પ્રકાશક પેજ -ઇ મેગેઝીન
આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના
'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક - ૭
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'
ભરુચ
મો: 7405544547
એડિટર ટીમ:
નિષ્ઠા વછરાજાની
સેજલ શાહ 'સાંજ'
ઝરણા રાજા 'ઝારા'
ગ્રાફિક્સ : ઝરણા રાજા 'ઝારા'
ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.
સંપાદકની કલમે✍️
નમસ્કાર મિત્રો,
*વાર્તાવિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયયિકનો સપ્ત અંક સાથે સૌ વાચકોનું સ્વાગત છે. આ અંકના વિષયો ખૂબ અનોખા અને પડકારજનક હતાં.આધ્યાત્મિક, તત્વજ્ઞાન, રહસ્ય, પૌરાણિક દેવસ્થાનોના ઇતિહાસ સાથેની વાર્તાઓ. સર્જકોએ તે સરસ કોશિશ કરી નિભાવ્યાં તેનો મને રાજીપો. આશા છે વાચકોને આ પ્રયોગ પણ જરૂર ગમશે.
આપ સૌના મુલ્યવાન પ્રતિભાવો કલમને બળ આપે છે. મેગેઝીન વિવિધ વિષયો સાથે આપ સામે પ્રગટ કરવાનું કારણ આપે છે.એ માટે સૌ વાચકોનો આભાર..
સૌ સર્જકોને અભિનંદન.
અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7984738035
પ્રસ્તાવના :-
એક બાળકને આંગળી પકડી ચલાવવાનું કામ કરતું ઈ-મેગેઝીન એટલે "વાર્તા વિશ્વ" હવે તો બાળકને પુખ્તતા સુધી પહોંચાડી રહેવાનું કામ કરતું આ વાર્તા વિશ્વ મેગેઝીન, તેમાં કામ સંભાળતાં સંપાદક શ્રી અને તેમને ટેકો આપી ઈ મેગેઝીનનું કાર્ય સંભાળતી એડમીનટીમ ખરેખર પ્રોસ્તાહક કાર્ય કરી રહી છે. નવા નવા વિષય આપી લેખકોને પ્રોત્સાહન આપી લેખકની રચના ચાળી અને વાચક સુધી શ્રેષ્ઠ કૃતિ પહોચાડવાની કોશિશ અને દર મહિને વાર્તા વિશ્વનો નવો અંક બહાર પાડવો એ એક ગજાનું કામ છે. તેમની વાર્તા સ્વરૂપ કેમ કરતાં આપવું થી માંડી વાર્તા કેમ રચાય તે શું મા સરસ્વતીની આરાધના નથી! બસ આવી જ આરાધનાનો યજ્ઞ સતત ચાલુ રહે તેવી મારી શુભેચ્છા.
સ્વાતિ મુકેશ શાહ
અનુક્રમણિકા
1 દ્રશ્ય - અદ્રશ્ય - ચિરાગ કે બક્ષી
2 વામનથી વિરાટ - હિમાંશુ ભારતીય
3 ખજાનાની શોધ - અર્ચિતા દીપક પંડ્યા
4 નૃત્ય એક આરાધના - કૌશિકા દેસાઈ
5 પ્રેયથી શ્રેય તરફ પગરણ - ઋતુંભરા છાયા
6 રહસ્ય - વૃંદા પંડ્યા
7 મૃત્યુનું રહસ્ય - નિષ્ઠા વછરાજાની
8 કુંભનદાસ - સેજલ શાહ ' સાંજ '( સત્ય ઘટના )
9 પરાસ્ત નાસ્તિકતા - રસિક દવે
10 નરસિંહ - કૃષ્ણ સંવાદે જીવનયોગ - શૈલી પટેલ
11 રૂપજીવીની - રીટા મેકવાન ' પલ '
12 હું કોણ? - સ્વીટી અમિત શાહ ' અંશ '
1
શીર્ષક : દ્રશ્ય - અદ્રશ્ય
લેખન : ચિરાગ કે બક્ષી
પ્રાચીન સમયમાં ગુરુઆશ્રમ જ્ઞાનની આપ-લેનું સ્થાન હતું. પરીક્ષાલક્ષી જ્ઞાનનું ચલણ એ વખતે શરું થયું નહોતું. શિષ્યો ગુરુજી પાસે જ્ઞાન લેવા ગુરુના આશ્રમમાં જતાં હતાં. શિષ્યોનો આશ્રમમાં રહેવાનો સમય નક્કી નહોતો. જ્ઞાન પ્રાપ્ત કરીને ગુરુજીની કસોટીમાંથી પાર ઊતર્યા બાદ જ જ્ઞાનસત્ર સમાપ્ત થતું હતું. ગુરુજીની કસોટી પણ આકરી રહેતી કારણકે જે વિષયમાં શિષ્યે પારંગતતા મેળવવી હોય એ વિષય આશ્રમનો ત્યાગ કર્યા પછી એક નિષ્ણાત તરીકે એણે નિભાવવાનો રહેતો. ગુરુજી જ્ઞાનસત્રને અંતે શિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દક્ષિણા ગ્રહણ કરતા. જ્ઞાનસત્રમાં એક વિષયમાં પારંગતતા મળતી બાકી આશ્રમના નિયમ પ્રમાણે જ્ઞાન તો બધાં જ વિષયોનું લેવું પડતું.
સૂરપ્રભાત ગુરુજીના આશ્રમમાં શિષ્યગણનું જ્ઞાનસત્ર શરું થવાની તૈયારીમાં હતું. શિષ્યોએ સ્વચ્છ તન અને નિર્મળ મન સાથે સ્થાન ગ્રહણ કર્યું હતું. શરૂઆતનાં થોડાં દિવસો પરિચય કેળવવામાં ગયાં. ગુરુ ને શિષ્ય એકબીજાને ઓળખે એ જ્ઞાન વિનિમય માટે અતિ આવશ્યક છે એવું સૂરપ્રભાત ગુરુજી દ્રઢપણે માનતા હતા. દૂર સુદૂરથી શિષ્યો આવ્યા હતા. કેટલાંક મોટા નગરમાંથી આવ્યા હતા તો કેટલાક નાના ગામમાંથી આવ્યા હતા.
ગુરુજીની જ્ઞાનની વાતો શિષ્યગણ ખૂબ ધ્યાનથી ગ્રહણ કરવાનો પ્રયત્ન કરતા હતા. ગુરુજીનું ધ્યાન બધાં જ શિષ્યો ઉપર હતું અને એ પ્રમાણે શિષ્યોને ઉદ્દેશીને સંવાદ પણ કરતા હતા. શિષ્યોનો પ્રતિભાવ ગુરુજીને પ્રિય હતો એટલે ગુરુજી પ્રતિભાવનો આગ્રહ રાખતા અને શિષ્યો પણ થોડા સંકોચ અને લજ્જા સાથે પોતાનો પ્રતિભાવ આપતા.
ધીરે ધીરે ગુરુજી અને શિષ્યો વચ્ચે સંકોચ ઓગળતો ગયો અને નિકટતા આવી ગઈ હતી. કેટલાંક શિષ્યો તો ગુરુજીને પિતા સમાન સ્થાન આપીને પૂજનીય ભાવે નિયમિત રૂપે વંદન કરતા અને જેટલું વધારે જ્ઞાન મેળવાય એટલું સારું એ સિદ્ધાંત સાથે જ્ઞાન ગ્રહણ કરવાની પ્રક્રિયા ચાલતી હતી.
થોડાં શિષ્યો ધનુષ્ય વિદ્યા શીખતા તો કેટલાક ધર્મગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરતા. કેટલાંક શિષ્યો પાકશાસ્ત્રમાં પારંગતતા મેળવવા આવ્યા હતા તો એમને પાકશાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન અપાતું પણ બધાં જ શિષ્યો માટે
ધર્મજ્ઞાન લેવું ફરજિયાત હતું. શિષ્યગણ સઘળું જ્ઞાન ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રહણ કરતા. શિષ્યગણ ખુશ હતો. ગુરુજી પણ અતિ પ્રસન્ન હતા. એમના મતે આ શિષ્યગણની સાથે થતો જ્ઞાન વિનિમય એક યજ્ઞથી ઓછો નહોતો.
વસંત ઋતુથી શરું થયેલાં આ જ્ઞાનસત્રની જોતજોતામાં બે ઋતુઓ પૂરી થઈ ગઈ હતી. વર્ષાઋતુનું આગમન થઈ ચૂકયું હતું અને થોડાં જ સમયમાં આ જ્ઞાનસત્ર સમાપ્ત થવાનું હતું. એ વાતથી ગુરુજી થોડાં વિચલિત હતા તો શિષ્યગણ વધારે વ્યગ્ર હતો.
કસોટીનો સમય આવી ગયો હતો. શિષ્યગણ કમર કસતા હતા અને એ જોઈને ગુરુજી પણ કસોટીની ધાર આકરી કરતા દેખાતા હતા.
કસોટીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો હતો. કસોટી કેવી હશે એની કોઈને કાંઈ ખબર નહોતી. ગુરુજી પણ સ્થિતપ્રજ્ઞ ભાવે એમના સ્થાન ઉપર બિરાજમાન હતા. શિષ્યગણ કસોટી શરૂ થવાની રાહ જોતો હતો. ઉત્સુકતા વધી રહી હતી. સ્વગૃહે જઈને પારંગતતાનો કઈ રીતે જનકલ્યાણ માટે ઉપયોગ કરવો એ વાતે શિષ્યગણ ચર્ચાએ ચઢ્યો હતો.
આખરે ગુરુજીએ યોગ્ય મુહૂર્ત પ્રમાણે ૐકારના નાદ સાથે કસોટીસત્રનો શંખનાદ કર્યો. શિષ્યો અદબ પલાંઠી વાળીને ગુરુજીના આદેશની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.
થોડા મંત્રોચ્ચાર પછી ગુરુજી શિષ્યગણ સાથે સંવાદ શરું કર્યો. "મારા પ્રિય ગુણી શિષ્યગણ, આપ સૌને ખૂબ ગંભીરતાથી જ્ઞાન ગ્રહણ કરવાની પ્રક્રિયા કરતા જોયા છે. આપ સૌની કસોટી હું સમયાંતરે લીધા જ કરતો હતો જેની કદાચ આપ સૌમાંથી કોઈને ખબર નહિ પડી હોય. આજે એક સામાન્ય કસોટી દ્વારા મારે તમારી જ્ઞાનગ્રહણ પ્રક્રિયાનું ઊંડાણ માપવું છે. અહીં દરેક શિષ્ય માટે એક ફળ રાખ્યું છે. મારી તમને સૌને આજ્ઞા છે કે આ ફળ તમે એવે ઠેકાણે જઈને આરોગીને પાછા આવો કે જ્યાં તમને કોઈ જુએ નહિ. તમારે ત્રણ ઘડી સુધીમાં ફળ આરોગીને પરત આવી જવાનું છે એ ધ્યાન રહે."
શિષ્યગણ આનંદિત થઈ ગયો કે આ તો સહેલી કસોટી હતી. બધાં જ શિષ્યોએ ફળ હાથમાં ગ્રહણ કર્યું ને ઝડપથી એવી જગ્યાની શોધમાં નીકળી પડયા કે જ્યાં એમને કોઈ જોઈ શકતું નહોતું. થોડીવારમાં તો લગભગ બધાં જ શિષ્યો દેખાતા બંધ થઈ ગયાં. કોઈએ વૃક્ષની પાછળ તો કોઈએ પથ્થરના ખડકની પાછળ તો કોઈએ નદી કિનારે ઊંડા કોતરોમાં ઊતરીને તો કોઈએ ગાયોના ધણની પાછળ સંતાઈને ફળ આરોગી લીધું. શિષ્યગણ ખુશ હતો કે સૌએ આ કસોટી સહેલાઈથી પાર કરી લીધી.
પણ …….
આ શું?
એક શિષ્ય તો એમની જગ્યા ઉપરથી ઉઠ્યાં જ નહોતા.
આવું કેમ?
અહીં તો બાકીના બધાં જ શિષ્યો ફળ આરોગીને પરત પણ આવી હતા.
ગુરુજી પણ અસમંજસમાં હતા કે આ શિષ્યના મનમાં શું ચાલતું હતું કે જેથી એ પોતાના સ્થાન ઉપર જ બેસી રહયા હતા?
ગુરુજીની ધીરજ ખૂટી ગઈ અને એમણે પૂછ્યું, "શિષ્ય રામમોહન! તમે મારી આજ્ઞા સાંભળી નહોતી કે પછી બીજી કોઈ તકલીફ છે?"
રામમોહન ગુરુજીને પ્રણામ કરીને મંદ મંદ હસ્યા. ગુરુજીના મુખારવિંદ ઉપર પ્રશ્નોની રેખાઓ ઉપસી આવી હતી.
રામમોહને કહ્યું, "ગુરુજી, આપના ચરણોમાં પ્રણામ કરીને મારે તો એક જ વાત કહેવી છે. આપે અમને કેવી મૂંઝવણમાં મૂકી દીધાં? જે વાત ક્યારેય શક્ય જ નથી એ વાતે આપે કસોટી રૂપે અમને ચકાસ્યા?
ગુરુજી હવે ખૂબ અકળાઈ ગયા. "કેમ આવું બોલો છો રામ?"
ત્યારે રામમોહન શાંતિથી બંને હાથ જોડીને ગુરુજી અને શિષ્યગણ સામે વારાફરથી જોઈને બોલ્યા,"ગુરુજી, આપે તો અમને જ્ઞાન આપ્યું છે કે ભગવાન સર્વત્ર છે. કણ કણમાં છે. હવાની દરેક લહેરમાં છે. ધરતીનાં દરેક રજકણમાં છે. સમુદ્રના પાણીના દરેક ટીપાંમાં છે. મારામાં અને આપ સૌમાં ભગવાન વસે છે અને વળી આપે ત્યારે મૂંઝવણ વધારી દીધી કે જ્યારે આપે આજ્ઞા આપી કે ફળ કોઈ જ ના જુએ એ રીતે આરોગીને પરત આવવાનું છે. ગુરુજી, આપ જ્ઞાન આપો છો કે ભગવાન બધે જ વસે છે તો એવી કઈ જગ્યા હોય કે જ્યાં ભગવાન ના હોય અને એમનાથી છુપાઈને હું કઈ જગ્યા શોધું જ્યાં જઈને હું આ ફળ આરોગી શકું? ભગવાન તો મને ફળ આરોગતો જુએ જ ને?”
ગુરુજી અને શિષ્યગણ નિઃશબ્દ થઈ ગયા. હવે મંદ મંદ હસવાનો વારો ગુરુજીનો હતો. ગુરુજીએ રામમોહનને સસ્નેહ આલિંગન આપ્યું ને શિષ્યગણને કહ્યું,"આ શિષ્યએ જ્ઞાન સાચા અર્થમાં ગ્રહણ કર્યું છે. શિષ્યો, શિક્ષણ અને જ્ઞાનમાં આ જ તફાવત છે. જ્ઞાન પચાવવાનું હોય છે અને શિક્ષણ વ્યવસાયિક જરૂરિયાત છે. હવે મને શ્રદ્ધા છે કે આપણે સૌ જ્ઞાન ગ્રહણ કરીશું અને એને માટે બીજું એક સત્ર અહીં સાથે વિતાવીશું.”
2
શીર્ષક : વામનથી વિરાટ
લેખન : હિમાંશુ ભારતીય
છપ્પાક! જોરથી એણે પત્થર નદીનાં પાણીમાં ફેંક્યો. નજીકના વૃક્ષ પર મુક્કો પણ માર્યો. વૃક્ષને કંઈ ન થયું પણ એની સુંવાળી આંગળીઓ પીડાથી વલવલી ઊઠી અને એનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. એ જોઈ આજુબાજુની વનરાઈઓ હસી પડી એટલે એનાં ગુસ્સાએ સંયમની બધી હદો પાર કરી દીધી. "તે કેમ આવ્યો નહિ હજી? આવે એટલે તેની વાત!"
અહીં રાહ જોવાઈ રહી હતી આપણા હીરોની. બધાં તેને માધો કહીને બોલાવતાં. કોઈ તેને નઠોર પણ કહેતાં. કોઈ બીજું જે સૂઝે તે નામે બોલાવતું. ટૂંકમાં, કોઈને તેનું સાચું નામ ખબર નહોતી. તેને એની પડી પણ નહોતી. તે આ ગામમાં ક્યારે અને કેવી રીતે આવેલો એ કોઈને ખબર નહોતી. એક મતાનુસાર તેના પિતાએ તેને છાબડીમાં મૂકીને નદીમાં તરતો મૂક્યો હતો અને તે આ રીતે છાબડીમાં તરતાં તરતાં અહીં આવી પહોંચ્યો હતો. તો બીજો મત એવો હતો કે તેના પિતા કે બીજું કોઈ જાતે વરસતા વરસાદમાં નદી પાર કરીને તેને અહીં મૂકી ગયું હતું. ટૂંકમાં, તે આ ગામમાં કેવી રીતે આવ્યો એ ભલે કોઈને ખબર ના હોય, તે આ ગામમાં આવી ચઢ્યો હતો એ હકીકત હતી. રંગે ઘેરો હોવા છતાં એની મોટી રમતુડી આંખો અને વાંકડિયા વાળને લીધે તે પરાણે વહાલો લાગતો. ખાસ કરીને મુખીબાપાના પત્ની જશોદાબા તો એને અછો અછો વાનાં કરતાં. આ અનાથ લાગતા બાળક પર એમને દયા કરતા વ્હાલ વધું આવતું. આપણો માધો લાગતો હતો ભોળો પણ હતો પાક્કો તોફાની. ગમે તેનાં ઘરમાં ઘૂસી ગમે તે ખાઈ લેવાની તેને કુટેવ. ઉપર મૂકેલી વસ્તુ લેવા તે તોડફોડ પણ કરી નાખતો. રસ્તે ચાલતી પનિહારીઓના માટલાં ફોડી નાખવા એને બહુ ગમતા. એક વખત તો હદ જ કરી દીધી હતી. ગામના તળાવમાં નહાતી સ્ત્રીઓના બધાં કપડાં લઈ એ ભાગી ગયો હતો. બિચારી સ્ત્રીઓએ કફોડી હાલતમાં ઘરે આવવું પડ્યું હતું. તેના આ કરતૂતથી મુખીબાપા તો ખૂબ ક્રોધે ભરાયા હતા, કિન્તુ જશોદાબાએ તેને બચાવી લીધો હતો. તેના તોફાનથી ત્રસ્ત લોકો ફરિયાદ કરી થાક્યાં હતાં. તેથી મોકો મળે તેને ઠમઠોરવાનો ઘાટ ઘડતાં. જોકે એમ હાથમાં આવે તો માધો શાનો? જેથી ઘણાં લોકોએ હાથ ઘસતાં રહી જવું પડતું.
