Trikoniy Prem - 1 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 1

ભાગ….૧

કુદરતનો ખેલ કેવો છે નિરાળો,

કદી કશું હોતું નથી કાયમી આપણી સાથે,

પછી ભલે સુખ હોય કે દુઃખ,

વિચાર હોય કે શક્તિ દરેકની પાસે,

ક્ષણ બે ક્ષણ જ્યાં જીવન ધબકાર,

ધબકે ને ખોવાઈ જાય છે સૌ સાથે,

આવું જ કંઈક થ્રીલ માણીએ,

અને ખેડીએ રોમાંચક સફર સૌ સંગાથે.

મિત્તલ શાહ

"આત્માનંદ બાબાજી કી જય...

આત્માનંદ બાબાજી કી જય..."

એક ટોળું જોર જોરથી બોલીને જયનાદ કરતાં એક આશ્રમ તરફ જઈ રહ્યા હતા. થોડેક દૂર એક આશ્રમ હતો.

આશ્રમનું નામ હતું, 'બાવાજી મહારાજ આશ્રમ'.

ફૂલછોડ ના લીધે તે હરિયાળીથી ભરપૂર, વચ્ચોવચ્ચ ફૂવારો અને આજુ બાજુ નાની નાની કુટિરમાં બીજા સાધુ અને ફૂવારાની સામે અને નાની નાની કુટિરની વચ્ચે એક મોટી કુટિર એ આત્માનંદ મહારાજની હતી. આશ્રમ જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય અને શાંત થઈ જાય એવું સુંદર શાંતમય વાતાવરણ જાણે ફૂલછોડ જ સંગીત વહાવતા હોય તેમ ધીમું ધીમું, સુંદર અને મધુર સંગીત.

પક્ષીઓ જાણે ભગવાનનો જયનાદ કરતાં હોય તેવો,

'યોગી આત્માનંદનો જય જયકાર..'

ધીમો ધીમો ગુંજી રહ્યો હતો. ત્યાં તો દુશ્મન જેવા લાગતા પશુ પક્ષી પણ સાથે બેસીને આત્માનંદ મહારાજની વાણી શ્રવણ કરવા તત્પર હોય તેમ તે મુખ્ય કુટિરની આજુબાજુ ફરી રહ્યા હતા.

એટલામાં પેલું ટોળું જયજયકાર કરતું આવ્યું અને મુખ્ય કુટિર આગળ જયજયકાર કરવા લાગ્યું. તેમાંથી એક ચેલો આવ્યો ને બોલ્યો,

"યોગીરાજ આત્માનંદનો જય... ભક્ત ગણો આત્માનંદ મહારાજ હાલ તો ધ્યાનમાં બેઠેલા છે. તેમને ખલેલ ના પાડશો. તમારા દુઃખ દૂર કરવા માટે તેમના પ્રવચન ખંડમાં આપ રાહ જુઓ. યોગીરાજ આત્માનંદનો જય..."

કહીને તે ચેલો જતો રહ્યો અને તે ટોળું પ્રવચન ખંડ તરફ જવા લાગ્યું.

મુખ્ય કુટિરની જમણી બાજુ એક મોટો પ્રવચન ખંડ તૈયાર કરેલો હતો. બિલકુલ એક મોટી કુટિર જેવો જ, છત પર ઘાસના પૂળા અને છત આજુબાજુ સિમેન્ટના થાંભલા પર બનેલી. ત્રણે બાજુ ભીંત ના હોવાથી ખુલ્લું હતું અને એમાંય હરિયાળી ભરપૂર હોવાથી ખૂબ સરસ અને મંદ મંદ ઠંડો પવન વાતો.

ભીંત સાઈડ એક બાજુ સીડી પ્લેયર અને સ્પીકર ગોઠવેલા હતાં, તેમાંથી ધીમો ધીમો મંત્ર જાપ કાં તો ભજન ચાલી રહ્યા હતા. તેની બાજુમાં એક મોટી પાટ અને તેના પર સિંહાસન જેવી બેઠક બનાવેલી હતી. એની બાજુમાં જ એક નાનકડી પ્રતિમા અને તેની આગળ કોરું ચંદન મૂકેલું. જેમાં ભકતગણ પૈસા મૂકીને તે પ્રતિમાની પૂજા કરતા.

