ત્રિકોણીય પ્રેમ - 10 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 10

ભાગ…૧૦

(સાન્યા તેનો પીછો કરનારને પકડી લે છે અને તેેમને અશ્વિન જોડે લઈ જાય છે. પણ તે અશ્વિન સરના માણસ છે એ જાણીને સાન્યાને નવાઈ લાગે છે. આજે ફાધર્સ ડે હોવાથી સાન્યા તેના પપ્પાને યાદ કરે છે. હવે આગળ....)

"મને મારા પપ્પા યાદ નથી, તો આમને જ પપ્પા માનીને ફાધર્સ ડે મનાવું.'

એમ વિચારીને સાન્યા ઘર તરફ જવા લાગી. જેવું તેને આંગણે એકટીવા પાર્ક કર્યું તો ઘરમાં થી સરસ ખુશ્બુ આવી રહી હતી.

' હમમ.. આજે તો મીના આન્ટીએ સરસ વાનગી બનાવી લાગે છે કે શું?'

આ ખુશ્બુથી જ તેની ભૂખ ખૂબ વધી ગઈ એટલે તે ફટાફટ અંદર આવી. પણ મીના આન્ટીની જગ્યાએ સજજનભાઈ કીચનમાં કામ કરી રહ્યા હતા. તેને જોઈને તે બોલ્યા કે,

"બેટા, જલ્દી હાથ પગ ધોઈ લે, તારું ભાવતી આઈટમ ડીનરમાં બનાવી છે, એ પણ મારા હાથની...."

"સાચે જ, તમે બનાવ્યું, પણ કેમ?"

"અરે બેટા, આજે મીનાબેન નથી આવવાના, એવું બપોરે કહ્યું. એટલે મને થયું કે આજે હું બનાવું."

સજજનભાઈએ સાન્યાનો ઈશારો સમજતાં કહ્યું.

"પણ તમને?"

"હા બેટા, હું તો પહેલેથી જ બનાવતો હતો ને, પછી તો બેટા..."

સાન્યા અસમંજસમાં પડી છતાં તેમનું મન રાખતાં પૂછ્યું કે,

"તો પછી શું બનાવ્યું છે ડીનરમાં, મારા માટે?"

"હં... રોટી, શાહી પનીર, જીરા રાઈસ, દાલ ફ્રાય, સલાડ, ફ્રાય પાપડ, પીકલ અને ડેઝર્ટમાં તારા ફેવરેટ ગુંલાબજાબું, બધી જ તારી ફેવરેટ આઈટમ છે."

"મારું ફેવરેટ.... તો મને યાદ જ નથી. તમને યાદ છે, તો કદાચ તે મારું ફેવરેટ જ હશે."

સાન્યા પરાણે હસતાં બોલી તો તેના પપ્પા,

"હા બેટા, મને ખબર છે કે તને કંઈ યાદ નથી, પણ તું એકવાર ચાખી તો જો. પછી કહેજે કે તને કેવું લાગ્યું, અને હું એટલું બધું ખરાબ નથી બનાવતો."

વાતાવરણ હળવું કરવા કહ્યું.

"ઓકે, હું ફ્રેશ થઈને આવું."

સજજનભાઈએ તેની પ્લેટમાં પીરસયું. સાન્યાને ભૂખ લાગી હોવાથી તે ફટાફટ જમવા બેસી ગયા. તેને જેેવો પહેલો કોળિયો પોતાના મ્હોંમાં મૂકયો અને તે ખુશ થઈ ગઈ કે,

"વાહ, આટલું ટેસ્ટી જમવાનું, મને ખૂબ જ ભાવ્યું. તમે આટલી સરસ રસોઈ બનાવો છો, એ તો મને આજ સુધી ખબર નહોતી. આજ પહેલાં તમે ક્યારેય નથી બનાવ્યું અને આજે કેમ?"