એક દિવસ તો બહુ અજબ જ ઘટના બની. રમતી વખતે મુખીબાપાના પુત્ર બલ્લુએ જોરથી દડો ફેંક્યો. જે દૂર ખાડામાં, ઝાડીઓમાં જઈ પડયો. બલ્લુ અને માધો દડો લેવા ગયા. ત્યાં ફુંગરાયેલ ફણીધર ફેણ ચઢાવી દડા આગળ બેઠો હતો. બધાં ડરી ગયા. બસ એક ના ડર્યો આપણો હીરો. તે ધીમે રહી કાળોતરાની નજીક ગયો. કમરેથી વાંસળી કાઢી. વગાડવા માટે નહિ ભાઈ! વાંસળી તેણે નાગની સામે આમતેમ ફેરવવા માંડી. નાગ પણ વાંસળીની દિશામાં ડોલવા લાગ્યો. નાગ સાથે ત્રાટક કરતો માધો વાંસળી હલાવીને નાગને દૂર ઝાડીઓમાં મૂકી આવ્યો અને નાગ ત્યાંથી જતો રહ્યો. એ પછી તો જશોદાબાનું તેના પર હેત બમણું થઈ ગયું.
વાંસળીની વાત પરથી બીજી વાત યાદ આવી. આપણો માધો કામધંધા વગર રખડ્યા કરતો હતો એટલે ગામવાળાએ એને બધાંની ગાયો ચારવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ એક પોલો વાંસનો ટુકડો તેના હાથમાં આવ્યો. તેણે ફૂંક મારી તો સરસ મજાનો અવાજ આવ્યો. વાંસના ટુકડામાં બીજા કાણાં પાડી તેણે વાંસળી બનાવી. કેટલાંય મહિનાઓની અથાક મહેનત પછી વાંસળી બનાવવા અને વગાડવામાં તેણે મહારત મેળવી લીધી. તેની સૂરાવલીઓ સાંભળીને ગાય, ભેંસ, પશુ, પંખી, ઝાડ, પત્તા, ગામની સ્ત્રીઓની સાથે સાથે માધા પર દ્વેષ રાખનાર લોકો પણ ગાંડા થતાં.
બસ! આમ જ તે વાંસળી વગાડતો હતો ત્યાં એક યુવતી તેની બાજુમાં આવીને બેસી ગઈ. એ હતી શરૂઆતમાં જેની વાત કરી એ આપણી નાયિકા રાધા. માધા કરતા પાંચેક વર્ષ મોટી રાધાનો ખુલ્લો સ્વભાવ એનાં પતિથી સહન નહોતો થતો એટલે ઘણાં વર્ષોથી એ અહી પિયરમાં જ હતી. માધાની મોરલીની એને મોહની લાગી ગઈ. પછી તો રોજ બંને નદીકિનારે બેસતાં અને કલાકો વાતો કરતાં. રાત્રે થાક્યાંપાક્યાં લોકો થાક દૂર કરવા નાચગાનનો કાર્યક્રમ રાખતાં. ત્યાં રાધા અને માધાને સાથે નાચતાં જોઈ બધાં બસ જોઈ જ રહેતાં.
માધો વાતો મજાની કરતો. ક્યારેક એની વાતો બધાંને અનોખી લાગતી." તું જ ભગવાન છે અને તારું કામ એ જ તારી ભક્તિ છે." જેવી એની વાતોથી ગામવાસીઓ એને ચકભમ પણ માનતાં.
કાયમ હસતો અને હસાવતો રહેતો માધો એક દિવસ ગંભીર ચહેરે મુખીબાપા પાસે ગયો. "મુખીબાપા! મને લાગે છે કે આ વખતે વરસાદ બહુ જોરદાર પડવાનો છે. આપણું ગામ ડૂબી જશે." મુખીબાપાને પહેલીવાર તો તેની વાત માનવાનું મન ના થયું, પરંતુ, તેની આંખોની દ્રઢતા જોઈ મુખીબાપા વિચારમાં પડ્યા.
"કોઈ ઉપાય?" તેમના અવાજમાં ચિંતા દેખાઈ આવી.
"સામે પર્વતની ગુફાઓમાં આપણે ઢોરઢાંખર, અનાજ અને જરૂરી વસ્તુઓ લઈ જતાં રહીએ. ત્યાં પર્વતરાજ આપણી રક્ષા કરશે." કહી માધાએ પર્વત તરફ આંગળી ચીંધી.
મુખીબાપાએ તેમનું ગામ અને આજુબાજુના ગામના લોકોની પંચાયત બોલાવી અને વાત કરી. બીજા ગામવાળા તો મુખીબાપાની વાતની હાંસી ઉડાડવા માંડ્યાં. પરંતુ, મુખીબાપા મક્કમ હતા. તેમણે તેમના ગામના લોકોને સામાન બાંધી પર્વત તરફ ઉચાળા ભરવા આદેશ કર્યો. થોડાં જ દિવસોમાં ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો. પૂરનાં આવેગથી ઘેલી થયેલી નદી જાત પર સંયમ ના રાખી શકી અને ગામ તરફ ધસમસતી આવી. મોટાં ભાગની ગામની વસ્તી અને ઢોરઢાંખર તણાઈ ગયાં. સુરક્ષિત બચ્યાં તો માત્ર માધાના ગામના લોકો. પૂર ઓસરતાં ગામલોકો પાછાં આવ્યાં. પૂરે કરેલ વિનાશ જોઈ મુખીબાપા અને માધાના વિરોધીઓને પણ માધા માટે માન થઈ આવ્યું.
મુખીબાપાના મગજમાં માધો અને તેની વાતો રમવા લાગ્યાં. આ પહેલાં પણ એક વખત માધાએ તેમના આંગણામાં રહેલા બે મોટા ઝાડ કાપી નાખ્યાં હતાં. ત્યારે મુખીબાપા ખૂબ ગુસ્સે ભરાયેલા. પરંતુ, પછી તેમણે જોયું કે બંને વૃક્ષને ઉધઈએ અંદરથી પોલાં કરી નાખ્યાં હતાં. જેનાં પરિણામે આ તોતિંગ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડી નુકસાન કરી શકે તેમ હતાં. પરંતુ, માધાની સમયસૂચક્તાથી નુકસાન થતાં રહી ગયું હતું. બીજી એકવાર માધાએ ગાડાનું પૈડું તોડી નાખ્યું હતું. મુખીબાપાએ જોયું હતું કે એ ગાડાનાં બળદનાં ગળે છોલાયું હતું અને જો તેઓ ગાડું લઈને નીકળ્યાં હોત તો એ બળદ રસ્તામાં જ મૃત્યુ પામ્યો હોત! આવાં તો ઘણાં પરાક્રમો માધાએ કર્યા હતાં. આમ ગાંડો લાગતો માધો ઘણો હોંશિયાર હતો. મુખીબાપા હસ્યા અને એક નિશ્ચય કરી લીધો.
માધાની સલાહ માનીને જ મુખીબાપાએ રાજાને દાણ ચૂકવવાનું બંધ કર્યું અને તે પૈસા અને અનાજ ગામના ઉધ્ધાર માટે વાપરવાનું ચાલુ કર્યું. ગિન્નાયેલા રાજાએ તેમને મળવા બોલાવ્યા પરંતુ ગામમાં પાછું તેમનું આત્મા વગરનું શરીર જ આવ્યું. આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ.
સાંભળેલી વાતોને કારણે રાધા થોડી ચિંતામાં હતી. ત્યાં જ માધો આવ્યો.આજ પહેલાં કદી એણે માધાને આટલો શાંત અને મ્લાન જોયો નહોતો.
"સાંભળ્યું છે માધા કે હવે તું ગામનો મુખી બનવાનો? પછી તું મારા માટે સમય તો કાઢી શકીશ ને? રાજા તને પણ મારી નાખશે તો?"
"ના હું મુખી નથી બનવાનો પણ રાજા બનવાનો છું. હવે આપણે કદી નહિ મળીએ." કહી માધાએ ઊંડો શ્વાસ ભર્યો. આંખોમાં આવેલાં આંસુને પાંપણની આડશે જ રોકી લીધાં. વાંસળીને ચૂમીને નદીનાં પાણીમાં ફેંકી દીધી. મક્કમતાથી તલવારની મૂઠ પર હાથ મૂકી એ ત્યાંથી નીકળી ગયો.
3
શીર્ષક : ખજાનાની શોધ
નામ :અર્ચિતા દીપક પંડ્યા
રાત ઘેરી થતી જતી હતી. ભીતરે ઝળુંબાયેલા અંધકાર હેઠળ પણ બહારનાં અંધકારને ચીરતો શ્રેયાંશ ચાલ્યો જતો હતો. એના પગ કળી રહ્યાં હતાં. અતિશય દુઃખાવો હતો એટલે એનું ધ્યાન ત્યાં જ રહેતું હતું. શરીરનો ટેકો હતો પણ પીડા તો કાટમાળ નીચે દટાયેલી ઈમારત જેવી હતી. એના પગને હવે આરામની જરૂર હતી. એના કપડાં પણ જીર્ણ થઈ ગયાં હતાં. અથડામણને લીધે મેલાં પણ. એને પહોંચવું હતું પેલે પાર પીડાઓને આંબીને, જીર્ણ થયેલું બધું ત્યાગીને પણ એ જાણે કે ભૂલો પડ્યો હતો અથવા તો કંઈ શોધી રહ્યો હતો, જે એને સુખ આપે. એવી વાયકા પણ હતી કે અહીં સુવર્ણમહોરોનો ખજાનો ક્યાંક દટાયેલો છે. એની શોધમાં નીકળી પડેલાં શ્રેયાંશનો પગ ચારે તરફનાં અંધકારમાં એક પગથિયાં જોડે અથડાયો.
શ્રેયાંશે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. સ્પર્શ માટે લંબાવેલો હાથ કંઈક અનુભવી રહ્યો હતો. એની આંગળીઓ એની પાસે રહેલ અસ્તિત્વને માપી રહી હતી. એ કોઈ આવાસના પગથિયાં જેવું હતું. પથરીલિ દિવાલે જાણે એને સહારો આપ્યો. એ સ્થાયી થયો. અહીં રાત વિતાવવાનું એણે વિચાર્યું. એની આંખ બંધ થઈ ગઈ. કોણ જાણે કેટલાંય વખત સુધી એણે આરામ કર્યા કર્યો.
એનો થાક ઉતર્યો ત્યારે આજુબાજુની જગ્યાઓ જોવાનું શ્રેયાંશને ભાન આવ્યું. એને આછાં ઉજાસે જાણે પોતાની તરફ બોલાવ્યો. એના પગ આગળ ચાલવા લાગ્યાં. એ આખા સ્થાનને સમજવાની કોશિષ કરતો આગળ ચાલ્યો. આ કોનો આવાસ હશે? એ પ્રશ્નએ જ એને મમત્વ આપ્યું. એ જિજ્ઞાસા અને લાગણીથી આગળ ખેંચાયો.
"આ એક આવાસ નહીં પણ મહેલ છે. મારો મહેલ છે. મારા પૂર્વજોએ બનાવેલો છે. એનાં તરફ મને ગજબ ખેંચાણ થાય છે." એ આગળ વધ્યો. સ્પર્શ કરવાનું એ ચૂકતો નહીં. આમે ય આછાં ઉજાસને લીધે ખાલી આંખનો સહારો બસ ન હતો. પગને તો એનું મન ખેંચી જ જતું હતું.
"અહીં જ પેલો ખજાનો હશે, જેની ઝંખના કોઈપણ માનવીને વારંવાર થાય છે. એક રિયાસતના માલિક પાસે શું ન હોય? પણ અત્યારે તો આ મહેલમાં ખાલી હું જ છું!" એનું મોં હસું હસું થઈ ગયું અને એના પગમાં જોર આવ્યું. "અબઘડી બધાં ઓરડાં ફરી વળું ને ખજાનો શોધી કાઢું." ત્વરાથી એ આગળ વધ્યો.
એના પગ ઝડપથી ઊંચા પગથિયાં ચડી ગયાં. એક નાની મશાલ સિવાય કોઈ પ્રકાશ નહોતો. પાંચ નાનાં મોટાં ઝરુખાઓ અને બહાર કાઢેલી બે મોટી સમાંતર અગાશીઓ હતી. અગાશીને જાણે ચાંદ સાથે વાતો કરવાની ટેવ હોય એવી ચંચળ લાગી રહી હતી. સ્વપ્નને પૂરાં કરવા જાણે દોડી જતાં પગ જેવી હતી. આખો આવાસ વ્યવસ્થાની દ્રષ્ટિએ સુંદર હતો છતાં બધું કુદરતી રીતે બનાવેલું હતું.
એને આ જગ્યાએ સમય સાપેક્ષ છે એ વાતનું પ્રમાણ મળ્યું. એના પગની ઝડપને એ સંજોગો સાથે માપી નહોતો શકતો. એ સ્થિર હતો પણ સમય વહી જતો હતો. એ દોડે તો સમય સ્થિર થઈ જતો હતો. અગાશી પાર કરી ત્યારે એને ત્રણ ઓરડાં દેખાયાં. શેમાં પહેલા જઉં એ મનોમંથન એને થયું. વિચારમાં અને વિચારમાં એણે ઉપર નજર કરી, તો એને બીજા ત્રણ ઓરડાં દેખાયાં. જેની ઉપર એક ઊંચો ઓરડો અને મિનારો પણ હતો. એને આ આવાસની ભવ્યતા અને વ્યવસ્થા જોઈ બનાવવાવાળા પર માન થઈ ગયું. એ ધીરે રહીને પહેલા ઓરડા તરફ આગળ વધ્યો. આડું કરેલું કમાડ ધક્કો મારીને હડસેલ્યું. તરંગની સૃષ્ટિએ એના પર જાણે કબજો લઈ લીધો. સુંદર મનોરમ્ય રંગો અને સુશોભનવાળી જગ્યાએ એનું મન મોહ પામ્યું. એક વાજિંત્ર કોઈના સ્પર્શની રાહ જોતું હોય એમ પડી રહ્યું હતું. શ્રેયાંશે એને સ્પર્શ કર્યો એક રણઝણતી ધૂન એમાં વાગી. શ્રેયાંશ કૂતુહલ અને ઉત્સુકતાથી આગળ વધવા ગયો પણ એને ડર લાગ્યો કે એ નીરવ શાંતિમાં આ વાજિંત્ર ધ્વનિ પેદા કરી અજાણ્યાને પણ અહીં લઈ આવશે ને આ જગ્યાને કોઈ જોઈ જશે. એ ત્વરાથી બહાર નીકળી ગયો. એના શરીરનું વૃદ્ધત્વ ક્યાંય વિસરાઈ ગયું!
એની ઉત્સુકતા શ્રેયાંશને આગળ લઈ ગઈ. એક ખુલ્લો ઓરડો હતો. મીઠી લહેજતદાર સુગંધે એનું નાક ભરી દીધું. અવનવી વાનગીઓનું ત્યાં સ્થાન હતું. ખૂબ સુંદર રીતે આ ઓરડો સજાવ્યો હતો. "પણ આ શું? અહીંની વાનગી ચાખું તો સ્વાદ જ નથી આવતો? હું સ્વપ્નમાં તો નથી?" શ્રેયાંશ બબડ્યો. તાજ્જુબીથી એ કંઈક તો સ્વાદ આવશે માનીને ચાખ્યા કરતો હતો. અંતે થાક્યો. એને લાગ્યું કે આ તો સ્વાદ વગરનું ભોજન મારી મઝા મારી નાંખે છે! એણે વાનગીમાંથી અને એના વિકારોથી મન પાછું વાળ્યું.
એ આગળ ગયો. એક ઓરડાનું બારણું બંધ જ હતું. એણે ખૂબ ધક્કા માર્યા, ઠોક્યું પણ બારણું ખૂલ્યું નહીં. અથાગ પ્રયત્નો કર્યા હશે એણે, પણ કોઈ ફરક ન પડ્યો. એ ત્યાં જ બેસી પડ્યો જાણે વર્ષો વીત્યાનો થાક હોય. એણે મન બહેલાવવા વિચાર કર્યો કે અહીં તો કોઈ પરી જેવી સુંદર કન્યા આવી જાય તો? આ જગ્યાના ધબકારા જ કેવા પવિત્ર છે? બસ, આ વિચાર સાથે જ ફટાક દ્વાર ખૂલી ગયા. શ્રેયાંશ ત્યાં ખેંચાતો ચાલ્યો. અંદર ખરેખર એક સુંદર પરી હતી. એ સાચી છે કે ખોટી એ જાણવા શ્રેયાંશે આંગળીનું ટેરવું અડાડ્યું. બસ, પરી તો વાદળ થઈ ગઈ. આવી અજબ ગજબની અણધારી દુનિયામાં પરી હાથ ન આવી તો એનો શું રંજ કરવો એમ વિચારીને શ્રેયાંશે એ ઓરડો પણ છોડી દીધો. હવે આગળ સીડી આવતી હતી, જે ઉપરના મજલા પર લઈ જતી હતી. બે બાજુએ બે લાંબી પરસાળ અને ગણતાં દસ ઝરુખાઓ એને દેખાયા. એ પરસાળના ઝરૂખામાં એને શંખ, ચક્ર, પર્વતો અને રેખાઓ દોરેલા મળ્યાં. અહીં જ પૂર્વસંકેત જન્મ્યા કે શું? ભવિષ્ય જાણવાની તાલાવેલી છોડી એ ફરી એને દેખાતી સીડી તરફ ગયો.