આશ્રમમાં સંગતીમય વાતાવરણ અને સીડી પર વાગતાં મંત્રથી પ્રવચન ખંડમાં બેસેલા દરેક લોકો આત્મામાં લીન થઈ જતાં અને સમાધિ અનુભવી રહ્યા હોય એવું લાગતું. અને આનાં લીધે દરેકના મનનો ઉચાટ અને ઉત્પાત શાંત થઈ જતો. મન શાંત થઈ જતાં લોકો સીડીમાં વાગતાં મંત્રનો આપોઆપ જાપ કરવા લાગી જતાં. પ્રવચન ખંડમાં જઈને તે ટોળાંએ પણ મનગમતું સ્થાન લઈ લીધું. અડધી કલાક પછી એક સંતપુરુષ જેવાં લાગતાં તે પ્રવચન ખંડમાં પ્રવેશ્યા. એક પહોળો, ઊંચો અને હટ્ટોકટ્ટો માણસ, શરીર પર ભગવા કપડાંની ખેસ અને ધોતી પહેરેલી. તેના કપાળ, હાથના બંને બાજુમાં ત્રણ ચંદનની લાઈન કરેલી. ગળા અને હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા વીંટાળેલી હતી. એક હાથમાં રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ ચાલુ હતાં. તેમને પોતાની બેઠક ગ્રહણ કરી.

તેમની જોડે તેમના જેવો જ પણ સફેદ વસ્ત્ર ધારણ કરેલો એમનો શિષ્ય, તેમની બાજુમાં ઉભો રહી ગયો. તે હતો તેમનો મુખ્ય શિષ્ય અને આશ્રમ સંભાળનાર ચંપાનંદ મહારાજ.

ચંપાનંદ મહારાજનાં ઈશારે બધા ઊભા થઈ 'યોગી આત્માનંદ કી જય.. યોગીરાજ આત્માનંદ કી જય...' બોલવા લાગ્યા.

બેઠક પર બેસેલ વ્યકિતએ હાથ ઉંચો કરીને જયઘોષ બંધ કરવાનું કહ્યું. પછી પ્રવચન આપવાનું શરૂ કર્યું,

"દરેક જીવને સ્વતંત્ર રહેવાનો હક છે અને તેને રહેવા પણ દેવો જોઈએ. કેમકે જીવ અને આત્મા તો મુક્ત છે, બંધાયેલું છે ફક્ત આ શરીર અને શરીર બંધનોથી બંધાયેલું છે, બંધનો સંસારે બનાવેલા છે. આત્મા તો આ સંસારથી અને બંધનોથી મુક્ત છે. તેને મુક્ત જ રહેવા દેવો જોઈએ તો જ તે પરમાત્મા બનવા તરફ પ્રયાણ કરી શકશે.

પણ આપણે તેને દુનિયાની નજીવી વસ્તુ જેવી કે ઘર, ધન, સંપત્તિ અને પરિવારમાં બાંધી લઈએ છીએ, બાકી આ ધન, સંપત્તિ, પરિવાર એ તો મોહ માયા છે. અને તેને આ મોહમાયાથી જલ્દી મુક્ત કરવો જોઈએ. માટે જ આ મોહ માયા છોડી દો. અને ખાસ યાદ રાખો કે આત્મા એ ફક્ત આ દુનિયામાં થી મુક્ત રહેવા માટે સર્જાયો છે અને, જીવનમાં આનાં જેવું જેવું સત્ય બીજું કંઈ નથી અને કયારે થશે પણ નહીં. અને આ સત્ય જેટલું આપણે જલ્દી સ્વીકારીએ તેટલું જ આપણા માટે ઉત્તમ છે. અને તો જ આપણે આ શરીરની ભ્રમ જાળમાં થી બહાર નીકળી શકીશું. અને એ માટે આપણે દરેકે જાપ કરવો જોઈએ. મંત્ર છે, ૐ શાંતિ... ૐ શાંતિ...

આ જાપ કરવાથી આત્માને શાંતિ થશે અને આત્માની ઉન્નતિ પણ થશે."

પ્રવચન પુરું થતાં જ આત્માનંદ મહારાજનાં ઈશારે તેમનો મુખ્ય શિષ્ય બોલ્યો કે,

"જેને કંઈપણ તકલીફ હોય તે મહારાજની પાસે જઈને કહી શકે છે. યોગીરાજ તેમની તકલીફનું નિવારણ કરશે. યોગીરાજ આત્માનંદ કી જય..‌."

એટલામાં એક માણસ ઊભો થયો અને મહારાજ પાસે જઈને પગે લાગ્યો અને કહ્યું કે,

"આત્માનંદ મહારાજ કી જય... બાવાજી મહારાજ, મને ઉગારો. મને આ તકલીફમાંથી ઉગારો. તમે જ મારો આશરો છો, હું તમારા પાસે બહુ આશાથી આવ્યો છું. મારો ઉદ્ધાર કરો.”

( શું થયું હશે તે ભાઈને જે તેમને બચાવવાની ટહેલ નાખે છે? શું બાવાજી મહારાજ તેમને તેમની તકલીફમાંથી બહાર કાઢી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED