેવળ શૂન્ય દૃષ્ટિ.
ધરર... ઘરર કરતી પાણીની મોટરની માફક વર્તુળાકારે વ્યર્થ થાય છે વિચારોની દોડધામ! ભૂખરો આસમાની આશાનો રંગ અટવાય છે, કેદ થાય છે, વરસી પડે છે આંખોમાં આંખો વાટે! ધોળે દિવસે ધૂમકેતુનું દર્શન બન્યું છે શક્ય! ટેબલના ખાના શો છું ભરચક!
વણઉકલતા અક્ષરવાળા કાગળની માફક ખરડાઈ ચૂક્યો છું. કોઈક કાળાશ ચીટકી રહી છે કીડીની માફક! પાંજરામાંથી છૂટવા વ્યર્થ પ્રયત્ને છે પોપટની ચીસો!
દિવાલ ઘડિયાળની ટીક... ટીકમાં ટકરાય છે, અફળાય છે અતિત બની જતો વર્તમાન અને વર્તમાન બનતો ભવિષ્ય!
ભવિષ્ય તો ક્યારનોય ભૂત બની ગયો. ટેબલ પર ડબલ સ્ટીલની ફ્રેમમાં મારા ફોટાની સામે મુસ્કરાતી તસવીર શો! રંગીન કલ્પનાના પ્રદેશે બાળકોનાં વિસ્તરતા પગલાં વાસ્તવિક બની ગયાને ચાલીસ કેલેન્ડરના પાના ઉતરડી નાખ્યા છે.
એન્જિનીયરિંગ ને મેડિકલની કોલેજમાં ભણી ઉતરેલા બાળકોને ત્યાંય છે બબ્બે ભૂલકા!
નાની અને મોટી વહુઓની સાથે દીકરાઓની લે-ભાગુ વૃત્તિએ પ્રદાન કર્યું છે એક મહાન કેદખાનું એકલતા!
કોઈ પંખીનો માળો પીંખાઈ ગયો છે લીલેરા ગુલમ્હોરની ડાળી વચ્ચે!
અવિનાશની માતાના રતુંમડા ચહેરાને સ્પર્શ્યાના સ્પંદનો હજુયે ટળવળે છે ટેરવે. સુકીભઠ્ઠ ધરતીના કાળજે ફૂટેલા, હવામાં લહેરાતા ઘાસ સમા! એની આખરી પળોની આશા વાસ્તવિક થઈ ઝુરાવે છે મને! ને હું પળેપળ ઝંખુ છું—
પોપટની ચીસ થવા, વાદળની ભીંસ થવા! * બારણાનાં તોરણો હજુયે લટકે છે માનસપટ પર! તાજા જ ખીલેલા ગુલમ્હોરની જેમ રાતાચોળ વ્રણ સળકે છે દાઢના દુઃખાવા જેમ.
કાયમનો સાથી ઝૂલો ને સમીર પોઢાડવાના, પંપાળવાના વ્યર્થ કરે છે પ્રયત્ન! ધગધગી ગયુ છે આખુયે આયખું.
ભીંતોની છાતીએ રાતા પંજાની છાપો અતિતના સાગરના કિનારે, માનસ હોડીને લાંગરેલી જોઈ રહું છું. ક્યાં અતિતિ કલ્પના! ક્યાં વર્તમાન!
નીરજાની મોટી મોટી આંખોમાંની ઋજુતા હજુયે એવી જ છે. અણીદાર નમણું નાજુક નાક, મોટું લંબગોળ ભરાવદાર મુખારવિંદ, સર્પિલ ભ્રમર, સહેજ અણિયાળી ખંજન પડતી તલવાળી ચિબૂક, ગોરોગોરો વાન, અદલોઅદલ બધુ એવું જ છે. માત્ર ખંઢિયેરી હાલ સિવાય બધુ જ હેમખેમ છે.
ફોટામાંની નીરજા બોલે છે, "રાજુ! આપણી જીંદગી આપણા બાળકો માટે છે. મારો ક્ષય મને નહીં જીવવા દે. પરંતુ મારા સમ! મારા ગયા પછી બાળકોને અપરમા ના લાવતા. તમે જ થજો એની મા અને બાપ બંને. તેઓને હું એન્જીનીયર અને ડોક્ટર બનાવવા માગુ છું. કાશ! હું એ જોવા ન પણ પામું."
'ને શ્વાસની આખરી તકલીફના વમળમાં નીરજાની જીવનનૈયા અટવાઈ ચૂર થઈ ગઈ! અતિત ફરી જાગ્યો છે. આળસ મરડે છે. પરંતુ વર્તમાન પાગલ છે. અતિતની ખેવના ક્યાય નથી. અતિત એ બિસ્માર બંગલો છે. પુરાતત્વ છે .અવગણનામાં અતિત વર્તમાન બની જીવે છે મૂક પથ્થરિયા શ્વાસ ભરી.
થાકેલો, હારેલો, વિચ્છિન્ન, ઝૂરાપાની ઝડી ઝીલતો, વર્તમાનની દૃષ્ટિએ અનિચ્છનીય અતિત ક્ષિતિજપાર નજર ખોડી કૈંક શોધતો હિંચકે ઝૂલતો સમય પાર નીકળી ગયો, શાંત અપલક બની.
હવાની લહેરોમાં ફરકી રહ્યો સરકી રહ્યો મૌન સાગરના ખોળે.


















3
શીર્ષક : સ્પર્શ- એક અણગમતો એહસાસ
લેખન :વૃંદા પંડ્યા
ઇમેઇલ : vundapandya1984@gmail.com

વૈભવ અને દામિની બંને આજે થોડા અવઢવમાં હતા. એમની દુવિધાનું કારણ હતો એમનો એક નો એક દીકરો વેદાંત.
"દામિની, વેદાંતે કયારેય આવું ખરાબ વર્તન કર્યું નથી એને મેં પહેલા ક્યારેય આટલો ગભરાયેલો કે નર્વસ પણ જોયો નથી. તને કેવું લાગે છે દામુ ? વૈભવ દામનીનો ચેહરો વાંચવા મથી રહયો હોય તેમ એની સામે જોઈ રહ્યો.
"હા.. વાત તો તારી સાચી છે. વેદાંત નાનપણથી આયા પાસે રહીને જ તો મોટો થયો છે, પણ આવું કયારેય કર્યું નથી. હા કયારેક બીમાર હોય ત્યારે મને હોસ્પિટલ જવાની ના પાડી હશે બાકી આટલા આજીજી ભર્યા શબ્દોમાં કયારેય એ બોલ્યો જ નથી".
"હશે, કદાચ આ કોરનાને લીધે ઓનલાઈન ભણવાનું, બહાર જવાનું નહીં ને મિત્રો પણ મળતા નથી એટલે કદાચ બેચેન રહેતો હશે." દામિનીએ પોતાનું મન મનાવ્યું.
વૈભવ અને દામિની વ્યવસાયે બંને ડોક્ટર હતા. બંને પોતપોતાના ક્ષેત્રમાં નિપુણ હતા એટલે બાળકના જન્મ પછી એ આયા પાસે જ મોટો થયો. થોડો મોટો થયો એટલે અભ્યાસ માટે ડે સ્કૂલમાં મૂક્યો. વેદાંત પણ એવી જ રીતે ટેવાઇ ગયો હતો.
મુસીબત તો ત્યારે આવી જયારે કોરોનાએ આખા વિશ્વ પર પોતાનું રાજ જમાવ્યું. આવા કપરા સમયે બંનેને બાર થી પંદર કલાકની ડ્યૂટી રહેતી ને બંને કોરોના સામે લડત આપતા લડવૈયા હતા. એવા સમયે વેદાંતને એકલો રાખવો પણ અઘરો હતો. કોઈ બાઈ મળવી પણ મુશ્કેલ હતી ને આવીજ શોધખોળ વચ્ચે નયનાબેન મળ્યા એ નજીકની સોસાયટીમાં રહેતા હોવાથી ઝાઝી કોઈ અડચણ આવે તેમ ન હતી. ડૂબતાને તણખલાનો સહારો મળે એ ન્યાયે દામિનીએ વધુ પૂછતાછ કર્યા વગર એમને રાખી લીધાં.
અરે! આ શું? અઠવાડિયું થયુ નથી ને ત્યાં તો દામિની હોસ્પિટલ જવા નીકળે અને વેદાંત એકદમ ઢીલો થઈ જતો.
દરરોજ એ કહેતો
" મમ્મી તું હોસ્પિટલ ના જઈશ અથવા જવુ હોય તો મને પણ સાથે લઈ જા. નહીં તો હું એકલો રહીશ પણ મમ્મી તું પ્લીઝ ના જા ને ...મને ઘરમાં નથી ગમતું.. વેદાંત રીતસર રડી પડ્યો".
"બેટા! તું ઘરમાં એકલો ક્યાં છે? હમણાં નયનાદીદી આવશે ને એની સાથે તું રમજે ને એ જે કહે એમ જ કરજે. જોજે બેટા આ બાઈ નોકરી છોડીને ચાલી ના જાય. હું આવતા આવતા તું જે કહેશે એ લેતી આવીશ. બેટા થોડો અનુકૂળ થવા પ્રયત્ન કર. આ સમય બધા માટે કસોટીનો છે. પ્લીઝ... બાય...બાય લગભગ એની વાત પુરી સાંભળ્યા વગર જ ફટાફટ ગાડીમાં બેસી ગઈ.
આખો દિવસ તો વિચારવાનો સમય જ ક્યાં હતો રાતે થાકીને ઘરે પહોચ્યા બાદ ક્યાં એટલી તાકાત હતી કે બાળક પાસે બેસીને વાત પણ કરે. સમય વહેતો ગયો તેમ તેમ વેદાંતનું વર્તન થોડું વધારે વિચિત્ર થવા લાગ્યું. એ કઈ પણ બોલતો નહીં, ચૂપચાપ રહેતો, પ્રમાણમાં ઘણું જ ઓછું જમતો, સતત કંઈક કહેવા માંગતો હોય એવા ભાવ એની આંખોમાં વાંચી શકતા પણ કામના દબાવમાં બંને એ એની અવગણના કરી.
એટલું જ નહીં ઉપરથી નયના પણ ફરિયાદ કરતી અને કહેતી,
"વેદાંત રૂમની બહાર આવતો નથી, કેટલા નખરા કરે છે. જમવા માટે અને નાસ્તા માટે પણ મને ઘણી પરેશાન કરે છે તમે એને ઠપકાના બે શબ્દો કહો નહીતો હું તો નોકરી છોડીને જતી રહીશ.
નયનાની વાતથી દામિની અતિશય ચિંતામાં આવી ગઈ અને એણે એ દિવસે વેદાંતને રીતસરનો ધમકાવી જ નાખ્યો.
"વેદાંત તને કોઈ પણ વાતની ગંભીરતા છે કે નહીં ? તું આટલો લાપરવાહ કઈ રીતે થઈ શકે ? આજથી જે દીદી કહે એ જ તારે કરવાનું છે હવે તારી કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં, સમજાય છે તને ? મમ્મીનું આવું રોદ્ર રૂપ જોઈને વેદાંત ડઘાઈ ગયો."
"નયના, એ હવે આમ નહીં કરે." એવી બાંહેધરી આપીને એ ચાલી ગઈ.
સમય વીત્યો ને બંનેના કામમાં પણ વધારો થયો. કોરોનાનો કપરો કાળ અને એની વચ્ચે ઘર પરિવારની સુરક્ષાના મુદ્દે કયારેક દામિની ને વૈભવ ઘરે આવવાનું પણ ટાળતા. એ બંનેને નયના પર ઘણો વિશ્વાસ આવી ગયો હતો.
એક દિવસ બંને ઘરે જઈને જુએ છે તો બંનેની આંખો આઘાતથી ફાટી ગઈ. પરસેવાથી રેબઝેબ શરીર,લાલચોળ આંખો ને સતત વહેતા આંસુ, એક જગ્યાએ ઢગલો થઈને વેદાંત પડ્યો હતો.
નયનાને પૂછતાં જાણવા મળ્યું કે
"બે દિવસથી એ રૂમની બહાર આવ્યો જ નથી એને વાઇરલ તાવ છે પણ કોરોનાના ડરને લીધે બહાર બોલાવ્યો નથી ને જમવાનું પણ રૂમમાં જ આપી દીધું હતું"
માતાપિતા બંને ડોકટર હતા એટલે એટલુ તો સમજી શક્યા હતા કે આ તાવ કોઈ વાઇરલ ઇન્ફેકશનનો નથી પણ સતત વ્યાપેલા આંતરિક કોઈ ડર કે માનસિક તણાવનો છે.
"બેટા! બેટા ! વેદુ , દીકરા મમ્મી આવી ગઈ છે " એણે પ્રેમથી માથા ઉપર હેતાળ હાથ ફેરવ્યો.
વેદાંત એક જ ઝાટકે દૂર કરી દીધો ને કહેવા લાગ્યો...
"હું તારુ કહ્યું કશુ કરવાનો નથી, તું ચાલી જા, મને મમ્મી પપ્પાએ ગુડ ટચ ને બેડ ટચ વિષે શીખવ્યું છે. હા.. હમણાં એ ભૂલી ગયા છે એટલે બાકી મને તો ખબર છે તું જે કરવા કહે છે અને મારી સાથે જે કરે છે એ ગંદુ કામ છે..હું નહીં માનું તારી વાત, જા મમ્મીને કહી દે તારે જે કહેવું હોય તે." આમ બૂમો પાડી એ ધ્રૂસકેધ્રુસકે એ રડવા લાગ્યો.
દામિનીની આંખોમાં આંસુ આવી ગયા. પરાણે એણે જાત સંભાળી અને કહેવા લાગી,
" બેટા, હવે તને કઈ નહીં થાય. આંખો ખોલીને જો બેટા પપ્પા પણ છે."દામિની સાંત્વના આપતા બોલી.
"મ....મમ્મી...મમ્મી..વેદાંત અત્યંત ગભરાયેલો હતો. કઈ પણ કહેવાની ક્ષમતા એની પાસે ન હતી.
તેમ છતાં એણે હિંમત કરી અને બોલ્યો મમ્મી, તું કયાંય જતી નહીં, તું જશે તો હું બહાર નહીં નીકળુ .નયના દીદી સારી નથી ગંદી છે..એકદમ ગંદી..."
"હું એની સાથે નહીં રહું, એ મારી સાથે ગંદુ ગંદુ .. એ મને ટચ..મમ્મી એ મને બેડ ટચ કરે છે..તે મને શીખવ્યું હતું ને કે મમ્મી પપ્પા અને ડોક્ટર સિવાય બીજું કોઈ મારા શરીરના અમુક ભાગોને સ્પર્શ કરે તો એને બેડ ટચ કહેવાય ...હું તને કહેવા પણ માંગતો હતો, પણ તે મારી વાત ના માની ને તમે બંનેએ એનો વિશ્વાસ કર્યો ને એ મને તમારી ધમકી આપીને પજવ્યા કરતી તમે રાત રાત ઘરે આવતા ન હતા ને એ મને જમાવનું પણ આપતી ન હતી ને હું ભૂખ્યો સુઈ જતો બહાર જઈશ તો એ મારી સાથે ગંદુ વર્તન કરશે..
એક દિવસ એ ફોન પર વાત કરતી કરતી બહાર ગઈ તો હું જલ્દી જલ્દી નાસ્તાનો ડબ્બો લઈ આવ્યો પણ એમાં પણ ખાલી બિસ્કિટ જ હતા બીજું કશું લેવા જવાનો સમય જ ક્યાં હતો મારી પાસે".
વેદાંત બોલતા બોલતા રીતસર ધ્રૂજતો હતો. એનું આખુ શરીર પરસેવાથી ભીનું હતું. એની આંખોમાં વ્યાપેલો ડર આંધળો પણ વાંચી શકે એટલો સ્પષ્ટ હતો કેટલી મનામણી કર્યા પછી એ સૂતો.
દામિની વેદાંતને સુવાડતી હતી ત્યાં સુધી વૈભવ એ નયના વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ એક માનસિક રીતે વિકૃત સ્ત્રી હતી. લોકડાઉન, કામનો અતિશય બોજો ને વેદાંતની દેખરેખ કરવા કોઈ ના હોવાને લીધી જરૂરી તપાસ કર્યા વગર જ એમણે નયનાને રાખી લીધી હતી, પણ એ નયના વિરુદ્ધ જરૂરી કાનૂની કાર્યવાહી કરવાના મક્કમ નિર્ણય સાથે એ વેદાંતના રૂમમાં ગયો.
"દામુ, સુઈ ગયો? વૈભવની આંખમાં અશ્રુ અને પસ્તાવો એક સાથે ડોકાયા.
દામિનીની આંખો રડીરડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે વૈભવ સામે જોયું
બંને આંખોમાં એક જ પ્રશ્ન હતો.
"દરેક દર્દીના દુઃખ સહજ સમજવામાં સમર્થ એવા આપણે આપણા દીકરાની તકલીફ કીધા પછી પણ સમજી શક્યા નહી!!!
બંનેની આંખો એકમેકને પ્રશ્ન કરી રહી દીકરાની આવી પરિસ્થિતિ થઈ એમાં વાંક કોનો???
















4
શીર્ષક : રુણાનુબંધ
લેખન : અંજલિ દેસાઈ વોરા
ઇમેઇલ : anjalivora2001@gmail.com

"રેવા...... રેવા..... " સમીર અને સીમા કેદારનાથની બર્ફિલી પહાડીઓ વચ્ચે ધોધમાર વરસતાં વરસાદમાં પોતાની દસ વર્ષની દિકરી રેવાને હાંફળાફાંફળા થઈને શોધી રહ્યા હતા. એક તો હિમાલયની ઉંચી દુર્ગમ ગિરીકંદરાઓ અને ઉપરથી સાંબેલાધાર વરસતો વરસાદ એમાં નાનકડી બાળકીને શોધવી અશક્ય હતી. કુદરતે કહેર વરસાવ્યો હતો. કેદારનાથ ઉપર એક વિકરાળ, વિનાશક તોફાન ફરી વળ્યુ હતું. સૂર્યનારાયણના સોનેરી કિરણો હજી તો ધરા સુધી પહોંચે એ પહેલાં જ ડિબાંગ અંધારું આ પાવન ભૂમિ ઉપર પથરાઈ ગયું અને શરૂ થયો બેકાબૂ વરસાદ- કુદરતે આજે સૌથી વરવું રૂપ ધારણ કર્યું હતું. કેદારનાથ ઉપર આજે વાદળો ફાટ્યા હતાં. બારે મેઘ ખાંગા થયા હતાં. હિમાલયના ઉત્તુંગ પર્વતશિખરો પણ મૂક અને નિ:સહાય બનીને તોફાની વરસાદની જોરદાર ઝાપટો સહી રહ્યા હતાં. કાન ફાડી નાખે એવી મેઘગર્જનાઓ અને આંખ આંજી દે એવા વિજળીના તેજલિસોટાઓ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. ચારેકોર જળબંબાકાર થઈ ગયો હતો. પોતાની અંદર આટલું અધધધ પાણી સમાવવા અસમર્થ મંદાકિની નદી ગાંડીતૂર બનીને બન્ને કાંઠે ધસમસતી વહી રહી હતી. વરસાદી પાણીનો માર સહન ન કરી શકતી મોટી મોટી ભેખડો ઉપરથી નીચે ગબડી રહી હતી. પોતાના અનુપમ સૌંદર્યથી યાત્રાળુઓને રીઝવનારી કુદરત આજે રુઠી હતી. એવું લાગી રહ્યું હતું જાણે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતાં. પોતાના રૌદ્રાતિરૌદ્ર સ્વરૂપના દર્શન કરાવીને યાત્રાળુઓની કપરી કસોટી કરી રહ્યા હતાં.
આવા કુદરતી પ્રકોપ વચ્ચે રેવાને ક્યાં શોધવી!!!!. સમીર અને સીમા પોતાના હ્રદયના ટૂકડાને શોધવા માટે ઘાંઘા થઈને સતત "રેવા....રેવા"ના નામની બૂમો પાડી રહ્યા હતા. કુદરતી આપદામાં સપડાઇ ગયેલા યાત્રાળુઓને શોધવા નીકળેલા ભારતીય સેનાના બે જવાનની નજર આ દંપતિ ઉપર પડી. "ચલિયે સર, યહાં રહેના ઉચિત નહી હૈ. ઝીંદા નહી બચ પાઓગે. હમારે સાથ ચલિયે "
"નહી, હમારી બેટી કો છોડકર હમ યહાં સે નહીં જાયેંગે. વહ હમારે સાથ હી થી. મીલ જાયેગી અભી." સમીર અને સીમા આજીજીભર્યા સ્વરે બોલ્યા.
"સર, યે તૂફાન દેખ રહે હો ના! ઐસે તૂફાન મેં ઝીંદા રહના નામુમકિન હૈ. ફિર ભી હમ આપકી બેટી કો ઢૂંઢ લેંગે. લેકિન આપકો યહાં સે અભી ચલના હી હોગા" અને સેનાના જવાનોએ સમીર અને સીમાનો જીવ બચાવવા માટે બન્નેને પોતાને ખભ્ભે નાખી ચાલવા માંડ્યું. દિકરીને ખોઈ બેસવાના દુઃખમાં સુધબુધ ગુમાવી બેઠેલા સમીર અને સીમાને ઘણે જ દૂર એક નાનકડી દુકાનના ઓટલે બીજા બે-ચાર યાત્રાળુઓ સાથે બેસાડી દેવામાં આવ્યા.
સીમા તો આ કારમા આધાતમાં બેહોશ જ થઈ ગઈ હતી અને સમીરની આંખોમાં આંસુ સુકાવાનું નામ જ નહોતાં લેતાં. આજે સવારે જ હજી તો ગૌરીકુંડથી યાત્રા પ્રારંભ થઈ ત્યારે સહુ કેવા ખુશખુશાલ હતાં. !!! "પપ્પા, હું તો ચાલીને જઈશ." રેવાએ કહ્યું હતું.
"હા બેટા, તારી મમ્મીને ઘોડા ઉપર બેસાડીને આપણે બન્ને આ પહાડો ખૂંદતા-ખૂંદતા જઈશુ, તું તો મારો ભોમિયો છે"
સમીરે સીમાને ટેકો આપી ઘોડા પર બેસાડી દિધી અને કાનમાં ટિખળ કરતાં કહ્યું, "સ્વીટહાર્ટ, તું મંદિરમાં વહેલી પહોંચી જઈશ. શંકરદાદા પાસે તારે શું માંગવાનું છે એ ખબર છે ને!! રેવા માટે એક ભાઈ માંગી લેજે. ભોલેનાથ તારી ઈચ્છા જરૂર પૂરી કરશે." અને સમીરે સીમા સામે આંખ મારી. સીમાના ગાલ ઉપર શરમના શેરડા ઉપસી આવ્યાં, " શું સમીર , તમે પણ. મને ખબર છે, તમારી મમ્મીએ આપણા માટે પુત્ર પ્રાપ્તિની માનતા રાખી છે અને એટલે જ આપણને અહીં કેદારનાથ દાદાના દર્શને મોકલ્યા છે." સીમા ઘોડા પર બેસી તો ગઈ પરંતુ એ જાણતી હતી કે ચંચળ રેવાને સાચવવી ખરેખર અધરી છે. પતંગિયાની જેમ આખો દિવસ અહીંથી અહીં ઉડ્યા કરતી રેવા જંપીને બેસે જ નહીં. એટલે જ સીમાએ ઘોડા ઉપરથી ઊતરીને સમીર અને રેવા સાથે પગપાળા જ મંદિર પહોંચવાનું નક્કી કર્યુ હતું. છતાંય રેવાનું ધ્યાન રાખી શક્યાં નહોતાં. રેવા તો ઉછળતી-કુદતી ઘણી જ આગળ નીકળી ગઈ હતી.
સવારથી સાંજ થવા આવી. વરસાદનું જોર લગીરે ઓછું થયું નહોતું. સમીર અને સીમા "રેવા"ના નામનું રટણ કરતાં રડતાં રડતાં દુકાનના ઓટલે બેસી રહ્યા હતાં. એટલામાં જ સૈન્યના જવાનો બીજા યાત્રાળુઓને બચાવીને ત્યાં લઈ આવ્યાં. એમાંથી એક યાત્રિકે સમીર અને સીમાને જોઈને પૂછ્યું, "અરે, તમારી સાથે તો તમારી દિકરી હતીને !!. સોનપ્રયાગથી ગૌરીકુંડ જતી બસમાં આપણે સાથે જ હતાં. મેં હમણાં જ કદાચ તમારી દિકરીને જોઈ છે."
"હેં, ક્યાં જોઈ? કેવી હાલતમાં હતી એ? " જાણે સમીર અને સીમાની આંખોમાં રેવાને જીવતાં હોવાની વાતથી જ અનેરી ચમક આવી ગઈ.
"ત્રણ-ચાર લબરમુછિયા છોકરાઓ સાથે જોઈ હતી. લગભગ કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ હશે એવું લાગ્યું. પરંતુ અમે એની સુધી પહોંચી શક્યા નહી."
આ વાત સાંભળી ને સીમાની છાતીના પાટીયા જ બેસી ગયાં. એ અઢાર- ઓગણીસ વર્ષના, કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો રેવા સાથે કેવો વર્તાવ કરશે એ વિચારીને એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. હવે તો સીમાની ચિંતા બમણી થઈ ગઈ.
"સમીર,એ લોકો મારી દિકરી સાથે કેવો વ્યવહાર કરશે? મારી નાનકડી કોમળ દિકરીના શરીરને ચૂંથી નાખશે તો!!, આપણી દિકરીની તો આપણે રક્ષા કરી નથી શક્યા અને ભગવાન પાસે બીજું સંતાન માંગવા આવ્યા છીએ!! પ્રભુએ આવી સુંદર પુત્રી આપી એનો પાડ માનવાને બદલે પુત્રની માંગણી કરવા આવ્યા છીએ!! મારે બસ, મારી રેવા જ જોઈએ છે. બીજું કાંઈ નથી જોઈતું." સમીર શું બોલે!!એની તો વાચા જ હણાઇ ગઈ હતી.
આમને આમ અડતાલીસ કલાક વિતી ગયા. હવે વરસાદે થોડો વિરામ લીધો હતો. દુકાનોના આશરે બેઠેલાં યાત્રાળુઓ ધીમે ધીમે મંદિર માટે પ્રસ્થાન કરી રહ્યા હતાં. સીમા તો અર્ધબેભાન હાલતમાં જ હતી. સમીર સીમાને જાગૃત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. "સીમા ઉઠ, આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. રેવાની રક્ષા કાજે ભોલેનાથને પ્રાર્થના કરવી છે ને!!" અને બન્ને કાદવ-કિચડવાળા, ઉબડખાબડ રસ્તાઓને પાર કરીને ભોલેનાથના મંદિરમાં પહોંચ્યા. વિનાશક તોફાનમાં મંદિરનું મકાન ખંડિત થઈ ગયું હોવા છતાંય ભગવાન શંકરનું શિવલિંગ અખંડિત હતું અને ઝળાંહળાં થઈ રહ્યું હતું. શિવલિંગમાંથી દિવ્ય તેજ, એક પ્રકાશપૂંજ રેલાઈ રહ્યો હતો જે દર્શનાર્થીઓના મનના બધા જ દુઃખ અને પીડાને ઓગાળીને શાંતિ અર્પી રહ્યો હતો. એક અલૌકિક અને અવર્ણનીય આનંદ આપી રહ્યો હતો. ભવ્ય શિવલિંગના દર્શન થતાં જ સીમાના મનમાં એક ચેતનાનો, એક આશાનો સંચાર થયો. સમીર અને સીમા આસુંઓથી ખરડાયેલા મ્લાન ચહેરે ભગવાન સામે પોતાની દિકરીની રક્ષા માટે વિનંતી કરી રહ્યા હતાં અને એકાએક અવાજ આવ્યો, "મમ્મી..... પપ્પા".
"રે..... વા" સમીર અને સીમાના કાન ચમક્યા. બન્નેએ પાછળ ફરીને જોયું તો રેવા ઉભી હતી. સમીરે દોડતા જઈને રેવાને તેડી લીધી. સીમાએ એને પોતાના આલિંગનમાં સમાવી લીધી. "રેવા, તું ક્યાં હતી? તું કેમ છે? કોની સાથે હતી? " સીમાને તો પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો.
"મમ્મી, આ શિવ ભૈયા, આ રુદ્ર ભૈયા અને આ રાઘવ ભૈયા છે. આ બધાએ મારું બહુ ધ્યાન રાખ્યું. હું એમની લિટલ સિસ્ટર છું ને. હું એ બધાને રસ્તામાં મળી. "
સમીર અને સીમા તો અવાચક થઈ ગયા. કહેવાય છે કેદારનાથની પાવન ભૂમિના કણ કણમાં ભગવાન શંકરનો વાસ છે. અહીં તો રેવાની રક્ષા માટે ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાક્ષાત આવ્યા હતાં. હાથ જોડીને રેવાના માવતર રેવાના ત્રણેય ભાઈઓનો આભાર માનવા લાગ્યા. "અરે નહીં આન્ટી, રેવા તો અમારી નાની બેન છે. અમને રસ્તામાં મળી. બહુ ગભરાયેલી, મુંઝાયેલી હતી. રડતી હતી. અમે એને અમારી સાથે જ રાખી અને રેવાને એના મમ્મી પપ્પાને મેળવી આપવાનો વાયદો કર્યો હતો."
સમીર અને સીમા ભોલેનાથના આ ચમત્કારને મનોમન વંદી રહ્યા,"પ્રભુ, તમારે ઘરે દેર છે, અંધેર નહીં. તમારે દ્વારે આવેલો ભક્ત કદિ ખાલી હાથે પાછો જતો નથી પ્રભુ." અમે તો અહીં રેવા માટે એક ભાઈ માંગવા આવ્યા હતા અને તમે તો રેવાને ત્રણ ત્રણ ભાઈઓ આપી દિધાં. આ તે કેવો રુણાનુબંધ."
"હર હર મહાદેવ, જય શિવ શંભો, જય ભોલેનાથ“ ના નારા લગાડતા સૌએ યાત્રા સમાપ્તિ માટે પ્રસ્થાન કર્યું.






















5
શીર્ષક : એક અનન્યા..
લેખન : ઋતુંભરા છાયા
ઇમેઇલ-rkchhaya2001@gmail.com

મુંબઇમાં જુહુના દરિયાની સામે જ આલિશાન ફ્લેટની બાલક્નીમાં હિચકાં પર આલેખ ધીમી ગતીએ ઝુલતો હતો. પત્ની, પૌલોમિને ગુજરી ગયે ત્રણ વર્ષ થઈ ગયાં. આજે એની પુણ્યતિથિ હતી. અચાનક ટુંકી બિમારીમાં સાથ આમ છુટી જશે તે માની શકાતું નહોતું. આલેખ મનથી ઉદાસ હતો, ત્યાં જ મુદિતે બૂમ પાડી “પપ્પા..આ જુઓ, તમારા પોરબંદરના બાળગોઠીયા મયુરભાઈની દીકરીના લગ્ન છે તેની કંકોત્રી આવી છે. તમને આગ્રહપૂર્વક બોલાવ્યા છે. તમારા મિત્રોની ટોળી ત્યાં
ભેગી થવાની છે. પપ્પા,હું શુ કહું છું, તમે આ લગ્નમાં જઇ આવોને! પોરબંદર તો તમારા માટે સ્મૃતિઓનું ગામ છે. તમે ફ્રેશ થઈ જશો. જુના સંસ્મરણો તાજાં કરજો. તમને ગમતો ચોપાટીનો દરિયો પણ છે. તો બોલો, ટિકિટ બુક કરાવું?” આલેખ પણ વિચારવા મંડ્યો. તેને લાગ્યું કે ભૂતકાળ ભૂલાતો નથી અને વર્તમાન સરકતો જાય છે. એવા સમયમાં પોરબંદરની મુલાકાતથી ફ્રેશ તો થઈ જવાશે અને એણે પોરબંદર માટે હા પાડી જ દીધી.
પોરબંદર મુક્યા પછી આલેખ લગભગ ત્રીસ વર્ષે જઈ રહ્યો હતો..ટ્રેનમાં બેઠાં પછી અનેક કડવી મીઠી યાદોના પોપડા ઉખેડાઈ ગયા. મિશ્ર લાગણીઓ સાથે આખરે આલેખ પોરબંદર
પહોંચ્યો. લગ્નમાં આવેલ બીજા મિત્રો હરખભેર આલેખને લેવા સ્ટેશન પહોંચી ગયા હતા..બધા મિત્ર ઉમ્મરમાં સરખાં સાઈઠની નજીક હતા. સ્કૂલ અને કોલેજમાં સતત સાથે ભણેલા એટલે ઘણી યાદો, ધીંગામસ્તી વાગોળવાંના હતાં. બધા ઝટ જમી પરવારીને માંડવામાં ગપાટા મારવા બેસી ગયા. બધા પોતાના ભૂતકાળમાં સરી પડ્યા. બધા મિત્રોએ સાંજે તો ચોપાટીં જવું જ એવો આગ્રહ રાખ્યો.આલેખને પણ એ દરિયો જોવા જવાની તીવ્ર ઇચ્છા હતી જ. ચોપાટીના ઘુઘવતાદરિયા સામે બેસીને તેની પ્રિય સખી અનન્યા સાથે ગાળેલી મધૂર પળો યાદ આવી ગઈ. મિત્રોએ
ફરી એકવાર દરિયા સામેની પાળી પર બેસીને ચોપાટીનો પ્રખ્યાત “કાવો “પીધો. જાણે મિત્રોએ ભૂતકાળને સજીવ કરી દીધો. આલેખના મનમાં વાંરવાર એક જ સવાલ આવતો હતો કે ત્રીસ વર્ષ પહેલાં આજ સ્થળેથી છુટી પડેલી મારી અનન્યા ક્યાં હશે? કોને પરણી હશે? સુખી હશે કે નહિ? આવા અનેક સવાલોના જવાબ મેળવવાની ઇચ્છા, ચોપાટી આવતાં જ થઈ. એને
થયું કે અહીં જ આસપાસમાં કયાંક મળી જાય તો કેવું?
આવા જ વિચારો, અસમંજસ અને દ્વિધામાં રાત ક્યાં વીતિ ગઈ તેની ખબર આલેખને પડી જ નહિ. સવારે અમદાવાદથી જાન આવી પહોચી. મિત્રો જાનની આગતા સ્વાગતમાં બિઝી થઈ ગયા. આલેખ પણ ચા નાસ્તો સર્વ કરાવવામાં દોડાદોડી કરતો હતો.
એક ટેબલની આસપાસ સ્ત્રીઓનું ટોળું ઉભું હ્તું અને ચાની ચુસકી લેતાં હતાં,ત્યાં આલેખની
નજર પડી.તેનાં ચરણ એકદમ થંભી ગયાં.ઍ ગ્રુપમાં એક ચહેરો એકદમ જાણીતો લાગતો હતો.
યુવાન તો નહિ પણ પ્રભાવશાળી આધેડ ઉંમરની સ્ત્રી..તેની વાતચીત,હાવભાવ બધામાં આલેખને
અનન્યા દેખાવા માંડી પેલી સ્ત્રીની નજર પણ હરીફરીને આલેખ પર અટકતી હતી .બન્નેની
નજર અટકી અટકીને પણ મળતી હતી.દ્વિધા વચ્ચે થોડો સમય ગયો પણ પછી તે આધેડ
સ્ત્રી,જે ખરેખર અનન્યા હતી,તે આલેખ પાસે જઈને પુછી જ લે છે,”તમારું નામ આલેખ તો
નહિ?”આલેખ અચંબામાં પડી જાય છે અને પુછી જ લે છે “તમે?અનન્યા તો નહિ?” સતત

ઝંખી હોય છતાં કયારેય પ્રત્યક્ષ નહિ આવે એવી ધારણાવાળી ક્ષણ સામે આવી ગઈ હતી. વાત કરવા માટે પ્રયત્ન કરવો પડે એટલા વર્ષે મળ્યા હતાં.બન્ને માટે અકસ્માતે પ્રાપ્ત થયેલો વર્તમાનનો ટૂકડો સુખદ હતો.અંતરથી લગોલગ, વિચારવિશ્વમાં સતત એકબીજાનું વિચારતાં જ રહ્યાં,પણ વાસ્તવિક્તા અલગ જ છે. બન્ને એકબીજાને ખુબ ચાહતાં હતાં પણ સંજોગોએ સાથ
ન આપ્યો અને બન્ને અલગ થઈ ગયાં.બન્ને ત્રીસ વર્ષ પછી મળ્યા ત્યારે એમ લાગતું હ્તું કે જાણે સમય એક જ વ્યક્તિના ખંડ પાડી દે છે.વચ્ચેથી એક સ્વરૂપ અટકી જાય અને ચહેરો ઍ જ રહે નામ પણ ના બદલાય છતાં જીવન બદલાતું જતું હોય છે.

એમ તો આલેખ અને અનન્યાને ખુબ વાતો કરવી છે.બન્નેને લાગે છે કે અનાયાસે ત્રીસ
વર્ષ પહેલાં જે ધરતી છોડી હતી ત્યાં જ કોઈ સામાજિક પ્રસંગમાં મળી જવું તે કંઈક ઈશ્વરી સંકેત
જ છે.મિત્રની દીકરીનો હસ્તમેળાપ થઈ ગયો એટલે બન્ને કુટુંબના સભ્યો થોડા રિલેક્સ થઈ ગયા.

થોડા ફરવા જવાની તૈયારી કરવા લાગ્યા,તો થોડા પોરબંદરના પ્રખ્યાતસ્થળજોવાઉપડ્યાં.આલેખ અનન્યાને પણ થોડો સમય સાથેબેસીનેવિતાવવો હતો.હવે પ્રેમાલાપ કે છેડછાડમાં કોઇ રસ
નોહ્તો પણ બન્નેને એકબીજા વગર કેવી રીતે જીવન જીવ્યા તે જાણવું હ્તું. બન્ને ચોપાટી પાસેના

કોફી શોપમાં બેસે છે.અનન્યા એકદમબોલીઉઠેછે,”આલેખ,જુઓ તો! એ જ ફેવરિટ બેઠક અને સામે
ઘુઘવતો દરિયો,જાણે સમય પાછો આવ્યો પણ….આપણું જીવન બદલાઈ ગયું છે.મારે આલેખ, તમારું
બદલાયેલ જીવન કેવું રહ્યું તે જાણવું છે.તમે કોને પરણ્યાં? શું નામ છે.?તમારે બાળકો કેટલાં? તમે રહો છો ક્યાં? તમે તમારી પત્નીસાથે“જીવન”તોજીવ્યાંને?””અરે, અરે આટલા બધા પ્રશ્નો એકસાથે!”આલેખ

હસી પડ્યો.એને લાગ્યું આ મુગ્ધ વયની અનન્યા નથી આતો કોઇ મેચ્યોર સ્ત્રી મારી ઉલટ તપાસ લે છે પણ એને ખુબ ગમ્યું.કોઇ પોતીકું પ્રશ્નો પૂછે છે.આલેખબોલ્યો,”અનન્યા, આપણેઅહીથી છુટા પડ્યા પછી
હું મારી કેરિયર બનાવવા મુંબઈ ગયો.ડિગ્રી તો હતી જ એટલે એક જાણીતી કંપનીમાં જોડાઈ ગયો.
વર્ષો જતાં ગયાં તેમ અનુભવે નોકરીમાં જમ્પ લગાવતો ગયો.અત્યારે એક કંપનીમાં સીઇઓ તરીકે
ફરજ બજાવુ છું.નોકરી દરમ્યાન પૌલોમિનો પરિચય થયો.તે કુશળ આર્કિટેક હતી.સુંદર અને સાલસ
હતી.મારું એની સાથે ગોઠવાઈ ગયું.અમે બન્ને એકબીજાનું ખુબ જ માનસન્માન રાખતાં.તે પોતના
કામમાં ખુબ વ્યસ્ત રહેતી છતાં ઘર,વર અને મારા પુત્ર મુદિતને પણ સંભાળતી.હું એની સાથે જીવન
જીવી રહ્યો હતો પણ કુદરતને મંજુર નહિ હોય ….ત્રણ વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં અચાનક મને
મુકીને ચાલી ગઈ..એને ગાડી બહુ તેજ ચલાવવાનો શોખ હતો. જે તેને માટે જીવલેણ નિવડયો.હું
એકલો થઈ ગયો.મારો દિકરો અને વહુ મારી સાથે છે તો થોડો સહારોછે.”અનન્યા,સ્તબ્ધ..નિ:શબ્
થઈ ગઈ!એને થયું આલેખની જિંદગીમાં આટલું બધું બની ગયું અને મને ખબર જ ના પડી?.

હવે પૂછવાનો વારો આલેખનો હતો.તેણે પણ અનન્યાના પતિ અને બાળકો વિશે
પૂછ્યું.અનન્યાએ કીધું “આપડે છુટા પડ્યા પછી મારા પિતાએ એમના મિત્રના પુત્ર જયેશ સાથે મારું
નક્કી કર્યુ.જયેશ બિઝનેસમેન હતો.કેમિકલનો ધંધો હતો.બહુ સારી સુઝ હતી.ખુબ હસમુખ સ્વભાવનો
જયેશ ધીરે ધીરે મારા જીવનમાં વસી ગયો.મારે બે પુત્રો છે. બન્ને પરદેશમાં રહે છે.પરણી ગયા છે.હું
એ જવાબદારીમાંથી મુક્ત છું.”આલેખનાં મોઢા પર વાત જાણતાં એક આશાની લહેરખી આવી
ગઈ..તેનાથી બોલી જવાયું,”તો હવે ભૂતકાળ જીવિત કરી શકાય?”અનન્યા બોલી,”હજી, મારી વાત પુરી નથી થઈ, આલેખ .ગયું વર્ષ અમારુ ખુબ ખરાબ ગયું.જયેશને ધંધાની આટી ઘુટી થોડી ભારે પડી.ધંધામાં
ખોટ ગઈ અને તેનાં આઘાતમાં તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો એમાં ડાબો હાથ અને પગ પેરેલિટિક થઈ ગયાં, બહુ જ લાચાર પરિસ્તિથિ છે.અત્યારે એક કુટુંબીને સારવાર માટે મુકીને કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા આવી.આલેખ, હવે ભૂતકાળને હ્રદયમાં સંઘરી રાખ્યા સિવાય કોઇ રસ્તો જ નથી.આપણને સહવાસનુ

સુખ નથી મળ્યું પણ માત્ર એને જ આપણેસુખનથીમાન્યું.આપણે વાસ્તવિક્તા પણ સ્વીકારીજ છે ને?

જયેશને હું એકલો મુકી શકુ તેમ નથી, આપણે બન્ને એ પ્રેમના સ્પન્દનોની છાલક ઝીલી લીધી.

સ્મૃતિઓના દેશમાં આટો પણ માર્યો અને સમજાઈ પણ ગયું છે કે આ પ્રેમજ્યોત આપણાં દિલમાં
અખંડ રહી છે અને રહેશે.”આલેખ ભાવવિભોર થઈ ગયો.હકિકત સમજતાં વાર ન લાગીઅનેએપણબોલ્યો”અનન્યા! એમ આપણે લગોલગ અને એમ તોઅલગ.આપણી દોસ્તી કૃષ્ણ અને દ્રૌપદિ સમ સદાય રહેશે.”….






6
શીર્ષક : પ્રેમ - એક ઋણાનુબંધ..
લેખન : રીટા મેકવાન ' પલ '
ઇમેઇલ : ritamacwan5@gmail.com



કોઈ એક અંતરિયાળ ગામમાં જમીનદારની હજારો એકરોમાં ખેતીનો કારોબાર. ખેતરની નજીક જ ખેતમજુરોના વીસ જેટલા ખોરડા.જમીન વિહોણા ખેતમજુરો અહીં કામ કરતા. એમાં રાવજી પણ ખેત મજુર તરીકે કામ કરવા જતો. રાવજીની એક રૂપાળી દીકરી નામે રૂખી..રૂપ રૂપના અંબાર જેવી રૂખી..ભરબપોરે પણ કાળજાને ટાઢક આપે એવું એનું ગર્વીલું રૂપ. અઢાર વર્ષની ઉમરે જ એનામાં ઈશ્વરે નજાકતની કુમાશ આપી હતી...પણ એને મા નહોતી. બાપુની એ એકમાત્ર વ્હાલની વારસદાર હતી. ઘરના બધા જ કામ પૂરી જવાબદારીથી કરતી હતી. ઘાઘરીને પોલકું પેરી ઘરમાં દોડાદોડ કરતી હતી. બધા જ કામમાં પાવરધી.
એમની બાજુના ખોરડામાં દયાકાકીને એમનો દીકરો રઘુ રહે. રુખીને રઘુ બાળપણના ભેરુ. જુવાન થતાં જ બંનેની આંખમાં શમણાં ઉગ્યા ને પ્રણયના બીજ રોપાયા, પણ આ બીજ અંકુર પામે એ પહેલા જ નષ્ટ પામ્યા. રુખીનો વિવાહ સમાજની એક વગદાર વ્યક્તિના ઘરે થઈ ગયો. કરસન એનું નામ. એટલે શરીરથી અલગ પણ મનથી વરેલા પાકા દોસ્ત બની ગયા.
રાવજીએ બુમ પાડી, “અરે..રૂખી દીકરા બપોરે ભાથું લઈને ખેતરે આવી પુગજે “
"એ હા બાપુ “ કહી પછી રઘુને પણ કહ્યું,”રઘુ, તું પણ જા તારું ભાથું પણ બાપુની ભેળું લઇ આવીશ.”
ત્યારે દયાકાકીએ કહ્યું,” છોડી, તું સાસરે જઈશ તો અમારું શું થશે? એવું કહી રુખીને પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો.
રુખીએ કહ્યું,” કાકી, સાસરે દીકરીએ જવું જ પડે? ન જાય તો ન ચાલે? મા-બાપના ઘરે દીકરી જન્મારો ના કાઢી શકે?"
દયા lકાકી બોલ્યા,” બેટા, દીકરી તો સાસરે જ શોભે ને માબાપુ ક્યાં લગણ ??? હવે તો તને પણ સાસરે વળાવવાના છ મહિના જ બાકી છે. બેટા, તારી બહુ યાદ આવશે.” કહી બંને ભેટીને ખુબ રડ્યા.
બપોરે રૂખી એના બાપુનું અને રઘુનું ભાથું લઇ ખેતરે ગઈ. બાપુ જમીને ખાટલે આડા પડ્યા. રૂખી ને રઘુ થોડે દુર જઈ બેઠા.
રુખીએ કહ્યું,” રઘુ, કાકી કહેતા હતા કે મને સાસરે વળાવવાની છે. હવે છ મહિના બાકી છે. દિવાળી પછી સાસરીવાળા લેવા આવશે."
રઘુની આંખમાં પાણી આવી ગયા. ગળે ડૂમો બાઝી ગયો. તે બોલ્યો, “રૂખી, સુખી થજે, સાસરીમાં કંઈપણ દુઃખ હોય તો તારા આ નાનપણના ભેરુને યાદ કરજે...તારું દુઃખ દુર કરવા હું મારો જીવ પણ આપીશ..આ મારું વચન છે.“ ને દુઃખી હ્રદયે બંને જીવ છુટા પડ્યા. જોતજોતામાં દિવાળી આવી ગઈ ને બીજે મહીને તો કરસન અને એની મા રુખીને લેવા આવી પહોંચ્યા .
મા વગરની રૂખી આખા ગામની લાડલી હતી...બધાએ ભેગા મળી રુખીને સાસરે વળાવી. આખા ગામના ભેગા થયા ત્યારે રઘુ ખેતરના કુવે બેસી ચોધાર આંસુએ રડતો હતો. “ રૂખી તું જાય છે એ મારાથી નહિ જોવાય. મારો તો દેહ જ અહીંયા રહેશે..પણ મારો આત્મા તો તારી હારે જ આવે છે. રૂખી સુખી થજે..” કહી ઢળી પડ્યો..એની માએ સાંજે ખેતરે આવી રઘુને ઉઠાડ્યો ને ઘરે લઇ ગઈ. હવે રઘુ દિવસે કામ કરતો ને અડધી રાત સુધી બીડીઓ ફૂંકતો.. અને રુખીને યાદ કરતો..વધારે પડતી બીડી ફૂંકવાથી તેના શરીર પર અસર થવા લાગી.
આ બાજુ રૂખી સાસરે ગઈ..કામગરી ને ડાહી રુખીએ સાસરીમાં બધાનું મન જીતી લીધું હતું..તેનો વર કરસન પણ રુખીથી ખુશ હતો..રુખીને ખુબ પ્રેમ કરતો પણ એને દારૂની ભારે લત હતી. રોજ દારૂ પીતો. હદ બહારનું પીતો. રૂખીથી આ સહન ન થતું. એકવાર વાતચીતમાં રુખીએ રઘુ વિશે .. કરસનને વાત કરી...રઘુ નાનપણનો ભેરુ..સાથે રમતા ને મોટા થયા ને ખેતરે પણ સાથે જતા...બધી વાત કરતા, કરસનના મનમાં વહેમનો કીડો સળવળી ઉઠ્યો...
એક રાત્રે ખુબ દારૂ પી ને આવ્યો ને રુખીને મેડી પર બોલાવી..એની આંખમાં વાસના જોઈ રૂખી છળી ઉઠી. એણે ધરાર ઈન્કાર કર્યો અને કહ્યું,”કરસન, આજે નહી..તમે ખુબ જ દારૂ પીધો છે. હું આજે નીચે મા સાથે જ સુઈ જઈશ..”
આ સાંભળી કરસનનો ગુસ્સો ફાટી પડ્યો ને રુખીને વાળથી પકડી ને નીચે પાડી પેટમાં એક જોરથી લાત મારી."નીચ..હલકટ..તારા પિયરના યાર રઘુ સાથે શું સંબંધ હતો..બોલ??? સાલી બેશરમ તારા પતિ હારે સુવામાં નખરા કરે છે.....” એમ કહી એને ગંદી ગાળો બોલી રુખીને પટે પટે ફટકારી..રુખીએ માર સહન કર્યો, પણ એને તાબે નહિ જ થઇ..દારૂના નશામાં કરસને કહ્યું, “ કાલે ને કાલે તું તારા પિયર જતી રહેજે. મને તારા પર વિશ્વાસ નથી. જા તારા યાર રઘુ સાથે જ ગામમાં રંગરલીયા મનાવજે..” અને દારૂના નશામાં જ સુઈ ગયો..
બીજે દિવસે સવારે રૂખી વહેલી ઉઠી, બાપના ઘરના કપડા દાગીના લઇ..સાસુને પગે લાગી. કરસન બહાર ઓસરીમાં બેઠો હતો ત્યાં જઈ બોલી,“કરસન, કાલે તેં મારા પર, મારા ચારિત્ર્ય પર ડાઘ લગાડ્યો છે. રઘુ હારે મારે પવિત્ર સંબંધ છે અને રહેશે..આજથી હું મારા બાપુને ત્યાં જ રહીશ...તારે ફારગતી જોઈએ તો કાગળિયાં મોકલજે..સહી કરી દઈશ. મારી અસ્મિતાને કલંક લગાડનારને કદી માફ નહી કરું..હું તારી હારે હવે નહી રહી શકું..”કહી પિયરની વાટ પકડી.
રૂખી પિયર આવી ત્યારે સાંજ થઇ હતી. ખેતરેથી આવી તેના બાપુ ચૂલો સળગાવતા હતા...ને રૂખીએ ડેલી ખખડાવી....તેના બાપુએ જોયું તો ઉંબરે દીકરી ઉભી હતી.. એને જોઈને દોડ્યા..ને દીકરીને ગળે લગાવી.. ત્યાં તો રૂખી અને તેના બાપુ એકબીજાને ભેટીને રડવા લાગ્યા..તેણે રડતા રડતા બાપુને કહ્યું, “ બાપુ, હું હવે સાસરે નહી જાઉં...” કહીને બાપુને બધી વાત કહી. બાજુમાંથી રઘુ ને દયાકાકી પણ આવી ગયા..એમણે પણ બધી વીતક સાંભળી. દયાકાકીએ રૂખીને પાંખમાં લીધી...માથે હાથ ફેરવી પાણી પીવડાવ્યું અને રઘુ તો રૂખીની હાલત જોઈ શૂન્યમનસ્ક થઈ ગયો. કંઈ બોલી જ ના શક્યો..
દયાકાકીએ એને ઢંઢોળી ને કહ્યું, “ રઘુ, ઘરે જા અને રસોઈનો સામાન લઇ આવ..આજે બધાની રસોઈ હું અહીં જ બનાવીશ..” રઘુ જેમતેમ પગ માંડતો ઘર તરફ ભાગ્યો..
દિવસો વીતવા લાગ્યા..રૂખી ધીમે ધીમે કામમાં મન પરોવવા લાગી , ખેતરે જતી, રૂખીના બાપુ જુવાન દીકરીનું દુઃખ જોઈ રડતાં હતાં. શું થશે મારી દીકરી રૂખીનું?
એકવાર ખેતરે રૂખીને રઘુ બેઠાં હતાં.
રઘુ બોલ્યો, “ રૂખી, તું પાછી આવીને એક વરસ થઇ ગયું..કાલ તારી સાસરીના વાવડ મને મળ્યા..કરસન ખુબ બીમાર છે . હોસ્પીટલમાં દાખલ છે. હજુ તારી ફારગતી પણ નથી થઇ..બોલ તારો શું વિચાર છે? “
રૂખીએ કહ્યું, “ ગમે તેમ પણ મારો એ ધણી છે. હું એની સેવા કરવા જઈશ..સારો થઈ જશે એટલે પાછી આવી જઈશ.” ને બીજે દિવસે બાપુને કહીને રૂખી રઘુને લઈ એના સાસરે જવા નીકળી. બંને સીધા હોસ્પિટલ ગયા..ત્યાં જઈ કરસનની હાલત જોઈ રૂખીનું મન પીગળી ગયું..કરસન બોલ્યો, “ રૂખી, તું આવી ગઈ??”
“હા કરસન હું આવી ગઈ તમને હવે સારા કરીને જ રહીશ...પણ કરસન...”
“હા બોલ રૂખી...શું કહેવું છે તારું..???”
“ જો આ રઘુ. મારો નાનપણનો ભેરુ..” ને કરસને રઘુ તરફ હાથ જોડ્યા..ને કહ્યું, “ ભાઈ રઘુ, મને માફ કરજે” ત્યાં તો ડોક્ટર આવ્યા . રૂખી અને રઘુએ ડોક્ટરને પૂછ્યું, “ કરસનને થયું છે શું ?“ ડોકટરે કહ્યું , "વધુ પડતો દારૂ પીવાને કારણે કરસનની બંને કીડની ખરાબ થઇ ગઈ છે. હવે કીડની વગર એ જીવી ન શકે... કોઈ કિડનીનું દાન કરે તો એ જીવી જાય.” ને ડોક્ટર જતા રહ્યા..
રૂખીને હોસ્પીટલમાં મૂકી રઘુ પોતાના ઘરે પાછો ફર્યો..એની મા ને ભેટીને ખુબ રડ્યો..એની મા ને કહ્યું, “ મા તું તો જાણે છે ને કે વધુ પડતી બીડીઓ ફુંકવાથી મારા ફેફસા ફૂંકાઈ ગયા છે...અને મારી એક જ કીડની હવે કામ કરે છે.. ડોકટરે પણ મને એક બે મહિનાનો જ મહેમાન કહ્યો છે..તો હું મારી કામ કરતી એક કીડની કરસનને દાન કરવા માંગું છું. મારી રૂખીને હું સુખી જોવા માંગું છું, એને સદા સોહાગણ જોવા માંગું છું. વિધવાના રૂપમાં હું એને નહી જોઈ શકું. મા મારે રૂખીનું મારી દોસ્તીનું ઋણ ચૂકવવું છે. મા તારું ઋણ હું આવતા જન્મે ચૂકવીશ..” એમ કહી મા ના ખોળામાં માથું મૂકી ખુબ જ રડ્યો..મા એ ભાવુક થઈને કહ્યું, “ ભલે દીકરા કોઈની જિંદગી બચાવીને પુણ્ય કમાઈ લે..જા દીકરા..”
બીજે દિવસે હોસ્પિટલ આવી રઘુ ડોક્ટરને મળ્યો ..અને પોતાની કીડની દાન કરવા માંગે છે. પછી ડોકટરે રઘુને તપાસ્યો તો ખબર પડી કે એની તો એક જ કીડની કામ કરે છે..એને સમજાવ્યો કે , “તારી એક કિડનીનું દાન એટલે તારી જિંદગીનું દાન..તું જીવી નહી શકે..”
રઘુએ કહ્યું, “ મને ખબર છે ડોક્ટર સાહેબ, હું આમ પણ એક બે મહિના જ જીવીશ. મારી કીડનીથી કરસનની જિંદગી બચી જશે એ જ મારા માટે અગત્યનું છે. હું રૂખી વગર નહિ જીવી શકું. મારી રુખીને સુખી કરવા હું મરવા પણ તૈયાર છું. “ કહી ડોક્ટરને પગે પડી રડતાં રડતાં કહ્યું,” ડોક્ટર આ વાતની કોઈને પણ ખબર નહી પડવી જોઈએ..કે મારી એક જ કીડની કામ કરે છે. નહી તો કોઈ મને દાન નહી કરવા દેશે. વચન આપો ડોક્ટર..”
દસ દિવસ પછી રઘુએ ઓપરેશન કરવા કહ્યું..બધા હોસ્પિટલ આવી ગયા. રૂખી ને કરસન બંને રઘુને પગે લાગ્યા..
ડોક્ટર રઘુને ઓપરેશન થીયેટરમાં લઇ ગયા..બીજી બાજુ કરસનને પણ ઓપરેશન થીયેટરમાં લાવ્યા..રઘુની કિડનીનું સફળ રીતે કરસનના શરીરમાં પ્રત્યારોપણ કર્યું...
ને રઘુએ પોતાના પ્રેમ..એક ઋણાનુબંધને, પોતાના પવિત્ર પ્રેમ વડે જીવતદાન આપી અનંતની વાટ પકડી..
થોડા દિવસ પછી જયારે કરસનને રઘુના બલિદાનની ખબર પડી ત્યારે એ ચોધાર આંસુએ રડી પડ્યો..ને રુખીને લઈને રઘુની મા પાસે આવ્યો, દયા કાકીને પગે લાગી બોલ્યો, “ મા, તમારો રઘુ હજુ મારી અંદર જીવે છે...ચાલો મા મારા ઘરે..હું જ આજથી તમારો રઘુ..!!!!! “ ને રૂખી તેના બાપુ અને દયા કાકીને લઇ સાસરે આવી.
ઓસરીમાં જ રઘુના ફોટાને પગે લાગીને બોલી,“ રઘુ, આવતા જન્મે જરૂરથી મળીશું..."







7
શીર્ષક : પ્રેમની પૂર્ણાહુતિ
લેખન : અર્ચિતા દીપક પંડ્યા
ઈમેઈલ : architadeepak@gmail.com

ઢળતી બપોરે સોહિણીને સરનામાની એક ચિઠ્ઠી શહેરના મધ્યના વિસ્તારમાં એક સોસાયટીના છેવાડાના બંગલા પર લઈ આવી. બંગલો જૂનો હતો. કોટની દિવાલ પર 'પૂર્ણિમા રેશમવાલા' લખેલી નેમપ્લેટે આગંતુકનું ધ્યાન ખેંચ્યું. એ અટકી. ખરેખર, નામ 'પૂર્ણિમા ઇનામદાર' હોવું જોઈતું હતું. કંઈક ન સમજાય એવા ભાવો ઊમટ્યાં. મનમાં અંદર જવાનો વિચાર ડગમગ્યો. મન મક્કમ કરી એણે પગ ઉપાડ્યો. લાકડાનાં જૂનાં દરવાજાને એણે ધીરેથી ધક્કો મારીને ખોલ્યો. દરવાજો ખૂલીને ફરી બંધ થયો ત્યારે કંપન પ્રગટ્યું, જેનું આંદોલન છેક સોહિણીનાં હાથનાં ટેરવાંથી હ્રદય સુધી પહોંચ્યું.

એ ચોગાનમાં પ્રવેશી ત્યાં એણે બગીચાના મોટા ઝાડ, સુંદર ફૂલોના છોડ જોયાં જે બધાં જ અક્ષયના માનીતા હતા. થોડાં વર્ષોના સહવાસમાં એણે અક્ષયના ગમા અણગમાનું બરાબર ધ્યાન રાખ્યું હતું. વર્ષોથી રંગરોગાન ન થઈ હોય તેવી દીવાલો અને છતાં ચોખ્ખો ઓટલો, રોજેરોજ ધૂળ સાફ થઈ જતી હોય તેવી લોખંડની જાળી પાછળ ઘરનું મુખ્ય દ્વાર દેખાઈ રહ્યું હતું.

વિચારમાં ને વિચારમાં કાર પાર્ક કરીને ઊતરતાં સોહિણીનો દુપટ્ટાનો છેડો, એના સાવ ધ્યાન બહાર હાથમાં રહી ગયો. જ્યારે અનુભવ્યું ત્યારે એને થયું,'આપણે મનમાં એક વાત આમ જ પકડી રાખતા હોઈએ છીએ નહીં? અજાણપણે, આપણે આપણી જરૂરિયાતો સાથે બંધાઈ જઈએ છીએ.'

સોહિણી ઘરનાં દ્વાર સુધી પહોંચે એ પહેલાં જ ગરમ હવાનો એક ચક્રવાત ઊઠ્યો. એણે જરી રોકાવું પડ્યું. આંખના રક્ષણ માટે, પણ આંખ તો બીજી કોઈ ભીતિમાં ભમ્મરીયા વંટોળની પાછળનાં બીજા કોઈ ડરને લીધે વિસ્ફારિત હતી. ફરી એનું મન ડગી ગયું,
'ઘરમાં કોઈ સંચાર નથી. મળવાનો આ સમય યોગ્ય તો હશે ને? કદાચ એ મોડેથી બપોરે આડે પડખે તો નહીં થયા હોય?'

'ના, ના, આજે હિંમત કરીને અહીં સુધી આવી છું તો મળીને જ જવું છે.'
એણે પગ ઉપાડ્યો. મણના વજનિયાંને જાણે એણે ઈચ્છાશક્તિથી ઉપાડ્યાં. હાથ ઊંચો કરી ડોરબેલ પર મૂક્યો. બેલના અવાજ પછી અંદરનું દ્વાર ખૂલવાના અવાજ સાથે એણે સ્વસ્થતા સંકોરી.

એક આકૃતિ એની નજર સામે આવી. પાતળો એકવડો દેહ, મોટો ચાંદલો તથા ગૂંથેલો ચોટલો. એકદમ સાદો તથા સુઘડ પહેરવેશ આ વ્યક્તિત્વને અનોખી આભા આપતાં હતાં.
"હું અંદર આવી શકું?"
અંદરથી સ્થિરમુદ્રામાં જ જવાબ મળ્યો.
"નામ?"
"સોહિણી"
"સોહિણી ઈનામદાર?"
"સોહિણી ઈનામદાર."
બંને સાથે જ બોલ્યાં.
યજમાને નામ સાંભળી લોખંડની જાળી ખોલવાની કોઈ ચેષ્ટા ન કરી. એનો ચહેરો સખત બન્યો. કોઈ પ્રકારનો આવેગ નહીં કે ઉમળકો નહીં. પૂર્ણિમા તો સ્થિર ઊભી જ રહી. સોહિણીને સમજાયું નહીં કે હવે શું કરવું?
" થોડીક વાત કરવી હતી."
"બોલો."
આવકાર વગરની આજ્ઞા હતી.
"અંદર આવી શકું?"
"આ દ્વાર તમારા માટે નથી."
"માફ કરજો પણ હું આજે પ્રવેશ લેવા આવી છું."
"દુનિયા ઘણી મોટી છે અને રંગીન પણ. તમારા નસીબમાં છે એ માણી લો. જીવનનો કોઈ ભરોસો નથી કે કેવો રંગ બતાવે!"
"એટલે જ.. એટલે જ આવી છું."
"મતલબ?"
"મતલબ કે અક્ષય.."
"એનું નામ ન લેશો. તમે અત્યારે જ વિદાય થાવ."
"પ્લીઝ સાંભળો.. "
"ગો અવે. મારે આ નામ સાંભળવું જ નથી. એ મારા માટે મૃત્યુ પામ્યો છે."
"ના હવે... એ મૃત્યુ તરફ જઈ રહ્યો છે. એ છેલ્લા સ્ટેજમાં.. "
" શ.... શું?"
યજમાનનો આશ્ચર્ય મિશ્રિત દુઃખી ઉદ્દગાર બહાર આવી ગયો. કૂણા પડવાની એની આ ચેષ્ટાથી સોહિણીમાં એ ક્ષણે હિંમત આવી.
"દીદી.. "
પૂર્ણિમાના ચહેરા પર સૂર્યના બળબળતા અંગાર જેવું તેજ ઝળક્યું પણ ફરી કંઈક વિચારીને શાંત પડી.
સોહિણીએ હળવેથી પૂછ્યું,"હું તમને દીદી કહી શકું?"
જવાબની રાહ જોયા વગર જ એણે શરૂ કર્યું.
"દીદી, મને અક્ષયે નથી મોકલી. હું જાતે આવી છું. ખાસ તમારું જ કામ છે."
પૂર્ણિમાથી માર્ગ અપાઈ ગયો.
થોડા સંકોચ સાથે સોહિણી ઘરમાં પ્રવેશી. બંને બેઠાં.
સોહિણીએ અક્ષયની ભયંકર માંદગીની કેવી રીતે ખબર પડી? ત્યાંથી વાતની શરૂઆત કરી. થોડાં વખતમાં તો એ ગાથાના સાક્ષી હોય એમ આંખમાં ઝળઝળિયાં પણ ડોકાવા લાગ્યાં. સોહિણી એકધારું બોલ્યે જતી હતી. મા બાપની ઈચ્છા વિરુદ્ધ અક્ષય જોડે રહેવાનો નિર્ણય, રંગીન અને સંગીન લાગતા જીવનમાં કટોકટીનો પ્રવેશ અને હવે સમય જતાં એકલે હાથે સોહિણી દ્વારા લડાતું જીવનયુદ્ધ એક ચલચિત્ર બનીને પૂર્ણિમાની સામે આવવા માંડ્યાં. પૂર્ણિમાની આંખોથી થતું અશ્રુવહન સોહિણીના વાક્પ્રવાહને રોકે એમ નહોતો. પૂર્ણિમા હવે સમસંવેદના અનુભવવા લાગી.
સોહિણીના એક વાક્યે પૂર્ણિમા એની સાથે જવા તૈયાર થઈ ગઈ."દીદી, એક વાર અક્ષયને મળવા આવશો? એ લગભગ રોજ યાદ કરે છે તમને. એના મનની આ ઈચ્છા એનો અંત ન બગાડે!"
સોહિણી અને પૂર્ણિમા હોસ્પિટલના રૂમમાં સાથે પ્રવેશ્યાં. અક્ષય પરિસ્થિતિ સમજી ગયો. એણે સોહિણી સામે આભારસૂચક નજરે જોયું. એક સારું કાર્ય કરવાના સંતોષ સાથે સોહિણી બહાર જતી રહી.

અક્ષય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. એના મનમાં દોષિત હોવાના ભાવ ઓક્સિજનની નળીઓ સાથે પણ દેખાતાં હતાં.
"તેં મને માફ કર્યો, પૂર્ણિમા..."
"તારી ભૂલ થાય છે અક્ષય, હું તને કહેવા આવી છું. તારા દગાનો બદલો તને જિંદગીએ આપી દીધો છે, પણ તારી યુવાન પત્નીને તારી આ પહેલી પત્ની નાની બહેનની જેમ સાચવશે. તું આ જન્મ પૂરો કરવા તારે માર્ગે નિશ્ચિંત બનીને આગળ વધજે. આવતા જન્મે જેનો પણ હાથ પકડે એને આજન્મ નિભાવજે એવી વણમાગી સલાહ આપી હું જઉં છું."
પૂર્ણિમાના અવાજમાં એક વડીલ જેવો રણકાર હતો.
"સોહિણી!"
અવાક્ થઈ ગયેલી સોહિણી આવીને ઊભી રહી.
"એકલા રહી તારે દુઃખી નથી થવાનું. ગિરવે મૂકેલું મકાન તો છોડી જ દીધું છે, હવે ઉધાર પતિનો મોહ છૂટી ગયો હોય તો એક સ્ત્રી નહીં પણ બહેન સમજીને તારે મારી જોડે જ આવી જવાનું છે!"
અને એ ઉન્નત મસ્તક સાથે એનાં પોતાના ઘરે જવા નીકળી ગઈ.







8
શીર્ષક: પ્રસુતિની પીડા
લેખન : કૌશિકા દેસાઇ
ઇમેઇલ : kaushikadesai2007@gmail.com
નંદિસર ગામનાં એક નાના ઘરમાં એક નાનો જીવ આમ થી તેમ આંટા મારી રહ્યો હતો. તેને એક ચિંતા ઠરવા દેતી ન હતી. ખૂબ વ્યાકુળ થઈ તે માતાને બૂમો પાડવા લાગી.
" મા, જોને ગૌરીને શું થયું છે? આજે સવારથી જ ઘણી પીડામાં હોય એવું લાગે છે. તેને ચોક્કસ કંઈ તકલીફ લાગે છે. મા..! તું સાંભળતી કેમ નથી? આ જો..ને! ગૌરી આજે મારી જોડે વાત પણ નથી કરતી."
માએ બંસરીની બૂમ સાંભળી, તે જાણતી હતી તેની વ્યાકુળતા એટલે તેણે પોતાની નાની દીકરી પોતાની પાસે બેસાડી અને તેનાં માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું,"હા બેટા તે પીડામાં છે, પણ તેની પીડા સમય આવશે એટલે ઓછી થઈ જશે. તું ચિંતા ના કર. હું છું ને એનું ધ્યાન રાખીશ."
બંસરી અકળાઈ ગઈ અને કહેવા લાગી,"મા, પણ મારાથી તેનું આ દુઃખ નથી જોવાતું. તેને થયું છે શું?"
"બેટા ગૌરી આ દુનિયાની સૌથી મોટી સુખની લાગણીનો અનુભવ કરવાની છે પણ તેની પહેલાં તેને આટલું દુઃખ સહન કરવું જ પડશે. તેને મા બનવાનો એક અનેરો આનંદ પ્રાપ્ત થવાનો છે પણ તે સુખ માટે મૃત્યુ આવે તેટલું દુઃખ સહન કરવું જ પડે! દરેક સ્ત્રીને આ દુઃખ સહન કરવું જ પડે છે.
તું હજી ઘણી નાની છે, એ તને નહિ ખબર પડે એટલે રહેવા દે, ખોટી ચિંતા ના કર."
મા જાણતી હતી કે બંસરીની ચિંતા ખોટી ન હતી, ગૌરીની પીડા તો તેનાથી પણ ક્યાં જોવાતી હતી? પણ પોતે કશું કરી શકે તેમ ન હતી.
"મા, તું આજે નાના શેઠને ત્યાં નહીં જાય ને? મા..! આજે ગૌરીને તારી જરૂર છે."
આ પ્રશ્ન સાંભળી મા કામ કરતી અટકી ગઇ અને વિવશતાથી બોલી,"બેટા આજે તો મારે જવું જ પડશે ત્યાં નાની શેઠાણીને મારી જરૂર છે. હું સવારે વહેલી આવી જઈશ પણ આજે તો મારે જવું જ પડે."
માને ખબર હતી કે નાની શેઠાણીની તબિયત ખૂબ જ ખરાબ હતી ને તેમનું ધ્યાન રાખવા માટે કોઈ હતું નહીં. તેમને દવાખાને લઇ જવાની સલાહ ડોક્ટર સાહેબે આપી હતી પણ મોટા શેઠ અને શેઠાણી એટલી જૂની વિચારસરણી ધરાવે છે કે તે કદી દવાખાને જવા તૈયાર નહિ થાય. નાની શેઠાણીનો તો ઉપરવાળો જ બેલી છે . માની આંખમાં આંસુ આવી ગયાં.
મા ઘરનું કામ પતાવી નાના શેઠને ત્યાં જવા નીકળી. જતાં પહેલાં કાનુડાને હાથ જોડી પ્રાર્થના કરતી ગઈ,"હે! મારા વ્હાલા આજે પરીક્ષાનો દિવસ છે. બે માઓ પ્રસૂતિની વેદના સહી રહી છે એમની અને મારી. જો વ્હાલા બધું તારા હાથમાં છે. નાની શેઠાણીને મારી જરૂર છે એટલે મારે જવું પડશે અને અહીં ગૌરીને પણ મારી જરૂર છે પણ હું અહીં નહિ રોકાઈ શકું! ત્યાં માનવતાના દુશ્મન શેઠાણીને નુક્સાન પહોંચાડશે અહીં ગૌરી નો તું રખવાળો છે. બસ! આજની રાત જેમ તેમ કરીને હેમખેમ પાર પડી દેજે, સંભાળી લેજે."
આમ કહી તેણે પોતાની દીકરી બંસરીને ગૌરીનું ધ્યાન રાખવા કહ્યું અને ચિંતા નહિ કરી સૂઈ જવા કહ્યું. જતાં જતાં તે ગૌરીની પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં કહેતી ગઈ,"બેટા ચિંતા ના કર! તને કંઈ નહિ થાય. હું તારી મા છું તારી જોડે. બસ! થોડો વખત હિંમત રાખ આવવાવાળું સુખ તને આ દુઃખ ભૂલાવી દેશે. મને ખબર છે આજે મારે તારી પાસે રહેવું જોઈએ પણ બેટા, મને માફ કરી દેજે કોઈના જીવનો સવાલ છે. મારાથી સ્વાર્થી કેમ થવાય? હું વહેલી સવારે તારી પાસે આવી જઈશ અને જો તારી પાક્કી સખીને તારી જોડે રાખીને જાઉં છું એ તારું ધ્યાન રાખશે.
તે ઝટપટ નાના શેઠને ત્યાં પહોંચી,
ત્યાં તો નાની શેઠાણી અર્ધ બેભાન અવસ્થામાં હતાં.
"તમે આવી ગયા જમખુબા, તમારી જ રાહ જોતી હતી . મારાથી હવે દુઃખ સહન નથી થતું. મને વચન આપો કે મારા આવનાર બાળકનું પોતાના બાળકની જેમ ધ્યાન રાખશો. હું જીવું કે નહીં પણ મારા બાળકને માની હૂંફ મળવી જોઈએ."
"નાના શેઠાણી તમને કંઈ નહીં થાય મારો વ્હાલો છે ને સૌ સારાં વાનાં કરશે."
રાત વીતતી ગઇ અને જમખુનો જીવ અદ્ધર હતો. અડધી રાત વીતી હશે અને નાના શેઠાણીને પ્રસૂતિની પીડા ઊપડી. આટલી મોટી હવેલીમાં આ બન્ને સ્ત્રીઓ લડી રહી હતી ઝઝુમી રહી હતી. બીજા કોઈને કશી ચિંતા ન હતી, કારણકે તેઓ પુત્રી જન્મની આશંકા લઈ બેઠાં હતાં. હવેલીમાં એક કારમી ચીસ ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં એક બાળકનો રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. જમખુએ જાણ્યું કે નાના શેઠાણી અને બાળક બન્ને સ્વસ્થ છે તે હરખાઈને બધાંને સમાચાર આપવા હવેલીમાં દોડી .
તેણે સવાર સુધી ત્યાં રહી મા અને બાળકની કાળજી લીધી અને પછી તેમને ઘરવાળા લોકોને ભરોસે રાખી તે પોતાના ઘરે જવા નીકળી. ત્યાં પણ એક મા વેદના સહન કરી રહી હતી. તે દોડતી દોડતી ઘરે પહોંચી. ઘરનાં આંગણામાં તો ગૌરી આમથી તેમ તરફડી રહી હતી અને બંસરી તેને જોતી ઓટલે બેસી રડતી હતી.
જમખુને જોઈ તે તેને વળગી પડી. તેની આંખોમાં નારાજગી, ડર અને દુઃખની મિશ્રિત લાગણીઓ આંસુ બની વહી રહી હતી.
"બેટા, તું ચિંતા ના કર હું આવી ગઈ છું ને!" એમ કહી તેણે બંસરીને શાંત કરી.
તે હળવેથી ગૌરી પાસે ગઈ અને તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવવા લાગી. ગૌરી તો જાણે તેની રાહ જોઈ રહી હોય એમ જોરથી ભાંભરવા લાગી અને થોડીક જ વારમાં તેને એક સુંદર વાછરડાંને જન્મ આપ્યો. ગૌરીની પીડાનો અંત આવ્યો હતો અને તેની આંખ માંથી અશ્રુ વહી રહ્યાં હતાં. જમખુ ગૌરી માટે ગરમ ગરમ શીરો બનાવી લાવી અને તેને પ્રેમથી ખવડાવ્યો. તેણે ભગવાનનો આભાર માન્યો કારણ કે તેમણે નાના શેઠાણીનો જીવ બચાવ્યો અને તેમના ઘરવાળા લોકોને તેની કાળજી લેવાનું કારણ નંદકિશોરના રૂપમાં આપ્યું અને ગૌરીએ નંદિની ને જન્મ આપ્યો.
જમખુ ત્યાં આંગણામાં જ બેસી પડી જાણે બે-બે પ્રસૂતિનો થાક ના ઉતારતી હોય!







9

શીર્ષક : જનરેશન ગેપ
લેખન : નિમિષા મજમુંદાર
ઇમેઇલ : nimishamajmundar@gmail.com

રવિવારના સવારના નવ વાગ્યાનો ટાઈમ એટલે મહેતા કુટુંબનો ફેમિલી ટાઈમ. મહેતા ફેમિલી એટલે અખિલ, વૃંદા અને એમનાં બે બાળકો વિશ્વા અને આરવ. રોજ તો અખિલને દસ વાગે ઓફિસ હોય, વિશ્વા સાડાદસે કોલેજ જવા નીકળે અને આરવને મોર્નિંગ સ્કુલ હોય; એટલે અઠવાડિયામાં એક દિવસ રવિવારે, ડાયનીંગ ટેબલ ઉપર આનંદથી વાતો કરતાં કરતાં એમની સવાર પસાર થાય.
ઉપમાની ચમચી મોંમાં મૂકતાં અખિલે વિશ્વા સામે જોઈને પૂછ્યું,"બેટા, ભણવાનું કેવું ચાલે છે?"
વિશ્વા: "પપ્પા, ફર્સ્ટ ક્લાસ. લાસ્ટ ટેસ્ટમાં આઈ વોઝ સેકન્ડ ઈન ક્લાસ."
વૃંદા: "વાહ, શાબાશ મારી દિકરી. આરવ, આની પાસેથી થોડું શીખ. આખો દિવસ ક્રિકેટ રમવામાંથી ઉંચો આવે તો ભણે ને!"
આરવનું "ઉંહ" સાંભળીને બધાં હસી પડ્યાં.
ચહેરા પર એક તોફાની સ્મિત સાથે વિશ્વા તરફ ફરીને વૃંદા બોલી, "અને..મોહિત કેમ છે?"
જવાબમાં ખભા ઉલાળીને વિશ્વાએ કહ્યું,"મને શું ખબર? મજામાં જ હશે."
વૃંદા: "અરે! તને નહિ તો કોને ખબર હોય? મોહિત તારો બોયફ્રેન્ડ છે ને!"
આરવ હાથના ચાળા કરીને,"મોમ..બ્રેક-અપ.."
વૃંદા (આઘાતથી): "હાય હાય! બ્રેક-અપ? ના હોય! ક્યારે? કેમ?"
વિશ્વા: "એમાં ના હોય શું વળી? તને આટલો આઘાત શેનો લાગે છે? ના ફાવે તો છૂટા પડી જવાનું."
વૃંદા: "અરે! મોહિત તો કેટલો સારો છોકરો છે? એવું તો શું થયું કે એણે તારી સાથે બ્રેક-અપ કરી દીધું? તું તો એકદમ નોર્મલ છે, ખુશ છે. જેનું બ્રેક-અપ થાય તે આવું હોય?
"મોમ, નાઉ ધીસ ઈસ ટુ મચ! એણે નહિ મેં બ્રેક-અપ કર્યું અને એવો કોઈ રુલ છે કે બ્રેક-અપ થાય એટલે દુઃખી થઈને, ડીપ્રેસ થઈને ફરવાનું?" વિશ્વાએ પોતાની નારાજગી પ્રગટ કરતાં કહ્યું.
વૃંદા: "પણ કાંઈ કારણ તો હોય ને? એવું તે શું થયું?"
વિશ્વા: "છોડ ને..ઈટ્સ અ લોંગ સ્ટોરી."
વૃંદા: "ના, અત્યારે જ કહેવું પડશે કે શું થયું. અમે તો એવું વિચારતા હતાં કે તમારું આ લાસ્ટ યર પૂરું થાય એટલે એના પેરેન્ટ્સને મળીને વાત કરી લઈએ."
અખિલને જીમમાં જવું હતું એટલે એ,"તમે વાતો કરો. હું થોડી વારમાં જોઈન થઉં છું." કરીને ઉઠ્યો.
વૃંદાની પ્રશ્નાર્થ ભરેલી નજરના જવાબમાં વિશ્વા બોલી,"મોમ, આમ તો બધું બરાબર હતું. તને ખબર છે જ કે છેલ્લા બે વર્ષથી હું ને મોહિત સ્ટેડી રીલેશનશીપમાં હતાં. મેં તમારાથી કાંઈ છુપાવ્યું નથી. અમે મૂવીઝ, રેસ્ટોરન્ટ્સમાં સાથે જતાં હતાં, સાથે જ એક્ઝામ્સની પ્રિપરેશન પણ કરતાં હતાં અને કોલેજમાં પણ બધાંને ખબર હતી, પણ છેલ્લાં થોડાં વખતથી એ દાદાગીરી કરવા માંડ્યો હતો.હું ક્લાસના કોઈ છોકરા સાથે વાત કરું તો તરત પૂછવા આવે 'શું વાત કરતી હતી?' કોઈની પાસેથી નોટ્સ લીધી હોય તો એનું મોં ચઢી જાય. કેન્ટીનમાં બધાં સાથે બેઠાં હોઈએ ત્યારે પણ સતત મારી ચોકી કરે. પહેલાં આવો નહોતો પણ એને ખ્યાલ આવ્યો કે હવે આટલા વખતથી અમે સાથે ફરીએ છીએ એટલે હવે આ ક્યાં જવાની છે? એટલે એનું અસલ રૂપ દેખાડ્યું. અત્યારથી આવી માથાકૂટ કરે તે ના ચાલે. મેં તો કહી દીધું કે મને આ નહિ ફાવે. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આપણું બ્રેક-અપ."
વૃંદા: "એ તો બધા પુરુષો એવા જ હોય, પઝેસીવ. એમાં કાંઈ આમ છૂટા પડી જવાનું? એનું કીધેલું થોડું કર્યું હોત, તો તારું શું જવાનું હતું? અમે જ તને ફટવી છે. ઘરમાં બધું તારું ધાર્યું થાય છે, એટલે તને કોમ્પ્રોમાઈઝ કરવાની ટેવ જ નથી પડી. જીંદગીમાં થોડાં એડજેસ્ટમેન્ટ્સ તો કરવાં પડે. નાની નાની વાતમાં ઝગડી ના પડાય."
વિશ્વા: "મોમ, યુ આર ટુ મચ. શા માટે મારે અત્યારથી એની દાદાગીરી ચલાવી લેવાની? અને હું કાંઈ એની સાથે ઝગડી નથી. અમે બહુ જ શાંતિથી છૂટા પડ્યાં છીએ. કોઈ જ બીટરનેસ નથી. વી આર સ્ટીલ ફ્રેન્ડ્ઝ."
વૃંદા: "શું ધૂળ ફ્રેન્ડ્ઝ? મને તો તમારી આ રીત મગજમાં ઉતરતી જ નથી."
વિશ્વા: "મોમ, યુ આર એન ઓલ્ડ સ્કુલ ટાઈપ, એટલે જવા દે; તને આ નહિ સમજાય." કહેતી વિશ્વા ઊભી થઈ ને પગ પછાડતી એના રૂમમાં જતી રહી.
ટેબલના બીજા છેડે બેઠેલો આરવ વૃંદાને ચીઢવતો હોય એમ,"મોમ..,જનરેશન ગેપ" બોલીને હસતો હસતો અંદર જતો રહ્યો.
હવે આઘાત પામવાનો વારો વૃંદાનો હતો. 'શું બોલી ગઈ આ છોકરી? પોતે? ઓલ્ડ સ્કુલ ટાઈપ?' વૃંદા પોતાની જાતને એકદમ મોડર્ન માનતી. પહેરવેશમાં પણ જીન્સ-ટી શર્ટ, કાર ડ્રાઈવ કરતી, સરસ ઈંગ્લિશ બોલતી. આવી વૃંદાને લોકો પણ અલ્ટ્રા મોડર્ન ગણતાં. ઉપરાંત, એ પોતાના બાળકો સાથે પણ મિત્ર બનીને રહેતી. એમની બધી જ વાતો સાંભળતી અને સમજતી. બિલકુલ વિરોધ વગર એણે મોહિતને વિશ્વાના બોયફ્રેન્ડ તરીકે સ્વીકારી લીધેલો. છતાં, પોતે ઓલ્ડ સ્કુલ ટાઈપ? જૂનવાણી?
વૃંદાને થયું,'આ પેઢીની વાતો સાચે જ સમજાતી નથી. વિશ્વાની જગ્યાએ પોતે હોય તો એણે ચોક્કસ થોડી બાંધછોડ કરીને પણ સબંધ બચાવવાનો પ્રયત્ન કર્યો હોત. આ બે જણાં બે વરસથી સાથે હતાં તો પણ બ્રેક-અપ? અને પાછું એનું બિલકુલ દુઃખ નહિ! ખરેખર, આ નવી પેઢી પોતાની શરતે જીવન જીવે છે. પોતાની જાતને દુઃખી કરવાનો હક એ કોઈને આપતી નથી. બીજાના દુઃખની એ પરવા પણ નથી કરતી. ગમે તે હોય પણ વગર વિચારે, ઉતાવળીયા નિર્ણય તો ના જ લેવાય.'
વિચારોમાં અટવાયેલી વૃંદા, અખિલ પાછો આવ્યો ત્યાં સુધી ત્યાં જ બેઠેલી રહી. અખિલે એને આમ જોઈને તરત પૂછ્યું,"શું થયું?" જવાબમાં થોડી અકળામણ સાથે એણે વિશ્વા સાથે થયેલી આખી વાત કરી.
અખિલ બોલ્યો,"જો વૃંદા, હવે વિશ્વા વીસ વરસની છે. એનાં નિર્ણયો લેવાની છૂટ એને આપવી જ પડે. આ નવી પેઢી પોતાની શરતે જીંદગી જીવવામાં માને છે. આપણે એની ઈચ્છાનું સન્માન કરતાં શીખવું પડે."
સ્વગતોક્તિ કરતાં એ બોલી,"પોતાની શરતે જીંદગી જીવવાની..હં..." અને ત્યારે તો વાત ઉપર પડદો પડી ગયો.
બીજા દિવસે, સોમવારે સવારે આઠ વાગે વૃંદા પણ અખિલ સાથે જ જીમમાં જવા તૈયાર થઈ ગઈ. એને જોઈને વિશ્વાથી પૂછાઈ ગયું,"મોમ, તું જીમમાં જાય તો મારે દસ વાગે જમવાનું શું થશે?"
વૃંદા,"હા બેટા, તને તો આવડે છે. તું કૂકર ચઢાવી અને રોટલીનો લોટ બાંધી રાખજે. બાકી મેં બાજુમાં રસોઈ કરવા આવે છે એ બેન સાથે વાત કરી છે, એ નવ વાગે આવીને બાકીનું કરી દેશે. હું પણ હવે તેતાલીસની થઈ. મારે મારી ફીટનેસનું ધ્યાન રાખવું પડે ને!" કરતી જવાબની રાહ જોયા વગર જ ઘરની બહાર નીકળી ગઈ.
અઠવાડિયા સુધી તો બધું જેમતેમ ચાલ્યું પણ રવિવારે સવારે બ્રેકફાસ્ટ વખતે વિશ્વાની અકળામણ વિસ્ફોટ થઈને બહાર આવી,"મોમ, મારાથી આ નહિ થાય. મને ખબર છે મેં મોહિત સાથે બ્રેક-અપ કર્યું એટલે તું ગુસ્સે થઈ છે, પણ આ મારી લાઈફ છે. મને હક છે મારા નિર્ણયો લેવાનો. કાલથી હું રસોડામાં નહિ જઉં."
વૃંદા: "ના રે..હું બિલકુલ ગુસ્સે નથી, પણ મને પણ મારી જીંદગી મારી રીતે જીવવાનો હક છે ને? તું તારા નિર્ણયો લઈ શકે તો રસોડામાં વીસ મીનીટ કામ ના કરી શકે? વીસ વરસની હું પરણીને આવી ત્યારથી આખું ઘર સંભાળતી હતી. બહુ કર્યું, હવે હું મારી જાત માટે જીવીશ."
વિશ્વા,"એટલે? બીજાનો વિચાર જ નહિ કરવાનો? તેં તો મને ફાવશે કે નહિ તે પૂછ્યા વગર જ મારે માથે કિચન નાખી દીધું."
એની સામે ટેબલ ઉપર બેસી જતાં વૃંદા બોલી,"બસ, મારે તને આ જ સમજાવવાનું હતું. બીજાનો વિચાર કરવાનું. તેં બ્રેક-અપ કરતાં પહેલાં એક પણ વખત મોહિત સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો? એને સુધરવાનો મોકો આપ્યો? તમારી પેઢી વગર વિચારે ઉતાવળીયા નિર્ણય લે અને અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો આખી વાત જનરેશન ગેપના નામે ઉડાડી દો. જે વાતમાં સ્હેજ વાંધો પડે તે પડતી મૂકી દેવાની? અમે જે કહીએ છીએ એમાં જીવનનો અનુભવ છે. ફક્ત પોતાનો વિચાર કરવાથી જિંદગી જીવી તો લેવાય પણ એમાં મજા ના રહે."
આગળ ઉમેરતાં એ બોલી,"મારે તારી પાસેથી એટલી જ ખાત્રી જોઈએ છે કે હવે પછી તું કોઈ ઉતાવળિયો નિર્ણય નહિ કરે અને દરેક વાતને સામી વ્યક્તિની દ્રષ્ટિએ જોવાનો પણ એક પ્રયત્ન ચોક્કસ કરીશ."
વિશ્વાની આંખમાં એને દેખાતું હતું કે વાત ગળે ઉતરી ગઈ છે. ધીમેથી વિશ્વા બોલી,"ઓકે મોમ, હવે વિચારીને જ આગળ વધીશ. પ્રોમીસ. પણ પ્લીઝ, કાલથી નો મોર કિચન."
વૃંદા હસતાં હસતાં ઊઠી અને પૂછ્યું,"ચાલો સાંજે જમવામાં બધાને મેથીના થેપલાં ફાવશે ને?"
આરવ,"ના, મોમ.. પીઝા.. પીઝા.."
વૃંદા: "અરે! પીઝામાં નર્યો મેંદો હોય. પેટમાં ચોંટી જશે."
આરવ,: "જોયું ડેડી? આને કહેવાય..?"
જવાબમાં ત્રણે સાથે બોલી ઉઠ્યાં,"જનરેશન ગેપ.." અને બધાંનાં હાસ્યથી ઘર ગાજી ઉઠ્યું.







10
શીર્ષક: આશ્ચર્ય (લઘુકથા)
લેખન : ચિરાગ કે બક્ષી

મારે વતન જવા માટે બસ પકડવી હતી. હું બસ-સ્ટોપ પર સમયસર પહોંચી ગયો હતો.
ત્યાં એક ભાઈ મને મળ્યા. મને કહે,"ભાઈ તમે સંસ્કારી લાગો છો એટલે તમને એક વાત પૂછવી છે. હું એક મુંઝવણમાં છું. મારા પૈસાનું રોકાણ મારે એવી રીતે કરવું છે કે જેનાથી મારી રકમમાં વૃધ્ધિ થયા કરે અને કોઈ ને કોઈ માનવીનું ભલું પણ થયા કરે".
માણસ મને પણ સજ્જન લાગ્યા એટલે મેં એમને બે યોજના કહી.
અચાનક મને થયું કે આમને આ બાબતે મને પૂછવાનું કેવી રીતે સૂઝયું?.
મેં એમને આ પ્રશ્ન પૂછ્યો.
એમણે કહ્યું કે,"મેં તમને થોડી વાર પહેલાં આ વિષય ઉપર કોઈની સાથે ફોન ઉપર વાત કરતા સાંભળ્યા હતા એટલે તમારી સલાહ લેવી ઠીક લાગી".
હું એમને સમજાવતો રહ્યો અને મારી બસ ક્યારે ઊપડી ગઈ એની ખબર જ ના પડી.
હું બસ ઊપડી જવાથી સ્વાભાવિક રીતે જ નારાજ થઈ ગયો.
મેં પેલા ભાઈ ઊપર ગુસ્સો કર્યો પણ એમની બસ આવી ગઈ એટલે એ જતા રહ્યા.
મારી હવે પછીની બસ અઢી કલાક પછી હતી એટલે હું બસ-સ્ટોપ પર જ બેસી ગયો.
બે કલાક થયા એટલે હું ચ્હા પીવા લારી પર ગયો. લારીવાળાએ મને પુછ્યું,"ક્યાં જવું છે?" મેં મારા વતન જવાની બસ ચૂકી જવાની વાત કરી.
લારીવાળો મારી સામું ટીકીટીકીને જોઈ રહ્યો. "સાહેબ, તમે એ બસમાં જવાના હતા? બહું સારું થયું કે તમે એમાં ના ગયા. હમણાં જ ખબર આવી કે એ બસ તો પુલ ઉપરથી નાળામાં પડી ગઈ અને કદાચ તો કોઈયે બચ્યું નથી. તમે બચી ગયા એ તમારા નસીબ અને તમે અહીં ચ્હા પીઓ છો એ મારું નસીબ."
હવે, મારા ગુસ્સા પર પસ્તાવાનો વારો મારો હતો. મેં પેલા ભાઈને એમના આપેલા મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો તો 'યે નંબર અસ્તિત્વમે નહિ હૈ" ની કેસેટ સંભળાઈ.
મને આશ્ચર્ય થયું કે મે એમને મારો નંબર આપ્યો ત્યારે તો રીંગ વાગી હતી તો આ શું?
એ કોણ હતા?
સાક્ષાત પ્રભુજીએ જ મને મનુષ્ય સ્વરૂપે વાતોમાં બેસાડી રાખીને એ બસમાં જવાથી બચાવી લીધો એની મને શ્રધ્ધા છે.









11
શીર્ષક - પંખ
લેખન : સ્વીટી અમિત શાહ ' અંશ '
ઇમેઇલ : sweetyshah17a@gmail.com

ઘડિયાળનો કાંટો અને હું બન્ને આઘાં પાછાં થતાં હતા. આજે હૈયે તેના આવવાનો ઉત્સાહ અદમ્ય હતો. વગર ઉત્સવે જાણે આજે મન 'ઉત્સવનો માંડવો' સજાવી બેઠું હતું. હું તેની આવવાની તૈયારીમાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે મારી જાતને તેના અસ્તિત્વમાં ઘોળી રહી હતી. જેમ ચાતક વરસાદની અમીટ રાહ જોતું હોય તેમ હું તેની રાહ જોઈ રહી હતી.
"ઝંખના.. કેટલીવાર તું તેનો રૂમ જોઈ આવી! તે એક રાતથી વધુ રોકવાની નથી."
પ્રણવે... ઝંખનાને ખુરશી પર બેસાડી કહ્યું.
"યસ, મને ખબર છે પ્રણવ... પણ આજે મારી 'પંખ' આવવાની છે! એટલે કોઈ કોમ્પ્રોમાઇઝ નહી. હું ના તને બેસવા દઈશ કે ના હું બેસીશ. જાઓ અને માર્કેટમાંથી આ લિસ્ટમાં જે લખ્યું છે તે લેતા આવો..."
"બહુ ભારે કરી લો, મારે પણ આજે સન્ડે ભૂલી જવાનો છે એમ ને! ચાલો ભાઈ હેડ કોન્સ્ટેબલ આગળ આપડું ચાલે પણ શું?"
કહી પ્રણવ ઘરની બહાર નીકળ્યો.
ઝંખના, તેનાં કામમાં જોડાઈ ગઈ. ત્યાં ફોનની રીંગ વાગી! "મિસ ગૂગલ રેડી છો ને? હું આવી રહી છું."
"તું નહિ બદલાય વરસ પછી આવે છે છતાં એવીને એવી."
"બદલાય એ બીજા પંખ નહિ. હું બસ અડધો કલાકમાં પહોંચી." કોલ મુકાઈ ગયો.
"પાગલ છે." ઝંખનાના મુખ પર સ્મિત આવી ગયું. "
તેનું જ આપેલું સ્મિત. તેનાં તરફથી મળેલી જિંદગીની અમૂલ્ય ભેટ. જે હું ક્યારેય ભૂલી ના શકું. 'પંખ' સાથે મારો ના કોઈ લોહીનો સબંધ હતો. ના કોઈ નજીકનો કહેવાતો સબંધ હતો. એમ કહું તો ચાલે કેટલાંક સબંધોની કોઈ ગાંઠ નથી હોતી છતાં તે ગાઢ હોય છે."
"હાય આન્ટી! મારું નામ રેક્સ." તેને પ્રથમ વાર જોઈ બાકી ફોન પર વાત થઈ હતી. તે આજથી મારે ત્યાં પી. જી. તરીકે આવવાની હતી. હું તેનો દિદાર જોઈને સહેજ અકળાઈ ગઈ. મનમાં બબડી, આ છે! મારી આંખોમાં તે ખૂંચી. તેની સાથે એક વર્ષનો કોન્ટ્રાકટ થઈ ગયો હતો હવે શું?
મનને મનાવી તેને રૂમ બતાવ્યો. મેં કડકાઇથી તેને કહ્યું, "આ અહીંના રૂલ્સનું લીસ્ટ છે વાંચી લેજે." તેને બિન્દાસ્ત કહ્યું."ઓકે , થેંક્યુ આંટી." એણે તેનો સામાન જે રીતે ફેંક્યો તે મને ના ગમ્યું!
"પ્રણવ, તું કોને પી.જી. તરીકે લઈ આવ્યો છે. જરા તપાસ તો કરવી હતી. આ છોકરી મને જરાકે ગમી નથી."
"તારે ક્યાં તેની સાથે કાયમ માટે રહેવાનું છે. ઝંખું, થોડીક શાંત થા."
"અંકલ... આન્ટી... હું તમારી સાથે ડિનરમાં જોઇન્ટ થઈ શકું?
તેને ઝંખના સામે જોયું! તેને કોઈ જવાબ ન આપ્યો. પછી મેં જ કહ્યું,"હા, આવને બેટા...ડીનર કરતાં તેને ઝંખના સામે જોતાં કહ્યું,"આન્ટી, હું તમને નથી ગમતી લાગતી રાઈટ..? એટલે તમે મને ઈગનોર કરી રહ્યા છો. પરંતુ, હું જેવી છું એવી તમારી સામે છું. તમને મારી અલગ ઈમેજ બતાવવી શું કામ?"
હું એકીટશે તેની સામે જોઈ રહી
અને મને મારી કુહૂ, યાદ આવી ગઈ. તે પણ આટલી જ સ્પષ્ટ..મારી આંખોમાં ભીનાશ ઉતરી ગઈ. તે મારી ભીનાશને સમજી તો ના શકી પરંતુ તેને મને 'સોરી' જરૂર કહી દીધું.
કયા કારણથી મને તેના પ્રત્યે અણગમો હતો એનાથી હું પણ અજાણ હતી. ક્યારેક વિચારતી કેમ શું કામ તેની પાછળ જ પડી ગઈ છું?
હું પ્રાય તેનો રૂમ ચેક કરવા તેના રૂમમાં ગઈ. એનો રૂમ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો.
"ઓય છોકરી, આમ રૂમ અસ્તવ્યસ્ત નહિ ચાલે. તારે તારું અમુક કામ તારી જાતે જ કરવું પડશે." અને હું બબડી,"પાછાં તમે અત્યારની જનરેશનને ઇન્ડીપેન્ડન્ટ કહો છો. કેવી રીતે? ત્યાર બાદ તેની ખાવાની ,આવવાની, પહેરવાની, રહેવાની બધી જ બાબતમાં હું તેને ટોક્યા કરતી. અને તે એટલું જ કહેતી 'હું પ્રયત્ન કરીશ." હું પણ ક્યાંક તેનાં વ્યક્તિત્વથી આકર્ષિત હતી. તેને જે કરવું હોય તેના માટે તે સ્પષ્ટ હતી. મનની નિખાલસ. ફૂલ જેવી મોહરાયેલી,નખરાળી. ક્યાંક અટવાઈ જતી તો બિન્દાસ્ત એક મિત્રની જેમ મારી પાસે આવીને પૂછતી આમ કેમ? એ મને પણ શીખવાડતી મિસ ગૂગલ. આમ નહિ આમ હું અંદરથી ખીજતી. પરંતુ પછી હું મનોમન તેને બિરદાવતી.
મને યાદ છે મારી બર્થડે હતી ત્યારે મારા માટે મસ્ત ડ્રેસ ગીફ્ટમાં એ લાવી હતી મને પરાણે પહેરાવ્યો હતો. ત્યારે તે મને નહિ મારા મનને શણગારી રહી હતી. મારામાં જિંદગીની પિપાસા જગાવી રહી હતી. મારી અને પ્રણવ સાથે તેણે ઘણો સમય વિતાવ્યો હતો ને મેં તેને અચાનક 'પંખ' કહીને બોલાવવાનું શરૂ કર્યું. ઘણા સમય પછી મારી જમીનને ખુલ્લા આકાશની અનુભૂતિ થઈ હતી. જેમાં એક વ્હાલભરી આશા હતી. એક અવ્યક્ત આભાર મારી આંખોમાં અને આત્મીયતા ઊમટી આવી. હું પણ તેણી સામે આજે
સાંજ બનીને ઢળી ગઈ એક મિત્રની જેમ. "કુહૂ જ્યારે અમને છોડીને ગઈ ત્યાર પછી પહેલીવાર હું આજે મારા મનમાં ઉગતા સૂરજે આથમી શકી બેટા." મેં પંખને કહ્યું,
તે મારી સામે આશ્ચર્ય સહ જોઈ રહી...
'મારી કુહૂ... અમને છોડીને જતી રહી. હું તેને આમ જ રોકતી ટોકતી તારી જેમ જ.
તેને તે તેની લાઇફમાં અમારી ઇન્ટરફિયર સમજી બેઠી. અમારાં માટે એકબીજાને સમજવું મુશ્કેલ થઈ ગયું. ના એ મારા માતૃત્વને સમજી, ના હું એનાં સમયનાં દોર ને.. ને લાગણીઓમાં ઘાવ લાગ્યાં. તે અમને છોડીને જતી રહી પણ આજે મને ડંખે છે કે મેં તેની સાથે મિત્રતા કેમ ના સાધી?
અને ઝંખનાની આંખોમાં શ્રાવણ ભાદરવો આવી ગયો.
"આન્ટી, ટુડે યુ લુક લાઈક મિસ ઈન્ડિયા. તમારી આંખોને આમ ખરાબ ન કરો."
મને હસવું આવ્યું. પંખે 'વાતાવરણ હળવું કર્યું.
ત્યારબાદ પંખે જે કર્યું. અકલ્પનીય હતું.
અચાનક કુહૂને ઘરે આવેલી જોઈ હું અને પ્રણવ ડઘાઈ ગયાં. ખુશીના માર્યા અવાક્ થઈ ગયાં. એ રાત્રે, મારી અને કુહૂ વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ. તેનો માત્ર અને માત્ર શ્રેય પંખને જ જતો હતો. તેને મારી બીજી દિકરી કહો, મારી મિત્ર કહો. કે મારી 'અંગત ડાયરીનું જીવંત પાત્ર કહો ...
"હાય, મિસ ગૂગલ હાઉ આર યુ?"
તે મને ભેટી પડી લગભગ મને ઢંઢોળી કાઢી.
મેં પણ વ્હાલભર્યા ચુંબનોની વર્ષા કરી દીધી. આવડી નાનકડી મારી પંખે મને ઉડતા શીખવાડ્યું."
'"મારી ગૂગલ આન્ટી જેને મને રસ્તાની સમજ આપી." ને અમે
બંને જણાં એક સાથે ગીત ગાવા લાગ્યાં.
"તેરા સાથ હૈ તો મુજે ક્યાં કમી હૈ?"


















12

શીર્ષક : અભિજીતા
લેખન : અનિરુદ્ધ ઠક્કર ' આગંતુક '

પાછલાં પાંત્રીસેક વર્ષથી એકાકી જીવન અને એમાંય છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત જીવન જીવતી હોવાથી હું નિયમિત સાંજે આ બગીચામાં બેસવા આવું છું. અહીં મને અવનવા સ્ત્રી-પુરુષો, બાળકો અને યુવક-યુવતીઓ જોવા મળે છે. સમય પસાર કરવા માટે અહીં આવીને બેસવું મારા મનને થોડીક રાહત આપે છે.
આજે હું બેઠી હતી તે બેન્ચની બિલકુલ પાછળની બેન્ચ પર બેઠેલાં યુવક-યુવતી વાતો કરી રહ્યાં હતાં. મને તેમની વાતો સંભળાઈ રહી હતી. તેમની વાતચીત પરથી મને તેમનાં નામ ખ્યાલ આવ્યાં હતાં.
છોકરીનું નામ લીચી અને છોકરાનું નામ નૈઋત્ય હતું.
બંને પ્રેમીઓ હતાં, પણ અત્યારે ઝગડી રહ્યાં હતાં.
નૈઋત્ય બોલ્યો,"હવે મારે કોઈ ચર્ચા નથી કરવી. આ ચર્ચાઓનો કોઈ અંત નથી."
લીચીએ વળતો જવાબ આપ્યો,"વાહ, હું કંઈક પૂછું એટલે આ જ જવાબ? હેં ને?"
નૈઋત્યએ વળતો ખુલાસો કર્યો,"કેમ કે મારા સવાલોને તું તારા પરનો મારો અવિશ્વાસ સમજે છે અને તું મને જે સવાલો કરે છે તેના જવાબો હું પહેલાં પણ સો વાર આપી ચૂક્યો છું."
લીચી વધુ એક ફરિયાદ કરતાં બોલી,"તમારા જવાબો બાદ પણ મને તે બધું યાદ આવે છે તો ફરી ફરીને પૂછું જ ને! અને રહી વાત તમે મને પૂછો છો તે સવાલોની...તો તમારા એ સવાલો મને દુઃખી કરે છે, પરેશાન કરે છે."
નૈઋત્યનો ત્વરિત વળતો જવાબ,"અને મને તારું વર્તન...!"
લીચીએ જવાબ વાળ્યો,"હવે, નવું વર્ષ આવી રહ્યું છે. શું આપણે એકબીજાને આમ જ શુભેચ્છાઓ આપીશું? ઝગડીને..?"
નૈઋત્ય બોલ્યો,"વર્ષ નવું આવશે પણ આપણે જૂનાં છીએ. આપણાં મનનાં વિષયો, વૃત્તિઓ અને આદતો...બધું જ જૂનું!"
લીચી ઉદાસીનતા સાથે બોલી,"ઓહ..! તો શું એ બાબતો કયારેય નહીં બદલાય?"
નૈઋત્યએ પોતાની ઉદાસીનો પડઘો પાડતો હોય એ રીતે જવાબ આપતા કહ્યું,"માત્ર કેલેન્ડર બદલવાથી તો ના જ બદલાય ને?"
ખૂબ જ અકળામણ સાથે લીચી બોલી,"આ સ્થિતિ બદલાવાની ના હોય અને આપણે હંમેશા ઝગડા જ થવાના હોય તો તમને નથી લાગતું કે આપણે એકબીજાને સમજવા માટે અલગ થઈ જવું જોઈએ?"
નૈઋત્યએ ભારે અવાજે કહ્યું,"ભલે! તું કહે તો એય મને કબૂલ, પણ..આપણે એકબીજાને નહીં, પોતાની જાતને જાણવાની જરૂર છે!"
લીચીએ થોડાક ગુસ્સામાં જવાબ આપ્યો,"ઓહ...! મતલબ કે તૈયાર જ હતો ને? છુટા પડવા માટે?"
નૈઋત્યએ અકળાઈને કહ્યું,"હું તૈયાર હતો એમ? પણ સારું.., તને એમ લાગતું હોય તો એમ સમજ. અન્યથા સાચું કહું તો આ છૂટા પડવું નરી બનાવટ છે. મુલાકાતોમાં રોક લાગી શકે, અન્યથા આ બધાં મનનાં વિષયો.. મનમાંથી કોઈને કોઈપણ કયારેય ક્યાં નીકાળી શક્યું છે?"
લીચી જીદમાં બોલી,"હા.. સાચી વાત. મનથી કોઈ એકલું ના રહી શકે, પણ તો પછી હવે આપણી મુલાકાતોમાંય રોક જ રહેશે હો ને? એમ પણ એ મુલાકાતોમાં અંતે મને શું મળતું હતું? હૃદયને વીંધતા સવાલો અને મનને અકળાવી મૂકતી તર્ક વિનાની દલીલો?"
નૈઋત્ય બોલ્યો,"એ તો આપણે શું મેળવવા નીકળીએ તેના પર નિર્ભર. હું સ્નેહ-સાંનિધ્ય માટે મળતો ને મને અનહદ આનંદ આવતો, પણ એ ચર્ચા હવે અસ્થાને છે!"
લીચી બોલી, "હા, હવે કોઈ જ ચર્ચા નહીં. કેમ કે સાચે જ તેનો અંત નથી. હવે હું જાઉં છું, પણ એક સવાલ...આ નિર્ણય ગુસ્સામાં તો નથી ને?"
નૈઋત્યનો એકાક્ષરી જવાબ હતો,"ના"
લીચીએ ટૂંકો પણ અસરકારક સવાલ પૂછ્યો,"મારા સમ?"
નૈઋત્યએ જવાબ આપ્યો,"સાચું બોલવા ગીતા પર હાથ મૂકવાની કે સમ ખાવાની મારે જરૂર પડતી નથી એ તો તું જાણે જ છે ને!"
લીચીએ બીજો સવાલ કર્યો,"તો આપણે હવે કયારે મળીશું?"
નૈઋત્યએ જવાબ વાળ્યો,"જયારે આપણને સમજાશે કે આપણે સાચે જ શું ખોયું છે?"
તેનો મતલબ ના સમજતા લીચીએ પૂછ્યું,"મતલબ..?"
નૈઋત્યએ સમજાવ્યું,"આપણને પશ્ચાતાપ થશે ત્યારે..અફસોસ થશે ત્યારે..જયારે આપણાં મન મળશે ત્યારે..એકબીજા માટે આદર અને સન્માન થશે ત્યારે.., તને સન્માન સમજાય?
લીચી બોલી,"તો હું જાઉં છું, પણ હજુ એક સવાલ.. અલગ રહીને આપણાં આ હાલના સંબંધના કોઈ નિયમો પાળવાના?"
નૈઋત્યએ કહ્યું,"એ અધિકારો, નિયમો તો તને અને મને ગૂંગળાવતાં હતાં પછી એ શું કામ પાળવાનાં?"

લીચીએ ભારપૂર્વક પૂછ્યું,"તો હું જાઉં?"
નૈઋત્યએ સ્વસ્થતાથી કહ્યું,"હા, મન પર ભાર રાખ્યા વિના જા..!"
લીચી બોલી,"જઈ રહી છું, પણ...હું તમારા સંદેશની રાહ જોઇશ."
નૈઋત્યએ જવાબ આપ્યો,"વહેવાનું રાખજે. સ્થિર ના રહેતી. સ્વવિકાસ કરજે."
લીચીએ કહ્યું,"તમે પણ..તમારું ધ્યાન રાખજો. હવે હું જાઉં છું, પણ યાદ રાખજો. તમે પહેલા બોલાવશો તો જ હું પાછી આવીશ!"
નૈઋત્યએ જવાબ આપ્યો,"આવું જ કંઈક હું પણ કહું છું. હું પણ ત્યારે જ આવીશ જયારે તું બોલાવીશ."
આવું બોલી એ કપલે પોતાની વાત પૂરી કરી.
ત્યાર બાદ...
એ યુવક યુવતી બગીચાના બે વિરુધ્ધ ગેટથી બહાર નીકળી ગયાં.

હું ઉભી થઈને બગીચાનાં છેલ્લા ખૂણે આવેલાં કણઝીના એક ઝાડ પાસે ગ‌ઈ. એ ઝાડ પર ખોતરાયેલા અને હવે આછાં આછાં દેખાતાં બે નામને મારા હાથની આંગળીઓ વડે પંપાળી રહી. હૃદયના આંસુ આંખ સુધી આવવા લાગ્યાં. સોનેરી ફ્રેમવાળા ચશ્મા પાછળની મારી ઘેરી આંખોને આંસુઓથી મુક્ત કરીને મેં ઊંડો શ્વાસ લીધો.
પછી હું બગીચાના ગેટ તરફ પાછાં વળતાં વિચારી રહી,"ચાલીસ વર્ષ પહેલાં આવી જ કોઈક ચર્ચાના અંતે પોતે પણ કોઈકથી અલગ થઈ હતી. પછી પોતે ના વહી શકી કે ના જનાર્દન પાછો આવ્યો. તેને પુરુષ સહજ અભિમાન હતું તો હું મારા રૂપ અને જ્ઞાન પર મુસ્તાક હતી. કાશ..! અમારા બંનેમાંથી કોઈ એકજણ પશ્ચાતાપની આગમાં શેકાઈને પાછું વળ્યું હોત! પણ હકીકત એ હતી કે તે વખતે યુવાનીના જોશમાં ના પોતે પાછી વળી હતી કે ના જનાર્દન પરત આવ્યો હતો. એવું નથી કે આપણને કોઈનો પ્રેમ નથી જોઈતો, પણ હકીકત એ છે કે આપણે પ્રેમ વિના જીવતા શીખી જઈએ છીએ. આપણું આ શીખી જવું જ ધીમે ધીમે આપણને ખૂબ કઠોર બનાવી દે છે. હું સ્વવિકાસ તો ના સાધી શકી. પણ હા.., અધૂરાં અને ખાલીપાથી ભરેલાં મારા વર્ષોનો વિકાસ થઇ રહ્યો હતો. એમ જ વિચારો કરતી હું મારા ઘેર પહોંચી. ઘર પરની નેઇમ પ્લેટ પર મારું નામ લખેલું હતું. 'અભિજીતા વ્યાસ '.
મેં નેઇમ પ્લેટ પર હાથ ફેરવ્યો.
કાશ...! હું થોડીક પાછી વળી હોત...! તો આ પ્લેટ 'અભિજીતા જનાર્દન વ્યાસ'ના નામની હોત!
એ નેઇમ પ્લેટ પર અભિજીતા અને વ્યાસ શબ્દ વચ્ચે રહેલી જગ્યાનો ખાલીપો મારા હૃદયમાં ઊભરાઈ રહ્યો. સમગ્ર વાતાવરણ ઉદાસીન બની ગયું. હું મારી જાત પર કટાક્ષપૂર્ણ રીતે હસી રહી હતી. શું હું સાચા અર્થમાં અભિજીતા હતી? કારણ કે.. અભિજીતાનો અર્થ થાય છે વિજયી સ્ત્રી. જયારે હું મારૂં સમગ્ર જીવન હારી ચૂકી હતી. મારી યુવાની, મારો હર્ષ, મારો ઉલ્લાસ, આનંદ અને ઇવન મારી સમગ્ર ઊર્જા હારી ચૂકી હતી. સંબંધોમાં સૌથી મોટી ખોટ હોય છે એકબીજાના સમ ખાવાનો પણ અધિકાર ખોઈ નાખવો...!!!







13
શીર્ષક : આઝાદીની હવા
લેખન : નંદિની શાહ મહેતા

આજકાલ મોટી મોટી રાજકીય પાર્ટીઓ અનેક કરતબો થકી જનતાને ઉલ્લુ બનાવવાની મજા માણતી થઈ ગઈ છે. પાર્ટીનું નેતૃત્વ કરતા ખુદનું માર્કેટિંગ વધુ કરે, પોતાની 'વાહ -વાહ ' મેળવે.

રાજકારણની ઐસી કી તૈસી કરીને ધોબીપછાડની રમત રમવાની. મોડેલ તો કોઈપણ રાજ્યને બનાવી શકાય. અલગ અલગ રેપર લગાવીને જાદુઈ સ્પર્શ આપે જવાનો!

આ વખતે તો આમને-સામને અઠંગ ખેલૈયાઓ જાદુની સાથે સાથે કુસ્તીના દાવ રમવા તૈયાર થઈ ગયા. ચૂંટણી ઓછીને જનતાની સમક્ષ ભડાસ વધુ ઓકતા થઈ ગયા છે. આક્ષેપોની ભરમારની જોડે જોડે સોશિયલ મીડિયામાં પણ ઝેર રેડાતું.

બુઠ્ઠાં ચપ્પુ પર ધારદાર જુઠ્ઠાણાં થકી 'કરો યા મરો' ના નારા સાથે આગળ વધો ને સાથે સાથે વિકાસની વિનાશરૂપી વાતો. અરે, વાતોના વડાં જ કહો ને!

જાદુગરીભરી કારીગરીથી અંજાઈને દેશપ્રેમના નામે જોડાયેલાં કાર્યકરોને ખબર જ નથી હોતી કે ક્યારે એમની નિર્દોષતા દેશપ્રેમની ભાવનાનો ભોગ લેવાઈ જાય છે!

એ લોકો તો બસ ઘેટાંની જેમ... અરે.. ના.. ના.. ટ્વિટરના જમાનામાં એકાબીજાનું બસ આંધળું અનુકરણ કરતાં હોય એવું જ કહી શકાય! એક સભ્ય ભાષામાં - આવું જ એક પ્યાદું એટલે હું.

હું એટલે વિશ્વાસ મજુમદાર. પોતાની જાતને એક રાજકારણી સમજતો ને બીજા બધાંને પ્યાદાં માનીને રમત રમતો. લોકોને નિતનવી તરકીબોથી મારા જ નિયંત્રણમાં રાખવાની મને આદત પડી ગઈ હતી. ઘરમાંથી બહાર નીકળીને સોસાયટી, પછી વોર્ડ... અપેક્ષાઓનો ક્યાં કોઈ અંત હોય છે? સીડી ચઢવાની જગ્યાએ ફલાંગો ભરતાં ખ્યાલ જ ન રહ્યો કે, હું કેટલી ઘાતક દિશા તરફ આગળ વધી રહ્યો છું.

જીતના નશા સાથે-સાથે રોજ અખબારમાં ચર્ચામાં રહેવું પોતાના અહંકારને પોષવાનું ને કાન થકી પ્રશંસાની મદિરા પીવાનો નશો થઈ ગયો હતો. આ નશો એને કઈ દિશાએ લ‌ઇ જશે એનો અંદાજો જરા પણ નહતો. હું ક્યારે બીજાની રાજરમતનો પ્યાદું બની ગયો એની ખબર જ ના રહી !

અને હવે જ્યારે આંખો ખુલી છે, ત્યારે 5 × 5 ની ગંધાતી ઓરડીમાં પડ્યો રહ્યો છું કે ફેંકવામાં આવ્યો છું. થોડાં-થોડાં સમયે ધોધમાર ઢોરમાર પડતો હોવા છતાં હું ટકી ગયો છું. નવાઈની વાત છે ને! ક્યારેક તો એટલી નિર્બળતા આવી જતી કે, કુદરતી હાજત પણ થઈ જતુ. એ વાસ પણ હવે શ્વાસ બની ગ‌ઈ હતી.

હવે, વિશ્વાસ મજુમદાર નહીં, કેદી નંબર 945 બનીને રહી ગયો. કોઈની રાજરમતનું પ્યાદું બન્યો. એનું આ ફળ મળ્યું. છેલ્લાં 5 વર્ષથી તારીખ પર તારીખ મળ્યાં કરતી હવે આશ પણ નથી કે, ખુલ્લી હવામાં શ્વાસ લેવો એ માત્ર સપનું જ બની ગયું.

આજે ઘણાં દિવસો પછી બે કેદીઓના સહારે બહાર આવ્યો. જેલની વચ્ચે એક મોટું લીમડાનું ઝાડ, એની ગોળ ફરતે ઓટલો બનાવ્યો હતો. જ્યાં બેસીને આખી જેલ દેખાય. ત્યાં જ મને થડના ટેકે બેસાડ્યો. જેથી આખી જેલ જોઈ શકું.

ટેકે બેસી મને હાશ થઈ ને પછી પાછો હું હસી પડયો. મનમાં વિચારતો હતો કે ટેકા વગર તો જીવન અશક્ય છે. ટેકો... એ વિચારતા હું ફરીથી હસી પડયો. મને હસતો જોઈ બીજા કેદીઓ પણ ખુશ થઈ ગયા ને પોતપોતાના કામમાં લાગી ગયા.

જેલના સુપરવાઈઝરે મને આજનું અખબાર વાંચવા આપ્યું. ધ્રુજતાં હાથે અખબાર હાથમાં તો લીધું પણ હેડલાઈન વાંચતા જ ગુસ્સો આવ્યો ને અખબારને ફાડી નાંખ્યું. ફાડીને ફેંકેલા અખબાર પર થૂંકીને ગુસ્સાથી હું બોલ્યો,"રાજકારણની ખરબચડી જમીનને લીસી કરવા માટે મારો એક રોડાં તરીકે ઉપયોગ કરીને એ આજે દેશના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ફરીથી એ જ ભરમાવાની રાજરમત, ઠાલાં વચનો સાથે પ્રશંસાના જામ ઢળી રહ્યાં છે." અને પોતે કેદી નંબર 945 બનીને રહી ગયો.

આ તો સારું હતું કે શ્રદ્ધા, બા-બાપુજી તથા આદર્શને અમેરિકા ભાઈના ઘરે મોકલી દીધાં હતાં. નહી તો.. અત્યારે મને જુએ તો જીરવી જ ના શકે!

હૃદય પર ભાર વધતો હોય એવું લાગ્યાં કરતું હતું. એક્દમ જ થડને ટેકવી બેઠેલો હું ઢળી પડ્યો. સુપરવાઈઝરની નજર પડતાં જ ફરીથી મને ટેકવીને બેસાડ્યો. એમણે ડૉક્ટરને ફોન કરીને બોલાવી દીધાં. મેં બે હાથ જોડીને સુપરવાઈઝરને કીધું," મારા સામાનમાં મારા ફેમીલીનો ફોટો છે એ લાવી આપો..ને!"

ત્યાં જ ડૉક્ટર આવ્યા ચેક અપ કરીને ઈન્જેક્શન આપ્યું. દવા આપવા માટે બેગમાંથી બોટલ કાઢે ત્યાં જ ચૂપકીદીથી મેં સિરિન્જને મારા લેંઘામાં છુપાવી દીધી. ફરીથી કેદીઓના સહારે મારી કોટડીમાં ગયો.

ફોટો હાથમાં લઈને હું ખૂબ રડ્યો ને ચૂમી લીધો. ફોટાને છાતીસરસો ચાંપીને લેંઘામાંથી છુપાવેલી ઈન્જેક્શનની સિરિન્જ બહાર કાઢી. સિરિન્જમાં આઝાદીની હવા ભરીને એક ઊંડા શ્વાસ સાથે આંખો બંધ કરીને ભોંકી દીધું ઈન્જેકશન!

ને..અર્ધખૂલી આંખોએ કોટડીની ઉપર તરફની 3 સળિયાવાળી બારીની બહાર ઊડતાં પંખીઓની પાંખોના ફફડાટને અનિમેષ જોતો જ રહ્યો.