(સાર્થક વૈદેહી અને શિખાને ઘરે ડ્રોપ કરે છે. સવારે થયેલી મારામારીમાં વૈદેહીને હાથમાં વાગ્યું હોવાથી એનો હાથ સુજી જાય છે. શિખા એને હોસ્પિટલ જવાનું કહે છે પણ વૈદેહી કંઈ જરૂર નથી એમ કહી વાત ટાળી દે છે. બીજી તરફ ગરિમાબેન વૈદેહીને કહે છે કે એમનું માથું દુઃખે છે તો આજની રસોઈ એ બનાવે. વૈદેહી વાંચવાનું બાજુ પર મૂકી રસોઈ બનાવવા જાય છે. હવે આગળ)
વૈદેહી જલ્દી જલ્દી રસોડામાં ગઈ અને મનોજ નામનાં એક જુનિયર કૂકને એણે શું બનાવવાનું છે એ પૂછ્યું.
"મોટી બાએ આજે કાઠિયાવાડી રસોઈ બનાવવા કહ્યું છે." મનોજે કહ્યું.
"કાઠીયાવાડી ! એમાં શું શું બનાવવાનું છે ? મતલબ બધી જ કાઠીયાવાડી વાનગીઓ તો નહીં જ બનાવવાની હોય ને ?" વૈદેહીએ પૂછ્યું.
"મોટી બાએ કહ્યું છે કે રીંગણનો ઓળો, બાજરીના રોટલા, ભરેલાં મરચાનું શાક, ખીચડી, કઢી અને મેથીનાં ગોટા. શિખાબેન રોટલા નથી ખાતાં તો એમનાં માટે ભાખરી બનાવવાની છે." મનોજે આંગળીનાં વેઢે ગણી બધી વાનગીઓ કહી.
"ઓકે !" વૈદેહી કંઇક વિચારીને બોલી.
'અત્યારે સાડા પાંચ તો થઈ જ ગયા છે. સાત વાગ્યે સાર્થક અને અંકલ આવી જશે. તો મારી પાસે આ બધું બનાવવા માટે દોઢ કલાક છે. ઘરનાં કુલ પાંચ અને અહીં જમતાં છ સર્વન્ટ્સ એટલે અગિયાર.' વૈદેહીએ મનમાં કંઇક ગણતરી કરી અને મનોજને કહ્યું.
"મનોજભાઈ, હું જે વસ્તુઓ કહું એ મને આપો. અને આ રીંગણ ધોઈ એને ગેસ પર શેકવા માંડો." વૈદેહીએ કહ્યું.
વૈદેહીએ જે જે કહ્યું મનોજે બધું એને આપ્યું અને રીંગણ ધોઈ એને ગેસ પર શેકવાનાં શરૂ કર્યા. હજી તો પહેલું જ રીંગણ શેકાય રહ્યું હતું ત્યાં જ ગરિમાબેને મનોજને બૂમ પાડી બોલાવ્યો.
"મનોજ, બજારમાં જઈને મેડિકલમાંથી આ દવા લઈ આવ તો."
"જી મોટી બા." મનોજે ગરિમાબેનના હાથમાંથી પ્રિસ્ક્રીપ્શન લીધું અને બજારમાં જવા નીકળ્યો.
આ તરફ વૈદેહી મનોજની રાહ જોઈ રહી હતી. અડધી કલાક પછી પણ મનોજ નહીં આવ્યો ત્યારે વૈદેહીએ મનોજના નામની બૂમ પાડી ત્યારે ગરિમાબેન રસોડામાં આવ્યા અને કહ્યું,
"મારી દવા પૂરી થઈ ગઈ હતી તો મેં એને દવા લેવા મોકલ્યો છે. તારે એનું કંઈ કામ હતું ?"
"નહીં આંટી. એ તો હું..."
"તારાથી ન થાય તો તું રહેવા દે. હું બનાવી દઉં." ગરિમાબેને માથે હાથ મૂકી કહ્યું.
"નહીં આંટી. તમારી તબિયત સારી નથી. હું બનાવી દઈશ. તમે આરામ કરો." વૈદેહીએ કહ્યું અને ફરીથી કામે લાગી ગઈ.
આમ તો વૈદેહી પર બાળપણથી જ રસોઈની જવાબદારી આવી ગઈ હતી એટલે એને કોઈ તકલીફ નહતી પણ સમય ઓછો અને રસોઈ વધુ બનાવવાની હોવાથી એને કોઈ મદદ કરે એવું એ વિચારતી હતી. પણ ગરિમાબેનનું માથું દુખતું હોવાથી એણે એમને કંઈ કહ્યું નહીં અને આમ પણ પોતે ગરિમાબેનની મદદ કઈ રીતે માંગી શકે ? એવું પણ વૈદેહીએ વિચાર્યું.
પોતે ઓછા સમયમાં બધું કઈ રીતે બનાવી શકશે ? એવા વિચારો એનાં મગજમાં દોડી રહ્યાં હતાં. એક તો પહેલીવાર એને આ ઘરમાં કોઈએ કામ સોંપ્યું અને એમાં જ જો એ નિષ્ફળ ગઈ તો ? એ વિચારી વૈદેહીએ એની ઝડપ વધારી. થોડીવારમાં શિખા ત્યાં આવી. એણે વૈદેહીને આમ રસોઈ કરતાં જોઈ તો એને ગમ્યું નહીં.
"વૈદુ, તું કેમ રસોઈ બનાવે છે ? મનોજ ક્યાં છે ?"
"મનોજભાઈ મમ્મીની દવા લેવા ગયા છે એમની તબિયત ખરાબ છે. તો મને થયું કે હું રસોઈ બનાવી દઉં." વૈદેહીએ કહ્યું.
"પણ તારો હાથ ?"
"મારો હાથ સારો થઈ ગયો. તું એની ચિંતા નહીં કર." વૈદેહીએ કહ્યું.
"વૈદેહી, જો તને હાથમાં દુઃખાવો થતો હોય તો તું આરામ કર. હું રસોઈ બનાવી દઈશ." ગરિમાબેન રસોડામાં આવી બોલ્યાં.
"ના આંટી. તમે આરામ કરો. હું બનાવી દઈશ." વૈદેહીએ કહ્યું.
ગરિમાબેન હોલમાં જઈને બેસી ગયા. શિખા થોડીવાર ઉભી રહી. વૈદેહીનો હાથ જોઈ એણે કહ્યું,
"ચાલ, હું તારી હેલ્પ કરું."
વૈદેહીએ એને ના કહ્યું પણ શિખાએ એની વાત ન માની અને એની હેલ્પ કરવા માંડી. શિખાની હેલ્પથી વૈદેહી એ સવા સાત સુધીમાં બધી રસોઈ તૈયાર કરી દીધી. જો કે ગરિમાબેનને શિખાનું આમ વૈદેહીને મદદ કરવું ગમ્યું નહીં.
********
બીજી તરફ વૈદેહી અને શિખાને ઘરે છોડી સાર્થક સૌથી પહેલા હોસ્પિટલ ગયો. ત્યાં ડોક્ટર પાસેથી એમનાં ઘરનાં વોચમેન અને કૂકની અપડેટ મેળવી અને ડોક્ટરને એમનાં ઈલાજમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવા કહ્યું. વોચમેન અને કૂકને મળી એમને કોઈ ચિંતા ન કરવા કહ્યું.
હોસ્પિટલથી નીકળી એ પોલીસ સ્ટેશન ગયો. એસીપી ચતુર્વેદી એક ઈમાનદાર પોલીસ ઓફિસર હતા એ વાત સાર્થક જાણતો હતો તેથી એ એમને મળ્યો.
"સાર્થકજી, તમે બેફિકર થઈ જાવ. આ કેસ હવે મારા હાથમાં છે. એ સિરાજ પર તો હું એવા એવા સેક્શન લગાવીશ કે આખી જિંદગી જેલમાં સડતો રહેશે. બસ ગમે એ થાય તમે પીછેહઠ ન કરતાં." એસીપી ચતુર્વેદીએ કહ્યું.