સજજનભાઈ હસ્યા અને કહ્યું કે,

"બેટા, પહેલાં પણ બનાવતો જ હતો અને આજે એટલા માટે કે ફાધર્સ ડે છે, તને યાદ નથી એટલે મને થયું કે મારી દીકરીને ભાવતું બનાવીને મારા હાથે જ જમાડું."

તેમની આંખોમાં આસું જોઈને, તે દુ:ખી થઈ ગઈ પણ થાય શું?

"તો તમે ફરીથી મારા માટે બનાવશો, પણ ક્યારેક ક્યારેક જ?"

"હા, બેટા કેમ નહીં, એક મિનિટ હું તારા માટે ગીફ્ટ લાવ્યો છું."

"ગીફ્ટ... પણ કેમ? ડીનર, સરપ્રાઇઝ, આજે મારો બર્થ ડે છે કે શું?"

"હા, બેટા તારો બર્થ ડે છે, એટલે જ તારા માટે આ ડાયમંડ ઈયરિંગ્સ અને રીંગ લાવ્યો છું. તું પહેરીશને તારા પપ્પાને યાદ કરીને..."

"કેમ નહીં એમ સમજીશ કે મારા પપ્પાએ ગીફ્ટ આપી છે. આ ગીફ્ટને હું મારાથી કયારે પણ અળગી નહી કરું, પ્રોમિસ."

સાન્યાએ એ પહેરવા બોક્સ ખોલ્યું તો તેમાં નાજુક અને સુંદર ગોળ ડિઝાઇનવાળી સાત નંગ ફીટ કરેલા ડાયમંડની ઈયરિંગ્સ, એવી જ સેઈમ રીંગ પણ હતી.

સજજનભાઈએ ઈશારાથી તેને પહેરવા કહ્યું તો, સાન્યાએ પહેરતાં જ ઢીલી પડી ગઈ.

"બેટા, તારી આંખમાં આસું, તને ના ગમી કે શું, એવું હશે તો બદલાવી દઈએ?"

"ના, સરસ છે, મને ડિઝાઇન ખૂબ ગમી."

સાન્યાએ પોતાની જાતને સંભાળતા બોલી કે,

"પપ્પા, ચાલો તમે પણ મારી સાથે જમવા બેસી જાવ, પછી આપણે આઇસક્રીમ ખાવા જઈશું. આજે આમ પણ ફાધર્સ ડે છે, અને સાથે મારો બર્થ ડે પણ."

"હા, મને ખબર છે, તું મને ફાધર્સ ડેના દિવસે જ ગીફટમાં મળી હતી. ચાલ જમી લઈએ."

કહીને તે પણ જમવા બેસી ગયા, પણ તેમની આંખની કીકીમાં રહેલાં આસું તગતગી ઊઠયા અને તે જોઈને સાન્યા વિચલિત થઈ ગઈ. છતાં જમીને તેઓ આઇસક્રીમની મોજ પણ માણી. પણ આ બધામાં સાન્યાની અવઢવ અકબંધ હતી.

"આપોને માઈ બાપ... આપોને કંઈક તો આપો, આ ભૂખ્યા પેટને ઠારવા તો કોઈ આપો. ઓ ભાઈ આપોને.... ઓ માઈ બાપ..."

ચાની લારી આગળ જઈને કહ્યું કે,

"એ ભાઈ, એક રકાબી ચા તો દે, તારું ભગવાન ભલું કરે..."

વિસામો પરવાળાએ તેની સામે જોયું તો,

'એક બાજુના વાળ વધેલા જ્યારે એક બાજુના વાળ ઉંદરે કતરી ગયો હોય તેવા વાળ. કપડાંમાં એક બાંય ટૂંકી અને એક બાંય લાંબી, અડધાં બટન તો હતાં નહીં અને હતાં તે આડા અવળા વાખેલા અને એવું ફાટી ગયેલું ખમીસ પહેરેલું અને નીચે તો પેન્ટ એના પર લબડી પડયું હોય એવું લાગતું. ચહેરા પરના ગાલ બેસી ગયેલા, નાક ચપટું અને કપાળ એકદમ ઉપસેલું, આંખો ઊંડી ઉતરી ગયેલી એમ કહી શકાય કે ચહેરા પર કોઈ નૂર નહીં અને પેટ તો અડધું હાડકાં સાથે જ ચોંટી ગયેલું અને હાથ પગ સાવ દોરડી જેવા હતાં. પણ ઉંમરથી કદાચ 30-35 વર્ષનો યુવાન લાગતો હતો.