સીડી શ્રેયાંશ ચડી રહ્યો ત્યાં સુધીમાં એ સાંભળવા જોવા અને વિચારવા ટેવાઈ ગયો. પહેલા ઓરડાને ખોલતાં જ એના હોઠ ફફડવા લાગ્યાં. એને વિચારને અવાજ આપવાની ટેવ પડી. એકાએક પવનની આવન-જાવન જાણે એની પોતાની ઓળખાણ કરતી હોય એમ એનાથી ઘસાઈને જવા લાગી. પવનના એક સૂસવાટાથી એ ફંગોળાઈ ગયો બાજુના ઓરડા તરફ. એ બારણું ખોલતાં જ અવાજનો મોટો જથ્થો જાણે બહાર ધસી આવ્યો. એ ગભરાઈને ઉપર ત્રીજા ઓરડા તરફ દોડ્યો તો એને દુનિયા એક નવી જ દ્રષ્ટિએ દેખાઈ. જે એણે આંખોથી મહેસૂસ કરી ને એને નવી દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કર્યો. એક નવો વિચાર એને સીડી ચડાવી વધુ ઉપરના ઓરડા તરફ લઈ ગયો. અરે, ત્યાં તો ઘોંઘાટ છે, ચહલ પહલ છે, તરંગોની આવન-જાવન છે, સુખના ઉદ્દગાર છે તો દુઃખનો હાયકારો પણ છે. શું છે આ? કંઈ સમજાય નહીં એટલાં તરંગો અને પડઘાઓએ એને એકદમ વિચલિત કરી દીધો. એને સમજણ ન પડી કે હવે આગળ શું કરવું? ઓરડાની વચ્ચોવચ્ચ એક બેઠક દેખાઈ રહી હતી. એક તો એ ઝાંખી હતી ને પાછી ધૂળવાળી પણ ખરી! એને બેસવાનું મન ન થયું.
ત્યાં જ નીચેના મજલા પરથી એક ધ્વનિ ઊઠ્યો. જે ખજાનાની શોધ એ કરતો હતો એવી સોનામહોરોનો રણકાર સંભળાયો. પણ આ શું? ઉપરના મજલા પર આવ્યા પછી નીચેના મજલા પર જવાનું દ્વાર કાયમી બંધ થઈ ગયું! "હવે શું થશે?" એ ભયભીત થયો. એનું અસ્તિત્વ જાણે નકામું થઈ ગયું હોય અને તે પોતે કેદ થઈ ગયો હોય એવી નિરાશા એને આવવા લાગી. એકાએક સૌથી ઉપરના મિનારા જેવા માળ પર એક દેદીપ્યમાન જગ્યા દેખાઈ. પ્રકાશ દેખાયો. આજ સુધી ન જોયો હોય એવો. એને થયું કે નક્કી હવે તો ખજાનો મળી ગયો પણ ત્યાં જવા કોઈએ સીડી બનાવી જ નહોતી કે શું? ઉપર જવાનો રસ્તો દેખાયો જ નહીં. આખા સ્થાન પર એ ચક્કર-ચક્કર ઘુમ્યો ને છેલ્લે એ જે ઓરડામાં હતો ત્યાંની એક બેઠક પર બેસી ગયો. આ બેઠક પર આવ્યો અને આખું વિશ્વ જાણે ઓઝલ થઈ ગયું. હવે એ અને એનો શ્વાસ બેનું જ અસ્તિત્વ હતું. એની અંદર ઉમટતો દરિયો શાંત પડી ગયો.
ચારે તરફના પ્રગટતાં અવાજો, ઘોંઘાટ, માંગણી, ઇચ્છાને એણે ડામી દીધાં. એનામાં ઉર્જાનો એક સ્ત્રોત જાગ્યો. આપોઆપ બેઠક ઊડી અને ઉપરના મજલા તરફ લઈ ગઈ. "આ શું? આટલો પ્રકાશ ક્યાંથી આવ્યો?" એની આંખો અંજાઈ ગઈ. થોડો ગભરાયો પણ પછી એમાં જ શીતળતા લાગી. એને શાંતિ, ભાગદોડ, પ્રકાશ, અંધકાર, સુખ, દુઃખ બધું વિલિન થતું લાગ્યું. શ્રેયાંશ ધીરે ધીરે શ્રેયમાં મળી ગયો. ખરેખર તો એ પોતે જ પોતાનામાં વિલીન થઈ ગયો. ખજાનો એને મળી ગયો હતો. કદી ન ખૂટે એવો ખજાનો, એને પોતાની જ પ્રજ્ઞાનો ખજાનો મળી ગયો હતો! આખા આવાસમાં મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો, 'ચિદાનંદરૂપ શિવોહમ્! શિવોહમ્!'
4
શીર્ષક : નૃત્ય એક આરાધના
લેખન : કૌશિકા દેસાઈ
"વિશ્વા....... વિશ્વા.....
શું કરે છે, તારું ધ્યાન ક્યાં છે?
હું અહીં મારા જીવનની સૌથી મહત્વની વાત કરી રહ્યો છું, મારા હૈયાની વાત તને કહી રહ્યો છું અને તને તો જાણે કઈ ફરક જ નથી પડતો."
" આકાશ, એવું નથી. મને ખબર છે તારા મનની વાત પણ આપણા વચ્ચે એ શક્ય નથી."
"કેમ! વિશ્વા તું મને પ્રેમ નથી કરતી? શું તારા જીવનમાં કોઈ બીજાનું સ્થાન છે?"
"આકાશ તારા સિવાય મારા દિલમાં કોઈ ક્યારેય નહીં આવી શકે. તને તો હું પહેલીવાર મળી ત્યારથી તારા પ્રેમમાં છું પણ આપણા પ્રેમને કોઈ પરિણામ મળશે એવું મને નથી લાગતું."
"પણ કેમ વિશ્વા...?"
"આકાશ, હું તારા પરિવારને મળી છું. મને ખબર છે કે તારા ઘરમાં કુટુંબ અને કુળનું બહુ મહત્વ છે."
"વિશ્વા, તું એક ડોક્ટર છે. તારા પિતા પણ ડોક્ટર છે. તું ડોક્ટરની સાથે એક ઉત્તમ નૃત્યાંગના પણ છે. તું ખૂબ જ સુંદર છે ને જ્યારે તું ભરતનાટ્યમ્ કરે છે ત્યારે કોઈ અપ્સરા જેવી લાગે છે. તારી ભાવભંગિમા પર હું ફિદા છું, તારી એક એક કૃતિઓ જોઈને બધું ભૂલી જવાય છે. આટલી બધી ખૂબીઓ હોવા છતાંપણ તું એમ કહે છે કે તું મારે લાયક નથી?"
"આકાશ તને તો મારા વખાણ કરવાનો મોકો જ જોઈતો હોય છે."
આકાશ હસી પડ્યો.
"વિશ્વા મને કવિતા લખતાં આવડતી હોત તો હું આખી જિંદગી તારા વખાણ કરતી કવિતા લખત."
વિશ્વા શરમાઈ ગઈ.
"આકાશ! તારે કવિતા કરવાની જરૂર નથી. તને ખબર નથી તારી આ આંખો જ બધું જ કહી દે છે! હું મારા માટેનો પ્રેમ તારી આંખોમાં જોઈ શકું છું. હું તો નૃત્ય વખતે ભાવ બતાવું છું પણ તારી આંખો તો તારા મનનાં બધાં જ ભાવ વ્યક્ત કરે છે."
"ઓહો..! શું વાત છે આટલાં બધાં વખાણ!"
વિશ્વાને વિચારમાં પડેલી જોઈ આકાશે પૂછ્યું,"શું વિચારે છે?"
"આકાશ આ બે દિવસની રજામાં તું મારે ગામ આવીશ?"
"હા, આવીશ પણ તને એમ લાગે છે કે હું તારું ગામ જોઈને તને લગ્ન માટે ના પાડી દઈશ?"
"તું ચાલ તો ખરો. આપણે કાલે જઈશું."
બન્ને જણાં બીજે દિવસે નીકળ્યાં અને વિશ્વાના ગામે પહોંચ્યાં.
"વિશ્વા! તારું ગામ તો ખૂબ સુંદર છે. અહીં તો જાણે કુદરતે લીલી ચાદર પાથરી હોય એવું લાગે છે. કેટલું શાંત અને પવિત્ર વાતાવરણ લાગે છે. વાહ..... મજા પડી ગઈ."
વિશ્વા હસી.
બન્ને તેનાં ઘરે પહોંચી ગયાં. વિશ્વાનું ઘર જૂની રીતનું હતું પણ ખૂબ જ સરસ હતું. ઘરની દીવાલો પર નૃત્ય કરતી વિશ્વા અને એની મમ્મીના ફોટા હતાં. આકાશ તો જોતો જ રહી ગયો.
"આન્ટી, તમે પણ નૃત્ય કરો છો? આ ફોટા તો ખૂબ સુંદર છે."
"આભાર, તમે લોકો જમી લો, જમવાનું તૈયાર છે."
જમ્યાં પછી આકાશ મહેમાનકક્ષમાં આરામ કરવા ગયો અને વિશ્વા મા જોડે વાત કરવા લાગી.
"વિશ્વા એક વાત કહું? આકાશ ખૂબ સારો છોકરો છે. એની આંખોમાં તારે માટેનો પ્રેમ તો જાણે છલકી રહ્યો હોય એવું લાગે છે. શું એને આપણાં પૂર્વજો વિશે જણાવવું જરૂરી છે? હવે એ ભૂતકાળ ક્યારેય પાછો નથી આવવાનો."
" હા.. મમ્મી! એને એ જણાવવું જરૂરી છે. એ જાણ્યા પછી જો એ મને એટલું જ માન આપે અને મારી કળાને એ જ સન્માન આપે, મને એટલો જ પ્રેમ કરે તો જ અમારી વાત આગળ વધી શકે."
સાંજે વિશ્વા આકાશને ગામ જોવા લઈ ગઈ. આખું ગામ ફર્યા પછી એ ગામનાં એક જૂનાં પણ વિશાળ મંદિરમાં આકાશને લઈ ગઈ.
"આકાશ, આ ભગવાન નટરાજનું મંદિર છે. આ મંદિર ચૌલ રાજાઓએ બનાવ્યું છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન સમયનું છે પણ એની સુંદરતા અત્યારે પણ એવીને એવી જ છે અને એનું મહત્વ પણ એટલું જ છે. ભગવાન નટરાજ નૃત્યના દેવતા છે અને અમારા આરાધ્ય દેવ છે. મારે મન નટરાજ અને આ મંદિરનું સ્થાન વિશેષ છે.
આ નર્તકીઓની મૂર્તિઓ જોઈ? મંદિરની બધી દીવાલો આ મૂર્તિઓથી સુશોભિત છે. આ મૂર્તિઓ દેવદાસીઓની છે. ભરતનાટ્યમની શરુઆત જ દેવદાસીઓએ કરી છે. એ જમાનામાં દેવદાસીઓ આ નૃત્ય ફક્ત ભગવાન માટે કરતી હતી. એનું આખું જીવન ભગવાનને સમર્પિત હતું. તે લગ્ન પણ ન કરતી. બસ! નૃત્યથી ભગવાનની આરાધના કરતી. ધીરે ધીરે તે નૃત્ય રાજાઓ માટે પણ કરવા લાગી અને સમય જતાં આ પ્રણાલીની પવિત્રતા એટલી જ હતી પણ એનું માન ઓછું થતું ગયું અને એ પ્રથા લુપ્ત થતી ગઈ. સમય જતાં દેવદાસીઓ પોતાનો સંસાર શરૂ કરવા લાગી પણ વારે-તહેવારે મંદિરમાં નૃત્ય કરતી. એવું મનાય છે કે દેવદાસીને ભગવાન નટરાજના આશીર્વાદ મળ્યા હતા, તે નૃત્ય કરે તો જાણે સાક્ષાત નટરાજ જોવા આવતાં.
મારે તને ખાસ એ જ જણાવવાનું છે કે હું પણ આજ દેવદાસી પ્રણાલીનો ભાગ છું. મારું કુટુંબ વર્ષો પહેલાં આ પ્રથાનો ભાગ હતું. હવે એ પ્રથા નથી પણ છતાં મારી મમ્મી આજે પણ તહેવાર પર અહીં મંદિરનાં મંડપમાં નૃત્ય કરે છે. આ મારા કુળ વિશેની વાત છે. મારી ઈચ્છા છે કે તું આ વાત તારા પરિવારને જણાવે. હું લગ્ન પછી ના નૃત્ય છોડી શકીશ ના મારી કળાનું, આ પ્રથાનું કે મારા પૂર્વજોનું અપમાન સહન કરી શકીશ. મારે માટે ત્યારે પણ આ મંદિરનું મહત્વ એટલું જ રહેશે. તારા ઘરનાં બધાં રીતિરિવાજને હું અપનાવીશ પણ મારા આરાધ્ય દેવ તો નટરાજ જ રહેશે."
આકાશ તો સાંભળતો જ રહ્યો. એ તો જાણે દેવદાસીના સમયમાં જતો રહ્યો હતો. તંદ્રા અવસ્થામાંથી બહાર આવ્યો હોય એમ એ વિશ્વાને ભેટી પડ્યો અને એણે કહ્યું,"વિશ્વા, મને વાંધો નથી. તું દેવદાસી હોત તો પણ હું તને એટલો જ પ્રેમ કરતો હોત. મને તારા પ્રત્યે માન છે અને આ પ્રણાલી પ્રત્યે પણ તમે તો ભગવાનના સૌથી નજીક રહેવાવાળા લોકો છો. મને કોઈ ફરક નથી પડતો મારા પરિવારના લોકો શું કહેશે? બસ! હું તારી સાથે સુંદર જીવન જીવવા માંગુ છું."
ત્યારે મંદિરનું વાતાવરણ એવું લાગતું હતું કે જાણે સાક્ષાત્ ભગવાન એમને આશીર્વાદ આપવા આવ્યા હોય. સંધ્યાકાળની આરતીનો સમય થયો હતો અને શંખનાદ સંભળાઈ રહ્યો હતો.
5
શીર્ષક- પ્રેયથી શ્રેય તરફ પગરણ
લેખન: રૂતંભરા છાયા
“વેણુ…ઓ વેણુ..સાંભળે છે કે નહિ? ક્યાં ખોવાઈ ગઈ છે? વૉટ હેપન્ડ ટુ યુ? ગઈકાલ રાતની પાર્ટી પછી તું એકદમ ચૂપ થઈ ગઈ છે! વાતો તો બધી થયા કરે ઇટ્સ ઓકે." વલય, વેણુને સમજાવવાના મુડમાં બોલ્યો. .”શુઉંઉંઉં..?” વેણુના મ્હોંમાંથી ચીસ
પડી ગઈ. "તમારા મિત્રોની આવી વાતો અને આવા પ્રસ્તાવો મારે સાંભળવાનાં અને સ્વીકારવાનાં?
બધું જ લાઈટલી લેવાનું એવું તમે કહેવા માંગો છો?” વેણુ અને વલય વચ્ચે ખૂબ 'તૂં તૂં મેં મેં' ચાલી. નિવેડો તો ના આવ્યો અને બંને પડખું ફરીને સૂઈ ગયાં.
વલય, વેણુ અને એમની દિકરી રોમા.. આ ત્રણેયજણાં આજથી દસેક વર્ષ પહેલાં પોતાનું અને દીકરીનું ભવિષ્ય ઉજળું કરવાની ઈચ્છાથી કેનેડા શિફ્ટ થયાં હતાં. વલય, કુમારભાઈ અને કુંજલબેનનો ત્રીજા નંબરનો દિકરો. મોટા બંને ભાઈઓ બેંકની નોકરીમાં સેટ
હતા. વલય ભણવામાં તેજસ્વી અને હોનહાર હતો. આઈ.ટી. એન્જીનીયર થયો અને એક એમએનસીમાં જોડાઈ પણ ગયો. વલય ખૂબ આશા અને અરમાન સાથે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો હતો, પણ કુમારભાઈ એને પરણાવીને સેટ કરવા માંગતા હતા. એમણે વલય માટે સુંદર, સુશીલ કન્યા શોધી જ લીધી. એક પ્રતિષ્ઠિત કોલેજના સંસ્કૃતના અધ્યાપક રવિન્દ્રભાઈની વેણુ પર એમની નજર ઠરી. વલયને પણ વેણુ પહેલી નજરમાં જ ગમી ગઈ. વેણુએ એમ.એ. બી.એડ. કર્યુ હતું અને સ્કૂલમાં જોબ કરતી હતી. વેણુને પણ વલય પસંદ પડી ગયો. ટૂંકમાં, બંને પક્ષના રાજીપા સાથે તેમનાં લગ્ન થઈ ગયાં.
સમય રેતની જેમ સરકતો હતો. વલયના મિત્રો એક પછી એક વિદેશ જવા માંડ્યા હતા. કેટલાંક કેનેડા તો કેટલાક યુ.એસ. પહોંચીને સેટ થયાં હતાં. અવારનવાર એ લોકો સાથે ચેટીંગ કરતો. એમાંથી ત્યાંની જાહોજલાલી, લાઈફસ્ટાઈલ અને ડોલરની કમાણી.. આ
બધાંથી ખૂબ પ્રભાવિત થઈ ગયો. એના મનમાં પણ કેનેડા જવાનાં અરમાન જાગ્યાં. એ માનસિક રીતે
તૈયાર થવા માંડ્યો. આ બાજુ વેણુએ સુંદર દીકરી રોમાને જન્મ આપ્યો. આખું કુટુંબ ખુશખુશાલ હતું. દાદા-દાદી અને નાના-નાની હરખના હિંડોળે હીચકતાં થઈ ગયાં હતાં. બધાંને લાગ્યું હવે વલય સેટ
થઈ ગયો…પણ વલય તો કંઈક જુદું જ વિચારતો હતો. એક દિવસ મોકો જોઈને વેણુ સાથે એણે
વાત કરી જ લીધી. "વેણુ, ધારોકે અત્યારે આપણી બન્નેની કમાણી કરતાં ત્રણ ગણી કમાણી અને બધાં જ ભૌતિક સુખો મળે તો એ ડીલ સ્વીકારાય કે નહિ?"
"કંઈક વિગતવાર સમજાવો તો ખબર પડેને!" વેણુ બોલી..અને વલયે પોતાનો ઈરાદો જણાવ્યો. વેણુને એકદમ આશ્ચર્ય સાથે આનંદ થયો.
તેને લાગ્યું કે યુવાનીમાં આગળ વધવાની, રૂપિયા કમાવવાની અને ભૌતિક સુખો ભોગવવાની તો કોને ઈચ્છા ના થાય? પ્રયત્ન કરીએ નસીબ સાથ આપશે તો જરુર જઈશું." વેણુએ પ્રોત્સાહન આપ્યું.
વલયને તો બસ પત્નીની સંમતિ જોઈતી હતી! ઘરમાં પણ ધીમે ધીમે વાત મૂકી દીધી. થોડાં ઝટકા સાથે સ્વીકાર થયો કારણ કે કુમારભાઈ જાણતા હતા કે દીકરાને પાંખ દીધી છે તો ઉડશે તો ખરો જ અને એકાદ મહિનામાં બધું નક્કી થઈ ગયું. કેનેડાની ટિકિટ પણ આવી ગઈ. સામાન પેક થવા લાગ્યો. વેણુને થયું કે ચાલો બે દિવસ પપ્પા-મમ્મીને મળી આવું. પછી ફરી ક્યારે અવાશે?” આ વિચારથી વેણુ તો પિયર ઉપડી. પિયરમાં પારેવડું ખુશખુશાલ હતું. પરદેશમાં શું હશે? કેવું હશે? ડોલર્સ કેટલાં ક્માઈશું? વગેરે વાતો ચાલી. વેણુનાં પિતા રવિન્દ્રભાઈ ખૂબ સમજુ અને પીઢ હતા. સંસ્કૃતના અધ્યાપક હોવાની સાથે
ગીતા અને ઉપનિષદના અભ્યાસુ પણ હતા. ભૌતિક સુખની ખેવના સાથે કેનેડા જતી દીકરીને આશિષ સાથે ખૂબ સરસ સમજાવ્યું. તેમણે કહયું,"જુઓ બેટા, તમારી ઉંમર જ એવી છે કે તમને આધુનિક વૈભવશાળી જીવન ભોગવવાની ઇચ્છા થાય જ. એમાં કશું ખોટું નથી પણ ત્યાં રહેતાં રહેતાં
નૈતિક મૂલ્યો અને વિશ્વાસ જો વિસરાઈ જશે તો પ્રગતિ અધોગતિમાં ફેરવાઈ જશે. પંખીની પાંખની જેમ જીવનવ્યોમમાં સારી રીતે વિહરવા માટે માનવને શ્રેય અને પ્રેય બંને માર્ગની જરુર છે. પ્રેય તે
સાંસારિક ઉન્નતિ અને ભૌતિક સુખો માટેનો માર્ગ છે જ્યારે શ્રેય આત્માનાં અવાજને અનુસરવા માટેનો માર્ગ છે. આ શ્રેય અને પ્રેય બન્નેનો સમન્વય જિંદગીમાં જરુરી છે. બસ, સમજદારીપૂર્વક તેને
અનુસરવું જરુરી છે. બાકી ખૂબ સુખી થાવ”. બન્ને પક્ષની શુભેચ્છાઓ અને આશીર્વાદ લઈને વલય
કુટુંબ કેનેડા પહોંચી ગયું. નવી ધરતી, નવું વાતાવરણ અને નવી નોકરી બધાંની સાથે સેટ થતાં સમય લાગ્યો પણ બધાં પોતાની નવી જિંદગીમાં સેટ થઈ ગયાં. વેણુએ પણ જોબ શોધી લીધી.
એકાદ વર્ષમાં પોતાનું ઘર પણ લઈ લીધું. તેનાં માતા પિતા પણ એકાદ વાર ફરવા માટે આવી ગયાં. વલય અને વેણુ સોમથી શુક્ર પોતપોતાની જોબમાં ખૂબ બિઝી રહેતાં. શનિ-રવિમાં મિત્રો સાથે કોઈ એકના ઘરે ભેગાં મળીને મોજ-મજા કરતાં. ડાન્સ,ડ્રિન્ક અને ડીનરનો સિલસિલો ચાલુ રહેતો. વલય હવે બહુ જ બદલાઈ ગયો હતો. એકદમ પ્રેક્ટિકલ અને મોડર્ન વિચારો કરતો થઈ ગયો હતો. જ્યારે વેણુ કુટુંબના સંસ્કાર અને નૈતિક મૂલ્યો સાચવવાનો પ્રયત્ન કરતી હતી. છેલ્લાં વીકએન્ડમાં વલયના મિત્રોએ હસી મજાકમાં થોડાં ચેન્જ અને આનંદ માટે નાઈટ હૉલ્ટ કરી પાર્ટનર્સ એક્સચેન્જની વાત મૂકી.! વેણુ તો વાત
સાંભળીને હેબતાઈ ગઈ. કોઈ પ્રતિભાવ આપ્યાં વગર પાર્ટી મૂકીને ઘરે આવી ગઈ. વલયના મિત્રો તો નેકસ્ટ પાર્ટીના આ નવા પ્લાનની ખુશી અને સહમતિ સાથે છૂટા પડ્યાં. વલયે ઘરે આવીને વેણુને સમજાવવાનો પ્રયત્ન કર્યો.” વેણુ, આમાં નથીંગ ઈઝ રોંગ.. મોડર્ન સોસાયટીમાં આવું તો ચાલ્યા
કરે. બહુ વિચારવાનું નહિ.” વેણુએ આ વાતનો સખત વિરોધ કર્યો. એને આમાં પોતાનાં ચરિત્રનું અને સ્ત્રીત્વનું ભારોભાર અપમાન લાગ્યું.” આવી રમતમાં હિસ્સેદાર થઈશ તો હું મોરાલિટી ગુમાવીશ.” વેણુએ એ રાત મૂંઝવણમાં કાઢી. એને પપ્પાના શબ્દો યાદ આવ્યાં. અશાંતિ અને અસ્વસ્થતા દૂર કરવા શ્રેયનો માર્ગ લેવો. વેણુને લાગ્યું હવે આ ધરતી પર વધુ નહિ રહેવાય. સમજાવવું મુશ્કેલ હતું. વહેલી પરોઢે ઉઠી, ના....ઉગી !!..
પોતાનો પાસપોર્ટ ને થોડાં ડોલર્સ કપડાંની બેગ ભરી ફોનથી ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી અને વલયને “બાય”નો મેસેજ મૂકી એ એરપોર્ટ જવા નીકળી પડી…
6
શીર્ષક : રહસ્ય
લેખન: વૃંદા પંડ્યા
પવન અને પરાગ બંને લંગોટિયા મિત્રો. બાળપણની આ મિત્રતા યુવાનીમાં પણ એમની એમ જ રહેવા પામી હતી. બંનેની મૈત્રીની ગામમાં મિસાલ આપવામાં આવતી હતી. બંને ભણવામાં થોડા કાચાં એટલે પોતાની કમજોરીનો સ્વીકાર કરી ગામમાં જમીન હોવાથી ગામમાં રહીને ખેતી કરવાનું નક્કી કર્યું. ફળદ્રુપ ધરા અને બંનેની મહેનતને કારણે ખેતીમાં ખૂબ સારી ઉપજ થતી.
એક દિવસ બપોરની વેળાએ બંને ખેતરમાં એક ઝાડ નીચે બેઠા-બેઠા વાતો કરી રહ્યા હતા. વાતો કરતાં-કરતાં પરાગને આજે કંઈક અજુગતું લાગતું હતું. એને સતત એવો ભાસ થતો કે હવામાં આજે જાણે ખૂબ ભાર છે. એમાં સતત કોઈના શ્વાસનો અવાજ છે.
"અરે પવન, મને આજે કંઈક અજીબ લાગે છે." પરાગે પોતાની વાત કહેવાનો પ્રયત્ન કર્યો.
કેમ લા..! કંઈ અટપટું જમીને સૂઈ ગયો હતો કે પછી પોટલી મારી એની અસર છે? પવને હળવી મજાક કરી.
"અલ્યા એવું નથી. મને આજે એવું કેમ લાગે છે કે આજે આપણા બંને વચ્ચે કોઈ ત્રીજું પણ છે. જે આપણી વાતો સાંભળી રહ્યું છે ને હોંકારા પણ ભરે છે. એના શ્વાસ પણ હું સતત સાંભળી શકું છું. એના હોંકારા મારા કાનમાં ગુંજયાં કરે છે. અહીં કંઈક તો અજુગતું છે."
"અરે મારા દોસ્ત! કાલે તે જે પીધી હતી એની અસર છે. બીજું કંઈ નથી. લે ! બીડીનો કસ માર ને ફ્રેશ થઈ જા."
"અરે.. પવન,મારા ભાઈ."
પરાગ હજી કંઈ બોલવા જાય એ પહેલાં જ પવને બીડી એના
હાથમાં પકડાવી દીધી.
પરાગે હજુ બીડી ગોઠવી પણ નહોતી ને અચાનક એનો કસ જાણે કોઈ બીજું મારી ગયું હોય એમ એને લાગ્યું. એના શરીરમાથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. એના આખા શરીરે પરસેવો થઈ ગયો. એને સમજાતું ન હતું કે એની સાથે શું થઈ રહ્યું છે?
પરાગ આ વાત પવનને કહેવા માંગતો હતો પણ એ દારૂનું બહાનું કાઢશે અને મારી વાત માનશે નહીં એ અલગ. એમ વિચારી એણે વાત કહેવાની માંડી વાળી.
"અલ્યા.. એ પરાગ, આજે તને શું થયું છે? કેમ આટલો ગભરાયેલો લાગે છે?
"એક કામ કરીએ, ચાલ આપણે શહેર જઈ આવીએ. તારું મગજ પણ શાંત થઈ જશે અને અનાજના ભાવ પણ જાણતાં આવીશું બપોર થઈ છે રાત સુધી પાછાં આવી જઈશું."
"સારૂં ચાલ પણ હું જરા ખેતરમાં આંટો મારતો આવું પછી જઈએ.
"સારૂં પણ જરા ઉતાવળે પગલે જઈને આવજે." વેળાસર જઈએ તો વેળાસર પાછાં આવી જવાય ને દોસ્ત!"
થોડીકવારમાં બંને મિત્રો શહેરના રસ્તે ચાલવા લાગ્યા પણ હવે ડરવાનો વારો પવનનો હતો. જ્યારથી પરાગ ખેતરમાં આંટો મારી આવ્યો ત્યારથી એ બદલાયેલો લાગતો હતો. જાણે એ એનો મિત્ર છે જ નહીં. એણે જ્યારે પવનની તરફ જોયું ત્યારે એની આંખોના ખૂણામાં વ્યાપ્ત લાલાસ ખૂબ જ ડરામણી હતી. એના ચહેરા પરનું નૂર અને તેજ બિહામણું હતું. અવાજ પણ ઘણો ભારે લાગતો હતો. ચાલ થોડી વધુ રૂઆબદાર ને ઉતાવળી હતી જાણે એને ક્યાંક ઝડપથી પહોંચવું હતું. અચાનક એના શરીરમાં શક્તિનો સંચાર થયો હોય એમ લાગતું હતું
પવન કંઈક પૂછવા જતો હતો પણ ત્યાં જ પરાગ બોલી ઉઠ્યો,
"મિત્ર, રસ્તો લાંબો છે ને સમય ઓછો તો એમ કરીએ થોડી-થોડી વાર આપણે એકબીજાને ખભા પર ઉઠાવીએ તો? ચાલ, આપણે વારો બાંધીએ?
આમ બોલતાની સાથે પવન કંઈ વિચારે એ પહેલાં જ પરાગ જાણે રૂ ભરેલી બોરી ઊંચકતો હોય એટલી હળવાશથી એણે પવનને ખભે ઊંચકી લીધો. જાણે પવનનું કંઈ વજન જ ન હોય એટલી સ્ફૂર્તિથી ચાલવા લાગ્યો.
હવે ઊંચકવાનો વારો પવનનો આવ્યો. શરૂ શરૂમાં પવનને પણ પરાગ રૂ જેટલો હલકો લાગ્યો એના શરીરમાંથી ભયની એક ધ્રુજારી પસાર થઈ ગઈ પણ આગળ જતાં ધીમે-ધીમે પરાગની અંદર રહેલી અદ્રશ્ય શક્તિ વજન વધારે ને વધારે વધારવા લાગી. ચાલવું અસમર્થ બની જતાં પવન એક ઝાડ નીચે બેસી ગયો.
હવે પવન ઘણો અસમંજસમાં હતો. હવા પણ જાણે દૂર ભાગતી હોય એમ લાગતું. દિવસનો સમય હોવા છતાં ચામાચીડિયાં ને ઘુવડનાં ડરામણાં અવાજો સંભળાતાં હતાં. રસ્તા પરના ઝાડ પાંદડાં જાણે એને કહેતા ના હોય કે, "અહીંથી ચાલ્યો જા. નહીં તો આજે તારી ખેર નથી."
હવે પવનના ડરની કોઈ સીમા ના રહી. હોઠ સૂકાવા લાગ્યાં. જીભ જાણે તાળવેં ચોંટી ગઈ હોય એમ એના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. સૂમસામ રસ્તા પર કોઈ અવરજવર પણ ન હતી. એને ભાગી જવાની ઇચ્છા થઈ પણ ત્યાં એને એના મિત્રનો વિચાર આવ્યો. એમની દોસ્તીની સોનેરી પળો યાદ આવતાં એણે વિચારી લીધું કે હવે આ પીશાચી શક્તિના ચુંગાલમાંથી મારા દોસ્ત પરાગને બહાર કાઢીને અને એને સાથે લઈને જ ઘરે જઈશ. આમ, મનમાં દ્રઢ નિશ્ચય કરી શરીર ને મનની બધી જ તાકાત લગાવી એણે હનુમાનચાલીસાનો પાઠ જોરજોરથી કરવા લાગ્યો.
જેમ જેમ હનુમાનચાલીસા આગળ વધતી ગઈ તેમ તેમ એ અદ્રશ્ય શક્તિનો પ્રભાવ નબળો પડવા લાગ્યો.
એક...બે ....ત્રીજીવાર પછી એણે પરાગનું શરીર છોડી દીધું.
હવામાં ધુમાડા સ્વરૂપે અધ્ધર ઊભેલી એ અદ્રશ્ય શક્તિ એની સામે આવી ઊભી થઈ ગઈ એ જાણે એટલી વિસ્તૃત હતી કે આકાશ આંબી જશે. એને વ્યાપ જાણે સર્વત્ર હતો ને બધાંને જ ભય પમાડતો હતો. પશુ પક્ષીઓ તો ઠીક પણ જાણે નિર્જીવ રસ્તાઓએ પણ ડરીને સન્નાટો ઓઢી લીધો હતો. જો કોઈ હિંમત રાખી ઊભો રહ્યો હોય તો એ હતો પવન.
"બસ કર પવન, હવે બસ કર" મને ઘણી તકલીફ થાય છે." હવે તું બસ કર."
"તેં મારા મિત્રને કેમ હેરાનગતિ કરી? હવે હું શું કામ બસ કરું?" હવે તો તને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીને જ રહીશ.
હનુમાન ચાલીસા એની કમજોરી છે એ ખબર પડતા પવનની હિંમત વધવા લાગી.
"હું તમારા બંનેની દોસ્તીની પરીક્ષા લઈ રહ્યો હતો. ગામમાં બધાંના જ મોઢે તમારી મૈત્રીની ચર્ચા છડેચોક સાંભળી એટલે મને ઇચ્છા થઈ કે તમારી મૈત્રીની કસોટી કરું.
ખેતરમાં મેં આ પ્રસ્તાવ તારા આ મિત્રને પણ આપ્યો હતો કે,'ભાગી જા હું પવનને હેરાન કરવા માગું છું પણ તને કશું જ નહીં કરું.' પણ એ માન્યો નહીં.
કહેવા લાગ્યો,"અમે ખુશીઓ પણ સાથે માણી છે તો તારા જેવી મુસીબત પણ સાથે જ ભોગવીશું.
"પરાગ, તારો મિત્ર પવન ભાગી જશે તો તું ફસાઈ જઈશ."
"મને વિશ્વાસ છે મારા દોસ્ત પર તું તારે કસોટી કરીને જોઈ લે."
"આજે હું હારી ગયો ને તમારી દોસ્તીની જીત થઈ છે."
પણ તને આવી ઇચ્છા થઈ કેમ? પવને પૂછ્યું.
"આજથી વર્ષો પહેલાંની મારી એક તરફી દોસ્તીને કારણે આવી દશા થઈ છે. મારા ખાસ મિત્રએ દગો કરી મને નદીના પુલ પરથી ધક્કો મારી દીધો. મારી બધી સંપત્તિ હડપી લીધી ને મારા પરિવારનો સહાયક બની એમની નજરમાં સારો બની ફરે છે. આજે વર્ષો પછી પણ મને મુક્તિ મળી નથી."
"તો પછી તારે એની સાથે બદલો લેવો જોઈએ ને? અહીં અમારી પાછળ કેમ પડ્યો છે? અમારી પરીક્ષા શા માટે કરે છે?" પવને સવાલ કર્યો.
"એ જ તો વાત છે ને આટલાં વર્ષો પછી એણે મને દગો કર્યો છે એ વાત જાણ્યા પછી પણ હું એને એટલો પ્રેમ કરું છું કે આજે પણ એને કંઈ જ કરી નથી શકતો અને આ યોનીમાંથી મુક્તિ પણ મેળવી શકતો નથી."
"પણ આજે ને અત્યારે જ હું તમને બંન્નેને મુકત કરું છું. હવે ક્યારેય તમારી પાસે પાછો નહીં આવું."
ને એક સફેદ લિસોટો હવામાં અદ્રશ્ય થઈ ગયો.....
7
શીર્ષક : મૃત્યુનું રહસ્ય
લેખન : નિષ્ઠા વછરાજાની
કાળી ડિબાંગ મેઘલી એ રાતે સુમિતને જાણે ક્યાંક દૂર-દૂરથી એમ્બ્યુલન્સની સાયરન સંભળાતી હતી. અર્ધ ખુલ્લી આંખે તંદ્રામાં પરિજનોના ચહેરાઓ જાણે તેના પર ઝળુંબતાં હોય તેવો તેને ભાસ થયો. છાતીમાં ઉઠેલી અસહ્ય વેદનાનો ભાર હવે વધુ જીરવાશે નહીં એમ લાગતાંં જ એણે અશ્રુભીની ને અર્ધ ખુલ્લી આંખો બંધ કરી દીધી એટલામાં જ જાણે એની નજર સમક્ષ યમરાજ પ્રગટ થયા.
એને જાણે પોતાંની જ આંખો પર વિશ્વાસ આવતો નહોતો.
એમણે જરા હસીને સુમિતને કહ્યું,"કેમ સુમિત તૈયાર ને મારી સાથે આવવા?" સુમિતે થોડીવાર સુધી બાઘાની જેમ યમરાજની સામે જોયા કર્યું એટલે યમરાજે એને કહ્યું,"સુમિત, પૃથ્વી લોક પર તાંરો સમય હવે પૂરો થયો છે એટલે જલ્દી ઉભો થા ને ચાલ મારી સાથે!" સુમિતે માથું ધૂણાવીને એમની સાથે જવાની ના પાડતાં કહ્યું,"અરે! હજી તો હું ચાલીસનો જ છું. આ કંઈ મારી મરવાની ઉંમર નથી. મારે હજી જીવવું છે. મહેરબાની કરીને મને છોડી દો." એણે રીતસર આજીજી કરવા માંડી પણ યમરાજ ટસના મસ ન થયા ને બે-ચાર સેકન્ડમાં તો એનું માથું એકતરફ ઢળી પડ્યું. ત્યાં તો એક ડૉક્ટર ખૂબ ઝડપથી દોડતાં એમ્બ્યુલન્સ પાસે આવી પહોંચ્યા એમણે સુમિતને તપાસીને એને મૃત જાહેર કર્યો. આ સાંભળીને એના પરિજનોમાં ખૂબ રોક્કળ થઈ પડી.
આ તરફ, સુમિતનો આત્મા દેહ છોડીને યમરાજ પાસે આવીને ઊભો રહ્યો. હવે, પોતાંનું મૃત્યુ થઈ ગયું છે એ વાત એ સ્વીકારી શકતો નહોતો. પોતાંના સ્વજનોને રડતાંં જોઈ એની આંખમાં પણ પાણી આવી ગયાં. એણે યમરાજને એના પોતાંના બારમાં-તેરમાં સુધી પૃથ્વીલોક પર રહેવા માટે પરવાનગી આપવા કહ્યું. યમરાજે એની દયા ખાઈને એને એ પરવાનગી આપી દીધી. હવે સુમિત, આત્મા સ્વરૂપે ફરીથી એના સ્વજનો વચ્ચે પોતાંના જ દેહ પાસે આવીને ઉભો રહ્યો. એના સ્વજનોને રડતાંં જોઈને એ પણ ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી પડ્યો. એને પોતાંની પત્ની, બાળકો, મા-બાપ, ભાઈ બધાં સાથે ઘણી વાતો કરવી હતી, પણ હવે એ શક્ય ન હતું. એ બધાંને જોઈ શકતો હતો ને સાંભળી શકતો હતો, પણ બીજા લોકો એને જોઈ કે સાંભળી શકતાં નહોતાં.
એના સર્વે સ્વજનો એના દેહને લઈને એને ઘરે પહોંચ્યાં સાથે સાથે સુમિત પણ આત્મા સ્વરૂપે ઘરે આવ્યો. એના દેહને નવડાવીને સુંદર વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવ્યો અને એને મનગમતું સુખડનું અત્તર લગાડવામાં આવ્યું. એને જમીન પર સૂવાડવામાં આવ્યો. સ્વજનોએ ફુલહાર ચઢાવ્યાં ને પછી અંતિમ સંસ્કાર કરવા માટે એને લઈ જવાયો. સ્મશાનેથી ઘરે પાછાં આવીને સુમિતે જોયું કે ઘરનાં એક ખૂણામાં એનો સરસ હસતો ફોટો મૂકવામાં આવ્યો હતો. તેને હાર પહેરાવીને ઘીનો દીવો ને અગરબત્તી કરવામાં આવ્યાં હતાંં. એ ખૂબ ખુશ થયો કે મારી અંતિમ વિદાય ખૂબ સરસ રીતે કરવામાં આવી. પોતાંના સ્વજનોને પોતાંની પાછળ રડતાંં જોઈને એનો ઈગો સંતોષાયો ને એ સ્વગત બબડ્યો,'જોજે..ને! મારા વગર હવે બધાંને ઘણી તકલીફો પડશે. હવે, જ આ બધાંને મારૂં મહત્વ સમજાશે.'
એ ઘરમાં ને ઘરની આજુબાજુ આંટા ફેરા કરવા લાગ્યો. પોતાંના જ સ્વજનોની વાતો ચૂપકેથી સાંભળવા લાગ્યો.
એણે નોંધ્યું કે,'પોતાંના જવાથી કોઈની જિંદગીમાં કોઈ મોટી ઉથલપાથલ થઈ હોય એવું લાગ્યું નહીં. હા, શરૂઆતમાં બધાંને થોડું દુ:ખ થયું હોય એવું જરૂર લાગ્યું, પણ ધીરે ધીરે જાણે બધાંએ એને વિસારે પાડી દીધો હોય એવું એને લાગવા માંડ્યું. થોડાં દિવસો પછી, એના ફોટાને એક દિવાલ પર લગાવી દેવામાં આવ્યો ને ઘીનો દીવો ને અગરબત્તી પણ બંધ થયાં. તેના સ્વજનો પણ હવે પોતપોતાંના રૂટિનમાં પાછાં આવવા લાગ્યાં હતાંં. આ જોઈને સુમિતનો ઈગો હર્ટ થવા લાગ્યો હતો. આમ ને આમ એનું બારમું ને તેરમું પણ પતી ગયું ને યમરાજ પાછાં સુમિતને લેવા હાજર થઈ ગયા. હવે એમની સાથે ગયા વગર છૂટકો ન હતો. એને ઉદાસ જોઈને યમરાજને ટીખળ સૂઝી. એમણે સહેજ ઉપાલંભ કરતાંં સુમિતને પૂછ્યું,"કેમ શું થયું સુમિતકુમાર? તમે કીધું એટલો સમય મેં તમને આપ્યો છતાંં કેમ ઉદાસ છો?"
સુમિતે કહ્યું,"પ્રભુ! તમે મને અન્યાય કર્યો છે. આ કંઈ મારી મરવાની ઉંમર ન હતી. એમ કહેવાય છે કે 'લાઈફ બિગિન્સ એટ ફોર્ટી.' મેં તો હજી કંઈ જિંદગી ભોગવી જ નથી ને તમે મને લેવા આવી પહોંચ્યા. મારે નથી આવવું તમારી સાથે."
યમરાજે થોડા કડક અવાજે એને કહ્યું,"જો સુમિત! તાંરે મારી સાથે આવવું તો પડશે જ માટે ખોટી જીદ મૂકી દે." અને યમરાજ એને પોતાની સાથે લઈને આગળ ચાલ્યા. એને ગુમસુમ જોઈને વાત કરવાના આશયથી એમણે કહ્યું,"જગતમાં જે જાયું તે જાય.. તે આ સંસારનો અફર નિયમ છે ને એ જીવમાત્રએ સ્વીકારવો જ રહ્યો. એમાંથી કોઈ બાકાત નથી. તેં પેલી કિસા ગૌતમીની વાર્તાં તો સાંભળી જ હશે કે કિસા ગૌતમીનો એકનો એક દીકરો ગુજરી જાય છે ને એ ભગવાન બુદ્ધને એને સજીવન કરવા માટે ખૂબ આજીજી કરે છે. ત્યારે બુદ્ધ ભગવાન એને કહે છે કે તું ગામમાં જઈને એવા ઘરેથી એક મુઠ્ઠી રાઈ લઈ આવ જ્યાં કોઈ ગુજરી ન ગયું હોય. કિસા ગૌતમીને એવું કોઈ ઘર મળતું નથી અને તેને સમજાય જાય છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્વિત જ છે. ખીલીને ખરવું તે કુદરતનો નિયમ છે માટે એ પોતાંના પુત્રને સજીવન કરવાની જીદ મૂકી દે છે ને એટલે જ તને પણ કહું છું કે તું પણ જીવનમોહનો ત્યાગ કર. મૃત્યુ એ વાસ્તવિકતાં છે તેને સ્વીકારી લે ને શોકનો ત્યાગ કર."
હવે સુમિતથી રહેવાયું નહીં એના મોઢામાંથી અનાયાસ નીકળી ગયું,"મેં આ લોકો માટે કેટલું બધું કર્યું! ને.. આ લોકો કેટલાં જલ્દીથી મને ભૂલી ગયાં? અરે! એમને મેં એકબીજાને તાંળીઓ દઈને હસતાંં ને મજાક-મસ્તી કરતાંં જોયાં. આમ બોલતાંં બોલતાંં એને ગળે ડૂમો ભરાઈ આવ્યો. એણે અત્યંત દુ:ખી થઈને કહ્યું પેલી જાણીતી ગઝલ છે ને..
"મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ…"
આ સાંભળીને યમરાજને હસવું આવી ગયું. એણે કહ્યું સુમિત એ ન ભૂલ કે હવે તું આત્મા છે હવે તો મોહમાયા છોડ. આત્માને વળી કેવો હરખ કે શોક? તું કહે છે કે મેં બધાં માટે ખૂબ કર્યું તો તને કહું કે તેં ભકત કવિ નરસિંહ મહેતાનું પેલું પ્રખ્યાત ભજન સાંભળ્યું છે કે નહીં?
'હું કરું હું કરું એ જ અજ્ઞાનતાં,
સકટનો ભાર જેમ શ્વાન તાંણે.. '
બાકી.., આ તો તેં તાંરી સાંસારિક જવાબદારીઓ નિભાવી છે અને બીજું કે તેં જે કંઈપણ કર્યું એ તાંરી રાજીખુશીથી કર્યું તો પછી ફરિયાદ કેમ?"
યમરાજના આ કથનને એણે સાંભળ્યું ન સાંભળ્યું કરતાંં કહ્યું,"પ્રભુ! મેં આ લોકો માટે મારી ઈચ્છાઓ ને અરમાનોને બાજુએ રાખી એમની તમામ ઈચ્છાઓ પૂરી કરવા પ્રયાસ કર્યો હતો. આ લોકો તો એવી રીતે વર્તી રહ્યાં છે જાણે એમને કંઈ યાદ જ નથી! બધાં પોતપોતાંની દુનિયામાં મસ્ત છે મને કોઈ યાદ પણ કરતું નથી ને હું એમને મ્હારાં માનીને એમનાં માટે સતત મહેનત કરતો રહ્યો, દોડતો રહ્યો, હાંફતો રહ્યો! મને.. જાણે કે હું છેતરાયો હોઉં એવું લાગે છે."
હવે, યમરાજે એને ખભે હાથ મૂકીને એક બાજુ બેસાડયો ને કહ્યું,"જો સુમિત! ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાંમાં કહ્યું છે કે મનુષ્યે કર્મ કરવા પણ ફળની આશા ન રાખવી માટે તું આ બધાં નકારાત્મક વિચારો છોડી દે ને આ બધી ભાવનાઓથી મુક્ત થઈ જા અને શાંત ચિત્તે મોક્ષના માર્ગે આગળ વધ."
"પ્રભુ! માફ કરશો, પણ સલાહ આપવી સહેલી છે, પણ તેનો અમલ કરવો જ અઘરો છે. મારા જ સ્વજનોને મારા જવાનો કોઈ અફસોસ હોય એવું લાગતું જ નથી! બધાં પોતપોતાંની મસ્તીમાં મગન છે. મારા હોવા ન હોવાનો એમને કોઈ ફર્ક જ પડતો નથી. કાશ..! કે આ વરવી વાસ્તવિકતાં મને જીવતેજીવ સમજાઈ ગઈ હોત! તો.. હું પણ મારી લાઈફ મારાં માટે જીવત, મને ફાવે ને ગમે તેમ જ કરત!" સુમિતે સહેજ આવેશમાં આવીને કહ્યું.
યમરાજે એની આંખમાં આંખ પરોવતાંં પૂછ્યું, "વત્સ સુમિત! તું શા માટે એવું ઈચ્છે છે કે બધાં તાંરી પાછળ રડ્યાં કરે ને તને સતત યાદ કર્યા કરે! તેં તાંરૂં પાત્ર નિભાવી દીધું છે. હવે, તાંરો રોલ પૂરો થયો છે ને તાંરો રોલ પૂરો થઈ જવાથી કંઈ પડદો પડી જવાનો નથી! નાટક તો ચાલું જ હતું, છે ને રહેશે.. અને રહેવું પણ જોઈએ ને..?"
આ સાંભળીને સુમિતને જાણે કે બ્રહ્મ જ્ઞાન લાધ્યું. એણે વિચાર્યું કે,'મારા ગયા પછી મારાં જ સ્વજનો દુ:ખી રહયાં કરે એવું હું શા માટે ઈચ્છું? મારી હાજરીમાં જે રીતે આનંદથી ને કિલ્લોલથી રહેતાંં હતાંં તે પ્રમાણે જ મારી ગેરહાજરીમાં પણ રહે તો મને પણ પરમ શાંતિ મળશે. વળી, પેલી કહેવત છે ને કે, 'આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા..!'
આ પરમ સત્યનો અનુભવ થતાંં જ રાજીખુશીથી સુમિતના આત્માએ યમરાજની સાથે જીવ ને શિવના મિલનની યાત્રા તરફ પ્રયાણ કર્યું.
8
શીર્ષક : કુંભનદાસ
લેખન : સેજલ શાહ ' સાંજ '
મથુરા નજીક જમુનાવતાં ગામમાં કુંભનદાસ નામે એક ભગત રહેતાંં. કુંભનદાસ નાનપણથી જ ગોવર્ધનનાથજીના ભગત. દસ વર્ષના હતાં ત્યારથી તેમનો જીવ ગોવર્ધનમાં જ પરોવાયેલો હતો. સમય જતાંં કુંભનદાસ મોટા થયા, તેમના લગ્ન થયા, તેમને સાત સંતાંનો થયા, છતાંં પણ તેમનું ચિત્ત તો શ્રીગોવર્ધનમાં જ રહેતું. તેઓ ગોવર્ધનની તળેટી છોડીને ક્યાંય જતાંં નહિ અને જો જાય તો દર્શનના સમયે પરત આવી જાય. તેમનાથી ગોવર્ધનનાથથી એક ક્ષણનો પણ વિરહ સહેવાતો નહિ. કુંભનદાસ ગોવર્ધનનાથજીને લાડ કરવા કીર્તન ગાતાં. તેમના કીર્તન સાંભળી ગોવર્ધનનાથજી પણ તેમના પર ખૂબ પ્રસન્ન રહેતાં. ઘણીવાર તેઓ પણ પોતાના મનની વાત કુંભનદાસને કહેતા. પ્રભુએ ભક્ત સાથે નજીક્તા અનુભવાય એ માટે પોતાના ભક્ત સાથે મિત્રતાનો સંબંધ સ્થાપ્યો. એમણે કુંભંનદાસને પોતાના સખા ગણાવ્યા. આવું તો ગોવર્ધનનાથજી જ કરી શકે. એક વાર પુષ્ટિમાર્ગના પ્રચાર માટે આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા ત્યારે તેમણે કુંભનદાસજીને ગાતાં સાંભળ્યા અને તેમણે કુંભનદાસને કિર્તનની સેવા સોંપી. કુંભનદાસ પોતાંના કીર્તનમાં પ્રભુનું વર્ણન એટલું સરસ કરતાં કે જે કોઈ તેમનું કીર્તન સાંભળે તે સાક્ષાત પ્રભુને નિહાળી શકે, અનુભવી શકે. કુંભનદાસના કીર્તનો ખૂબ પ્રચલિત બન્યા હતાંં અને આજે પણ છે. એક વાર કુંભનદાસ પરાસોલીમાં ખેતરમાં પોતાંનું કામ કરી રહ્યાં હતાં, ત્યાં અચાનક થોડા સિપાહીઓ ઘોડા અને પાલખી સાથે પહોંચ્યા અને કહેવા લાગ્યા,"કુંભનદાસ ચાલો તમારે અમારી સાથે આવવાનું છે. રાજાનો હુકમ છે."
એ વખતે ફતેહપુર સિક્રીમાં અકબર બાદશાહનું રાજ હતું. કુંભનદાસે પૂછ્યું,"હું તો સામાન્ય ખેતમજૂર છું, રાજાને વળી મારું શું કામ પડ્યું?"
સિપાહીઓએ કહ્યું,"અકબર બાદશાહે કોઈ ગાયકના મોઢે તમારા કીર્તન સાંભળ્યા. રાજા તમારા કીર્તનથી ખૂબ પ્રભાવિત થયા છે તેથી તેઓ તમને મળવા માંગે છે."
કુંભનદાસે કહ્યું,"પણ મારે નથી મળવું. હું મારા ગોવર્ધનનાથજીને છોડીને નહિ આવું."