"હું પીછેહઠ શા માટે કરું ? હું તો એ જ ઈચ્છું છું કે સિરાજને સજા મળે અને એ ક્યારેય જેલની બહાર ન આવે." સાર્થકે દાંત કચકચાવીને કહ્યું.
"ઈચ્છવું અને કરવું આ બેમાં બહુ ફર્ક છે સાર્થકજી. સિરાજને સજા મળે એવું તો દરેક જણ ઈચ્છે છે પણ કોઈ એનાં વિરુદ્ધ કંઈ કરતું નથી."
"પણ હું એમાંનો નથી. જ્યાં સુધી સિરાજને સજા નહીં મળે ત્યાં સુધી હું હાર નહીં માનું." સાર્થકે કહ્યું.
"અને એને સજા મળીને જ રહેશે. એનાં વિરુદ્ધ પૂરતાં પુરાવા મળી ગયાં છે. તો તમે જરાય ચિંતા નહીં કરો અને આ બધામાં તમારો હાથ હતો એ પણ બહાર નહીં આવે." એસીપી ચતુર્વેદીએ કહ્યું.
"Thank you sir. Thank you so much." સાર્થકે એસીપી ચતુર્વેદી સાથે હાથ મિલાવી કહ્યું.
આ બધામાં સાંજનાં ચાર થઈ ગયા. રજનીશભાઈએ સાર્થકને ઘરે જતા રહેવા કહ્યું હતું પણ સાર્થક ઓફિસ ગયો અને રજનીશભાઈની આગળની મિટિંગની તૈયારીમાં હેલ્પ કરી. બધું કામ પુરૂ કરતાં કરતાં પોણા સાત થઈ ગયા.
"પપ્પા, મેં મિસ્ટર વિલ્સન સાથે વાત કરી બે દિવસ પછીની ઓસ્ટ્રેલિયા ટિકિટ બુક કરી દીધી છે." સાર્થકે કાર ડ્રાઈવ કરતાં કરતાં કહ્યું.
"હમમ. તું એસીપીને મળ્યો ? શું કહ્યું એમણે ?" રજનીશભાઈએ પૂછ્યું.
"હા પપ્પા, એમને મળીને બધી વાત કરી લીધી છે." સાર્થકે એસીપી સાથે જે વાત થઈ એ બધી વાત રજનીશભાઈને કરી.
થોડીવાર બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. પણ પછી સાર્થકથી રહેવાયું નહીં અને એણે રજનીશભાઈ તરફ જોઈ કહ્યું,
"પપ્પા, તમે મારાથી નારાજ તો નથી ને ?"
"કેમ આવું પૂછે છે ?"
"મતલબ, વૈદેહીથી નારાજ તો નથી ને ? મતલબ સિરાજ એની સાથે સાથે શિખાને પણ નુકશાન પહોચાડવા માંગતો હતો તો કદાચ તમને એવું લાગે કે આ બધું વૈદેહીનાં કારણે..." સાર્થક બોલતાં અટકી ગયો.
રજનીશભાઈ એની તરફ જોઈ રહ્યાં અને કહ્યું,
"તને કેમ એવું લાગે છે કે આ બધાં માટે હું વૈદેહીને દોષી માનું છું. બેટા, સિરાજ જેવો ગુંડો જો કોઈ છોકરીને હેરેસ કરે તો એમાં એ છોકરીનો વાંક થોડો કહેવાય ! વૈદેહી પણ શિખાની જેમ જ મારી દીકરી છે. જો હું શિખાને દોષી નથી માનતો તો વૈદેહીને કેમ માનું ?"
એમની વાત સાંભળી સાર્થકને રાહત થઈ. એનાં મન પર જે બોજ હતો એ થોડા ઘણા અંશે ઓછો થયો. પણ હજી પણ ગરિમાબેનના મનની વાત એ જાણવા માંગતો હતો. ઘરે જઈ એ ગરિમાબેન સાથે વાત કરશે એમ વિચાર્યું. સાર્થકને આમ વિચારતો જોઈ રજનીશભાઈએ કહ્યું,
"ક્યાંક તું એવું તો નથી વિચારતો ને કે ગરિમા શું વિચારતી હશે ?"
"તમને કેવી રીતે ખબર પડી ? મેં તો એવું કંઈ કહ્યું નથી !" સાર્થકે પૂછ્યું.
"એમાં ન ખબર પડવા જેવું શું છે ? તેં મને પૂછ્યું કે હું વૈદેહી વિશે શું વિચારું છું તો તારા મનમાં ગરિમા વૈદેહી વિશે શું વિચારતી હશે એ પણ આવ્યું જ હશે ને ?" રજનીશભાઈએ ચોખવટ કરી.
"એકચ્યુલી, આજે સવારે મમ્મીએ ફક્ત શિખાને જ એને કંઈ થયું તો નથી એમ પૂછ્યું અને વૈદેહી તરફ જોયું પણ નહીં તો મને થયું કે..."
"બેટા, તું તો તારી મમ્મીને જાણે જ છે ને ? એ શિખાને લઈને કેટલી પઝેસિવ છે ? શિખાને સામાન્ય ખાંસી થઈ જાય તો પણ એ આખું ઘર માથે લઈ લે છે. શિખા સામે તો એને તું અને હું પણ દેખાતાં નથી તો વૈદેહી તો હમણાં જ આપણા ઘરમાં આવી છે એ ક્યાંથી દેખાઈ ? આવા નાહકના વિચારો નહીં કર. ગરિમા વૈદેહીને દોષી નહીં જ માને." રજનીશભાઈએ સાર્થકને સમજાવ્યું અને સાર્થકનાં ગળે એમની વાત ઉતરી પણ ગઈ. એને પણ લાગ્યું કે એ ગરિમાબેન વિશે ખોટું વિચારતો હતો.
થોડીવારમાં તેઓ ઘરે પહોંચી ગયા. ઘરમાં એન્ટર થતાં જ રજનીશભાઈએ રસોડામાંથી આવી રહેલી સુગંધને શ્વાસમાં ભરી.
"લાગે છે કે આજે તારી મમ્મીએ મારું ભાવતું ભોજન બનાવ્યું છે." રજનીશભાઈએ કહ્યું જે સાંભળી સાર્થક હસ્યો. ગરિમાબેન હોલમાં જ બેઠેલાં હતા તો એમણે પણ આ સાંભળ્યું અને ખોટો છણકો કરી કહ્યું,
"તમે તો એવી વાત કરો છો જાણે આ ઘરમાં પહેલીવાર તમારી પસંદગીનું કંઇક બન્યું હોય !"
"અરે બાબા હું એવું થોડો કહું છું. પણ આ સુગંધે મારા આખા દિવસનો થાક ઉતારી દીધો." રજીનીશભાઈએ ગરિમાબેનની બાજુમાં બેસીને કહ્યું.
"તો તો તમારે વૈદુનો આભાર માનવો જોઈએ પપ્પા. કારણ કે આજની રસોઈ એણે બનાવી છે." શિખાએ પગથિયાં ઊતરતાં ઊતરતાં કહ્યું.
"વૈદેહીએ ?" સાર્થક અને રજનીશભાઈએ એકબીજા તરફ જોયું.
"પણ ગરિમા, એની એક્ઝામ ચાલે છે. સવારે જે કંઈ થયું એ પછી એ ડિસ્ટર્બ હશે અને તેં એને રસોઈ બનાવવા માટે કહ્યું !" રજનીશભાઈએ થોડી નારાજગીના સ્વરમાં કહ્યું.
"હા રજનીશ હું જાણું છું બધું જ. પણ સવારથી મારું માથું દુઃખી રહ્યું છે. મને કંઈ ચેન નહતું પડતું. આપણાં મેઈન કૂક તો હોસ્પિટલાઈઝ છે અને મનોજને મેં મારી મેડીસિન લેવા મોકલ્યો હતો તો વૈદેહીએ બધું બનાવ્યું. મેં એને કહ્યું પણ ખરું કે હું બધું બનાવી દઈશ અને એની હેલ્પ કરવા પણ કહ્યું પણ એ માની જ નહીં." ગરિમાબેને દયામણું મોઢું કરી કહ્યું.
"પપ્પા, ઈટ્સ ઓકે. આ બધી વાતોનો કોઈ અર્થ નથી. આપણે ફ્રેશ થઈ જઈએ. મને બહુ ભૂખ લાગી છે." સાર્થકે કહ્યું અને ઉપર એનાં રૂમમાં ગયો. એણે જોયું તો વૈદેહી કબાટમાં બધાં કપડાં ગોઠવી રહી હતી. સાર્થકે જઈને એનાં હાથમાંથી કપડાં લઈ સાઈડ પર મૂકી દીધા.
"શું કરે છે તું ?" સાર્થકે પૂછ્યું.
"કબાટ સરખો કરું છું. જુઓ ને કેટલું અસ્તવ્યસ્ત છે બધું." વૈદેહીએ કહ્યું.
"ભલે રહ્યું. તારે એ બધું કરવાની કંઈ જરૂર નથી. અને આજે તારે રસોઈ બનાવવાની શું જરૂર હતી ?" સાર્થકે વૈદેહીને બેડ પર બેસાડી પૂછ્યું.
"એમાં શું મોટી વાત છે ? આંટીની તબિયત ખરાબ હતી, મનોજભાઈ એમની દવા લેવા ગયા હતા તો મેં રસોઈ બનાવી દીધી." વૈદેહીએ કહ્યું.
"પણ..."
"હવે ફ્રેશ થઈ જાવ. જમવાનું ઠંડુ થઈ જશે." વૈદેહીએ કહ્યું.
સાર્થક ફ્રેશ થઈ હોલમાં આવ્યો. વૈદેહી અને શિખા બંનેએ બધાની ડિશ તૈયાર કરી. પહેલું જ બટકું મોમાં મૂકતાં રજનીશભાઈ ખુશ થઈ ગયા. એમણે વારાફરતી બધું જ ચાખ્યું અને વૈદેહી તરફ જોઈ કહ્યું,
"વાહ વૈદેહી, તારા હાથમાં તો જાદુ છે જાદુ." એમણે ઊભા થઈ પોતાના ગળામાંથી સોનાની ચેઈન કાઢી વૈદેહીનાં હાથમાં મૂકી.
"અંકલ, આ ચેઈન !"
"આજે તારી આ ઘરમાં પહેલી રસોઈ છે ને તો આ મારા તરફથી તને આશિર્વાદ સ્વરૂપે નાનકડી ભેટ. જો પહેલાં ખબર હોત કે આજે તું રસોઈ બનાવવાની છે તો હું તારા માટે કંઈ બીજું લઈ આવતે."
"પણ અંકલ, આટલી મોંઘી ચેઈન હું કેવી રીતે લઈ શકું ? આ હું નહીં લઈ શકું." વૈદેહીએ ચેઈન રજનીશભાઈ તરફ લંબાવી કહ્યું.
"જરૂર લઈ શકે. તું આ ઘરની વહુ છે અને એથી વધારે દીકરી. હવે જો તેં આ લેવાની ના કહી તો હું કંઈ ખાઈશ નહીં."
વૈદેહીએ સાર્થક તરફ જોયું. એણે ઈશારાથી જ એ લઈ લેવા કહ્યું અને વૈદેહીએ આગળ કંઈ કહ્યું નહીં. ગરિમાબેને પણ વૈદેહીને એમનાં હાથમાં પહેરેલું સોનાનું કડું આપ્યું. જો કે એ આપતાં એમને કંઈ ખાસ ખુશી નહતી થઈ.
જમી લીધા પછી રજનીશભાઈએ શિખા અને વૈદેહીને વાંચવાનું કહ્યું અને બંને વાંચવા માટે જતી રહી. રજનીશભાઈ અને સાર્થક લેપટોપ લઈને બેઠાં જ્યારે ગરિમાબેન સોફા પર બેઠા.
'હું મારા પરિવારને કોઈ તકલીફમાં મુકાવા નહીં દઉં. અને મારા પરિવારને સુરક્ષિત રાખવા વૈદેહીએ તો આ ઘરમાંથી જવું જ પડશે.' ગરિમાબેને વિચાર્યું.
શું કરશે ગરિમાબેન વૈદેહીને ઘરમાંથી બહાર કાઢવા માટે ?