"એ જા આગળ, સવારના પહોરમાં હજી બોણી થઈ નથીને આ આવ્યા માંગવા, જા છાનોમાનો અહીંથી."

એમ કહીને તે ભિખારીને ધક્કો મારે છે. તો ત્યાં બેઠેલા માણસે કહ્યું કે,

"એ ભાઈ સવારના પહોરમાં કોઈના પર જુલ્મ કેમ કરે છે. અને અલ્યા એ તું દરેકનો માર ખાય છે, એમની ગાળો સાંભળે છે. એના કરતાં સામે રહેલા આશ્રમમાં જા, તો ત્યાં ખાવાનું મળશે અને ભગવાનનું નામ ભજવા પણ મળશે, તો આવતા ભવમાં તારું કંઈક કલ્યાણ થાય."

"એ સારું માઈ બાપ, તમે જેમ કહો તેમ. પણ હાલ તો આ ચા પીવડાવી અને આ ભૂખ્યા પેટને ઠારોને, ગઈ કાલનું કંઈ નહીં ખાધું."

"અલ્યા, હું તને તારા કલ્યાણ માટે કહું છું અને તું મારી જ આગળ માંગણવેડા કરવા લાગ્યો, કયારે સુધરીશ ભીખારો કયાંનો?"

"પણ ખાલી પેટે ના ભજાય ગોપાલા, બાપા... અને હું ખાલી ચા જ પીવડાાવાનું કહું છું ને સાહેબ, બસ?"

"સારું ચાલ, એ ભાઈ એક ચા દે ને આને..."

ખેડૂત પણ ગુસ્સે થતાં તેના હાથમાં ચાની પવાલી આપી. તે ભિખારી દયાભરી નજરે જોતાં લીધી અને જાણે કેટલા દિવસે ભગવાન જોયા હોય તેમ સ્નેહભરી નજરે જોતાં ચા પીવા લાગ્યો. ચાની પવાલી મૂકવા ગયો તો વિસામો પરવાળાએ તેેને જોઈને બડબડતાં કહ્યું કે,

"આ ઉંમરે ભીખ માંગવા કરતાં કંઈ કામ કરતો હોય તો, બે હાથ પગ સહીસલામત છે. અને જો કામ કરીશ તો પછી ખાવા પણ મળશે અને કોઈ માન પણ આપશે."

"હે ભાઈ, કોઈ કામ આપે તો કરું ને, તમે કામ આપશો."

બે હાથ જોડીને તેને આજીજી કરતાં કહ્યું, તો પેલા ભાઈએ ચાના પૈસા આપતાં બોલ્યા કે,

"એટલે જ તો મેં તેને આશ્રમમાં જવાનું કહ્યું. ત્યાં તને ખાવા પણ મળશે અને કામ પણ મળશે. જેથી તારે ભીખ નહીં માંગવી પડે. બાકી મજબૂરી તો શું નું શું ના કરાવે, તે જ નવાઈ. ચાલ ભાઈ ત્યારે..."

કહીને તે ગ્રાહકે વિદાય લીધી. જયારે પેલા ભિખારી એ આશ્રમ તરફ ગયો અને આશ્રમમાં તે કોઈની રોકટોક વગર આગળ વધી ગયો.

(સાન્યા સજજનભાઈએ આપેલી ગીફટ શું તેની સાથે રાખશે? કે પછી કયાંક તે ખાલી માન રાખવા પૂરતી જ પહેરશે? આ ભિખારી કોણ છે? શું આશ્રમવાળા તેને કામ અને ખાવાનું આપશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ..... ભાગ....11)