સિપાહીઓએ કહ્યું,"રાજાનો આદેશ છે કે ગમે તેમ કરીને પણ એમને લઈને જ આવજો. નહિ તો અમને મૃત્યુદંડ આપશે. એટલે તમારે આવવું તો પડશે જ."
કુંભનદાસ થોડા ગભરાયા કે સાલું ના પાડીશ તો આ લોકોને મૃત્યુદંડ થશે, એના કરતાંં જઈ જ આવું.
કુંભનદાસે એક શરત મૂકી,"હું આવીશ ખરો, પણ મને તમારા આ પાલખી, ઘોડા નથી જોઈતાં. હું તો મારી રીતે આવીશ."
એ સમયે કુંભનદાસ 113 વરસના હતાંં અને આટલી વૃધ્ધાવસ્થામાં પણ પોતે પોતાંના સિદ્ધાંતો પર અડગ રહીને પરાસોલીથી ફતેહપુર સિક્રી ચાલતાંં ગયા. એકબાજુ મનમાં ખૂબ ગુસ્સો હતો અને બીજી બાજુ પ્રભુથી દૂર જવાનું દુઃખ, છતાંં એ ગયા. આખા રસ્તે પ્રભુનો ખૂબ વિરહ લાગ્યો. એ વિરહ એમનાથી જીરવાતો નહોતો. ત્યાં પહોંચ્યા ત્યાં અકબર બાદશાહે એમનું ખૂબ સ્વાગત કર્યું,"આવો કુંભનદાસ, મે તમારા કીર્તન સાંભળ્યા. તમારા કીર્તનમાં ગોવર્ધનનાથજીનું વર્ણન ખૂબ ગમ્યું, પણ હવે તમારા મુખેથી વિષ્ણુપદ સંભળાવો."
કુંભનદાસને મનમાં અકબર બાદશાહ પર ખૂબ ગુસ્સો આવ્યો,' તું લૌકિક આશક્તિમાં માનનારાઓ માટે રાજા હશે. આ દેશનો રાજા હશે, પણ મારા માટે તો મારો રાજા મારો ગોવર્ધનનાથ જ છે. જે આખા જગતનો નાથ છે. આખા જગતનો રાજા છે. '
કુંભનદાસે પોતાંનું શું થશે એની ચિંતાં કર્યા વગર અકબર બાદશાહને કીર્તનના સ્વરૂપમાં ગાઈને ચોખ્ખું મોઢા પર કહી દીધું,
"ભકતનકો કહા સિકરી સો કામ,
આવત જાત પનૈયા તૂટી,
વિસર ગયો હરી નામ.
જાકો મુખ દેખૈ દુઃખ ઉપજે,
તાકો કરનો પડો પ્રણામ."
( ભક્તને એના ભગવાનથી મતલબ હોય. એને સ્થળથી શું ફરક પડે. કુંભનદાસ ખૂબ ગુસ્સે હતાંં. એટલે કહ્યું તમને મળવા આવતાંં મારા ચપ્પલ પણ તૂટી ગયા અને તૂટેલા ચપ્પલ અને થાકેલા શરીરને કારણે પ્રભુનું નામ સ્મરણ કરવાનું પણ ભૂલી ગયો. વળી ઉપરથી જેનું મોઢું જોઈ દુઃખ ઉપજે એને પ્રણામ પણ કરવા પડ્યા. રાજાને પ્રણામ તો કરવા જ પડે. )
અકબર બાદશાહને કુંભનદાસની વાત તો સમજાઈ ગઈ કે એમને મારું અહીઁ બોલાવવું ગમ્યું નથી, પણ કુંભનદાસની નિખાલસતાં અને નીડરતાં એમને સ્પર્શી ગઈ. એમણે
કુંભનદાસને પૂછ્યું,"હું તમારા કીર્તન થી ખૂબ ખૂબ પ્રભાવિત થયો છું. તમે માંગો, તમારે શું જોઈએ છે? તમે કહો તો જમુનવતાં ગામ તમારે નામ કરી દઉં? તમને હીરા ઝવેરાત આપુ?"
કુંભનદાસે તરત જ અચકાયા વગર કહી દીધું,"મારે કશું જોઈતું નથી, બસ એક વિનંતી હવે ફરી મને અહીઁ ક્યારેય ન બોલાવતાંં."
અને અકબર બાદશાહે એમની વાત સ્વીકારી લીધી. ત્યાંથી પરત ફરતાંં આખા રસ્તે કુંભનદાસ પ્રભુવિલાપ કરતાં કરતાં ગોવર્ધનનાથજીની પાસે પહોંચ્યા અને પ્રભુના દર્શન કર્યા ત્યારે એમને શાતાં વળી અને રડતાંં રડતાંં કીર્તન ગાવા લાગ્યા.
"દેખો નંદકુમાર નૈન ભર,
દેખો નંદકુમાર."
(પ્રભુ થોડી વાર બસ મન ભરીને તમને જોઈ લેવા દો)
આ બાજુ પ્રભુ પણ કુંભનદાસ વગર જાણે સુના થઈ ગયા હતા.
(સત્યઘટના - શ્રીનાથજીના અષ્ટસખામાંના એક સખા કુંભનદાસ)
9
શીર્ષક : પરાસ્ત નાસ્તિકતાં
લેખન : રસિક દવે
હું મારા મોસાળમાં ઉનાળુ વેકેશન માણવા જઈ રહ્યો હતો.
સાંજની ટ્રેનમાં છ વાગે નજીકના રેલ્વે સ્ટેશન ઉતરી ત્યાંથી બે કિ.મિ. ચાલતાં પ્રવાસનો આનંદ માણતાં, રસ્તાંની બંને બાજુની વનસ્પતિઓને નજરમા ભરતો અને વાયરાની લહેરથી મર્મરતા પર્ણોની મધુર મંજુલ ધ્વનિનો આનંદ માણતાં, નમતી સાંજના સૂરજના ઢળતાં પીળચટ્ટા અજવાસને ઝીલતો હળવે પગલે ગીરના અંતરિયાળ ગામ ભણી જતાં વિચારતો હતો, 'આ ઢળતો સૂર્ય અને સંધ્યાની પીળાશની જેમ માનવ પણ ઉમરના ઢળતાં પડાવે, તપન છોડી થોડો અશક્ત, ફિક્કો અને નરમ બની સંધ્યાના પાલવમાં સંતાંતાં સૂર્યની જેમ આયુષ્યના અવશેષે પરમ મિત્ર મૃત્યુના અંકે છેલ્લે લંબાવતો હશે ને પોતાંની જાત? તો પછી આ રાગ, દ્વેષ, મોહ, લોભ, મદ, મત્સર રૂપી ષડરિપુના કોઠાયુદ્ધમાં કેમ ફસાઈને જીવનને વ્યર્થ ગુમાવતો હશે?'
વિચારોમા ક્યારે ગામ આવી ગયુ તેનો ખ્યાલ પણ ન રહ્યો.
છેલ્લે આવેલો ત્યારે જેટલુ હતું તેનાથી હદ વિસ્તરી હતી. બીનખેતી થયેલા ખેતરોમાં નવા આવાસો બનતા હતાં તો કેટલાક બની ગયા હતાં અને મકાન ઘર બની કલરવતાં, ઘમઘમતા હતાં. આ ગોકુળિયા જેવા ગામમાં હજુ શહેરીકરણની સાંસ્કૃતિક અસર બહુ થઈ ન હતી.
બાળકો આ ગોધૂલિ સમયે નીજી રમતમાં લીન હતાં. હું વિચારતો વિચારતો હળવે હળવે ગલીઓ પસાર કરતો મોસાળની ડેલીયે પહોંચી ગયો. બહારથી સાંકળ ખખડાવી, ડેલી ખુલી અને મામાએ સહાશ્ચર્ય આવકારતાં કહ્યું, "એલા લે! તું! આવ આવ! અને પછી ઘરના બઘાને ઉદેશીને કહે, એ આ રઘુ આવ્યો છે."
બધા તુરત ઘરમાંથી ઓસરીમાં આવી ગયા. નાના-નાનીને અને મામીને પગે લાગી મામાના છોકરાઓ સાથે ભેટ્યો. પછી બા-બાપુ ને નાના ભાઈ-બહેનના કુશળ સમાચાર આપ્યા.
રાતના વાળુ કરી સૌ બેઠા.
પારિવારીક વાતો કરતાં મધરાતે સૌ નિંદ્રાદેવીને આધિન થયા.
સવારે પ્રાતઃ કર્મ પતાંવી હું બેઠો ને મામા કહે ચાલ આપણે આંબાવાડિયે જઈએ.
અમે આંબાવાડિયે પહોંચ્યા ને જોયુ તો ફાલ ખૂબ સરસ આવ્યો હતો. કેરીથી દરેક આંબાની ડાળો ઝૂકી પડી હતી. ટેકા કરી વધુ નમતી અટકાવી હતી.
મને થયું કે, "માણસ પણ કેમ વધુ સંપત્તિવાન અને હોદ્દાધારી બને તો આમ નમવાને બદલે કેમ ગુમાની બની જતો હશે? વૃક્ષ પાસેથી આટલી પણ સમજ કેમ નહીં લેતો હોય?"
મેં મામાને વાત કરી તો કહે, "રઘુ માણસને ભગવાને બુદ્ધિ અને વિચારશક્તિ આપી સ્વતંત્રતાં આપી છે સારાસાર વિવેકની. પરંતુ સાથે લોભ, મોહ, મદ પણ આપ્યા છે એટલે આ વળગાડ જ્યાં સુધી હોય ત્યાં સુધી નમ્રતા ના આવે અને હું પદની ભ્રમણા ચકરાવે ચડાવે."
બીજા દિવસથી નિત્યક્રમ હતો સવારથી સાંજ આંબાવાડિયે અને રાત્રે નાના કે જે કર્મકાંડ કરતાં અને સાથે ચાતુર્માસમાં ગામના ચોરે રામજીમંદિરમાં રામાયણ, મહાભારત અને વિવિધ આખ્યાન કાવ્યોને રાગરાગિણીથી લોકભોગ્ય ભાષામાં પીરસતાં તેમની પાસે એ કથાઓને સાભળવી.
મને આવ્યાને એક અઠવાડિયા જેવો સમય થયો હતો. મેં આજે મદાલસા આખ્યાન દરમિયાન નાનાને કેટલાક પ્રશ્નો કર્યા.
હું: "નાના આ પ્રેયનો અને શ્રેયનો માર્ગ એટલે શું?"
નાના: "જો રઘુ આ માનવ દેહ ઈશ્વરે આપણને લક્ષચોર્યાસી ફેરામાંથી મુક્તિ પામવા આપ્યો છે. પરંતુ આપણે તેની નિર્મિતી એવી માયાના કારણે મોહમાં ફસાઈને એ ભૂલી જઈએ છીએ અને સાંસારિક જીવનમાં એટલા ઓતપ્રોત થઈએ છીએ કે આ સંસારને જ જીવન લક્ષ્ય માની જીવન ફોગટ વેડફીએ છીએ. "
હું: "તો શું સાંસારિક જીવન ખોટું છે? અને જો બધા જ શ્રેયના માર્ગે જવા સંસાર છોડી દે તો સૃષ્ટિ આગળ પૂર્ણવિરામ પામે એનું શું?"
નાના: "જો રઘુ ક્યાંય એવુ લખ્યું નથી કે સંસાર છોડીને જંગલમાં જતું રહેવું. સંસારમાં સરસા રહેવું પણ આખરી ધ્યેય તો ઈશ્વર શરણ અને મોક્ષ પ્રાપ્તિ જ છે. જેમ નરસિંહ, કબીર, એકનાથ, ગંગાસતી, ગોરાકુંભાર, રવિ-ભાણ, વગેરે સંતો આ બધાએ સાંસારિક ફરજો બજાવતાં બજાવતાં જ સાધના કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાધ્યા જ છે ને? એટલે સંસાર ત્યજી જંગલને મંગલ કરવાની કોઈ જરૂર નથી. બહુ આગળ જોઈએ તો ઋષિ પરંપરામાં પણ બધા ગૃહસ્થી જ હતાં ને?"
હું: "પરંતુ નાના આ ઈશ્વરનું અસ્તિત્વ છે ખરૂં? કે બધા મનને ડરાવવાના કારસા જ છે?
કોઈએ ઈશ્વરને જોયો છે ખરો? તમારો શું અનુભવ છે?"
મને હતુ કે મારી આ દલીલ સાભળી નાના ચૂપકીદી ધારણ કરી લેશે. પરંતુ મારી ધારણાને ખોટી પાડતાં નાના બોલ્યા :
"જો રઘુ હું તને જે પ્રશ્નો કરૂં તેના સ્પષ્ટ જવાબ આપીશ તો તાંરા બધા જ સંશયો મટી જાશે. તું મને એ જવાબ આપ કે તેં તાંરી પહેલાની કેટલી પેઢીના વડવાઓને જોયા છે?
હું : "ત્રણ. હું, મારા બાપુજી અને મારા દાદા."
"તો પછી તમારી આગલી પેઢીઓ તેં જોઈ છે? "
"ના"
"તો તેં કેમ માની લીધું કે એ બધા તાંરા વડવાઓ હતાં?"
"મને અને મારા દાદાને એના વડવાઓએ જણાવ્યું એટલે"
"આપણી આસપાસ હવા છે એ આપણને દેખાય છે? નહીં ને? તો પણ જ્યારે પવન સ્વરૂપે વહે છે ત્યારે આપણે એનું અસ્તિત્વ અનુભવી એ છીએ ને?
એમ જ આપણી આસપાસ આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ છે તે જેનું સર્જન છે તે હાજર જ છે.
આપણે ઈલેક્ટ્રીક પ્રવાહ, રેડિયો તરંગો અને ટેલિવિઝન તરંગોને જોઈ શકતાં નથી છતાંં વિજ્ઞાને તેના અસ્તિત્વની સાબિતી આપી જ છેને?
આ શોધો જેણે કરી તે વિજ્ઞાનીઓ છે. એમ જ આ આધ્યાત્મિક વિજ્ઞાનના અનુભવીઓએ-ઋષિમુનિઓએ-જાત અનુભવથી સાધના વડે ઈશ્વરની અનુભૂતિ અને સાધના પદ્ધતિઓ આપી છે. જેવી રીતે રેડિયો તરંગો કે વીજચુંબકિય તરંગો ઝીલવા યોગ્ય એન્ટેના જોઈએ તો અને તો જ પ્રસારણ જોઈ શકીએ કે જોઈ અને માણી કે અનુભવી શકીએ તેમ સાધનાના પથમાં યોગ્યતા રૂપી એન્ટેના હોય તો એની અનુભૂતિ કરી શકીએ.
હા કેટલીક યોગ્ય વ્યક્તિઓને સદગુરૂની કૃપા આ અનુભવ કરાવી આપે. જેમકે નરેન્દ્રન-સ્વામી વિવેકાનંદને- રામકૃષ્ણે કરાવ્યો હતો.
આ એવા અનુભવો છે કે જે ઋષિમુનિઓએ નિર્દેશ્યા છે. જો એ માર્ગ અનુસરીએ તો આપણે પણ એનું અસ્તિત્વ પામી શકીએ.
જો ભાઈ હું બહુ ભણેલો તો નથી. એટલે તને તારી ભાષામાં સમજાવી ના શકું.
તેમ છતાંં આપણા ઉપનિષદોમાં અને ન્યાય મિમાંસા મુજબ કાર્ય-કારણનો અવિનાભાવી સંબંધ હોય છે. કારણ વીના કાર્ય કે પરિણામ સંભવે નહીં.
અરે જો માટી વગર કે જેમાંથી તે ઘડો નિર્માણ પામે છે તે પદાર્થ અને તેના ઘડનાર વગર એનું અસ્તિત્વ સંભવતુ નથી."
નાનાની વિચક્ષણ બુધ્ધિએ મને અવાક કરી દીધો. જે તત્ત્વજ્ઞાન હું હાલ ભણી રહ્યો છું એ નાનાને તો સહજ સાધ્ય છે.
હું તો જે પુસ્તકિયા ઉદાહરણો ન્યાયમિમાંસામાં છે તેને જ અનુસરતો રહ્યો છું એને બદલે નાના તો આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોથી મને સમજાવે છે. છતાંં મેં છેલ્લો દાવ અજમાવ્યો.
"નાના એ બધુ તો ઠીક, પણ ઈશ્વર સૌનો કર્તાં, ધરતાં અને હર્તાં છે તો એને કોણે બનાવ્યો?"
મેં મારી નાસ્તિકતાંને બળવો કરવા પ્રેરી.
નાના થોડીવાર મૌન રહ્યા. મને થયું કે હવે નાના આનો જવાબ નહીં આપી શકે.
પરંતુ મારા આશ્ર્ચર્ય વચ્ચે મને જવાબ આપતાં કહે:
"તેં કદી કરોળિયાને ઝાળુ બનાવતાં જોયો છે?"
"હા"
"તું કહે એ ઝાળુ શામાંથી બનાવે છે?"
"એ એની પીઠમાંના લાળ જેવા દ્રવ્યમાંથી."
"એ નીચે પડે તો ઊંચે કઈ રીતે ચડે છે? "
"એ જ લાળને પાછી પોતાંનામાં સમેટીને."
"બસ ઈશ્વર પણ આમ જ પોતાને વિસ્તારી સજીવ-નિર્જીવ સૃષ્ટિ નિર્માણ કરે છે અને ફરી પોતાની લીલા પોતાનામાં સમાવી લે છે."
મેં કહ્યું, "નાના આ મારા પ્રશ્નનો જવાબ નથી."
નાના કહે : "ભાઈ રઘુ જ્યારે આપણી એટલે કે માનવીની જીજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો સર્જાયા ત્યારે તેને,
હું કોણ છું?
મારૂ અસ્તિત્વ શા માટે છે?
આ સમગ્ર સૃષ્ટિ કોણે સર્જી?
એ સર્જનહાર કોણ છે અને ક્યાં છે?
એ શોધવા પોતાંની શોધવૃત્તિને અંદર વાળી.
એકાંતમાં બેસી નીજ જાતને નીહાળી અને એને જવાબ મળ્યો કે આ કુદરત એ જ હું છું. તે અને હું એક સિક્કાની બે બાજુ છીએ. આ અદ્વૈત જ ઈશ્વર છે.
। અહમ્ બ્રહ્માસ્મિ।
પરંતુ જેમ વૈજ્ઞાનિક શોધનો ઉપયોગ આપણે જાણીએ છીએ તેમ આ આધ્યાત્મિકતાંનું પણ એવુ જ છે.
જો યોગ્ય ઉપયોગ જાણીએ તો હું જ ઈશ્વર છું અને આ બધું જ હું છું એ ભાવ સુધી પહોંચી શકાય."
નાનાએ પોતાંની સમજણથી મને જે કંઈ જાણવાની ઇચ્છા હતી તે સહજ, સરળ, શબ્દોમાં શાસ્ત્રોના સાર રૂપ અમૃત આપી દીધું.
મારા પશ્નોના ઉત્તર મને મળી ગયા.
જો દ્રષ્ટાભાવ કેળવીએ અને જીવીએ તેમજ સઘળું સહજ બને છે એ સ્વીકારીએ તો આપણી અંદર જે છે તે જ બ્રહ્માંડે છે એનો આહ્લાદક - 'સત ચિત આનંદ' - સચ્ચિદાનંદનો ઈશ્વરીય અનુભવ લઈ શકીએ.
મેં બીજે દિવસે ઘરે જવા પ્રયાણ કર્યું ત્યારે નાનાએ કહ્યું, "રઘુ આ ગહન છે. તું માત્ર તારા શરીરની રચનાને જોજે અને એના વિશે વિચાર જે. એ સર્જનહારે કેટકેટલી ખૂબીઓ પોતાના સર્જનમાં મૂકી છે પોતાના જ અંશમાં. હજુ વિજ્ઞાન તેનો એકાદ ટકો પણ જોઈ શક્યું હોય તો પણ ઘણું છે.
આ જટિલ સંરચનાના આશ્ચર્યો પણ કાંઈ ઓછા નથી!
આ સૃષ્ટિની રચનાના રહસ્યો માટેના બોઝોન કણ વિશે મેં છાપામાં વાંચ્યું ત્યારે મને થયું કે આ અતળ ઊંડાણને પામવામાં આટલી સુવિધાઓ હોવા છતાંં પણ વિજ્ઞાનીઓને સમસ્યાઓ આવે છે ત્યારે એ ઋષિ વિજ્ઞાનીઓએ કેટલું ઉંડાણમાં ચૈતસિક શક્તિએ કામ કર્યુ છે. "
હું નાનાની આધુનિક વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયને વાગોળતો વાગોળતો રેલ્વે સ્ટેશન ભણી ઉપડ્યો ત્યારે મારી નિહિત નાસ્તિકતાંને પરાસ્ત થતી જોઈ રહ્યો.
10
શીર્ષક : નરસિંહ-કૃષ્ણ સંવાદે જીવનયોગ
લેખન : શૈલી પટેલ
નરસિંહ મહેતા ભજનમાં લીન છે, "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે.."
બહારથી અવાજ આવ્યો,
"ભક્ત નરસૈંયાની ડેલી આજ કે?"
અંદરથી નરસિંહ મહેતા: "એ કોણ? હા.. આવો મારા બાપલીયા.. કોણ છો?" કહેતાં દરવાજે આવ્યા. સામે જુએ તો સાક્ષાત યમરાજ એમના પાડા સાથે પધારેલ.
અચંબિત નરસૈયો કંઈ પૂછે એ પહેલાં જ યમરાજે કહ્યું "ઓહો..તો તમે છો ભગત. બધાના મ્હોંએથી તમારી ભક્તિની વાતો બહુ સાંભળેલી, તે થયું કે જાતે જ તેડતો આવું. હાલો ત્યારે, જવાનો વખત થઈ ગયો."
નરસિંહ: "પણ મારે તો ઈશ્વર સાથે જવું છે. એમની સાથે થોડી વાતો કરવી છે. હું તમારી સાથે નહીં આવું."
યમરાજ: "હા તો હું તમને યમલોક લઈ જઈશ, તમે કાયમ અદેહે તમારા ઈશ્વરની જોડે રહેજો.
નરસિંહ: "પણ મારે સદેહે ઈશ્વરની સાથે જતાંં જતાંં દેહ છોડવો છે. નરસિંહ મહેતા જીદે ભરાયા એટલે યમરાજે કહ્યું "અત્યારે ચાલો, પછી યમલોકમાં જઈ આગળની વ્યવસ્થા પ્રમાણે તમારી મુલાકાત શામળાજી જોડે કરાવવાની જ છે."
આ તો નવા જમાનાના નરસિંહ મહેતા! એમ તો માને નહીં. પલાઠી વાળી એકતારો લઈ શરૂ કર્યું;
"ધૂણી રે ધખાવી મે તો, હરિ તારા નામની.."
થોડી વાર થઈ એટલે કૃષ્ણથી રહેવાયું નહીં અને પધાર્યા પ્રભુ ભગતને આંગણે.
મંદ મંદ મુસ્કાન ને સૂરીલો કંઠ.
શ્રીભગવાનુવાચ: "ભગત આમ તો મોહમાયા બધું છોડી દીધું છે તો પછી આજ આ હઠ મમત કેમ?"
નરસિંહ: "મારો વ્હાલો પધાર્યો.. આહા..હાહા.. શામળા.. એ ગોવિંદ.. મુરારી..આવી ગયા?" કહેતાંંક ચરણ સ્પર્શ કર્યા.
ભગવાન : "લો આવી ગયો હું. ચાલો, હવે જઈએ યમલોક.
નરસિંહ: "પણ મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે તેના જવાબ આપી દો તો સારૂં."
ભગવાન: "આપણે સફર શરૂ કરીએ જતાંં-જતાંં વાતો કરીશું."
નરસિંહ: "જેવી આજ્ઞા પ્રભુ."
યમરાજ: "પ્રભુ મને પણ જાણવા ઈચ્છા છે. આપણે સાથે યમલોક જતાંં આ ચર્ચા કરીએ તો ચાલે?"
ભગવાન: "હા,ચોક્કસ.ચાલો એમ જ કરીએ.
ભક્ત નરસિંહ, બોલો શા પ્રશ્નો છે?
એ પહેલાં એ પ્રશ્નો ઉદ્ભવ્યા શી રીતે એ કહો."
નરસિંહ: "પ્રભુ,અત્યંત ગરીબીમાં મેં મારું આખું આયખું કાઢી નાખ્યું.તમારી ભક્તિને કારણે મારાથી એ સહ્ય બન્યું, પણ પૃથ્વીલોકમાં મારા જેવા બીજા ઘણાં છે અને એમની સ્થિતિ બહું કફોડી છે એટલે એમને જોયા ત્યારે આ પ્રશ્નો જનમ્યા."
ભગવાન, ભગવદ્ગીતાંમાં તમારો અને અર્જુનનો સંવાદ વાંચ્યો, તેમાં મહાભારત વખતે તમે અર્જુનને ઘણી વાતો સમજાવી. મહાભારત અને આજના જીવન વચ્ચે ઘણું સામ્ય છે.પોતે જ પોતાંના કુટુંબ સમક્ષ લડવું પડે એવી ઘટનાઓ લગભગ બધે થાય છે. હવે ઘર પરિવાર ચલાવવું, ઘરનાઓ જોડે જ લડવું, સામાજિક જીવન જીવવું આ બધામાં ભક્તિ તો માળીયે જ જતી રહે છે.
ભજન દ્વારા એને સમજાવાય કે "હરિને ભજી લે મનવા.. ચોર્યાસી કરોડના ફેરા પછી માનવ દેહ મળ્યો મનવા... ભજી લે ભગવાન."
હવે ચોર્યાસી કરોડ ફેરા પછી મળેલા માનવદેહે એણે મહાભારત કરવી કે ભક્તિ કરવી? ભક્તિ કરે તો તમે પણ ગીતાંમાં કર્મયોગ કરવાનું કહો છો. તમે માનવને કન્ફ્યુઝ કરો છો."
ભગવાન: "હું માનવને કન્ફ્યુઝ કરું છું? આ શું બોલ્યા નરસિંહ! માનવ ખુદ પોતે કન્ફ્યુઝ થાય છે."
નરસિંહ: "આમ શોર્ટ એન્ડ સ્વીટ નહીં ચાલે, પ્રભુ. સમજાવો વિસ્તાંરથી."
ભગવાન: "ગીતાંજીના પ્રથમ અધ્યાયમાં મેં અલગ અલગ દ્રષ્ટિએ મારો પરિચય આપ્યો છે જેમકે ડર લાગે તેવી બાબતોમાં હું ડર છું, વૃક્ષમાં હું પીપળો છું વગેરે... આમાં મારો પ્રયત્ન માણસનો તથાકથિત ડર દૂર થાય અને તે પ્રકૃતિની નજીક આવે એવો છે.
હકીકતમાં પહેલો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પોઇન્ટ, બધા માણસ ભક્તિ કરે છે સ્વાર્થની. મારા દર્શને એક ઉદ્દેશથી આવે છે. માંગણી અને યાચના. મને બાઈક, ઘર, ધંધો, નોકરી, છોકરી, બાજુવાળા કરતાંં વધારે પૈસા ઇત્યાદિ આપો. અમુક તમુક આપો તો હું શ્રીફળ, પ્રસાદ, ભોગ વગેરે ચડાવું.
આમાં તમે જેને ભક્તિ તરીકે આલેખો છો એવું તત્વ મને ક્યાંય જડતું નથી. હવે આમને મારે કહેવું જ પડે કે તમે તમારી મહાભારત જાતે જ કૂટો.
આનાથી ઉપર ઉઠીને યાચના ન કરે તો પણ ભક્તો એવું માંગે કે અત્યારે હાલ છે એવો એશોઆરામ કાયમ બની રહે એવી ગેરંટી વોરંટી આપો તો દરવખતે વ્રત-ઉપવાસ, જપમાળા કરીશ. બોલો નરસિંહ, આમાં મારે શું કરવું? કર્મયોગ જ બતાંવું ને? આનાથી આગળ ચાલીએ તો કર્મ યોગ કરતાં કરતાંં મારી આગળ "કર્મફળહેતુર્ભૂ" બને છે એટલે કે હું અત્યારે સારા કામ-જેવાકે (નવરા અને કામચોર લોકો)મંદિર આગળ બેસી રહે છે તેવાને દાન-દક્ષિણા આપી દઉં. હું એવાઓને દાનમાં દસ રૂપિયા આપી સમાજમાં ભિખારીઓની જમાતમાં વધારો થાય એવા પ્રયત્નો કરીશ પણ તમે એને મારા તરફનું દાન ગણી મને દસ કરોડની લોટરી લાગે તેવી વ્યવસ્થા કરજો.
આ ભક્તો બંદૂકની નોક પર મારી જોડે આવી અપેક્ષાઓ રાખે છે આને ભક્તિમાં કેમનું ખપાવવું?"
નરસિંહ: "હેં ભગવાન? તમારે તો મુશ્કેલી છે પ્રભુ! મને તો આ બધું ખબર જ નહોતી."
ભગવાન: "એટલે મારે એમને કર્મયોગ શીખવવો પડે."
અત્યારે ભજનના નામે સાવ વાહિયાત લખાણ ગવાય છે.સાંભળ્યું છે તમે?
" ભજન નહીં કરે તો બિલાડાનો અવતાંર થાશે,
મ્યાઉં મ્યાઉં કરતો જીવ બારણે બારણે જાશે,
ભજી લે રામનામ, નહીં તો કૂતરાનો અવતાંર થાશે,
ભાઉં ભાઉં કરતો જીવ બારણે બારણે ભટકાશે..."
બોલો આ સાંભળ્યું છે,તમે? માણસે એના ભજન માટે બિલાડી અને કૂતરાના અવતાર પર જજમેન્ટલ કેમ બનવું?
કેમ આ પૃથ્વી આખી તમારી છે?
બીજા જીવની રચના એ મારી ભૂલ હોય એવી પ્રતીતિ ભક્તિ દ્વારા કરાવવી એ શું અપેક્ષિત છે?
બિલાડી કે કૂતરો ક્યાંય તમને નડતાં નથી. એ ક્યાં તમારી દુનિયા લૂંટી લે છે, તો તમે એમને હેરાન કરો છો?
પ્રાણીઓને ગુલામ બનાવી મન ફાવે એવું વર્તન કરવામાં માણસો માહિર છે. એ પાછા ગાય ભેંસ દાન કરી મારી જોડે શરતો મૂકે. આમને મારે કહેવું જ પડે કે આ રીતે ભક્તિ ન થાય."
નરસિંહ: "ભગવાન તમારી બધી વાતો સાચી, પણ માણસ હવે વધારે કન્ફ્યુઝ થશે કે આખરે તમે કહેવા શું માગો છો?"
ભગવાન: "હું માત્ર એમ કહેવા માગું છું કે તમારું જે કામ છે એ સમયે એ જ કામ કરો.
ઉદાહરણ તરીકે, તમારી ઓફીસના કામ દરમ્યાન ભક્તિના વિચારો કરવા, ભક્તિના સમયે મીટીંગના વિચારો કરવાં.. આ બધી ગરબડ ન કરો. તમારું કામ એ તમારી જવાબદારી છે. સંપૂર્ણ નિષ્ઠાથી, ઈમાનદારીથી કરો. કોઈ ફળની આશા કે ગણતરી ના કરો. આ બધું મારી પર છોડી દો. તમારી દૈનિક ક્રિયાઓ સાથે સંપૂર્ણ સભાનતાંથી તમારું કામ કરો એ જ સાધના અને ઉત્તમ ભક્તિ છે. એને અનુરૂપ જે કંઈ પરિણામ આપવાનું હશે એ હું આપી દઈશ, તમે એની ચિંતાં ન કરશો કે હું બરાબર ફળ આપીશ કે નહીં?
તમે જેટલું બરાબર કામ કરશો હું પણ એટલું જ બરાબર ફળ આપીશ. ઇચ્છિત પરિણામ ન મળે તો મારો વાંક શોધવા કે નસીબને દોષ આપવા રોકાઈ જવાની જરૂર નથી. ઈમાનદાર કર્મના ફળ ઇચ્છિત જ મળે છે આવો અહેસાસ મેં દરેક સંવેદનશીલ મનુષ્યને કરાવ્યો જ છે.
કર્મ કરવું એ જ ભક્તિ છે. ભક્તિના નામે ખોટા પાખંડ, પ્રચાર કે વાણીવિલાસ નકામા થશે. મારા અસ્તિત્વની ચર્ચા કરવાથી હું મારા હોવાપણાની સાબિતી આપવા આવવાનો નથી એટલે આવું બધું છોડી જે તે સમયે જે કામ કરીએ એમાં ધ્યાન લગાવીએ એ જ સમાધિ છે. આટલામાં બધું આવી ગયું."
ચર્ચા ચાલતી હતી અને એવામાં અચાનક ઝાડ પરથી કાગડાનું બચ્ચું સમડીએ ઝપટ્યું. તે છટકીને નીચે જમીન પર પડયું. નરસિંહ ઉભા રહી ગયા. તરત જ બધા કાગડા કાંઉ, કાઉં કરતાંં ભેગા થઈ ગયા. સમડી ફરી આવી. અડધા કાગડા સમડીનો સામનો કરવા લાગ્યા ને બાકીના પેલા બચ્ચાંની નજીક પાંખો ફેલાવી છાંયડો કરવા લાગ્યા. નરસિંહને કશુંક યાદ આવ્યું ને એમણે બચ્ચાંને ઉઠાવી માળામાં મૂકયું. માળા ફરતે કાગડા ગોઠવાઇ ગયા ને સમડી ભાગી ગઈ.
ભગવાન મલકાતાં મુખે આનંદ લઈ રહયાં. પછી બોલ્યા," નરસિંહ, ભકિત થઈ ગઈ.ચાલો હવે."
મલકાતાં નરસિંહ ઈશ્વરની પાછળ ચાલ્યા.
થોડે આગળ નીકળ્યા,
એવામાં અચાનક યમરાજને કંઈક યાદ આવ્યું અને એક એક્સિડન્ટ થઈ ગયો. એક યુવાનનું માથું રોડ પર અથડાયું..ધડ્ડામ્..ધ્ધબ્બ... અને લોહીની નદી વહેવાં માંડી. નરસિંહે દોડીને એ યુવાનનું માથું પકડી પોતાંના હાથરુમાલથી ઢાંકી દીધો અને બૂમો પાડવા માંડયા "108...ને ફોન કરો."ભીડ ભેગી થઈ ગઇ અને બધા ફટાફટ ફટાફટ......
બધ્ધા ફટાફટ મોબાઈલમાં વિડીયો બનાવવા માંડયા. થોડીવારમાં યુવાનનો શ્વાસ બંધ થઈ ગયો. નરસિંહ સુન્ન થઈ ગયા. એમનાં મનમાં ઘોર સન્નાટો વ્યાપી રહ્યો.
ધીરે રહી એમની નજીક એમના કાનમાં ભગવાન બોલ્યા," ચાલો નરસિંહ, યમરાજનું કામ પત્યું, પણ નરસિંહ હજીય બૂમો પાડતાંં રહયા,"એમ્બ્યુલન્સને બોલાવો, કોઇ 108 બોલાવો...
આખરે ભગવાને નરસિંહનો હાથ ઝાલી ટેકો કર્યો.
હવે ખિન્ન નરસિંહ, યમરાજ, યુવાન,અને ઇશ્વર બધાં સાથે ચાલવા માંડયાં.
છેલ્લે ઈશ્વરના સ્મિતને જોઇ નરસિંહ હળવાશ અનુભવી રહ્યા.
11
શીર્ષક : રૂપજીવીની
લેખન : રીટા મેકવાન ' પલ '
શિયાળાની સાંજ ઢળતી હતી. દરિયા કિનારે ઉછળતાં મોજા ને મંદ મંદ વાતો સમીર વાતાંવરણમાં વધુ ઠંડક પ્રસરાવી રહ્યો હતો. રૂપા અને સલમા બંને ખુબજ પારદર્શક સાડી અને ટૂંકી બ્લાઉઝ પહેરી, આવતાં જતાં પુરુષો સામે બીભત્સ ચેન ચાળા કરી પોતાંની પાસે બોલાવી રહી હતી. બંને ૨૦ વર્ષની યુવા વેશ્યા હતી . સલમાને કોઈ એક યુવાને ફસાવીને બળાત્કાર કર્યો હતો. સમાજ અને લોકોનો સામનો ન કરી શકી ને ઘરેથી ભાગી નીકળી. છેવટે થાકી હારી વેશ્યા બની. પુરુષોને દેહ વેચી પૈસા પડાવી પેટ ભરવા લાગી.
રૂપાને તો ઘરના જ સગા કાકા એ બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકી. માબાપ નાનપણમાં જ મરી ગયા હતાં. કાકા એ આશરો આપી બળાત્કાર ગુજારી કાઢી મૂકી. છેવટે રખડતી રઝળતી પેટ ભરવા માટે દેહ વેચી બેઠી અને પછી એ જ ધંધો અપનાવી લીધો .
આજે બંને ખુબ જ ઉદાસ હતી. થોડા સમયથી કોઈ ગ્રાહક મળ્યો ન હતો. ખોલીનું ભાડું પણ ભરવાનું હતું. ખોલીનો માલિક પણ જયારે મન થાય ત્યારે તેમના શરીરને ભોગવી લેતો હતો.
સલમાએ રૂપાને કહ્યું, “ રૂપા જો પેલો મને બોલાવે છે. હું જાવ છું. મોડેથી આવીશ . તું બેસ જો કોઈ મળી જાય તો....”
રૂપાએ ખાલી હમમ કર્યું. ને આંખમાં પાણી લાવી બોલી, “ સલમા આપણે સ્ત્રીઓએ પુરુષને જન્મ આપ્યો ને એ જ પુરુષોએ આપણને દેહ વેચવા બજાર આપ્યું”. સલમાની આંખો ભીની થઇ પછી લાચાર ને મજબૂર એક ફિક્કું હાસ્ય વેરી ચાલી નીકળી. થોડી વાર પછી રૂપાની નજર દુર ઉભેલા એક પ્રૌઢ પુરુષને તાંકી રહી. તે ઉભી થઇ લચકાતી ચાલે પેલા પુરુષ પાસે ગઈ. ચશ્માં ઉતાંરી આંખ મીંચકારી ને બોલી, “ શેઠ ચાલ બેસવું છે? મજા કરાવીશ.”
પેલો પુરુષ પેન્ટમાં હાથ નાખી એકીટશે આ ૨૦ વર્ષની યુવાન લલનાને જોઈ રહ્યો. પછી હોઠ પર જીભ ફેરવી રૂપાનો હાથ પકડી ને બોલ્યો, “ કેટલા લેશે ?” રૂપાએ સાડીનો છેડો સરકાવીને બોલી , “એક કલાકના ૨૦૦૦ રૂપિયા“
પેલાએ કહ્યું , "ચાલ ક્યાં જઈશું?"
રૂપા બોલી,"તું લઇ જાય ત્યાં. કામ પતે પૈસા લઇ હું છૂટી."
પેલો હોટેલમાં લઇ ગયો. ને જમવાનું મંગાવ્યું. એક કલાક થયો વાતો કરી ૨૦૦૦ રૂપિયા આપી કહ્યું , “આજે નહિ ફાવે. કાલે દરિયા કિનારે મળજે. ”કહી જતો રહ્યો.
રૂપા આંખો ફાડી જોઈ રહી. ખોલી પર આવી ત્યારે સલમા આવી ગઈ હતી. એણે બધી વાત સલમાને કરી. સલમાને પણ નવાઈ લાગી કે પુરુષો આવા પણ હોઇ શકે ખરા? એણે રૂપાને કહ્યું, “જોઈએ કાલે શું થાય છે.” પછી વાતો કરતી સુઈ ગઈ. બીજે દિવસે સાંજે રૂપા એકલી જ દરિયા કિનારે ગઈ. તેણે ખુબ જ પારદર્શક ગાઉન પહેર્યું હતું. પેલો પુરુષ આવ્યો, એ રૂપાને જોઈ રહ્યો . ફરીથી હોટેલ લઇ ગયો. વાતો કરી જમાડીને ૨૦૦૦ રૂપિયા આપી ફરી મળવાનું કહી ચાલ્યો ગયો.
આવું સાત દિવસ સુધી ચાલ્યું. હવે રૂપા ગભરાઈ કે પૈસા આપે છે પણ મારા શરીરને હાથ પણ નથી લગાડતો. સાલો પોલીસનો માણસ હશે તો? કાલે વાતનો નિકાલ લાવીશ.
બીજે દિવસે રૂપાને સલમા બંને દરિયા કિનારે સાથે ગઈ. સલમા ઝાડ પાછળ સંતાંઈ ગઈ. “ શેઠ આજે અહીં જ બેસીએ.” કહી તેની બાજુમાં અડોઅડ બેસી ગઈ ને પેલાને અડપલા કરવા લાગી . પેલો પુરુષ થોડો દુર ખસવા લાગ્યો. તો એના વાળ ખેંચી બરાડી , “બોલ કોણ છે તું? કેમ રોજ મળે છે? “ કહી તેના શર્ટના બટન ખોલવા લાગી. પેલા પુરુષે એને ધક્કો માર્યો. રૂપા ફરીથી પછડાઈ તે વધારે ઝ્નુનથી ત્રાટકવા ગઈ તો પેલા એ એક તમાચો માર્યો. તેના હોઠમાંથી લોહી વહેવા લાગ્યું . તે રડી પડી. ધીમેથી ઉભી પેલાની પાસે ગઈ. જોયું તો પેલો પુરુષ રડતો હતો.
રૂપા બોલી,” શેઠ , તું શું કામ રડે છે ? રડવાનું તો અમારા જેવી અભાગી વેશ્યાઓના નસીબમાં હોય “ આ સાંભળી પેલો રૂપા પાસે ગયો તેના માથે હાથ ફેરવી બોલ્યો,"ના બેટી ના ... તું વેશ્યા નથી. કોઈ સ્ત્રી પોતાની જાતે પોતાનું શરીર ક્યારેય વેચતી નથી. એની કોઈને કોઈ મજબૂરી એને આ ધંધામાં લાવી દે છે. "બેટી" શબ્દ સાંભળી રૂપા પેલાની સામે જોઈ રહી. આજ સુધી કોઈએ એને બેટી શબ્દ કહ્યો ન હતો.
પેલાએ હાથ પકડી રૂપાને બેસાડીને કહ્યું ,” રૂપા તારા જેવડી જ મારી એક દીકરી હતી. કોઈ નરાધમે ફસાવી બળાત્કાર કરી ભાગી ગયો ને મારી દીકરી એ ઘર છોડી દીધું. ક્યાં છે? શું કરે છે? કોઈ ખબર નથી. એ વાતને બે વર્ષ થઇ ગયા. હું દરરોજ અહીં આવી મારી દીકરીને શોધું છું. એને દરિયા કિનારો ખુબ ગમતો. હું રોજ અહીં આવી મારી દીકરીને શોધું છું ને લાચાર બેબસ બેસહારા સ્ત્રીઓને મારા નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપું છું.
તું પહેલી વાર મળી ત્યારે મને મારી દીકરી ખુબ યાદ આવી . મેં તારા ચહેરામાં મારી દીકરીનો ચહેરો જોયો. રૂપા મારો વિશાળ બંગલો છે. સાત પેઢી ચાલે એટલો પૈસો છે, પણ કોઈ વારસદાર નથી .તું આવીશ મારા ઘરે દીકરી બનીને? બેટી, હું ભરત ગુંથણ સિલાઈ કામ , કોમ્પ્યુટરના ક્લાસ ચલાવું છું. નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીઓને બોલાવી આ બધું શીખવું છું.
રૂપા બોલી ,"હું નહિ આવી શકું. કારણ મારી બેન જેવી બેનપણી સલમા જે પણ આજ ધંધામાં છે.“ એણે ઝાડ પાછળ ઉભેલી સલમાને બોલાવી.
સલમા આવી તો પેલો પુરુષ હડપ કરતો ઉભો થઇ ગયો,"મારી પરી !!! મારી બેટી !!! ક્યાં હતી તું? “કહીને સલમાને ભેટી રડવા લાગ્યો.
સલમા પણ" ડેડી" કહીને ભેટી પડી. રૂપા બધું સમજી ગઈ. ધીમેથી ઉભી થઇ અંધારામાં ચાલવા લાગી. પેલા પુરુષે સલમાને દુર કરી દોડીને રૂપા પાસે ગયો. માથે હાથ મૂકી બોલ્યો,"મને આજે એક નહિ બે દીકરીઓ મળી. રૂપા તું પણ અમારી સાથે જ અમારા બંગલામાં રહેશે. તું અને મારી પરી કયારેય છૂટા નહિ પડો."
રૂપા બોલી,"શેઠ..."
પેલા પુરૂષે તેના મોઢે હાથ ધરી દીધો અને કહ્યું,"શેઠ નહિ ડેડી કહે બેટા." અને રૂપા આવા ઈશ્વરના સાક્ષાત રૂપ જેવા ફરિશ્તાના ચરણોમાં પડી ચોધાર આંસુએ રડી પડી. દરિયાના મોજામાં આકાશનો ચાંદલિયો પણ હિલોળે ચડી હસી પડ્યો. અને આકાશે એક તારલિયો પ્રકાશ પુંજ વેરી રહ્યો.
12
શીર્ષક : હું કોણ?
લેખન : સ્વીટી અમિત શાહ.' અંશ '
"જી, મારું નામ અવિનાશ.. મારા નામે રૂમ બૂક હશે!" મે રિસેપ્શનકાઉન્ટર પર પૂછ્યું.
"જી, સર! નમસ્તે...હું ,જરા ચેક કરી લઉં." કહી તેણે મારું અભિવાદન કર્યું.
મેં સહજભાવે સામે સ્મિત આપ્યું.
"જી, રાઈટ સર, આપનો રૂમ બૂક છે.. આ આપના રૂમની ચાવી."
રૂમમાં આવી મે પથારીમાં લંબાવવા વિચાર્યું. મુસાફરીનો થાક ઘણો હતો. પછી વિચાર્યું જરા બાથ લઈને થોડો સ્વસ્થ થઈ જાઉં. મે રૂમની બારી ખોલી, સામે ઘુઘવતો દરિયો, તેના મોજાં ઊંચા ઉછળી રહ્યાં હતાં. આમ પણ રાત્રિનો અંધકાર વધે જતો હતો. ઉપરથી બહાર જોરદાર ફૂંકાતો પવન ...મારા મુખ પર એક સ્મિત રમી ગયું. હું એ જ અવિનાશ! કેટલો બદલાઈ ગયો હતો! મેં મારી જાતને મનના અરીસામાં ડોકિયું કરી જોઈ. ખરેખર હું મને જ ઓળખી ન શક્યો. એ જોરદાર તોફાની પવનના સુસવાટા મને અતીતમાં ખેચી ગયા.
મુસાફરોની ધકામુક્કી વચ્ચે હું ટ્રેનમાં ચડ્યો. બેસવાની જગ્યા શોધવા લાગ્યો, પણ ના મળી. ઘરે જવાનું બિલકુલ મન નહોતું થતું. વાસ્તવિક રૂપે ઘર એટલે શાંતિનો ખૂણો..
મને વિધિનો વિચાર આવી ગયો..ઘરે જઇશ એવો વિધિની, માગણીઓનું લીસ્ટ તૈયાર જ હશે. વિધિ કેમ સમજતી નથી.
ઘર તરફ જતાં ખુશી થવી જોઈએ ત્યાં મને ભાર લાગી રહ્યો હતો.
"હું નથી કરી શકતો. તને કહ્યુંને વિધિ... આનાથી વધારે દોડવાની તાંકાત મારામાં નથી. કેમ આટલું ભાગવું છે તાંરે.. મને તો એ જ સમજ નથી પડતી. આ ડિજિટલ યુગ મારી ઓળખથી બહાર છે..માણસ જ્યાં બે ઘડીની શાંતિ ના પામી શકે ત્યાં તેનું જીવવું શું?"
"આ બધા તાંરા બહાના છે અવિનાશ...તું તાંરી ઓફિસના સુદેશને જ જોઈ લે. કેટલો આગળ વધી ગયો અને તું!"
"અને તું...એટલે....તું કેહવા શું માગે છે વિધિ?
વિધિ તાંરો આ રોજનો ક્રમ થઈ ગયો છે. તું મહત્વાકાંક્ષાનો મધપૂડો બનતી જાય છે. તાંરી આ રોજ રોજની બબાલથી હું કંટાળી ગયો છુ. ક્યારેક હૂંફના બે શબ્દો પણ બોલતાંં શીખ વિધિ."...કહી હું, ઘરની બહાર નીકળી ગયો.
ધીરે -ધીરે હું હતાંશાના વાદળમાં અટવાતો જતો હતો. મરીનડ્રાઇવના દરિયા કિનારે બેઠો દરિયાને જોઈ રહ્યો હતો. હું, ક્યાં છું? હું ક્યાંક મારી જાતને ખોઈ રહ્યો હતો. અંદરનો દરિયો એટલો ઘુઘવતો હતો કે દરિયામાં ગરકાવ થવાનો વિચાર પણ મનમાં ઉમટી ગયો. ત્યાં એક લહેર આવી મને અડી ગઈ.'
હું થોડો વિચારો માંથી બહાર આવ્યો. મારી નજર એક ચિત્ર પર પડી અને હું જોઈ રહ્યો. સંધ્યાના ઢળતાંં રંગો સાથે એક માણસ અંધકારમાં જઇ રહ્યો હતો. પછી મેઘધનુષ્યના વલયોને ચીરીને પસાર થતાંં પાછો અજવાળા તરફ જઇ રહ્યો હતો.
તે ચિત્ર જોઈ હું અંદરથી પીગળતો ગયો.
આ તો મારો જ પડછાયો. હું કેમ વિચલીત થઈ ગયો. મેં મને ઢંઢોળ્યો. સમયના બે પાસા છે અંધકાર પછી અજવાળું....
મને પણ એક પ્રકાશ અડી ગયો. હું મારા વિચારો પર પૂર્ણવિરામ મૂકી તેની તરફ ગયો.
"અદ્ભુત, શું તમારી કલાકારી છે!"
પેલા માણસે મારી દિશામાં જોયું.
"મારું નામ અવિનાશ, તમારી આ કલાકારીએ મને ફરી જીવંત બનાવ્યો છે.
મે નોંધ્યું તે ચક્ષુહિન હતો.. મારા મુખેથી ફરીથી અદ્ભુત નીકળી ગયું.
"મારું નામ નયન."
"વાહ, કેટલું સરસ નામ." મે કહ્યુ... પછી હું મોન થઈ ગયો
પછી એ જ બોલ્યો.
"તમે એ જ વિચારો છો ને! હું જોઈ નથી શકતો છતાંં?"
"હમમ..." મારાથી એટલું જ બોલાયું.
"મારા મનની આંખોથી હું ચિત્રો બનાવું છું
હું જોઈ નથી શકતો પરંતુ અનુભવી શકું છું. દુનિયા અંધારા પછી કેવો પ્રકાશ ફેલાવતી હશે અને આ જે મેઘધનુષ્યના રંગો છે એ સુખ દુઃખની પરિભાષા જાણે.
હું અવાક્ રહી ગયો. હું જોઈ શકું છું
છતાંં જોઈ ના શક્યો અને આ નયન, જેને મનની આંખોથી.....
તે તેનો બધો સામાન આટોપી બોલ્યો,"ચાલો હવે ધરે જવાનો સમય થયો."
હું તેને જતાંં જોઈ રહ્યો. તે મને કંઈક આપીને ગયો હતો. હું ક્યાંની ઓળખાણ.
મને શોધવામાં મારી મદદ કરતો ગયો.
ડોરબેલ, વાગી....હું અતીતમાંથી પાછો આવ્યો.
સર... આપની કોફી અને ડીનર...
મે દરવાજો બંધ કર્યો.
વિધિની પોસ્ટ વાંચી "માય હસબન્ડ ગોટ પ્રમોશન" એન્ડ લોન્ચિંગ અ બૂક... "હું કોણ"...મે સ્મિત કર્યું .
હું તે દિવસ પછી ક્યારેય જિંદગીમાં દોડ્યો નહોતો અને વિધિ તેની મહત્વાકાંક્ષાઓ સાથે બદલાઈ નહોતી.
હું આજે પણ શાંતિને અજવાળું માનતો હતો. વિચારો સાથે મે પથારીમાં લંબાવ્યું
"વિધિ જરા લાઈટ ઓફ કર ને. "
"જોને અવિનાશ કેટલી બધી કૉમેન્ટ્સ આવી છે."
વિધિના આ ડિજીટલ શોખને મમળાવતાં ક્યારે આંખ લાગી ગઈ ખબર ના પડી.
સવારે તાંળીઓના ગડગડાટ વચ્ચે મારી બુકનું વિમોચન થયું.
"અવિનાશ તમારી બુકનું ટાઇટલ બહુ જ સરસ છે. 'હું કોણ....'
અને તેની પહેલી લાઈન. 'પતંગિયાના રંગો જેવી છે જીંદગી... તમારો રંગ તમારે જાતે જ શોધવો પડે છે....અને હું ક્યાં, જડી જાય છે....."
"એક અજવાળું નયન મારામાં કરી ગયો, કદાચ આ તેનો પડછાયો હતો."કહી મે નયનનાં હાથે બૂક લોન્ચિંગ કરાવી...